પ્રત્યેક પાંચ છોકરીઓમાં એક  છોકરી બાળલગ્ન પ્રભાવીત!

આજે બાળલગ્નની સમસ્યા કેમ ચીંતાજનક છે? બાળલગ્ન થવાને કારણે સ્ત્રીઓના જીવન પર કઈ નકારાત્મક અસરો પડે છે? શું The Sustainable Development Goal (SDG) પ્રમાણે આપણે 2030 સુધીમાં દેશને બાળલગ્ન મુક્ત બનાવી શકીશું?

પ્રત્યેક પાંચ છોકરીઓમાં
એક  છોકરી બાળલગ્ન પ્રભાવીત!

   ગૌરાંગ જાની

ભારતમાં બાળલગ્ન પ્રતીબંધક કાનુન વર્ષ 1929માં આવ્યો જે સારડા એક્ટ (the Sharda Act) તરીકે ઓળખાય છે. ત્યારપછી તેમાં સુધારા થયા અને આજે લગ્નની ઉમ્મર છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ છે. આ કાનુનની લગભગ એક સદી થવા આવી પણ આજે ભારતમાં પ્રત્યેક પાંચ છોકરીઓએ એક છોકરી અને પ્રત્યેક છ છોકરાઓએ એક છોકરો કાનુની ઉમ્મર પહેલાં પરણી ચુક્યા છે. અર્થાત્ બાળલગ્ન! એક મહીના પુર્વે 15 ડીસેમ્બરે THE LANCET  Global Healthમાં પ્રકાશીત એક અભ્યાસે ભારતમાં બાળલગ્નની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે. આ અભ્યાસ ત્યારે આવ્યો છે જ્યારે ભારતમાં બાળલગ્ન નાબુદ કરવાનું વર્ષ 2030 સામે દેખાય છે. The Sustainable Development Goal (SDG) પ્રમાણે આપણે 2030 સુધીમાં દેશને બાળલગ્ન મુક્ત બનાવવાનું છે.

આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે બાળલગ્નો ઘટાડવાની દીશામાં તો છીએ પણ હજુ ઘણું કરવાનું બાકી છે. વર્ષ 1993માં છોકરીઓમાં બાળલગ્નનું પ્રમાણ 49.4 ટકા હતું જે ઘટીને 2021માં 22.3 ટકા થયું છે. જ્યારે છોકરાઓમાં આ પ્રમાણ 7.1 ટકાથી ઘટી 2.2 ટકા થયું છે. અત્રે ઉલ્લેખીત અભ્યાસના તારણો ભારત સરકારની માહીતીને આધારે કરવામાં આવ્યા છે. નેશનલ ફેમીલી હેલ્થ સરવેના પાંચ સરવે 1993, 1999, 2006, 2016 અને 2021નું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. અભ્યાસમાં વર્ષ 1993થી 2021 દરમ્યાન 20થી 24 વર્ષની 3,10,721 સ્ત્રીઓ અને 43,436 પુરુષોની માહીતીનું વીશ્લેષણ કરવામાં આવ્યું છે.

આજે બાળલગ્નની સમસ્યા કેમ ચીંતાજનક છે તેના કારણો આપતાં અભ્યાસ સ્પષ્ટ કરે છે વર્ષ 1993થી 1999 દરમ્યાન ભારતના 20 ટકા (30માંથી 6) રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં બાળલગ્નોનું પ્રમાણ વધ્યું હતું, જ્યારે 1999થી 2006 દરમ્યાન 50 ટકા (30માંથી 15) રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં આ પ્રમાણમાં વધારો નોંધાયો હતો. જોકે વર્ષ 2006થી 2016 સુધી રાજ્યોમાં બાળ લગ્નો ઘટતાં ગયા છે; પરન્તુ વર્ષ 2019થી 2021 દરમ્યાન ભુતકાળની તુલનાએ બાળ લગ્ન ઘટવાની ગતી ધીમી પડી ગઈ.

LANCET અભ્યાસ પ્રમાણે વર્ષ 2021માં 1,34,64,450 છોકરીઓના બાળલગ્ન થયા અને 14,54,894 છોકરાઓના બાળલગ્ન થયા. આમ છોકરાઓ કરતાં ખુબ મોટા પ્રમાણમાં છોકરીઓને કાનુની ઉમ્મર પુર્વે પરણાવી દેવામાં આવી. ભારતમાં છોકરીઓના કુલ બાળલગ્નોમાં માત્ર ચાર રાજ્યોમાં 50 ટકાથી વધુ લગ્નો નોંધાયા. આ ચાર રાજ્યો અને તેમાં બાળલગ્નનું પ્રમાણ આ રહ્યું બીહાર (16.7 ટકા), પશ્ચીમ બંગાળ (15.2 ટકા), ઉત્તર પ્રદેશ (12.5 ટકા) અને મહારાષ્ટ્ર (8.2).

ચંદ્ર પછી સુર્ય પર સવારી કરવાનો ઉત્સાહ દેશભરમાં છે પણ બાળલગ્ન ઘટાડવા તરફ નીરાશા દેખાય છે. છોકરીઓના બાળલગ્ન થવાને કારણે તેની અનેક નકારાત્મક અસરો સ્ત્રીઓના જીવન પર પડે છે. સૌ પ્રથમ તો ભણવાનું છુટી જાય છે, જે શાળા ડ્રોપ આઉટ રેશીયોમાં જોઈ શકાય છે. વહેલા લગ્ન થવાથી અને શીક્ષણથી વંચીત રહેવાને કારણે નાની ઉમ્મરે માતા બનવું પડે છે. જેને કારણે એક તરફ બાળકોની સંખ્યામાં વધારો થાય છે તો માતા મૃત્યુ પ્રમાણ અને બાળ મૃત્યુ પ્રમાણમાં વધારો થવાની શક્યતા રહે છે. બાળકો અને માતા બન્ને કુપોષણનો ભોગ બને છે. આપણા ગુજરાતમાં પણ 20થી 24 વર્ષની પરણેલી સ્ત્રીઓમાં પ્રત્યેક ચારમાંથી એક સ્ત્રી બાળલગ્નવાળી છે અને તેમાંની પાંચ ટકા માતા પણ છે. બાળકોના કુપોષણમાં દેશમાં બીહાર પછી બીજા ક્રમે આપણું ગુજરાત છે તેમાં છોકરીઓના વહેલાં લગ્ન પણ એક જવાબદાર પરીબળ છે.

   ગૌરાંગ જાની

ફુલછાબ’ દૈનીક, રાજકોટની લોકપ્રીય કટાર દીવાદાંડી’માં તા. 8 ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકના અને ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી ગૌરાંગ જાની, અણમોલ પ્રકાશન, 13/152, પરીશ્રમ એપાર્ટમેન્ટ, ઠાકરશી હૉસ્પીટલ પાસે, સેટેલાઈટ, અમદાવાદ – 380 015 સેલફોન : 94260 68186 ઈ.મેલ : gaurang_jani@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  17–05–2024

Leave a comment