વીજ્ઞાન – સૌથી વધુ મુલ્યવાન પ્રાપ્તી

વીજ્ઞાનનાં સત્યોને કોઈ વંશીય યા સાંસ્કૃતીક પુર્વગ્રહો નડતા નથી. વીજ્ઞાનનો આંતરીક ગુણધર્મ જ એવો છે કે તે રાષ્ટ્રીય સીમાઓને ઉલ્લંઘી જાય છે. આજે કેવળ વીજ્ઞાન જ માનવજાતને ઉગારી શકે તેમ છે, જો વીજ્ઞાનના જ્ઞાન તથા વીનીયોગની સાથે સાથે જ વૈજ્ઞાનીક મનોવલણ (સ્પીરીટ) પણ પ્રગટે તો!

વીજ્ઞાન – સૌથી વધુ મુલ્યવાન પ્રાપ્તી

 રમણ પાઠક (વાચસ્પતી)

All our science, measured against reality, is primitive and childlike and yet it is the most precious thing we have. – ALBERT EINSTEIN

એક ભોજન–સભામાં વીખ્યાત અમેરીકી વીજ્ઞાની કાર્લ સગાને આમંત્રીત મહેમાનો સમક્ષ પ્રશ્ન મુક્યો કે, આપ સર્વમાં જેઓ 80 વર્ષની વય નજીક પહોંચી ચુક્યા હો, તેઓમાંથી કોણ આજે જીવતો હોત, જો એન્ટીબાયોટીક્સ ઔષધીઓ, અટપટી શસ્ત્રક્રીયાઓ, હૃદયનાં પેસમેકરો, અથવા અર્વાચીન તબીબી વીજ્ઞાનની અન્ય શોધો ના થઈ હોત તો?…. અને મહેમાનોમાંથી ફક્ત એક જ આંગળી ઉંચી થઈ.

વીજ્ઞાન કેવળ અણુબૉંબ નથી બનાવતું, ઝેરી વીકીરણો જ નથી ફેલાવતું સી.એફ.સી. જેવા ઓઝોન–પટલને છીન્નભીન્ન કરી નાખતા વાયુઓ જ નથી ઉત્પન્ન કરતું, માનવીના મગજને ભ્રમીત કરી નાખે એવા વાયુઓ, જેનો નાઝી જર્મનો પોતાના શત્રુ કેદીઓ પર પ્રયોગ કરતા એ કે હવા તથા પાણીને પ્રદુષીત કરતાં રસાયણો જ નથી બનાવતું, ‘કેટલાંક પ્રાણીઓ તથા વૃક્ષોનું નીકંદન જ કાઢી નાખે એટલી હદે પૃથ્વીના પર્યાવરણને પ્રદુષીત બનાવવાનું જ કૃત્ય વીજ્ઞાન નથી કરતું. અલબત્ત, થોડા નીર્બળ મનના, નૈતીક ભાવના વીહોણા, ધનલાલચુ તથા ગેરમાર્ગે દોરાયેલા અથવા તો મીથ્યા રાષ્ટ્રપ્રેમનો ભોગ બનેલા થોડા વીજ્ઞાનીઓએ તથા ટેકનોલૉજીસ્ટોએ ભ્રષ્ટ તેમ જ સત્તાઘેલા, પાગલ રાજકારણીઓના હાથમાં અમાપ તાકાત મુકી દઈ, આ સંસારને આવીતેવી અપરમ્પાર હાની પહોંચાડી તથા વીનાશ વેર્યો એ સાચું જ છે, છતાં કેવળ એ જ વીજ્ઞાન નથી. વીજ્ઞાને માનવજાતને અપરમ્પાર લાભો, સુખસગવડ, આરોગ્ય, સલામતી તથા એ સર્વેથી ઉપર તો માનવતાની ભાવના બક્ષી છે અને વીભક્ત વીશ્વને પરસ્પર નજીક લાવી, એકતા પ્રગટાવી છે. ગત મહાયુદ્ધમાં જેટલાં માનવીઓ માર્યાં ગયાં, એથી અનેકગણી માનવજીંદગીઓ તબીબી વીજ્ઞાને સાધેલી પ્રગતીથી તથા એની અવનવીન, અદ્ભુત શોધોથી તેમ જ ખેતીવાડીને ક્ષેત્રે સાધેલી ઉત્પાદક પ્રગતીથી બચાવી શકાઈ છે. એ જ વીજ્ઞાનદત્ત અભુતપુર્વ માનવતા છે. તે ઉપરાંત, વાહનવ્યવહાર, સંદેશવ્યવહાર, મનોરંજન તથા જ્ઞાનપ્રસારણે સમગ્ર માનવજાતને માનવતાના તંતુ વડે પરસ્પર એક કરી દીધી છે.

અર્વાચીન તબીબી વીજ્ઞાનની શોધો પુર્વેની બેત્રણ સદીના અન્ધકારયુગમાં, શરીરશાસ્ત્ર યા શસ્ત્રક્રીયાનું જ્ઞાન કોઈને જ નહોતું. ધર્મનીરપેક્ષ તબીબો ભાગ્યે જ જોવા મળતા, એથી પ્રાર્થનાઓ, મંત્રતંત્ર, બાધાઆખડી, દોરાધાગા, તથા ભુવાબડવાનું અનીયંત્રીત સામ્રાજ્ય પ્રવર્તતું હતું. કોલેરા કે પ્લેગ જેવા રોગચાળામાં ડાકલાં વાગતાં, ભુવા ધુણતા અને બકરાંમરઘાંથી માંડીને માનવ સુધ્ધાંના બલી દેવોને ચઢાવવામાં આવતા. કથાપાઠ, અભીમંત્રીત (પ્રદુષીત) જળ, જન્મકુંડળીઓ અને જ્યોતીષી વીધીવીધાનો તથા માદળીયા–ધાગાની બોલબાલા પ્રવર્તતી. અને છતાં જથાબંધ માનવી મરણશરણ થતાં, ગામનાં ગામ ઉજ્જડ થઈ જતાં. આજથી સો વર્ષ પુર્વે જ ગુજરાતમાં ફેલાયેલા પ્લેગના રોગચાળાના ભયંકર વીનાશને તાજેતરમાં સુરતને ડસી ગયેલા પ્લેગના દુષ્પરીણામ સાથે સરખાવવાથી વીજ્ઞાનના આવા પરમ આશીર્વાદનો અંદાજ આવશે. એ જીવનરક્ષણનો બધો યશ ટેટ્રાસાયક્લીન કે એવી એન્ટીબાયોટીક્સની વૈજ્ઞાનીક શોધને ફાળે જ જાય છે. ત્યારે ધર્મ કેવળ લાચારીથી હાથ જોડીને બેસી રહ્યો–કદાચ સદીઓ સુધી! છેલ્લાં પાંચ હજાર વર્ષમાં ધર્મે એવી એક પણ નવી શોધ નથી આપી, જે માનવીના ગૌરવ યા તેના સુખનું સંવર્ધન કરે. એથી ઉલટું, આજેય એવા કેટલાક ધર્મો તથા પ્રાચીનતાવાદી ઉપચાર– પદ્ધતીઓ પ્રચલીત છે કે જે રોગના કારણરુપ જીવાણુ તથા વીષાણુનાં (જર્મ્સ, બૅક્ટેરીયા અને વાયરસ) અસ્તીત્વ તેમ જ નાશનો વીરોધ જ કરે છે! કેટલાક તો જંતુનાશકોના પ્રયોગને જ પાપ માને છે અને આધુનીક દવાઓ લેવા કરતાં મરવું બહેતર, એમ માની પોતાનાં નીર્દોષ સંતાનોને મૃત્યુના મુખમાં હોમી દે છે. આયુર્વેદ, મુત્રચીકીત્સા, મેગ્નેટ ચીકીત્સા, પ્રાકૃતીક ઉપચાર પદ્ધતી, રેકી, પીરામીડ, યોગ, રંગચીકીત્સા, એક્યુપ્રેશર– એમાંનું કંઈ જ સંપુર્ણ વૈજ્ઞાનીક એવી એલોપથીની તોલે આવી શકે જ નહીં.

રોગકારક જંતુઓ તથા વીષાણુ (વાયરસ)ની સમગ્ર વીરાટ વીનાશક આલમ આજે તબીબી વીજ્ઞાને સર કરી લીધી છેઃ દવાઓ, ઈંજેક્શનો, ડી.એન.એ. તથા જનીન ઉપચાર પદ્ધતીથી મૃત્યુને જબરજસ્ત પરાજીત કરવામાં આવ્યું છે. શીતળા તથા પોલીયોની ખતરનાક બીમારીથી માસુમ ભુલકાં મુક્ત થયાં છે. આદીમ શીકારી યુગમાં માનવ અયુષ્યની મર્યાદા વીસથી ત્રીસ વર્ષની હતી. છેક 1950ના વર્ષ સુધી ભારતવાસીની સરેરાશ આયુમર્યાદા પચીસ વર્ષની હતી, જે આજે વધીને લગભગ સાઠ પર પહોંચી છે. જેનું મુખ્ય કારણ બાળમરણનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે એ છે અને એ ચમત્કાર આધુનીક (એલોપેથીક) તબીબી વીજ્ઞાનનો જ છે. આજે પશ્ચીમના સુધરેલા દેશોમાં માનવીનું સરાસરી આયુષ્ય પુરાં 80 (એંસી) વર્ષને આંબી ગયું છે.

બાળમરણનો ઉલ્લેખ આવ્યો જ છે, તો એક રસપ્રદ ઉદાહરણ ટાંકીએ, જે મધ્યકાલીન માનવજીવનની મજબુરીનું દ્યોતક છે : ગ્રેટ બ્રીટનના શાસકવંશોમાં, સ્ટુઅર્ટ વંશની છેલ્લી રાણી એન હતી, જે નીર્વંશ જતાં સ્ટુઅર્ટ વંશનો અંત આવ્યો. રાણી એન નીર્વંશ જવાનું કારણ એ નહોતું જ કે તે વંધ્યા હતી; એથી ઉલટું, તે એના જીવનમાં 18 (અઢાર) વાર ગર્ભવતી બની હતી; પરન્તુ એમાંથી ફક્ત પાંચ જ બાળકો જીવતાં જન્મી શક્યાં હતાં, જેમાંનું વળી એક જ જીવી ગયું, બાકીનાં ચારેય શીશુવયમાં જ મરણશરણ થયાં; પરન્તુ એ કમનસીબ રાણીનું દુર્ભાગ્ય એટલેથી જ અટક્યું નહીં. 1702માં એના રાજ્યારોહણ પુર્વે જ પેલો એક માત્ર જીવંત બાળક પણ યુવાનીમાં પ્રવેશે એ પહેલાં જ સ્વર્ગપ્રવેશ કરી ગયો! અને અઢાર અઢાર વાર ગર્ભ ધારણ કરનારી સ્ટુઅર્ટ રાણી એન નીર્વંશ જતા, પ્રસ્તુત વંશની છેલ્લી રાણી બની રહી! ઈતીહાસ સાક્ષી પુરે છે કે રાણીના પ્રજનનતંત્રમાં કોઈ ખામી નહોતી અને સારવાર માટે અઢળક નાણાં તે ખર્ચી શકતી હતી; પરન્તુ આવી લાચાર કરુણાંતીકાનું એક માત્ર કારણ તબીબી વીજ્ઞાનનો અભાવ જ હતો. અપરમ્પાર પ્રાર્થનાઓ, શાહી કર્મકાંડ, બાધાઆખડી, મંત્રતંત્ર આદી તમામ પ્રયોગોમાંથી એક પણ ધાર્મીક–આધ્યાત્મીક ઉપચાર રાણી એનનાં કુમાર–કુમારીનું જીવન બચાવી શક્યાં નહીં. ખેર, તબીબી વીજ્ઞાનનાં પ્રગતી તથા આશીર્વાદનું વર્ણન જરા વધુ પડતું લંબાઈ ગયું, તો ક્ષમાયાચના!

જોકે વીજ્ઞાનોમાં તબીબી વીજ્ઞાન સંભવતઃ સૌથી વધુ માનવતાવાદી, સંપુર્ણ નીરપેક્ષ તથા કશાય અંતરાય રહીત એવું પુર્ણતઃ આંતરાષ્ટ્રીય વીજ્ઞાન છે… હવે અન્ય ક્ષેત્રની ઘટનાઓ જોઈએ. ફક્ત માંડ સો વર્ષ પહેલાં જ આપણા ગુજરાતમાં છપ્પનીયો દુકાળ પડેલો, જ્યારે ભુંડી ભુખનાં માર્યા માણસ માણસને, અરે આકુળવ્યાકુળ માબાપ પોતાનાં માસુમ સંતાનને ભરખી ગયેલાં – એજ ‘માનવીની ભવાઈ’ના સર્જક શ્રી પન્નાલાલે નોંધ્યું પણ છે. જોકે સંવત 1956ના આ વીનાશક દુકાળ વખતેય ટ્રેન વ્યવસ્થા સ્થપાઈ ચુકી હતી અને અંગ્રેજોના સુધરેલા શાસનને પરીણામે, સરકારી વહેંચણી–પદ્ધતીથી ભુખ્યાને અનાજ પુરું પાડવામાં આવતું હતું. તેમ છતાં લાખો માણસ મરણશરણ થયેલું. એ પહેલાં ઈ.સ. 1630ની સાલમાં આ ગુજરાતમાં જ જે ભયંકર દુકાળ પડ્યો, એમાં તો જબરો માણસ રીતસર નબળા માણસનો શીકાર કરી, એને રાંધીને ખાઈ જતો! યુગ ત્યારે મધ્યકાલીન હતો અને રાજ્ય મોગલોનું (શાહજહાન) હતું, જે કાળ તથા શાસનેમાં પ્રજાહીતની અથવા પ્રજાના રક્ષણની કોઈ રાજનીતી યા આચારસંહીતા જ નહોતી, ઉપરાંત અમલદારો આજની જેમ પાકા લાંચખાઉ હતા. વધુમાં એક સ્થળેથી બીજે સ્થળે અનાજ પહોંચાડવા સાધનરુપે માત્ર બળદગાડાં ત્યાં ઉંટ કે ઘોડા હતા, જેઓ જેટલો જથ્થો પહોંચાડી શકે એથી વધુ તો પોતે જ હજમ કરી જતા!

આમ તો ગુજરાતમાં દરદાયકે એકબે દુષ્કાળ ક્યાંક ને ક્યાંક પડે જ છે અને પાક નીષ્ફળ જાય છે. છતાં ભુખમરો, દુકાળનાં ભીષણ દૃષ્યો કે માણસ માણસને ખાઈ જાય એવી રાક્ષસી ઘટનાઓ આજે કેવળ ભુતકાળની દંતકથારુપ બની ચુકી છે. આ સુખશાંતીનો યશ મુખ્યત્વે યા ફક્ત વીજ્ઞાનને ફાળે જ જાય છે. મોંઘવારી, વહેંચણી–વ્યવસ્થાની બીનકાર્યક્ષમતા યા ભ્રષ્ટાચારને પરીણામે આજે ભારતભરમાં ક્યાંક ને ક્યાંક લોકો ભુખે મરતા રહે છે ખરા – એ જુદી વાત છે યા તો આપણી આઝાદીની કમનસીબી છે. બાકી, વીકસીત દેશોએ વીજ્ઞાનનો પુર્ણ વીનીયોગ કરીને ભુખમરો, રોગચાળા તથા તંગી–અભાવને સદંતર દેશવટો દઈ દીધો છે. આપણે ખરેખર કમનસીબ પ્રજા છીએ : 1933ના જર્મનીની પરીસ્થીતી વીશે લીયો ટ્રોટ્સ્કીએ જે લખ્યું છે તે આજના ભારતનેય તંતોતંત લાગુ પડે છે :

‘કેવળ ખેડુતોની ઝુંપડીઓમાં જ નહીં; પરન્તુ મહાનગરોની ગગનચુંબી ઈમારતોમાં પણ વીસમી સદીની જોડાજોડ જ તેરમી સદી પણ જીવી રહી છે. દેશના દસ કરોડ (ભારતના નેવું કરોડ) પ્રજાજનો વીજળીનો ઉપયોગ કરે છે અને છતાં માને છે કે, જયોતીષશાસ્ત્ર સાચું જ છે તથા મંત્રતંત્રથી ચમત્કારીક કાર્યો સીદ્ધ થઈ શકે છે. સીનેતારકો અને રાજનેતાઓ સીદ્ધ કહેવાતા મહાત્માઓની આગળપાછળ આંટા મારતા ફરે છે… અન્ધકાર, અજ્ઞાન તથા અસંસ્કારીતાના અગાધ મહાસાગરમાં દેશ કેવો ડુબકી મારી રહ્યો છે !…’ બોલો, 1933ના જર્મની અને 1997ના ભારત વચ્ચે અહીં કોઈ ફરક દેખાય છે ખરો ?

કાર્લ સગાન લખે છે કે, ‘વીજ્ઞાનનાં સત્યોને કોઈ વંશીય યા સાંસ્કૃતીક પુર્વગ્રહો નડતા નથી. વીજ્ઞાનનો આંતરીક ગુણધર્મ જ એવો છે કે તે રાષ્ટ્રીય સીમાઓને ઉલ્લંઘી જાય છે. આજે કેવળ વીજ્ઞાન જ માનવજાતને ઉગારી શકે તેમ છે, જો વીજ્ઞાનના જ્ઞાન તથા વીનીયોગની સાથે સાથે જ વૈજ્ઞાનીક મનોવલણ (સ્પીરીટ) પણ પ્રગટે તો !’ આરંભે ટાંકેલ અવતરણમાં, આઈન્સ્ટાઈન કહે છે ‘વીરાટ વીશ્વની વાસ્તવીક્તા સમક્ષ આજનું વીજ્ઞાન ભલે સાવ પ્રાથમીક કોટીનું એવું બાલ્યાવસ્થાનું ગણાય, તેમ છતાં માનવજાતે પ્રાપ્ત કરેલી પ્રસ્તુત સીદ્ધી આપણી સૌથી વધુ મુલ્યવાન પ્રાપ્તી છે.’

✒   રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં :  381 મુલ્યરુપીયા 200/-) તે પુસ્તકમધુપર્કમાંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન|વહોટ્સ એપ : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03/06/2024

6 Comments

    1. ફરી ફરી લેખ માણી તમને આનન્દ થયો એટલે મારો પરીશ્રમ સફળ… ધન્યવાદ. પ્રજ્ઞાદીદી,

      Like

Leave a comment