ભણેલા કે અભણ? સભ્ય સમાજ પર સવાલ

આજના ધંધાડુ સમય ને સમાજમાં ‘માર્કેટીંગ’ સામે ‘મુલ્યો’ અને ‘સનસનાટી’ સામે ‘સત્ય’ હારી જાય છે. બીજી બાજુ મેલા કપડાંવાળાં, સારું અંગ્રેજી ન બોલી શકતા, હાંસીયાની પેલે પાર ધકેલાઈ ગયેલાઓની આપણે મજાક ઉડાવીએ છીએ ત્યારે ઈસ્ત્રી-ટાઈટ લોકોના દંભને પણ તપાસી લેવો જોઈએ.

ભણેલા કે અભણ?
સભ્ય સમાજ પર સવાલ

 સંજય છેલ

ટાઈટલ્સ
ભણવું, ગણવું ને નકામું અવગણવું બધું જરુરી.
છેલવાણી

એક ઉંટવાળાએ રાત્રે રેગીસ્તાનમાં ઉંટને ઉભું રાખ્યું અને એક ખીલા પાસે એને બાંધવાને બદલે ખીલાની આસપાસ દોરી છુટ્ટી મુકી દીધી. આ જોઈને બીજા પ્રવાસીએ પુછ્યું, ‘તમે ખીલા સાથે દોરી બાંધી નહીં. ઉંટ, ભાગી નહીં જાય?’

ઉંટવાળાએ કહ્યું, “ના. ઉંટ, માની લેશે કે ખીલા સાથે દોરી બાંધેલી છે, કારણ કે એ ભણેલું નથીને!” અભણ ઉંટવાળાને અબુધ ઉંટ પર માણસ કરતાં વધુ શ્રદ્ધા હતી.

જેમ કે, આજેય સમાજમાં ભણેલા એટલે સારા લોકો જ હોય એવી જનરલ છાપ છે. સંસ્કૃતમાં સુભાષીત છે : ‘સાક્ષર વીપરીત બને છે ત્યારે રાક્ષસ બની જાય છે.’ ‘સાક્ષર’નું ઉંધું ‘રાક્ષસ’! વર્ષોથી આપણે દેસી, અભણ, ગમાર, ગામડીયા… વગેરે શબ્દોથી અનએજ્યુકેટડ લોકો પર કે નેતાઓ પર હસતા રહ્યા છીએ અને અભણ નેતાઓ કે અભણ પ્રજાએ જ દેશનો દાટ વાળ્યો છે. એમ? ચાલો, આજે ‘ભણેલાઓની ભવાઈ’ દેખાડું. જુઓ, કેટલાક ક્લાસીક કેસ :

કોંગ્રેસ નેતા શશી થરુર, વીદેશમાં બહુ ભણ્યા છે, અંગ્રેજીમાં ફર્રાટીથી બોલે છે ને પુસ્તકો લખે છે. વીદેશનીતી અને ઈતીહાસના પંડીત છે. ‘એક્સ’ (‘ટ્વીટર’) પર સુવીચારો મુકે છે, પણ મોકો મળતાં ગરીબો કે મીડલ-ક્લાસના લોકોને ‘કેટલ ક્લાસ’ કે ‘ઢોર વર્ગ’ના કહીને ઉતારી પણ પાડે છે!… પરન્તુ જે ઉત્સાહથી આપણે અભણ ને કરપ્ટ લાલુ પ્રસાદ યાદવની નૌટંકી પર કે ઘાસચારા કૌભાંડ પર હસીએ છીએ એ જ આક્રમકતાથી ભણેલા વ્હાઈટ-કોલર નેતાઓ કે લોકો પર તીખા પ્રહારો કરીએ છીએ?

મહાન દેશભક્ત નેતા લોકમાન્ય તીલક, નારીઓના પુનર્વીવાહના પ્રખર વીરોધી હતા. હજી આજે પણ થોડાં વરસ અગાઉ દીલ્હીની ‘ભણેલી’ માતાએ, પત્રકાર દીકરી નીરુપમાનું ખુન કરી નાખ્યું, કારણ કે એને દીકરીનો બીજી જાતીમાં પ્રેમવીવાહ મંજુર નહોતો! સંભાજી બ્રીગેડના નેતા અને સમાજસેવક ગુરુજી સંભાજી ભીડેજી થોડાક જ મહીના પહેલાં એક લેડી પત્રકારને કહેલું કે પહેલાં કપાળે ચાંદલો લગાડીને આવ, પછી ઈન્ટરવ્યુ આપીશ!

તાનશાહ ને કોમવાદી નેતા હીટલરના જર્મનીમાં અનેક વૈજ્ઞાનીકો, લેખકો, પ્રૉફેસરોએ લાખો યહુદીઓના કત્લેઆમમાં ઘાતકી હીટલરના નાઝીઓને ખુલ્લેઆમ સાથ આપેલો. વીદ્વાનો કે ભણેલાઓની પણ ચામડી ખોતરો તો એમાંય અંદરથી નફરતનું ઝેર નીકળી શકે. પ્રકાંડ પંડીતો પણ હીંસક હોઈ શકે.

ટાઈટલ્સ
બચ્ચોં કે છોટે હાથોં કો ચાંદ સીતારે છુને દો,
ચાર કીતાબેં પઢકર યે ભી હમ જૈસે હો જાયેંગે
નીદા ફાઝલી

‘ગીતાંજલી’ જેવી નોબેલ વીજેતા રચના લખનાર કવીગુરુ ટાગોરે, ‘ઢાકામાં યુનીવર્સીટી ન જ બનવી જોઈએ અને ત્યાંના ગરીબોને ભણવાની શી જરુર છે?’ જેવી વીચીત્ર દલીલ કરેલી. જમીનદારો વીરુદ્ધ સમાન હક અને ‘ખેડે તેની જમીન’ માટે લડનારા કોમ્યુનીસ્ટોને ‘લાલમુખી વાનર’ કહ્યા હતા. વળી, ‘જો અમીરો ને ગરીબોમાં સમાનતા આવી જશે તો અમીરો, ગરીબોને દાન નહીં આપી શકે, અમીરોને સારા કર્મ કરવાની સગવડ નહીં રહે’ એવી એમની માનવતાવીરોધી થીયરી હતી! આખી જીંદગી બ્રહ્મોસમાજમાં ધર્મ નીરપેક્ષતાની વાત કરનાર ટાગોરે ખુદનાં સંતાનોના વીવાહ માટે ઉચ્ચ જાતીની વ્યકીતને જ પસંદ કરવાની જીદ કરેલી! અહીં આ સૌ મહાનુભાવોની બુરાઈનો બીલકુલ આશય નથી, પણ સત્ય એ છે કે ભલભલા ભણેલાની અંદર પણ એક અધુરો માણસ વસે છે, કારણ કે દરેક માણસ, ‘શતખંડ’ હોય છે. એટલે કે સહુની અંદર 100થી વધારે ટુકડાઓ-હીસ્સાઓ છુપાયેલા હોય છે. ભણેલા પણ શતખંડના ખંડેર જેવા ખોખલા હોઈ શકે.

‘વ્હાઈટ-કોલર’ ગુના કરનારા કાળા કોટવાળા કાબેલ વકીલો, માર્કેટને લુંટવાનું શીખવતી મેનેજમેન્ટ સ્કુલો અને પ્રજાને લુંટનારી કોર્પોરેટ કંપનીઓ માટે હાવર્ડ ભણેલાઓની ફૌજ તૈનાત હોય છે. પેસ્ટીસાઈડવાળાં પીણાં કે ગુટકા માટે બોલીવુડના ગુણવાન કલાકારો, પૈસા માટે જાહેરાતો કરે જ છેને? ‘ગાંધીગીરી’ શીખવનાર ફીલ્મ-ડીરેકટર, ‘શીક્ષક દીવસ’ નીમીત્તે શરાબની સરોગેટ કે છુપી જાહેરાતમાં ચમકે છે ને બીજી બાજુ ગોવીંદા-મીથુનનાં કપડાં કે લટકા પર હસનારો આપણો સમાજ, ભણેલાઓની ડાહી વાતોમાં આવી જાય છે.

આપણી ભોળી પ્રજામાં ‘ઈમેજ’ વેચાય છે. સારાં કપડાં અને સુંવાળી ભાષા વડે લોકો કોઈને પણ ‘સારો માણસ’ ગણી લે છે. અમીતાભ કે ગુલઝાર જેવા ગંભીર અવાજને લોકો, આત્માનું ઉંડાણ માની લે છે. બમ્પર-સ્ટીકર છાપ સસ્તી ફીલોસોફી લખનાર ચાલુ લેખક-લેખીકાઓ કે સસ્તા સ્પીકરોને ભોળા લોકો, ગંભીર સાહીત્યકાર કે ગહન ચીંતક માની બેસે છે.

આજના ધંધાડુ સમય ને સમાજમાં ‘માર્કેટીંગ’ સામે ‘મુલ્યો’ અને ‘સનસનાટી’ સામે ‘સત્ય’ હારી જાય છે. બીજી બાજુ મેલા કપડાંવાળાં, સારું અંગ્રેજી ન બોલી શકતા, હાંસીયાની પેલે પાર ધકેલાઈ ગયેલાઓની આપણે મજાક ઉડાવીએ છીએ ત્યારે ઈસ્ત્રી-ટાઈટ લોકોના દંભને પણ તપાસી લેવો જોઈએ.

એક પાદરીએ વરસો મહેનત કરીને આફ્રીકાનાં માનવભક્ષી જંગલીઓને સુધાર્યાં અને માણસને ખાવાની આદત છોડાવી. એકવાર એ જંગલીઓએ યુદ્ધના સમાચાર સાંભળ્યા, જેમાં હજારો લોકો મરાયેલા. જુની આદતવશ, એક જંગલી બોલી ઉઠ્યો : ‘વાહ! આટલા બધાને ખાવાની કેવી મજા પડી હશેને?’

‘એ બધાને ખાવા માટે નથી માર્યા.’ પાદરીએ કહ્યું.

‘જો એ લોકોને ખાવાના જ નથી તો માર્યા શા માટે?’ જંગલીએ પુછ્યું…

પણ પાદરી પાસે સવાલનો જવાબ નહોતો.

જ્યારે ભણેલ લોકો, નફરતી ટુચકાઓ કે એસ.એમ.એસ. ફેલાવે કે સંભળાવે છે ત્યારે અમારી હાલત, પેલા પાદરી જેવી જ થઈ જાય છે. કોઈ ડીનર પાર્ટીમાં આવું થાય ત્યારે હું કહું છું: ‘વેરી ફની, બોલો શું લેશો? ચા કે કોફી કોઈ ડ્રીંક? ચલો, બીજી બાજુએ જઈએ, ત્યાં થોડા ક્લાસી લોકો છે. લેટ્સ ટ્રાય!’

એન્ડ ટાઈટલ્સ
આદમ : તું કેટલી ભણેલી છે?
ઈવ : તને સમજવા જેટલી.

  સંજય છેલ

દીવ્ય ભાસ્કર’ દૈનીક (તા. 24 માર્ચ, 2024)ની રવીવારીય પુર્તીમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘રાગ બિન્દાસ’માંથી, લેખકશ્રીના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. સંજય છેલ ઈ.મેલ : sanjaychhel@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 7/06/2024

8 Comments

  1. આભાર ગોવીન્દભાઈ. ઘણું બધું નવું જાણવાનું મળ્યું. ખાસ કરીને શશી થરુર વીશે મારો મત બહુ જ બુદ્ધીશાળી કાબેલ નેતા છે એવો હતો. એમના વીચારો આ પ્રકારના હશે એ જાણી આશ્ચર્ય થયું.

    Liked by 1 person

  2. શ્રી સંજય છેલના લેખ ‘સમાજમાં ‘માર્કેટીંગ’ સામે ‘મુલ્યો’ અને ‘સનસનાટી’ સામે ‘સત્ય’ હારી જાય છે. બીજી બાજુ મેલા કપડાંવાળાં, સારું અંગ્રેજી ન બોલી શકતા, હાંસીયાની પેલે પાર ધકેલાઈ ગયેલાઓની આપણે મજાક ઉડાવીએ છીએ ત્યારે ઈસ્ત્રી-ટાઈટ લોકોના ‘દંભ‘ને પણ તપાસી લેવો જોઈએ.’નો અમારા જેવા અનેકોના અનુભવો માટે જન જાગ્ર્તિ કરવા બદલ ધન્યવાદ

    હજુ વધારે પ્રચારની જરુર છે

    Liked by 1 person

Leave a comment