ડૉ. અબ્રાહમ ટી. કોવુર

વીવેકબુદ્ધીવાદની ધુણી ધખાવનાર જગવીખ્યાત ડૉ. અબ્રાહમ ટી. કોવુર પ્રથમ અને એકમાત્ર એવા વૈજ્ઞાનીક હતા, જેમને મન સમ્બન્ધી અને પરામન સમ્બન્ધી વર્તનોનાં સંશોધન માટે અમેરીકાની ‘મીનસોટા ઈન્સ્ટીટયુટ ઑફ ફીલોસોફી’એ પીએચ.ડી.ની પદવીથી નવાજ્યા હતા.

ડૉ. અબ્રાહમ ટી. કોવુર

– સોમાભાઈ પ્રજાપતી અને
– ડૉ. જેરામ જે. દેસાઈ

શ્રીલંકાના ‘બુદ્ધીનીષ્ઠ (રૅશનાલીસ્ટ) સંઘ’ના પ્રમુખ ડૉ. અબ્રાહમ ટી. કોવુર, પ્રખર બૌદ્ધીક, તર્કવીદ અને નીષ્ણાત મનોરોગચીકીત્સક તરીકે વીશ્વવીખ્યાત હતા. એક વૈજ્ઞાનીકને નાતે પચાસથી વધુ વર્ષો સુધી તેમણે કહેવાતી આત્મશક્તી, પરામનશક્તી અને આધ્યાત્મીક શક્તી દર્શાવતા બનાવોનું અથાગ સંશોધન કર્યું હતું. અંતે તેઓ એવા નીષ્કર્ષ પર આવ્યા હતા કે આવા દાવાઓ અને માન્યતાઓમાં કોઈ પ્રકારની વસ્તુલક્ષી સચ્ચાઈ નથી. વીશ્વમાં મન સમ્બન્ધી પ્રક્રીયાઓમાં સંશોધનો કરતા વૈજ્ઞાનીકો પૈકી તેઓ પ્રથમ અને એકમાત્ર એવા વૈજ્ઞાનીક હતા, જેમને મન સમ્બન્ધી અને પરામન સમ્બન્ધી વર્તનોનાં સંશોધન માટે અમેરીકાની ‘મીનસોટા ઈન્સ્ટીટયુટ ઑફ ફીલોસોફી’એ પીએચ.ડી.ની પદવીથી નવાજ્યા હતા. ડૉ. કોવુરની દલીલ એ હતી કે આત્મશક્તી, પરામનશક્તી અને અધ્યાત્મશક્તીઓ ધરાવવાનો દાવો કરનારા કાં તો ઠગભગત છે, કાં તો માનસીક અવ્યવસ્થાને કારણે ‘ક્રીપ્ટસ્થેસીયા’ના રોગથી પીડાતી વ્યક્તીઓ છે.

અમેરીકાના ‘અર્નેસ્ટહેકલ કેન્દ્ર (ઈકોલૉજી સેન્ટર)’ની સંશોધન ટુકડીમાં ડૉ. કોવુર એક માત્ર એશીયન વૈજ્ઞાનીક તરીકે પસંદગી પામ્યા હતા; પરન્તુ તેમનાં પત્નીની લાંબી માંદગી અને પછી અવસાનના કારણે, તેઓને આ આમંત્રણ નકારવું પડ્યું હતું,

લોકોને અન્ધશ્રદ્ધાને બદલે બુદ્ધીને આધારે ચાલવાનું શીખવનાર ડૉ. કોવુરનો જન્મ 1898ના એપ્રીલની દશમી તારીખે કેરળ રાજ્યના તીરુવલ્લા ગામે, રેવરન્ડ પાદરી કોવુર એઈપ થેમ્મા કથ્થના૨ના કુટુમ્બમાં થયો હતો. તેમના પીતા મલબારના, માર થેમ્મા ચર્ચના ‘વીકાર જનરલ’ હતા.

તીરુવલ્લા ખાતે સીરીયન ઈસાઈ પાદરીઓ માટે તેમના પીતાએ શરુ કરેલ તાલીમ શાળામાં શાળાકીય શીક્ષણ લીધા બાદ, તેઓ ઉચ્ચ શીક્ષણ માટે કલકત્તા ગયા હતા. ત્યાં તેમણે બંગાળી કૉલેજમાં પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતીશાસ્ત્રના વીષયોમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું,

ત્યાર પછી કેરળની કોટ્ટામય શહેરની સી. એસ. કૉલેજમાં વનસ્પતીશાસ્ત્રના મદદનીશ વ્યાખ્યાતા તરીકે બે વર્ષ સેવા આપ્યા બાદ તેઓ શ્રીલંકાની જાફના સેન્ટ્રલ કૉલેજના આચાર્યના આમંત્રણને સ્વીકારી, 1928માં જાફના કૉલેજમાં જોડાયા હતા. તે સમયે જ તેમણે દેશાંતર કરીને શ્રીલંકામાં સ્થાયી થવું પસંદ કર્યું હતું. તેઓ શ્રીલંકાના નાગરીક બન્યા હતા.

પહેલે વર્ષે તેમને સ્નાતક વર્ષના વીદ્યાર્થીઓને વનસ્પતીશાસ્ત્ર ઉપરાંત ધર્મશાસ્ત્રના વીષયનું શીક્ષણ આપવાનું કહેવામાં આવ્યું. કેમ્બ્રીજ યુનીવર્સીટી સાથે સંલગ્ન આ કૉલેજનું પરીણામ આવ્યું ત્યારે ડૉ. કોવુરના બધા વીદ્યાર્થીઓ ધર્મશાસ્ત્રના વીષયમાં પ્રથમ વર્ગ અને ઉચ્ચ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થયા હતા. આમ છતાં, બીજે વર્ષે ધર્મશાસ્ત્રનો વીષય, ઉપ–આચાર્ય રેવરન્ડ ગીબનને સોંપવામાં આવ્યો. ડૉ. કોવુરે આચાર્યને આ ફેરફારનું કારણ પુછ્યું તો તેમણે સસ્મીત જવાબ વાળ્યો, “અબ્રાહમ, હું જાણું છું કે તમે ધર્મશાસ્ત્રના વીષયમાં શ્રેષ્ઠ પરીણામ લાવી આપ્યું છે. તમારા સર્વ વીદ્યાર્થીઓ પાસ થયા છે; પરન્તુ તે બધાએ ધર્મમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી છે.”

1948માં ડૉ. કોવુર, ગેલ ખાતેની રીચમન્ડ કૉલેજમાં જોડાયા હતા અને ત્યારબાદ માઉન્ટ લેવીનીયાની સંત થોમસ કૉલેજમાં જોડાયા હતા. 1958માં તેઓ નીવૃત્ત થયા ત્યારે કોલમ્બોની થ્રસ્ટન કૉલેજમાં વીજ્ઞાન વીભાગના અધ્યક્ષ હતા.

શ્રીમતી અક્કા કોવુર તેમના પતીને સંશોધન અને વ્યવસાયમાં પુરો સહયોગ આપતાં હતાં. શ્રીલંકન રૅશનાલીસ્ટ સંઘની સ્થાપનાના સમયથી તેઓ તેનાં ખજાનચી હતા. મુક્ત વીચારકોની વીશ્વ પરીષદમાં તેમણે પણ ડૉ. કોવુર સાથે હાજરી આપી હતી. નવેમ્બર, 1974માં તેઓ મૃત્યુ પામ્યાં. આ અંગેની અખબારી મૃત્યુનોંધે, સંસદ સહીત સમગ્ર શ્રીલંકામાં ખળભળાટ મચાવ્યો હતો. આ મૃત્યુનોંધ સર્વ સ્થાનીક અખબારોમાં આવી હતી; પરન્તુ શ્રીલંકા બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશને તેમના મૃત્યુની જાહેરાતની ઉદ્ઘોષણા યાદીમાં આ મૃત્યુનોંધને સમાવવાનો ઈન્કાર કર્યો હતો.

ડૉ. કોવુરના જીવન અને કાર્યનાં અનેકવીધ પાસાં હતાં. તેમાંનું એક અન્ધશ્રદ્ધા, વહેમ, ચમત્કારો અને અવૈજ્ઞાનીક માન્યતાઓની સામે લડવાની બૌદ્ધીક અને સંવેદનશીલ ધગશ ખાસ મુખ્ય હતું. તેમણે જીંદગીભર જીવન, કુદરતી પ્રક્રીયાઓ અને ઘટનાઓ, માનસીક પરીવર્તનો અને બાહ્ય જગતને લગતા વીજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. જે બૌધીકો તેમના સ્વાર્થ ખાતર ભોળાં જનોને ભરમાવતા તેમને ડૉ. કોવુર કદાપી સાંખી શક્યા નહી.

ડૉ. કોવુરે ભારતમાં અને વીશ્વમાં દૈવી શક્તીઓ ધરાવતા લોકોને, આધીભૌતીક શક્તીઓનો દાવો કરનારાઓને તેમની દૈવીશક્તી બતાવવા માટે 1963માં રુપીયા એક લાખનાં ઈનામોનો જાહેર પડકાર ફેંક્યો હતો. તેમના એ પડકારની નકલો વીશ્વની બધી ભાષાઓમાં, બધા દેશમાં મોકલી હતી; પરન્તુ આજદીન સુધી કોઈ માઈનો લાલ આ પડકાર ઝીલવા આગળ આવ્યો નથી.

આવા વીવેકબુદ્ધીવાદની ધુણી ધખાવનાર જગવીખ્યાત પણ વીવાદાસ્પદ ડૉ. અબ્રાહમ ટી. કોવુરે, કોલમ્બો ખાતે, 80 વર્ષની પાકટ વયે 18 સપ્ટેમ્બર, 1978ના દીને છેલ્લા શ્વાસ છોડ્યા, તેમને 21મા વર્ષે મુત્રાશયનું કેન્સર થયું હતું અને પાંચ વખત હૃદય પર સખત હુમલા થયા હતા. તેમ છતાં, સામાન્ય રીતે સ્વસ્થ અવસ્થામાં જ તેમને દેહવીલય થયો. આ હકીકત બતાવે છે કે તેમની ઈચ્છાશક્તી (વીલ પાવર) કેટલો મજબુત હતો!

તેમની વીવેકબુદ્ધીવાદી, માનવતાલક્ષી વીચારસરણી અનુસાર તેમણે કોલંબોની તબીબી કૉલેજને તેમના દેહનું દાન કર્યું હતું અને મદ્રાસની હૉસ્પીટલને ચક્ષુદાન આપ્યું હતું. આ ચક્ષુઓથી બે અન્ધ વ્યક્તીઓ પુનઃ દેખતી થઈ હતી.

અમેરીકાના પરા–મનોવીજ્ઞાની પ્રોફેસર જે. બી. રહાઈને પેરા–સાયકોલૉજીના નકલી વીજ્ઞાન (સ્યુડો સાયન્સ)ને પ્રચલીત કરવા અમેરીકાની ડયુક યુનીવર્સીટી, નોર્થ કોરોલીનામાં એક અલગ ડીપાર્ટમેન્ટ શરુ કર્યું હતું, તેઓ તેના ડીરેક્ટર હતા. તેમણે પરા–મનોવીજ્ઞાનના વીષયો, જેવા કે આધ્યાત્મીક કે અલૌકીક શક્તી, ટેલીપથી (દુરવીચાર સંક્રમણ), છઠ્ઠી ઈન્દ્રીયનું જ્ઞાન (એકસ્ટ્રાસેન્સરી પરસેપ્શન–ઈ.એસ.પી.) વગેરે પર સંશોધનો કરાવી ઘણાને પીએચ.ડી.ની પદવી અપાવી હતી. પરન્તુ ડૉ. કોવુર અને અમેરીકાના જેમ્સ રેન્ડીએ આ સંશોધનો સામે પડકાર ફેંકી, તેમનાં બધાં પરીણામો વાહીયાત છે એવું સાબીત કર્યું. પરીણામે રહાઈનના ઉપરોક્ત ડીપાર્ટમેન્ટને, ડ્યુક યુનીવર્સીટીએ બંધ કરાવી દીધું અને બધાની પીએચ.ડી.ની પદવી પાછી ખેંચી લેવામાં આવી. ત્યારબાદ આ નકલી વીજ્ઞાન પર કોઈ સંશોધનો થયાં નથી.

ડૉ. કોવુરને ગુજરાતમાં બોલાવી રૅશનાલીસ્ટ વીચારો રજુ કરાવવા 1975માં અમદાવાદ, જવાહરનગરના કેરળવાસીઓએ પ્રયત્ન કર્યો હતો. ડૉ. કોવુરે તેમની ત્રીજી ‘દૈવી ચમત્કાર વીરોધી પ્રચાર યાત્રા’ યોજી, પાખંડીઓને ખુલ્લા પાડ્યા હતા.

ઈ.સ. 1976માં કોવુરે ચોથી ‘દૈવી ચમત્કાર વીરોધી પ્રચાર યાત્રા’ યોજી હતી. આ પ્રચાર યાત્રાને ગુજરાતમાં સફળ બનાવવામાં વડોદરાના શ્રી. કમળાશંકર પંડ્યાએ મહત્ત્વની કામગીરી બજાવી હતી.

ડૉ. કોવુર આજે આપણી વચ્ચે નથી. છતાં તેઓ જેને માટે જીંદગીભર ઝુઝ્યા, તે આખરે સીદ્ધ થશે જ. ડૉ. કોવુરના આ શતાબ્દી વર્ષમાં, માનવી અજ્ઞાન અને અન્ધશ્રદ્ધાના દરીયામાંથી બહાર આવશે તેમ જ ‘વીશ્વ અને માનવ’ના વૈજ્ઞાનીક જ્ઞાનના માર્ગદર્શન હેઠળ દુનીયાભરમાં એક થશે ત્યારે જ ડૉ. કોવુરનું સ્વપ્ન સાકાર થશે. આપણે તેમાં સહભાગી બનીએ, અસ્તુ,

– સોમાભાઈ પ્રજાપતી અને
– ડૉ. જેરામ જે. દેસાઈ

લેખક–સમ્પર્ક :
(1) શ્રી સોમાભાઈ પ્રજાપતી, 1, વીવેકાનન્દ વાડી, વલ્લભ વીધાનગર રોડ, આણંદ
(2) ડૉ. જેરામ જે. દેસાઈ, વહેમ – અન્ધશ્રદ્ધા નિવારણ કેન્દ્ર, નડીયાદ. સેલફોન નંબર : 87803 85795

રૅશનાલીસ્ટ પ્રવૃત્તીના સંનીષ્ઠ, સક્રીય અને કર્મનીષ્ઠ કાર્યકર્તા ડૉ. જેરામ જે. દેસાઈએ ભાતીગળ ગુજરાતી સમાજને પ્રચલીત અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર કાઢવા માટે વહેમ–અન્ધશ્રદ્ધા નીષેધગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : ડૉ. જેરામ જે. દેસાઈ, વહેમ–અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર, વલ્લભ વીદ્યાનગર – નડીયાદ; બીજી આવૃત્તી : 2007; પાનાં : 606 મુલ્ય : રુપીયા 40/-] આ ગ્રંથના દસ વીભાગો છે. તેનો પ્રથમ વીભાગ ‘જરા આટલું તો વીચારીએ?’માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10/06/2024

2 Comments

Leave a comment