યુવાવર્ગમાં વીલ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, કારણ કે…

સમય–સંજોગનાં પરીવર્તન સાથે રોકાણનાં સાધનો, એસેટ્સ ડીજીટાઈઝેશન, સંયુક્ત પરીવારોનાં વીભાજન, પારીવારીક વીવાદો, જીવનની અનીશ્ચીતતા સહીત અનેક ઘટના પણ આકાર લઈ રહી છે. બહેતર છે કે જેમની પાસે ધન–સમ્પત્તી સારા પ્રમાણમાં હોય એ પોતાના પરીવાર–પ્રીય–સ્વજનોનાં હીતમાં વસીયતનામું બનાવી લે.

યુવાવર્ગમાં વીલ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે,
કારણ કે… 

✒   જયેશ ચીતલીયા

૨વીની ઉમ્મર 40 વર્ષની છે. એ મલ્ટીનૅશનલ કમ્પનીમાં સારા પગારે કામ કરે છે. એણે અત્યારથી જ પોતાનું વસીયતનામું બનાવી રાખ્યું છે. મેઘના હજી હમણાં 37ની થઈ. એ પણ પોતાનું વીલ તૈયાર કરી રહી છે તો 45 વર્ષના રોહીતે એ માટે પોતાના ફાઈનાન્સીયલ પ્લાનરની સલાહ લેવા માંડી છે.

બીજી બાજુ, બીઝનેસમૅન મહેશભાઈ 65ના થયા છે; પણ એમણે હજી વસીયતનામું બનાવવાનો વીચાર કર્યો નથી. હીનાબહેન બે વરસ પહેલાં બૅન્કની નોકરીમાંથી નીવૃત્ત થયાં છે. એમની પાસે સારીએવી બચત–મીલકત છે; પરન્તુ એમને અત્યારે વીલ બનાવવાની જરુર લાગતી નથી. આમ જુની પેઢી ઉમ્મરના ઢળતા પડાવ પર હોવા છતાં વીલ બનાવવા ઉત્સુક નથી કે વીચારતી નથી, જ્યારે હજી 35થી 45 વર્ષની વચ્ચેની નવી પેઢી વીલનો વીચાર જ નહીં, એ બનાવવાનો અમલ પણ કરવા લાગી છે. અલબત્ત, એ ચાહે ત્યારે વીલમાં ફેરફાર કરી શકે છે; પણ એણે એક વીલ તો બનાવ્યું જ છે. આજની પેઢી માને છે કે જીવનમાં ફાઈનાન્સીયલ પ્લાનીંગ સાથે વીલ બનાવી રાખવું પણ આવશ્યક છે. 2020–2021ના કોવીડના કપરા કાળે યુવાપેઢીમાં બચત–રોકાણ સાથે વીલનાં મહત્ત્વનાં બીજ રોપી દીધાં હતાં, જે હવે ધીમે ધીમે નવી જનરેશનમાં ટ્રેન્ડ બનતો જાય છે. કમનસીબે, જુની પેઢી હજી પણ આ બાબતે હોવી જોઈએ એટલી જાગ્રત થઈ નથી.

વીલ બનાવવાનું મહત્ત્વ :

કોવીડ કાળમાં અનેક લોકોનાં અણધાર્યાં મોત જોયા બાદ અને હવેના સમયમાં તબીબી વીજ્ઞાનના વીકાસ વચ્ચે પણ યુવાવયમાં હાર્ટ અટેક, બ્રેન સ્ટ્રોક, ડાયાબીટીસ, કૅન્સરના વધતા કીસ્સા, વગેરેએ યુવાપેઢીને વીલ બનાવવાની નક્કર શીખ આપી છે. ઉંચા પગાર સાથે કામ કરતા યુવા અધીકારીઓ અને વીવીધ વ્યવસાયમાં સફળ કારકીર્દી ધરાવતા યુવાનોમાં પોતાના પરીવારનાં હીતમાં વીલ બનાવી રાખવાનું મહત્ત્વ વધતું રહ્યું છે. આ લોકો જીવનની વાસ્તવીકતા અને અનીશ્ચીતતાનો સ્વીકાર કરતાં થઈ ગયા છે. પોતાના આકસ્મીક મૃત્યુ બાદ પરીવારજનો–સ્વજનોને મીલકત મેળવવામાં મુશ્કેલી ન પડે અને આ કામ સરળતાથી પાર પડે એ ઉદ્દેશ સાથે આજની યુવાપેઢી જીવનના મધ્ય પડાવમાં જ વીલ બનાવી લેવાનું મુનાસીબ માનવા લાગી છે.

અલબત્ત, અમેરીકા, બ્રીટન તથા જર્મની જેવા વીકસીત દેશોમાં આ ટ્રેન્ડ લાંબા સમયથી દેખાય છે. આપણે ત્યાં કોવીડ બાદ આ માનસીકતાને વેગ મળવાનો શરુ થયો, જો કે હજી આ ટ્રેન્ડ મુમ્બઈ, બેંગલુરુ, દીલ્હી, હૈદરાબાદ, પુણે, વગેરે શહેરો પુરતો મર્યાદીત છે. કંઈક અંશે ગુજરાતનાં ચોક્કસ શહેરોમાં પણ આ જાગ્રતી આવી છે.

સમય સાથે તાલ મીલાવવામાં સાર :

છેલ્લાં અમુક વરસોમાં નવી પેઢીમાં અને ઓવરઑલ સમાજમાં ફાઈનાન્સીયલ લીટરસી આર્થીક સાક્ષરતા–સમજણ–જાગૃતી વધતાં ગયાં છે. લોકો માત્ર પગાર, પ્રોવીડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી કે બૅન્ક એફડી સુધી જ પોતાની બચત માટે સીમીત રહ્યા નથી, બલકે શૅરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, વીવીધ સરકારી નવી કરબચત યોજના, ક્રીપ્ટોકરન્સી વગેરેમાં પણ પોતાનું રોકાણ કરી રહ્યા છે.

જેમ જેમ લોકોની એસેટ્સ અને એની વરાઈટી વધે એમ એની વહેંચણીની જવાબદારી પણ વધી કહી શકાય. હજી તો ડીજીટલ એસેટ્સનો જમાનો વધવાનો છે. કૅશ–રોકડા રુપીયા અને સોના જેવી મીલકત પણ ચાલુ રહેશે; પણ એનું ફીઝીકલ પ્રમાણ ઘટી શકે. જ્યારે બદલાતા સમય સાથે રોકાણજગતમાં અને વીલના સન્દર્ભમાં ઘણા ફેરફાર આવી શકે છે. સંયુક્ત પરીવારોનાં વીભાજન અને વીભક્ત કુટુંબના વધી રહેલા કીસ્સા પણ નવા સંજોગો ઉભા કરશે, આવામાં વીસયતનામું અથવા સક્સેસન પ્લાન બનાવવાનું કાર્ય વધુ ને વધુ મહત્ત્વનું પણ બનશે.

નવી પેઢીમાં જાગૃતી… જુની પેઢીમાં અવઢવ :

જાણીતા સર્ટીફાઈડ ફાઈનાન્સીયલ પ્લાનર કલ્પેશ આશર ચીત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે: ‘વીલ બનાવવાની બાબતે યુવાવર્ગમાં જાગૃતી આવી છે એ વાત સાચી; પણ કમનસીબે હજી આપણા સમાજની જુની પેઢીમાં આ વીષયની અપેક્ષીત જાગૃતીનો અભાવ જણાય છે. બીજું,

કોવીડનો કાળ યુવાનોને વીલ બનાવવાની પ્રેરણા આપી ગયો એમ ભલે કહેવાતું હોય; પરન્તુ વાસ્તવમાં એ તો નીમીત્ત ગણાય. બાકી, કોવીડ વીના પણ મરણની કોને ખબર હોય છે? મરણ માટે તો અનેક કારણ નીમીત્ત બની શકે છે. તેમ છતાં જ્યારથી જાગ્યા ત્યારથી સવાર.’

આમ પણ છેલ્લાં અમુક વરસોમાં દેશમાં આર્થીક સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં યંગ જનરેશન સક્રીય રહી છે. ખાસ કરીને ઉચ્ચ મધ્યમ વર્ગ, કૉર્પોરેટ્સમાં મોટા–સારા હોદ્દા પર કામ કરતા અને ઉંચાં સૅલરી પૅકેજ ધરાવતા વર્ગમાં આ સમજ ઝડપથી ફેલાઈ રહી છે. જો કે કલ્પેશ આશર ઉમેરે છે કે મોટે ભાગે યુવાવર્ગ ઑનલાઈન માર્ગે વીલ બનાવી લે છે, જેમાં એમને ફોર્મેટ તૈયાર મળે છે. એમ ભલે થાય; પણ વીલ બનાવનારે એની ફીઝીકલ કૉપી રાખવી, વીલ રજીસ્ટર્ડ કરાવવું અને પોતાના પરીવારજનોને એની જાણ કરવી સલાહભર્યું છે, અન્યથા એનો હેતુ નહીં સરે. આજના સમયમાં વ્યક્તીએ દરેક મહત્ત્વની આર્થીક બાબતો–નીર્ણયોની જાણ પરીવારના સભ્યોને કરવી આવશ્યક છે.

વર્કીંગ કપલ જુદાં જુદાં વીલ બનાવે :

આમ તો કોરા કાગળ પર પણ વીલ લખ્યું હોય તો ચાલે છે; પણ પરીવાર મોટો હોય, એસેટ્સ વધુ અને જુદા જુદા પ્રકારની હોય તો એ વીશે વીલમાં વ્યવસ્થીત સ્પષ્ટતા થવી જોઈએ. એને કાનુની સ્વરુપ આપી દેવામાં વધુ સાર ગણાવતાં કલ્પેશ આશર કહે છે કે યુવાવર્ગમાં પતી અને પત્ની બન્ને વર્કીંગ હોય અને સારી આવક ધરાવતાં હોય તો બન્નેએ પોતાનું અલગ અલગ વીલ બનાવવું હીતાવહ છે. ભવીષ્યમાં એમની વચ્ચે કોઈ કારણસર વીવાદ થાય અને છુટા પડવાની નોબત આવે તો આ જુદાં વીલ એમને અને સંતાનો– પેરન્ટ્સને સંભવીત મગજમારી કે ઝંઝટોમાંથી મુક્ત રાખી શકે. જેમની ઉમ્મર 55–60 આસપાસ પહોંચી ગઈ છે એ દંપતી જોઈન્ટ વીલ બનાવી શકે.

નેગેટીવ અસર શું હોઈ શકે ?

ઈન્વેસ્ટમેન્ટ પ્લાનીંગ અને વીલ સક્સેસન પ્લાનના એક્સ્પર્ટ મયંક શાહ ચીત્રલેખાને કહે છે : ‘વીલ બનાવવાના લાભ ઘણા છે તો વીલ ન બનાવવામાં ગેરલાભ અને નકારાત્મક અસર સંભવ છે. વીલ એ સકસેસન પ્લાનનો મુખ્ય દસ્તાવેજ કહી શકાય.’

આજે યુવાવર્ગ પણ વીલ બનાવવા બાબતે જાગ્રત થયો હોવાની વાતને આવકારતાં મયંક શાહ ઉમેરે છેઃ ‘વીસીયતનામું બનાવતી વખતે વ્યક્તીના મનમાં પુર્ણ સ્પષ્ટતા હોવી જોઈએ. અલબત્ત, પછીથી એમાં ફેરફાર કરવાનો અવકાશ છે; પણ વીલ જેટલું સ્પષ્ટ–પારદર્શક હશે એટલો એનો અમલ સરળ બનશે, પોતાના અવસાન બાદ પોતાની મીલકત પરીવારજનોને કે પોતાના કાનુની વારસદારોને અથવા એ વ્યક્તી જેને પણ આપવા ચાહે છે એને તકલીફ કે લાંબીલચક કાનુની વીધી વીના એ મીલકત મળી શકે એવું પ્લાનીંગ વીલમાં સ્પષ્ટ હોવું જોઈએ, અન્યથા વીલ કાનુની ગુંચવણોમાં અટવાઈને વીલંબ અથવા વીવાદ સર્જી શકે છે. મયંક શાહના મતે જે વ્યક્તી વીદેશમાં પણ પોતાની એસેટ્સ ધરાવતી હોય એણે ફોરેન એસેટ્સ અને ભારતીય મીલકતનાં જુદાં જુદાં વીલ બનાવવાં જરુરી છે, કારણ કે જે–તે દેશના કાનુન એને લાગુ પડે છે.

યુવાવયે માત્ર વીલ બનાવી દેવાથી એનું કામ પુર્ણ થઈ ગયું એવું માની શકાય નહીં, યુવાને એ વીલને કાનુની અર્થમાં યોગ્ય–વૅલીડ બનાવ્યું હોવું જોઈએ. આ વીષયમાં માત્ર ઈમોશન્સથી કામ ચાલી શકે નહીં. દરેક એસેટ્સ માટે જુદી કાનુની જોગવાઈ પણ હોઈ શકે એ ધ્યાનમાં રાખીને એનું પાલન કરવું મહત્ત્વનું છે.

વસીયતનામા વીશે કલ્પેશ આશર એક સચોટ વીધાન કરતાં કહે છે કે વીલ ઈઝ ઓન્લી ઍક્ટીવ વ્હેન અ પર્સન ઈઝ ડેડ (વીલ ત્યારે જ કાર્યરત બને છે જ્યારે જેનું વીલ છે એ વ્યક્તીનું અવસાન થાય છે). વીલનો એક આધાર પરીવારનું માળખું કેવું છે એના પર પણ રહે છે. મોટેભાગે વ્યક્તીએ એમને જ નોમીની રાખવા યોગ્ય ગણાય, જેમને એ પોતાનો વારસો આપવા માગે છે. એ રીતે મીલકત ટ્રાન્સફરનું કાર્ય વધુ સરળ અને ઝડપી બની શકે.

વીલના મહત્ત્વનાં પાસાં સમજી લો…

વીલ માત્ર અંગ્રેજી ભાષામાં જ બની શકે એવું ફરજીયાત નથી, વ્યક્તી પોતાની માતૃભાષા કે પ્રાદેશીક ભાષામાં પણ વીલ બનાવી શકે છે. વીલ કોરા કાગળ પર પણ બની શકે, એની વૅલીડીટી પુરવાર કરતી બાબતોનું ધ્યાન રાખવું પડે. નીર્દીષ્ટ સ્ટૅમ્પ પેપર્સ પર અને રજીસ્ટર્ડ વીલ કાનુની દૃષ્ટીએ વધુ અસરકારક ગણાય. નોમીનેશન અને વીલમાં સમાન નામો હોય તો વધુ સરળતા રહે છે.

વીલના એક્ઝીક્યુશન માટે એક એક્ઝીક્યુટરની નીમણુક જરુરી છે, જે કોઈ વીશ્વાસુ વ્યક્તી હોવી જોઈએ. બે સાક્ષી પણ આવશ્યક હોય છે. વસીયતનામું ધારો એટલી પણ વાર બનાવી શકાય છે અર્થાત્ એમાં કાયમ ફેરફાર સંભવ છે, જો કે મરણ પહેલાં બનાવેલું છેલ્લું વીલ વૅલીડ રહે છે.

એક વાર વીલ રજીસ્ટર કરાવ્યા બાદ જ્યારે પણ એમાં ફેરફાર કરાય ત્યારે એ ફરી રજીસ્ટર કરાવવું પડે છે.

✒  જયેશ ચીતલીયા

ચીત્રલેખા’ની લોકપ્રીય કટાર ‘વ્યાપાર–વીશ્વ’માં તા. 29 જાન્યુઆરી, 2024ના રોજ પ્રગટ થયેલ લેખમાંથી લેખકના અને ચીત્રલેખાના (પ્રકાશક : શ્રી મૌલીક કોટક, 25, અન્ધેરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઑફ વીરા દેસાઈ રોડ, અન્ધેરી (વેસ્ટ), મુમ્બઈ – 400053, વાર્ષીક લવાજમ : રુપીયા 2,700/– અને વીદેશમાં લવાજમ : રુપીયા 12,500/–) સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14-06–2024

10 Comments

  1. completed the age of 80 last month. Govt of Gujarat officers at the time of their retirement are imparted a few days a sort of advisory training for a post-retirement period covering topics on health care, approach and attitude along with life lessons, etc. where financial advice, etc. are highlighted for safeguard life after retirement. This training includes will preparation with all materials, and specimens but most guys like me do not act as though are pondering over it. Once 2 years back I wrote to a practicing CA  or financial planner who had given a lecture along with doctors from different faculty to a group of 70/75 senior citizens in Ahmedabad-13 specifically whether a couple can make will of together, but he could not reply. My query is whether a couple can do such “will” as many old-aged couples travel to foreign countries jointly only. If anybody can clarify this point even with a specimen it may help such people who are thinking of having a will made jointly.

    Liked by 2 people

    1. ધન્યવાદ… વડીલ પ્રવીણચંદ્રજી,

      Like

  2. USA law…
    : If you don’t have a will, then whatever assets you own when you die will pass under a set of laws that are set out in the state in which you live, and those laws differ from state to state. Not every state provides for the same set of rules governing who the beneficiaries are that will inherit your assets. In North Carolina, for example, many people believe that if you pass away and you’re married, your spouse will receive a hundred percent of what you own, but that is not true. In North Carolina, a spouse will receive anywhere from one-third to one-half of the person’s assets, and if there are children, children might receive the rest, or if there are parents, the spouse might end up having to split the assets with the person who passed away, with that person’s parents, which often produces an unintended result.

    Liked by 1 person

  3. સુરક્ષિત ભવિષ્ય માટે જીવનમાં નાણાકીય આયોજન જરૂરી છે. અચાનક અને અણધાર્યા સંજોગોમાં પરિવારના સભ્યોના ભવિષ્યને ધ્યાનમાં લેવું જોઈએ દા.ત. મૃત્યુ. આવા કેટલાક કિસ્સાઓમાં, જટિલ બાબતો ઊભી થાય છે દા.ત. વારસો, ઘરના અન્ય લોકોની સુખાકારી, બાકીની મિલકત માટે ઊભી થતી કાનૂની બાબતો વગેરે. ઉપરાંત, એવી ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે કે કુટુંબના વડાએ તેની પત્ની અને/અથવા તેના બાળકો સાથે, SURVIVORSHIP. અધિકારની શરત સાથે સંયુક્ત બેંક ખાતું ખોલવું જોઈએ. શરત કે ખાતું કોઈપણ એક સહીથી ચલાવવામાં આવે. આવા કિસ્સામાં, સંયુક્ત બેંક ખાતાધારકોમાંથી કોઈ એકના મૃત્યુની સ્થિતિમાં, બચી ગયેલા વ્યક્તિઓમાંથી કોઈ એક સરળતાથી, કાયદેસર રીતે આવા સંયુક્ત બેંક ખાતામાંથી કોઈપણ સમયે પૈસા ઉપાડી શકે છે.

    Liked by 1 person

  4. તેથી, ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે કે કુટુંબના વડાએ વિલ લખવું જોઈએ, તેને નોંધણી/નોટરાઈઝ કરાવવું જોઈએ અને ઉપર સમજાવ્યા મુજબ સંયુક્ત બેંક ખાતું પણ ખોલવું જોઈએ.

    Liked by 1 person

  5. It is a very nice and useful article about WILL which can help to all of us. Always mention about first and second beneficiary name in your investment accounts. It is much better to pay lawyer’s fee and get “WILL” done in a proper way. It will help all family members.

    Liked by 1 person

Leave a comment