રોગ, યોગ અને આરોગ્ય

 પ્રા. રમણલાલ પાઠકે એમની રસાળ શૈલીમાં અનેકાનેક વીષયોને અછડતો યા ઉંડાણપુર્વક સ્પર્શ કર્યો છે. આરોગ્ય, યોગ, તંત્ર, આત્મહત્યા, દયામૃત્યુ, યજ્ઞ આદી જીવનનાં તમામેતમામ (ફક્ત રમતગમત તથા સીનેમા સીવાય) ક્ષેત્રો વીશે તેઓએ વીચાર્યું છે ને લખ્યું છે; જેના અહીં થોડા નમુના … … …

રોગ, યોગ અને આરોગ્ય

   રમણ પાઠક (વાચસ્પતી)

નવસારીથી ‘એક વૃદ્ધજન’નો પત્ર છે; જેઓ પોતાનું નામ જાહેર નહીં કરતાં, લખે છે : ‘આપ યોગ, આસન, પ્રાણાયામ, કસરત વગેરે નહીં કરવાની સલાહ આપો છો. હું આ બધું મારી વૃદ્ધ ઉમ્મરે કરું છું, કોઈ ફાયદો નથી. તો આ વીષય ઉપર એક આખો લેખ લખવા વીનંતી છે, તો મોટો ઉપકાર થશે. હું આવું બધું કરું છું; છતાં કોઈ ને કોઈ તકલીફ રહે જ છે. મેં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે; એમાં આ બધાંનાં ખુબ ગુણગાન ગાયેલાં છે. જે વાંચી હું આવું બધું કરવા પ્રેરાયો છું… દીવસમાં ચારપાંચ કપ ચા પીનારા સારી તંદુરસ્તી ભોગવે છે; જ્યારે હું ચા પીતો નથી; તો પણ કાંઈ ને કાંઈ તકલીફ રહે છે.”

સ્વ. હર્ષદભાઈ શુક્લ, જેઓ મારા પરમ મીત્ર હતા, તેઓને અંજલી આપતાં મેં લખેલું કે, આસન, પ્રાણાયામ, યોગ જેવી ક્રીયાઓ કરવા જેવી નથી અર્થાત્ જોખમી છે. ખરેખર, મીત્ર હર્ષદભાઈ મારા કરતાં ખડતલ હતા, જીવનવાદી, કર્મયોગી પુરુષ હતા; ખુબ નીયમીત તથા આહારવીહારમાં સંયમી હતા; એમની કીડનીને હાની પહોંચી ને મારા કરતાં ઘણી નાની ઉમ્મરે તેઓનું અવસાન થયું. એ પહેલાં મેં તેઓને વાતવાતમાં આમ કહેલું કે, યોગાદી પ્રયોગો અવૈજ્ઞાનીક છે, અર્થાત્ એના લાભ વીજ્ઞાનસીદ્ધ નથી. માટે શરીર જેવા નાજુક યંત્ર ઉપર આવી અજમાયશો જોખમી બની જવા સંભવ. એમાંય ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં તો આવા પ્રયોગો સંપુર્ણ ત્યજવા યોગ્ય જ છે વગેરે… અને ખરેખર તેઓની બાબતમાં તો એ જીવલેણ જોખમી સીદ્ધ થયા જ.

આજકાલ આમ પણ, તંદુરસ્તી માટે યોગના પ્રયોગનો પ્રચાર ખુબ વધી રહ્યો છે ત્યારે એક સામાન્ય અનુભવી જન તરીકે, મારું નમ્ર સુચન કે, આવી બધી ક્રીયાઓ સદીઓ પુર્વે કેટલાક ઋષીમુનીઓએ શોધેલી; જેની શુદ્ધ તથા સંપુર્ણ વૈજ્ઞાનીક ચકાસણી અદ્યાપી થઈ નથી. અને આજે તો વીજ્ઞાન તથા આરોગ્ય–વીજ્ઞાન ખુબ આગળ વધ્યું છે; ત્યારે આવા પ્રયોગોના લાભાલાભ પ્રત્યે સંશયની નજરે જોવું અને એને પુરાણો રસમ–બોધ મુજબ અન્ધભાવે અનુસરતા રહેવા કરતાં, વીજ્ઞાનની કસોટીએ કસવું; એ માનવજાત માટે વધુ લાભકર્તા નીવડે એ દેખીતું જ છે.

આસન, પ્રાણાયામ ઈત્યાદી હઠયોગની ક્રીયાઓ છે, જેનો હેતુ ચીત્તવૃત્તીનીરોધ, મનની શાંતી, કુંડલીનીની જાગૃતી તથા સમાધી વગેરે છે. હવે આ યોગની પ્રક્રીયા વાંચીએ તો સ્વાભાવીક જ પ્રશ્ન થાય કે, શું ખરેખર આવી વાતો વૈજ્ઞાનીક હોઈ શકે ખરી ? કે આ બધી મહદંશે કેવળ કપોળકલ્પના છે ? જેમ ધ્યાન વીશે દરેક અધ્યાત્મગુરુ યા યોગી–મહર્ષીએ ભીન્નભીન્ન જ વાત કરી છે. જેમ કે, જે. કૃષ્ણમુર્તીની, શ્રી અરવીંદની, શ્રી મહેશ યોગીની કે ઓશો રજનીશની ધ્યાન– વીભાવના જુદી જુદી જ પ્રતીત થાય છે – એની ચર્ચા હું અન્ય લેખોમાં કરી ગયો છું, એથી દોહરાવતો નથી. હમણાં એક વીદ્વાન મીત્રે વળી કહ્યું કે, ‘હું માનસીક શાંતી યા આધ્યાત્મીક સીદ્ધી માટે ધ્યાન નથી કરતો; પરન્તુ વૈશ્વીક લય – કોસ્મીક રીધમ–ઋત સાથે, મારો પોતાનો લય મેળવવા માટે જ ધ્યાન કરું છું.’ આ સાંભળતાં, સ્વાભાવીક જ મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદ્ભવ્યા : આ વીશ્વમાં કોસ્મીક લય જેવું ખરેખર કશું છે ખરું ? આપણો પોતાનો લય એટલે પણ શું? અને ધ્યાન ધરવાથી કોસ્મીક લય સાથે આપણા લયનું અનુસંધાન સધાય જ, એવુંય કોણે નક્કી કહ્યું ? જોકે ચોથો પ્રશ્ન તો સર્વત્ર વળી ઉભો જ રહે છે કે, આખર આવું બધું કરવાથી ફાયદો શો ? મને તો એક સાદોસીધો પ્રશ્ન પણ મુળથી જ સતાવે છે કે, મનની શાંતી એટલે શું ? એવી શાંતી આવશ્યક ખરી ? અને ધ્યાન દ્વારા એવી શાંતી મળે જ. એમ કોણે કહ્યું ?

હઠયોગની ક્રીયા એવી તો પુરાણી ટેકનીકલ પરીભાષામાં વર્ણવાઈ છે કે અચુક પ્રશ્ન થાય જ કે, આવું બધું આ દેશમાં ખરેખર છે ખરું ? તબીબી – વૈજ્ઞાનીક ડીસેક્શન દ્વારા આના કોઈ પુરાવા અદ્યપી મળ્યા ખરા? કુંડલીની ખરેખર કોઈએ જોઈ ? તો ચાલો, પ્રથમ હઠયોગનું થોડુંક વર્ણન વાંચીએ :

‘હ’ એટલે સુર્ય અથવા પ્રાણ અને ‘ઠ’ એટલે ચંદ્ર અર્થાત્ અપાન. આ બન્નેને એકત્ર કરવાના પ્રયાસ તથા ક્રીયા તે હઠયોગ, પ્રાણાયામ તથા મુદ્રાદીના અભ્યાસ વડે કુંડલીનીનું ઉત્થાન થઈ, સુર્યચંદ્રનો પ્રયાસ શીથીલ થઈ, પ્રાણવાયુનો પ્રવેશ સુષુમ્ણામાં થાય છે. ઈડામાં એટલે કે ડાબા નાસાપુટમાં વહન કરતા પ્રાણને ચંદ્ર અને પીંગળા – જમણા નાકછીદ્રમાં વહેતા પ્રાણને સુર્ય કહે છે. આસન, પ્રાણાયામ, મુદ્રા અને નાદાનુસંધાન એ હઠયોગનાં ચાર અંગ છે. નેતી, ધોતી, બસ્તી, નૌલી, ત્રાટક અને કપાલભાતી એ હઠયોગનાં ષટ્કર્મ છે. સ્વામી શીવાનંદજી લખે છે કે, હઠયોગ મુલાધાર ચક્રમાં સુષુપ્ત પડેલી કુંડલીનીને જાગ્રત કરી, એને સહસ્રારમાં લઈ જાય છે અને તેજસ્વી બનાવે છે. હઠયોગથી સુષુમ્ણા જાગ્રત થાય છે અને દરેક ચક્રમાં થઈ, સહસ્રારમાં જઈ, શીવ સાથે એકરુપ થાય છે. યમ, નીયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાષી એ આઠ હઠયોગનાં અંગ છે.

હવે પ્રશ્ન થશે કે, અહીં જે કુંડલીની, સુષુમ્ણા, સહસ્રાર, મુલાધાર ચક્ર જેવા પારીભાષીક શબ્દો પ્રયોજાયા છે; એવા કોઈ વાસ્તવીક પદાર્થો યા એવાં સ્થાનો– અંગો આ દેહમાં છે ખરાં ? અને પ્રશ્નોનોય યક્ષપ્રશ્ન તો વળી થાય જ કે આખર આવી બધી કડાકુટ માણસે કરવી જ શા સારુ ? છતાં, ધારો કે આવા બધા સ્થાનો, કેન્દ્રો યા અંગો આ દેહમાં ખરેખર હોય અને ઉપર વર્ણવેલ ક્રીયા–પ્રક્રીયા ખરેખર પ્રેરી શકાતી હોય તો પણ, દરેક વ્યક્તીએ યા તો ગમે તે માણસે એ બધી કરવા જેવી ખરી ? વાસ્તવમાં તો, જેમ સરકસનો ખેલાડી અંગકસરતના કેટલાક દુષ્કર હેરતભર્યા પ્રયોગો કરી શકે છે; પરન્તુ સર્વે કોઈ સરકસ–ખેલાડી બની શકે નહીં, બનવા જાય તો માંદો પડે યા માર્યો જાય. એ જ રીતે, કોઈ વીરલ, સુયોગ્ય કે સક્ષમ મનુષ્ય, એક વીશીષ્ટ લાઈન તરીકે પસંદ કરી, યોગસીદ્ધી માટે મથી જુએ, તેય ખુબ સાવચેતીપુર્વક અને સતત સભાનતાપુર્વક, એમ બને. બાકી સામાન્ય જને એમાં પડવું સલાહભર્યું નથી, અર્થાત્ ભારે ખતરનાક છે. હઠયોગની સાધના એ કાંઈ તંદુરસ્તી જાળવવાનો સામાન્ય ઉપચાર નથી.

ખરેખર તો પુરતાં, સંતોષકારક યા મન ભરીને જેને આહાર, નીદ્રા, મૈથુન મળે એ માણસ સંપુર્ણ તંદુરસ્ત રહી, દીર્ધાયુ ભોગવે. સાથે સાથે થોડો શરીરશ્રમ યા વ્યાયામ પણ જરુરી. સંયમ, ઈંદ્રીયદમન, આ કે તે જ આહારવીહાર યા ઈચ્છાનો ત્યાગ ઈત્યાદી શરીરને કષ્ટ આપતી ક્રીયાઓથી તો તંદુરસ્તી બગડે જ – એવું આ શરીરનું કુદરતી તંત્ર છે. અને યોગ પણ દેહને કષ્ટ આપવાની જ ક્રીયા છે. આ સન્દર્ભે નીસર્ગોપચાર અર્થાત્ નેચરોપથીના દાખલાનો પણ જરુરી ઉલ્લેખ કરી લઈએ, કારણ કે એ પણ જોખમી છે. એના પુરસ્કર્તાઓ એને ‘કુદરતી ઉપચાર’ એવું નામ આપે છે; પરન્તુ હકીકતમાં એની બધી જ ચીકીત્સા અકુદરતી છે; જેવાં કે અપવાસ, એનીમા, માટી ચોપડવી, સુર્યસ્નાન, કટીસ્નાન–પાણીમાં બેસી રહેવું, માલીશ કરવી વગેરે. મનુષ્ય સીવાયનું કયું પ્રાણી અપવાસ કરે છે યા તો એનીમા લે છે ? એથી ઉલટું, જે પ્રાણીને પેટ ભરીને સારું ખાવાનું મળે એ જ સૌથી વધુ તંદુરસ્ત હોય છે. શરીરનું યંત્ર એટલે મેટાબોલીઝમ–ચયાપચયની ક્રીયા, શક્તી ગ્રહણ કરવી અને તે વાપરવી. કાર યા વીમાન જેવાં યંત્રોને અપવાસ કરાવો ને એનીમા આપી એનો કચરો કાઢ્યા કરો, તો એ લાંબું ચાલે કે ? મનુષ્યે પણ લાંબું જીવવા માટે સારો પૌષ્ટીક આહાર લેવો, આનન્દ કરવો અને વ્યાયામ તરીકે થોડુંક ચાલવું જોઈએ. ચાલવું એ જ એક માત્ર કુદરતી કસરત છે, બાકી શરીરને આડુઅવળું ખેંચવું, ઉંધું કરવું, અંગોપાંગને ઝાટકા મારવા, મોર યા કાચંડા જેવા આકારમાં દેહને ઘડીક તોળી રાખવો – એવા બધા ખેલ એની કુદરતી અવસ્થાના વીરોધી હોઈ, હાની જ પહોંચાડે. યાદ રાખો કે, સરકસનો ખેલાડી કે વ્યાયામના આવા–તેવા પ્રયોગો કરનાર માણસ બહુધા રોગગ્રસ્ત થાય જ છે અને વહેલો જ મરણશરણ થાય છે.

ઉપર લખ્યું કે, એક અનુભવી સામાન્ય જન તરીકે હું આ બધું જણાવી રહ્યો છું. બધા અનુભવો તો નથી વર્ણવી શકતો; પણ એક–બે અનુભવની જ વાત હું ટાંકું : વીસેક વર્ષની વય સુધી હું આયુર્વેદના આરોગ્ય–નીયમોનો કટ્ટર પાલક રહ્યો ને અકારણ દુ:ખી થયો : હીતભુક, મીતભુક, દીનચર્યા, ઋતુચર્યા; વાત, પીત્ત, કફ આદી બધું જ ! એ પછી મને નીસર્ગોપચારનો નાદ લાગ્યો. અપવાસ કરીકરીને શરીરનું સત્ત્વ સાવ ખતમ કરી નાખ્યું. દરમીયાન બસ્તી, નોલી, આસન, પ્રાણાયામ જેવી યૌગીક ક્રીયાઓ પણ ચાલુ. તંદુરસ્તીના આ તમામ પ્રયોગો હું પુરી સભાનતાપુર્વક, લાભાલાભનું સતત નીરીક્ષણ કરતાં કરતાં તથા વ્યાપક અભ્યાસજ્ઞાન સહીત કરતો. અને માનશો ? તબીયત સતત ભયંકર ખરાબ રહે… પચાસ વર્ષની વયે, તમામેતમામ તંદુરસ્તી–નીયમોને સંપુર્ણ તીલાંજલી આપી દીધી. તે પછી જ હું ખરો નીરોગી બની, જીવનનો કંઈક સાચો આનન્દ માણી શકું છું : ગમે તે ખાવું– પીવું, ગમે ત્યારે; ઉંઘ–ઉજાગરાનીય ફીકર નહીં, ટાઢતડકો મને નડે નહીં અને પત્રલેખક લખે છે તેમ, રોજના પાંચસાત કપ ચા પીઉં છું. મતલબ કે શરીર પર સાક્ષાત્ તથા પુરતા પ્રયોગો કર્યા બાદ, હું આ તારણ પર આવ્યો છું કે, આરોગ્ય જાળવવાના કોઈ પણ નીયમો પાળવા નહીં; શરીર સાથે બીનજરુરી ચેડાં કરવાં નહીં. આંખકાન સંપુર્ણ સાબુત, છતાં રોગ ફક્ત એક જ છે; જેની વાત અંતે કરું : અલબત્ત, ઘણા મુદ્દા રહી જાય છે; પણ લાચાર! છેક વીસ વર્ષનો હતો ત્યારથી તબક્કે તબક્કે મને મનોરોગના ગંભીર હુમલા આવે, જેને એક શબ્દમાં ફોબીયા કહેવાય. એનું કારણ શોધવા વ્યાપક વાચન કર્યા બાદ, એકદા ખરું કારણ જાણવા મળ્યું કે, એ શીર્ષાસનનું પરીણામ હતું. તરત જ આ વાત મગજમાં ઉતરી ગઈ, કારણ કે હું ખુબ શીર્ષાસન કરતો આજેય મારું મગજ થોડું નબળું છે. એક રશીયન પુસ્તકમાં મેં વાચ્યું કે, મગજ અબજો સુક્ષ્મ કોષોનું બનેલું છે. શીર્ષાસન કરતાં, ઉંધા થઈએ; એટલે રક્તનો પ્રચંડ પ્રવાહ મસ્તકમાં ધસે છે. પરીણામે પેલા સુક્ષ્મ કોષોમાંથી હજારો–લાખો ફાટી જઈ, મરી જાય છે. આમ મગજને ઈજા પહોંચે. પરીણામે જાતજાતના માનસીક રોગો જન્મે. માટે શીર્ષાસન કદાપી કરવું નહીં.

વાત બીલકુલ સાચી : જો માથામાં લોહીના આવા ધસારાથી ફાયદો જ થતો હોય તો શું કુદરત બેવકુફ છે કે, એણે માથું છેક ઉપર રાખ્યું ? પગની પાનીએ જ કેમ ન ગોઠવ્યું ?

✒   રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં :  381 મુલ્યરુપીયા 200/-) તે પુસ્તકમધુપર્કમાંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન|વહોટ્સ એપ : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 17/06/2024

7 Comments

  1. હ્રુ રમણ પાઠક (વાચસ્પતી)ના પ્રેરણાદાયી લેખ ફરી માણી આનંદ

    Liked by 1 person

  2. મેં યોગાસનો બહુ નાની ઉંમરે કરવાનાં શરુ કરેલાં જેમાં શીર્ષાસનનો પણ સમાવેશ થાય છે, મારી આ 86 વર્ષની ઉંમરે પણ શીર્ષાસન કરતો હતો. હાલમાં જ હૃદયની સમસ્યા શરુ થઈ. મને કહેવામાં આવ્યું કે મારા હૃદયનો એક વાલ્વ પુરેપુરો બંધ થઈ શકતો નથી, આથી થોડું લોહી એમાં રહી જાય છે. મને લાગે છે કે એ સમસ્યા મેં આ શીર્ષાસન વડે કદાચ પેદા કરી છે. ખુબ ઉપયોગી માહીતી આ લેખ દ્વારા મળી. ગોવીન્દભાઈ આપનો તથા આપણી વચ્ચે હવે નથી એ માનનીય રમણભાઈનો ખુબ ખુબ આભાર. મારા એક મીત્રને પણ આ ઈમેલ ફોરવર્ડ કર્યું છે.

    Liked by 1 person

    1. વહાલા ગાંડાભાઈ,
      આપનો સ્વાનુભવ મીત્રોને ઉપયોગી થશે. સ્વામી સચ્ચીદાનંદજીએ પણ તેમના એક લેખમાં હૃદયસ્થ રમણભાઈ જેવો લેખ લખ્યો હતો પણ મારી પાસે હાલ નથી.
      ધન્યવાદ…

      Like


  3. ખુબ સરસ પ્રેરણાત્મક તથા માહિતીસભર લેખ.

    શિર્ષાસન કરતી વખતે મગજમા જે પ્રેશર અનુભવાય છે, અને મગજ ને જે નુકસાન થાય છે એ નવું જાણ્યું. કુદરતી શરીરને ખોટું મરોઙવું જરુરી નથી.

    વિશ્વમાં દરેક કુદરતી રચના (માનવ શરીર કે પ્રાણી શરીર) અજોડ છે. અને એ કુદરતી રીતે ચાલે છે અને ચાલવું જોઈએ.

    યોગ્ય સમયે યોગ્ય લેખ આપવા માટે મા. ગોવિંદભાઈ તથા લેખક શ્રી નો ખૂબ ખૂબ આભાર.

    Like

    1. 21 જુને યોગ દીવસ હોય વાચકમીત્રોને પ્રા. રમણલાલ પાઠકનો આ લેખ ઉપયોગી થશે તો મારો પરીશ્રમ સફળ થશે…
      ધન્યવાદ… દિનેશભાઈ,

      Like

Leave a comment