‘વીશ્વ માનવવાદી’ દીવસે માનવવાદી વીચારસરણીને સમજીએ

તા. 20 જુન, 2021ના દીવસે ચંદીગઢ મુકામે યોજાયેલ નેશનલ વેબીનારમાં રૅશનાલીસ્ટ બીપીન શ્રોફેવીશ્વ માનવવાદી દીવસ’ નીમીત્તે રજુ કરેલ વક્તવ્ય પ્રસ્તુત છે…

વીશ્વ માનવવાદી દીવસ’ નીમીત્તે –
માનવવાદી વીચારસરણી’ને સમજીએ

બીપીન શ્રોફ

આવતી કાલે 21મી જુન છે. વીશ્વના ઘણા બધા દેશો આવતી કાલે તેને ‘વર્લડ હ્યુમેનીસ્ટ ડે’ તરીકે ઉજવે છે. 21મી જુન પશ્ચીમી જગતમાં સૌથી લાંબો દીવસ હોય છે. ઘણા બધા પશ્ચીમના દેશોમાં આ દીવસે સુર્યનો આથમવાનો સમય સાંજના 9.00 વાગ્યા પછીનો હોય છે. જગતભરના માનવવાદીઓ આ કુદરતી ઘટનાને કશું દૈવી કે ઈશ્વરી નથી તે સમજીને ઉજવે છે.

આપણા દેશમાં માનવવાદની વીચારધારાને એક વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત બૌદ્ધીક અને તર્કપુર્ણ રીતે તૈયાર કરવાનું કામ કોઈએ કર્યું હોય તો તે મહાન ક્રાંતીકારી અને વીચારક એમ. એન. રોયે કર્યું હતું. તેમના દ્વારા સને 1936થી શરુ કરેલ ‘રેડીકલ હ્યુમેનીસ્ટ’ માસીક છેલ્લા આશરે 85 (આજે 88) વર્ષથી નીયમીત અને હાલમાં દીલ્હીથી દેશના રેડીકલ હ્યુમેનીસ્ટો પ્રકાશીત કરે છે..

(1) માનવવાદ એક ભૌતીકવાદી (કાલ્પનીક કે આધ્યાત્મકવાદી નહીં) વીચારસરણી છે. તે માનવવીય અસ્તીત્વ સાથે શરુ થઈ છે. ખરેખર તેના મુળીયાં (Roots) સજીવોના જૈવીક સંઘર્ષ સાથે જોડાયેલા છે. તે દૈવી અસ્તીત્વ કે સર્જન સીવાય માનવીય સર્જનને વૈજ્ઞાનીક પુરાવા આધારીત અસ્તીત્વમાં આવેલ સાબીત કરતીધ વીચાસરણી છે.

(2) તે એક માનવ કેન્દ્રીત વીચારસરણી છે. એટલે તે સમુહના હીત માટે વ્યક્તીનો બલી ન લેવાય તે અંગે સ્પ્ષ્ટ છે. તમામ માનવીય સર્જનથી અસ્તીત્વમાં આવેલી સામુહીક સંસ્થાઓ જેવી કે કુટુંબ, જ્ઞાતિ– વર્ણ જેવા તમામ સામાજીક સમુહો ઉપરાંત રાજ્ય– રાષ્ટ્ર અને તમામ આર્થીક સંસ્થાઓ માનવીના વીકાસ માટે માનવીએ પોતે સર્જન કરેલાં છે.

માનવવાદના ત્રણ પાયાના મુલ્યો છે. સ્વતંત્રતા (Freedom), તર્કવીવેકબુદ્ધી (Rationality) અને ધર્મનીરપેક્ષ નૈતીકતા (Secular Morality).

(A) સ્વતંત્રતા એક મુલ્ય એટલે શું? જે સંસ્થાઓ કે પરીબળો માનવ વીકાસની આડે આવતા હોય તેની સામે સંઘર્ષ કરીને મુક્તી મેળવવી. દા.ત. ગુલામી પ્રથા, દલીત પ્રથા, વર્ણવ્યવસ્થા, સ્રી અસમાનતા, વગેરે માનવ અધીકારો અને ખાસ કરીને અભીવ્યક્તીના સ્વાતંત્ર્યને રોકતા પરીબળો અને જે પરીબળો માનવ વીકાસને તથા વ્યક્તીગત માનવ ગુંજાશને ટેકો આપતાં હોય તેવા શીક્ષણ, આરોગ્ય, વૈજ્ઞાનીક સંશોધનો, વગેરેનો વીકાસ કરવો. Freedom from non-human collective institutions & development of those institutions which enhances human potenalities.

(B) તર્કવીવેકબુદ્ધી– માનવવાદી વીચારસરણીનું બીજું મુલ્ય છે તર્કવીવેકબુદ્ધી. સજીવોના જીજીવીષાના સંઘર્ષને ટકાવી રાખવા જૈવીક ઉત્ક્રાંતીની આ દેન છે. તર્કવીવેકબુદ્ધી માનવીને અને દરેક સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા સારુ શું અને ખોટું શું તે નકકી કરતાં શીખવાડે છે. કુદરતી પરીબળો સામેના સંઘર્ષમાં જે સજીવ જાતીઓા અને માનવીઓ પોતાની તર્કવીવેકબુદ્ધીનો ઉપયોગ કરીને ટકી રહે છે. તે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવામાં સફળ થાય છે. બાકીની જાતી, પ્રજાતીઓ માનવ સહીત નાશ પામે છે. તમામ સજીવોની આ શક્તી કુદરતી નીયમબદ્ધતામાંથી વીકસેલી છે. તેમાં કશું જ દૈવી કે ઈશ્વરી નથી. કુદરત નીયમબદ્ધ છે. માનવ કુદરતનો એક અનીવાર્ય ભાગ છે. તેથી તેની તમામ પ્રવૃત્તીઓ પણ નીયમબદ્ધ જ હોય છે. અહીયાં કુદરતી નીયમબદ્ધતાનો અર્થ કુદરત નીયમોને સમજીને પોતાનું અસ્તીત્વ ટકાવવું અને વીકસાવવું. કુદરતી પરીબળોના સંચાલનના નીયમો હોય છે તે બધા પરીબળોને કોઈ બાહ્ય ઈશ્વર કે દેવ સંચાલન કરતા નથી કે આકાશમાં બેઠાં બેઠાં કઠપુતલીની માફક નચાવતો નથી.

તકર્વીવેકબુદ્ધીને વીકસાવવાના આ જૈવીક સંઘર્ષમાં દરેક સજીવોએ ત્રણ ગુણો વીકસાવ્યા છે. એક બાહ્યનીરીક્ષણ (External observation), બે ઈન્દ્રીયજન્ય અનુભવ (Sense perception) અને ત્રણ પ્રાપ્ત કરેલ માહીતીને આધારે વીવેકબુદ્ધીથી સત્ય શોધી જીવન ટકાવવું અને વીકસાવવું (Cognition disposition.)

(C) ધર્મનીરપેક્ષ નીતી– Secular morality- માનવી સહજ રીતે નૈતીક છે કારણકે તે રૅશનલ છે. (કારણકે તેની તર્કસંગતતા જૈવીક સંઘર્ષમાંથી વીકસેલી છે.) The man is moral because he is rational. માટે આ દુનીયાના માનવ માનવ વચ્ચેના નૈતીક સંબંધોમાં ધર્મ અને ઈશ્વરને લાવવાની જરુર બીલકુલ નથી. અનૈતીક કે ગેરકાયદેસરના સંબંધો પર નીયંત્રણ મુકવા માનવીએ ન્યાયતંત્ર જેવી સંસ્થાઓનું સર્જન કર્યું છે. જે માનવીના ખોટા કાર્યોનો નીર્ણય અહીંયા પૃથ્વી પર જ ન્યાય આપશે. મૃત્યુ પછીના નીર્ણયોની રાહ જોવાની નથી.

(3) આપણા દેશમાં માનવવાદી ભૌતીક ચળવળના મુળીયા આશરે 3000 વર્ષ કરતાં વધારે જુના છે. લોકાયન ચળવળ દેશની પ્રથમ માનવવાદી ચળવળ હતી. સદર ચળવળે પ્રજાને જ્ઞાન આધારીત જાગૃત કરવાનો પ્રયત્ન કરેલો. કુદરત નીયમબદ્ધ છે. તે નીયમો સમજી શકાય તેમ છે. જીવન ટકાવી રાખવા તે નીયમોની સમજ કામમાં આવે તેમ છે, તે હકીકત આમ પ્રજાને સમજાવવામાં એક ચળવળ સ્વરુપે લોકાયનના નેતા સફળ થયા હતા. તેમાં ચાર્વાકનો ફાળો અગત્યનો હતો.

(4) ગૌતમબુદ્ધે પોતાના અંગત સખત અનુભવોને આધારે મધ્યમ માર્ગી રસ્તો સ્વીકાર્યો હતો. જીવનમાં દુ:ખો વાસ્તવીક છે, તેના ઉપાયો માનવ પ્રયત્નોથી શોધી શકાય છે. ઉપરાંત જીવનના વાસ્તવીક પ્રશ્નો ઉકેલવા તર્કવીવેકબુદ્ધીનો ઉપયોગ કરવાની તેઓએ ચળવળ ચલાવી હતી. તથાગત બુદ્ધે તમામ પ્રકારના ગ્રંથો, ગુરુઓ વગેરેના સત્યોને જ્ઞાન અને અનુભવ આધારીત પડકાર્યા હતા.

(5) બ્રાહ્મણવાદે બુદ્ધના વાસ્તવીક સત્યો સામે ‘જગત મીથ્યા બ્રહ્મ સત્યનું’ સુત્ર આપીને બુદ્ધની ભૌતીકવાદી જ્ઞાન આધારીત ક્રાંતીને નીષ્ફળ બનાવી દીધી.

(6) ગીતાના ઉપદેશે લોકાયન અને બુદ્ધના ક્રાંતીકારી વીચારોને શોધી શોધીને નામશેષ કરી દીધા. પ્રજાને પોતાના પુરુષાર્થમાં વીશ્વાસ રાખવાને બદલે નસીબવાદી બનાવી દીધી. વર્ણવ્યવસ્થા આધારીત જ્ઞાતી પ્રથામાં સમાજને ‘કર્મને વાધીકારસ્તે મા ફલેષુન કદાચન’ના ઉપદેશે એક નબળો શક્તીહીન અસમાન (unequal) સમાજ બનાવી દીધો. તેમાં ‘નીષ્કામ કર્મ અને સ્થીતપ્રજ્ઞતા’ના સીદ્ધાંતોએ દેશની પ્રજાને ‘જૈસે થે વાદી’ બનાવી દીધી.

(7) ભારતનો ભવ્ય નહીં પણ ખંડેરમય ભુતકાળ– ભારતીય તરીકે આપણા પુર્વજો માનવ વીકાસની ગાડી (ટ્રેઈન) ચુકી ગયા છે. માનવવાદ તેને ફરી પાટે ચઢાવવાની કોશીષ કરે છે; પણ વર્તમાન રાજ્યવ્યવસ્થા ખુબ જ સમજ અને આયોજનબદ્ધ રીતે દેશમાં છેલ્લા 100 વર્ષના સમય ગાળામાં પેદા થયેલા આધુનીકતાના પરીબળોને નામશેષ કરવા ફરી મેદાને પડી છે. આ બહુમતી ધર્મઆધારીત રાજકીય સત્તાકીય પરીબળોએ શીક્ષણ, આરોગ્ય, વીજ્ઞાન, ઉદ્યોગ, ન્યાયતંત્ર, સમાજ જીવન વગેરે વાહનવ્યવહારનું આંતરીક માળખું, ઉચ્ચશીક્ષણના તમામ સ્રોતો, આ બધા પરીબળોને યેનકેન પ્રકારે પરીવર્તનના મશાલચી કે એજંટ તરીકે તમામ પ્રકારેથી શક્તીહીન બનાવી દીધા છે.

પણ અમે આશાવાદી છીએ કારણ કે–

(1) જુની વર્ણવ્યવસ્થા આધારીત સમાજવ્યવસ્થાને ટકાવી રાખે તેવા પરીબળો ગ્રામીણ અને શહેરી ભારતમાંથી ક્રમશ ઘટતાં જાય છે.

(2) આપણા દેશમાં તથા સમગ્ર વીશ્વમાં, કૃષી આધારીત આર્થીક પ્રવૃત્તીઓનું સ્થાન ક્રમશ: ઔદ્યોગીક સમાજે લઈ લીધું છે. તેના આધારીત સદીઓ જુના રુઢીચુસ્ત કૌટુંબીક, જાતી, નૈતીક અને અન્ય વ્યવહારોમાં પાયાના પરીવર્તનો જોવા મળે છે. ધર્મઆધારીત રુઢીચુસ્ત સમાજે પેદા કરેલ તમામ સંસ્થાઓ, તેમ જ તેના આધારીત નૈતીક મુલ્યોની ઉપયોગીતા તેમ જ તેના વ્યવહારો જ ખલાસ થઈ ગઈ છે. જીવવા અને ટકી રહેવા ફાંફા મારે છે.

(3) આધુનીકપરીબળોએ પોતાની જરુરીયાત મુજબની નવી સંસ્થાઓની રચના કરી નાંખી છે. આ બધી સંસ્થાઓ સીધી કે આડકતરી રીતે માનવકેન્દ્રી છે. માનવ સશક્તીકરણને ટેકો આપે છે.

– બીપીન શ્રોફ

તા. 21 જુન, 2021ના રોજ ફેસબુક પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટ (સ્રોત : https://www.facebook.com/bipin.shroff/posts/10224882291435733 )માંથી, લેખકના અને ફેસબુકના  સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : બીપીન શ્રોફ, તન્ત્રી, ‘વૈશ્વીક માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 ઈ.મેલ : shroffbipin@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 21-06–2024

2 Comments

  1. શ્રી બીપીન શ્રોફનો ‘વીશ્વ માનવવાદી દીવસ’ નીમીત્તે –‘માનવવાદી વીચારસરણી’ને સમજીએ’ખૂબ સુંદર લેખમા માનવવાદ અંગે સરસ દ્રુષ્ટાંતો દ્વારા સમજાવવા બદલ ધન્યવાદ

    Liked by 1 person

Leave a comment