દીકરો ન જણે તો સ્ત્રી અપુર્ણ ગણાય એ ક્યાંનો ન્યાય?

પુત્રજન્મ માટે કરવામાં આવતાં ગમે તેવાં બુદ્ધીહીન કાર્યો- જાદુટોના-દવા-ભુવાભોપાળાને સમાજ સ્વીકાર્ય ગણે છે. ઘણીવાર તો આવા ગાંડપણ એની માનવીય મર્યાદા સુદ્ધાં ચુકી જાય છે. શું આપણો સમાજ ડરપોક-માયકાંગલો છે?

દીકરો ન જણે તો સ્ત્રી અપુર્ણ ગણાય એ ક્યાંનો ન્યાય?

✒   ડૉ. મીતાલી સમોવા

કુદરતે વારસા તરીકે જનીનોની વહેંચણી વખતે દીકરા કે દીકરીમાં ભેદભાવ કર્યો નથી. બન્નેને સમાન પ્રમાણમાં પોતાનાં માતા-પીતા તરફથી ગુણો મળતા હોય છે. એક પણ જનીન ઓછું કે વધારે નહીં!  જો કે માનવઉત્ક્રાંતીની કોઈ એક ક્ષણે કોઈ વીકૃત મહત્ત્વાકાંક્ષી માનસીકતા ધરાવતી વ્યક્તીએ પીતૃસત્તાની સ્થાપના કરવાનું વીચાર્યું અને ત્યાર બાદ એને વાજબી ઠેરવવા માટે દીકરો હોય તો જ પરીવારનો વંશ આગળ વધે અને ફક્ત દીકરો જ પીંડદાન કરી શકે જેવું વાહીયાત તુત ઉભું કરી દીધું. આ બીનકુદરતી વ્યવસ્થાને ટકાવી રાખવા પછી અમુક લોકો જાતજાતના ધાર્મીક, સામાજીક, રાજકીય પ્રપંચો કરતા રહ્યા, જેના લીધે આજે આ બીલકુલ તર્કહીન માન્યતા સમાજમાં પાક્કા પાયે ઘર કરી ગઈ છે.

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ભારત દેશમાં પુત્રજન્મનો મોહ ફક્ત અભણ કે પછાત વર્ગમાં જ જોવા મળે છે; પરન્તુ એ હકીકત નથી. આપણે ત્યાં ગમે એટલા ગરીબ કે અમીર, ભણેલા કે અભણ, ગ્રામ્ય કે શહેરી, ગમે તે ધર્મ-જાતીના પરીવારમાં પુત્રજન્મ માટે ગાંડપણ જોવા મળતું હોય છે. પુત્રજન્મ માટે કરવામાં આવતાં ગમે તેવાં બુદ્ધીહીન કાર્યો- જાદુટોના-દવા-ભુવાભોપાળાને આખો સમાજ સ્વીકાર્ય ગણે છે. ઘણીવાર તો આવાં ગાંડપણ એની માનવીય મર્યાદા સુદ્ધાં ચુકી જાય છે.

એનું જ એક ઉદાહરણ હમણાં કેરળ જેવા ઉચ્ચ શીક્ષીત અને જાગ્રત ગણાતા રાજ્યમાં જોવા મળ્યું. ત્યાં એક ખ્રીસ્તી પરીવારની એક સ્ત્રીએ તાજેતરમાં ફરીયાદ કરી છે કે વર્ષ 2012માં એનાં લગ્ન થયાં ત્યારે લગ્નની પ્રથમ રાત્રે જ પોતાના પતી સાથે શું શું કેવી રીતે કરવું એની વીસ્તૃત સુચના આપતો કાગળ એને એના સસરા દ્વારા આપવામાં આવ્યો હતો. એના સસરાનું માનવું હતું કે એમની સુચના પ્રમાણે પતી સાથે શરીરસમ્બન્ધ બાંધવાથી એની કુખેથી જેવો-તેવો નહીં; પરન્તુ બહુ સારો-સુંદર દીકરો જ જન્મશે. ત્યાર બાદ થોડાં વર્ષ પહેલાં એ સ્ત્રી અને એનો પતી લંડનમાં રહેતાં હતાં. જો કે એ ગાળામાં પણ એના પર દીકરો પેદા કરવાનું દબાણ ઘટ્યું નહીં અને એની કુખે દીકરી અવતરી એટલે એનાં સાસરીયાંએ એને દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકી.

વાત ફક્ત આ એક કીસ્સા પુરતી જ નથી, 21મી સદીમાં આજે પણ સરકારી કે ખાનગી ક્ષેત્રમાં બહુ સારા હોદ્દા પર નોકરી કરતી ઘણી સુશીક્ષીત મહીલાઓ પુત્રજન્મ ન થાય ત્યાં સુધી સાસરે પોતાના વીશે ભય અને અસુરક્ષાની અનુભુતી કરતી હોય છે. એવામાં અભણ-પછાત વર્ગની મજુર મહીલાઓની મજબુરીનું તો કહેવું જ શું!? ઘણી મહીલાઓ ધાર્મીક-સામાજીક કારણોસર જ્યાં સુધી દીકરો ન જન્મે ત્યાં સુધી પોતે જ પોતાને સમ્પુર્ણ માનતી નથી. આપણા સમાજમાં આજે પણ એક મહીલાના જીવનમાં સૌથી મોટી સીદ્ધી પુત્રજન્મને જ માનવામાં આવે છે એ પણ કેવી વક્રતા?

આપણે ત્યાં દાક્તરો પણ છેવટે તો આ જ પીતૃસત્તાક વ્યવસ્થાની ઉપજ છે. કમનસીબે અમુક તબીબો લોકોની ઘણી ગેરમાન્યતાને પોષતા હોય છે. આજે પણ તમને કદાચ એકેય ડૉક્ટર એવો જોવા નહીં મળે કે જે પોતાને ત્યાં વંધ્યત્વની સારવાર કરાવવા આવતાં દમ્પતીમાં પહેલા જ દીવસે પતીને સ્પર્મ માટે રીપોર્ટ કરાવવાની સલાહ આપવા જેટલી હીમ્મત કરી શકશે. ડૉક્ટર પણ પુરુષનો અહં બચાવવા છ-બાર મહીના ફક્ત મહીલાની જ ચીકીત્સા કરશે, પછી જ ધીમે રહીને પુરુષને તપાસ કરાવવા સલાહ આપશે. આવામાં દીકરા માટે કોઈ દમ્પતી પાગલ હોય પછી તો પુછવાનું જ શું?

આજે પણ સોનોગ્રાફી કે એમ્નીપોટીક ફ્લુઈડ દ્વારા બાળકનું જેન્ડર તપાસવાની પ્રેક્ટીસ ધીકતી ચાલે છે. સમૃદ્ધ પરીવારમાં વહુને બેંગકોક લઈ જઈને કૉન્સન્ટ્રેશન પદ્ધતીથી દીકરો જન્મે એ માટે અનેક જાતની મથામણ કરવામાં આવે છે. એ સીવાય જાતજાતના અખતરા, દોરા-ધાગા, દવા, નુસખાનો પાર નથી. આ બધું ફક્ત એક દીકરા માટે? કેવું ગજબ ગાંડપણ! છતાં અમે દાક્તરો ભલભલી સ્ટ્રોન્ગ લાગતી સ્ત્રીને આ ગાંડપણ પાછળ પાગલ થયેલી જોતાં હોઈએ છીએ, કેમ કે જો દીકરો ન જન્મે તો એનું ભણતર, સદગુણો, નોકરી, પૈસા, સામાજીક મોભો એ કશાની ગણતરી ન રહે અને સમાજમાં એને હારેલી-ખામીવાળી સ્ત્રી તરીકે દયામણી નજરે જ જોવામાં આવે. આ અપમાનજનક પરીસ્થીતીથી બચવા માટે અને પોતાની સામાજીક સુરક્ષા ખાતર મોટા ભાગની માતા પોતાના જ વણજન્મ્યા બાળક સાથે અને પોતાની સાથે આપણે વીચારી પણ ન શકીએ એવા અત્યાચાર કરતી હોય છે. આ વખતે ક્યારેક મારા જેવા દાક્તરોને એવું પણ થાય કે ખરેખર માતાઓ આવી પણ હોય, જે સમાજ માટે પોતાના બાળકને શહીદ કરી શકે? પછી જાતે જ જવાબ આપી દઈએ : હા, માતાઓ મજબુર છે. એટલે જ તો સમાજ પણ ડરપોક-માયકાંગલો છે!

આ સમસ્યા ફક્ત માતાઓથી નથી સુધરવાની. સમાજે દીકરા-દીકરી વચ્ચે ભેદ કરતો દૃષ્ટીકોણ સહીયારો બદલવો પડશે. માતા જાતે બદલાઈ જશે.

✒   ડૉ. મીતાલી સમોવા

ચીત્રલેખા’ની લોકપ્રીય કટાર ‘પ્રીયદર્શીની ઘરથી ઘર સુધી’માં તા. 18 માર્ચ, 2024ના રોજ પ્રગટ થયેલ લેખમાંથી લેખીકાના અને ચીત્રલેખા (પ્રકાશક : મૌલીક કોટક’, 25, અન્ધેરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઑફ વીરા દેસાઈ રોડ, અન્ધેરી (વેસ્ટ), મુમ્બઈ – 400053, વાર્ષીક લવાજમ : રુપીયા 2,700/– અને વીદેશમાં લવાજમ : રુપીયા 12,500/–)ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28-06–2024

4 Comments

  1. દીકરો ન જણે તો સ્ત્રી અપુર્ણ ગણાય એ ક્યાંનો ન્યાય? અંગે ડૉ. મીતાલી સમોવાનો સુંદર લેખ હજુ પણ કેટલી જગ્યાએ સંતાન પ્રાપ્ત થતું ન હોવાના કારણે વાંજીયાપણા અંગેના મેણાં મારી ત્રાસ ગુજારવામાં આવે છે અને દીકરીઓ જ હોય તો તેને કન્યાપત્યા વાંઝણી ગણે છે!

    Liked by 1 person

  2. It is a very nice article. I believe equality in life. Son and daughter are both equal for parents, just like eyes. We need both eyes. Daughters help and take care of their parents better than their brothers. There is nothing after our death in life. It takes time to understand in life about this.
    Thanks for a good article.

    Liked by 1 person

Leave a comment