(1) હવે તો સાચા ધર્મને સમજીએ ! (2) પદયાત્રાએ જાવ છો ?

હવે તો સાચા ધર્મને સમજીએ !

ડૉ. મોહનભાઈ પટેલના તા. 27/10/2010ના ચર્ચાપત્ર https://govindmaru.com/2010/11/19/dr-mohan-patel/ માં મન્દીરો–મુર્તીઓમાં ધર્મ નથી તથા નીતીમય જીવન જીવીએ, સમાજ અને દેશ પ્રત્યેની ફરજો બજાવીએ, તે જ ખરો ધર્મ છે એ વાત સાવ સાચી છે.  કારણ કે એની સામે મહંત શ્રી રામવીલાસદાસજી તા.13/11/2010ના ચર્ચાપત્રમાં જે કહે છે કે મન્દીર અને મુર્તી એ સનાતન ધર્મનું અવીભાજ્ય અંગ છે. તેમની તે વાત ભુલ ભરેલી જણાય છે. આપણા દેશનો ઈતીહાસ કહે છે કે મન્દીર અને મુર્તીપુજા એ સનાતન ધર્મ નથી. 5000 વર્ષ પુરાણી મોહન્જો–દડો અને હડપ્પન સંસ્કૃતી કે જેમાં આપણા પુર્વજો વસતા હતા; તે સંસ્કૃતીનાં અવશેષોમાં મન્દીર, મુર્તીપુજા અને ધર્મસ્થાનોનું નામોનીશાન નથી. મન્દીર અને મુર્તીપુજા આપણા દેશમાં બુદ્ધકાળ પછીના કાળમાં યાને પુરાણકાળમાં અસ્તીત્વમાં આવ્યાં છે. વેદકાળ, ઉપનીષદ અને  બુદ્ધકાળમાં મન્દીરો અને મુર્તીપુજા હતા જ નહીં. મન્દીર અને મુર્તીપુજા સનાતન ધર્મ નથી.

દેવી–દેવતાની મુર્તીની કે ઈશ્વરની પુજા એ વ્યક્તીગત આસ્થાનો વીષય હોઈ, તે માત્ર વ્યક્તી ઉપાસના ગણાય. તેને ધર્મ કહી શકાય નહીં. ધર્મ એ તો એક મનુષ્યનું, અન્ય મનુષ્ય પ્રત્યેનું, મનુષ્ય તરીકેનું આચરણ છે. મનુષ્યની મનુષ્ય તરીકેની ફરજ, કર્તવ્ય અને જવાબદારી એ જ ધર્મ છે. મનુષ્યનો પરસ્પરમાં પ્રેમ એ જ ધર્મ છે. ધર્મને વ્યક્તીગત ઉપાસના સાથે અને ઉપાસનાજન્ય ક્રીયાકાંડો સાથે કોઈ જ સમ્બન્ધ નથી. ધર્મને ઈશ્વર અને દેવી દેવતાઓ સાથે પણ કોઈ સમ્બન્ધ નથી. ધર્મની આવી વીભાવના કોઈની વ્યક્તીગત બાબત નથી. પરન્તુ તેજ સનાતન સર્વકાલીન અને સાર્વભૌમીક ધર્મ છે. જે આપણા દેશમાં 5000 વર્ષ પહેલા સીન્ધુ ખીણની હડપ્પન સંસ્કૃતીમાં વર્તમાન લોકધર્મ હતો. વેદ કાલીન દેવર્ષી બૃહસ્પતી, બુદ્ધ, મહાવીર, કબીર, નાનક, રૈદાસ(રોહીદાસ), તુકારામ જેવા હજારો સાધુ સન્તોએ આપણા દેશમાં મનુષ્યના મનના શુદ્ધ માનવીય આચરણને જ ધર્મ તરીકે બોધેલો છે. ધર્મ એ ગુરુ, ગ્રન્થ અને પન્થનો ઓશીયાળો નથી. ધર્મ લોકોના તર્ક અને અનુભવની નીપજ છે. ધર્મ એ લોકોની, લોકો દ્વારા, લોકો માટેની જીવન પ્રણાલી છે. જેમાં સ્થળ, કાળ અને સંજોગ પ્રમાણે કાયમ પરીવર્તન થતું તહે છે. ધર્મ એ જીવન જીવવાની એવી કળા છે કે જેના આચરણથી અન્ય મનુષ્યને જરાપણ અન્યાય દુ:ખ કે હાની ન થાય. જીવો અને જીવવા દોની ભાવના એ જ ધર્મ.

–સીદ્ધાર્થ શાક્ય

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.25/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

આ ચર્ચાપત્રી શ્રી સીદ્ધાર્થ શાક્યનું સરનામું, ફોન નંબર કે ઈ–મેઈલ આઈડીમાંનું કશું મને પ્રાપ્ત થઈ શક્યું નથી.. સોરી… લાચાર..! પણ તેમણે રજુ કરેલા મુદ્દા જાણવા જેવા અને મનનીય છે તેથી આ ચર્ચાપત્ર લીધો છે..

(2)

પદયાત્રાએ જાવ છો ?

તા.9/11/2010ના રોજ મારે ભદરપાડા (સાપુતારા જતાં આવતું ગામ) જવાનું થયું. આખે રસ્તે સાંઈભક્તો પગપાળા શીરડી જતા હતા. એક તો ચીખલી–સાપુતારાનો રસ્તો ભયંકર ખરાબ – એટલો ખરાબ કે રાજયની સ્વર્ણીમ જયંતી ઉજવનારા શાસક પ્રત્યે માન હોવા છતાં એમ થાય કે ઉજવણીઓ બન્ધ કરી નક્કર કામ થાય તો સારું. અમીતાભ બચ્ચનને એમ્બેસેડર બનાવવા કરતાં માળખાકીય સુવીધાઓ: રસ્તા, હોટલ, ખોરાક, વ્યવસ્થા તથા સર્વીસ બરાબર હોય તો લોકો એની મેળે ફરવા જશે.

હવે સાંઈભક્તોની કેટલીક વાત. સૌ પ્રથમ તો બાધા રાખવી – માનતા માનવી એના જેવી ફાલતુ વાત બીજી એકે નથી. જો ઈશ્વરને માનતા હો તો એને બધું સોપી દો. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એને એનું કામ કરવા દો. લોકોને તો અહીં પણ લાંચ આપવાની ટેવ પડી ગઈ છે. તમે ફકત તમારું કામ  નીષ્ઠાપુર્વક કરો. એજ પુજા છે. બીજું, આ પગપાળા પ્રવાસ લગભગ 9 દીવસનો હોય છે – એટલે આ બધા દીવસો કામ પર રજા પાડીને જતા હો છો એટલે માનવશકતી – માનવ–કલાકનો બગાડ છે. હવે 350 કી.મી. ચાલીને જવું – એ કંઈ ખાવાના ખેલ નથી.

રસ્તામાં ચાલતાં ચાલતાં તમે પ્લાસ્ટીકના પાઉચ, બાટલીઓ ફેંકતા જાવ એ થયો પર્યાવરણનો અનાદર– અને પર્યાવરણનો અનાદર એટલે ઈશ્વરનું અપમાન.

આવી યાત્રા તો અન્ધશ્રદ્ધા છે. છતાં તમે એ રીતે જવા માંગતા હો તો આખી યાત્રાને પર્યાવરણ સાથે જોડો– ઝાડપાન, પશુપંખી, કુદરતને જોતા જાવ, એ અંગે માહીતગાર થતા જાવ. તમે પાછા ફરો તો સાંઈબાબાને ઓળખો કે ન ઓળખો – કુદરતને તો જરુર ઓળખતા થશો.

જો તમારે ચાલતાં જવું જ હોય તો તે અંગેની તૈયારી માટેની કેટલીક ટીપ્સ આપી એક ડૉક્ટર તરીકેની મારી ફરજ નીભાવું. લામ્બું ચાલવાની તૈયારી રુપે (૧) મહીના પહેલાં ચાલવાનું ચાલુ કરો. (૨) જે બુટ પહેરીને જવાના છો તે જ પહેરીને ચાલવાનું શરુ કરો જેથી બુટ માફક આવે. (૩) ખુલ્લા પગે કે ચંપલ પહેરી મહેરબાની કરી ચાલવા ન જશો. (૪) મોજાંની અંદર પાવડર નાંખો – જ્યાં આરામ કરવા બેસો ત્યાં મોજાં કાઢો – મોજાં સુકવવા મુકો – પગની થોડી કસરત કરો. (૫) બુટની પાછળ કે ટોપીની પાછળ કે જાકીટની પાછળ રેડીયમ લગાડો જેથી વહેલી સવારે કે સાંજે અન્ધારામાં અકસ્માત થતો નીવારી શકાય. (૬) એક સરખી ઝડપે ચાલો, વારેઘડીએ અટકો નહીં; થાક લાગે તો બે પગ પહોળા કરી વાંકાવળી ઉંડા શ્વાસ લઈ ફરી ચાલવા માંડો. (૭) ચાલતા હો ત્યારે કપડાં ઓછાં હશે તો ચાલશે; પણ જેવું આરામ કરવાનું સ્થળ આવે કે જેકેટ પહેરી લો. (૮) નાની સરખી ઈજાને પણ ગૌણ ન ગણો એનું ડ્રેસીંગ કરી લો. (૯) પાણી પીતાં રહેવું, ખાંડ–મીઠું–લીંબુંનું શરબત થોડું થોડું પીતાં રહેવું. (૧૦) રાત્રે સુતી વખતે એકાદી સાદી દુ:ખાવાની ગોળી લઈ લેવાથી સ્નાયુ તાજા રહે છે.

ડૉ. રાજન શેઠજી

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.23/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક :

ડૉ. રાજન શેઠજી, પ્રતીક્ષા  કો.–ઓ. હાઉસીંગ સોસાયટી, વીદ્યાકુંજ હાઈસ્કુલની સામે, ગણદેવી રોડ, નવસારી 396 445. ફોન: (02637) 250 918 સેલફોન: 98252 39346 ઈ.મેલ : kaviraj74@yahoo.com

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.com/

અક્ષરાંકન : ગોવીન્દ મારુ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 31/12/2010

 

20 Comments

  1. ‘ધર્મ એ જીવન જીવવાની એવી કળા છે કે જેના આચરણથી અન્ય મનુષ્યને જરાપણ અન્યાય દુ:ખ કે હાની ન થાય. જીવો અને જીવવા દોની ભાવના એ જ ધર્મ.”આજના માનવીની સૌથી મોટી નબળાઈ એ છે કે તે એવું માને છે કે જે તે કહી રહ્યો છે તે સાચું છે. તેમાં અહંકાર વધુ હોય છે. અહંકારના કારણે જ ધરતી પર વિવાદ, કલહ અને યુદ્ધ તૈયાર થતાં રહ્યા છે.
    આથી સમાજમાં વેર, વિરોધ અને ઈર્ષ્યાને દૂર કરવા હોય તો શાશ્વત સત્ય તરફ આગળ વધવું પડશે. સાપેક્ષતાની દૃષ્ટિને પુષ્ટ કરવાની બાબતને ગંભીરતાથી લેવાની જરૃર છે. પોતાને સાચો અને બીજાને ખોટો માનનાર સમાજ કે પરિવારની શાંતિને હણી લેતો હોય છે. પોતાના પક્ષનો વિચાર કરનારે બીજાના પક્ષનો વિચાર કરવો રહ્યો.

    એકબીજાના દૃષ્ટિકોણને સમજનાર જ સત્યની નજીક પહોચી શકતા હોય છે.
    ……………………………………………………………………….
    “સૌ પ્રથમ તો બાધા રાખવી – માનતા માનવી એના જેવી ફાલતુ વાત બીજી એકે નથી. જો ઈશ્વરને માનતા હો તો એને બધું સોપી દો. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એને એનું કામ કરવા દો. લોકોને તો અહીં પણ લાંચ આપવાની ટેવ પડી ગઈ છે. તમે ફકત તમારું કામ નીષ્ઠાપુર્વક કરો. એજ પુજા છે. બીજું, આ પગપાળા પ્રવાસ લગભગ 9 દીવસનો હોય છે – એટલે આ બધા દીવસો કામ પર રજા પાડીને જતા હો છો એટલે માનવશકતી – માનવ–કલાકનો બગાડ છે.” આ પણ એક અંગત વિચાર છે.ત્યારે યાત્રાને પર્યાવરણ સાથે જોડો અને ટીપ્સ સારી વાત છે.

    તેને યાત્રા અંગે અંગત માન્યતા સાથે જૉડી ન શકાય!

    Like

  2. સૌને નવા વર્ષના અભિનંદન અને નવા તર્કબદ્ધ સંકલ્પોની પ્રેરણા મળે એવી શુભેચ્છાઓ.

    Like

  3. Vicharpurvak no lekh..bey sachu..dharm ekaangi nathi sarvangi vicharshil hoy chhe..ane padyaatra..samaj purvak ni hovi ghate..to j yaatra nahi to..dhasarado.

    Like

  4. This article is well described and narrated.

    MANAV DHARAM EJ SACHO DHARAM CHHE.

    Koi Lekhake Sachuj kahyu che”MANAS JO BIJANI ANKHO THI JOTO THAY TO DUNIYANU ADADHU DUKH DUR THAI JAI!

    Thandi Man Thartharta Manas ne jo HUN DHABLO ODHADI SHAKUN…………………………………..ANE ENE JE RAHAT MALE….
    Tena Monh uparnu Smit j mare mate swarg chhe!

    Darek na atma man j Bhagwan samayelo che fakt tene jagadavani tene olakhvani jarur che……………………
    Prakash Mehta

    Like

  5. ખરો ધર્મ એ જ છે કે મનુષ્યની મનુષ્ય તરીકેની ફરજ, કર્તવ્ય અને જવાબદારી એ જ ધર્મ છે. મનુષ્યનો પરસ્પરમાં પ્રેમ એ જ ધર્મ છે. આ વાતને જ માન્યતા આપવી પડે.
    બીજા લેખની વાત જોતા તે પણ સાચી જ છે કે સૌ પ્રથમ તો બાધા રાખવી – માનતા માનવી એના જેવી ફાલતુ વાત બીજી એકે નથી.
    પ્રફુલ ઠાર

    Like

  6. શ્રી ગોવીંદભાઇ અને ’અભીવ્યકતી’ ના સર્વે વાંચક મિત્રોને નવવર્ષ ૨૦૧૧ની હાર્દિક શુભકામનાઓ.
    ભાઇશ્રી સીદ્ધાર્થ શાક્યની તર્કબધ્ધ ચર્ચા ગમી. ખાસ તો ’ ધર્મ એ ગુરુ, ગ્રન્થ અને પન્થનો ઓશીયાળો નથી.’ અને ’ જીવો અને જીવવા દોની ભાવના એ જ ધર્મ.’ એ વાક્યો ખાસ અર્થપુર્ણ લાગ્યા. આભાર.
    શ્રી ડૉ.રાજનજીએ આપેલી વ્યવહારૂ અને ઉપયોગી માહિતી બદલ આભાર. અહીં વાત ચાલી જ છે તો એક પ્રશ્ન, જે મારા મનમાં ઘણા સમયથી છે, કરી લઉં. કોઇ જાણકાર મિત્ર માર્ગદર્શન આપે તેવી વિનંતીસહઃ
    આપણે ત્યાં, ભારતમાં, હાઇવે પર અને શહેરના રસ્તા પર કઇ તરફ (ડાબી કે જમણી) ચાલવું કાયદેસર ગણાય છે ? સાંભળ્યું છે કે હાઇવે પર રસ્તાની જમણી તરફ ચાલવું હિતાવહ ગણાય (કેમ કે સામેથી આવતા વાહનના અંતર અને મોકળી રહેતી જગ્યાની ખબર રહે) તો તે બરાબર છે કે નહીં ?
    ફરી એકવાર, સરસ લેખ આપવા બદલ આભાર.

    Like

  7. સૌ પ્રથમ સર્વ ગુણીજનોને નવા વર્ષમાં પરમેશ્વર તરફથી ખોબલા ભરી ભરીને શુભેચ્છા”

    મુદ્દાની વાત…….

    મારી મમ્મી ઉપવાસ કરતી કે બાધા-આખડીઓ રાખતી અને મારી પત્નીને વેઠવુ પડતુ તો એ તો મારી પત્નીને મરવાનુ થાય તો એ બાધા-આખડી- કે ઉપવાસ તો એ તો નર્યો ત્રાસદાયક અંધકાર જ થાય, ઠાકોરજીની સેવા માટે પણ સર્વ તૈયારીઓ મારી પત્નીએ વહેલી સવારે કમને કરવુ પડે, કંઈક ને કંઈક તો ખોડ નિકળે અને નિકળે જ, તો ફળ કોણ અને શુ પામે??.

    દિપકભાઈ સારી રીતે અવગત હશે, દેખાદેખીથી ઉપજેલી દિલ્હીથી હરીદ્વારની પગપાળાની કાવડીયા હારમાળા કેટલો ત્રાસ ઉપજાવે છે, ૧૫ દિવસ સુધી તો દિલ્હી-હરીદ્વાર હાઈવે રીતસરનો બંધ થઈ જાય છે, કોઈ કાર કે ટ્રક-ટેમ્પો-બસ તો તદ્દન બંધ. અને દિલ્હિ પણ લગભગ કાવડીયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારે ઉઠે છે.

    એ સિવાય મુંબઈના સિધ્ધિવિનાયકની દેખાદેખીમાં વધી પડેલી ખુલા પગની પગપાળા યાત્રા પણ મારા સાસરીયાના સગાઓમાં અતિશય અંધશ્રધ્ધા પગ કરી ગઈ છે. પછી બીજે-ત્રીજે દિવસે રજા કે ખાટલો, નવી વહુઆરુએ તો મરો જ હોય ને…………આ અંધકાર ક્યારે મટશે કોને ખબર…….

    Like

  8. Shri Govindbhai and All the readers of Abhiwyakti….. wish you a very happy new year.
    Sidharth Sakyaji has very well said about the religion and the philosophy of live and let others live is very meaningful.
    Dr. Rajan Shethji, I agree with you that I do not understand the logic of pagpala yatra. And your tips for the yatrik also very useful.
    And secondly I apriciate the tips of Shri Ashok Modhwadia about which side they should walk. We should inform and request the Pagpala yatrik to walk on the right side..
    Thank You Govindbhai for sharing such useful points…….

    Like

  9. LIVE AND LET US HELP OTHERS TO LIVE.THIS IS REAL TRUTH OF RELIGION.
    LET [RAJA]GOVT. FOLLOW THIS AND THEN FORCE PUBLIC TO FOLLOW .IMMEDIATE PUNISHMENT FOR ALL KINDS OF SHORT CUTS FOR MONEY MAKING/CORRUPTION SHOULD BE ENFORCED.

    VERY GOOD TIPS ARE GIVEN FOR YATRIK.
    LONG WALK FOR DARSHAN OF BHAGVAN IS ANDHSHRADHA, BUT WE SEE MORE AND MORE IN GUJARAT AND MAHARASHTRA.
    GOVT. SHOULD PROVIDE FACILITY BY CREATING ALL NECESSARY INFRASTRUCTURE.ALSO SUBSIDY AS GIVEN FOR HAJI.

    Like

  10. તમે ફકત તમારું કામ નીષ્ઠાપુર્વક કરો. એજ પુજા છે.
    આ વિચાર થી હું બિલકુલ સહમત છું. એક ઉર્દૂ શાયરે કહયુ છે

    યહી બંદગી હે, યહી દીન ઓર ઈમાન
    કે દુનિયા મેં કામ આાએ, ઇનસાન કો ઇનસાન

    Act well your part, there all the honor lies.

    અસગ઼ર વાસણવાલા

    Like

  11. It is a good article for all of us. The true meaning of Dharma is treat otheres the way you want to be treated including all humans beings, animals and nature.

    If you understand this concept of life then , you will see change in your life and around you.

    Thanks,

    Prdeep H. Desai
    Indianapolis,In, USA

    Like

  12. ભાઈશ્રી , સાચો ધર્મ સમજવો બહુ સરળ છે પરંતુ માણસનો અહંકાર,દેખાદેખી ,સ્વાર્થી બુદ્ધી અને વિવિધ ફીલોસોફ્ીમાં ગૂંચવાઈ જાય છે. પરીણામે સરળતામાં તેને મજા આવતી નથી. જીવન ઘણું સરળ છે પરંતુ મોટાભાગના જાણ્યે અજાણ્યે ઊકેલ શોધવામાં મૂળ મુદ્દો ભૂલી જાય છે.

    Like

  13. વેદોમાં કોઇ દેવ કે અવતારોનો ઉલ્લેખ નથી. આ મુર્તીઓ અને દેવ-દેવીઓના અવતારોની “ફેશન” પુરાણકાળથી અસ્તિત્વમાં આવેલી છે. અને એ જ પરંપરા સમજ્યા વગર આપણે આજે પણ વેંઢારતા રહીએ છીએ.
    હજારો લોકો અલગ-અલગ ભગવાન બનાવીને રોજ લાંચ-રુસ્વત આપીને પોતાના કામ કરાવવા રોદણાં રોતા બની ગયા છીએ. એ જ રોદણાં એ આપણ ને કાયર બનાવી દીધા છે. સમસ્યાના ઉકેલને આપણે માત્ર પ્રાર્થનાથી જ હલ થઇ જશે એવી અંધ માન્યતામાં રાચીએ છીએ જેના પરિણામે સમસ્યાના હલ કરવા તરફ ધ્યાન પણ આપી શકતા નથી.

    Like

  14. માનવને જીવનમાં ધાર્મિકતા કરતા આધ્યાત્મિકતાની વધારે જરુર છે એમ હું માનું છું.
    ધાર્મિકતા એટલે ધર્મપાલનને લગતા વિચાર અને વર્તન અને આધ્યાત્મિકતા એટલે આત્માને લગતા વિચાર અને વર્તન.આમ તો ધર્મના ઘણા અર્થ થાય છે પરંતુ અહીં મેં એનો અર્થ જુદા જુદા માનવ સમાજમાં પળાતાં ધર્મો જેવા કે” હિન્દુ,મુસ્લીમ ખ્રિસ્તી વગેરે વગેરે” એવો કર્યો છે.આ બધા સામાજિક ધર્મો માનવ કૃત છે.અને તે બધાં જ સ્થળ અને કાળ પ્રમાણે બદલાતાં રહે છે.વળી આ બધા ધર્મો કેવળ માનવો માટે છે.માનવકૃત આ દરેક ધર્મમાં તેમના અલગ અલગ શાસ્ત્રોકત અને સામાજિક રીત રીવાજો અને વિધિ નિષેધો હોય છે અને દરેક મનુષ્ય તેના ધર્મના આ બંધનો મને કે કમને સ્વીકારી લે છે. અને આ સ્વિકૃતી જ તેને આધ્યામને રસ્તે જતાં રોકી રાખે છે. દા.ત. એને ત્યાં લગ્ન કે કથા પ્રસંગ હોય કે નવા ગૃહ પ્રવેશ માટેની વાસ્તુ વિધિ કરવાની હોય તો આ વિધિ માટે કયા મહારાજને બોલાવવો કે લગ્ન વિધિ માટે હોલની વ્યવસ્થા કયાં કરવી, આ વિધિ માટેનો કેટલો ખર્ચ થશે,કોને આમંત્રણ મોકલવા આવી બધી ગડમથલમાં જ એનો સમય બરબાદ થઇ જાય તો આધ્યાત્મનો વિચાર કરવાની ફુરસદ કયાંથી મળે ? આમ માનવ કૃત આ બધા જ ધર્મો વ્યકિતને બહિર્મુખ બનાવે છે. પરંતુ આધ્યાત્મ માટે તો અંતરમુખ થવું ખૂબ આવશ્યક છે.આપણે સહુ જાણીએ છીએ કે વેદિક કાળમાં પણ આવી જ સ્થિતી હતી. વેદિક કાળમાં કર્મકાંડ અર્થાત યજ્ઞયાગ,હવન અને બલીદાનનું ખૂબ મહત્વ હતું. અને આવી ક્રિયામાં રત રહેતા સમાજને બહિર્મુખ થતો જોઇ કેટલાક સમજુ વિદ્વાન ઋષિઓએ વેદાન્તની એટલે કે ઉપનિશદોની અર્થાત જ્ઞાનકાંન્ડની રચના કરી સમાજને અંતરમુખ કરવાનો પ્રયત્ન કર્યો. ધર્મની સાચી વ્યાખ્યા તો છે “ધારયતિ ઇતિ ધર્મ” એટલે કે જે પ્રાણી માત્રનું રક્ષણ કરે,પાલન કરે તે સાચો ધર્મ. પણ જે ધર્મનું આપણે પાલન કે રક્ષણ કરવું પડે એ ધર્મ અપંગ જ ગણાય.માનવકૃત આ બધા ધર્મોમાં કેવળ માનવ જાતીના રક્ષણનો જ વિચાર કરાતો હોય છે. જગતના અન્ય પ્રાણીઓનો નહી.એટલું જ નહી પણ સમગ્ર માનવ જાતીનો પણ તેમાં સમાવેશ નથી કરાતો. કારણ દરેક ધર્મના રીત રીવાજો અલગ અલગ હોય છે.એમના મંદિરો,મ્સ્જિદો,ચર્ચ વગેરેમાં પ્રાર્થના કરવાના ઢંગ પણ અલગ અલગ વળી એમના દેવ પણ અલગ અલગ આવો શંભુમેળો જયાં હોય ત્યાં આધ્યાત્મિકતા ઉપર કોનું ધ્યાન રહે!
    મને લાગે છે કે મનુષ્ય મનને અંતરમુખ કરવું એ અતિ મુશ્કેલ છેે એ વાત ધ્યાનમાં રાખીને પતંજલીએ યોગ સૂત્રની રચના કરી ધાર્મિકતાથી આધ્યાત્મિકતા સુધી કેમ પહોંચવું તેનો સાચો રસ્તો બતાવ્યો.અષ્ટાંગ યોગના પહેલા પાંચ અંગો થ્યમ,નિયમ,આસન,પ્રાણાયામ અને પ્રત્યાહારધ્જગતની દરેક વ્યકિતને માટે એક સરખાં છે. પતંજલીએ આ નિયમોઅનુસાર જીવન જીવવમાં કોઇ મંદિર કે ચર્ચની જરુર નથી ઼ જરુરત છે કેવળ સૃષ્ટિ અને સૃષ્ટિના અન્ય પ્રાણીઓ સાથેના આપણા વ્યહવાર ઉપર ચાંપતી નજર રાખવાની.આ નિયમો છે સનાતન ધર્મના, માનવ ધર્મના, જેનું અનુસર કરીએ તો બીજા કોઇ પણ ધર્મની જરુર નથી. આ નિયમો આપણા મનને બહિર્મુખ ભલે રાખે પરંતુ તે મનને જરુર સ્વસ્થ અને શાંત રાખશે. અને મન જયારે સ્વસ્થ અને શાંત થાય ત્યારે તેને પતંજલીએ બતાવેલા છેલ્લા ત્રણ અંગો ” ધારણા,ધ્યાન અને સમાધિ” તરફ દોરી જવાનું સરળ થશે.શકય છે કે સમાધિ સુધી આપણે ન પણ પહોંચીએ પરંતુ ધારણા અને ધ્યાનથી અંતરમુખ તો જરુર થઇ શકીએ.અંતરમુખ થઇએ તો જ આપણને અંતરમાં છુપેલા ” હું”નો પીછો પકડવાનો સમય મળે.
    હવે ધાર્મિકતા અને આધ્યાત્મિકાતામાં મને જે ફેર જણાયો તેઅહીં રજુ કરું છું.
    ધાર્મિકતા, આધ્યાત્મિકતા
    માનવકૃત છે. કુદરતી છે
    બદલાતી રહે છે “અનિત્ય છે” નિત્ય છે
    અનુકરણીય છે અનુભવનીય છે
    બહિર્મુખી છે અંતરર્મુખી છે
    વિવિધ પ્રકાર છે. એક જ પ્રકાર છે
    સ્વૈચ્છિક છે અનૈચ્છિક છે
    કેવળ મનુષ્ય માટે છે સર્વ પ્રાણી માટે છે.
    એનુ પાલન પોષણ આપણે કરવું પડે છે એ આપણું પાલન પોષણ કરે છે.

    Like

    1. પ્રિય જી. દેસાઈભાઈ;
      પ્રેમ;
      પ્રથમ તો આપનો મંતવ્ય અને વક્તવ્ય જ બતાવે છે કે આપ અંતર યાત્રા તરફ અભિમુખ છો. કેટલીક બાબતે મારી સમજ પ્રમાણે રજુઆત કરું છું કદાચ આપને ગમે.
      માનવ ઇતિહાસ જોશો તો જણાશે કે અહિં મહાવીર, બુધ્ધ, કૃષ્ણ, મહમ્મદ, નાનક, જીસસ, અશોજરથ્રુષ્ટ જેવાં ગણ્યા ગાંઠ્યા જ લોકો પાછળ ઘણા બધા લોકો ચાલ્યા અને તેમાંથી જુદા જુદા કહેવાતા ધર્મો હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન, બૌધ્ધ, શિખ કે પારસી ધર્મો ઉભા થયા. જ્યાંસુધી આ લોકો શરીરમાં હતા ત્યાંસુધી કે કદાચ થોડા વર્ષો સુધી આ ધર્મો જીવંત હતા. પણ કાળક્રમે આ ધર્મોનો કબજો ચાલાક વેપારીઓના હાથમાં આવી ગયો અને આ ધર્મો મરી પરવાર્યા. હવે આપણે આ મડદા જે દુર્ગંધ મારી રહ્યા છે તેને જોઈને ધર્મને ગાળૉ દઈએ છીએ, તેના રીત રિવાજોને વખોડીએ છીએ. આપણી દૃષ્ટિ મડદા પર કે ઉકરડાપર સ્થગિત થઈ ગઈ અને મડદાને જ ધર્મ સમજવા માડ્યા. ખરેખર ધર્મની વ્યાખ્યા છે “ધારયતી ઇતિ ધર્મ” જે તમે જણાવી જ છે. ધારયતિ અર્થાત ધારણ કરવું. પણ શું ધારણ કરવાનુ છે? વસ્ત્રો, દાગીના, શરીર? નહી આ બધા આવરણો છે ધારણા નહી. ધારણા છે તમારા શુધ્ધ સ્વરુપમા રહેલાં તમારા મુળભુત ગુણો.જે ધારણાની મહર્ષિ પતંજલી વાત કરે છે. ધારણા પહેલાના તમામ પગથીયા શુધ્ધિની પ્રક્રિયાના છે. ધર્મ કહે છે કે તમે પરમાત્માના અંશ જ છો એટલે તમારા મૂળસ્વરુપના ગુણોમા અને પરમાત્માના ગુણોમા કોઈભેદ નથી.પરમાત્માના મૂળભુત ગુણો છે પ્રેમ અને કરુણા, જે તમારા પણ મૂળભુત ગુણો છે, જે ધારણ કરવાના છે. સમસ્યા છે તેની ઉપરના આવરણોની અને જેવાં આ આવરણો દૂર થશે કે તમારા અસલ ગુણો ઉભરી આવશે. જેમ અન્ય બુધ્ધ પુરુષોના ઉભરી આવ્યા તેમ.
      આપણી સમજ મુજબ કહેવાતા ધર્મો એ ધર્મ નથી પણ રોગ છે અને જે આપણને સમજાતુ નથી અને આપણે આવા લેબલો મારી ફરીએ છીએ કે હું હિન્દુ છું કે મુસલમાન છું કે ખ્રિસ્તી છું અને પછી ધર્મના નામે કત્લેઆમ ચલાવીએ છીએ. આવી સઘન છે આપણી બેહોશી. કોઈ આપણી બેહોશી તરફ ધ્યાનપણ દોરે તો તેને મારવા દોડી જઈએ છીએ. મિત્ર ધર્મ તો ખુબ ઉંચી વસ્તુ છે. પણ કાળક્રમે તેનો અર્થ ભ્રષ્ટ કે નષ્ટ થઈ ગયો છે. માટે અધ્યામિકતા, કે માનવ ધર્મ જેવા શબ્દો આપણે શોધવા પડે છે જેથી નવા વાઘા પહેરાવી નવા સ્વરુપે તેને રજુ કરી શકાય.
      શેષ શુભ.
      પ્રભુશ્રિના આશિષ;
      શરદ

      Like

Leave a comment