આત્મા વીશે કેટલાક પ્રશ્નો

આત્મા વીશે કેટલાક પ્રશ્નો

ધાર્મીક લખાણો અને પ્રવચનોમાં અવારનવાર એક યા બીજા સન્દર્ભમાં આત્માનો ઉલ્લેખ થતો હોય છે. અજ્ઞાત અને અદૃશ્ય આત્મા વીશે બધાની પોતપોતાની અલગ સમજ છે. આવી વીવીધ સમજને ટુંકમાં જોઈએ.

એક સમજ પ્રમાણે આત્મા શરીરથી સ્વતન્ત્ર છે અને અમર છે. એ જુદાં જુદાં શરીર ધારણ કરી કેટલીયે જીવયોનીમાંથી પસાર થાય છે. એણે કરેલાં બધાં જ સારાં નરસાં કર્મોનો હીસાબ રહે છે. જ્યાં સુધી બધાં જ કર્મોનું ફળ ભોગવી નથી લેવાતું, ત્યાં સુધી એની મુક્તી થતી નથી.

આત્માની અન્ય કેટલીક સમજો પ્રમાણે પણ આત્માને શરીરથી અલગ માનવામાં આવે છે. એમાંના કેટલાક પુનર્જન્મમાં માનતા નથી. એમના મતે મૃત્યુ પછી આત્મા સ્વર્ગ કે નરકમાં જઈ, પૃથ્વી પર કરેલાં કર્મો પ્રમાણે ત્યાં સુખ કે દુ:ખ ભોગવે છે. પુનર્જન્મમાં માનનારાઓના મતે સ્વર્ગ કે નરકમાં કર્મોનો હીસાબ ચુકતે થયા પછી, આત્મા ફરી મનુષ્ય અવતારે જ પૃથ્વી પર પાછો ફરે છે. આ ચક્ર ચાલતું રહે છે. કોઈ માને છે કે મૃત્યુ પછી આત્મા બ્રહ્મમાં લીન થઈ જાય છે. વળી એક સમજ પ્રમાણે માત્ર માનવજાતીને જ આત્મા હોય છે, પશુ–પક્ષીઓમાં આત્મા નથી હોતો.

માનવ સમુદાયનો મોટોભાગ આવા કે આને મળતા થોડા જુદા સ્વરુપમાં આત્માને જુએ છે. આ બધી સમજણો ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. બધાને પોતાની માન્યતા જ સાચી લાગવાની છે. એમાંથી કઈ અને કેટલી સાચી–ખોટી છે એના વીવાદમાં ન જતાં આત્માની પ્રચલીત માન્યતા વીશેના થોડા પ્રશ્નો ઉઠે છે તે અહીં રજુ કર્યા છે.

માણસનું હૃદય ધબકવાનું બંધ થાય છે ત્યારે એનું મૃત્યુ થયું ગણાય છે. આપણા દુન્યવી વ્યવહારો માટે આ પુરતું છે. મૃત્યુ સમયે આત્મા શરીર છોડીને જતો હોવાનું મનાય છે. હૃદય બન્ધ થયા પછી બધાં અવયવો ધીરેધીરે કામ કરવાનું બન્ધ કરે છે. જોકે ‘ટીસ્યુ’ કહેવાતાં અવયવ થોડા વધુ કલાક માટે ‘જીવન્ત’ હોય છે. એટલે જ આપણે તે અવયવોનું દાન કરી કોઈનું જીવન સુધારી/બચાવી શકીએ છીએ. મૃત અવયવ કોઈને કામ ન આવે. ‘બ્રેન ડેડ’ વ્યક્તીનાં બધાં જ અવયવોનું દાન થઈ શકે છે. યાદ રહે કે બધાં અવયવોમાં આપણા આત્માનો અંશ હોય છે.

આપણે કોઈ અવયવનું દાન કરીએ તો આપણા આત્માનો અંશ એની સાથે ગયો ગણાય. આપણા આત્માનો એટલો ભાગ અવયવ મેળવનારના આત્મા સાથે ભળી જાય ? આવું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરતાં પહેલાં, મેળવનાર શરીર (આત્મા નહીં) નવા અવયવને સ્વીકારશે કે નહીં, એની ચકાસણી ડૉક્ટરો કરતા હોય છે. અવયવનું દાન કર્યા પછી આપણો આત્મા અધુરો રહ્યો કહેવાય કે સમ્પુર્ણ ગણાય ?

રક્તદાન કરવાથી આપણા આત્માનો અંશ જતો રહે ? જરુર પડે બીજાનું રક્ત લેવાથી આપણો આત્મા અભડાય ? થેલેસેમીયાના દર્દીને તો નીયમીત રક્તની જરુર પડે છે, તેમ જ કેટલાક લોકો નીયમીત પણે રક્તદાન કરે છે. એમના આત્માનું શું થાય ?  આવું વીચારીને  કોઈ અવયવદાન કે રક્તદાન કરવાનું માંડી વાળે તો તે અતીશય દુ:ખદ બાબત ગણાશે.

બૉમ્બ વીસ્ફોટમાં ઘણા લોકો એકસાથે મૃત્યુ પામતા હોય છે. મૃત્યુ પામનાર શરીરના ટુકડા ચારેબાજુ ફેંકાય છે. આ બધું એક ક્ષણમાં થાય છે. આવા વીસ્ફોટમાં શરીર સાથે આત્માના પણ ટુકડા થાય ? આત્મઘાતી બૉમ્બરનો આત્મા દુષ્ટ ગણીએ અને ભોગ બનતા નીર્દોષોનો આત્મા સારો ગણીએ તો આમ વેરાયેલા ટુકડાઓમાં કોઈ ગરબડ/ભેળસેળ થઈ શકે ?

આ મૃત્યુને લગતા પ્રશ્નો હતા. આત્માનો શરીર પ્રવેશ વીશે  આનાથી પણ વધુ ગુંચવણભર્યા (જટીલ) પ્રશ્નો છે.

બાળક જ્યારે માતાના શરીરમાંથી બહાર આવે છે ત્યારે એનો જન્મ થયો ગણાય છે. જીવન્ત હોવાની પાયાની જરુરીયાત  એવી શ્વાસોચ્છ્વાસની ક્રીયા થોડી ક્ષણો પછી શરુ થાય છે. બાળકની નાડ કપાય પછી જ એનું સ્વતન્ત્ર અસ્તીત્વ શરુ થાય છે. દુન્યવી વ્યવહારો માટે જન્મદીવસ જાણવો પુરતું છે. જન્મની ચોક્કસ ક્ષણ જાણવી જરુરી નથી. એનું મહત્ત્વ માત્ર જ્યોતીષીઓને હોય છે. સ્વતન્ત્ર જીવનની આ ત્રણ અલગ ક્ષણમાંથી એક ચોક્કસ ક્ષણ જ્યોતીષીઓએ પસન્દ કરી છે, તે વાજબી છે કે પછી જ્યોતીષશાસ્ત્રનો પાયો જ નબળો છે ?

માણસનું હૃદય બન્ધ થાય ત્યારે એનું મૃત્યુ થયું ગણાય છે. હૃદય ધબકવાનું તો સર્વમાન્ય જન્મ સમયના કેટલાયે મહીના પહેલાં માતાના ગર્ભમાં જ શરુ થઈ જાય છે. એને જન્મ સમય કેમ નથી ગણાતો ? વ્યાવહારીક બાબતો માટે એ શક્ય નથી કે જરુરી પણ નથી. છતાંયે સ્વતંત્ર આત્માના સમર્થકો અને જ્યોતીષશાસ્ત્ર માટે તે અગત્યનું ન ગણાય ? સજીવ માટે આત્માનું હોવું આવશ્યક છે. શરીરમાં આત્માનો પ્રવેશ જન્મ વખતે થાય કે પ્રથમ ધબકાર સાથે થાય કે એની પણ પહેલાં થાય ?

આત્મા શરીરના કોઈ એક ભાગમાં નહીં; પણ શરીરના દરેક કોશમાં હોવાનું મનાય છે. સ્ત્રીબીજ એક જીવંત કોશ છે. પુરુષનું બીજ પણ એક જીવંત કોશ છે. આ બન્ને કોશમાં સ્રીના અને પુરુષના આત્માનો અંશ હોય છે. એમના સંયોજનથી જ નવું અને સ્વતન્ત્ર જીવન શરુ થાય છે, જેનો સમય સાથે વીકાસ થાય છે.  નવા જીવનો એકેએક કોશ માતાપીતાના કોશમાંથી જ બનેલો હોય છે. આ સમગ્ર પ્રક્રીયા દરમીયાન એક ક્ષણ માટે પણ તે નીર્જીવ નથી હોતો. તો પછી એમાં બહારના નવા આત્માના પ્રવેશની શી જરુર છે ? શા માટે હોય ? એનો પોતાનો આત્મા તો છે જ !

આ વીકસીત જીવોના જન્મની ક્રીયા થઈ. બીજા જીવોની જન્મક્રીયા અલગ હોઈ શકે છે. અમીબા જેવા એક કોશીય જીવ વીભાજનથી સંખ્યામાં વૃદ્ધી પામે છે. વીભાજનની થોડી ક્ષણોમાં જ તે નવા વીભાજન માટે તૈયાર હોય છે. વીભાજન પુર્વે અને પશ્ચાત્ તે સજીવ છે. એમાં પણ બહારના નવા આત્માના પ્રવેશની જરુર કે શક્યતા રહેતી નથી.

વૈજ્ઞાનીકોએ પ્રયોગશાળામાં સજીવ કોશ બનાવ્યાના સમાચાર થોડા સમય પહેલાં ચમક્યા હતા. સજીવ બનવા માટે જરુરી આત્મા વૈજ્ઞાનીકો ક્યાંથી લાવ્યા હશે ? એ તો નીરાકાર છે, અદૃશ્ય છે !

વનસ્પતી પણ સજીવ છે. એના જન્મની ઘટના સાવ જુદી છે. લાંબા સમય સુધી સુકા રહેતા (નીર્જીવ) બીજને પાણી મળતાં થોડા સમયમાં તે ફણગવા લાગે છે, સજીવ થાય છે. એનામાં આત્માનો પ્રવેશ ક્યારે થાય છે ? પાણીનો સ્પર્શ થાય ત્યારે  કે તેને ફણગો ફુટે ત્યારે ? ભેજવાળી જગ્યામાં તો પાણી વગર પણ ફણગા ફુટે છે ! ત્યાં ભેજનો/પાણીનો સ્પર્શ ક્યારે થયો તે ચોક્કસ રીતે કહી ન શકાય. આપણે ફણગાવેલાં અનાજ કે કઠોળ ખાઈએ છીએ ત્યારે એમનું મૃત્યુ થયું કહેવાય ? ફણગાવેલા મગ ચાવ્યા વીના ગળી જઈએ તો એ જીવંત રહે? એનું પાચન થતાં એનો આત્મા આપણા આત્મા સાથે ભળી જાય ?

આપણાં આતરડાંમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરીયા હોય છે. એમાંથી ઘણા આપણી પાચનક્રીયા માટે જરુરી છે. તે બધા સ્વતન્ત્ર જીવ કહેવાય. એમના આત્માનો આપણા આત્મા સાથે કેવો સમ્બન્ધ હોય છે ? એમનું આયુષ્ય માત્ર થોડા કલાકોનું જ હોય છે. પરીણામે એમનામાંથી સતત સેંકડો નવા જન્મતા અને મૃત્યુ પામતા હોય છે. એટલે આપણા શરીરમાં સતત સેંકડો આત્માઓની અવરજવર ચાલુ રહે છે. એમાં ક્યાંયે કોઈ ગરબડ થવાની શક્યતા ખરી ? બેક્ટેરીયાની યોનીમાંથી પસાર થનાર આત્માના પુનર્જન્મનાં કર્મ સારાં નહીં હોય. એમનામાંનો કોઈ દુષ્ટ આત્મા આપણા આત્માને હાની પહોંચાડે ? (ખરાબ બેક્ટેરીયા કે વાઈરસ પેટ કે પુરું શરીર બગાડે છે એ તો અનુભવ્યું છે.)

શરીરમાં જ્યારે રોગના જન્તુ પ્રવેશે છે, ત્યારે એ પણ તરત વધવા લાગીને કરોડોની સંખ્યામાં થઈ જાય છે. આગલા ઉદાહરણના બધા સવાલ એમને પણ લાગુ પડે છે. આપણા લોહીમાં રહેલ શ્વેતકણો બેક્ટેરીયાનો નાશ કરે છે. શ્વેતકણો બેક્ટેરીયાના દુશ્મન છે. એમનો પોતાનો સ્વતંત્ર આત્મા હોય ? જ્યારે શ્વેતકણો રોગોનાં જન્તુને પહોંચી નથી શકતા, ત્યારે યોગ્ય દવા લેવાથી આ રોગના જન્તુઓનો નાશ થાય છે. આ ક્રીયામાં સ્વબચાવ માટે કરોડોના હીસાબે કરેલી જન્તુઓની હીંસા માન્ય ગણાય છે. એ જ રીતે સ્વબચાવ માટે કરવી પડતી અન્ય પ્રકારની હીંસા માન્ય ગણાય ? સામે આવેલો ખતરો પ્રાણઘાતક ન હોય તો એ સ્વબચાવ ગણાય? માંદગી જીવલેણ ન હોય તોયે દવા લેવાથી હીંસા થઈ ગણાય ?

પ્રચલીત માન્યતા પ્રમાણે શરીર છોડ્યા પછી આત્મા જોઈએ એટલા સમય માટે પોતાનું સ્વતન્ત્ર અસ્તીત્વ જાળવી શકે છે અને ઈચ્છે ત્યારે, ઈચ્છે તે શરીરમાં પ્રવેશી શકે છે. કોઈ ચોક્કસ શરીરમાં પ્રવેશવાની આ ક્રીયામાં બે કે વધુ આત્માઓને ક્યારે પણ વાદવીવાદ કે અણબનાવ થાય છે ? આ બધાનું સંચાલન કોણ કરે છે ?

આત્મા નવું શરીર ધારણ કરે ત્યાં સુધી પૃથ્વી પર ક્યાં રહે છે ? એના પર ગરમી, ઠંડી, તડકો, વરસાદ વગેરેની અસર થાય ખરી ? આ રીતે રહેતા કે વીચરતા લાખો આત્મા એકબીજા સાથે ક્યારેય ટકરાય ખરા ? નોર્મલ, શાંત આત્માને કોઈ દુષ્ટ આત્મા રંજાડે ખરા ? એમની વચ્ચે કેવા સમ્બન્ધ હોય ?

જો આત્માઓ પૃથ્વી પર નહીં પણ અંતરીક્ષમાં વીચરતા હોય તો એમના પર ‘સોલર વીન્ડ’ કે ‘કોસ્મીક કીરણો’ની શી અસર થાય છે ? સોલર વીન્ડ એ સુર્યમાંથી સતત છુટા પડતા પરમાણુનાં ઘટક છે જે સેકંડના હજારો કીલોમીટરની ઝડપે બધી દીશાઓમાં ફેંકાય છે. એમના માર્ગમાં આવનાર આત્માઓને તે હાની પહોંચાડે છે ખરાં ?

કોસ્મીક  કીરણો અંતરીક્ષમાં સુપરનોવા જેવા વીસ્ફોટથી છુટા પડતા પ્રોટોન અને ન્યુટ્રોન છે. તે સોલર વીન્ડ કરતાં અનેકગણી ઝડપે અંતરીક્ષમાં ભ્રમણ કરે છે. તે આપણા શરીરમાંથી તેમ જ પૃથ્વીમાંથી સરળતાથી પસાર થઈ શકે છે, સતત થઈ રહ્યા છે. એમના લીધે સજીવોમાં થતા જૈવીક ફેરફારને મ્યુટેશન કહે છે. આ કોસ્મીક કીરણો આત્માનું મ્યુટેશન કરે ?

પૃથ્વી ઉપરાંત અન્ય તારાઓના ગ્રહો પર પણ જીવન હોઈ શકે છે. જો આત્મા અંતરીક્ષમાં વીચરતા હોય તો પરગ્રહના આત્મા પૃથ્વી પર અને પૃથ્વી પરના આત્મા પરગ્રહ પર જાય ? બધા આત્માના ગુણધર્મો સરખા જ હોય કે અલગ અલગ હોય ?

આત્માની પ્રચલીત સમજ વીશે ઉઠતા આવા થોડા થોડા સવાલો અહીં રજુ કર્યા છે. આત્માના સ્વરુપ વીશેના વધુ સવાલ હવે પછીના અલગ લેખમાં રજુ થશે. આવા ઘણા સવાલોના મગજમાં ઉતરે એવા જવાબ ક્યાંય મળતા નથી. અમારી રીતે અમને મળેલા જવાબો ચોથી માર્ચ, 2011ના રોજ આ ‘અભીવ્યક્તી’ બ્લોગમાં ‘વૈજ્ઞાનીક દૃષ્ટીએ આત્માનું સ્વરુપ’ લેખમાં રજુ થયા હતા જે જોઈ જવા વીનંતી. તે લેખ નીચેની લીન્ક ક્લીક કરીને જોઈ શકાશે: (અહીં જ લેખકનો પરીચય પણ આપને સાંપડશે.. –ગોવીન્દ મારુ)

https://govindmaru.wordpress.com/2011/03/04/murji-gada/

મુરજી ગડા

સંપર્ક:

શ્રી મુરજી ગડા, 1, શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com


શ્રી અશોકભાઈ મોઢવાડીયાના બ્લોગ ‘વાંચનયાત્રા’ માં બ્લોગ પર પ્રતીભાવનો શીષ્ટાચાર અંગે મુકાયેલો લેખ વાંચવા નીચે આપેલ લીન્ક ખોલવા વીનંતી છે:

બ્લોગ પર પ્રતિભાવનો શિષ્ટાચાર જાણો છો ?


દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન: – ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 01–04–2011

31 Comments

 1. આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શકિતશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઇ શકાતો નથી, તે અદ્રશ્ય-અવ્યકત છે.આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે વૈદિક જ્ઞાનના પ્રમાણ સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી. કારણ કે અનુભવગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી.આત્મા ચેતના છે અને સચેતન છે એ વેદોનું કથન છે. આત્મામાં શરીરમાં થાય છે તેવા ફેરફાર થતાં નથી. સદા અવિકારી રહેતો આત્મા, અનંત પરમાત્માની તુલનામાં અનુરૂપ છે. પરમાત્મા અનંત છે અને અણુ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી અતિ સૂક્ષ્મ આત્મા અવિકારી હોવાને લીધે, અનંત આત્મા એવા પરમેશ્વરનો સમકક્ષ કદાપિ થઇ શકેનહિ.
  આ અંગે વૈજ્ઞાનિક આધારથી સિધ્ધ કરવાનો પ્રયત્ન સરાહનિય છે.તે સાથે ૈદિક અભ્યાસનો સમન્વય હોય તો વધુ સારું

  Like

 2. ઘણા સારા મુદ્દા છે. શ્રી મૂરજીભાઈનો આ પહેલાંનો લેખ પણ વિસ્તૃત ચર્ચાનો વિષય બન્યો હતો.

  Like

 3. શરીરમાં જે ચૈતન્ય છે, તેને આત્મા કહેવામાં આવ્યો છે. શરીરમાં રહેલું ચૈતન્ય સદાને માટે જતું રહે એટલે મૃત્યુ થયું ગણવામાં આવે છે.
  આ ચૈતન્ય એ શક્તીનો એક પ્રકાર છે, જે દરેક જીવંત (અસ્તીત્વ)માં હોય છે. આ લેખમાં ઉલ્લેખ છે કે બીજ નીર્જીવ હોય છે, પણ યોગ્ય પરીસ્થીતી પેદા થતાં એમાંથી વનસ્પતી પેદા થાય છે. પણ ખરેખર તો પેદા થયા પછી બીજ અમુક સંજોગોમાં નીર્જીવ બને છે. નીર્જીવ બીજમાંથી વનસ્પતી પેદા થઈ શકે નહીં, માત્ર સજીવ બીજમાંથી જ વનસ્પતી પેદા થઈ શકે. જેમ કે વધુ જુનું થયેલું, બળી ગયેલું, કોહવાયેલું, છુંદાયેલું બીજ ઉગી શકે નહીં.
  શક્તીના પ્રકારો વીદ્યુત, ગરમી, લોહચુંબક, ગુરુત્વાકર્ષણ, પ્રકાશ વગરેને એકબીજામાં પરીવર્તીત કરી શકાય છે. એની અસરો અનુભવી શકાય છે, પણ એને જોઈ શકાય તેવું એનું અસ્તીત્વ સ્થુળ નથી. તે જ પ્રમાણે ચૈતન્ય જે શક્તીનો એક પ્રકાર છે એનું પણ પરીવર્તન થાય છે, અને એનું અસ્તીત્વ પણ સ્થુળ નથી. આ વીચાર પ્રમાણે આ લેખમાંના અમુક પ્રશ્નોનો ઉકેલ શોધવામાં આવે તો તેના ઉત્તરો કદાચ મગજમાં ઉતરે તેવા મળી શકે.
  સરસ લેખ ગોવીંદભાઈ. આપનો તથા મુરજીભાઈનો હાર્દીક આભાર.

  Like

 4. પ્રિય મુરજીભાઈ, ગોવિંદભાઈ તથા અન્ય મિત્રો;
  પ્રેમ;
  વિવરણ વાંચીને હિન્દી ફિલ્મનુ એક ગીત યાદ આવ્યું.
  “ગોલી મારો ભેજે મેં, ભેજા શોર કરતા હૈ”
  (મુરજીભાઈ આંકે પીડા નતી થીએ? એતરો મળે મસાલો ભેજેમે ભરી ફર્યોંતા, એતરી મળે માહિતી ભેગી કરેલા કેત કેતરો પરિશ્રમ ક્યાં હુંદા? કેતરો મળે સમય ફટાયે હુંદા. માનવ જીવનજો રસ માણેજો સમય તો હીંજ હલ્યો વ્યો, ને કીં હથ્થ ન લગો એડો નતો થીએ? આંઈ કચ્છી માડુ અઈએં એતરે થોડી પૂછેજી છુટ ગનાતો? ખેર! આણે મૂળ ગાલતે અચી વના.)
  સમસ્યા આત્મા પરમાત્માની વ્યાખાયાઓની નથી. સમસ્યા છે આપણી બુધ્ધીની મર્યાદાની અને સમજના અભાવની.પણ આપણુ મન પ્રથમ તો પૂર્વગ્રહોથી ગ્રસિત છે અને અહમ હાર સ્વિકારવા તૈયાર જ નથી આથી આપણે આપણી તમામ બુધ્ધિશક્તિ એક પછી એક તર્ક કરવામાં લગાવ્યે રાખીએ છીએ. સીધી સાદી વાતોને ગૂંચાડા ભરી બનાવી દઈએ છીએ અને પછી આપણે જ ઉભા કરેલા ગૂંચવાડામા આપણે ગૂંગળાઈએ છીએ. સામેવાળાને તર્કમાં મૂંઝવી દઈએ કે હરાવી દૈએ તો પાછો અહમ ફુલાઈને ફાળકો થઈ જાય છે.
  બાકી તો જે વાત ધર્મ કરે છે તે જ વાત વિજ્ઞાન પણ કરે છે. બન્નેની અભિવ્યક્તિ પોતપોતાની ભાષામાં છે. આ ભાષાભેદ સ્વાભાવિક પણ છે, કારણકે બન્નેના આયામ અલગ છે. એક કવિ ગુલાબનુ વર્ણન કવિતામા કરે અને એક ચિત્રકાર એ જ ગુલાબનુ વર્ણન ચિત્રમાં કરે તેમજ.
  વિજ્ઞાને જ્યારે અણુનુ વિભાજન કર્યું ત્યારે ખબર પડી કે દરેક અણુ ઈલેક્ટ્રોન્, પ્રોટોન અને ન્યુટ્રોન નો બનેલો છે. બીજી ખબર પડી કે જે નરી આંખે જે મેટર દેખાય છે તે ખરેખર મેટર નથી પણ ઉર્જા છે અને આ ઉર્જાના ના ત્રણ આયમ છે ઈલેક્ટ્રોન્, પ્રોટોન અને ન્યુટ્રોન. આનો અર્થ થયો કે સમગ્ર બ્રહ્માંડ ઉર્જા સિવાય કાંઈ નથી અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક જ ઉર્જા અહીં જુદા જુદાસ્વરુપે પ્રગટ થઈ છે અને એક સ્વરુપમાંથી ઉર્જા બીજા સ્વરુપમા રુપાંતરીત થઈ શકે છે. આ વાસ્તકિકતાની વાત થઈ. પણ વાસ્તવિકતા અને વહેવારનુ જગત અલગ અલગ છે. વહેવાર બુધ્ધિનો પ્રદેશ છે અને બુધ્ધિ સમગ્રતામા જોવાને શક્તિમાન નથી, તે ખંડ ખંડમા જ જોઈ શકે છે આ તેની મર્યાદા છે આથી આપણે વહેવારમા બાટલી ને બાટલી કહીએ અને ટેબલને ટેબલ કહીએ તો જ બુધ્ધિની પકડમા આવી શકે. આપણે બધી વસ્તુને ઉર્જા કહીએ તો બુધ્ધિ બહેર મારી જાય. કાંઇ સમજી જ ન શકે. એટલે વ્યવહારમા આપણે દરેકના અલગ અલગ નામો આપવા જરુરી છે.
  હવે ધર્મ શું કહે છે તે જોઈએ. ધર્મ કહે છે એક જ પરમાત્મા(ખુદા) છે. હિન્દુઓએ પરમાત્માને ત્રિમૂર્તિ કહ્યો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામ આપ્યા, વિજ્ઞાન તેને ઇલેક્ત્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નામ આપે છે.વાત એક જ છે કે જ્યારે એક જ ઉર્જા બહિર્યાત્રા કરે છે ત્યારે તેનુ ત્રણ મા વિભાજન થાય છે. જેને ગુર્જીયેફ લો ઓફ થ્રી કહે છે. ખ્રિસ્તીઓ પણ ટ્રિનીટીની વાત કરે છે. હિન્દુઓ કહે છે કે “કણ કણમેં બસે હૈ રામ” અહી દશરથ પુત્ર રામની વાત નથી. અહી અર્થ છે રમ્ન્તિ ઈતિ રામ. જે બધામાં રમણ કરે છે. આ વાત થઈ વાસ્તવિકતાની. હવે વ્યવહારમા લોક માનસને સમજાવવા જુદા જુદા સત્ગુરુઓએ પણ આ એક પરમાત્માનુ ખંડન કરવું પડ્યુ. અને જુદા જુદા ખંડને અલગ અલગ નામો આપવાનો પ્રયત્ન કર્યો. જેમકે માણસની અંદર જે ચેતના સ્વરુપે છે તેને આત્મા નામ આપ્યુ. અન્ય વનસ્પતિ,જીવજંતુ,પ્રાણીઓ, પશુઓ કે પક્ષીઓ મા જે ચૈતન્ય દેખાય છે તેને પ્રાણ ઉર્જા કહી અને તેના પણ અનેક વિભાજનો કર્યા છે. જેથી માણસની બુધ્ધિ સમજી શકે. પણ આ વ્યવહાર પુરતુ જ છે આ વાસ્તવિકતા નથી. તે આપણે ભુલવું ન જોઈએ. વાસ્તવિકતા તો એજ છે કે “કણ કણમે બસે હૈ રામ” કે વિજ્ઞાનની ભાષામાં “અહી એક ઉર્જા જ છે બાકી કશું જ નથી” બાકી માનસિક ખુજલી જ કરવી છે તો તર્ક અનંત છે.
  શેષ શુભ;
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

  1. શરદભાઈ, હવે તમે અને મૂરજીભાઈ બે કચ્છીઓ (વાગડ- ભચાઉના?) વચ્ચે ચર્ચા થશે તો મારા જેવા ત્રીજા કચ્છીને તો મઝા થઈ ગઈ!
   હું જડને, મૅટરને પ્રથમ માનું છું. સામાન્ય જીવનમાં આવી એક કે બીજી માન્યતાઓથી કઈં ફેર ન પડવો જોઈએ. (જો કે પડતો હોય છે).
   બુદ્ધને એમના શિષ્ય આનંદે પરલોક વિશે પૂછ્યું તો બુદ્ધ મૌન રહ્યા. આનંદે ત્રણ વાર પૂ છ્યું, બુદ્ધ ત્રણેય વાર મૌન રહ્યા.બસ, થોડું લખ્યું ઝાઝું કરી જાણજો.

   Like

   1. પ્રિય દિપકભાઈ;
    પ્રેમ;
    નાસ્તિક માને છે આત્મા પરમાત્મા જેવું કાંઇ નથી અને આસ્તિક માને આત્મા પરમાત્મા છે, પણ બન્ને આંધળા છે તે દેખાતું નથી. વારંવાર કહ્યા છત્તાં પણ માનવું એ રોગ છે, તે વાત પકડમા આવતી નથી અને હું આ મા માનુ છું ને તેમા માનુ છું તેનુ રટણ ચાલુ જ છે.
    ગેલેલીઓના જીવનની એક કથા યાદ આવી. અનેક સંશોધનો બાદ ગેલેલીયોએ સૌ પ્રથમ “હેલીયોસેન્ટ્રિઝમ” એટલેકે સુર્ય કેન્દ્રમા છે અને બધા ગ્રહો તેની આસપાસ ફરે છે તેવી વાત કરી. આ વાત બાઈબલની “જીયોસેન્ટ્રિઝમ” એટલે કે પૃથવી કેન્દ્રમાં છે અને સુર્ય ચંદ્ર તારા તેની આસપાસ ફરે છે તેની વિરુધ્ધની હતી. તેથી ગેલીલીયોની વિરુધ્ધમા રુઢીચુસ્ત ક્રિશ્ચનોએ હોબાળો મચાવ્યો અને રોમન સમ્રાટ પર ખૂબ જ દબાણ લાવી તેની ઉપર ખટલો ચલાવવામા આવ્યો અને ધર્મ વિરુધ્ધ લોકોને ભડસાવવાના અરોપસર તેને કારાવાસની સજા ફરમાવવામાં આવી. કારાવાસમા પણ ગેલીલીયોને અનેક યાતના આપવામાં આવી. છેવટે કેટલાક કહેવાતા શાણા લોકોએ સલાહ આપી કે તું તારી ભુલ કબુલ કરીલે અને દયાની યાચના કર તો સમ્રાટ કદાચ તારી સજા હળવી કરે કે તને છોડી મુકે. છેવટે ગેલીલીયોએ અરજી કરી અને ફેર સુનાવણી વખતે જે સવાલ જવાબો થયા ત્યારે વકીલોએ પુછ્યું કે,” શું હવે તમે કબુલો છો કે પૃથ્વી સ્થિર છે અને બધા ગ્રહો તેની આસપાસ ફરે છે? ત્યારે જવાબમા ગેલીલીયોએ કહ્યું કે,” હા હું કબુલ કરું છું કે પૃથ્વી સ્થિર છે, પણ મારા કહેવાથી કાંઇ ફેર નથી પડવાનો.” પછી થી તેઓ ધીમે થી ઇટાલીયન ભાષામા બોલ્યા કે,”Eppur Si Muove.” અર્થાત “yet it moves ” (હજી પણ તે ફરે છે). મતલબ કે મારા કહેવા પછી પણ પૃથ્વી તો સુર્યની આસપાસ જ ફરે છે.”
    દિપકભાઈ આપણે ગમે તે માનીએ તેનો કાઈ અર્થ ખરો? જે છે તે છે અને છે જ.
    શેષ શુભ;
    પ્રભુશ્રીના આશિષ;
    શરદ.

    Like

 5. ગાંડાભાઈ વલ્લભે જે લખ્યુ છે તે સત્ય ઘણા બધા પ્રશ્નોના જવાબ આપે છે. આત્મા એ શક્તિ નો એક પ્રકાર છે જે રૂપાંતરિત થતી રહે છે. અને મનને કારણે તેની ગતિ અને દિશા પ્રમાણે તે વિપરિત કે અનુકૂળ સંજોગોમાંથી પસાર થાય છે અને તે પ્રમાણે સુખ અને દુ:ખ પણ ભોગવે છે. પ્રેમ તેનો સ્વભાવ હોવાથી પ્રેમમાં જ ભળવાનું તે પસંદ કરે છે. એથી વિપરિત દિશા તે વિરૂધ્ધ દિશા થઈ તે સ્પષ્ટ છે. આત્મશક્તિની માત્રા જે વિભાજીત અને સંયોગિત થતી રહે છે તે મુજબની પ્રેમની તીવ્ર કે મંદ અનુભૂતિની અલગ માત્રા હોવાથી દરેકની સમજ અલગ હોવાથી વિવાદો સર્જાય છે. સ્વર્ગ, નર્ક કે પુન:જન્મ એ પણ શક્તિનું રૂપાંતર કે સ્થગિતતા જ છે. આ શક્તિ વહેતી રહે કે સ્થગિત થઈ સંચિત થતી રહે તેનો આધાર બ્રહ્માંડની કુલ શક્તિના અન્ય પ્રકારો સાથેના જોડાણ પર આધારિત હોય તેવી સંભાવના છે જેને આપણે લીન થઈ ગઈ કહીએ છીએ તે ખરેખર તો કુલ જથ્થામાં ભળી ગઈ કહી શકાય. આત્માના અંશો એકબીજા સાથે જોડાયેલા હોઈને તેને અલગ ગણીને વિચારવું યોગ્ય નથી. જ્યાં જીવશક્તિ છે ત્યાં તે શક્તિ સાથેનું જોડાણ કુદરતની જીવ શક્તિ સાથે ન હોય તો તે સ્થગિત થઈ જાય છે અને યોગ્ય કુદરતી વાતાવરણ મળતાં બીજ અંકુરિત થાય છે. સૂર્યપ્રકાશની જેમ વિખરાયેલી આ શક્તિને પંચમહાભૂતોના સંયોગથી વિજ્ઞાનની પ્રયોગશાળામાં સીંચી શકાય તેવી શક્યતાને નકારી ન શકાય. પૃથ્વી પર માનવજીવનની શરૂઆત થઈ તે પહેલાં બની શકે કે આ જીવશક્તિ ડાયનેસોરના રૂપમાં હોય જે અત્યારે બિલકુલ અસ્તિત્વમાં નથી. આ શક્તિ, શક્તિના કુલ જથ્થા સાથે ભળીને વિભાજીત ત્થા રૂપાંતરિત થતી રહેતી હોવાની શક્યતા વધુ હોવાથી આત્મા અને પરમાત્મા(શક્તિનો કુલ જથ્થો)નો સંબંધ સમજી શકાય. વિજ્ઞાન પણ કહે છે કે શક્તિ ઉત્પન્ન કરી શકાતી નથી તેમ તેનો નાશ પણ કરી શકાતો નથી ફક્ત રૂપાંતર થઈ શકે છે અને કુલ જથ્થો અચળ રહે છે.

  આત્મા જે શરીર ધારણ કરે છે તેનો મૃત્યુ પછી નિકાલ ન થાય ત્યાં સુધી જીવ શક્તિ ત્યાં જ વિભાજીત થતી હોવાને કારણે તે પરમશક્તિ સાથે એકરૂપ થઈ ઓગળી ન શકે એટલે જ કદાચ હિન્દુ ધર્મની જેમ વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અગ્નિદાહ એ મૃતદેહના નિકાલનો શ્રેષ્ઠ પ્રકાર છે. ઉચ્ચ કોટિના જીવો અને બેક્ટેરિયા જેવા એકકોષી જીવો વચ્ચેનો ભેદ પણ તેમાં રહેલી જીવ શક્તિની માત્રાનો જ હોઈ શકે અને આ માત્રા એક જ યોનિમાં પણ વધારે કે ઘટાડે હોઈ શકે. એટલે જ આત્મ શક્તિ પર બધો આધાર છે એમ કહેવાયું છે ને? એ શક્તિને ઓળખીને ક્યાં અને કેમ વાપરવી તે સમજણનો આધાર માણસના મન અને બુદ્ધિ પર છે એમ કહી શકાય. તેથી જ તો વિવાદો સર્જાય છે ને?

  Like

 6. કોઇ પણ બાબતને જ્યારે શબ્દોનું રૂપ આપવામાં આવે ત્યારે જે ઢાંચામાં બાબતને ઢાળવી હોય તેમાં ઢાળી શકાય. આત્મા વિષે કેટલાક પ્રશ્નો ઉભા કરીને શ્રી મુરજીભાઇ ગડા, એ સારી ચર્ચા જગાવી છે. જે જે પ્રશ્નો છે તેના ઉત્તરો મેળવવામાં આવે તો આત્મા વિષેના ઘણાં રહસ્યો ઉજાગર થાય. આ પ્રશ્નમાં એક ઉમેરો કરી શકાય.. દિવસે દિવસે માનવોની સંખ્યા વધે છે તે વધતા જતા આત્માઓ ક્યાંથી આવ્યાં ? શું બીજા ગ્રહ ઉપરથી ? તો પછી તે ગ્રહો પર માણસોની સંખ્યા ઘટી ગઇ હશે? કે પછી જેમ જેમ માણસોની સંખ્યા વધે છે તેમ તેમ બીજી યોનીઓ જેમ વાઘ, વરૂ, ચિત્તો, સિંહ વગેરે જેવી જાતિઓની સંખ્યામાં થયેલો ઘટાડો એ વધેલા માણસોની સંખ્યા છે?

  શ્રી શરદભાઇ અને શ્રી ગાંડાભાઇએ આ ચર્ચાને રોચક બનાવી છે.. આશા રાખીએ હજુ બીજા મિત્રોના યોગદાનથી સરસ ચર્ચા થશે…

  Like

 7. શ્રી શરદભાઈએ મને સંબોધીને લખેલા પ્રતિભાવમાં કહયું છેઃ ” નાસ્તિક માને છે આત્મા પરમાત્મા જેવું કાંઇ નથી અને આસ્તિક માને આત્મા પરમાત્મા છે, પણ બન્ને આંધળા છે તે દેખાતું નથી”.
  અરે ભાઈ, તો આંધળો કોણ નથી? અને એ શું જોતો હશે? આસ્તિક અને નાસ્તિક બન્નેથી અલગ કઈંક એને દેખાતું હશે? એવો કોણ છે જે આત્મામાં માનતો પણ હોય અને ન પણ માનતો હોય? આવો ‘અસ્તિ-નાસ્તિ’ના અકલ્પનીય સિદ્ધાંતમાં માનનારો કોણ? એ સાચો કે એ પણ માત્ર માનનારો – અને તેથી આંધળો? વાડ પર કોણ બેઠો છે જે કઈ બાજુ ઠેકવું તે છેલ્લી ઘડીએ નક્કી કરશે?

  Like

  1. Dear Deepakbhai;
   Love!
   Read again and again and again and again the words of Budhdhaa, on the top of the every article. Budhdhaa repeatedly says not to believe in anything, even his own words and teachings. Why? Is Budhdhaa fool?
   And you donot listen to budhdhaa and go on saying, “I believe in this and I belive in that” What is wrong with you? Think on it rather then thinking, whether God is or God is not. That will help you lot for your inner development and real happiness.
   His Blessings;
   Sharad

   Like

 8. શ્રી શરદભાઈ,
  મારો પ્રતિભાવ ફરી વાંચવા વિનંતિ છે.
  મેં તો માત્ર એટલું જ પૂછ્યું છે કે આસ્તિક અને નાસ્તિક બન્ને આંધળા છે તો આંધળો કોણ નથી? આ પ્રશ્નમાંથી હું શું વિચારૂં છું તે નક્કી ન થઈ શકે.

  બુદ્ધ મૂર્ખ ન હોઈ શકે. પરંતુ બુદ્ધ મૂર્ખ નથી એ નકારાત્મક કારણસર બુદ્ધને વાંચ્યા જ કરૂં એ તો પોપટવેડા ગણાય.

  તમે સદ્‍ભાવપૂર્વક મને સલાહ આપી છે તે બાબત હું એટલું જ કહીશ કે હું આખો દિવસ એ ચિંતામાં પડ્યો નથી રહેતો કે ભગવાન છે કે નહીં. હોય તો એણે મારૂં કઈં નુકસાન નથી કર્યું અને ન હોય તો એમાં મારો વાંક નથી.

  મારૂં inner development થયું છે કે કેમ તે બાબતમાં મારા પોતાના દાવા ન ચાલે. એ માપવાનો અધિકાર બીજા લોકોનો છે. અને મને real happiness મળી છે કે નહીં એ પણ હું જાણતો નથી. માત્ર એટલું સમજાય છે કે સુખની વ્યાખ્યા સૌની પોતાની હોય છે.

  Like

  1. પ્રિય દિપકભાઈ;
   પ્રેમ;
   ફક્ત બુધ્ધપુરુષો જ સત્ય જોઈ શકે છે, બાકી બધા જ આંધળા છે. અથવા બીજી રીતે કહું તો જે સત્ય દેખી શકે છે તેને બુધ્ધ પુરુષ કહેવામાં આવે છે. પણ આંધળાની વસ્તીમા ક્યારેક એકાદ દેખતો (બુધ્ધ) પેદા થાય છે તેને આંધળાઓ સહન નથી કરી શકતા અને શૂળીએ ચઢાવે છે, કે તેના ટૂકાડા ટૂકડા કરી નાંખે છે કે તેને ઝેર આપી મારી નાંખે છે કે તેને જેલમા નાખે છે કે તેને સતાવે છે. આપણો ઈતિહાસ તેની સાક્ષી છે. આપણે જીસસ કે મંસૂર કે મહંમદ કે મહાવીર કે કૃષ્ણ કે સોક્રેટિસ કે મીરાં કે નરસિંહ મહેતા કે ઓશો કે અન્ય સાથે જે વહેવાર કર્યો છે તે શરમજનક છે. વળી તેમના દેહવિલય પછી આપણે તેમના મંદિરો બનાવીએ છીએ અને પૂજા કરીએ છીએ. અને આપણને દેખાતું પણ નથી કે આપણે શું કરી રહ્યા છીએ.
   બીજું બુધ્ધને વાંચ્યા જ કરું તો પોપટવેડા જ કહેવાય તેમ તમે કહો છૉ. મારો ઈશારો બુધ્ધને વાંચ્યા કરવા તરફ નથી જ. બુધ્ધ જે કહે છે તે સમજવા તરફ છે. બુધ્ધ એક જ વાત વારંવાર દોહરાવી કહી રહ્યા છે કે માનશો નહી. અને દરેક બુધ્ધ પુરુષો એ જ વાત કરે છે. દરેક બુધ્ધ પુરુષો પ્રમાત્મા કે આત્મા માનવાની ચીજ નથી પણ જાણવાની ચીજ છે તેમ તે પોતે જાણ્યા પછી કહી રહ્યા છે. પણ જાણવા માટે તો પરમાત્માની પ્યાસ જોઈએ, ખુલ્લુ હૃદય જોઈએ. અથાગ પરિશ્રમ જોઈએ. સાચું કહું તો આપણને કોઈ પરમાત્માની પ્યાસ નથી, આપની પાસે જે છે તે એક સડેલું ભેજું છે જે દુનિયાભરની કચરપટ્ટી માહિતિ થી ભરેલું છે, પૂર્વગ્રહોથી સજ્જ છે અને પરિશ્ર્મની તો વાત જ ક્યાં કરવી? બે કોડીની ગ્રજ્યુએટની ડિગ્રી માટે આપણે ૨૦ વર્ષ સુધી મહેનત કરવા તૈયાર છીએ પણ પરમાત્મા આપણને રેડીમેઈડ જોઈએ છે વગર પરિશ્રમે. વાદવિવાદ કરીને. આપણે શું કરી રહ્યા છીએ તેની આપણને ખબર જ નથી પડતી.એટલી બધી સઘન આપણી બેહોશી છે.
   હું તમારા માધ્યમથી કેટલાક જીવોને જગાડવા પ્રયત્ન કરી રહ્યો છું. જગાડનાર સદા અળખામણો લાગે છે તેની મને ખબર છે જ. મને પણ જ્યારે મારા એક મિત્રએ જગાડવા પ્ર્યતન કરેલો ત્યારે મને તે દુશ્મન જેવો લાગેલો. પણ આજે હું તેનો સદાને માટે ઋણી છું. અહીં જે મિત્રો છે તેમાંના ઘણા બધા મિત્રો ખુબજ પોટેન્શીઅલ્ છે, એનર્જીથી ભરેલા છે બુધ્ધીમાન છે. જરુર છે તો એક યોગ્ય દિશાની. એકાદ બે મિત્રોને પણ મારી વાત ઝકઝોરી શકશે તો મારો પ્રયત્ન સફળ થશે. બાકી તો હરી ઈચ્છા.
   શેષ શુભ;
   પ્રભુશ્રિના આશિષ;
   શરદ

   Like

 9. શ્રી શરદભાઈ,
  તમે લખ્યું છેઃ ” હું તમારા માધ્યમથી કેટલાક જીવોને જગાડવા પ્રયત્ન કરી રહ્યો છું. જગાડનાર સદા અળખામણો લાગે છે તેની મને ખબર છે જ.”

  મને માધ્યમ માનવા બદલ ખૂબ ખૂબ આભાર. માત્ર – હું સારું માધ્યમ છું કે કેમ – તે કદાચ શંકાનો વિષય છે. માધ્યમ તરીકે મને તમે અળખામણા ન લાગી શકો. જેમને તમે જગાડવાનો પ્રયત્ન કરો છો તેઓ કદાચ એવું માને એ શક્ય છે. આવો તમારો સ્વાનુભવ પણ છે.

  પરંતુ મુ. શ્રી મૂરજીભાઈ સાથેની તમારી મૂળ ચર્ચા આત્મા વિશેની છે, એના પર પાછા આવવું જોઈએ. તમે ‘માનવા’નો વિરોધ કરો છો તો આશા છે કે આત્મા હોવા કે ન હોવા વિશે તમારો ‘અનુભવ’ કે ‘પ્રતીતિ’ જણાવશો (માન્યતા નહીં) તો વધારે ઉપયોગી થશે. મુ.શ્રી મૂરજીભાઈએ તો પોતાની માન્યતા કે પ્રતીતિ જણાવી દીધી છે.

  તમે જે લખતા હો છો તેનો સાર એ નીકળતો હોય છે કે માણસે ભગવાન છે કે નહીં તે વિચારવાને બદલે પોતાની અંદર શું ખોટું છે તે વિચારવું જોઈએ. (તમે મને લખ્યું છેઃ”what is wrong with you?”) પરંતુ તમે પોતે આત્મા છે કે નહીં એ વિશે શો અનુભવ કર્યો છે તે કહો તો કદાચ શ્રી મૂરજીભાઈ પણ ફરી ચર્ચામાં પાછા ફરે અને બીજા લોકો પણ આ માધ્યમ દ્વારા જાગે. તમારા અનુભવને માન્યતાથી શી રીતે અલગ કરો છો તેની રીત પણ જણાવવા વિનંતિ છે.

  Like

  1. પ્રિય દિપકભાઈ;
   પ્રેમ;
   મારો પોતાનો આત્મા-પરમાત્માનો કોઈ અનુભવ નથી, કે હું કોઈ દાવો પણ કરતો નથી કે અત્યાર સુધી મેં કર્યો પણ નથી. હું સાધના ના માર્ગ પર છું. સાધનાનો માર્ગ અર્થાત કચરો કાઢવાની કે બાળવાની પ્રક્રિયા. હા! હું એમ સ્પષ્ટપણે કહી શકું કે જેમ જેમ મારી ભિતરનો કચરો બળતો જાય છે તેમતેમ એક રાહતની અનુભુતિ અવશ્ય થાય છે. કદાચ બધો કચરો બળી જશે ત્યારે જે છે તેનો અનુભવ આપોઆપ થઈ જશે. મને કોઈ ઉતાવળ પણ નથી. જે પ્રક્રિયા છે તેમાંથી દરેક બુધ્ધે પસાર થવું જ પડ્યું છે, તો પછી હું એમાંથી બાકાત કેમ રહી શકું?
   આત્મા કે પરમાત્મા છે કે નથી અને હોય તો તે કાળો છે કે ધોળો, લાંબો છે કે ટૂંકો, જાડો છે કે પાતળો તે હું સ્વાનુભવથી જાણીશ, નહી કે કોઈ એ કહ્યું છે કે આત્મા પ્રકાશમય છે એટલે તે માની લઈને. મારી સમજ મુજબ માની લીધેલો પરમાત્મા પણ બે કોડીનો જ છે. અર્થહીન.
   વિજ્ઞાનની પણ આ જ રસમ છે. વિજ્ઞાન કોઈપણ પૂર્વ ધારણા કરી પછી તે શોધવા નથી નીકળતુ. જેમ વિજ્ઞાન પરિક્ષણ અને પરિણામ આધરીત છે તેમ ધર્મ પણ છે. એટલે જ બુધ્ધ કહે છે કે કાંઈ પણ માની ન લેતા. નહી તો તમારી પૂર્વ ધારણા જ બાધા બની જશે અને તમારી શોધ રવાડે ચઢી જશે.બુધ્ધની વાત વૈજ્ઞાનીક છે અને તમામ બુધ્ધોની વાત પણ એજ છે. પણ આપણે બુધ્ધોનુ ઓછું સાંભળીએ છીએ અને કથાકારો કે કહેવાતા (અ)ધર્મ ગુરુઓનું વધારે. અને પછી તેમની વાતો પર વિવાદો પણ કરીએ છીએ.
   મુળજીભાઈએ પણ જે વાત કરી છે તેમા તેમને એવો દાવો નથી કર્યો કે આ મારી પ્રતિતિ છે.પ્રતિતિ તો ખુબ ઉંચી ચીજ છે. જે પરિણામ છે શોધનો અંત છે. મ્મુરજીભાઈ તો શોધની શરુઆતની વાત કરે છે.મુરજીભાઈ કહી રહ્યા છે કે જુદા જુદા વક્તવ્યો અને માન્યતાઓને કારણે મુંઝવણો ઉભી થયેલી છે અને આત્મા કે પરમાત્મા ખરેખર શું છે અથવા છે કે નથી તેની પણ ખબર પડતી નથી.અને આ મૂઝવણમાંથી તેમને ઉદ્ભવેલા સવાલો નો ખડકલો તેમને રજુ કરેલ છે. અને આવો ખડકલો લગભગ દરેક બુધ્ધિમાન ને ઉઠે તે સ્વાભાવિક છે. ફક્ત બુધ્ધુને જ ન ઉઠે.
   મારી સમજ છે કે આપણે પણ વૈજ્ઞાનિક અભિગમ રાખવો જોઈએ અને જે છે તેને શોધવાની વૃત્તિ હોવી જોઈએ. ધર્મ અને વિજ્ઞાનનો ભેદ એટલો જ છે કે એકવાર વિજ્ઞાન એક વસ્તુ શોધી કાઢે તે પછી તેની શોધ દરેક વ્યક્તિએ કરવી જરુરી નથી. પરંતુ ધર્મની બાબતે તે શક્ય નથી. ધર્મની ખોજ દરેકે દરેક વ્યક્તિએ જાતે જ કરવી પડે છે. કારણ કે ધર્મ સ્વાનુભવ છે. આ ભેદ પણ બન્ને ના જુદા જુદા આયામોને કારણે છે.
   ધર્મના સત્યો તેમના માટે જ સત્ય છે જેમને તે અંતર ખોજ દ્વારા શોધ્યા હોય. બીજા માટે તે અસત્ય જ છે. જેમકે શંકરાચાર્ય કહેતા હોય કે “બ્રહ્મ સત્ય છે જગત માયા છે” પણ આપણા માટે તો જગત જ સત્ય છે બ્રહ્મ સત્ય છે તે કહેવા બ્રહ્મ શું છે તે જાણ્યા વગર આપણે કહી ન શકીએ કે બ્રહ્મ સત્ય છે. પણ આપણી સમસ્યા એ છે કે બુધ્ધ પુરુષોના વચનોને આપણે દોહરાવી અને આપણી જાતને જ્ઞાની સમજતા હોઈએ છીએ. આટલું કહી રહ્યો છું તેની પાછળ તાત્પર્ય એ જ છે કે આ બધી ભુલો હું પણ કરતો જ હતો અને મારી ભુલો મને સમજાવાનુ શરુ થયું ત્યારથી ખોટા લોહીઉકાળા હવે થતા નથી અને એક રાહત લાગે છે. તમને પણ આવા લોહી ઉકાળા થતા હોય તો તેમાંથી છુટવાનો માર્ગ મારા અનુભવ પરથી અહીં મિત્રો સાથે શેર કરુ છૂ. બાકી કોઈ પ્રયોજન નથી.
   શેષ શુભ.
   પ્રભુશ્રિના આશિષ;
   શરદ.

   Like

   1. પ્રિય શરદભાઈ,
    તમે ટાઢક વળે એવી સ્પષ્ટતા કરી છે. માફ કરજો, પણ મેં તમારી માન્યતાને બદલે તમારા અનુભવનો પ્રશ્ન પૂછ્યો તે પછી તમારૂં પોતાનું અંગત દૃષ્ટિબિંદુ સ્પષ્ટ થયું છે. હમણાં સુધી તમારી વાતો અગમનિગમની અકળ જણાતી હતી. મને લાગે છે કે શ્રી મૂરજીભાઈએ જે સવાલો ઊભા કર્યા છે તે યોગ્ય છે. રેશનાલિસ્ટ આત્મા-પરમાત્માના વિષયને તર્કથી સમજવા માગે છે. સમજી શકાય તો સ્વીકારી પણ લેશે.ઉલ્ટું શ્રી મૂરજીભાઈએ તો આત્માવાદીઓને બધું નવેસરથી વિચારવાની તક આપી છે.તેઓ આ બાબતમાં અનુત્તર રહેતા પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી માત્ર કોઈએ કહ્યું તે જ કારણસર સ્વીકારી નહીં લે. આ દૃષ્ટિએ તમે પોતે પણ રેશનાલિસ્ટની નજીક આવો છો.

    વૈજ્ઞાનિક અભિગમ કદાચ ‘શ્રદ્ધાવાન’ વર્ગમાં ઓછો છે; ‘અશ્રદ્ધાવાન’ વર્ગમાં વધારે છે. શ્રદ્ધા અકાળે કેમ આવે? આ દેહ ભગવાને આપ્યો એમ માનતા હોઇએ તો પણ આપણી ફરજ છે કે એ જ ભગવાને આપેલા મગજ અને હાથપગનો સુયોગ્ય ઉપયોગ કરીએ. આમાં આત્મા-પરમાત્મામાં માનવા-ન માનવાની વાત જ નથી.તે પહેલાં જ તૈયાર બેઠેલી શ્રદ્ધા આળસની નિશાની છે. આજ સુધી આપણે આળસમાં જ બીજાના કથનને આપણી માન્યતા કે આપણી પ્રતીતિ તરીકે આગળ ધરતા આવ્યા છીએ.આ પ્રતિભાવ પછીના તમે અને શ્રી મૂરજીભાઈ પણ આળસુ નથી! ભલે જુદી દિશામાં જતા હો, પણ ચાલો છો.

    લોહીઉકાળાની વાત કરીએ તો વાત અંગત રસ્તો પકડી લેશે એટલે સંકોચ થાય છે.શ્રી ગોવિંદભાઈના બ્લૉગનો પણ એ દુરુપયોગ ગણાશે. માત્ર એટલું જ કહીશ કે ‘છે’ અને ‘હોવું જોઈએ’ વચ્ચેનો ગૅપ નિરર્થક પ્રયાસ તરફ લઈ જાય છે. આ ખાઈ જ દુઃખ છે. એમ લાગ્યા કરે કે હું અપૂર્ણ છું અને પૂર્ણ બનવું જોઈએ, એ દુઃખ છે. આને ‘આધ્યાત્મિક ખોજયાત્રા’ નામ પણ અપાય છે, પરંતુ એ પણ આર્થિક સુખ જેવો જ ધખારો છે! એ દંભ છે, અને દંભ ન હોય ત્યારે આત્મવંચના છે. એમાં ‘અહંભાવ’ છે કે હું તો મહાન શોધમાં છું. નમ્રતાનો અભાવ છે. એ કાયમ માટે અસંતોષ પેદા કરે છે.

    ‘છે’ને ‘હોવું જોઈએ’ સુધી પહોંચાડવાનું તો મૅનેજમેન્ટ ગુરુઓ પણ કહે છે. એક અલગ ક્ષેત્રમાં બધા ઋષિમુનિઓ પણ કહે છે. બન્ને પ્રયાસમાં ક્વૉલિટીની દૃષ્ટિએ કઈં ફેર નથી. એનાથી ઉલ્ટે રસ્તે જઈએ તો? ‘હોવું જોઈએ’ને ‘છે’ની નજીક લાવવાનો અખતરો કરી જોવા જેવો તો ખરો.અને તમે તો અખતરાનો માર્ગ જ લીધો છે. આટલું મારા અંગત “લોહીઉકાળા”ના સંદર્ભમાં!

    Like

 10. “બાબુ મોષાય, હમસબ રંગમંચ કી કઠપુતલીયા હૈ જીસ્કી ડોર ઉપરવાલે કે હાથમે હૈ, કૌન જાને કબ કિસ્કી ડોર કબ કટ જાય !!”

  દરેકે દરેક કઠપુતળી (માનવી)ઓએ ચોક્કસ રોલ ભજવવાનો હોય છે, એ કઠપુતળીની જાણ બહારની વાત છે, નક્કિ તો એ કઠપુતળીએ કરવાનુ છે કે એને કોનો રોલ અદા કરવો છે, નાસ્તિકોનો કે આસ્તિકોનો. નાસ્તિકોના ભાગમાં ભૌતિકસમ્રુધ્ધી આવશે અને આસ્તિકોના ભાગમાં આત્મિક સમ્રુધ્ધી આવશે.

  “ન જાણ્યુ જાનકીનાથે…….”

  આપણા બાળકો, આપણા સગાઓ, આપણા નાતિલાઓ, આપંણા દેશવાસીઓ અને જગતવાસીઓ આપણા દરેકે દરેક કાર્યો નો બદલો આપે અને લે છે તો પછી જેણે આપણે સર્જ્યા અને એમની ઈચ્છાને આગળ વધારવા માટે મોકલ્યા છે તો એ પરમપિતા પરમાત્મા શા માટે આપણી જોડે યોગ્ય વ્યવહાર ન કરે, અને પાપના ફળથી બચાવવા માટે પરમ્પિતા પરમાત્મા દરેકે દરેક યુગમાં યોગ્ય સંતોને મોકલાવીને આજ સુધી આપણે બધાને સુસંસ્ક્રુત બનાવી રાખ્યા જ છે ને, એ આપણે શુ કામ ભુલી જઈએ છીએ !!

  મુસ્કીલથી ૧૦૦-૨૦૦ વરસ થયા છે માનવજાતને આજના પ્રગતિના પણ વિનાશક પંથે આગળ વધતા. મને તો હવે લાગે છે કે ભવિષ્યમાં વસ્તી વિસ્ફોટ, પ્રગતિવિસ્ફોટ, માહિતી વિસ્ફોટ, બોંબ વિસ્ફોટ વગેરે વગેરે વિસ્ફોટ થવાની અણી પર આવી ગયા છીએ

  બુધ્ધ, મુળમાં ખરેખર તો શાંત વિદ્રોહી હતા, હિંદુ માન્યતાઓની વિરુધ્ધ એમનુ શાંત મન બંડ પોકારી ઉઠ્યુ હતુ અને એમણે હિંદુ માન્યતાઓને તુચ્છ માની હતી અને તપસ્યા કરીને નવો પંથ ઘડી કાઢ્યો જે આજ સુધી અસત્ય ભલે ન લાગતો હોય તો પણ સંપુર્ણ સત્ય તો નથી જ અને એમને પોતાને જ ખબર નથી કે તેઓ જે કહે છે એ ખરુ છે કે નહિ, નહિ તો એમણે પોતે જ પોતાના કથન ને સાચુ માનવાનો પ્રભુ યીશુની રીતે પરમાત્માના આદર અને સન્માન માટે પરમાત્માના સંદેશવાહક રુએ સત્યતા ઉપર ભાર મુક્યો હોત.

  મારા અટલ મતે, આત્મા-પરમાત્મા તો હયાત છે, છે, છે અને છે જ, એનો ગમે તે રીતે નકાર કરી લો, એમની સત્યતા અટલ રહેવાની, જેનુ ઉદાહરણ અભણ ગણી શકાય એવા શીર્ડીના સાઈબાબા, પ્રબુ યીશુ પોતે, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, કબીરજી, નાનકજી, વગેરે વગેરે ભલે વિજ્ઞાન ન ભણ્યા હોય, પણ સંતો ગણી શકાય. એટલે નાસ્તિકતાનો ફેલાવો કરીને ભારતમાં યુગો યુગોથી પાયો નાખીને અડંગો જમાવી બેસેલા પાપી તકસાધુઓને અંધકારમાં બગડી ગયેલા સમાજને વધુ બગાડી મુકવાનો મોકો ન આપવો જોઈએ. નહિતો એનુ ફળ તમને નહિ પણ તમારા પુત્ર પુત્રી, સગાઓ, નાતીલાઓ અને દેશવાસીઓને ભોગવવા પડે છે એટલે મારુ તો માનવુ છે કે પાપને વધવા માટેનો નાસ્તિકતાનો રસ્તો હંમેશા માટે બંધ કરી દેવો જોઈએ અને આસ્તિકોમાંથી ધાર્મિક લેભાગુઓને દુર હટાવવા જોઈએ એવુ મારુ માનવુ છે.

  Like

  1. પ્રિય રાજેશભાઈ;
   પ્રેમ;
   આપ લખો છો,”નક્કિ તો એ કઠપુતળીએ કરવાનુ છે કે એને કોનો રોલ અદા કરવો છે, નાસ્તિકોનો કે આસ્તિકોનો. ” જો કઠપુતળી નક્કી કરી શકવાને સ્વતંત્ર હોય તો તેને કઠપુતળી કહેવાય ખરી?
   પ્રભુશ્રિના આશિષ;
   શરદ

   Like

   1. વહાલા શ્રી શરદભાઈ;
    સત્પ્રેમ;

    ૪૨ વરસ સુધી હુ અંધકારમાં પાપના રાજ્યની કઠપુતળી હતો અને અવનવા કામો કર્યા કરતો હતો પણ હવે મને પ્રભુ યીશુને વાંચીને એમની જ વાતો સત્ય લાગે છે એટલે હુ હવે પરમ્પિતાના રાજ્યનો વારસ હતો એ સત્ય હાથ લાગી જવાથી આપને અને સહુને એ સત્યથી વાકેફ કરાવવાનો પ્રેમાગ્રહ કરવાની લાલસા રાખુ છુ. અણ્ણા હઝારે સાહેબે જે રસ્તો પકડ્યો છે એ ઉત્તમ છે પણ ખરો નથી, એના બદલો લોકોના વિચારો બદલો તો જ ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ થસે કેમ કે જે લોકો ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે તેઓ સર્વ સૈતાન ના રાજ્યના સૈનિકો છે એ તેઓને ખબર જ નથી, આ સત્ય મને બાઈબલમાં જ પ્રભુ યીશુએ સમજાવ્યુ, એટલે હવે આપનો સવાલ કઠપુતળી કહેવાય કે ના કહેવાય એનો ઉત્તર આપને કદાચ મલી ગયો કહેવાય.
    ધન્યવાદ
    સત્પ્રેમ અને પ્રભુશ્રીના આશિષ આપને અને સર્વ વહાલા મિત્રોને;
    રાજેશ;

    Like

 11. રાજેશભાઈ, બુદ્ધ વિદ્રોહી હતા એ સાચું છે. એમણે હિન્દુ ધર્મ (અહીં ખરો શબ્દ વૈદિક ધર્મ છે)ની મુખ્ય માન્યતા કે યજ્ઞો કરવાથી સ્વર્ગ સુખ મળે, એનો ઇન્કાર કર્યો. કોઈ વચેટિયા વિના વ્યક્તિગત માર્ગે જ સુખ મળે એ એમણે દેખાડ્યું.બુદ્ધ નિરીશ્વરવાદી પણ હતા એટલે પરમાત્માની અસીમ કરુણાની વાત ન કરે. પ્રભુ યીશુ અને બુદ્ધ વચ્ચે હું તુલના નહીં કરૂં. બુદ્ધ અને જીસસનું જીવનકાર્ય મને હંમેશાં સંમોહિત કરતું રહ્યું છે બુદ્બ શાંત વિદ્ન્રોહી હતા તો જીસસ પણ પ્રચંડ પ્રભાવશાળી વિદ્રોહી હતા અને એમના પ્રખર પ્રભાવવાળા શબ્દોથી એમણે લોકોને જાગૃત કર્યા. એમને ખબર હતી કે એમનો અંત કેવો આવશે પણ એની એમણે પરવા ન કરી.

  તમે કહ્યું છે કે આસ્તિકોમાંથી લેભાગુઓને કાઢો. તદ્દન સાચું છે. પરંતુ આજે આસ્તિકતા પોતે જ ધંધો બની ગઈ છે. આ બજારમાં હડતાળ કઈ રીતે પાડવી?

  તમારી બીજી વાત નાસ્તિકતા વિશે છે. નાસ્તિકતાને અનીતિ સાથે ન જોડી શકાય. ઈશ્વરમાં માનવા માત્રથી માણસ નીતિવાન પણ બની જાય એવું નથી. ધારો કે, હું ઈશ્વરમાં ન માનતો હોઉં તો પણ મારા પાડોશી સાથે સારી રીતે રહેવાની ફરજમાંથી કેમ છૂટી શકું?આમ છ્તાં નાસ્તિક પણ બીજાને નુકસાન કરી શકે છે. At least, એ વખતે એ ભગવાનના નામે નુકસાન નથી કરતો હોતો!

  એ્ટલે ખરી જરૂરિયાત ધર્મના ઓઠા હેઠળ થતા અનાચારોને નાબૂદ કરવાની છે.

  Like

 12. Dear readers,

  There is a need to clarify few points here. There is no debate about the existence of the soul or the spirit in my articles. We define the spirit as the one, which separates living from the non-living. Everyone is good with that definition. The debate is about the form of the spirit. The traditional understanding of spirit has many unresolved holes in it as questioned in the present article. The more logical definition, which answered all these questions, was given in my earlier article.

  The spirit is also not any known form of energy as suggested by some readers. This point is clarified in other article, which is yet to be put on this blog.

  Shri Deepak Dholakia has been responding in my lieu to many comments. He has done an excellent job at that. I extend my gratitude and thanks to him.

  One point well taken is from Shri Gandabhai Vallabh about the grain or a seed. True, the grain is not ‘non-living’ but is rather ‘dormant’. This raises another question. So, what form is the soul in that dormant grain? Is dormant soul possible in the body? And, what happens to that soul when we grind the grains in thousands at a time?

  Everyone has a right to express his/her opinion. Most readers express their views in favour or against the author’s views and let it go. Any comment in that form is always welcome. While some people keep repeating the same thing over and over again. May be they have nothing better to do. Anyone suggesting that anything counter to the general belief need not be expressed is crossing the line in many ways. It is called the ‘Taliban mentality’.

  Most of the rationalists have grown up in a highly religious family and have been traditional believers in younger years. It is their experiences in life along with their reading and thinking, which has prompted them to change their views on many things. They are no ignorant in anyway.

  More on such comments will be discussed in form of an article sometime in future.

  Like

  1. Thanks Murjibhai, Amartya Sen talks about an ‘Argumentative Indian’. But that culture is lost and करिष्ये वचनं तव took over. This is an easy and idle way. Govindbhai provides such a facility in this blog that we can return to the original culture. Thanks again for your kind words for me.

   Like

 13. Honourable Dear Brothers,

  The science which describes coming and going of physical formless soul is called spiritual science, and it does not permit one to acquire any degree or go through a written course for scheduled period. Spiritual science is of two kinds I have realized so far. One relates human beings with Almighty Father GOD’s Holy kingdom which brings peace and joy in the world and the other is exactly oposite of that is a satanic spiritual world, which does not obey or give regards to GODLY holy spiritual world. Now the Almighty Father GOD has given a liberty to chose from both the above said kingdoms to human beings. GOD always loves humanbeings as it is HIS own creation, created particularly to defeat satanic spiritual world. GOd has given certain rules to walk on to keep society holy and pure from ugly and dirty satanic human beings. Now here comes one generation or society which does not believe on GOd or satan but unknowingly likes and leads holy life, which is ultimately directed and drawn by the GOD HIMSELF since ages before. But humanbeings likes to enjoy shallow enjoyments of sinful life, by any means, which is now easily seen in India now a days. Here requires the directions of GODLY kingdom. GOD sometime allow some people or his creation to shack the faith of human beings by allowing some elements like terrorists, bomb blasts, misery, wars, merky, earthquakes, accidents etc. And at that point of time whole humankinds find shelters in praying GOD only and GOD sends science to help HIS beloved childrens and ones again HE establishes HIS kingdome over majority of arrogant but helpless mankind.

  This is the short and easiest version I have described how soul or spirit comes and goes from ones body rest I will try to describe in detail at my ease, mostly during evening or night. Thank you all beloved honourable brothers…….

  Like

 14. મોટા શ્રી દિપકભાઈ, ધન્યવાદ, અને ક્ષમા ચાહુ છુ, હિન્દુ ધર્મ નહીં ખરો અર્થ વૈદિક ધર્મ જ છે, ધન્યવાદ, નાસ્તિકો બધા જ સારા હોય એ પણ જરુરી તો નથી જ ને, ધર્મના ઓઠા હેઠળ જેવી રીતે લેભાગુઓ લુંટ મચાવતા હોય છે એવી રીતે નાસ્તિકતાના આંચળ હેઠળ ભારતના શા હાલ થશે?

  Like

  1. હમણાં છે તેનાથી વધારે ખરાબ શું થઈ શકે? અમેરિકામાં સત્તાવાર સ્લોગન છેઃIn God We Trust. તમને લાગે છે કે એને કારણે ત્યાં હાલ સારા છે? પાકિસ્તાન સત્તાવાર રીતે ઇસ્લામિક દેશ છે. ત્યાં શું છે? ભારતમાં કોમવાદ છે. જાતિવાદ છે. તમે યીશુના ઉપાસક બની ગયા,શા માટે? સવાલ શ્રદ્ધાનો નથી. સવાલ પાડોશી સાથે કેમ રહેવું તે મહત્વનો છે.
   એક માણસે કહ્યું કે તમારા પાડોશીને પ્રેમ કરો, તો ધાર્મિકોએ જ એને ક્રોસ પર લટકાવી દીધો હતો ને? યીશુની મહાનતા એ જ કારણે છે કે એણે ધર્માંધોને જગાડ્યા અને ધર્મગુરુઓની ખુલ્લી ટીકા કરી.આ મારો યીશુ છે.આ બ્લૉગ પર એ ડોકિયું કરી જતો જણાયો છે.
   અણ્ણા હઝારેનો માર્ગ ખરો નહીં હોય અને લોકોને બદલવા પડશે, પણ આપણે જે વિચારતા હોઇએ તે લાગુ કરવાની જવાબદારી અણ્ણા હઝારેની નથી. એમને જે રસ્તો સાચો લાગે છે તે એમણે લીધો છે. લોકો સંગઠિત ન થાય તો વ્યવસ્થા સુધરે પણ નહીં.યીશુએ પણ એ જ કર્યું. સમાજના છેક નીચેના સ્તરે જઈને લોકોને એકઠા કર્યા.

   Like

 15. ભારતના હાલ વિષે શ્રી રાજેશભાઇએ ચિંતા વ્યક્ત કરી એ સારી વાત છે. એક ભારતીય તરીકે માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા થઇ રહ્યુ છે. પણ આ વાત અહીં ટૂંકાવવા જેવી છે કારણ કે, આત્માના પ્રરિપ્રેક્ષ્યમાં તેના પરીઘની બહાર જઇ રહેવાયું એમ નથી લાગતું, રાજેશભાઇ ?

  Like

  1. શ્રી પ્રવીણભાઈની સાથે સહમત….
   મારા બ્લોગ પર પ્રતીભાવ આપવાનો દરેક વાચકમીત્રને હક્ક છે. પરન્તુ કેટલાક મીત્રો અતીરેક કરે છે, વીષયાન્તર કરે છે અને પોતાના બ્લોગની લીંક મુકી ‘મારું આ વાંચો ને તે વાંચો’ એવી માત્ર જાહેરાત માટે તેનો ઉપયોગ કરે છે. આવી કમેન્ટ્સ મારે રદ કરવી પડે છે. જેથી સંબંધકર્તા મીત્રોને, શ્રી અશોકભાઈ મોઢવાડીયાના બ્લોગ ‘વાંચનયાત્રા’ પર મુકાયેલો લેખ ‘બ્લોગ પર પ્રતિભાવનો શિષ્ટાચાર જાણો છો ?’ વાંચવા ફરીથી નીચે આપેલ લીન્ક ખોલવા વીનંતી છે:
   http://vanchanyatra.wordpress.com/page/5/

   Like

 16. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  ભગવાન બુધ્ધની એક કથા યાદ આવી. ભગવાન ચિત્તવનમા પધારેલા અને તેમના દર્શન અને જ્ઞાનસભર વાણી નો લોકોને લાભ મળે તે માટે આયોજન કરવામાં આવેલ. નજીકના ગામમાથી એક ચોર અને એક વૈશ્યા પણ રાત્રિ પ્રવચનનો લાભ લેવા આવેલા. પ્રવચનના અંતે ભગવાન બોલ્યા, “હે સુજ્ઞ શ્રોતાજનો, અત્રે પ્રવચન પુરું થયુ છે અને હવે આપ સૌ પોતપોતાના સ્થાને જઈ રાત્રિનુ અંતિમ કાર્ય શરુ કરો” બુધ્ધનો કહેવાનો આશય હતો કે હવે સૂવાનો સમય થવા આવ્યો છે અને સૂતા પહેલા અંતિમ કાર્ય તરીકે વિપસ્યના ધ્યાન કરી સૂઈ જાઓ જેથી નિંદ્રા અવસ્થામાં પણ પરમાત્મા સાથે નો સેતુ જળવાઈ રહે.
  પરંતુ ચોરને થયું, “અરે બુધ્ધ તો અંતરયામી છે, અને મને કહી રહ્યા છે કે હવે અંતિમ કાર્ય એટલે કે ચોરી શરુ કર. એ ગયો અને ચોરીના કામમા લાગી ગયો” વૈશ્યાને થયું કે, ” વાહ ભગવાન વાહ, એક તું જ મને સમજી શકે તેમ છે. તેં હવે તો આજ્ઞા પણ આપી દિધી કે જા અને અંતિમ કાર્ય શરુ કર. વૈશ્યા ઘેર ગઈ અને દુકાન શરુ કરી દિધી”
  દરેક વાતમાંથી આપણે આપણા અર્થ કાઢી જ લઈએ છીએ. અને અસલ વાત ચૂકી જઈએ છીએ.
  શેષ શુભ;
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s