ઘરના ટોડલે દીવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના…

સમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઈ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નીભાવવાની ટેવ છે. બેસતા વર્ષનો દીવસ એ મારો અત્યંત પ્રીય તહેવાર છે. આ એક એવો દીવસ છે જ્યારે માણસ ખરેખર ‘માણસ’ જેવો જ લાગે છે ! ઘણીવાર એક વીચાર મારા મનમાં આપણાં ઉજળા ભાવીની આશા જન્માવે છે. બેસતા વર્ષનો એક દીવસ આપણે બધા પુરા પ્રેમ, આદર અને સદ્ ભાવથી જીવી શકતા હોઈએ તો એ સાબીત કરે છે કે આપણે આખું વર્ષ પણ એ પ્રમાણે જીવી શકીએ એમ છીએ. શું નવા વર્ષના પ્રથમ દીવસે પ્રગટ થતો પ્રેમ, સ્નેહ અને ભાઈચારો આપણે આખું વર્ષ ન ટકાવી શકીએ ? શું હીન્દુ અને મુસલમાનને ‘સાલમુબારક’ અને ‘ઈદમુબારક’ની જેમ ગળે મળવા માટે આખું વર્ષ પ્રેરણા ન આપી શકે ? પ્રયોગ કરવા જેવો છે.

વાતવાતમાં તોફાનો, ઝઘડા, ખુન, છેતરપીંડી અને માણસની અપરમ્પાર નીચતાથી સમાજ પક્ષાઘાતનો સામનો કરી રહ્યો છે. માત્ર સત્તાવીસ રુપીયા ટોલટૅક્સ નહીં ભરવા માટે થઈને હમણાં જ ટોલનાકાના એક કર્મચારીને ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો ! સમાચાર જોયા ત્યારે આખો દીવસ મગજમાં ઘમસાણ ચાલ્યું : શું માણસની જીન્દગીનું આટલું જ મુલ્ય ? માનવજાતીની સૌથી મોટી સમસ્યા જ એ છે કે, તે પથ્થર સાથે ભગવાન જેવો વહેવાર કરે છે અને માણસ સાથે પથ્થર જેવો ! વરસ તો સમયની સાથે આપોઆપ બદલાય જાય છે; પરન્તુ માણસની નીચતા, દુર્દશા અને મુર્ખાઈને વરસની માફક આપોઆપ હટી જવાની આદત નથી! વરસના દીવસો તો નીર્ધારીત હોય છે; પરન્તુ માણસની મુર્ખાઈના દીવસો નીર્ધારીત નથી હોતા ! કેટલીક વાર તો એવું લાગે છે કે, માણસ સ્વભાવે જ પેટ ચોળીને પીડા ઉભી કરનારું પ્રાણી છે ! સુખ માટે માત્ર થોડી સમજદારી જ જરુરી છે, જ્યારે દુ:ખ માટે તો હજાર કારણો છે.

કોઈને ભુખ લાગે છે એની પીડા છે, તો કોઈને પચતું નથી એની પીડા છે ! કોઈને સન્તાન નથી એનું દુ:ખ છે, તો કોઈને સન્તાન વંઠેલ થયાં છે એનું દુ:ખ છે ! કોઈને લગ્ન થતું નથી એની પીડા છે, તો કોઈને છુટાછેડા થતા નથી એની પીડા છે ! કોઈને ઘરમાં ખાંડ નથી એની ચીન્તા છે, તો કોઈને ડાયાબીટીસ થયો છે એની ચીન્તા છે ! કોઈને બાપ નથી એનું દુ:ખ છે, તો કોઈને બાપ બગડેલો છે એનું દુ:ખ છે ! કોઈને મોત આવતું નથી એની પીડા છે, તો કોઈને મોત આંબી રહ્યું છે એની પીડા છે ! કોઈને શરીર પાતળું છે એની ચીન્તા છે, તો કોઈને શરીર લોંઠકું છે એની ચીંતા છે ! કોઈને ઉંઘ નથી આવતી એની પીડા છે, તો કોઈને ઉંઘ પીછો છોડતી નથી એની પીડા છે ! કોઈને કામ કરવું પડે છે એની ચીંતા છે, તો કોઈને કામ મળતું નથી એની ચીંતા છે ! ‘પ્રધાનો’ને ભ્રષ્ટાચાર કેમ કરવો એની ચીન્તા છે, તો ‘અન્ના’ઓને ભ્રષ્ટાચાર કેમ અટકાવવો એની ચીંતા છે ! કોઈને દુધના પૈસા નથી એની ચીન્તા છે, તો કોઈને દારુના પૈસા નથી એની ચીંતા છે ! સંસારમાં થોડાઘણા અંશે દરેક માણસ દુ:ખી છે. ‘ચીન્તાથી મુક્ત રહો’ અને ‘સદાય આનંદમાં રહો’ એવાં પ્રવચનો આપનારા ચીન્તાથી મુક્ત થઈ ગયા છે એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી.

ઘણીવાર આપણી ખોટી દૃષ્ટી અને ખોટા અભીગમના કારણે દુ:ખ આપણો પીછો છોડતું નથી. પોણી દુનીયાને એવો વહેમ છે કે, આપણે બીજાના કારણે દુ:ખી છીએ; પરન્તુ હકીકતમાં આપણે આપણી જ ખોટી માન્યતાઓ, ખોટા નીર્ણયો અને ખોટા ધંધાઓના કારણે દુ:ખી થતા હોઈએ છીએ. ક્યારેક તો એવું લાગે છે કે માણસ દુ:ખના મારગે ચાલીને સુખની શોધ કરવા નીકળ્યો છે ! સુખ મેળવવા માટે માણસ ચુકવી શકવાની તાકાત ન હોય એટલું દેવું કરી બેસે છે, કમાવાની ત્રેવડ ન હોય એટલા ખર્ચાઓને પાળે છે અને ઉછેરવાની તાકાત ન હોય એટલાં બાળકો પેદા કરી નાંખે છે ! કેટલાક માણસો તો પોતાના દેહને છોડવા તૈયાર; પરન્તુ પોતાના વ્યસનને છોડવા તૈયાર નથી હોતા ! મૃત્યુબાદ ‘મોક્ષ’ મેળવવાની મહેનતમાં આપણે વર્તમાન જીવનને જ નર્ક બનાવી રહ્યાં છીએ. એટલી જ મહેનત વર્તમાન જીવનને સુધારવા માટે કરીએ તો આપણે સ્વર્ગની રાહ મૃત્યુ સુધી નહીં જોવી પડે. સુખી થવા માટે જીવનની વાસ્તવીક ફીલસુફીને સમજવી એટલી જ અનીવાર્ય હોય છે.

માનવજીવન એ સતત સંઘર્ષ, તકલીફો, અકસ્માતો ને સમસ્યાઓની હારમાળા છે. આપણે કેટલીકવાર વીચારીએ છીએ કે એક ઘરનું મકાન થઈ જાય એટલે બસ ! દીકરીને સારું સાસરું મળી જાય એટલે બસ ! છોકરો ધંધે ચડી જાય એટલે બસ ! કમ્મરનો દુ:ખાવો મટી જાય એટલે બસ ! પચ્ચીસ–પચાસ લાખની મુડી થઈ જાય એટલે બસ ! આ બધું ધારેલું પાર પડી જાય છે ત્યારે પણ માણસની સમસ્યાઓ મટી જાય છે ખરી? એક પ્રશ્ન ઉકેલીએ ત્યાં બીજીને સામે આવતા કેટલી વાર લાગે છે ? અવીરત સમસ્યાઓ, પારાવાર મુશ્કેલીઓ ને સતત સંઘર્ષ એટલે જ જીવન. ગમે તેવા વીકટ સમયમાં પણ હીમ્મત હાર્યા વગર, માર્ગ કાઢીને ‘યોગ્ય કર્તવ્ય’ કરતા રહેવું અને આગળ વધતા રહેવું એનું જ નામ છે જીન્દગી !

માણસે ‘પુર્વભવના’ કર્મોનું ફળ નહીં; પરન્તુ પોતે કરવાનાં હતાં એ કર્મો ન કર્યાંનું અને ન કરવાનાં કર્મો કર્યાંનું ફળ ભોગવવું પડે છે. માણસને દુ:ખ, સમસ્યા અને સંઘર્ષ ગમતાં નથી; પરન્તુ એ તો જીન્દગીનો જ એક હીસ્સો છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરી રહ્યા હો, તો સમજજો કે તમે ખોટી દીશામાં જઈ રહ્યાં છો ! મુશ્કેલી વધે છે ત્યારે માણસમાં એનો સામનો કરવાની દૃષ્ટી અને શક્તી પણ વધે છે. ‘ભગવાન’ને શોધી રહેલા માણસ કરતાં પોતાની ‘ભુલ’ને શોધી રહેલા માણસને હું વધારે સમજદાર માનું છું !

નવું વર્ષ આપ સૌ મીત્રોના જીવનમાં નવો પ્રકાશ પાથરે અને આપ સૌને યશપ્રાપ્તી, આનન્દપ્રાપ્તી અને ધ્યેયપ્રાપ્તી સુધી પહોંચાડે એવી મારી હાર્દીક શુભેચ્છાઓ સ્વીકારશો.

પ્રસાદ

કાયમ સુખી રહેવા માટેના બે રસ્તાઓ દેખાય છે:

૧:    પરીસ્થીતીને અનુકુળ બનવું અથવા પરીસ્થીતીને અનુકુળ બનાવવી !

૨:    જ્યારે કોઈ ઘટના તમારા હાથ બહારની હોય, ત્યારે જે થાય તે થવા દેવું

અને બધું નાશ ભલે પામે; છતાં પણ ડરવું નહીં !

વલ્લભ ઈટાલીયા (સુરત)

લેખકસમ્પર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006, મોબાઈલ: 98258 85900, મેઈલ: vallabhitaliya@gmail.com

સર્જક–પરીચય:

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલ શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબન્ધકાર પણ છે. એમણે સાવ ઓછું લખ્યું છે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લખવું તો લગભગ બન્ધ જ; પરન્તુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષાના લેખકોમાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલાસર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય.

એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે પુન: આસન ગ્રહણ કરી જ લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો છે.

શ્રી અને સરસ્વતીનું આવું સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરન્તુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસસાચો અને પુરો..

પ્રા. રમણ પાઠક વાચસ્પતી’ (બારડોલી) અને

–ઉત્તમ ગજ્જર (સુરત)

 ♦દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન ગોવીન્દ મારુ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07– 10 – 2011

30 Comments

  1. It is a real good article to read & for thinking also. Never blame others for your failures and unhappiness. Always try to examine your actions and correct yourself first. Try to do the right things and lower your expectations in your life.

    Things will strat improving in your life.

    Thanks,

    Pradep H. Desai
    USA

    Like

  2. “માણસે ‘પુર્વભવના’ કર્મોનું ફળ નહીં; પરન્તુ પોતે કરવાનાં હતાં એ કર્મો ન કર્યાંનું અને ન કરવાનાં કર્મો કર્યાંનું ફળ ભોગવવું પડે છે.” —

    “‘ભગવાન’ને શોધી રહેલા માણસ કરતાં પોતાની ‘ભુલ’ને શોધી રહેલા માણસને હું વધારે સમજદાર માનું છું !” —

    ખુબજ સ_રસ લેખ. અને આ સુવર્ણ વાક્ય, “બેસતા વર્ષનો એક દીવસ આપણે બધા પુરા પ્રેમ, આદર અને સદ્ ભાવથી જીવી શકતા હોઈએ તો એ સાબીત કરે છે કે આપણે આખું વર્ષ પણ એ પ્રમાણે જીવી શકીએ એમ છીએ.” તો કોઈ નવવર્ષની શુભેચ્છા પત્રીકામાં છપાવવા માંગે તો અનુમતી આપવી તેવી નમ્ર વિનંતી માન.વલ્લભભાઈને કરું છું.

    આટલો વિચારવંત લેખ અમ સુધી પહોંચાડવા બદલ આપનો પણ આભાર.

    Like

    1. ભાઈ અશોક મોઢવાડીયાની કૉમેન્ટના જવાબમાં મારે આજે સૌ બ્લોગર મીત્રો અને સૌ વાચક મીત્રોને જણાવવાનું કે :

      મારી પરવાનગીની રાહ જોયા વીના, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પરના કોઈ પણ લેખને, છાપવાની કે પોતાના બ્લોગ ઉપર તે લખાણ કૉપી–પેસ્ટ કરવાની, સૌને છુટ છે. શરત માત્ર એટલી કે લેખકનું પુરું નામ–સરનામું અને ‘મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના સન્દર્ભ માટે લીંક https://govindmaru.wordpress.com/ નીચે આપવી જરુરી છે. કારણ; ‘રૅશનલવીચારો’ તો આમ જ વહેંચાતા, વંચાતા, વાગોળાતા, ચર્ચાતા અને જીવનમાં વણાતા જતા જ સારા…

      સ્વજન ભાઈ અશોક મોઢવાડીયાએ કૉમેન્ટ મુકી મને આ જાહેરાત કરવાની પ્રેરણા આપી તે બદલ તેમનો ઋણી છું..

      Like

  3. ” મૃત્યુબાદ ‘મોક્ષ’ મેળવવાની મહેનતમાં આપણે વર્તમાન જીવનને જ નર્ક બનાવી રહ્યાં છીએ. એટલી જ મહેનત વર્તમાન જીવનને સુધારવા માટે કરીએ તો આપણે સ્વર્ગની રાહ મૃત્યુ સુધી નહીં જોવી પડે.”

    ઉત્તમ વિચારો સાથેનો સરસ લેખ,

    Like

  4. સ્નેહી ભાઈ શ્રી અશોકભાઈ અને મિત્રો,
    આપના આ પ્રેમભાવ બદલ અમે ઉપકૃત છીએ.આ લેખ આપને જયાં અને જે બ્લોગ પર મુકવો હોય ,કોઈ પત્રિકામાં લેવો હોય આપને અમારી પૂરી અનુમતિ છે.સારા વિચારો લોકો સુધી પહોંચે એ જ આપણાં બધાનું કાર્ય અને હેતુ છે.અશોકભાઈ ખરા અભિનંદનને પાત્ર તો શ્રી ગોવિંદભાઈ અને શ્રી ઉત્તમભાઈ ગજજર છે. હું તો માત્ર લખીને મોકલી આપુ છું,બાકી વિચારોને આપ સૌના સુધી પહોંચાડવાની બધી મહેનત અને જવાબદારી તો આ બંને મહાનુભાવો સહર્ષ સ્વીકારે છે,ઉપાડે છે અને શોભાવે પણ છે. શકય હોય તો આ લેખ જયાં છપાય ત્યાં ગોવિંદભાઈના આ બ્લોગનો ઉલ્લેખ પણ થાય તો વધારે લોકોને તેનો લાભ મળે.કુશળ ?….વલ્લભ ઈટાલિયા

    Like

  5. આદરણીય શ્રી વલ્લભભાઈ,
    ‘ઘરના ટોડલે દિવાળીના દિવા અને અંતરના ટોડલે સમજણના…’ લેખ લખીને આપે દિવાળીની અત્યંત મુલ્યવાન ભેટ આપી છે. દિવાળીની ફોર્માલીટી નિભાવવા આપવામાં આવતી ગીફ્ટ બે કે બાવીસ દિવસ પુર્તિ ઉપયોગી કે યાદ રહેતી હોય છે. પરંતુ આપના આ વીચારો માણસને પોતાની જિંદગીભર ઉપયોગી નિવડશે. એટલું જ નહિ આ વિચાર ભેટનો પોતે ઉપયોગ કરીને આપણી ભાવિ પેઢીને વારસામાં પણ આપી શકીએ છીએ. સાચે જ આપ કહો છો તેમ દુ:ખના માર્ગે સુખ શોધવા નીકળેલો માણસ કરવાનું હતું તે નહિ કરીને અને ના કરવાનું હતું તે કરીને જ પિડાઈ રહ્યો છે. આપના લેખના એકેએક શબ્દ મુલ્યવાન મોતી છે.
    આપનો ખુબ ખુબ આભાર.
    આપનો– લવજી નાકરાણી

    Like

  6. પ્રિય વલ્લભભાઈ તથા અન્ય મિત્રો.
    પ્રેમ.
    મારા ગુરુ કહેતા,”સુખ સહજ છે પણ દુઃખ કમાવા ખુબ મહેનત કરવી પડે છે.” સમગ્ર માનવજાતની સમસ્યા જ એ છે કે તેની પોતાની ભૂલ ક્યાં છે તે જ તેને સમજાતું નથી.દુઃખની પીડાઓ સમજાય છે પણ ભૂલ નહીં. અને તેનું કારણ છે બેહોશી.ગહન બેહોશી. વળી ચારે બાજુ આપણા જેવાં જ બેહોશ માણસોથી આપણે ઘેરાયેલાં છીએ એટલ ક્યારેક કોઈ બુધ્દ્ધ આવી હોશની વાત કરે છે કે તરત આપણે ભડકી જઈએ છીએ અને તેને કેમ પૂરો કરવો તેની વેતરણમાં લાગી જઈએ છીએ.
    એટલે જ વલ્લભભાઈએ કહેવું પડ્યું કે, “ભગવાનને શોધી રહેલા માણસ કરતાં પોતાની ‘ભુલ’ને શોધી રહેલા માણસને હું વધારે સમજદાર માનું છું” એ જ સત્ય છે. ભુલ એકવાર ભુલનારુપે દેખાઈ જાય તો તેનુ આયુષ્ય પછી બહુ લાંબુ નથી રહેતું.પરંતુ તે માટે જરુરી છે પ્રયેક ક્ષણ હોશપૂર્વક જીવવાની. એકવાર હોશમા જીવતાં આવડી જાય તો જીવન બેહદ સુંદર છે તેનો અહેસાસ થયા વગ રહેતો નથી. સૌ મિત્રોનુ જીવન રોજબરો સુંદર બને અને નિતનવા ફૂલ ખીલે તેવી સુભેચ્છાઓ.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

    Like

  7. I fully agree with Sharadbhai ‘s view points. We should watch our selves every moment. The golden rule of life is Treat Others the Way You want to be treated.What goes around comes around in life.

    Our ego prevents us in follwing this rule.

    Thanks so much for a good article.

    Pradeep H. Desai
    USA

    Like

  8. Some one has said:
    God grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can. And the wisdome to know the difference….

    Like

  9. Really an inspiring article comes out of thorough experiences of the life.Rather one can say,Vallabhbhai has observed the life from its nearest angle, with lot of positivity. VINOD DESAI,SURAT

    Like

  10. પ્રિય મિત્ર વલ્લભભાઈ ઇટાલિયા,
    નવા વર્ષની શુભેચ્છા સાથેનો પ્રેરણાદાયી અને જીવન ઉપયોગી લેખ ખૂબજ ગમ્યો.અભિનંદન.-સુરેશ વિરાણી

    Like

  11. DAREK PARISTHITI MA AANAND ANE PIDA PAN HOY CHE,AAP NA LEKH MA J VIRODHABHASI PIDA NI JE VAAT SAMJANPURVAK BATAVI TE BADAL AAP NO KHUB KHUB ABHAR,સુખ માટે માત્ર થોડી સમજદારી જ જરુરી છે, જ્યારે દુ:ખ માટે તો હજાર કારણો છે.ઘણીવાર આપણી ખોટી દૃષ્ટી અને ખોટા અભીગમના કારણે દુ:ખ આપણો પીછો છોડતું નથી. SUKHI THAVA NI CHAVI AMARA JEVA VACHAK MITRO NE BATAVI TE BADAL DHANYVAD……alpesh.p.savaliya…….

    Like

  12. શ્રી વલ્લભભાઈ ઇટાલીયાનો લેખ ગમ્યો અને તેમને જે સરસ વાતો લખી છે
    તે બધાયને પસંદ પડી જાય તેવી છે અને મનોમન પણ ઈચ્છે છે કે આવું જો
    હોય તો કેટલું સારું કે બધાય આનંદ અને સુખથી જીવે,પણ હકીકતમાં એમ નથી
    એટલેજ આ લેખ લખીને વાંચકોને થોડા જાગૃત કરવાને તેમણે કલમ કસી.
    ઈતિહાસ તપાસતાં આપણે બધાને જાણ છે કે અનેક મહારથીઓ,સંતો અને કહેવાતા
    ધર્મીષ્ટો આવી અને ગયા અને હજુ પણ આવોજ ઉપદેશ આપતા રહે છે પણ કોઈ પ્રજા
    હજી આટલી ઉંચાઈ એ નથી પહોંચી કે જ્યાં તેઓએ શાંતિ અને સુખનું રાજ સ્થાપ્યું હોય!!
    તહેવારોમાં અને આનંદના પ્રસંગોમાં લોકો એટલા નિર્દોષ અને ભોળા લાગે છે કે વાહ ભાઈ
    વાહ કેટલા બધાં સરળ અને સીધા છે!! પણ તે બધાંનો કેફ ઉતરી જતાં મૂળ રંગ ફરી પાછો
    આવી જતો હોય છે.યુરોપ, અમેરિકાના દેશોમાં પણ કંઈ પરિસ્થિતિ બહુ વખાણવા જેવી નથી
    ઈતિહાસ પણ કહી જાય છે કે લોકોની સુખ ભૂખ કદીય છીપવાની નથી તેથી યેનકેન પ્રકારે
    પહેલાં ધન ભેગું કરો પછી સુખી થઇ જવાશે!! પણ આમ બનતું જ નથી અને કહેવત
    સાચું કહે છે ‘લોભને થોભ નથી’, કહેવાતા પાખંડી ધાર્મિક લોકો જેટલું સમાજને નુકસાન કરેછે
    તેટલું નુકસાન એક મંદિરે દર્શનાર્થે જતો સામાન્યજન નથી કરતો!! આ પરંપરા વર્ષોથી
    ચાલુ છે,પણ લુચ્ચા ગોરમારા’ જો,પુજારીઓ અને પંડિતોએ આ ભલાભોળા લોકોને પણ
    નથી છોડ્યા!! દરેક સમાજમાં આવી અવ્યવસ્થા પડી પાથરી ભરી પડી છે,કોને ફરિયાદ કરો?
    છેવટે સમજતા લોકો હારીને બેસી જતાં હોય છે!! આ એક દુઃખદ બીના છે,પણ જે લોકો
    સદભાવના અને ઉત્સાહથી સમાજ સેવાનું કાર્મ કરે છે તેમની ફક્ત સામાન્ય લોકોજ કદર
    કરતા હોય છે અને આવા સમાજસેવકો નો પણ તૂટો નથી એ એક મોટી આશાનું કિરણ છે.
    આવતા તહેવારો દિવાળી અને નવવર્ષમાં બધાં રાબેતા મુજબ કોઈ ને કોઈ ‘નીમ'(પ્રતિજ્ઞા)
    લેશે કે સારું કામ કરવું,આવીજ સાદ ભાવનાથી આપનો સમાજ આગળ સારા ભવિષ્યને
    જોતો હોય છે.
    શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનો લેખ મનન કરીને સહુ કોઈએ અનુસરવાનો મનસુબો કરવો જોઈએ.
    ફરી તેમનો આભાર અને તેઓ પ્રસંગોપાત અવારનવાર નવા વિચારો આપતા રહે તેવી શુભેચ્છા.

    Like

    1. ભરાડીયાજી નમસ્કાર,
      ધાર્મિક માણસોના કપડાં અને કપાળો તો રંગાય છે,પણ કાળજાં સાવ કોરા રહી જાય છે! પાખંડી ધર્મગુરુઓ સત્સંગની ભૂમીમાં અજ્ઞાનતાનું ખાતર નાંખી અધ્યાત્મની ખેતિ કરે છે,ચમત્કારોનું ઉત્પાદન કરે છે અને આશીર્વાદોનું વેચાણ કરે છે ! ધર્મની હાટડીઓમાં અધર્મનો ધંધો ધમધોકાર ચાલે છે અને આશ્રમો વ્યાપાર ધંધાનાં વડા મથકોમાં ફેરવાઈ રહ્યાં છે ! ગાંધીજીનાં જન્મદિવસે આશ્રમમાં એક વાર ધીનો દિવો આશ્રમવાસીઓએ પ્રગટાવેલો,ત્યારે એ જોઈને બાપુએ આશ્રમવાસીઓને ઠપકો આપેલો કે,ખેડૂતનાં સંતાનોને રોટલો ચોપડવા ધી નથી મળતુ ત્યારે આપણને આવી રીતે દિવામાં ધી બાળવાનો કોઈ અધિકાર નથી !અને ગાંધીનાં એ જ ગુજરાતમાં બે દિવસ પહેલા જ રૂપાલની પલ્લીમાં વરદાયી માતાને ખૂશ કરવા ૫૦૦૦ મણ ધી ઢોળી નાંખવામાં આવ્યું !અને મિત્રો ખરી તકલીફ અત્યારે એ છે કે, હવે આ બધું રોકવા વાળુ કોઈ નથી !

      Like

  13. શ્રી વલ્લભભાઈ ઈટાલીયા કલમ ના ઉમદા કસબી છે..થોડો વહેલો, પણ નુતન વર્ષ માટે તેમનો સંદેશો અનુસરવા જેવો છે..

    એટલી કોઠાસુજ અને ધીરજ ક્યાં થી લાવવા?? મોક્ષ માટે જીવન જીવવું એ જીવન નથી..સરળ જીવન જીવવું.. અને તે થી મોક્ષ સહજ મળે છે..

    મોક્ષ એ કોઈ બીજી ત્રીજી કે બઝાર માં મળતી ચીજ નથી..તે તો અંતરના આનંદ ની અનુભૂતિ છે .. તેને માટે કોઈ દ્વન્દ્વ ની જરૂર નથી..

    માત્ર સરળ થઇ કોઈના આનંદે આનંદ માણવા ની અને પોતાની અંદરના ષડરિપુ “કામ-ક્રોધ-લોભ-મોહ-મદ- મત્સર્ય” ને નાથવાની જરૂર છે..

    આ કામ જોકે અઘરું છે.. પણ પ્રયત્ન કરવાથી સાધ્ય જરૂર છે.. દિલ માં એજ આસ્થાનો દીવો કરવાનો યોગ છે..

    શ્રીમદ ભગવદ ગીતા નો આજ ધ્યેય અને સાર છે

    મુરબ્બી શ્રી વલ્લભભાઈ તથા વાંચક મિત્રો ને અંતરના અભિનંદન..

    શૈલેષ મહેતા

    Like

  14. બહુ સરસ વિચારવા જેવો લેખ છે. અભીનંદન.

    Like

  15. As always very nice and during read this article half of sorrow,fear and pain in life gone just like a blink.Thanks for this Govindbhai.

    Like

  16. શ્રી વલ્લભભાઈનો નવા વર્ષ અંગેનો સુંદર લેખ ગમ્યો.આવા ઉત્તમ લેખો લોકોમાં વહેંચવાનું ઉત્તમ કાર્ય શ્રી ઉત્તમભાઈ અને શ્રી ગોવિંદભાઈ એમના બ્લોગ મારફતે કરી રહ્યા છે.સમાજમાં સાચી સમજણ ફેલાવવા બદલ એમને અભિનંદન.
    વિનોદ પટેલ
    Blog- vinodvihar75.wordpress.com

    Like

  17. શ્રી વલ્લભભાઈ ઇટાલિયાનો માહિતીથી ભરપુર બહુજ સરસ લેખ છે. માણસમાં સમજણના દીવા કાયમજ સળગેલા હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરી જીવન જીવવા જેવું બનાવી શકાય.

    જીવન એટલે પ્રશ્નો, એટલે મુશ્કેલી અને તેનો પુરુષાર્થથી સામનો કરવો એટલે સમજણના દીવા પ્રગટાવવા. મારી દ્રષ્ટીએ “સમજુ માણસ સદા સુખી.” કોઈ કવિએ કહ્યું છે,
    સમજ્યા વિનાનું જીવવું, જીવો વરસ હજાર.
    સમજીને જીવો ઘડી એક તો, સમજો બેડો પાર.

    માણસજાતની સૌથી મોટી સમસ્યા “પથ્થર સાથે ભગવાન જેવો વ્યહવાર અને માણસ સાથે પથ્થર જેવો” વાત બહુ ગમી. ચિંતા વગરનું જીવન ઉદભવી શકેજ નહિ, એટલે ચિંતાને નિર્મૂળ કરવાની વાત ભ્રમભરેલી છે. ચિંતા સહીત આનંદમાં રહેવું એ એક જીવન જીવવાની કળા છે. વર્તમાન જીવન એજ જીવન છે અને તેનો પૂરેપુરો ઉપયોગ કરી માણસ, માણસ બને અને માનવતાના કાર્યો કરે એજ નવા વર્ષની ફલશ્રુતિ છે.

    બીજું તો અનેક મહાનુભાવોના અભિપ્રાયો વાંચી બહું આનંદ થયો.

    ભીખુભાઈ મિસ્ત્રી,
    Houston, Texas, USA
    Ph: 281 879 0545

    Like

    1. ભીખુભાઈ નમસ્કાર,
      આપના આ પ્રેમાદર બદલ ઋણી છું.ચાલો આ બહાને તમારી મુલાકાત થઈ ગઈ !
      કુશળ ?

      Like

  18. khub saras lekh chhe.Vallabhbhai, bija topik par pan aap lakhta raho, khub saru punya nu kaam ganashe.

    Like

  19. તમે સરસ લખ્યું છે, વધારે ને વધારે લખતા રહો એવી શભેચ્છા.

    Like

  20. હું સાહીત્યનો જ્ઞાની માણસ નથી એટલે શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી.પરંતુ હંમેશા અપેક્ષા હોય છે એવોજ જાગૃત કરતો લેખ આપવા બદલ અભિનંદન. દિવાળીની શુભકામના નહિ પાઠવું કેમકે હજુ એ પહેલા એકાદવાર મળવાની અપેક્ષા રાખી શકીએ ને ?

    Like

  21. “”””””વરસ તો સમયની સાથે આપોઆપ બદલાય જાય છે; પરન્તુ માણસની નીચતા, દુર્દશા અને મુર્ખાઈને વરસની માફક આપોઆપ હટી જવાની આદત નથી! વરસના દીવસો તો નીર્ધારીત હોય છે; પરન્તુ માણસની મુર્ખાઈના દીવસો નીર્ધારીત નથી હોતા ! કેટલીક વાર તો એવું લાગે છે કે, માણસ (ના વૈજ્ઞાનિક) સ્વભાવે જ પેટ ચોળીને પીડા ઉભી કરનારું પ્રાણી છે ! “”

    પશુ પક્ષી કદી અનાજ પકવે છે? કદી લોટ બનાવી એની રોટલી ઘડે છે? કદી દાળ-શાક વઘારે છે ?? કદી નોકરી કે ધંધો કરે છે? હવે લાંબુ લિસ્ટ બનાવો જે …………

    છેલ્લા દસ હજારસથી માણસ જાતે સ્વયં નવા નવા વાદો અને નુસ્ખાઓ અજમાવીને (વિજ્ઞાનના નામે) પેટ ચોળીને આજે ભોગવાતી અસંખ્ય પીડાઓ ઉભી નથી કરી??

    ભણેલો-ગણેલો પીડા ઉભી કરે છે કે ગરીબ-ગમાર ??

    દર વરસે કહેવાતા ભણેલા-ગણેલાઓ ની બુધ્ધિ પ્રમાણે નવી નવી યોજનાઓ જગતના દરેક ખુણે પેટ ચોળવા માટે ફુટતી જ હોય છે, અને બીચારો અભણ-ગરીબ-ગમાર ઉપરવાળાના ભરોસે બે-પેગ મારીને સુઈ જાય છે, ત્યારે એને કોઈની ચિંતા નથી હોતી.

    અને આપણે બધા ઉચ્ચ સ્થાને બીરાજવા નવા નવા નુસ્ખાઓ યૌજીને એક બીજાની ટાંગો ખેંચીએ છીએ, શુ આપણે પણ ખરા (અંતિમ) છીએ કે ??

    છ વરસ પહેલા મારા અંતરમાં એક જ દિવો પ્રગટ્યો ત્યાર પછી કોઈપણ ફાયદો ન કરી આપતા ખર્ચા કરાવતા નકામા દિવાઓ હવે પ્રગટાવતો નથી, તમે પણ એવો કદિ ન ઓલવાતો દિવો પ્રગટાવો તો જ આપ સૌની “દિવાળી મુબારક ઉપરવાળાની નજરમાં જરુરથી થશે,” નહિ તો મનુસ્યોની નજરમાં “સર” થવા માટૅ અવનવા દિવાઓ પ્રગટાવતા રહેજો, જેનુ કોઈ ફળ નથી મળતુ, અને મલે છે તો ફક્ત બીલ, તો પણ મિત્રોને-ભાઈઓને નાતે આપ સૌને “””””દિવાળી મુબારક”””””””.

    Like

  22. lekh khub j upyogi saras shabdo ma, saral bhasha ma lakhayelo chhe, Rajeshbhai Padaya na vicharo samjata nathi, a shu kaheva mange chhe a spast thatu nathi.

    Like

  23. very very nicely written .congratulation.
    i am lucky to get opportunity to read such a wonderful ideolojy.
    thanks to marubhai and all the best in your attempts.

    Like

  24. ………પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે પુન: આસન ગ્રહણ કરી જ લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા !

    Like

  25. nice 1 sir…
    aajno manvi bhavisya nu vicharine aajno kimti samay vedfi nakhe che ane aanand pan kaik aavij rite gumave che…

    Like

Leave a comment