નાસ્તીકની તપસ્યા (અંગત કેફીયત)

અનીલ શાહ

પ્રાર્થનાએ ઉગાર્યો

18 ઑક્ટોબર – 1961. દશેરાની રાત્રે રાંચી એક્સપ્રેસમાં કલકત્તાથી રાંચી જઈ રહ્યાં છીએ. ચાર બર્થની કેબીનમાં 12 વર્ષની દીકરી પલ્લવી અને 7 વર્ષનો પુત્ર આશીષ ઉપરની બર્થ પર સુતાં છે. નીચેની બર્થ પર હું છું તથા એક બીજા ઉતારુ છે. અડધી રાતે ધડાકો થાય છે. અમે ફંગોળાઈએ છીએ. થોડી ક્ષણો પછી સમજાય છે કે ટ્રેનને અકસ્માત થયો. રાત્રીના આછા અજવાળામાં ખ્યાલ આવે છે કે અમારા ડબ્બાનો ભુક્કો થઈ ગયો છે. હું ઢગલાની ઉપર છું એટલે ઉભો થઈ તુટેલા ડબ્બાના ઢગ ઉપરથી બાજુએ આવી બન્ને બાળકો મેળવવા બુમ પાડું છું. પલ્લવીનો ધીમો અવાજ સંભળાય છે – “પપ્પા, પપ્પા.” ડબ્બાના કોઈક ભાગ નીચેથી તેને બહાર કાઢું છું. બે હાથે ઉંચકીને ઉંચાણમાં આવેલા રેલના પાટા પાસે તેને સુવાડી, આશીષને લેવા ડબ્બાના ઢગલા પાસે આવી આશીષના નામની બુમો પાડું છું. જવાબ નથી. અજવાળું વધતું જાય છે તેમ કેટલો ભયંકર અકસ્માત થયો છે, કેટલા બધા ડબ્બા પાટા પરથી ગબડી ભુક્કો થઈ ગયા છે તેનો અંદાજ આવે છે. આશીષ જો ડબ્બાના ભંગારની નીચે આવી ગયો હોય તો તેની દશા કેવી થઈ હશે એવા વીચાર માત્રથી ગભરામણ વધતી જાય છે. બુમો પાડું છું; પરન્તુ ઘવાયેલા, રઘવાયા ઉતારુના વધતા કોલાહલ, ચીત્કાર વચ્ચે થઈને મારો અવાજ આશીષને કેમ પહોંચશે એ ફીકર થાય છે. ક્ષણો જાય છે તેમ તેમ એ કુમળા બાળકની દશાના વીચારને ઠેલવા પ્રયત્ન કરું છું. મુંઝવણની ભીંસ વધતી જાય છે. દીકરી પાસે જાઉં છું, તપાસું છું. હાશ, કોઈ અંગ કપાયું નથી. કશુંક ઓઢાડી પાછો ડબ્બાના ઢગ તરફ ‘આશીષને લેવા’ જાઉં છું. કલાક વીતી જાય છે. પુત્ર મળતો નથી. તેની શી દશા હશે તેની ચીન્તા ઘેરી રહી છે. ફરી પુત્રી પાસે આવું છું. હવે મારાથી કંઈ થઈ શકે તેમ નથી. પરમાત્મા તેને બચાવે, મને મારો વહાલો પુત્ર પાછો આપે તેવી મનમાં સતત પ્રાર્થના ચાલી રહી છે. બીજું કાંઈ જોઈતું નથી. બસ, આ નાનકો દીકરો મને મેળવી આપ.

અકસ્માતમાં ફંગોળાયેલા માણસોને સ્વયંસેવકો ઉપાડીને પાટા તરફ લાવે છે. કોઈને આશીષ જેવડા બાળકને લઈને ફરતો જોયો. પોકારતો જાય, “યે કીસકા બચ્ચા હૈ ?” એ જ આશીષ, મારો ખોવાયેલો લાડલો. તેને તેડી લઈ બહેન પાસે બેસી જાઉં છું. હાશ, અંગો સલામત છે. “તું ક્યાં હતો દીકરા ? તને કંઈ વાગ્યું છે ?” આશીષને શું થઈ રહ્યું છે તે સમજાતું નથી. કંઈ વાંધો નહીં. એ મળી ગયો એ જ જગ જીત્યા બરોબર છે. પ્રાર્થના ફળી.

શાને પ્રાર્થું ?

વર્ષો વીતે છે તેમ ધાર્મીક અને આધીભૌતીક માન્યતાઓથી વીમુખ થઈ રહ્યો છું. જે કંઈ કાર્ય–કારણના તર્કથી ન સમજાય તેનો અસ્વીકાર કરવા તરફ જઈ રહ્યો છું. કોઈ બનાવનાં કારણો અત્યારે ન સમજાય તો એ પરમતત્ત્વનું સંચાલન છે – એમ હવે મન સ્વીકારતું નથી. હાલ કારણ ન સમજાતું હોય તો ખોજ ચાલુ રાખવાની. ‘પરમતત્ત્વ’નો આશરો લઈ છટકવું નહીં એવી વીચારસરણી સાથે પ્રાર્થના હવે નીરર્થક લાગે છે. 1996માં એ મન્થનને શબ્દસ્થ કરવા પ્રયત્ન કરું છું અને એ અધકચરી કવીતાના સ્વરુપ તરફ ખેંચાય છે –

‘પ્રાર્થું શાને ?

       ‘ઈશ્વર ઉગારે’ ભાવેભરી પ્રાર્થનાએ

       દીધાં છે આશા, ધૈર્ય, ચીત્તશાંતી

       સંજોગો જ્યારે ઘેરી લે છે નીજના, સ્વજનોનાં દર્દ સન્તાપે

       રસ્તો જડે ના, ચાવી મળે ના.

      

       કાળક્રમે ઉઠે પ્રશ્નો, શંકા દૃઢ થાય

       ઉકલે ખરે શું પ્રાર્થના થકી

       દર્દ સન્તાપનાં કારણો જે મુળ ઉંડાં

       તેને હરે, કે ગાઢ તન્દ્રા સમા,

       છદ્મ આવરણે રક્ષીત ભાવ સર્જે

       ચીત્તને શાન્તી ને ધૈર્ય અર્પે ?

       પ્રાર્થના નીવારે ના દુઃખ સન્તાપ

       લઈ ક્ષુબ્ધ ચીત્ત નીજ અંક ધીરે

       છાવરે હુંફાળા પાલવે.

      

       હાય, આ પ્રશ્ન, શંકા નીવારીને

       મન ચહે પ્રાર્થવા જ્યારે ફરી

       સન્મુખે સન્તાપ દર્દો નીજનાં, સુહૃદોનાં,

       રસ્તો જડે ના, ચાવી મળે ના,’

      

ઈશ્વરીય વળગણ

1942થી શરુ કરી મનુભાઈ પંચોળી ‘દર્શક’નો ખાસ કરીને સાહીત્ય, સમાજના પ્રશ્નો વીશે મારું ઘડતર કરવામાં ઘણો મોટો ફાળો. ઘણી બાબતોમાં સમાન વીચારસરણી. ડીસેમ્બર–1999માં લોકભારતીના માસીક ‘કોડીયું’માં તેમનો લેખ પ્રસીદ્ધ થયો. “ઈશ્વરમાં ન માનનાર અભણ છે.” મનુભાઈ જેવા મેધાવી પુરુષને છાજે નહીં તેવાં વીધાનો તેમણે કરેલાં –

“આપણે ચૈતન્યશક્તી પર પુરી શ્રદ્ધા રાખવી જોઈએ.

મનુષ્યમાં આસ્થા જ ન હોય તો બધું જ નકામું છે. આસ્થા અને બુદ્ધી બે આંખો છે, બન્ને સાથે જ રહે છે.

ઈશ્વરમાં ન માનનાર માનવી ઠોકર ખાઈને માનતો થશે. જે ઈશ્વરમાં ન માને તેનું પણ ઈશ્વર તો ભલું જ કરે.

આ જગતનું સંચાલન એક નીયામકથી ચાલે છે, જે કીડીમાંથી કુંજર સુધીનું ધ્યાન રાખે છે. એ ભક્તજનો માટે દયાળુ છે, પ્રેમી છે.

“પાપીઓ પાપનો ભોગ બને છે, પુણ્યવાળાઓ પુણ્ય પામે છે.”

આવાં વીધાનોને પડકારવા મેં લેખ તૈયાર કર્યો – “ઈશ્વરીય વળગણ”. તેમાં મનુભાઈના લેખના ઘણા મુદ્દ્ઓ વીશે અસંમતી વ્યક્ત કરતાં મેં છેલ્લે લખ્યું –

બ્રહ્માંડનું એક નીયામક સંચાલન કરે છે તેવું ન માનનારો, એ વીશે સવીસ્મય ખોજ કરતો કે ‘Order Without Design’ – (‘Un-ended Quest’ – Dr. Anil Patel)ની વીચારસરણીને અપનાવનારને અભણ કહીને ઉતારી પાડવાથી અન્ધશ્રદ્ધામાં ડુબી રહેલા દેશ, પ્રદેશને સત્યપ્રકાશ તરફ લઈ જવામાં સહાય થતી નથી. પરમ્પરાગત ધર્મભાવના, પાપપુણ્ય – કર્મોનાં પરીણામોમાં આસ્થાએ સંસારમાં શેકાતા રીબાતા અનેક જીવોને ધૈર્ય અને શાતા આપ્યાં છે તેથી તેને ઉતારી પાડવાનું સુચવવાનું નથી; પરન્તુ અગમ્યને સત્યનું મહોરું પહેરાવવા કરતાં ‘સત્યને જાણતો નથી’ એમ કહેનાર, સ્વીકારનારને ‘અભણ’ ન ઠરાવવાનો પ્રસ્તાવ છે. ‘અસત્યમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ની પ્રાર્થનાને સ્થાને, સ્વબળે એક એક ડગલું આગળ વધવાની પુરુષાર્થસભર વાંછના રાખનારને ‘અભણ’ ન કહેવાનું નીવેદન છે.

મારા લેખ પર ટીપ્પણ કરતા મનુભાઈની નોંધ પ્રકાશીત થઈ –

‘અભણ કહેવામાં ઉતાવળ થઈછે. તેને અધુરા કહેવાય.’ (આખો લેખ પુસ્તકમાં અન્યત્ર છે)

 સત્કર્મ બચાવે

પરમતત્ત્વ જેવી જ દુર્બળ મનની અન્ય માન્યતા કર્મના સીદ્ધાંત વીશેની. જે કાંઈ બને છે તે કર્મનાં ફળ છે. આ જન્મે દુષ્કર્મ કર્યાં ન હોય તો પણ; દુઃખ આવે તો ગયા જનમનાં ફળનો પ્રતાપ ! 2000ની સાલમાં કાર અકસ્માત થયો. ટાયર ફાટ્યું. ગાડી ઉથલીને ઉંડા ખાડામાં પડી. બે વાર પલટી ખાધી. માંડ બહાર કાઢ્યો. લોહીની ઉલટી. બધી તપાસ પછી નક્કી થયું કે બ્રેઈન હેમરેજ નથી. ચાલો, બચ્યા. મનુભાઈ પંચોળી કહે, ‘તું સારું કામ કરે છે તેનું ફળ.’ બીજા મીત્રો પણ મારા કામને જશ આપે. સાંભળવું ગમે; પણ કારના ટાયરનું ફાટવું, કાર ઉથલી પડવી, પલટી ખાવી, કાર દબાઈ જાય, હું બચી જાઉં–દેખીતી રીતે અકસ્માત જ અકસ્માત. સત્કર્મને શી લેવાદેવા ?

કહેનારની લાગણી દુભાવવાનું મન ન થાય; છતાં વીવેક સાથે પુછું, ‘ખરે જ ? તો પછી ઘણું જ સારું કામ કરનાર વીઠુભાઈ પટેલ અને વજુભાઈ મહેતા કાર અકસ્માતમાં કેમ ન બચ્યા ?’ જવાબની આશા રાખીએ તો પુર્વજન્મનાં કર્મની વાત સાંભળવી પડે.

 ખરી કસોટી

સંતાપ સમયે પ્રાર્થના ન કરવાના પુરુષાર્થની ખરી કસોટી આવી 2001ની સાલમાં. પત્ની ઈન્દુની છાતીમાં ગાંઠ છે. ઑપરેશન કરી તેનો નમુનો બાયૉપ્સી માટે લૅબોરેટરીમાં મોકલ્યો છે. ચીત્તમાં ઘમસાણ ચાલે છે. કૅન્સર નીકળે તો ? ભર્યુંભાદર્યું ઘર વેરવીખેર થઈ જાય. લેબોરેટરીનો અહેવાલ થોડી મીનીટોમાં આવશે. ચીત્તમાં કરવત ચાલે છે. પરમતત્ત્વની સહાય માટે પ્રાર્થના કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે. મનને સમજાવું છું. જે નમુનો તપાસ માટે ગયો છે તેમાં જે કાંઈ છે, તેમાં પ્રાર્થનાથી તલભાર ફેરફાર નહીં થઈ શકે. ચીત્તને શાંત–સ્વસ્થ કરવા પ્રયત્ન કરું છું. જે કંઈ બનવાનું છે તે બની જ ગયું છે. હવે તો જે કંઈ પરીણામ આવે તેને સ્વીકારવું જ પડશે. પ્રાર્થનાની છટકબારીથી પરીસ્થીતી નહીં બદલાય. જે કાંઈ બની રહ્યું છે તે સન્મુખ છે. બીજેથી મદદ માંગવાથી કોઈ ફેર નથી પડવાનો. ચીત્તતંત્રને પ્રાર્થના કરતું રોકવા ગડમથલ ચાલી રહી છે ત્યાં લૅબોરેટરીનો અહેવાલ આવે છે – ‘મેલીગ્નન્ટ’ – કૅન્સર છે. હવે જીવનમાં નવી પરીસ્થીતીનો સામનો કરવાનો; પણ પ્રાર્થના ન કરી માટે આવું થયું તેમ તો ન જ વીચાર્યું. દુઃસહ કષ્ટ વેઠીને પણ ન જ સ્વીકાર્યું.

ફરી કસોટી

એક વર્ષ પુરું થયું. 2001માં ઈન્દુના શરીરમાં કૅન્સર ફેલાયું નથી એની વાર્ષીક તપાસ. લીવરમાં ડાઘ, બાયૉપ્સી. લૅબોરેટરીમાં નમુનો આપેલો, તેનો અહેવાલ લેવા જાઉં છું. શું નીકળશે ? અપાર વીહ્વળતા. ચીત્તમાં શારડી ફરી રહી છે. કોનો સહારો ? પ્રાર્થના નહીં જ કરું. જે છે તે તો છે જ. દુઃખ હશે તો હશે જ. પચાસ વરસના ભર્યાંભાદર્યાં દામ્પત્યને વીદારી નાખતો અહેવાલ આવશે તો ? ભલે તેમ હો. અમારા સાહચર્યનું જે ઉત્તમ છે તેને શબ્દોમાં ગોઠવવા પ્રયત્ન કરીને નઠારા વીચારોને ચીત્તની બહાર રોકવા કરું છું. હું કવી નથી; તો પણ કવીતા તરફ કેમ ખેંચાઈ જવાય છે?

       ‘‘અમે ઓતપ્રોત એવાં,

       વસ્ત્રમાં જેવા દોરા.

       કાપડ બને ‘કપડાં’ દોરા થકી,

       દોરાવીહીન ‘કપડાં’ ફરી કાપડ,

       લીરા જ લીરા !’’

પ્રાર્થના ન કરી. પરીણામમાં ફેર ન પડ્યો. કૅન્સર લીવરમાં ફેલાયું નથી. હાશ, જીવનનું વસ્ત્ર લીરા થતાં બચ્યું. પરમતત્ત્વ થકી નહીં; એમ જ થવાનું હતું.

પ્રાર્થનાવૃત્તી પર કાબુ

આવી બે કપરી કસોટીમાંથી પસાર થયા પછી પ્રાર્થનાવૃત્તી ખાળવાની આત્મશ્રદ્ધા વધી, પ્રોસ્ટેટનું  ઑપરેશન જુન 2002માં કરાવેલું. તે વખત બાયૉપ્સી કરાવેલી. કૅન્સરની અસર ન હતી. દોઢ વર્ષ પછી નવેમ્બર–ડીસેમ્બર, 2003માં ફરી તકલીફ શરુ થઈ. PSA તપાસમાં ૪.૫ કાઉન્ટને બદલે ૧૧૮. ફરી તપાસ ૧૧૫. હવે ગમ્ભીર પરીસ્થીતીની શક્યતા. કૅન્સર હોઈ શકે. બોન સ્કૅનીંગ કરાવવાનું આવશ્યક. ઈન્જેક્શનથી ન્યુક્લીયર ફ્લ્યુઈડ શરીરમાં દાખલ કર્યું. ત્રણ કલાક પછી આધુનીક મશીન પર સ્કૅનીંગ કરવાનું. કૅન્સર ફેલાયું હોય તો સ્કૅનીંગ પ્લેઈટમાં હાડકાંના આકારમાં તેના ડાઘ ઉપસે. ત્રણ કલાક પછી જાણ થવાની. કૅન્સર છે ? જે હશે તે હશે જ. પ્રાર્થના કરવાની જરુર નથી. ત્રણ કલાક અગત્યની બે મીટીંગોમાં ગાળ્યા. પ્રવાહી શરીરમાં ફેલાઈ રહ્યું હતું, જે મારી બાકીની જીન્દગીનું સ્વરુપ નક્કી કરવાનું છે. પ્રવાહી ભલેને ફરતું. એ એનું કામ કરે. હું મારું. એ વીશે કોઈને જણાવવાની પણ શી જરુર ? નીયત સમયે સ્કૅનીંગ માટે પહોંચ્યો. મશીન પર સુવાડ્યો. મશીને તપાસ શરુ કરી. અડધા કલાકમાં ફેંસલો. ત્યાં સુધી મનને શેમાં રોકું ? પ્રાર્થના તો કરવી નથી. જે થવાનું છે તે શરીરમાં મોજુદ છે; પણ પ્રાર્થનાની મંગળ ભાવનાને સ્થાને મનમાં સમાધાનકરી ચેતના કેમ પ્રગટાવવી ? મારી વાંછનાને શબ્દબદ્ધ કરેલો મંત્ર યાદ કર્યો –

        ‘‘રહ્યાં વર્ષો તેમાં.

       સેવું, નીશદીન સ્નેહ, સૌન્દર્ય, મુદીતા, ઉમંગે.’’

હાડમાં કૅન્સર પહોંચ્યાનું નીદાન થયું. પ્રાર્થના કરી હોત તો પણ એ જ આવવાનું હતું. નીશ્ચીત હતું; પણ સ્નેહ, સૌન્દર્ય, મુદીતા, ઉમંગના ભાવનું સેવન કર્યું તેથી પ્રસન્નતા રહી.

ફરી ઑપરેશન–ટેબલ પર. સીદ્ધહસ્ત સર્જન પાર પાડશે જ. તેમના કૌશલને મારી પ્રાર્થનાની જરુર નથી. એ એમનું કામ કરે. મન ચાલ, આપણને ગમતી ભાવનાનું મનન કરીએ – સ્નેહ, સૌન્દર્ય… થોડી ઘેનની અસર. ઑપરેશન સફળ.

 ઝીંક ઝીલાશે ?

હવે અમે બન્ને કૅન્સરની અસરવાળાં. પત્નીમાં એ ફેલાય નહીં તેની કાળજી રાખવાની, મારામાં જેટલું ફેલાયું છે તે વૃદ્ધી ન પામે, વધારે ફેલાય નહીં તેની તપાસ, દવા કરવાની. કરીશું.  જે કાંઈ કરવા જેવું છે તે કરીશું. વીજ્ઞાનની પ્રગતીનો પુરો લાભ લઈશું. તેની મર્યાદા સ્વીકારી જે થવાનું હશે તે થતું જોઈશું. પ્રાર્થનાથી મનને તન્દ્રામાં રાખવા પ્રયત્ન નહીં કરું એવો હવે વીશ્વાસ બન્ધાયો છે. વ્યગ્રતા વધશે ત્યારે સ્નેહ, મુદીતાને તાજાં કરી ઉમંગમાં રહેવા પ્રયત્ન કરીશ. આકરું છે. મારી ચીન્તા ખાસ થતી નથી. પત્નીની થાય છે. એની પીડા સહન કરવાની શક્તી સીમીત. એથી હું વ્યગ્ર બનું. મનમાં કરવત ચાલે. ભલે, પણ ‘પરમતત્ત્વ’ને શરણે નહીં જાઉં. આકરું છે. તપસ્યા જેવું. રહ્યાં વર્ષો તેમાં વધારે આકરી કસોટીઓ આવવાની. કરવત અને શારડી વધારે તીવ્રતાથી ચાલવાની. જોઈએ કેટલી ઝીંક ઝીલું છું.

(આ લેખ જાન્યુઆરી 2005ના ‘અખંડ આનન્દ’માંયે છપાયેલો.)

શ્રી. મનસુખ સલ્લા સંપાદીત ‘સમુલ્લાસ નીસ્બત’ (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ380 001, Phone: 079- 2214 4663  email: goorjar@yahoo.com  પ્રથમ આવૃત્તી – ફેબ્રુઆરી ૨૦૦૫, પૃષ્ઠસંખ્યા: ૨૫૨ – મુલ્ય – રુપીયા ૧૫૦)ના પાનાં ૧૪૬થી ૧૫૧ ઉપરથી સંપાદક શ્રી મનસુખ સલ્લાના તેમ જ સ્વ. અનીલભાઈ શાહનાં બૉસ્ટન–અમેરીકા સ્થીત દીકરી પલ્લવી ગાંધીના સૌજન્યથી સાભાર…ઉત્તમ ગજ્જર

સમ્પર્કઃ પલ્લવી ગાંધી (pallavigandhi@yahoo.com) Boston-USA- Phone: 978-264-0039  અને આશીષ શાહ (ahishah@yahoo.com) SC-USA Cell: 864-877-4727

નાસ્તીકની તપસ્યા’ બહુ વીશીષ્ટ લેખ છે. એક રીતે એ આત્મવીવેચન છે. શ્રદ્ધાનું ડીસેક્શન છે. તેમાં અનીલભાઈની ખુદવફાઈ નખશીખ પ્રગટ થઈ છે. તેમાં વૈજ્ઞાનીક અભીગમ અને જીવનભર સેવેલાં સ્નેહ–મુદીતા–મૈત્રીની મહત્તા બરાબરનાં પ્રગટ્યાં છે. જો કે અન્ય માટે પ્રાર્થના સ્વાભાવીક જરુરીયાત હોઈ શકે તે સ્વીકારવા જેટલા તેઓ ખુલ્લા છે. દીલાવરસીંહ જાડેજા અને પ્રકાશ ન. શાહને આ લેખ સ્પર્શી ગયો તે સ્વાભાવીક છે.’

સમ્પાદક શ્રી મનસુખ સલ્લા ( mansukhsalla@gmail.com  – અમદાવાદ, Phone: 079 – 2687 0981) તરફથી પુસ્તકને મળેલી પ્રસ્તાવના ‘સંવેદન અને વીચારનું સાયુજ્ય’માંથી સાભાર.. ઉત્તમ ગજ્જર..

લેખક અનીલભાઈ શાહ(જન્મ–17 June, 1926: અવસાન–12 April, 2007) તો હવે નથી. એમનાં પત્ની, 82 વરસનાં ઈન્દુબહેન (આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં દીકરી)નો ફોન નંબર મળતાં મેં તેમને ફોન કર્યો. (તેઓ અમદાવાદ હતાં. અને સાતમી મે 2010ના દીને અમેરીકા બન્ને સંતાનોને મળવા જવાનાં હતાં. હાલ તેઓ દીકરી પલ્લવીના ઘરે છે.)

 “ઈન્દુબહેન, ‘સમુલ્લાસ નીસ્બત’માંથી અનીલભાઈનો એક લેખ ‘સન્ડે ઈ–મહેફીલ’માં મુકવો છે.”

“કયો લેખ ? નાસ્તીકની તપસ્યા’ ?”

“તમને કેવી રીતે ખબર પડી ગઈ ?”

2005માં એ લેખ ‘અખંડ આનંદ’માં છપાયેલો. તે વાંચી દીગંત ઓઝાએ ફોન કરી કહેલું કે આની એક લાખ નકલ કરી વહેંચવી જોઈએ. તક મળ્યે હું તેમ કરીશ. આવા ઘણા સંદેશા અમને મળેલા.”

હું તો તાજ્જુબ ! અને લો, એ લેખ હવે તો તમે પણ વાંચ્યો….

બનવાજોગ છે કે આટલું જાણ્યા પછી લેખક અનીલ શાહ વીશે વધુ જાણવા કોઈને પણ મન થાય. તો હવે તેવા વાચકો માટે આટલું, લેખકના પોતાના જ શબ્દોમાં –

બાળપણમાં, કીશોરાવસ્થામાં, યુવાન વયે રચનાત્મક વલણો કેળવવાની મને જે અનુકુળતાઓ સાંપડી એટલી કેટલાને મળી હશે ? કર્તવ્યપરાયણ, ધર્મપરાયણ અભ્યાસુ શીક્ષક પીતા, જેમને મનુભાઈ પંચોલીએ ‘અનેરા આચાર્ય’ તરીકે બીરદાવ્યા એવા પીતા ચુનીભાઈ શાહનું હું એકમાત્ર સન્તાન.

     ‘સંસ્કારનગરી ભાવનગરમાં સ્વાતંત્ર્યપોષક શીક્ષક ગીજુભાઈ બધેકાના બાળમન્દીરમાં પ્રાથમીક શીક્ષણ, – કક્કો, બારાખડી કે પલાખાં શીખ્યા સીવાય વાંચતાં, લખતાં અને ગણીત આવડી ગયું. દક્ષીણામુર્તી વીનયમન્દીરમાં માધ્યમીક શીક્ષણ – જ્યાં પરીક્ષા નહીં; પણ સ્વાધ્યાય કરીને જાતે વાંચવા, વીચારવા, લખવાની અનુકુળતા. દક્ષીણામુર્તીના રાષ્ટ્રીય શીક્ષણના વાતાવરણની સાથે જ ગાંધીજીની દેશવ્યાપી હવાનો સ્પર્શ. વીસમી સદીના ત્રીજા દાયકામાં દેશમાં ગાંધીજી છવાઈ ગયેલા. તેમના વીવીધ આન્દોલનોની  હવાના સ્પર્શે દેશપ્રેમ, વંચીતો પ્રત્યે સક્રીય સહાનુભુતી, આચરણમાં કષ્ટ સહજતા વણાઈ ગયાં.

‘દેશસેવામાં ઉપયોગી થશે એવી કોઈ સમજથી આર્ટસના વીષયો, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

        ‘સરકારી શાસનનો પ્રથમ પરીચય થયો સૌરાષ્ટ્ર રાજ્યના ઘડવૈયા, પ્રથમ મુખ્યમંત્રી, અનન્ય લોકસેવક શ્રી ઢેભરભાઈના અંગત સચીવ તરીકે કામ કરતાં(1949-’50)

     ‘ખરી અનુકળતા મળી 1952માં, કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવાનું છોડી સામુહીક વીકાસ યોજના, કમ્યુનીટી ડેવલપમેન્ટમાં જોડાવાની તક મળી….

     ‘આમ તો હું નગરનું બાળ. જન્મ ઉછેર અભ્યાસ બધું ભાવનગર, પુના, મુંબઈ જેવાં શહેરોમાં. પણ ખડક સાથે બંધાયેલી નાવ પાણીમાં મુકતાં જ તરવા લાગે તેવી જ રીતે સામુહીક વીકાસમાં સામાન્ય માનવીનાં મન જીતવાં, તેમને સંગઠીત કરવાં, તંત્રને એમની સેવામાં લગન સાથે જોડી દેવાનું મનગમતું કામ મળી ગયું અને ઝપાટાભેર ફાવતું ગયું. 1959માં સૌરાષ્ટ્ર છોડી ભારત સરકારમાં જોડાયો… સીનીયર આઈએએસ અધીકારી હસમુખ અઢીયા એ મને એક વાર પુછ્યું હતું, ‘આવી કાર્યશેલી છતાં તમે સરકારી તંત્રમાં કેવી રીતે ટકી શક્યા ?’ એવો જ અચાનક મેં જવાબ આપ્યો, ‘સરકારમાં ટકી રહ્યો, એટલું જ નહીં આગળ વધતો ગયો. કદાચ સરકાર માનતી હતી કે હું એમનું એક સાધન છું. હું માનતો કે મારે જે કરવું છે તેનું સરકાર એક સાધન છે.’ જો વાણી–વર્તનનું મેળભર્યું નેતૃત્વ હોય, કર્મઠ કર્મચારીઓને જો પ્રોત્સાહન, ટેકો અને રક્ષણ મળે તો એ જડ તંત્ર પણ સળવળી ઉઠે છે, લોકોનું કામ કરવા લાગે છે….

(લેખકના પંચોતર વર્ષ નીમીત્તે યોજાયેલા અભીવાદન સમારમ્ભમાં, લેખકે પ્રતીભાવરુપે આપેલા વક્તવ્યમાંથી સારવીને..ઉત્તમ ગજ્જર અને બળવંત પટેલ)

‘સન્ડે ઈ–મહેફીલ’ ના જુન, 2010ના અંકઃ 194માં પ્રસીદ્ધ થયેલ આ લેખ શ્રી ઉત્તમભાઈ ગજ્જર  અને સન્ડે ઈ–મહેફીલ’ના સૌજન્યથી સાભાર

નવી વ્યવસ્થા..

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી govindmaru@yahoo.co.in  ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી, તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

ગોવીન્દ મારુ

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 10–02–2012

28 Comments

 1. અનિલભાઈને સલામ એમની હિમ્મત માટે,.ગમ્યો લેખ.

  Like

 2. A good article in its spirit but i would like to add one thing that with prayer you can concentrate more on your fighting spirit.To me both science and relegion are yet on the way to find out the mistry of this world, its creator, and the purpose.We must accept that science has discoved many things which were already existed in this world before it has been discoverd.I used to give an example of the low of gravitation, which was discovered by Newton, but the fact of the matter is that the low was in the existence before it was discovered.So conclusively i woud like to point out that if you have a courage to believe in yourself then it doesn’t matter whether you pray or not.On the contrary, if you become rigid as shree Anil bhai, then it will add extra pressure on your mind. In my opinion prayer is totaly a scientific process by which you can relax your mind and thereby you can do your work in a proper manner and get better result.

  Like

 3. PRAY OR NOT TO PRAY , RELIGIOUS BELIEF ETC, IS PRESENTED WELL FOR WE ALL FOR FURTHER THINKING PROCESS. VERY GOOD ARTICLE,I LIKED IT.

  Like

 4. સરસ લેખ છે. ગમ્યો. વિનોદ ભાઈ દેસાઈની પ્રાર્થના વિષેની કોમેન્ટ સાથે હું સહમત થાઉં છું. પ્રાર્થના કામ ચલાઉ માનસિક તણાવ દૂર કરે છે. ‘સ્ટ્રેસ લેવલ’ ઘટાડે છે અને આ વિજ્ઞાને થોડા ઘણાં અંશે સાબિત પણ કર્યું છે, પરંતુ આ થોડી મિનિટોની પ્રાર્થના કલાકોની ભક્તિમાં ખેંચી લઈ જાય અને પછી કોઈ એક પંથ કે ગુરુના દિવાના બનાવી દે એ હિતાવહ નથી. ગુરુઓ ‘social parasites’ છે. શ્રમિક હોતા જ નથી.

  બીજી એક વાત – મનુભાઈ જેવા મેધાવી પુરુષ “ઈશ્વરમાં ન માનનાર અભણ છે.” એમ કહે એમાં આશ્રર્ય લાગે એ સહજ છે, પરંતુ એમના વિચારો એમના મૂલ્યો એ, એ સમયની, એ વાતાવરણની, એ સમાજની, એમના ઘડતરની, એમના અનુભવોની દેન છે. એ જમાનામાં વિજ્ઞાનની આગેકૂચ કેટલી હતી? મનુભાઈ પંચોળી ‘દર્શક’ એ “ઝેર તો પીધા જાણી જાણી” માં, એ જમાનામાં એમની કલ્પનાશક્તિ, વિચાર, ચિંતન, મનન અને અવલોકનથી આજના ચીનના ઉદયની વાતો કરી હતી. એટલે આવા મેઘાવી પુરુષના વિધાનો એમની પ્રત્યેના માન અને શ્રધ્ધાને લીધે આપણને ના જચે એ સ્વાભાવિક છે.

  મોટા માણસો કાંઈક લખે કે બોલે એના પ્રત્યાઘાતો વિરાટ જનસમૂદાયને અસર કરતા હોય છે, એટલે તો મોટા માણસોની ભૂલો પણ મોટી ગણાતી હોય છે. ગાંધીજીના જીવનમાં પણ આવું ઘણું ઘટ્યું છે. ખુદ એમણે કબૂલ કર્યું છે. અને ભૂલો તો માણસો કરવાના જ! ભૂલો પ્રગતિના પગથિયા છે, હા, વારંવાર પુનરાવર્તન ના થવું જોઈએ.

  Like

 5. Prarthana – to me means ‘Going Beyond Asking’ (Sanskrit: Prakrustena Arthana)
  Dhyan – to me means ‘Accepting the world AS IT IS’ – not entertaining any MIND games – I/MINE/EGO;
  Will reveal your TRUE SELF!
  Astu!

  Like

 6. ગરુડે ચડીને ગોવિંદ આવે તેવું નાં કહ્યું તે નાં જ કહ્યું. બ્રેવ મેન. હૃદયસ્પર્શી લેખન. જો કે મને તો પ્રાર્થના નહિ કરું તેવો પણ વિચાર આવતો નથી. જસ્ટ રીપોર્ટ જોવાના જે હોય તે સ્વીકારી લેવાનું. PSA ટેસ્ટ હાલ તો સારો આવ્યો છે.

  Like

 7. આપના સુંદર આર્ટીકલ માટે ખુબ-ખુબ ધન્યવાદ….

  Like

 8. When you are praying for others, it gives soothing feeling….and you feel happy…when you pray for the self…you are searching your self…you are talking to yourself…it may help …give you confidence with positive thoughts and you feel great….when you are living with happy feeling, it is life… Prayer in Group for specific purpose has definite effect, particularly for small child for whom doctors have lost faith and given last word, still group prayers have succeeded…it is my personal experience…however, world is a mystery and scientists would continue to discover unknown things…in the meantime, prayers would only maintain the piece of body and mind…

  Like

 9. Jamana pramane samaj kelvya baad vicharsarni badliye to j samaj ane vishwa no udhdhhar thavano… mane aavi j vicharsarni game chhe…

  Sanjay Thorat

  Like

 10. મંદિર માં પ્રેવેસ્તા પેહલા પગરખા અને અભરખા છોડી ને પ્રવેશો એ પ્રાથના…..

  Like

  1. કમલેશભાઈ,
   પગરખા અને અભરખા. બહુ સારો પ્રાસ અને સચોટ પ્રસ્તુતિ. તમારૂં આ એક વાક્ય પોતે જ આખો લેખ છે! ગમ્યું.

   Like

 11. સારો લેખ છે નાસ્‍તીક જો ત૫સ્‍યા કરે તો?

  Like

 12. I am unable to post as article, so request to post this as an article….a best for atheist….
  ‘હું નાસ્તિક કેમ છું?’ – ભગતસિંહ (ભાગ-૧)
  (One of the very few pictures of Bhagat Singh, (date is disputed) Source: Wikipedia article on Bhagat Singh)
  મૂળ લેખ – નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા ૨૦૦૭માં પ્રસારિત, ડી.એન. ગુપ્તા સંપાદિત ‘Bhagat Singh: Selected Speeches and Writings’ પરથી.

  ડી.એન.ગુપ્તાના કહેવા પ્રમાણે જેલમાં રહેલા ભગતસિંહ અને એક વૃદ્ધ કેદી વચ્ચે ચર્ચા થાય છે. પેલો કેદી ભગત સિંહને ધાર્મિક બનવાની સલાહ આપે છે અને એવું મહેણું પણ મારે છે કે જ્યારે અંત નજીક આવશે ત્યારે આપોઆપ ધાર્મિક બની જઈશ. જ્યારે ભગત સિંહના જિંદગીનો અંત નજીક હોય છે ત્યારે આ લેખ લખીને જેલ સત્તાવાળાથી છૂપાઈને તેમના પિતાજીને આપે છે. ભગતસિંહના પિતા લાલા લાજપતરાયે શરુ કરેલા સાપ્તાહિક ‘ધ પીપલ’માં જૂન, ૧૯૩૧ના રોજ છપાવે છે. મૂળ લેખ પંજાબી ગુરુમુખીમાં લખાયો છે, જેનું ઉર્દુ અને પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. અહીં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયું છે. આ લેખની ત્રણ-ચાર આવૃત્તિઓ વિવિધ જગ્યાએથી મળી આવે છે. મેં અહીં મુખ્યત્વે ઉપર જણાવેલા પુસ્તક પરથી યથાયોગ્ય લાગ્યું તેવી રીતે ભાષાંતર કર્યું છે. ક્યારેક કૌંસમાં શબ્દો ઉમેરવાની કે ફકરા પાડવાની છૂટછાટ લીધેલી છે, પણ લખાણનાં મૂળ હાર્દને જેમનું તેમ જ રાખ્યું છે. કદાચ ભગતસિંહ પાસે આ લેખને મઠારવાનો સમય કે અનુકૂળતા નહિ હોય કે પછી વારંવાર ભાષાંતરને લીધે મૂળ લખાણનો લહેકો ખોવાયો હોય તેવું લાગે છે. મેં મારી જીજ્ઞાસા સંતોષવા અને આ વ્યક્તિને વધુ નજીકથી જાણવા માટે, ભાષાંતરના કામની કોઈ જ તાલીમ કે અનુભવ ન હોવા છતાં આ કામ હાથ ધરવાનું સાહસ કર્યું છે. ક્યાંક છબરડાં હોય તો ચોક્કસથી જણાવશો.

  ફાંસીની સજાની રાહ જોઇને બેઠેલા ૨૩ વર્ષના છોકરડાએ આ લેખ લખ્યો છે. આ છોકરો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ‘શહીદ-એ-આઝમ’ ન હોત તો પણ આ લેખ એટલો જ મહત્વનો છે. આ લેખ ખાસ્સો આત્મકથાનક છે. અહીં ભગતસિંહે પોતે કરેલું તેમના જીવનનું વર્ણન છે, પોતાની જાત સાથેના વૈચારિક સંઘર્ષનો એક પડઘો અહીં ઝીલાય છે. આ કોઈ ઉચ્ચ સ્થાનેથી બેસીને ઉપદેશ આપતો લેખક નથી પણ તમારી પાસે બેસીને ‘લો કરું કોશિશ ને ફાવે તો કહું’ કે ‘કોઇ થોડું ખળભળાવે તો કહું’ પ્રકારના લેખકનું લખાણ મને લાગે છે. લખાણમાં ભગતસિંહનું વ્યક્તિત્વ અને એક ઈમાનદારી ઝલકે છે અને તેથી જ અંગત રીતે આ લખાણની સરખામણી ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ સાથે થઇ જાય છે. તો હવે ભગતસિંહ પાસેથી સાંભળો કે તે કેમ નાસ્તિક છે.

  હું નાસ્તિક કેમ છું?
  – ભગતસિંહ

  એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ. મને ક્યારેય એવું લાગતું નહોતું કે હું આ પ્રકારના વાદ-વિવાદમાં ઉતરીશ. મને બહુ જ ઓછા સમયથી જાણવા છતાં મારા અમુક મિત્રો (જો મારો મિત્રતાનો દાવો માન્ય રાખવામાં આવે તો)ની ચર્ચા પ્રમાણે તેઓ એવા ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મારી અ-ધાર્મિકતા (કે નાસ્તિકતા) એ મૂર્ખતા છે અને મારા અહંકારનું પરિણામ છે. આ ગંભીર પરિસ્થિતિ છે. હું કંઈ માનવીય બાલીશતાથી પર નથી. આખરે, હું ય માનવજાત જ છું અને તેનાથી વિશેષ કંઈ જ નથી. કોઈ તેનાથી વિશેષ હોવાનો દાવો જ ન કરી શકે. મારા વ્યક્તિત્વમાં એક ખામી છે જ, ગર્વ જેવો એક દુન્યવી ગુણ હું ય ધરાવું છું. મારા દોસ્તો મને સરમુખત્યાર કહે છે. ક્યારેક મને ફિશિયારીબાજ પણ કહેવામાં આવે છે. કેટલાક મને બહુ શેઠાઈ કરનાર માને છે, તો કોઈ કહે છે હું મારા વિચારો તેમની પર થોપું છું. હા, આ બધું કેટલીક હદ સુધી સાચું પણ છે. હું આ તહોમતને નકારી કાઢતો નથી. પણ જ્યારે આપણા સમાજના (ધાર્મિકતા જેવા) નકામા, કાલગ્રસ્ત, સડેલાં મૂલ્યોની વાત આવે છે, ત્યાં હું એકદમ વહેમી, સંશયી બની જાવું છું. (કારણકે) આ પ્રશ્ન મારા એકલા વિષે નથી. હું મારા વિચારો, મારા આદર્શો અંગે ગર્વ ધરાવું છું. એને ખાલી ગર્વ ન કહી શકાય. ગર્વ, કે પછી જો બીજો શબ્દ વાપરીએ તો, ઘમંડ, બંનેનો અર્થ થાય છે પોતાના વ્યક્તિત્વનું અતિશયોક્તિ ભર્યું નિદાન. શું મારી નાસ્તિકતા મારા મિથ્યા ગર્વને લીધે છે કે પછી લાંબુ અને ઊંડું વિચાર્યા બાદ મેં ઈશ્વરમાં માનવાનું બંધ કર્યું છે? આ અંગે હું મારા વિચારો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

  હું એ સમજી શકતો નથી કે કેવી રીતે ઘમંડ કે ખાલી મિથ્યાભિમાન કોઈ વ્યક્તિને ભગવાન વિષે માનતા રોકી શકે. હું કોઈ સર્વશક્તિમાન વ્યક્તિની મહાનતાને ત્યારે જ નહિ સ્વીકારું કે જ્યારે કાં તો મને મારા પોતાના અથાગ પ્રયત્નોના લીધે ખ્યાતિ મળી હોય કે પછી હું મહાન બનવાની સર્વોચ્ચ માનસિક શક્તિઓથી વંચિત હોવ. આ સમજવું સહેલું છે. પણ એવું કેવી રીતે શક્ય છે કે કોઈ આસ્તિક પોતાના ઘમંડના લીધે નાસ્તિક બની જાય? બે જ વાતો શક્ય છે: કાં તો કોઈ માનવી પોતે દૈવી શક્તિ ધારણ કરે છે તેવું કહે કે પછી એક ડગલું આગળ વધીને તે પોતાની જાતને જ ભગવાન ગણાવે. આ બંને માન્યતાઓમાં જે-તે વ્યક્તિ ખરા અર્થમાં નાસ્તિક નથી. પહેલી પરિસ્થતિમાં એ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતો નથી; જ્યારે બીજા કિસ્સામાં તો તે કોઈ પ્રકારની દૈવી શક્તિ દુનિયા ચલાવી રહી છે તેવી માન્યતાને સ્વીકારે છે. જો વ્યક્તિ પોતે ભગવાન હોવાનો દાવો કરે કે ‘ભગવાનનું હોવું’ તે સત્ય છે તે વાતનો સ્વીકાર કરે તો ય મારી દલીલ બદલાતી નથી. હકીકત એ છે કે બંને કિસ્સામાં તે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે. તે નાસ્તિક નથી. મારે આ મુદ્દો જ સમજાવો છે. હું આ બંનેમાંથી કોઈ પણ પ્રકારમાં નથી. હું સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વ-શક્તિમાન ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરું છું. એવું કેમ? તેની ચર્ચા હું આ લેખમાં પાછળથી કરીશ. અત્યારે મારે ફરી ભાર દઈને કહેવું છે કે હું નાસ્તિક છું તે પાછળનું કારણ મારું અભિમાન, ઘમંડ નથી; હું કોઈ દૈવી પુરુષ નથી, હું પયગંબર નથી, હું પોતે ભગવાન પણ નથી. એક વાત સંપૂર્ણ સત્ય છે કે મારાં વિચારોની ઉત્પત્તિ મારા ઘમંડ કે ગર્વના લીધે નથી થઇ. આ પ્રશ્નના ઉત્તર માટે હું તેને સત્ય(ઘટનાઓ) સાથે સાંકળીશ.

  મારા મિત્રો કહે છે દિલ્હી બોમ્બધડાકા અને લાહોર ષડ્યંત્ર કેસ પછી, હું પ્રસિદ્ધ થયો છું અને તેના લીધે મારું મગજ ફરી ગયું છે. આ આરોપ કેમ ખોટો છે, તેની ચર્ચા કરીએ. મેં ઈશ્વરમાં વિષે માનવાનું આ ઘટનાઓ પછી બંધ નથી કર્યું. હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય હું નાસ્તિક જ હતો. એક સામાન્ય કોલેજ જતો વિદ્યાર્થી પોતાના અંગે અતિશયોક્તિભર્યું ધારીને નાસ્તિકતા તરફ જઈ ન શકે. એ સાચું છે કે મારા અમુક શિક્ષકોમાં હું માનીતો હતો, પણ કંઈ બધા મને પસંદ કરતા નહોતા. હું કોઈ મહેનતુ કે ખંતીલો વિદ્યાર્થી પણ નહોતો. મને ક્યારેય ગર્વિષ્ઠ થવાની તક જ મળી નથી. હું મારા વહેવારમાં બહુ સાવધાન હતો ને મારા ભવિષ્યની કારકિર્દી અંગે લગભગ નિરાશાવાદી હતો. હું મારી માન્યતામાં સંપૂર્ણ નાસ્તિક પણ નહોતો. હું મારા પિતાજીની દેખરેખમાં મોટો થયો હતો. તેઓ ચુસ્ત આર્યસમાજી હતાં. એક આર્યસમાજી નાસ્તિક સિવાય કંઈ પણ બની શકે. મારા પ્રારંભિક શિક્ષણ બાદ, મને લાહોરની ડી.એ.વી. કોલેજમાં મોકલવામાં આવ્યો. હું બોર્ડીંગ હાઉસમાં એક વર્ષ રહ્યો. સવારની પ્રાર્થનાઓ સિવાય, સાંજે હું કલાકો સુધી ધાર્મિક મંત્રોનું પાઠ કરતો. એ વખતે, હું સંપૂર્ણ આસ્તિક હતો. ત્યારે હું મારા પિતાજી જોડે રહેતો હતો. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓમાં ખાસ્સા સહિષ્ણુ હતાં. તેમની પ્રેરણાના લીધે મેં મારું જીવન દેશને આઝાદ કરાવવા પાછળ કુરબાન કર્યું છે. પણ તેઓ નાસ્તિક નહોતા. તે ભગવાનને દુનિયાની સર્વોચ્ચ શક્તિ માનતા. તેમણે મને રોજ પ્રાર્થના કરવાની સલાહ આપેલી. આવી રીતે જ મને મોટો કરવામાં આવેલો. અસહકારની લડતના દિવસોમાં, નેશનલ કોલેજમાં મને પ્રવેશ મળ્યો. મારા આ કોલેજમાં રોકાણ દરમ્યાન મેં ધાર્મિક વિવાદ-વિમર્શ વિષે વિચારવાનું શરુ કર્યું અને હું ઈશ્વરના અસ્તિત્વ અંગે વધુ સંશયી બન્યો. તે હકીકત સિવાય, હું એમ કહી શકું કે એ વખતે મારી ઈશ્વરમાં માન્યતા મજબૂત બની હતી. મેં (શીખ માન્યતા મુજબ) દાઢી અને કેશ વધારેલા. આ બધું થયું છતાં હું મારી જાતને શીખ કે બીજા કોઈ ધર્મના સામર્થ્ય અંગે સ્પષ્ટ કરી શક્યો નહોતો. પણ મારી ઈશ્વરમાં શ્રદ્ધા અચલ, અફર હતી.

  તે પછી હું ક્રાંતિકારી પાર્ટીમાં જોડાયો. હું જે પહેલા નેતાને મળ્યો, તેમની પાસે પોતાને ખુલ્લેઆમ નાસ્તિક ગણાવવાની હિંમત નહોતી. તે આ વિષયમાં કોઈ આખરી મત પર પહોંચ્યા નહોતા. મેં તેમને જ્યારે પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે પૂછ્યું તો તેમને મને આ જવાબ આપ્યો, ‘જો તમારે ઈશ્વરમાં માનવું હોય તો માની શકો છો’. જે બીજા નેતાના હું સંપર્કમાં આવ્યો તે સંપૂર્ણપણે આસ્તિક હતાં. મારે તેમનું નામ કહેવું જોઈએ. તે હતાં અમારા સન્માનનીય બિરાદર સચિન્દ્ર નાથ સાન્યાલ. તેમને કરાંચી ષડ્યંત્ર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેમના પુસ્તક ‘બંદી જીવન’ના પ્રથમ પાનાથી તેઓ ઈશ્વરની મહત્તાના ગુણગાન ગાય છે. આ પુસ્તકના બીજા ભાગનું છેલ્લું પાનું જોશો તો જાણે કોઈ સાધક ઈશ્વરના વખાણ કરતો હોય તેવું જણાશે. આ તેમના વિચારોનું સીધું પ્રતિબિંબ છે.

  ફરિયાદી પક્ષના કહેવા પ્રમાણે, (અમારું) ‘ક્રાંતિકારી ચોપાનિયું’ કે જે દેશભરમાં વહેંચાયેલું તે સચિન્દ્ર નાથ સાન્યાલના બુદ્ધિશક્તિની મહેનતનું પરિણામ છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એવું ઘણીવાર બને છે કે નેતા પોતાના અંગત વિચારોને રજૂ કરે છે, જે તેમને પોતાને સ્પષ્ટ હોય છે પણ બીજા કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધ મતોને ખાળીને પણ (નેતાના) વિચારોને માનવા પડે છે. પેલા ચોપાનિયામાં, એક આખો ફકરો ઈશ્વરના વખાણ કરવામાં ફાળવાયેલો કે જેમાં આપણે માનવજાત ઈશ્વરની લીલા સમજી શકતા નથી તે પ્રકારની વાત હતી. આ તો ખુલ્લેઆમ ભક્તિભાવ જ હતો. હું એ વાત રજૂ કરવા માંગુ છું કે કોઈને પણ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરવાનું સુઝ્યું પણ નહિ. કાકોરીના બહુખ્યાત શહીદો, એ ચારેય જણાંએ પોતાના છેલ્લા દિવસો પ્રાર્થના કરીને વિતાવેલા. રામ પ્રસાદ બિસ્મિલ ચુસ્ત આર્યસમાજી હતાં. રાજન લાહિરી, તેમના સમાજવાદ અને સામ્યવાદના વિસ્તૃત અભ્યાસ બાદ પણ, ઉપનીષદો અને ગીતાના શ્લોકો ગાવાની ઈચ્છા દબાવી શકતા નહિ. તેઓમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ હતો કે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતો ન હતો. તે એવું કહેતો કે, ‘ધર્મ એ માનવસ્વભાવની નબળાઈ કે માનવ સમજની મર્યાદાની નિષ્પત્તિ છે.’ તેને પણ આજીવન કેદની સજા થઇ હતી. જો કે તેણે પણ ક્યારેય ઈશ્વરના અસ્તીસ્ત્વનો ઇન્કાર કર્યો નહિ.

  ત્યાં સુધી હું એક ભાવનાશીલ ક્રાંતિકારી હતો, માત્ર મારા નેતાઓનો અનુયાયી. ત્યાર બાદ સમગ્ર જવાબદારીનું વહન કરવાનો સમય આવ્યો. કેટલાક સમય માટે, અમુક લોકોના મજબૂત વિરોધના લીધે પાર્ટીના અસ્તિત્વ પર જ ખતરો આવી પડ્યો. ઘણા નેતાઓ તથા ઉત્સાહી કાર્યકરોએ પાર્ટી અંગે મેણાં-ટોણાં મારવાંનું શરુ કર્યું. અમારી મજાક ઉડાવી. મને એ વખતે ક્યાંક એવી શંકા હતી કે એક દિવસ આ બધું વ્યર્થ અને મૂલ્યહીન લાગશે. પણ તે મારી ક્રાંતિકારી કારકિર્દીનો ટર્નિગ પોઈન્ટ હતો. મારા હૃદયમાં વધુ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. ‘વધુને વધુ અભ્યાસ કર’, તેવું મેં મારી જાતને કહ્યું કે જેથી હું મારા વિરોધીઓની દલીલોનો સામનો કરી શકું. ‘અભ્યાસ કર’ કે જેથી તું તારા વિચારોને વિશ્વાસપ્રદ દલીલોથી ટેકો આપી શકે. અને પછી મેં ગંભીરતાથી અભ્યાસ શરુ કર્યો. મારી પાછલી માન્યતાઓ અને ખાતરીઓમાં ધરમૂળથી બદલાવ આવ્યો. હિંસક લડતનો રોમાંચ અમારા પૂર્વગામીઓ પર હાવી હતો, હવે નવા ગંભીર વિચારોએ તેમની જગ્યા લીધી. હવે કોઈ ભક્તિભાવ નહિ, હવે કોઈ અંધશ્રધ્ધા નહિ. હવે વાસ્તવવાદ જ અમારા વિચારવાની પદ્ધતિ હતો. જ્યારે તીવ્ર જરૂરીયાત હોય ત્યારે જ આત્યંકિત પદ્ધતિનો સહારો લેવો, બાકી જન આંદોલનમાં હિંસાથી વિરોધી પરિણામો આવે છે. (જો કે) મેં અમારી પદ્ધતિઓ વિષે બહુ વાત કરી છે. સૌથી મહત્વની વાત હતી અમારી વિચારધારા અંગે સ્પષ્ટ વિભાવના, કે જેના માટે અમે લાંબી લડત લડી રહ્યા છીએ. ત્યારે કોઈ પણ ચૂંટણીની ગતિવિધિઓ ન હોવાથી, મને વિવિધ લેખકોના વિવિધ વિચારોનો અભ્યાસ કરવાની પૂરતી તક મળી. મેં અરાજકતાવાદી (રશિયન) નેતા બાકુનીનનો અભ્યાસ કર્યો. મેં સામ્યવાદના પિતામહ માર્ક્સના અમુક પુસ્તકો વાંચ્યા. મેં લેનિન અને ટ્રોટ્સ્કી અને બીજા દેશોમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવનાર ક્રાંતિકારી લેખકો વાંચ્યા. આ બધા નાસ્તિક હતાં. બાકુનીનના પુસ્તક ‘ઈશ્વર અને રાજ્યસત્તા’ના વિચારો કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચતા નથી, છતાંય તે એક રસપ્રદ પુસ્તક છે. ત્યારબાદ હું નીર્લાંબા સ્વામીના પુસ્તક ‘સામાન્ય બુદ્ધિ’ (Common Sense)ના સંપર્કમાં આવ્યો. તેમનું વિશ્વદર્શન એક પ્રકારની આધ્યાત્મિક નાસ્તિકતાનું છે. મને આ વિષયમાં રસ પડ્યો. વર્ષ ૧૯૨૬ના અંત સુધી, મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયંત્રણ કરી રહ્યો છે તે માન્યતા કોઈ રીતે આધારભૂત નથી. મેં મારા મિત્રો સાથે ચર્ચા કરવાનું શરુ કર્યું. મેં મારી જાતને ખુલ્લી રીતે નાસ્તિક ઘોષિત કરી. તેનું શું પરિણામ આવ્યું તેની ચર્ચા હું આગળ કરી રહ્યો છું.

  ૧૯૨૭ના મે મહિનામાં લાહોરમાં મારી ધરપકડ થઇ. આ ધરપકડથી મને બહુ જ આશ્ચર્ય થયું. મને એવો કોઈ ખ્યાલ જ નહોતો કે પોલીસ માટે હું ‘વોન્ટેડ’ છું. હું એક બાગમાંથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક પોલીસે મને ચાર બાજુથી ઘેરી લીધો. એ વખતે મારી પોતાની ઠંડક જોઈને મને પણ આશ્ચર્ય થયું હતું. હું મારા પૂરા નિયંત્રણમાં હતો. મને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. બીજા દિવસે મને રેલ્વે પોલીસના લોક-અપમાં પૂરવામાં આવ્યો અને આખો મહિનો રાખવામાં આવ્યો. ઘણા દિવસો પછી પોલીસના માણસો સાથેની વાતચીતથી મને ખબર પડી કે તેમની પાસે મારા કાકોરી પાર્ટી સાથેના સંબંધો અંગે કૈંક માહિતી છે. મને એવું લાગ્યું કે તેમની પાસે મારી બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી પણ છે. તેમણે કહ્યું કે જ્યારે કાકોરી ષડ્યંત્ર અંગે ખટલો ચાલતો હતો ત્યારે હું લખનૌમાં હતો અને તે ‘અપરાધીઓ’ને ભગાડવાની તજવીજમાં હતો. તેમણે એ પણ કહ્યું કે આ પ્લાનના આયોજન પછી, અમે કેટલાક બોમ્બ મેળવ્યા અને તેના ટેસ્ટીંગ માટે અમે દશેરાના (લીધે ભેગા થયેલા) ટોળામાં પણ ફોડ્યા હતાં. તેમણે મને ક્રાંતિકારી પાર્ટીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી દેવાથી છોડી મૂકવાની ઓફર પણ કરી. આ રીતે, હું બહાર જઈ શકીશ, મને ઇનામ મળશે અને મારે કોર્ટમાં અપ્રૂવર તરીકે રજૂ પણ નહિ થવું પડે. હું આ બધા પ્રસ્તાવો પર હસ્યા વિના રહી શક્યો નહિ. આ બધું જ બકવાસ હતું. અમારા જેવા વિચાર ધરાવનારા વ્યક્તિઓ પોતાના જ લોકોના નિર્દોષ ટોળાં પર બોમ્બ ફેંકતા નથી. એક વખત સી.આઈ.ડી.ના સીનીયર અફસર મી.ન્યુમેન મારી પાસે આવ્યા. સહાનુભૂતિના શબ્દોથી ભરેલી તે લાંબી વાતચીત દરમ્યાન, તેમને મને એ જેને દુખદ સમાચાર ગણાવતા હતાં તે કહ્યા કે જો હું તેમને તેમના કહ્યા પ્રમાણેનું સ્ટેટમેન્ટ નહિ આપું તો કાકોરી ષડ્યંત્ર હેઠળ મારા પર રાજદ્રોહના આરોપ સાથે અને દશેરાની ઘટનાને લઈને ખટલો ચાલશે. આ બાદ તેમણે જણાવ્યું કે તેમની પાસે મને ગુનેગાર સાબિત કરીને ફાંસીએ દેવા માટે પૂરતા પુરાવાઓ છે.

  હું સંપૂર્ણ રીતે નિર્દોષ હતો પણ મને ખબર હતી કે પોલીસ પાસે જો ધારે તો (મને ફાંસી દેવાની) પૂરતી સત્તા ધરાવે છે. એ જ દિવસે મને કેટલાક પોલીસ અફસરોએ દિવસમાં બે વાર નિયમિત રીતે પ્રાર્થના કરવા સમજાવ્યો. હું તો નાસ્તિક હતો. મેં વિચાર્યું કે આ મારી જાત જોડે નક્કી થઇ જવા દઈએ કે હું સુખ-શાંતિના દિવસોમાં જ મારી નાસ્તિકતાની ફિશિયારી મારું છું કે પછી કપરાં દિવસોમાં પણ હું મારી માન્યતાઓને સુદ્રઢ રીતે વળગી રહી શકું છું. મારી જાત જોડેના લાંબા સંઘર્ષ બાદ, હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે હું આસ્તિક હોવાનો દેખાવ કરી શકું નહિ કે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરી શકું તેમ નથી. ના, હું ક્યારેય તે કરી શક્યો ન હોત. આ કસોટીનો કાળ હતો અને હું તેમાં સફળતાથી પાર ઉતર્યો. મારા આ જ વિચારો છે. એક ક્ષણ માટે પણ મને મારું જીવન બચાવવાનો વિચાર નહિ આવ્યો. હું એક સાચો નાસ્તિક ત્યારે ય હતો અને હું એક નાસ્તિક અત્યારે પણ છું. આવી પરિસ્થિતિનો સામનો કરવો સહેલો નહિ હતો. શ્રધ્ધા કપરાં કાળમાંથી પસાર થવું સહેલું બનાવે છે અને ક્યારેક આનંદકારક પણ. માનવીને ભગવાનમાં મજબૂત સહારો મળી રહે છે અને ભગવાનનું નામ લેવામાં એક પ્રેરણાદાયી સાંત્વન પણ. જો ઈશ્વરમાં વિશ્વાસ ન હોય તો પોતે પોતાનો સહારો બન્યા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. આંધી-તોફાન અને વાવાઝોડાની સામે પોતાના પગ પર અડગ રહેવું તે કંઈ બચ્ચાંના ખેલ નથી. કપરામાં સમયમાં જે કંઈ બાકી બચ્યો હોય તે બધો ઘમંડ ઓગળી જાય છે અને માણસ પાસે સામાન્ય લોકોમાં સર્વમાન્ય વાતને ખાળવા માટેની હિંમત હોતી નથી. જો કોઈ વ્યક્તિ આવી માન્યતાઓ સામે બંડ પોકારી શકે તો આપણે માની લેવું જોઈએ કે આ કોઈ ઘમંડ નથી પણ તે વ્યક્તિ પાસે અસાધારણ શક્તિ છે.

  અત્યારે આવી જ પરિસ્થિતિ છે. સૌથી પહેલાં, આપણને સૌને ખબર છે કે કોર્ટનો ચુકાદો શું આવવાનો છે. કદાચ એકાદ અઠવાડિયામાં તે જાહેર થશે. હું મારી જીંદગી એક આંદોલનના માટે ન્યોછાવર કરવાનો છું. આ સિવાય મારી પાસે શું સાંત્વન છે! એક શ્રધ્ધાળુ હિંદુ પુનર્જન્મ પામીને એક રાજા બનવાની આશા રાખી શકે; એક મુસ્લિમ કે ખ્રિસ્તી તેમની તકલીફ અને બલિદાનના લીધે સ્વર્ગમાં મળનારા આનંદ-પ્રમોદના સપનાં જોઈ શકે. હું ક્યા પ્રકારની આશા પંપાળું? મને ખબર છે કે અંત આવશે ત્યારે મારાં ગળાની આસપાસ એક ગાળિયો ભીંસાશે અને મારાં પગની નીચેથી પાટિયું હટી જશે. ચોક્કસ ધાર્મિક શબ્દો વાપરીએ તો, તે મારાં સંદતર સર્વનાશની (કયામતની) પળ હશે. મારો આત્મા શૂન્ય થઇ જશે. હું જો આ આખી વાત (મારાં સત્કર્મોના) ‘વળતર’ની રીતે જોવાની હિંમત કરું, તો મને દેખાય છે કે કોઈ ભવ્ય અંત વિનાની મારી સંઘર્ષમય ટૂંકી જીંદગી એ જ મારું સાચું ‘વળતર’ છે. બસ, એટલું જ! અત્યારે કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર પામવાના સ્વાર્થી પ્રયોજન વગર, બહુ જ નીરસતાથી મેં મારી જીંદગી આઝાદીના કાજે અર્પણ કરી છે. હું બીજું કશું કરી જ ન શક્યો હોત. આઝાદીના નવા યુગનું પ્રભાત જરૂર ઉઘડશે કે જ્યારે માનવતાની સેવાના વિચારમાંથી હિંમત એકઠી કરીને અને જોર-જુલમથી છૂટકારો મેળવવા માટે, મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ એવું નક્કી કરશે કે આ આંદોલનના ઉદ્દેશ પર જીવન ન્યોછાવર કરવા સિવાય બીજો કોઈ આરો નથી. એ ભેગા થઈને જુલમી, દમનકારી, શોષણકર્તાઓ સામે યુદ્ધ છેડશે, રાજા કે રાણી બનવા માટે નહિ, કે કોઈ વળતર અત્યારે કે આવતા જન્મમાં મેળવવા નહિ કે મર્યા પછી સ્વર્ગ પામવા નહિ; પણ ગુલામીની જંજીરો ફગાવી દેવા માટે, સ્વતંત્રતા અને શાંતિની સ્થાપના માટે, એ લોકો આ જોખમી પણ યશસ્વી માર્ગ ખેડશે. શું પોતાના ઉદ્દેશો પર તેમના ગર્વને ઘમંડ કહી શકાય? કોણ એવું વાહિયાત છે કે જે આમ કહી શકે? હું તેને કહીશ કે તે મૂર્ખ અને દુષ્ટ છે. આવી વ્યક્તિની ઉપેક્ષા જ કરી શકાય કે જેને હૃદયમાંથી ઉઠતી આ વાતનું ઊંડાણ, લાગણીઓ, અભિવ્યક્તિ અને ઉમદા ભાવના સમજાતી નથી. તેનું હર્દય મૃત છે, એક હાડ-માંસનો લાગણી વિનાનો ઢગલો. તેની માન્યતાઓ ઢચુપચુ છે અને લાગણીઓ રુક્ષ છે. તેના સ્થાપિત હિતો તેને સત્ય જોવા માટે સક્ષમ બનાવતા નથી. ખેર, આપણી માન્યતાઓમાંથી જ્યારે પણ આપણે હિંમત મેળવીએ છીએ ત્યારે આ રીતે ઘમંડી હોવાની ઉપાધિ મળી જાય છે.

  જો તમે લોકપ્રિય લાગણીઓની વિરુદ્ધમાં જાઓ; જો તમે કે એક હીરોની ટીકા કરો, એક મહાન માણસ કે જેને સામાન્ય રીતે બધી જ ટીકાઓથી પર ગણવામાં આવે છે. તો શું થાય છે? કોઈ તમારી દલીલોનો જવાબ વિવેકબુદ્ધિથી નહિ આપી શકે; તેને બદલે તમને ખોટી ડંફાસ મારનાર ધારી લેવામાં આવશે. આવું થવાનું કારણ માનસિક મંદતા છે. દયાહીન ટીકા અને સ્વતંત્ર વિચારશક્તિ એ ક્રાંતિકારી વિચારધારાના બે મહત્વના લક્ષણ છે. જેમકે મહાત્માજી (ગાંધીજી) મહાન છે, તેઓ ટીકાઓથી પર છે અને તેઓ આ બધી બાબતોથી ઉપર ઉઠી ચુક્યા છે, તેઓ રાજકારણ, ધર્મ કે નૈતિકતાની બાબતમાં જે કંઈ પણ કહે છે તે જ સત્ય છે. તમે સહમત થાઓ કે નહિ, આ સત્ય માનવા તમે બંધાયેલા છો. આ બહુ રચનાત્મક વિચારશીલતા નથી. એવું પણ બને કે આપણે એક ડગલું આગળ માંડીએ ને અમુક ડગલાં પાછળ પણ જઈએ.

  આપણા પૂર્વજોએ ધર્મ કે શ્રદ્ધાને કોઈક પ્રકારની સર્વોચ્ચ શક્તિમાં રૂપાંતરિત કરી નાખી છે. તેથી જ તો, જે પણ શ્રદ્ધાની પ્રમાણભૂતતાને પડકારે કે ઈશ્વરના અસ્તિત્વને નકારે, તેને કાફર કે વિશ્વાસઘાતી કે દ્રોહી ગણવામાં આવે. ભલે પછી તેની દલીલો એટલી મજબૂત હોય કે તેને નકારી ન શકાય, ભલેને પછી તેનો આદર્શ એટલો મજબૂત હોય કે તેને સર્વશક્તિમાનના શ્રાપને લીધે આવતી બદકિસ્મતીઓની ધમકીઓ આપીને ઘૂંટણીયે ન પાડી શકાય, તો પછી તેને ઘમંડી કહીને ઉતારી પાડવામાં આવે છે. જો આમ થતું હોય તો શા માટે આ પ્રકારની ચર્ચામાં મારે મારો સમય બગાડવો? જો કે આપ લોકો સમક્ષ આ પ્રશ્ન પ્રથમ વખત આવ્યો છે એટલે મને આટલી લાંબી ચર્ચાની જરૂરીયાત અને ઉપયોગીતા લાગી.

  જ્યાં સુધી આ પહેલા પ્રશ્નનો સવાલ છે, ત્યાં મને લાગે છે કે મેં સ્પષ્ટ કર્યું છે કે હું કોઈ ઘમંડને લીધે નાસ્તિક નથી બન્યો. હું નહિ માત્ર મારા વાચકો જ નક્કી કરશે કે મારી દલીલોનું વજન પડે છે નહિ. હું જો ઈશ્વરમાં માનતો હોત તો, મને ખબર છે કે વર્તમાન પરિસ્થિતિમાં મારી જીંદગી સહેલી બની હોત, આ બોજ કૈંક હળવો બન્યો હોત. મારાં ઈશ્વરમાં અવિશ્વાસને કારણે બધી જ પરિસ્થિતિઓ વિકટ ભાસે છે અને આગળ પણ બધું વધુ ખરાબ જ થશે. થોડા ભક્તિભાવવાળા બનવાથી આવી પરિસ્થિતિને કાવ્યાત્મક વળાંક આપી શકાય. પણ મને મારાં અંત સાથેની મુલાકાત માટે કોઈ અફીણની જરૂર નથી. હું વાસ્તવવાદી વ્યક્તિ છું. હું વિવેકબુદ્ધિની મદદથી હું આવા વલણ પર વિજય મેળવવા ઈચ્છું છું. હું મારાં પ્રયત્નોમાં હંમેશા સફળ થતો નથી. પણ માનવીનું કર્તવ્ય છે કે પ્રયત્નો કરવા. સફળતાનો આધાર મળતી તકો અને બનતી પરિસ્થિતિઓ પર હોય છે.

  (આ સળંગ નિબંધ છે, પણ આ બ્લોગ માટે પોસ્ટ બહુ જ લાંબી થઇ જતી હોવાથી આ બે ભાગ પાડ્યા છે. આ ભાગમાં ભગતસિંહ મોટેભાગે તેની નાસ્તિકતા ઘમંડને કારણે નથી તેની ચર્ચા કરે છે, જ્યારે બીજા ભાગમાં તે નાસ્તિકતા ઘમંડને કારણે નથી તો ક્યા કારણે છે તે વિષે લખે છે. બીજો ભાગ ટૂંક સમયમાં…)
  from Rutul Joshi blog

  Like

  1. ભાઈશ્રી હરેશે શહીદેઆઝમ ભગતસિંહના લેખનો અનુવાદ અહીં આપીને બહુ જ મહત્વનું કામ કર્યું છે. હવે બીજા ભાગની રાહ જોઈએ. ભગતસિંહે વિવેકબુદ્ધિના દૃષ્ટિકોણને જીવનમાં ઉતારી લીધો હતો. આ નિબંધનું મહત્વ પણ ‘સત્યના પ્રયોગો’ જેટલું જ છે. ભગતસિંહે નાસ્તિકતાનો માર્ગ લીધો અને છેક સુધી સમજીને વળગી રહ્યા. તેમ છતાં સચિન્હુંદ્રનાથ સંન્યાલ પરત્યેનો એમનો આદર પણ નોંધને પાત્ર છે.

   હું માનું છું કે આજે પણ રૅશનાલિઝમને આજની સ્થિતિ સાથે જોડવાની જરૂર છે, નહીંતર એ માત્ર રિફોર્મિઝમ બનીને રહી જશે. સમાજની રૂઢ માન્યતાઓથી દૂર હટીને, કોઈનો પણ આધાર લીધા વિના, પોતાને જ જવાબદાર માનીને જીવવું સહેલું નથી હોતું. આજે રૅશનાલિસ્ટો અંધશ્રદ્ધાના સાગર વચ્ચે જીવે છે એમાં શંકા નથી. પરંતુ ભગતસિંહ જેવાના લેખોને પ્રચારમાં લાવવાથી એમના સંઘર્ષને બળ મળશે.

   Like

 13. Here again I suggest my friends to read a article, published in THE STAR-LEDGER from New Jersey in USA on Feb 19,2012. The section is PERSPECTIVE.
  The subject is “DOES GOD EXIST?”
  Here we can add to our knowledge on the subject,what others think about the age old subject. Easterners Vs Westerners.
  Interesting discussion. The preface says,” The universe’s greatest question goes to trial, as the two sides hold a penetrating and civil debate – spurred to do so by a surprising inspiration.”
  Weather we believe in those details of the debate, but it certainly add to our knowledge something that others think about the subject.
  Thanks.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s