ધર્મસંસ્થા, સમાજ અને નાગરીકી સ્વતન્ત્રતા

ધર્મસંસ્થા, સમાજ અને નાગરીકી સ્વતન્ત્રતા

–ઉર્વીશ કોઠારી

ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સન્ત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઈન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રીસ્તી ધર્મના રોમન કેથલીક સમ્પ્રદાયની લાંબી વીધી પુરી કર્યા પછી વેટીકન સીટીસ્થીત વડા, પૉપે તેમને સન્ત જાહેર કર્યાં. ઘણા ખ્રીસ્તી–બીનખ્રીસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચુક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સન્ત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મીક દરજ્જાનો પણ સુચક બની રહેશે.

રોમન કેથલીક સમ્પ્રદાયમાં સત્તાવાર રીતે સન્તનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખીયાંની નીઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઈ જાય છે; પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પુરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અન્ધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મીકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વીચારવા જેવો સવાલ એ છે કે કોઈ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અન્ધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડીયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?

ધર્મના વ્યાપક અર્થ વીશે રસપ્રદ વાત વીખ્યાત ગુજરાતી લેખક–ગણીતજ્ઞ અને ખ્રીસ્તી પાદરી ફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વીવીધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરુપ વાક્ય કહ્યું હતું, ‘મારો ધર્મ; મારો ધર્મ (સ્વ–ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રીલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઈઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં; પણ જે સ્વાભાવીક અને નૈસર્ગીક થઈ પડે એ જ મારો ધર્મ.’ કબીરનું પદ ‘સહજ સમાધી ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના–તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતીમાંથી આવે. એ ઉપરથી નહીં; અન્દરથી આવેલો હોવો જોઈએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’  ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?

ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરુરી છે. કોઈ પણ ધર્મ–સમ્પ્રદાયની સંસ્થા ધર્મના સમ્પુર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં – અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મુળ સ્વરુપે બહુ વીશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઈ એક લક્ષણ, સુત્ર, કાર્ય, વીધી કે નીષેધમાં સમાઈ જાય ને તેના ભંગથી જોખમાઈ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ–સમ્પ્રદાયમાં સમ્પત્તીનું સર્જન કરવાનું કે લોકો ભુખે મરતા–બીમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઉભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરુરી’ પણ ગણાવી શકે.

ઘણી વાર ધર્મસ્થાનો કૉર્પોરેટ ઑફીસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયની સદ્ધરતાનો અન્દાજ બાંધે છે—અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલ્કે, ઘણુંખરું એ જ હેતુથી ટૅકનોલૉજી, નાણાં અને માનવશક્તીનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઉભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરુપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઈ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવીત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનીવાર્ય જ નહીં; ધર્મ્ય પણ ગણતા થઈ જાય છે.

ભારતમાં વંચીતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મીકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પુરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઈ પણ ગણવેશધારી ધર્મધુરન્ધર કરતાં ગાંધીજીનું નૈતીક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં; ધર્મના કંઠીબન્ધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હીંદુ, મુસ્લીમ, ખ્રીસ્તી એવા બધા ધર્મોના ધુરન્ધરો–રુઢીચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવીષયક સમજ વધારે વાસ્તવીક, વધારે માનવકેન્દ્રી જણાઈ. સ્વામી આનન્દ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઉભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા—અને સ્વામીને પણ એ સમજાવી શક્યા—કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી; લોકો તેમની સેવા કરે છે.

ધર્મની સમજ, દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઉભી કરે, ત્યારે રુઢીચુસ્તતા અને વ્યક્તીગત સ્વતન્ત્રતાનો વીરોધ દૃઢ થાય છે. મુસ્લીમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છુટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રીવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનુની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લીમ મહીલાઓએ ટ્રીપલ તલાકના રીવાજને સ્ત્રીવીરોધી અને વ્યક્તીની સ્વતન્ત્રતાનો વીરોધી લેખાવીને તેને નાબુદ કરવાની માગણી કરી છે. પરંતુ ઑલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરીઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રીવાજનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ‘દમ્પતી વચ્ચે ગમ્ભીર મતભેદ ઉભા થાય અને પતી સાથે રહેવા ન જ ઈચ્છતો હોય તો સમય અને રુપીયાના બગાડ જેવી કાનુની વીધીથી ખચકાઈને તે કાયદેસર છુટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઈ શકે.’ દેખીતાં કારણોસર ફરીયાદી મુસ્લીમ મહીલાઓએ પર્સનલ લૉ બોર્ડની દલીલોને પીતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લીમ દેશોમાં પણ આવી જોગવાઈ નથી.

આ મુદ્દે રુઢીચુસ્તો પાસે કશો તાર્કીક જવાબ નથી. એટલે તે કુરાન અને શરીઅતને અફર ગણાવીને, આ રીવાજને તેમના ધાર્મીક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજુઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઈસ્લામ કોઈ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ; આધુનીક સમયમાં બન્ધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તીની સ્વતન્ત્રતાનો અધીકાર કોઈ પણ ધર્મપુસ્તક કરતાં ચડીયાતાં ગણાવાં જોઈએ.

ટ્રીપલ તલાકની નાબુદીથી ઈસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વીરોધથી રોમન કેથલીક સમ્પ્રદાયને હાની પહોંચશે કે અન્ધશ્રદ્ધા–જ્ઞાતીવાદી ભેદભાવનો વીરોધ એ હીંદુ ધર્મનો વીરોધ છે, એવી માન્યતાઓ સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયનો મહીમા ઘટાડે છે કે વધારે છે? વીચારી જોજો.

–ઉર્વીશ કોઠારી

લેખકના ‘gujarati world’ બ્લોગ (www.urvishkothari–gujarati.blogspot.com)ના  તારીખ : 06 સપ્ટેમ્બર, 2016ના અંકમાંથી, લેખકના સૌજન્યથી સાભાર… (આ બ્લોગની હજી સુધી મુલાકાત ન લીધી હોય તો તેની વાચન–સામગ્રી માણવા એક વાર અવશ્ય મુલાકાત લેવા વીનંતી.)

લેખક સમ્પર્ક :

શ્રી. ઉર્વીશ કોઠારી, લુહારવાડ, મહેમદાવાદ 387 130 (Gujarat – India) ફોન નંબર : 99982 16706 ઈ–મેઈલ : uakothari@yahoo.com બ્લોગ :

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

♦ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ.સી . – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ–મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 09/09/2016

 

7 Comments

  1. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા અેક જ સિક્કાની બે બાજૂઓ છે અને વચ્ચે સાંકડી ઘાર છે. સ્વતંત્રતાને ક્યારે, કોણ સ્વચ્છંદતામાં ફેરવીને ઉપભોગશે તેની કોઇને ખબર પડતી નથી….મંદિર, મસ્જીદ, ચર્ચ, કે કોઇપણ ઘર્મસ્થાન હોય …જ્યાં સુઘી તે મકાનની ચાર દિવાલોની અંદર કે ઘર્મના પુરસ્તકના પાનાઓની અંદર માણસ બેઠેલો હશે ત્યાં સુઘી મા બાપનું કહેલું માનનાર બાળક હશે. જેવો તે દિવાલો કે પાનાઓની બહાર નિકળશે કે તરત તે સ્વતંત્રતાના કપડાં ઉતારીને સ્વચ્છંદ બની જશે….જેમ કે ‘ શ્મશાન વૈરાગ્ય.‘ બહુ વિચારવાની હું જરુરત નથી જોતો…..જ્યાં સ્વાર્થ જ ઘર્મ બની જાય ત્યાં સ્વચ્છંદતા જ રાજ કરે છે…..પછી તે કોઇપણ રંગના કપડાં પહેરે…માણસ માત્ર ‘ સ્વાર્થી.‘ સ્વાર્થનો પ્રકાર જુદો જુદો હોઇ શકે. બાળકનો સ્વાર્થ …યુવાનોના સ્વાર્થથી જુદો અને પરણેલાનો સ્વાર્થ…સિનિયરો કરતાં જુદો……પુરુષનો સ્વાર્થ…સ્ત્રીના સ્વાર્થ કરતાં જુદો…..અને વઇસે વર્સા…..સમાજમાં રહેનારનો સ્વાર્થ…સમાજત્યાગીના કરતાં જુદો…..અાખુ વિશ્વ અે જ કોમન ઘર્મ પાળે છે અને તે છે સ્વાર્થઘર્મ…..સ્વતંત્ર રહીને અથવા સ્વચ્છંદી બનીને…….

    અમુત હઝારી.

    Liked by 2 people

  2. મને તો મૂળ લેખ કરતાં પણ શ્રી અમૃત હજારીનો પ્રતિભાવ સરળ અને સચોટ લાગ્યો અને ગમ્યો.
    ઉર્વીશભાઈની વિદ્વતા માટે માન છે. પણ એમના લેખો હાઈવે પર થઈને મુકામે નથી પહોંચતા. જૂદા જૂદા ટાઉન અને લોકલ રસ્તા પરથી ફરી ફરીને જતાં હોય એવું લાગે. ડેસ્ટીનેશન પર પહોંચતા થાકી જવાય. જોકે જોવાનું ઘણું મળે.

    Like

  3. રોમન કેથલીક સમ્પ્રદાયમાં સત્તાવાર રીતે સન્તનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય.

    એક વીસમી સદીમાં સંત થવા માટેની આ શરત સમજાય એવી નથી.

    Liked by 1 person

  4. ઉર્વીશભાઈના દરેક લેખ મનનિય હોય છે. આ લેખ,ગોવીન્દભાઈ તમે લાવ્યા માટે અભીનંદનના અધીકારી છો. ઉર્વીશભાઈ મારા પ્રિય લેખક છે. તમના દરક લેખમાં નવું ચિન્તન હોય છે. તેમને અભિનંદન

    Liked by 1 person

  5. ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી; લોકો તેમની સેવા કરે છે.
    લેખનુ આ વાક્ય ગમ્યુ. વિચારો, હાલમાં ભગવો રંગ ક્યાં વપરાય છે?
    માય રીલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઈઝ માય ડ્યુટી.- ફાધર વાલેસનુ ધર્મ માટેનુ આ કથન તદ્દન યોગ્ય છે.ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતીમાંથી આવે. એ ઉપરથી નહીં; અન્દરથી આવેલો હોવો જોઈએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.
    ઉપરના વાક્યો ગમ્યા. શું ભગવો રંગ ધર્મનુ પ્રતિક હોઇ શકે છે? અને જો હોય તો યોગ્ય છે? રંગોની દુનિયા સૌને ગમે છે. એના પણ ભાગ પાડવામાં આવે તો રંગ માટે જરૂરથી જંગ જ થવાના. થાય પણ છે. હું કોણ છુ? હું શું કરી રહ્યો છું? હું જે પણ કરી રહ્યો છું તે કેટલુ યોગ્ય છે? આ ત્રણ સવાલ માણસે સતત પોતાની જાતને પૂછ્યા કરવા જોઇએ. મધર ટેરેસાએ આજીવન અન્યોની સેવા કરીને કોઇ ચમત્કાર કર્યો નથી , પરંતુ તેમના જીવનને સૌએ નમસ્કાર કર્યા છે.
    તેઓને સંતની ડીગ્રી આપવાવાળા આપણે વળી કોણ? માનવસેવા માટે જીવન સમર્પિત કરી દેનાર મધર ટેરેસાનો ધર્મ ક્યો? તમે જો ખ્રીસ્તી કહેતા હોય તો તે ભૂલ છે. માનવસેવા એ જ ખુદ જ્યારે ધર્મ હોય ત્યારે બીજા કહેવાતા ધર્મોની શી વિસાત ?
    ઉર્વિશ કોઠારી માટે પ્રવીણ શાસ્ત્રીએ કરેલ કોમેન્ટ સાથે હું સંમત છું. ખૈર, લેખક અને બ્લોગરના આ પ્રયત્નએ અમોને લખવાની તક તો આપી!!!!!!!!!!!!!
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

    રોહિત દરજી” કર્મ ” , હિંમતનગર

    Liked by 1 person

  6. ઉર્વીશ ભાઈનો લેખ મને ગમ્યો .
    અને અમૃત હઝારી જેવા ના અભિપ્રાયો પણ મને ગમ્યા .બંધનમાં અમુક કાયદાઓના બંધનમાં રાખનારો ધર્મ માણસને કટ્ટર બનાવી દેતો હોય એવું હું માનું છું .
    હું સિંધમાં હતો ત્યારે મુસ્લિમ બહુમતી વાળા પ્રાંતમાં મારા ઘણા મુસ્લિમ મિત્રો હતા . તેઓ બહુ સજ્જન હતા .સેવાભાવી હતા .અને બીજાના ધર્મની નિંદા કે ખોડ ખાંપણ કાઢનારા નોતા એક મિત્ર મુસ્લિમ ધર્મની વાતો તે કરતો એ મને બહુ ગમતી , તે કહેતો કે ઇસ્લામમાં બીજાના ધર્મની ખોડ ખાંપણ શોધીને તેને ઉતારી પાડવાની વાત ન કરવી જોઈએ જો એમ કરવા જશો . તો તે લોકો તમારા ધર્મની ખોડ ખાંપણ ગોતશે અને ધર્મને વગોવવાની વાતો કરશે જે તમને નહીં . ગમે અને પરિણામે ઝઘડાઓ ઉભા થશે . અને વૈમનસ્ય વધશે . અને એ એક વાક્ય અરબી ભાષાનું બોલતો
    ला ईकराहा फिद्दीन એનો અર્થ “ધર્મમાં જબરજસ્તી ન હોઈ શકે “

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s