યુદ્ધ ફાટી નીકળશે!

–રમેશ સવાણી

“જગદીશભાઈ, મને હસબન્ડ કેવો મળશે? હેન્ડસમ હશે? બુદ્ધીશાળી હશે? મોટો પગાર હશે?”

“તમારું નામ?”

“મારું નામ શીલ્પા છે. ઉમ્મર : 28. એમ. કૉમ. કર્યું છે. વરાછામાં રહું છું!”

“શીલ્પાજી! તમારી કલ્પના કરતાંય ચડીયાતો હસબન્ડ તમને મળવાનો છે! આ હું નથી કહેતો, મારા નાના ભાઈ અશોકનો આત્મા કહી રહ્યો છે!”

શીલ્પા પછી પન્દર છોકરીઓ વેઈટીંગમાં હતી. દરેક છોકરીએ ભાવી હસબન્ડ અંગે જ પ્રશ્નો પુછ્યા. જવાબો સાંભળીને દરેક યુવતી ખુશખુશ થઈ ગઈ! રોજે પ્રશ્નો પુછનાર યુવતીઓની લાઈન લાગતી હતી. મૃત્યુ પામનારનો આત્મા જવાબ આપે. તે ઘટના જ રોમાંચ ઉભો કરતી હતી. સુરતમાં લોકમુખે આ ઘટનાની જ ચર્ચા ચાલતી હતી.

ગોપીપુરા પોલીસ ચોકી સામે જગદીશભાઈ શાહ (ઉમ્મર : 40) રહેતા હતા. તેના નાના ભાઈ અશોક(ઉમ્મર : 35)નું તારીખ 26 જાન્યુઆરી, 2001ના રોજ, ભુકમ્પના કારણે અવસાન થયું હતું. જગદીશભાઈને મોટો આઘાત લાગ્યો હતો; પરન્તુ થોડી રાહત એ વાતની હતી કે જગદીશભાઈ ઈચ્છે ત્યારે અશોકના આત્માને બોલાવી શક્તા હતા.

જગદીશભાઈએ પોતાના ઘરમાં, એક રુમમાં વચ્ચે ચટ્ટાઈ પાથરી હતી. ચટ્ટાઈની વચ્ચે એક ચોરસ બાજઠ મુક્યો હતો. બાજઠ ઉપર કાગળની નાની–નાની કાપલીઓ મુકી હતી, જેમાં અંગ્રેજી ભાષાના છવ્વીસ મુળાક્ષરો 1 ટુ 10 નમ્બર અને અંગ્રેજીમાં Yes–No શબ્દો લખ્યાં હતાં. પ્રશ્નો પુછનારે ઉંધી વાટકી ઉપર આંગળી મુકી પ્રશ્નો પુછવાના હતા અને વાટકી ઉપર એક આંગળી જગદીશભાઈ રાખતા હતા. આ વાટકી ખસતી–ખસતી ગમે તે એક કાપલી–ચીઠ્ઠી આગળ ઉભી રહી જતી હતી. વાટકી ખસેડવાનું કામ અશોકનો આત્મા કરે છે, તેમ જગદીશભાઈ કહેતા હતા.

ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયાને હજુ થોડા દીવસ જ થયા હતા. તે સમયે જગદીશભાઈએ આગાહી કરી : “ઓસામા બીન લાદેન મુમ્બઈ પોલીસના હાથે ઠાર થશે!”

આ આગાહીના કારણે જગદીશભાઈ સમાચારનું કેન્દ્ર બની ગયા. અખબારોમાં અશોકનો આત્મા જવાબ આપે છે, એવા સમાચારો પ્રસીદ્ધ થતાં જ ચકચાર મચી ગઈ. જગદીશભાઈના ઘર સામે લાંબી લાઈન થવા લાગી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી લોકો પ્રશ્નો પુછવા આવવા લાગ્યા. કેટલાક લોકોએ આત્માનું પગેરું મેળવવા સત્યશોધક સભા’, સુરતનો સમ્પર્ક કર્યો.

તારીખ 27 ડીસેમ્બર, 2001ને ગુરુવાર. બપોરના બે વાગ્યે, જગદીશભાઈએ ખળભળાટ મચાવી મુકે એવી આગાહી કરી : “તારીખ 8 જાન્યુઆરી, 2002 પહેલાં ભારત–પાકીસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે!

દસ–બાર દીવસમાં યુદ્ધ ફાટી નીકળશે, એ સમાચારથી લોકોમાં ડર ઘુસી ગયો. સંગ્રહખોરોએ સંગ્રહખોરી શરુ કરી દીધી! પોલીસતન્ત્રએ આવી ચોંકાવનારી આગાહી નહીં કરવા જગદીશભાઈને સુચના કરી. જગદીશભાઈનો જવાબ હતો : “મારી આગાહી નથી, અશોકનો આત્મા કહે છે!”

પોલીસે, ઈન્ડીયન પીનલ કૉડ, ક્રીમીનલ પ્રોસીજર કૉડ અને બીજા લોક્લ ઍક્ટ ઉથલાવી નાંખ્યા; આત્મા ઉપર પગલાં ભરી શકાય તેવી કોઈ જોગવાઈ જ ન હતી! સુરત શહેરની પોલીસ હોશીયાર હતી. તેણે ચાર લોકોની એક ટીમને, જગદીશભાઈના ઘરમાં પ્રવેશ કરાવી દીધો.

જગદીશભાઈએ પુછ્યું : “તમે કોણ?”

“મારું નામ સુર્યકાંત શાહ છે.

મારી સાથે મુમ્બઈના સીદ્ધાર્થભાઈ, મધુભાઈ અને ગુણવંતભાઈ છે. હું પણ મુમ્બઈ રહું છું! અમારે બસ, થોડા પ્રશ્નો પુછવા છે!”

“પુછો. અવશ્ય પુછો!”

“જગદીશભાઈ! તમે જે આગાહીઓ કરો છો, જે જવાબો આપો છો, તેની પાછળ અશોકનો આત્મા છે?”

“બીલકુલ. સુર્યકાંતભાઈ!”

“અશોકનો આત્મા માણસનું રુપ લઈને આવે છે? આત્મા માણસની માફક બોલી શકે? જો બોલી શકે છે તો આત્મા કઈ ભાષામાં બોલે? આત્માનો અવાજ સાંભળી શકાય? આત્મા વસ્ત્રહીન સ્થીતીમાં હોય છે કે કપડાં પહેરીને આવે છે? કેવા કપડાં પહેરે છે? આત્મા અદૃશ્ય થાય તેની સાથે તેના કપડાં પણ અદૃશ્ય થઈ જાય છે? આત્માનો કોઈ આકાર હોય છે કે પછી તે આકારહીન હોય છે? આત્મા શાંત કે અશાંત થઈ શકે? આત્મા કોઈને મદદ કે નુકસાન કરી શકે? આત્માને બાંધી શકાય? તેને મુક્ત કરી શકાય? આત્મા કોઈની લાગણી સમજી શકે?”

“સુર્યકાંતભાઈ, તમારા પ્રશ્નોના જવાબ મારી પાસે નથી!”

 “જગદીશભાઈ, તમે જ અશોકના આત્માને આ પ્રશ્નો પુછી જુઓ!”

“આવા પ્રશ્નો અશોકના આત્માને પુછું તો તે નારાજ થઈ જાય!”

“જગદીશભાઈ, આત્મા નારાજ પણ થાય?”

“બીજા પ્રશ્નો પુછો!”

“જગદીશભાઈ, અશોકનો આત્મા અહીં કેમ રોકાઈ ગયો છે? દેહત્યાગ પછી મુક્ત થયેલો આત્મા ગાય ઉપર સવારી કરીને, વૈતરણી જેવી ભયાનક નદી પાર કરીને, મોક્ષના દ્વારે પહોંચે છે, તેવી માન્યતા છે. આ માન્યતા સાચી છે કે ખોટી?”

“આ માન્યતા સાચી છે!”

“જગદીશભાઈ, તો અશોકનો આત્મા અહીં જવાબ આપવા કેમ રોકાઈ ગયો? આ પ્રશ્ન તમે અશોકના આત્માને પુછો!”

“સુર્યકાંતભાઈ, આવા પ્રશ્નનો જવાબ આત્મા નહીં આપે!”

“એનો અર્થ એ થયો કે કયા પ્રશ્નનો જવાબ આપવો અને કયા પ્રશ્નનો જવાબ ન આપવો, તે આત્મા નક્કી કરી શકે?”

“બીલકુલ, કરી શકે!”

“જગદીશભાઈ, આત્માને માઈન્ડ હોય છે? જવાબ આપવો કે ન આપવો તે પ્રક્રીયા, આત્મા કઈ જગ્યાએ કરે છે? આત્માને શરીર હોતું નથી, વજન હોતું નથી. તો શરીરહીન આત્માને મોક્ષ દ્વારે પહોંચવા શરીરધારી પ્રાણી એટલે કે ગાયની જરુર પડે ખરી? આ પ્રશ્નો અમે અશોકના આત્માને પુછવા માંગીએ છીએ!”

સુર્યકાંતભાઈ, આવા પ્રશ્નો તમે સાધુ–સંત, ભગત–ભુવાજીને પુછો. કથાકારોને પુછો. એ જવાબ આપશે. અશોકનો આત્મા આવા પ્રશ્નોથી કંટાળી ગયો છે!”

“વાહ! આત્માને કંટાળો પણ ચડે!”

સુર્યકાંતભાઈ, હવે તમે અહીંથી જતા રહો! અશોકનો આત્મા છંછેડાઈ જશે તો તમારું ધનોતપનોત કાઢી નાખશે!”

“આત્મા છંછેડાઈ જાય? કોઈનું ખરાબ કરે? જગદીશભાઈ! મહેરબાની કરી તરકટ બંધ કરો. ઢોંગ બંધ કરો! અમે કોણ છીએ, તે તમે કે અશોકનો આત્મા ઓળખી શક્યો નહીં! જો અશોકનો આત્મા વાટકી હલાવતો હોય તો, અમને ઓળખે પણ નહીં? અમે સત્યશોધક સભાના સભ્યો છીએ. મારી સાથે મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234), સીદ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446) અને ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374) છે. અમે મુમ્બઈથી નથી આવ્યા. સુરતમાં જ રહીએ છીએ! જગદીશભાઈ, ભ્રમજાળ ફેલાવવાનું બંધ કરો!”

જગદીશભાઈ થોડીવાર સત્યશોધક સભાની ટીમને તાકી રહ્યા, પછી હાથ જોડી કહ્યું : “મને માફ કરો! મારી ભુલ છે. વાટકીવાળા પ્રયોગમાં આત્મા આવે છે, તે વાત મેં ઉપજાવી કાઢી હતી. લોકોનું ધ્યાન ખેંચાય તે માટે હું ચોંકાવનારી આગાહીઓ કરતો હતો!”

મધુભાઈ કાકડીયાએ પુછયું : “જગદીશભાઈ, વાટકીવાળો પ્રયોગ કરવાની જરુર કેમ પડી?”

મધુભાઈ! મને કહેતાં શરમ આવે છે! મારી વીકૃત ઈચ્છાઓ સંતોષાતી હતી! પોતાના પ્રશ્નો લઈને ઘણીબધી યુવતીઓ મારી પાસે આવતી. વાટકી ઉપર આંગળી મુકી પ્રશ્નો પુછે, મારી આંગળી પણ તેની આંગળી સાથે જોડાય! મને રોમાંચ થતો! યુવતીઓ પ્રફુલ્લીત થઈ જાય તેવા જવાબો હું આપતો, એટલે તે રોમાંચીત થઈ જતી, હું એનો ચહેરો તાકીતાકીને નીરખતો!”

“વાટકીને હલાવતું કોણ?”

મધુભાઈ, વાટકીને મારી ઈચ્છા મુજબ હું ધીમેધીમે ખસેડતો! કોઈને ખ્યાલ પણ નહોતો આવતો!”

આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, અભીવ્યક્તી’ બ્લૉગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ‘ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (15, ફેબ્રુઆરી, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–07–2018

12 Comments

  1. જગદીશભાઈની આગાહી મુજબ યુદ્ધ ફાટી નીકળ્યું ન હતું, છતાં લોકો કેવા અંધ બની જાય છે તેનું આ ઉદાહરાણ છે. અંધ માન્યતામાંથી લોકોને બહાર કાઢવા કદાચ ખુબ જ મુશ્કેલ છે. છતાં ગોવીન્દભાઈ, પ્રયાસો ચાલુ જ રાખવા જોઈએ.
    ખુબ સરસ આંખ ઉઘાડનારો લેખ.

    Liked by 2 people

  2. આવી સહેલી ભાષામાં સંવાદ સાથે તર્કટને ઉઘાડી પાડતો આ લેખ સરસ છે.લેખકશ્રી અને બ્લોગરશ્રીને ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે.
    @ રોહિત દરજી ” કર્મ “,હિંમતનગર
    મો.94267 27698

    Liked by 2 people

  3. ખૂબ સરસ લેખ, આશા રાખીએ કે લોકો જાગે અને ધૂતારાને ખૂલ્લા પાડે.

    Liked by 2 people

    1. વહાલા અતુલભાઈ,
      ‘યુદ્ધ ફાટી નીકળશે!’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Liked by 1 person

  4. સરસ. આવા દાખલાઓ તો આપણે ઘણા…ઘણા….લખી..વાંચીને તેની ઉપર ચર્ચા કરી ચૂક્યા છીઅે. જે કાંઇ કરવાનું છે તે સૂર્યકાંત શાહ અને તેમની ટીમને સાથ અને સહકાર આપવાનો.પ્રશ્નો તો આપણે જાણીઅે છીઅે તેને નિર્મૂળ કરવાની યોજનાઓ બનાવી ને ખોટાઓને ખુલ્લા પડવાના છે. સુરત પોલીસને અભિનંદન. તેઓ આવા જ બીજા નકાબો હઠાવવામાં મદદરુપ થઇ શકે. અગાઉ મેં લખેલું તે પ્રમાણે પ્રાથમિક અને મીડલ અને હાયશ્કુલમાં સુરત સત્યશોઘક મંડળને અઠવાડીયે અેક કે બે ક્લાસ આપે જેથી કરીને ઉગતાં ઝાડને વાળી શકાય. મોટી ઉમરના, અભણ અને અંઘશ્રઘ્ઘાળુઓ બહુ મોટા પ્રમાણમાં છે. યુવાન છોકરીઓ આ કેસમાં સપડાઇને પોતાની નિર્બળતા પ્રસિઘ્ઘ્ કરે છે તેનું દુ:ખ છે. તેમના મા બાપ જ અંઘશ્રઘ્ઘામાં માનતા હશે. ટૂંકમાં પ્રશ્નોના હલનું વિચારો. રસ્તા શોઘો. અને પ્રસિઘ્ઘ કરો.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  5. લાલચમાં આવી માણસ પોતે ઠગાઈ જાય છે.

    બાવા, બાબા, ગ્રુરુઓને આ ઠગ વીદ્યાની ખબર છે. વેદ ઉપનીષદથી આ પ્રવૃત્તી ચાલે છે.

    અન્ય ધર્મનો ઉદય તો પાછળથી થયો એટલે એમાં આ ઠગ વીદ્યા થોડીક નવી વીચારસરણી સાથે હોય.

    Liked by 1 person

  6. આ પ્રકારના અગણિત ધતિન્ગો લગભગ દરેક ધર્મ માં થઈ રહ્યા છે, અને તેનું કારણ છે “અન્ધશ્રદ્ધા”.

    Liked by 2 people

Leave a comment