પ્રા. રમણભાઈ પાઠકની લેખન–પ્રવૃત્તીમાં રુપીયો ગૌણ; રૅશનાલીઝમનો પ્રચાર જ મુખ્ય બાબત રહી છે. 19મી સદીમાં સુરતને નર્મદની જેટલી જરુર હતી, એટલી જ 20મી સદીમાં ગુજરાતને રમણભાઈ પાઠકની જરુર હતી, અને આજે પણ છે!
આધુનીક મહર્ષી :
પ્રા. રમણભાઈ પાઠક ‘વાચસ્પતી’
(જન્મ : 30 જુલાઈ, 1922)
–વલ્લભ ઈટાલીયા
વનાંચલના એક નાનકડા ‘ગોઠ’ ગામમાં, ચુસ્ત કર્મકાંડી બ્રાહ્મણ પરીવારમાં પ્રા. રમણભાઈ પાઠકનો જન્મ થયો હતો. ક્રાંતીકારી લેખક અને વીચારપુરુષ રમણભાઈ બધી જ હદો વીસ્તારી આજે વીશ્વનાગરીક બન્યા છે. રૅશનાલીઝમના આદ્યપુરુષ રમણભાઈને જે સાચું લાગ્યું તે એક હાથમાં અને બીજા હાથમાં સત્યની સળગતી મશાલ લઈને એ નીકળી પડ્યા. ‘ગુજરાતમીત્ર’માં રમણભાઈ પચ્ચીસેક વરસથી ‘રમણભ્રમણ’ કટાર અન્તર્ગત અન્ધશ્રદ્ધા, કુરીવાજો, વહેમો, ચમત્કારો, પાખંડો અને કર્મકાંડો વીરુદ્ધ એવું તો બૉમ્બાર્ડીન્ગ કરી રહ્યા છે કે, પ્રભાવગ્રસ્ત કેટલાય વીસ્તારોમાં જ્યોતીષીઓ તાન્ત્રીકો અને અન્ધશ્રદ્ધાળુઓ હચમચી ગયા!
‘રૅશનાલીઝમ’ શબ્દને રમણભાઈએ જ, એની બૃહદ વીભાવના સહીત, ગુજરાતમાં લોકપરીચીત બનાવ્યો; સાથે સાથે જ વળી એનું ગુજરાતીય આપ્યું અને તે, ‘વીવેકબુદ્ધીવાદ’. તેઓનાં લખાણોમાં પાઠકસાહેબે રૅશનાલીઝમની કેવળ વીચારસરણી જ નહીં; એક જીવનવ્યવસ્થા તરીકે એનાં તમામેતમામ પાસાંની ઉંડાણપુર્વક તથા અભ્યાસપુર્વકની વ્યાપક ચર્ચા કરી છે, જે ગુજરાતમાં અગાઉ કોઈએ જ નથી કરી.
રમણભાઈ શોષણવીહીન, વર્ગવીહીન, લીંગભેદવીહીન, વાડાબન્ધીવીહીન અને સર્વસમાન એવી સમાજરચનાના પ્રખર હીમાયતી રહ્યા છે. રમણભાઈ આમ તો ગાંધી યુગના માણસ; પણ પશ્ચીમના ફ્રોઈડ, માર્ક્સ, આયન રેન્ડ અને બર્ટ્રાન્ડ રસેલનાં ચીન્તનમાં તેમને વધુ તાર્કીકતા લાગી.
એમની લેખન–પ્રવૃત્તીમાં રુપીયો ગૌણ; રૅશનાલીઝમનો પ્રચાર જ મુખ્ય બાબત રહી છે. રમણભાઈ નીવૃત્તી સુધી કૉલેજમાં પ્રોફેસર રહ્યા. જે દીવસે કૉલેજમાંથી નીવૃત્ત થયા એ દીવસે જ એમણે સરકારને અરજી કરી કે, ‘મારે પેન્શનમાંથી ખાવું નથી, મને પેન્શનની જરુર નથી!’ સીદ્ધાન્ત ખાતર પોતાના પેન્શનના હજારો–લાખો રુપીયા જતા કર્યા! પૈસા કમાવાની વૃત્તી જ નહીં, સ્વભાવથી ઉદાર અને ઉડાઉ પણ! સારું કમાયા; પણ બધું ખર્ચી નાંખ્યું. લોભલાલચ કે ભીખારીવેડા એમના સ્વભાવમાં જ નહીં, માનપાનનીય લાલચ નહીં; એટલે તો રૅશનાલીઝમ માટે એમને મળેલા કીર્તી સુવર્ણચન્દ્રકનો એમણે સાદર અસ્વીકાર કર્યો અને કહ્યું કે, ‘મને એવા ચન્દ્રકથી કશો ફાયદો થવાનો નથી; આ ચન્દ્રક કોઈ યુવાનને આપો, જેથી એને પ્રોત્સાહન મળે.’
–●–●–●–●–●–
ખુશ ખબર
પ્રા. રમણભાઈ પાઠક ‘વાચસ્પતી’નો 100મો જન્મદીવસે તેમના 19 લેખોની 8મી ઈ.બુક અને ‘મણી મારુ પ્રકાશન’ની 63મી ઈ.બુક ‘રૅશનાલીઝમના રંગ’ (ભાગ–2) પ્રગટ કરી છે. આ ઈ.બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.files.wordpress.com/2022/07/ebook_63_raman_pathak_rationalismnaa_rang_part-2_2022-07-30.pdf
જો કોઈ વાચકમીત્રને આ વીધી ન ફાવે અને મને પોતાનું નામ, પુરું સરનામું, કૉન્ટેક્ટ નમ્બર સાથે લખશે તેમને હું ‘ઈ.બુક’ ઈ.મેલ/વોટ્સએપ/ટેલીગ્રામ દ્વારા મોકલી આપીશ.
–ગોવીન્દ મારુ
govindmaru@gmail.com
–●–●–●–●–●–
રમણભાઈએ માત્ર રૅશનાલીઝમની ‘વાતો’ નથી કરી; રૅશનાલીઝમ ‘જીવ્યા’ છે. પંચાવન વરસ પહેલાં, કોઈ પણ જાતના કર્મકાંડ વીના માત્ર અઢી રુપીયાની નજીવી નોંધણી ફી ભરીને, રમણભાઈએ કોર્ટમાં શ્રીમતી સરોજબહેન સાથે લગ્ન કરેલું. આજથી 50 વર્ષ પહેલાં ગુજરાતમાં કુટુમ્બનીયોજન શું કહેવાય, તેની ભાગ્યે જ કોઈને જાણ હશે, ત્યારે એમને ત્યાં માત્ર એક જ સન્તાન, વળી તે પણ ‘દીકરી’નો જન્મ થયો અને એમણે સન્તતી–નીયમનનું ઑપરેશન કરાવી નાંખેલુ! રમણભાઈ હમ્મેશાં વીવાદાસ્પદ રહ્યા છે; કારણ કે જમાનાથી ઘણું આગળ વીચારવાની એમને ટેવ છે.
રમણભાઈ લખે છે ઓછું અને ચર્ચાય છે વધારે! સામાન્ય રીતે માણસ પોતાની ટીકા થાય તો નારાજ થઈ જતો હોય છે; પણ આ સાહેબ, જરા જુદી માટીના બનેલા છે; તેઓ પોતાની ટીકાને પણ પોતાની પ્રતીષ્ઠા ગણે! ક્યારેક તો લખાઈ ગયા પછી કોઈ વાચક એમનો વીરોધ ન કરે તો, એમને નબળું લખાઈ ગયાનો વહેમ પડે! પોતાનાં લખાણો અને વીચારો માટે વૈજ્ઞાનીક આધાર સાથે વાદ–વીવાદ, તર્ક અને ચર્ચા કરવા માટે હમ્મેશાં સજ્જ રહે. પોતાની ભુલ થઈ હોય તો કાન પકડવામાં એમને ‘મોટાઈ’ કદી આડે નથી આવતી! લગભગ સ્થીતપ્રજ્ઞ કક્ષાના માણસ, રાગ–દ્વેષ કદી રાખે નહીં; સંઘર્ષને તો ટાળે જ. જરુર લાગે તો, ‘ભલે, ત્યારે તેમ..’ એમ કહીને ઘણીવાર સામાની ખોટી વાત પણ જતી કરે. રમણભાઈના જીવનમાં બે પરસ્પર વીરોધી ઘટનાઓ એકી સાથે ઘટી : સગાં–સ્નેહીઓ ને મીત્રોનો અપાર–અનહદ આદર પામ્યા છે અને એમની સાથે અસમ્મત થનારાઓનો અનાદર પણ એટલો જ પામ્યા છે. આ બન્ને ઘટનાઓ રમણભાઈને સરખો આનન્દ આપી શકે છે; એ જ આ રમણ મહર્ષીની મહાનતા છે. દમ્ભ, દ્વેષથી સદન્તર મુક્ત; પ્રેમ, પ્રસન્નતા અને પ્રામાણીકતાપુર્વક જીવનને વધુ આનન્દમય બનાવવાનો રાહ ચીન્ધનારા આનન્દમાર્ગી મનીષી છે. આદરણીય શ્રી. ગુણવન્તભાઈ શાહે સુરતની એક સભામાં કહેલા શબ્દોનું મને સ્મરણ થાય છે કે, ‘રમણભાઈ પાઠક સુરતના સૌથી વધુ પ્રામાણીક માણસ છે.’
રમણભાઈની કલમ સતત સામાજીક સુધારાઓ માટે વહેતી રહે છે. રૅશનાલીઝમ ઉપરાન્ત એમનાં વીચારો, લખાણો અને વીષયોનો કોઈ પાર નથી. રમણભાઈએ વીસેક જેટલા ચીન્તનાત્મક નીબન્ધસંગ્રહો ઉપરાન્ત વાર્તાસંગ્રહો, નવલકથા(ઓથાર), હાસ્યસંગ્રહો, સેક્સ અને ભાષાવીજ્ઞાન વગેરે વીષયો ઉપર અસંખ્ય મુલ્યવાન, બળવાન અને પ્રાણવાન પુસ્તકો ગુજરાતની પ્રજાને આપ્યાં છે. ગુજરાતના પ્રસીદ્ધ કવી અને રમણભાઈના મોટાભાઈ કવી ડૉ. જયન્તભાઈ પાઠકે એક વાર મને કહેલું, ‘હું સાહીત્યનો જીવ ખરો; પણ મને એ એક જ ઈન્દ્રીયનું જ્ઞાન; પણ રમણ તો ભુગોળ ને ખગોળ, મનોવીજ્ઞાન, સેક્સ, તબીબશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર ને તત્ત્વજ્ઞાન બધું જ જાણે! હું ઉમ્મરમાં રમણથી બે વરસ મોટો ખરો; પણ એ બધા વીષયોમાં હું એનો શીષ્ય છું!’
1980થી ’85 દરમીયાન હું જ્યારે કૉલેજમાં હતો ત્યારે ‘રમણભ્રમણ’ નીયમીત વાંચતો. વાંચવાનું ખુબ ગમતું; પણ એમની ભાષા કડક એટલે એમનો પ્રત્યક્ષ પરીચય કરવામાં મને જોખમ લાગે! આખરે 1989માં મીત્ર શ્રી. છગનભાઈ બરવાળીયા પહેલી વાર મને રમણભાઈ પાસે લઈ ગયેલા. એમને મળ્યા પછી રમણભાઈ બહુ ‘કડક’ માણસ હોવાની મારી છાપ, તડકામાં બરફ ઓગળે એમ ઓગળી ગઈ. સાવ સાચું કહું તો રમણભાઈથી વધારે વીનમ્ર માણસની હું શોધમાં છું. મીત્ર તો ઠીક; પણ એમના દુશ્મન બનવું પણ પાલવે એટલા વીવેકશીલ માણસ છે, રમણભાઈ!
દુનીયાના લગભગ દરેકેદરેક વીષયમાં એમને રસ અને જાણકારી. પાછો દરેક બાબતે પોતાનો મૌલીક અભીગમ અને અભીપ્રાય તો ખરો જ. પાર વીનાનું વાંચે અને અપાર જ્ઞાનના ધણી, એમની સાથે જેમ જેમ મીત્રતા ગાઢ થતી ગઈ એમ એમ વાંચવાની ટેવ ઘટતી ગઈ. કોઈ પણ પ્રશ્ન ઉઠે તો, ચોપડીઓ ફંફોસવા કરતાં એક ફોન જોડીએ એટલે તત્ક્ષણ પ્રમાણો સાથે ઉત્તર મળી જાય! એટલે જ હું ઘણીવાર એમને ‘હરતીફરતી લાઈબ્રેરી’ કહું છું. ‘લોકસમર્થન’ના મારા દરેક લેખો ધ્યાનથી વાંચે, તરત ફોન કરે, ભુલ જણાય ત્યાં ધ્યાન દોરે–માર્ગદર્શન આપે અને સારું લાગે ત્યાં પીઠ થાબડે.
બાળકોની સમસ્યાઓ અને સ્ત્રીઓની સમસ્યાઓ એ એમની તીવ્ર વેદનાના વીષયો છે. આ બન્ને વીષયોમાં બુદ્ધની કરુણા રમણભાઈને ‘જીવલેણ’ લાગુ પડી છે! રમણભાઈ રોતું બાળક સાંભળી અસ્વસ્થ બની જાય, દ્રવી જાય. ગરીબ બાળકને કશુંક આપી દે, અપાવી દે અને ખુશ થાય. કોઈ બાળકની લાગણી દુભાઈ જાય તે એમને માટે અસહ્ય વેદના. તેઓ બાળઉછેરનું પણ વૈજ્ઞાનીક જ્ઞાન ધરાવે. પોતાના દોહીત્ર મલ્હારને (જે હાલમાં અમેરીકા અભ્યાસ કરી રહ્યો છે) ત્રણ મહીનાનો હતો ત્યારથી પાંચ વર્ષનો રમણભાઈએ જ કર્યો! જાણે એક સુસંસ્કૃત માતા! કોઈ પ્રસીદ્ધ શીલ્પી મુર્તીના ઘડતરમાં જેટલી કાળજી રાખે એટલી કાળજીથી એમણે મલ્હારનો ઉછેર કર્યો.
વૈચારીક બાબતોમાં મોટામાં મોટા માણસોનો જાહેરમાં વીરોધ કરતા અને નાનામાં નાના માણસને ભરપુર આદર આપતા અમે રમણભાઈને નજરે નીહાળ્યા છે. ઘરના કામવાળાં પ્રત્યે પણ એવી જ સહાનુભુતી તથા સ્નેહાળ સૌજન્ય. રમણભાઈ સુરતમાં 13 વર્ષ રહ્યા, કામવાળી–રસોયણ એક જ, એકની એક જ! બારડોલી રહેવા જવાનું થયું અને સુરતનું ઘર છોડ્યું ત્યારે મારા ખભા પર હાથ મુકતા અને ઘરની સામે જોતાં રમણભાઈએ મને કહ્યું, ‘વલ્લભભાઈ, ઘર છોડવું પડ્યું એનું જરાય દુ:ખ નથી; પણ આ કામવાળી બહેનને નીરાધાર છોડી રહ્યો છું એનું મને પારાવાર દુ:ખ છે!’ આટલા મોટા ફીલોસોફરની આંખોમાંથી પણ નાનામાં નાના માણસ માટે આંસુ વહી શકે છે. મને બરાબર યાદ છે કે, કામવાળી બહેને અશ્રુધારા સાથે કહેલું, ‘હે ભગવાન! મારી ઉમ્મર પણ આ પાઠક સાહેબને આપી દેજે!’ આજે બારડોલીમાં પણ આઠ વરસથી એક જ કામવાળી–રસોયણ બાઈ છે! નોકર ભુલ કરે તો પણ ઉગ્રતા ધારણ કરવાનું એમને આવડ્યું જ નહીં! એમના બ્લડપ્રેશરમાં કે અવાજના લયમાં કદી નોંધપાત્ર ફેરફાર થતો અમે જોયો નથી! આને હું રમણભાઈની ‘સ્થીતપ્રજ્ઞતા’ ગણું છું.
ગાંધીવીચારના બહુ પ્રશંસક નહીં; પણ સત્ય, સ્વચ્છતા અને કરકસર(રુપીયા સીવાય)માં ગાંધીજીને જ આદર્શ માને. મહેમાનોને આવતાં વેંત પાણીનો ગ્લાસ ધરી દેવાના રીવાજના સખ્ત વીરોધી. મહેમાન માંગે તો અથવા પુછીને પછી જ પાણી આપે. બાકી એક ગ્લાસ પણ પાણી વેડફાય તો ગાંધીની માફક દુ:ખી થઈ જાય. ઉંચામાં ઉંચી ફીલસુફીમાં તો નીપુણ; પણ ઘરકામમાં પણ એટલા જ નીપુણ! રમણભાઈના ઘરે જે કોઈ જાય એમને રમણભાઈના હાથની ચા મળે જ! વર્ષોથી ઘરકામ કરે, ચા તો જીન્દગીભર જાતે જ બનાવી; પણ એમના રસોડામાં કદી અવાજ કે અકસ્માત નહીં! ક્યારેય દુધ ઉભરાઈ ગયું નહીં, બગડી ગયું નહીં કે ઢોળાયું પણ નહીં! જાણે એક ઉત્તમ ગૃહીણી!
સમયપાલન અને નીયમીતતાના પણ એટલા જ આગ્રહી. ઘડીયાળને કાંટે જ બધાં કામ કરે. લેખ લખવા બેસે ત્યારે ત્રણ–ચાર જાતની રંગબેરંગી બોલપેન વાપરે અને જાતજાતનાં ચીહ્નો કરે, તેથી કમ્પોઝીટરને વાંચવામાં તકલીફ ન પડે અને છાપભુલ ટળે. બીજાને તકલીફ ન પડે એની વધુ પડતી ચીવટ રાખે. એથી ઘણીવાર પોતાને જ તકલીફ વેઠવી પડે; પરન્તુ ‘મારે લીધે કોઈનેય મુશ્કેલી ન પડવી જોઈએ’ એ એમનો જીવનમન્ત્ર. વીવેકબુદ્ધી અને વીનમ્રતાની સાથે સાથે સંવેદનશીલતાનું સન્તુલન જાળવવામાં એમણે મહારત હાંસલ છે. બાકી, સંવેદનશીલતા વગરની બૌદ્ધીકતા સીમકાર્ડ વગરના મોબાઈલ ફોન જેટલી જ ખપમાં આવે! સાહીત્યકાર મીત્ર ભાઈશ્રી રજનીકુમાર પંડ્યાએ સાચું લખ્યું છે કે, ‘રમણભાઈના રૅશનાલીઝમમાં માત્ર અન્ધશ્રદ્ધા, તન્ત્ર–મન્ત્ર, ચમત્કાર વીરોધની જ વાતો નથી; સમગ્ર જીવનવ્યવહારને આવરી લેતા સુઘડ આચાર–વીવેકની વાતો છે. મનુષ્ય માત્રના સુખની સુન્દર કામના એ જ રમણભાઈનો ધર્મ છે.’
રમણભાઈને લગભગ બધા જ જાણે છે; પરન્તુ બહુ લોકપ્રીય કે સર્વપ્રીય ન થઈ શક્યા. તેનું કારણ તેઓ પ્રવાહને પારખીને તેની દીશામાં તરનારા માણસ નથી; પણ વીવેકબુદ્ધીના તરાપા પર પ્રવાહની વીરુદ્ધમાં તરનારા માણસ છે. કદાચ એટલે જ મીત્ર શ્રી. જમનાદાસ કોટેચાએ રમણભાઈને ‘સામાપુરના તરવૈયા’ જાહેર કર્યા છે અને એ નામનું રમણભાઈ વીશે આખું પુસ્તક પણ આપ્યું છે. કથાકાર મોરારીબાપુને પણ થયું કે જે માણસ જીન્દગીભર જીવના જોખમે લોકપ્રવાહની વીરુદ્ધમાં, સામે પુર તર્યો છે એ માણસની એક વાર તો મુલાકાત લેવી જ જોઈએ! અને બાપુ રમણભાઈની સમ્મતી લઈને પ્રેમપુર્વક બારડોલી રમણભાઈના ઘરે, સામે ચાલીને મુલાકાતે આવ્યા જ!
પરમ્પરાને આંખો મીચીને સ્વીકારે એ રમણભાઈ નહીં; આંખો ફાડીને પડકારે એ રમણભાઈ! સુરતની ભુમી વીરનર્મદ અને પ્રા. રમણભાઈ પાઠક ‘વાચસ્પતી’ને જીરવી ગઈ એ પણ નાનોસુનો ચમત્કાર નથી. મીત્રો, ઓગણીસમી સદીમાં સુરતને નર્મદની જેટલી જરુર હતી, એટલી જ વીસમી સદીમાં ગુજરાતને રમણભાઈની જરુર હતી! અવૈજ્ઞાનીકતા, બુદ્ધીબધીરતા અને અન્ધશ્રદ્ધાનાં ઘેઘુર જાળાંઓ વચ્ચે ત્રણ–ત્રણ દાયકા સુધી રૅશનાલીઝમની ઝુમ્બેશ ચલાવવી એ કદાચ કોઈને ચમત્કાર ન લાગતો હોય તો પણ; આ દેશમાં ત્રણ દાયકા સુધી કોઈનો માર ખાધા વગર આવી ઝુમ્બેશ ચલાવવી એ તો ચમત્કાર જ! ઝટ ગળે ન ઉતરે એવા, ક્યારેક અસમ્મત થવું પડે એવા વીચારોને નીર્ભીકપણે વ્યક્ત કરનારા લેખકો આજે ક્યાં અને કેટલા? હળાહળ પ્રદુષણયુકત વાતાવરણમાં આટલા નીર્મળ, સાચકલા અને તન્તોતન્ત લાગણીથી લથપથ થતા માણસને શોધવા દીવો લઈને નીકળવું પડે એમ છે. મીત્રો, ક્યારેક બારડોલી જવાનું બને અને સુટ–બુટ–ટાઈમાં સજ્જ કોઈ યુવાન દેખાતો વૃદ્ધ સામે મળી જાય તો એ રમણભાઈ પાઠક હોવાની પુરી સમ્ભાવના છે!
ઈટાલીમાં બ્રુનોએ પૃથ્વી સપાટ નહીં; ગોળ છે એવું જાહેર કર્યું, ત્યારે લોકોએ તેને ખોટો માની જીવતો સળગાવેલો. ગેલીલીયોએ પૃથ્વી સ્થીર નથી; સુર્યની આસપાસ ફરે છે એવું જાહેર કર્યું ત્યારે પણ લોકોએ તેને ખોટો માની સજા કરેલી. બ્રુનો અને ગેલીલીયો બન્ને સાચા હતા એ સદીઓ પછી હવે આપણને સમજાયું. મને લાગે છે કે, ‘રમણભાઈ પણ સાચા હતા’ એવું પ્રમાણપત્ર આપવાની જવાબદારી આપણે આવનારી પેઢીઓને સોંપી રહ્યા છીએ!
રમણભાઈ પોતાના ભાતીગળ આયુષ્યનાં 81 વર્ષ પુરાં કરી રહ્યા છે. લેખકો, વીચારકો તો ઘણા અમારા મીત્રો છે, આદરણીય પણ એમાંના ઘણા લાગ્યા; પરન્તુ સાચું કહું તો એક માણસ તરીકે, એક માનવવ્યક્તી તરીકે રમણભાઈ જેવા વીદ્વાન, જ્ઞાની, વીનમ્ર, કરુણાવાદી અને આનન્દમાર્ગી બીજો માણસ મારા ધ્યાનમાં નથી. એમની તબીયત લોકો ધારે છે એટલી સારી હવે નથી, એની અમને શંકા અને ચીન્તા બન્ને છે. અમારા મીત્ર શ્રી. યાસીનભાઈ દલાલના શબ્દોમાં કહું તો, ‘રમણ પાઠક ગુજરાતના સાહીત્યજગતની અને વીચારજગતની એક મહામુલી મુડી છે, એમને કે એમના વીચારવારસાને ગુમાવવાનું ગુજરાતની પ્રજાને પાલવે એમ નથી.’
હું ઉમ્મરમાં રમણભાઈથી 40 વરસ નાનો છું અને જ્ઞાનમાં 400 વરસ; છતાં પોતાના સાવ નજીકના મીત્ર તરીકે એમણે મને સ્થાન અને ગૌરવ આપ્યું. એમના વીચારોથી અને એમની મીત્રતાથી અમારા અસંખ્ય મીત્રોના જીવનમાંથી થોડો અન્ધકાર ઉલેચાયો. ભાગ્યે જ જોવા મળતા આવા અર્વાચીન મહર્ષી રમણભાઈ પાઠકને એમની ઉત્તરવયે, એમના ચાહકો–મીત્રો વતી અન્ત:કરણપુર્વક, આર્દ્ર હૈયે અને ભીની આંખોએ મારી સલામ!
●પ્રસાદ●
‘જીવનનો એકમાત્ર હેતુ આનન્દનો છે,
એ મનભર મળે ત્યાં સુધી જ માણસે જીવવું જોઈએ.
સ્વજનોને માથે નીરર્થક બોજો બની નીરસ,
જડવત્ અને નીરાધાર બની જીવ્યા કરવું,
એ જીવનના સાચા મરમીને ન જ છાજે.
‘માણી’ રહ્યો છું એમ લાગે ત્યાં સુધી જીવીશ;
‘તાણી’ રહ્યો છું એમ લાગે ત્યારે મરીશ!’
●પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’●
જન્મશતાબ્દી વર્ષ
(જન્મ : 30-07-1922
દેહાવસાન : 12-03-2015)
–વલ્લભ ઈટાલીયા
સુરતના ‘લોકસમર્થન’ દૈનીકમાં શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાની કટાર ‘વીચારયાત્રા’ પ્રગટ થતી હતી. તેના તા. 5 જુન, 2003ના અંક : 259માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીના સૌજન્યથી સાભાર… (‘લોકસમર્થન’ દૈનીક હવે બંધ છે.)
લેખક–સમ્પર્ક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત–395006, મોબાઈલ : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 30-7–2022
Very nice write up about professor Ramanbhai Saheb. He was alive then but not it’s a great eulogy.
LikeLiked by 2 people
Very impressed by Ramanbhai Pathak’s personality and thinking … can’t believe he proved this in 20th century 😳
– Bharat Gandhi
(76 yr old, retired engineer, in USA for over 50 years)
LikeLiked by 2 people
1965-66ના વર્ષમાં હું બારડોલીની B.A.B.S. હાઈસ્કુલમાં શીક્ષક હતો અને રમણભાઈનાં દીકરી શર્વરી તે સમયે દસમા ધોરણમાં હતાં. ત્યારે ગણીતના ટ્યુશન માટે હું રમણભાઈના ઘરે જતો. મારા ખ્યાલ મુજબ હું જ્યારે હાઈસ્કુલમાં ભણતો ત્યારે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં રમણભાઈનો એક લેખ હતો. રમણભાઈએ રશિયાનો પ્રવાસ કરેલો એવું કદાચ ગુજરાતીના અમારા શીક્ષકે કહ્યું હતું એવું કંઈક સ્મરણ છે. એ સમયે મને રૅશનાલીઝમ વીશે કશી જ જાણકારી ન હતી, તેમ જ રમણભાઈ સાથે કોઈ રીતે વાતચીત થઈ હશે એવું સ્મરણ પણ નથી.
ખુબ સરસ લેખ બહુ રસપુર્વક વાંચ્યો. આભાર ગોવીન્દભાઈ.
LikeLiked by 2 people
‘જીવનનો એકમાત્ર હેતુ આનન્દનો છે,
એ મનભર મળે ત્યાં સુધી જ માણસે જીવવું જોઈએ.
સ્વજનોને માથે નીરર્થક બોજો બની નીરસ,
જડવત્ અને નીરાધાર બની જીવ્યા કરવું,
એ જીવનના સાચા મરમીને ન જ છાજે.
‘માણી’ રહ્યો છું એમ લાગે ત્યાં સુધી જીવીશ;
‘તાણી’ રહ્યો છું એમ લાગે ત્યારે મરીશ!’
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
જન્મશતાબ્દી વર્ષ તેમના મુખે માણેલી વાત…
ચિતમા જડાયેલી વાત
LikeLiked by 2 people
No doubts, He was a legend, very difficult to find his match. He lived what he preached, though he was not a preacher. Millions of regards to great personality on his birth anniversary.
LikeLiked by 2 people
વિવેક બુદ્ધિ વાદ ને કલમ દ્વારા પ્રચાર પ્રસાર થી લોકો ને આકર્ષિત કરનાર, ભાષા ના આડંબર સિવાય, સીધી સાદી, લોકોને સમજાય તેવી તેવી લેખન શૈલી વાળા આદરણીય રમણ ભાઈ ને સલામ. વિવેક બુદ્ધિ વાદ તેમજ સૌનું ગૌરવ.
LikeLiked by 1 person
Raman Maharshi
Raman Muni
Raman Komal
Raman Samvedanshil
Raman Satyam param
….
…..
Raman Pawan
Raman Sugandh
Aaam Raman Sahastra Naam banavi ye to pan
Shabdo ocha pade…
LikeLiked by 2 people
રમણભાઈ પાઠક , ઘણા ઘણા ધન્યવાદ . આવા મહાનુભાવો ને જે ઉચ્ચાં વિચારવંત છે તેમને અમારા કોટિ કોટિ વંદન.
LikeLiked by 1 person
.
રમણભાઈ પાઠકની….
તેઓ પોતાની ટીકાને પણ પોતાની પ્રતીષ્ઠા ગણે ! ક્યારેક તો લખાઈ ગયા પછી કોઈ વાચક એમનો વીરોધ ન કરે તો, એમને નબળું લખાઈ ગયાનો વહેમ પડે !
આ પોસ્ટ બ્લોગ ઉપર મુકી બહુ જ સરસ કામ કરેલ છે.
.
LikeLiked by 2 people