સરકારી શાળા

અમેરીકા એના નાગરીકોના શીક્ષણ અને સંશોધન પાછળ પુષ્કળ ખર્ચ કરે છે એટલે મહાન છે. જ્યારે તેત્રીસ કોટી દેવો તથા તેટલા જ મહા મંડલેશ્વરોના આશીર્વાદ છતાં આપણે ક્યાં છીએ એ કહેવાની જરુર ખરી? પાછા વીશ્વગુરુનું ગૌરવ (કે ઘમંડ?) તો ખરું જ.

સરકારી શાળા

✒  જગદીશ બારોટ

આપણી સરકારી શાળાઓની છાપ વીશે કંઈ કહેવાની જરુર ખરી? એક સરકારી શાળાની મારી પ્રથમ મુલાકાતની આજે વાત કરવી છે. આ વાત અમેરીકાના મીશીગન રાજ્યના એક નાના ટાઉન નોર્થવીલની શાળા કે જ્યાં મારો પૌત્ર ભણે છે તેની છે.

આમ તો હું કેનેડાના વીન્ડસર શહેર (રાજ્ય : ઓન્ટારીયો)માં રહું છું તે કેનેડા અને અમેરીકાની સરહદ ઉપર કેનેડાનું છેલ્લું ગામ છે. મારા નીવાસસ્થાનથી અમેરીકાના ડેટ્રોઈટ શહેરના દીવા માંડ એક કી.મી.ના અંતરે છે. બન્ને દેશો વચ્ચે ખુબ સારા સમ્બન્ધો છે એટલે એક બીજાના દેશમાં નાગરીકો મુક્ત રીતે આવ-જા કરી શકે, ભણી શકે કે વેપાર ધંધા કે હટાણું કરી શકે છે.

મારા દીકરી–જમાઈ હવે અમેરીકામાં સ્થાયી થયેલાં છે અને એમનું અમેરીકાનું રહેઠાણ અમારા કેનેડાના રહેઠાણથી માંડ ચાલીસ કી.મી. દુર છે. એટલે અમે આરામથી એક બીજાની મુલાકાત લઈ શકીએ છીએ. આટલી પ્રસ્તાવના પછી મુળ વાત ઉપર આવું.

આ શની– રવીની રજામાં અમે બન્ને (પત્ની અને હું) દીકરી પુર્વીને ત્યાં (Northville town) આવ્યાં છીએ. નોર્થવીલ નાનું શહેર છે (વસ્તી માત્ર 6000). અમે શુક્રવારે સાંજે અહીં આવી ગયા.

આજે શનીવારે સવારે સાત વાગે પૌત્ર યશ મને કહે દાદાજી હું મારી શાળાના ટ્રેક ઉપર દોડવા જાઉં છું. (આપણાં બાળકો રજામાં શુ કરે છે તે સરખાવજો.) ચાલો આપને દોડવા આવવું હોય તો મારી સાથે ચાલો. બહાર બહુ ઠંડી હતી( તાપમાન 5 ડીગ્રી હતું). હું અને દીકરી–જમાઈ પણ તૈયાર થઈ ગયાં. ઘરથી શાળાનું અંતર માંડ બે કી.મી. હશે. એની શાળા જોઈને તો હું અચંબામાં પડી ગયો. મેં કહ્યું યશ આ તો માધ્યમીક શાળા છે કે યુનીવર્સીટી? યશ ને નવાઈ લાગી! કેમ આવું પુછો છો?

મેં કહ્યું બેટા હું હોલેન્ડની મોટી યુનીવર્સીટીમાં ભણ્યો છું. ઈંગ્લેન્ડની રીડીંગ યુનીવર્સીટી, અમેરીકાની હાર્વર્ડ યુનીવર્સીટી તથા એમ. આઈ. ટી. યુનીવર્સીટીમાં તાલીમ લીધી છે. ઘણી મોટી યુનીવર્સીટીઓમાં વ્યાખ્યાન આપ્યાં છે. એટલે કહું છું કે તારી આ શાળા તે યુનીવર્સીટી જેટલી વીશાળ છે. વીશાળ અને અદ્યતન સુવીધાઓથી સજ્જ આ શાળામાં બે મોટા રમતના મેદાનો પણ અદ્ભુત છે.

યશ પાસેથી જાણવા મળ્યું કે એની આ શાળા સરકારી છે.  3,60,000 સ્ક્વેર ફુટ વીસ્તાર ધરાવતી આ શાળામાં 2500 વીદ્યાર્થીઓ ભણે છે. આ શાળામાં માત્ર 9થી 12 ધોરણના જ વીદ્યાર્થીઓ છે. દર 20 વીદ્યાર્થી દીઠ એક શીક્ષક છે. શાળાનું સંપુર્ણ શીક્ષણ મફત છે. ઘરે લેવા અને પરત ઘરે મુકવા માટે બસ (લક્ઝરી બસ જેવી સુવીધા પણ કોઈ ફી નહીં) આવે છે. શાળાનો સમય સોમથી શુક્ર (શની-રવી રજા) સવારના સાતથી બપોરના બે સુધી છે. (શીક્ષણ માટે સવારનો સમય ઉત્તમ છે; પણ આપણે ત્યાં 11.00 વાગે (બપોરે) શાળા શરુ થાય. જમીને આવેલાં બાળકો બેંચ ઉપર ઉંધે ને માસ્તર મોબાઈલ જુએ. અહીં શાળા કે કચેરીમાં મોબાઈલ વાપરી શકાતો નથી.) શાળામાં સવારે નાસ્તો અને બપોરનું ભોજન વીના મુલ્યે મળે છે. નાસ્તા અને ભોજનની ગુણવત્તા સાંભળો તો ફાઈવ સ્ટાર હોટલ યાદ આવે. મેક્સીકન, ઈટાલીયન, યુરોપીયન, વેજ, નોનવેજ એમ પાંચથી છ જાતનાં બુફે કાઉન્ટર હોય. જે ખાવું હોય તે અને જેટલું ખાવું હોય તેટલું ખાઈ શકાય છે. (આપણા મધ્યાહ્ન ભોજનના છાપામાં આવતાં વખાણ યાદ આવ્યાં. બાળકોના આરોગ્યના ભોગે કટકી કરતા (વરુઓ) માસ્તરો, ટ્રસ્ટીઓ અને શીક્ષણ ખાતાનો ન્યાય કોને સોંપી શું? શીક્ષણ મંત્રી તો એમના મતવીસ્તારના 300 ભુવાઓનું સન્માન કરવામાં વ્યસ્ત છે). આ માટે મીશીગન રાજ્ય સરકાર વરસે એક બાળક દીઠ 12,000 ડોલર ખર્ચ કરે છે.

અમેરીકાની શ્રેષ્ઠ શાળાઓમાં આ શાળા 459 ક્રમે છે અને મીશીગન રાજ્યમાં દસમા ક્રમે છે. યશ એક દીવસ બીમાર પડ્યો તો શાળાએ ના જઈ શક્યો એટલે ઘરે રડતો હતો. એની મમ્મીએ પુછ્યું બેટા દર્દ થાય છે એટલે રડે છે? ના મમ્મી મારા ટીચર ને મીસ કરુ છું. આ છે શીક્ષક અને વીદ્યાર્થીનો લગાવ. યશને શાળાના અતી ઉત્તમ વીદ્યાર્થી ((Extra ordinary student)નો દેશના રાષ્ટ્રપતી જો બાયડનની સહીવાળો એવોર્ડ મળ્યો છે. (હમ કીસીસે કમ નહીં એ કહેવું છે).

હવે સમજાશે કે અમેરીકા કેમ મહાન છે, કેમ જગત જમાદાર છે. અમેરીકા એના નાગરીકોના શીક્ષણ અને સંશોધન પાછળ પુષ્કળ ખર્ચ કરે છે એટલે મહાન છે. જ્યારે તેત્રીસ કોટી દેવો તથા તેટલા જ મહા મંડલેશ્વરોના આશીર્વાદ છતાં આપણે ક્યાં છીએ એ કહેવાની જરુર ખરી? પાછા વીશ્વગુરુનું ગૌરવ (કે ઘમંડ?) તો ખરું જ.

હું કેનેડાના એક નાના શહેરની કૉલેજમાં ભણતો હતો, પછી ત્યાં ભણાવતો પણ હતો. તે  કૉલેજ (સેંટ કલેર કૉલેજ ઑફ ટેકનોલૉજી) પણ કોઈ યુનીવર્સીટીથી જરાય નાની નથી. મારા વખતમાં પણ 12,000 વીદ્યાર્થીઓ હતા. મેં 62 વરસે કેનેડાની ડીગ્રી લીધી તો એક વરસની ભરેલી ફીના 2200 ડોલર યુનીવર્સીટીએ મને પરત આપ્યા. તે ઉપરાંત 200 ડોલર બસ પાસના અને  200 ડોલર બુક એલાવન્સના વધારાના આપ્યા. (હું તે વખતે કેનેડાનો નાગરીક પણ નહોતો. માત્ર પી.આર. કાર્ડ હતું). આ છે કેનેડા સરકારનું શીક્ષણ માટેનું યોગદાન.

ખલીલ જીબ્રાને ચેતવણી આપી ગયા કે ‘જે દેશમાં મન્દીરો ભવ્ય હોય અને શાળાની છતમાંથી વરસાદનું પાણી ટપકતું હોય એ દેશનું પતન નક્કી છે.’  સ્વામી વીવેકાનંદજી સાચું કહેતા હતા- ‘વ્યક્તી ધડતર એ જ રાષ્ટ્ર ઘડતર’. એટલે શીક્ષણ સીવાય રાષ્ટ્ર ઘડતરની કલ્પના કરવી વાંઝણી છે એ જેટલું વહેલું સમજાય એ આપણા દેશના હીતમાં છે.

અમેરીકા અને કેનેડાના 80 ટકા ચર્ચ હાલ ખંડેર હાલતમાં છે. અને જે 20 ટકા છેલ્લા શ્વાસ લઈ રહ્યાં છે તેમાં પણ વૃદ્ધો સેવા પ્રવૃત્તીમાં સમય પસાર કરવા માત્ર રવીવારે જ જાય છે. છતાં દેવો કદી રુઠતા કે કોપ કરતા નથી. એટલે જ ‘ફેસબુક વોલ’ ઉપર મારે લેખ લખવો પડ્યો કે ‘મન્દીરના ઘંટ કરતાં નીશાળનો ઘંટ અનેક ઘણો વધુ પવીત્ર છે.’ (‘અભીવ્યક્તી’ પર આ લેખ માણવા માટે સ્રોત : https://govindmaru.com/2023/07/21/jagdish-barot-2/ )

અમે પણ ભણ્યા તો દુનીયાના શ્રેષ્ઠ દેશો પૈકીના કેનેડા-અમેરીકામાં રહેવા સદ્ભાગી બન્યા છીએ. થોડામાં ધણું માનજો મારા વાલેરાજી.

✒  જગદીશ બારોટ

તા. 5 નવેમ્બર, 2023ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ શ્રી જગદીશ બારોટની પોસ્ટમાંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  Prof. Jagdish Barot (Ph.D.), 1745, California Avenue, Windsor, Ontario state, CanadaPost code: N9B3T5 TEL: (001) 519 254 6869 eMail: jagdishbarot@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે સવારે મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 5–04–2024

8 Comments

  1. જગદીશભાઇની વાત ૧૦૦ ટકા સાચી, પણ આવું સારું શિક્ષણ સમગ્ર પ્રજાને મળે તો અબજો રુપિયા લુંટતા કૌભાંડીઓની દુકાન કેવી રીતે ચાલે? માટે ખંધા લુંટારાઓએ સારી શાળાઓ બનાવતી સરકારને જેલમાં નાખવી, લોકોને કોમવાદ અને ધર્માંધતાનું અફીણ યથાયોગ્ય સમયે પીવડાવ્યા કરવું, પ્રજાને હાથમાં કટોરો પકડાવીને ભિખારી રાખવી, શાળાઓ બજારુ ધોરણે મળતિયાઓને ભળાવવી, કરોડો રુપિયા મંદિરો બનાવવા ખરચવા, આ બધું જે દેશમાં બનતું હશે એ જનતા કેટલી ખુશકિસ્મત હશે, નહીં ?

    Liked by 1 person

    1. અમેરીકાની શ્રેષ્ઠ શાળા નોર્થવીલે MIમાં તમારી દીકરીને શીફ્ટ કરવા બદલ હાર્દીક અભીનન્દન….

      Like

  2. અમેરીકાની શ્રેષ્ઠ સરકારી શાળાઓ અંગે શ્રી જગદીશ બારોટનો સુંદર લેખ.
    સાથે ભારતની સરકારી શાળાની સરખામણી અર્ધસત્ય લાગે છે. અમારા કુટુંબના ભારતની સરકારી શાળાઓમા ભણ્યા છે અને ભારતમા જ નહીં અમેરીકામા સારી પ્રગતી કરે છે. આવા અનુભવો અમારા સ્નેહીઓના કુટુંબના પણ છે.બીજી તરફ અમેરીકાના ગન કલ્ચરમા વિદ્યાર્થીઓના ભોગ લેવાય છે.ડ્રગની લતે વિદ્યાર્થીઓ બરબાદ થાયા છે.પોર્નોગ્રાફીની બાળકો પર સીધેસીધી અસર પડી શકે છેંં. મોટા થાય બાદ લગ્ન -છુટાછેડાના પ્રશ્નો પણ …
    તેવી આશાસ્પદ વાત
    ફર્સ્ટ લેડી જિલ બાયડેને કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો આધાર છે. બંને દેશોના વિદ્યાર્થીઓ એકબીજા સાથે શીખી રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે. એકબીજા સાથે કામ કરીને, આપણા રાષ્ટ્રો બધા માટે સુરક્ષિત, સ્વસ્થ, વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકે છે.
    મંદિરો અંગે મંતવ્ય પણ અર્ધસત્ય લાગે છે.
    મંદિરો આધ્યાત્મિક આરામના સ્થળો હોવા ઉપરાંત તેમના વિસ્તારોમાં આર્થિક વૃદ્ધિના સાધનો છે, અને તેથી તેઓ વાણિજ્ય અને ભક્તિ વચ્ચેની કડી તરીકે સેવા આપે છે. મંદિરોની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા પર મોટી અસર છે જે રાજ્યની રેખાઓથી આગળ વિસ્તરે છે.
    ભારતીય અર્થતંત્રમાં હિંદુ મંદિરોની ભૂમિકા- સમગ્ર ભારતમાં, મંદિરોએ સાંસ્કૃતિક કેન્દ્રો, વાણિજ્ય કેન્દ્રો, આર્ટ ગેલેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક કેન્દ્રો ઉપરાંત પૂજા સ્થાનો તરીકે સેવા આપી છે. સમગ્ર દેશમાં, 20 લાખથી વધુ મંદિરો છે, જે નિર્ણાયક આર્થિક હબ છે, જે વિશ્વભરના ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. આ લેખમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના આંકડા ટાંકવામાં આવ્યા છે જે દર્શાવે છે કે એકલા ધાર્મિક યાત્રાથી વાર્ષિક રૂ. 4.74 લાખ કરોડની આવક થાય છે.હવે ભારતની શિક્ષણ પ્રથામા વધુ સારા સુધારા થયા છે.
    સુજ્ઞસ્ય કીં બહુના

    Liked by 1 person

  3. પ્રજ્ઞાબહેનની વાત સાથે સહમત છું,

    અમેરિકાની શાળાઓમાં શિક્ષણને ઘણું પ્રાધાન્ય આપવામાં આવે છે, તો સાથે આગળ જતા નિર્બંધ વાતાવરણ અને અદ્યતન ટેક્નોલૉજીના લીધે બાળકો નાની વયથી જ જાણે પુખ્ત બની જાય છે.

    રહી વાત ભારતની. 

    જો શાળામાં સત્યના પાયાને આધારિત શૈક્ષણિક જ્ઞાન આપવામાં આવે અને મંદિર સત્યને આધારિત સંસ્કાર-સિંચન હોય તો બંને આવકાર્ય છે, બંને આદરને પાત્ર છે.

    શાળાના ઘંટની જેમ મંદિરનો ઘંટ પણ એટલો જ પવિત્ર છે.

    Liked by 1 person

Leave a comment