ડૉ. ભીમરાવ આંબેડકર

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતવર્ષના કહેવાતા સવર્ણો તરફથી દલીતો પ્રતી જે વર્તાવ થતો, એની તીવ્ર વ્યથા તથા ભારોભાર નફરત હતી; છતાં સ્વદેશહીતના કાર્યની આડે તેઓ કદાપી આવ્યા નહીં; સમાધાનનો માર્ગ અખત્યાર કરી, સદાય મહાન ત્યાગ જ કરતા રહ્યા.

ડૉ. ભીમરાવ આંબેડકર

  રમણ પાઠક (વાચસ્પતી)

‘જે કોમમાં હું જન્મ્યો છું તેના ઉદ્ધાર અર્થે સમજણો થયો ત્યારથી લાગી ગયો છું. મને પ્રલોભનો નથી મળ્યાં તેવું નથી. મેં જો ફક્ત મારા પોતાના પુરતી સ્વાર્થની જ ચીંતા કરી હોત તો હું જે કાંઈ માંગું તેનાથી અનેકગણું મને મળત. કૉંગ્રેસમાં જોડાયો હોત તો સંગઠનનું ઉંચામાં ઉંચું સ્થાન આસાનીથી પ્રાપ્ત કરત; પરન્તુ મેં મારી જાતનું અછુતોના ઉદ્ધાર અર્થે સંપુર્ણ સમર્પણ કર્યું છે. (ગાંધીજીને સંબોધીને) આપ કહો છો કે મારે માતૃભુમી છે; પણ હું ફરીથી કહું છું કે મારે માતૃભુમી નથી. જે ધર્મમાં અને જે દેશમાં અમને કુતરાં–બીલાડાં કરતાં પણ નીચાં ગણવામાં આવે, જે ભુમીમાં અમને પીવાનું પાણી ન મળે; એ દેશને હું મારો દેશ કઈ રીતે માનું?’

– ડૉ. ભીમરાવ આંબેડકર

ચૌદમી એપ્રીલે ડૉ. બી. આર. આંબેડકરનો જન્મદીવસ અને એના અનુસંધાનમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી, આ એપ્રીલની અઢારમી તારીખે વાલોડમાં બાબાસાહેબની પુર્ણ કદની પ્રતીમાનું અનાવરણ કરવામાં આવનાર છે (નવ વર્ષ પહેલાં તા. 18/04/1995ના રોજ અનાવરણ થયેલ. –ગોવીન્દ મારુ); એ પ્રસંગે હું ડૉ. આંબેડકર વીશે લખ્યા વીના રહી શકતો નથી; કારણ કે ભાઈશ્રી ગૌતમ ચક્રવર્તી મારા પ્રેમીજન છે; પરન્તુ એ કરતાંય વધુ મહત્ત્વની વાત તો એ કે ડૉ. આંબેડકરના નેતૃત્વ અને કર્તૃત્વ માટે મને અનહદ આદર છે અને સૌથી વધુ મહત્ત્વની વાત તો એ કે, દેશનાં દલીતો પ્રતી મારાં સ્વજનત્વ તથા સહાનુભુતી એટલાં તો ગહન છે કે, તેઓની જાગૃતીથી હું ખુશ છું. ઉપરના અવતરણ મુજબ, બાબાસાહેબને ભારતવર્ષના કહેવાતા સવર્ણો તરફથી દલીતો પ્રતી જે વર્તાવ થતો, એની તીવ્ર વ્યથા તથા ભારોભાર નફરત હતી; છતાં સ્વદેશહીતના કાર્યની આડે તેઓ કદાપી આવ્યા નહીં; સમાધાનનો માર્ગ અખત્યાર કરી, સદાય મહાન ત્યાગ જ કરતા રહ્યા. એટલે પ્રારંભે જ તેઓની આવી ઉદારતાનાં બે ઉદાહરણો ટાંકી, પછી આગળ વધું :

એક તો, જ્યારે વીવીધ જુથો અલગતા માટે તક જોઈને ખેંચતાણ કરતાં હતાં, ત્યારે બાબાસાહેબે દલીતીસ્તાનની તેઓની માંગણી જતી કરી; એ માટે તેઓએ ક્યારેય ઝનુની તથા હીંસાત્મક રીતરસમો અજમાવી નહીં, 1942માં ઓલ ઈન્ડીયા શીડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશને દલીતો માટે અલગ, સ્વતન્ત્ર વસાહત – દલીતીસ્તાનની માંગણી કરતો ઠરાવ કર્યો; જે ખ્યાલને ફગાવી દેતાં, ડૉ. આંબેડકરે 1949માં ઘોષણા કરી કે, “પોતે હીન્દુસ્તાનના નાગરીકો છે એ સીદ્ધ કરવા અસ્પૃશ્યોએ અથાગ પ્રયત્નો કરવા જોઈએ… દેશના ભાગલા કરી, સ્વતન્ત્ર દલીતીસ્તાનની માગણી (અમે) કરતા નથી. અસ્પૃશ્યવર્ગને આશ્રય નહીં, સમાન અધીકાર જોઈએ!” બીજું ઉદાર પગલું તે, પુના–કરાર : 1932માં રામસે મેકડોનાલ્ડે જે કોમી ચુકાદો જાહેર કર્યો એમાં દલીતોને પણ અલગ મતાધીકાર આપવામાં આવ્યો. ગાંધીજીએ મુસ્લીમો, શીખો તથા ખ્રીસ્તીઓનો અલગ મતાધીકાર માન્ય રાખ્યો; પરન્તુ દલીતોના અલગ મતાધીકારનો વીરોધ કર્યો અને યરવડા જેલમાં ઉપવાસ આદર્યો. આથી ડૉ. આંબેડકર ખુબ જ દ્વીધાભરી પરીસ્થીતીમાં મુકાયા : એક બાજુ, પોતાના જીવનધ્યેય રુપ દલીતોના અધીકારો અને સામે પક્ષે એક મહાપુરુષનું જીવન! બાબાસાહેબે ખુબ જ સમજદારી તથા ઉદારતાપુર્વક અલગ મતાધીકારની સીદ્ધી જતી કરી…. જો કે ગાંધીજીના ઉપવાસની ઉગ્ર ટીકા તો તેમણે કરી જ કે, ‘એ ઉપવાસ ઉમદા ન હતા; અસ્પૃશ્યોના કલ્યાણ માટેય નહોતા જ.

યુવાન મીત્ર ગૌતમ ચક્રવર્તી લંડનમાં રહે છે. તેઓ મુળ વાલોડના અને એમના જણાવ્યા મુજબ, મારા વીદ્યાર્થી હતા. લંડનમાં, તેઓની મોટી દુકાન છે : ‘મીલાન શુઝ’. હું તેઓની સાથે ત્યાં બે–ત્રણ દીવસ રહ્યો. ભારતની સરખામણીમાં તો, દોમદોમ સાહ્યબીમાં મહાલતાં આ સરળ, ઠરેલ પુરુષ ભારતને કદીય ભુલ્યા નથી; સતત પોતાના દેશબાંધવો તથા દલીતભાંડુઓની સેવા કરતા રહ્યા છે અને ડૉ. બાબસાહેબ આંબેડકરના પરમ ભક્ત છે. તેઓ ‘જય ભીમ’ બોલીને આપણું અભીવાદન કરે છે. ભાઈ ગૌતમ એટલા તો નમ્ર છે કે, મને કહે છે, ‘સર, તમે લંડનમાં આવ્યા છો એવા સમાચાર વાંચીને હું તો આનંદથી ઉછળી જ પડ્યો!’ પરન્તુ સૌથી મહત્ત્વની વાત તો એ કે, લંડનમાં તેઓડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરીયલ ટ્રસ્ટ’ ચલાવે છે અને પોતે તેના મહામંત્રી છે. (આજની તારીખે શ્રી ગૌતમભાઈ લંડનસ્થીત મીલાન શુઝ’ના પુર્વ હૉલસેલર તેમ જ ડૉ. આંબેડકર મેમોરીયલ ટ્રસ્ટ’ના સ્થાપક અને 77 વરસની ઉમ્મરે પણ સમાજસેવામાં સક્રીય છે. –ગોવીન્દ મારુ)

આ ટ્રસ્ટે ખરેખર દેશવીદેશમાં બાબાસાહેબનાં જીવન, કાર્ય તથા મહાન વીચારોની જ્યોત જલતી રાખી છે અને એનો પ્રકાશ ફેલાવ્યો છે. લંડનમાં જ્યારે ડૉ. આંબેડકરની સ્મૃતીમાં કોઈ કાર્યક્રમ યોજાય છે ત્યારે બ્રીટનના પ્રધાનો સુધ્ધાં એમાં ઉપસ્થીત રહે છે અને વક્તવ્ય પણ આપે છે, એ સીદ્ધી ટ્રસ્ટના પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલ તથા મહામંત્રી શ્રી ગૌતમ ચક્રવર્તીની છે. વાલોડ ખાતેના આ જ ટ્રસ્ટના પ્રમુખ, નગર પંચાયતના ભુતપુર્વ નગરપતી શ્રી જયપાલ ચક્રવર્તી છે. પ્રસ્‍તુત ટ્રસ્ટના ઉપક્રમે જ ડૉ. બાબાસાહેબની પ્રતીમાની સ્થાપના થઈ રહી છે…. ડૉ. આંબેડકરે દલીતોને જે સુત્ર આપ્યું કે,શીક્ષીત બનો, સંગઠીત થાઓ અને સંઘર્ષ કરો!આ સુત્ર વીશ્વભરના કોઈ પણ દલીત વર્ગ માટે આજેય એટલું જ પ્રેરક બની રહે છે. જ્યાં સુધી માનવ સમાજમાં અસમાનતા, દમન, શોષણ અને અત્યાચાર ચાલુ રહેશે ત્યાં સુધી ડૉ. આંબેડકરતું નામ અમર જ છે. જીવતા ડૉ. આંબેડકર કરતાંય મૃત્યુ પામેલા આંબેડકર વધુ બળવાન છે; આજે ભારતભરમાં જાગ્રત થયેલી દલીતચેતના આ વાત સીદ્ધ કરી આપે છે.

જાણીતા ગાંધીવાદી વીચારક દાદા ધર્માધીકારી જણાવે છે કે, ‘આપણી ઋષીમુનીઓની સંસ્કૃતીમાં દલીતોનું તો ક્યાંય સ્થાન જ દેખાતું નથી… આપણાં વેદ, ગીતા કે ઉપનીષદો બદલ બાપડા દલીતો કેવી રીતે ગૌરવ લઈ શકે? આ દેવોની ભુમીમાં એમને ઉભા રહેવા માટે તસુભાર જમીન પણ આપણે આપતા નથી!’…. મનુને ટાંક્તાં, ડૉ. બાબાસાહેબ લખે છે કે મનુસ્મૃતી કહે છે, ‘દલીતોનાં રહેઠાણ ગામની બહાર રહેશે; એમની સંપત્તી કૂતરાં અને ગધેડાં હશે… તેમનાં વસ્ત્રો મુડદાંનાં કપડાંનાં રહેશે; તેઓ એઠાં પતરાળાંમાંથી ખાશે, લોખંડ તેમનાં ઘરેણાં હશે… કોઈ પણ ધાર્મીક વ્યક્તી તેમની સાથે સમાગમ નહીં કરે… રાત્રીના સમયે તેઓ ગામમાં કે નગરોમાં ફરી શકશે નહીં.’ (10/51–54)

આવી અમાનવીય હતી સ્મૃતીગત વર્ણવ્યવસ્થા, છતાં ગાંધીજી એને ભારતીય સંસ્કૃતીનું માનવજાતને શ્રેષ્ઠ પ્રદાન ગણાવતા હતા અને ડૉ. આંબેડકર વર્ણવ્યવસ્થાના વીરોધી હતા, એટલા જ ખાતર એમની સાથે કોઈ પણ પ્રકારનો સહકાર કરવાનો ગાંધીજી સાફ ઈન્કાર કરતા. ગાંધીવાદીઓ આજે જેવા છે એવા જ, ત્યારે પણ રુઢીચુસ્ત, શ્રદ્ધાળુ તથા પરમ્પરાવાદી હતા; પરન્તુ બાબાસાહેબનાં પ્રજ્ઞાવીવેક સુતીક્ષ્ણ હતાં. તેઓને પ્રશ્ન થતો કે, જો વર્ણવ્યવસ્થા ભગવાને સર્જી હોય તો, એવી અન્યાયી શક્તીને પ્રેમમુર્તી કેવી રીતે કહેવાય? બાબાસાહેબ પશ્ચીમના કેટલાક નીરીશ્વરવાદી ચીંતકોથી પણ પ્રભાવીત હતા. દા.ત., જે. એસ. મીલે ઈશ્વરને ધીક્કારવાપાત્ર શક્તી, દુષ્ટ સત્તા તરીકે ઓળખાવ્યો છે. તે પુછે છે કે, જો ઈશ્વર સર્વશક્તીમાન અને દયાળુ હોય તો દુનીયામાં આટઆટલાં ગરીબી, દુઃખો તથા હીંસા શા માટે હોવાં જોઈએ? આ જ પ્રશ્ન ડૉ. આંબેડકર પોતાનાં દલીત ભાંડુડાંને દૃષ્ટી સમક્ષ રાખીને પુછે છે અને એમ તેઓ ઈશ્વરને ત્રાસ તથા અન્યાય સ્વરુપ ગણી ઈનકારે છે; છતાં ભારતીયતા પ્રતી એમનો સહજ પ્રેમ અકબંધ રહે છે. આથી ઈતર ધર્મ અંગીકાર કરવાના મુદ્દે તેઓ બૌદ્ધ ધર્મ પ્રતી આકર્ષાય છે. બૌદ્ધ ધર્મ નીરીશ્વરવાદી હોવા ઉપરાંત માનવતાવાદી પણ છે, એવી તેઓને પ્રતીતી થાય છે, કારણ કે, એમાં કેન્દ્રસ્થાને ભગવાન નહીં; પણ મનુષ્ય તથા મનુષ્યનાં ભૌતીક સુખદુઃખને સ્થાપીત કરવામાં આવ્યાં છે. ઉપરાંત, ઉક્ત ધર્મમાં વૈજ્ઞાનીક અભીગમ, બુદ્ધી, તથા ધર્મભાવનાનો સમન્વય તેઓએ જોયો. વળી, સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે, ફ્રેન્ચ ક્રાંતીનાં ત્રણ મુલ્યોસમાનતા, બંધુતા તથા સ્વતન્ત્રતાને પુરાં અઢી હજાર વર્ષ પુર્વે બૌદ્ધ ધર્મે પુરસ્કાર્યા હતાં. 1935માં મનુસ્મૃતીની હોળી કરી, બાબાસાહેબે ઘોષણા કરી કે, ‘હું એક હીન્દુ તરીકે જન્મ્યો, તે મારા હાથની વાત નહોતી; પરન્તુ એક હીન્દુ તરીકે હું નહીં જ મરું… તે મારા હાથની વાત છે.’ તથાગત્ બુદ્ધ જાતીભેદના કટ્ટર શત્રુ હેતા; એવા જ જાતીભેદના કટ્ટર શત્રુ ડૉ. આંબેડકરે પણ અંતે ખરેખર જ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી, દુનીયાને મૈત્રી તથા કરુણાનો મહામંત્ર પુનઃ અર્પ્યો…

માનવીય સ્વતન્ત્રતાનો અભાવ, કેવળ આદેશોનું જ પ્રવર્તન તથા અસમાનતાની પ્રતીષ્ઠા – એ હીન્દુધર્મનાં અનીષ્ટોને વખોડતાં, બાબાસાહેબ બૌદ્ધધર્મની વીશેષતા નીચે મુજબ વર્ણવે છે :

(1) તે પારલૌકીકતામાં માનતો નથી.

(2) એમાં આદર્શ નહીં, વાસ્તવીકતા ઉપર ભાર છે.

(3) સમાનતા, સ્વતન્ત્રતા, સત્ય તથા ન્યાયની પ્રતીષ્ઠા છે.

(4) તે ગતીશીલ, વૈજ્ઞાનીક તથા માનવતાવાદી છે.

(5) જીવન તથા મૃત્યુ વીષયક તાર્કીક તથા ગ્રાહ્ય મત તે દાખવે છે.

(6) સૌથી મહત્ત્વની હકીકત તો એ કે, તેના કેન્દ્રમાં માનવી છે.

✒  રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-)માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14/04/2024

10 Comments

  1. આપનો બોલગ વાચી આનંદ થયો. આભાર ની લાગણી સાથે વીરમુ છે.

    Liked by 1 person

    1. ‘અભીવ્યક્તી’ બ્લૉગ વાંચીને આપને આનન્દ થયો એટલે મારો પરીશ્રમ સફળ… ધન્યવાદ… ખુશાલભાઈ,

      Like

  2. હ્રુ.રમણ પાઠક (વાચસ્પતી)નો સુંદર લેખ ફરી માણી આનંદ

    તેમનું ચિંતન….’

    સ્વતન્ત્રતાનો અભાવ, કેવળ આદેશોનું જ પ્રવર્તન તથા અસમાનતાની પ્રતીષ્ઠા – એ હીન્દુધર્મનાં અનીષ્ટોને વખોડતાં, બાબાસાહેબ બૌદ્ધ–ધર્મની વીશેષતા નીચે મુજબ વર્ણવે છે :

    (1) તે પારલૌકીકતામાં માનતો નથી.

    (2) એમાં આદર્શ નહીં, વાસ્તવીકતા ઉપર ભાર છે.

    (3) સમાનતા, સ્વતન્ત્રતા, સત્ય તથા ન્યાયની પ્રતીષ્ઠા છે.

    (4) તે ગતીશીલ, વૈજ્ઞાનીક તથા માનવતાવાદી છે.

    (5) જીવન તથા મૃત્યુ વીષયક તાર્કીક તથા ગ્રાહ્ય મત તે દાખવે છે.

    (6) સૌથી મહત્ત્વની હકીકત તો એ કે, તેના કેન્દ્રમાં માનવી છે.

    દરેક ચિંતન કરવા જેવું છે

      

    Liked by 1 person

    1. નાનપણ થીજ બુદ્ધની વિચાર ધારા એમના મસ્તકમાં ઊડી અસર પ્રસ્થાન થયેલ હતી,

      Liked by 1 person

  3. Dear Govindbhai,

    Please read the book Caste by Isabel Wilkinson. She met Dr. Ambedkar when she came to India. She is comparing the life of people from India and USA. What is called “caste” in India , it is called “racism” in USA.

    I am sure you will like it.

    Thank you.

    Regards,

    Sanat

    Liked by 1 person

    1. In USA, White & Black castisum effectively existing from begins old traditional..Since Independence USA ,after 90 years, it could abolished, while In India thousands of years ago Castisum was established by Manuvad, ( Manu Sumrti), Today’s also we would seen such type of mentalities in peoples..there fore India will not came out & behind from develop country..Due to Great constitution given by Dr.B.R.Amedakar, India is united in all respect ..Jay Bhim. JAY Hind.

      Liked by 1 person

Leave a comment