વીજ્ઞાન અને અજ્ઞાન  

જો આપણે વીદ્યાર્થીઓને કેવળ વીજ્ઞાનની શોધો તથા એની મદદથી થયેલાં તૈયાર ઉત્પાદનો જ શીખવ્યા કરીશું અને એની પૃથક્કરણાત્મક પદ્ધતીની જાણ નહીં કરીએ તો લોકો સાયન્સ અને સ્યુડો–સાયન્સ વચ્ચેનો ભેદ પારખી શકવા કેવી રીતે સમર્થ બને?

વીજ્ઞાન અને અજ્ઞાન  

 રમણ પાઠક (વાચસ્પતી)

There is no national science just as there is no national multiplication table.

– Anton Chekhov

Science claims access to truths that are largely independent of ethnic or cultural biases. By its very nature, science transcends national boundaries. Put scientists working in the same field of study, together in a room and even if they share no common spoken language, they will find a way to communicate. Science itself is a transnational language. Scientists are naturally cosmopolitan in attitude…

– Carl Sagan

થોડા જ દીવસ પહેલાં વીશ્વના આ મહાન ખગોળવીજ્ઞાની કાર્લ સગાનનું અવસાન થયું (20 ડીસેમ્બર 1996). જગતને કેવા પ્રકાંડ વ્યક્તીત્વની ખોટ પડી એ આપડુંબાપડું પછાત ગુજરાત તો કેવી રીતે સમજી શકે? ઘોર સંકુચીત અજ્ઞાનમાં સહેલારા મારતા અને અનુયાયીઓને ડુબાડી રાખતા કોઈ મહારાજ, બાવાજી–બાપુ, દાદા, ૫. પુ., સંતમહંતનું અવસાન થયું હોત તો અંજલીઓ–શ્રદ્ધાંજલીઓથી અખબારો ઉભરાતાં હોત : નીર્વાણ અને મહાનીર્વાણ! કહેવાતા અધ્યાત્મ પુરુષો ભાગલા પાડો અને રાજ કરોના કુશળ સુત્રધારો બનીને પરસ્પર લડે છે અને લડાવી મારે છે. એ તો ઠીક; પરન્તુ પોતાના પંથની બહારની કોઈ સમસ્યાને તેઓ જાણતા નથી કે વીચારતાય નથી. તેઓની સમજશક્તી અત્યંત કુંઠીત હોઈ, માનવીની અવનતીને જ તેઓ ઉન્નતી ગણાવે છે (મનમાં તો જે સમજતા હોય તે). આપણા દેશની પછાત, દયનીય, દરીદ્ર, છીન્નભીન્ન તથા બરબાદ હાલતના મુળમાં, સત્યને બદલે ધર્મ–અધ્યાત્મના આવા વર્ચસનું પરીબળ જ પ્રવર્તમાન છે. લોકો એવું માનીને નીષ્ક્રીય ઘેટાંવત અનુસરે છે કે ‘અમુક સ્વામી, બાપા કે મહારાજ સમગ્ર માનવજાતનો ઉદ્ધાર કરી જ નાખશે હવે કોઈ ચીંતા નથી.’ જવા દો!

વીશ્વ જયારે રાષ્ટ્રીયતા, વીચારસરણીઓ, ધર્મો અને સંપ્રદાયોમાં કટ્ટરતાપુર્વક વીભક્ત છે, ત્યારે કેવળ એક વીજ્ઞાન જ વૈશ્વીક સ્તરે વીચારે છે અને કામ કરે છે. એને માનવજાતના આ નાનકડા પૃથ્વીગ્રહના અસ્તીત્વની તથા સુખશાંતીની સૌથી વધુ ફીકરચીંતા છે. આજથી પુરાં સો વર્ષ પુર્વે જ્યારે વીજ્ઞાન તો હજી એની કીશોરાવસ્થામાં જ હતું ત્યારે વીખ્યાત રશીયન વાર્તાકાર એન્ટન ચેખોવ વીજ્ઞાનના નુતન પ્રભાતને પારખી શકેલો અને એથી તેણે સત્ય જ કહ્યું : “જેમ ગણીતના કોઠા કોઈ એક રાષ્ટ્રના આગવા નથી હોઈ શકતા, તેમ વીજ્ઞાન પણ કદાપી ‘રાષ્ટ્રીય’ ન હોઈ શકે.”

મને એક વીચાર આવે છે કે કોઈ થર્ડ ક્લાસ રાજકારણીના અવસાન નીમીત્તે યા તો સદીઓ પુર્વે થઈ ગયેલા કોઈ સંપ્રદાય–સ્થાપકના જન્મદીને આપણે રજા પાળીએ છીએ, એને બદલે કાર્લ સગાન જેવી વીરાટ વૈજ્ઞાનીક હસ્તીના અવસાન પ્રસંગે શાળામહાશાળામાં રજા રાખી, શીક્ષણના સમગ્ર સમય દરમીયાન વીજ્ઞાન તથા વૈજ્ઞાનીક અભીગમનું જ જ્ઞાન નવી પેઢીને આપવાનો કાર્યક્રમ યોજાયો હોત તો? તો આશાનું કીરણ ક્યાંક આછુંઆછુંય દૃષ્ટીગોચર થાત. બાકી અમુકતમુક જયંતીઓ નીમીત્તે ‘વૈષ્ણવજન’ રાગોટવાથી યા અગીયાર અગમનીગમવાદી વ્રતો ગોખાવવાથી દેશનું કાંઈ ભલું થયું નથી ને થવાનું નથી એ હવે તો સ્પષ્ટ થઈ ચુક્યું છે. એટલે વીજ્ઞાન શીક્ષકને ક્યાંથી ખબરેય હોય કે સગાન તે વળી માણસ છે કે ઈમારતી લાકડું. ભારતની આ જ તો મોટી કમનસીબી છે. પુણેના ખગોળવીજ્ઞાન તથા ભૌતીક વીજ્ઞાન માટેના ઈન્ટર–યુનીવર્સીટી કેન્દ્રના વીદ્વાન ભૌતીકવીજ્ઞાની બીમાન નાથ લખે છે :

1933માં જર્મનીની પરીસ્થીતી વીશે લીયો ટ્રોટ્સ્કીએ લખેલું : ‘કેવળ ખેડુતોની ઝુંપડીઓમાં જ નહીં; પરન્તુ મહાનગરોની ગગનચુંબી ઈમારતોમાં પણ વીસમી સદીની જોડાજોડ જ તેરમી સદી પણ જીવી રહી છે. દેશના દસ કરોડ પ્રજાજનો વીજળીનો ઉપયોગ કરે છે અને છતાં માને છે કે જ્યોતીષશાસ્ત્ર સાચું જ છે અને મંત્રતંત્રથી ચમત્કારીક કાર્યો થઈ શકે. સીનેતારકો કહેવાતા સીદ્ધ મહાત્માઓની આગળપાછળ આંટા મારે છે… અન્ધકાર, અજ્ઞાન તથા અસંસ્કારીતાના કેવા અગાધ મહાસાગરમાં તેઓ ડુબકી મારી રહ્યા છે.’ બીમાન નાથ કહે છે કે 1933માં જર્મની માટે જે ઉપર્યુક્ત સત્ય હતું તે જ આજના 1996ના ભારતને બરાબર લાગુ પડે છે (‘ટાઈમ્સ ઑફ ઈન્ડીયા’– 12–12–1996).

બીલકુલ સાચી વાત છે. હજી આજેય આપણા કેવળ સીનેતારકો જ નહીં, ખુદ વીજ્ઞાનશીક્ષકો પણ આ કે તે ધધુ–પપુ ફરતે આંટા મારતા, કશુંક લાધી જવાની લાલચે આધ્યાત્મીક સાધનામાં લાગ્યા હોય છે. એ જ રીતે મોટા મોટા દેશનેતાઓ મહા–મોટા મોટા યજ્ઞો યોજે છે અને બાલાજીનાં દર્શને જઈને માથાં બોડાવે છે. પુરબહારના આ વીજ્ઞાનયુગમાં, જ્યારે આપણે સૌ વીજ્ઞાનદત્ત અનેક સુખસગવડો તથા સાધનોનો બહોળો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ સમાજના આમ–માનવીને વીજ્ઞાનમાં કોઈ શ્રદ્ધા નથી. ખુદ વીજ્ઞાન શીખતા તથા શીખવતા સજ્જનો જ આ અન્ધારી ખાઈને વધુ ને વધુ પહોળી બનાવી રહ્યા છે અને અન્ધકારયુગના માંત્રીકો–તાંત્રીકો જેવું જ વર્તન દાખવી રહ્યા છે. કાર્લ સગાન આનું કારણ દર્શાવતાં લખે છે : “વીજ્ઞાનની પદ્ધતી ગમે તેવી ભારે તથા અટપટી હોય તો પણ વીજ્ઞાનની શોધોની અપેક્ષાએ તે ઘણી જ વધુ અગત્યની છે. જો આપણે વીદ્યાર્થીઓને કેવળ વીજ્ઞાનની શોધો તથા એની મદદથી થયેલાં તૈયાર ઉત્પાદનો જ શીખવ્યા કરીશું અને એની પૃથક્કરણાત્મક પદ્ધતીની જાણ નહીં કરીએ તો લોકો સાયન્સ અને સ્યુડો–સાયન્સ વચ્ચેનો ભેદ પારખી શકવા કેવી રીતે સમર્થ બને? (સ્યુડો–સાયન્સ એટલે કહેવાતું આભાસી વીજ્ઞાન).

વાત સાચી જ છે : દા. ત., હમણાં જ એક ચર્ચાપત્રમાં વાંચ્યું કે ‘જ્યોતીષશાસ્ત્ર તો પરમ સત્ય વીજ્ઞાન જ છે; પરન્તુ બધી અનીશ્ચીતતાનું મુળ જન્મના સમયની અચોક્કસતામાં જ રહેલું છે. બાળક માતાના ઉદરમાંથી બહાર આવે એને જન્મનો સમય ગણી શકાય જ નહીં. જે ક્ષણે નરબીજ તથા સ્ત્રીબીજનું મીલન થઈ, ગર્ભ બન્યો એ ક્ષણ જ સાચો જન્મનો સમય…’ કેવી હાસ્યાસ્પદ આ બધી દલીલો છે! જે મુળ શાસ્ત્રનો જ છેદ ઉડાવી દે છે : જો ગર્ભાધાનની ચોક્કસ ક્ષણ કદાપી કોઈથી જાણી જ શકાતી ન હોય તો પછી સમગ્ર જ્યોતીષશાસ્ત્ર જ અર્થહીન બની રહે છે. શું આપણા પુર્વજ ઋષીમુનીઓ અથવા પ્રકાંડ પ્રાચીન જ્યોતીર્વીદો સ્ત્રીબીજના ફલીકરણનો ચોક્કસ સમય જાણી શકતા હતા? એ તો ઠીક; પરન્તુ વીશ્વના કુલ 186 પ્રખર વીજ્ઞાનીઓ પુરતા સંશોધન બાદ જ્યારે વૈશ્વીક ઘોષણા કરી ચુક્યા છે કે જ્યોતીષ એ કોઈ વીજ્ઞાન નથી ત્યારે આવી વાહીયાત દલીલોનો અવકાશ જ ક્યાં? અરે, જે પુરુષો કેવળ પાંચ જ ગ્રહો– મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનીને જ ઓળખી શકતા હતા, જેઓ સુર્ય તથા ચંદ્રને પણ ગ્રહો જ સમજતા હતા, જેમને મુદ્દલેય જાણ જ નહોતી કે આપણી પૃથ્વી સ્વયં એક ગ્રહ છે એવા અજ્ઞાન માણસો જે શાસ્ત્ર રચે તે વીજ્ઞાન સંભવે જ કઈ રીતે?

મેં એક લેખમાં લખેલું કે “આજે વીસમી સદીમાં માણસ થોડો સુધર્યો છે એનો યશ વીજ્ઞાનને ફાળે જાય છે. એનો પ્રતીભાવ કરતાં નાગપુરના કીશોરલાલ દાવડા લખે છે કે ‘આજથી ફક્ત પચાસ વર્ષ પુર્વે અમારા ગામમાં જાણે એક જ કુટુમ્બ હોય તેવો વ્યવહાર… શી એ મીઠાશ માણસ માણસ વચ્ચેની. આજે આ વીજ્ઞાન દ્વારા અમારા નાગપુરમાં ભારતનો યુવાન લથડીયાં ખાતો રસ્તાના હરમોડ પર જોઈ શકાય છે.’

વાહ ભઈ, પચાસ વર્ષ પુર્વે વીજ્ઞાનયુગ નહોતો ત્યારે વળી એ કયો યુગ હતો? અને પચાસ વર્ષ પહેલાં શું નાગપુરમાં દારુની દુકાનો નહોતી? બાકી ભુતકાળ તો દરેક વૃદ્ધજનને હમ્મેશાં મીઠો મીઠો જ લાગે છે. એ ખરેખર વૃદ્ધત્વની બીમારી જ છે. અન્યથા મેં પણ પચાસ વર્ષ પુર્વેનાં ભારતીય–ગુજરાતી ગામડાં જોયેલાં, બરાબર અનુભવેલાં : સાવ નાનકડા એવા તે સંકુચીત સમાજમાં પણ બેહદ બંધનો, અપરમ્પાર હોંસાતોંસી, વેરઝેર, ઈર્ષ્યા, દ્વેષ, લડાઈટંટા, બેફામ નીંદાકુથલી, ટાંટીયાખેંચ, વહેમો, અન્ધશ્રદ્ધાઓ, શોષણ અને છેતરપીંડી વગેરે વગેરે. દાવડા કલ્પનાવીહાર કરતાં કહે છે કે ‘રમણભાઈ, આપનું ઘડતર લગભગ આ ભુમીની બહાર વધારે થયું છે, એવી કપોળકલ્પનાના જવાબમાં ક્યારેક અત્રે હું મારી આત્મકથા સંક્ષેપમાં પ્રસ્તુત કરીશ. ત્યારે જ પચાસ વર્ષ પુર્વેનાં ગામડાંની ઉપર્યુક્ત બદહાલતની સૌને પુરી પ્રતીતી થશે; કારણ કે એ તો નક્કર સાક્ષાત અનુભવની વાત છે. [‘આત્મઝરમર– રમણ પાઠક (વાચસ્પતી) સ્રોત : https://govindmaru.com/wp-content/uploads/2022/01/ebook_10_raman_pathak_aatmazarmar_2016-07-31.pdf ]

છેલ્લાં સો–બસો વર્ષમાં, માનવી વીજ્ઞાનના પ્રતાપે કેટલો બધો સુધર્યો છે એના પુરાવા દારુ પીને લથડતા યુવાનોના દાખલાથી ન આપી શકાય. એ તો વીજ્ઞાનનાં સુકાર્યો જોવાની દૃષ્ટી કેળવો તો જ સમજાય. વીશ્વભરમાંથી શીતળા અને પોલીયોના રાક્ષસી રોગો નાબુદ કરવાનું પુણ્યકાર્ય વીજ્ઞાને બજાવ્યું છે અને તેય સમગ્ર માનવજાતને ધોરણે, રાષ્ટ્ર, દેશ, ધર્મ, ચામડીના રંગ કે આર્થીક ઉચ્ચાવચતાના કશાય ભેદભાવ વીના જ. મુમ્બઈના રૅશનાલીસ્ટ વીચારક લક્ષ્મીદાસ ખટાઉ મસ્કતથી લખે છે : ‘અહીં આપણો સમાજ કેવળ બહારથી જ સુધરેલો દેખાય, બાકી અહીં રાધાકૃષ્ણનું મોટું મન્દીર છે, કમ્પાઉન્ડમાં જ ગણેશનું મન્દીર છે, એ તો માફ; પરન્તુ અહીં શીતળામાતાનું પણ મન્દીર છે અને લોકો દરરોજ એનાં દર્શને જાય છે, શીતળાનો રોગ વીશ્વભરમાંથી નાબુદ થઈ ગયો હોવા છતાંય! આ છે આપણો ભારતીય “સુધરેલો” સમાજ.

વીજ્ઞાનના પ્રભાવે માનવજાત કેટલી સુધરી છે અને કેમ સુધરી છે એનો વધુ એક જ દાખલો ટાંકી, અંતે કાર્લ સગાનના ઉપર્યુક્ત અવતરણનો ગુજરાતી ભાવાનુવાદ આપી વીરમું : આજથી ફક્ત સો–દોઢસો વર્ષ પહેલાં જ યુરોપ–અમેરીકામાં, ખ્રીસ્તી ધર્મના ફરમાન મુજબ, ડાકણ મનાતી સ્ત્રીને જીવતી સળગાવી દેવામાં આવતી, કાયદેસર. વળી આ રીતે એની હત્યા કરતાં પહેલાં, આ નીર્દોષ નારીઓની જે અમાનુષી, પાશવી, રીબામણી કરવામાં આવતી તેનું ભયાવહ, કમકમાટીપ્રેરક વર્ણન તે યુગના એક કરુણાળુ પાદરી ફ્રેડરીક વોન શ્પાયે કર્યું છે. આજે યુરોપ–અમેરીકામાં તથા અન્ય એવા સુધરેલા દેશોમાં ડાકણચુડેલ કે મંત્રતંત્રમાં ભાગ્યે જ કોઈ માને છે અને સરકાર કે કાયદા તો હરગીજ નહીં, એ છે, વીજ્ઞાનપ્રેરીત માનવતા.

ભરતવાક્ય

‘વીજ્ઞાન હમ્મેશાં એવાં સત્યો જ શોધે છે, જેને કોઈ વંશીય યા સાંસ્કૃતીક પુર્વગ્રહો નડતા નથી. વીજ્ઞાનનો આંતરીક ગુણધર્મ જ એવો છે કે તે રાષ્ટ્રીય સરહદોને ઉલ્લંઘી જાય છે. એક જ પ્રયોગશાળામાં કામ કરતા જુદા જુદા દેશના વીજ્ઞાનીઓ એકમેકની ભાષા સુધ્ધાં જાણતા નહીં હોય છતાં, પરસ્પર વીચારવીનીમય કરી શકે છે; કારણ કે વીજ્ઞાન સ્વયં એક આંતરરાષ્ટ્રીય ભાષા છે. સ્વાભાવીક રીતે જ વીજ્ઞાનીઓનો અભીગમ વૈશ્વીક રહે છે’  – કાર્લ સગાન

✒  રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં :  381 મુલ્યરુપીયા 200/-) તે પુસ્તકમધુપર્કમાંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન|વહોટ્સ એપ : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20/05/2024

6 Comments

  1. હ્રુ.રમણભાઇનો સરસ લેખ કાર્લ સગાનની આ સટિક વાત ‘ આજથી ફક્ત સો–દોઢસો વર્ષ પહેલાં જ યુરોપ–અમેરીકામાં, ખ્રીસ્તી ધર્મના ફરમાન મુજબ, ડાકણ મનાતી સ્ત્રીને જીવતી સળગાવી દેવામાં આવતી, કાયદેસર. વળી આ રીતે એની હત્યા કરતાં પહેલાં, આ નીર્દોષ નારીઓની જે અમાનુષી, પાશવી, રીબામણી કરવામાં આવતી તેનું ભયાવહ, કમકમાટીપ્રેરક વર્ણન તે યુગના એક કરુણાળુ પાદરી ફ્રેડરીક વોન શ્પાયે કર્યું છે. આજે યુરોપ–અમેરીકામાં તથા અન્ય એવા સુધરેલા દેશોમાં ડાકણચુડેલ કે મંત્રતંત્રમાં ભાગ્યે જ કોઈ માને છે ‘વીજ્ઞાન હમ્મેશાં એવાં સત્યો જ શોધે છે, જેને કોઈ વંશીય યા સાંસ્કૃતીક પુર્વગ્રહો નડતા નથી. વીજ્ઞાનનો આંતરીક ગુણધર્મ જ એવો છે કે તે રાષ્ટ્રીય સરહદોને ઉલ્લંઘી જાય છે. એક જ પ્રયોગશાળામાં કામ કરતા જુદા જુદા દેશના વીજ્ઞાનીઓ એકમેકની ભાષા સુધ્ધાં જાણતા નહીં હોય છતાં, પરસ્પર વીચારવીનીમય કરી શકે છે; કારણ કે વીજ્ઞાન સ્વયં એક આંતરરાષ્ટ્રીય ભાષા છે. સ્વાભાવીક રીતે જ વીજ્ઞાનીઓનો અભીગમ વૈશ્વીક રહે છે’વાત ઘણી ગમી

    Liked by 1 person

  2. બહુ જ સુંદર લેખ. મને એ એટલો બધો ગમી ગયો છે કે સૌ પર્થમ મેં મારા બ્લોગમાં એને રીબ્લોગ કર્યો છે. આટલા સુંદર લેખની પસંદગી કરવા માટે ગોવીન્દભાઈ આપનો હાર્દીક આભાર. વળી રમણભાઈ જેવા ઋષીનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો જ પડે. ફરીથી આભાર ગોવીન્દભાઈ.

    Liked by 1 person

  3. (સ્યુડો–સાયન્સ એટલે કહેવાતું આભાસી વીજ્ઞાન)

    ‘કહેવાતું આભાસી’ નો અર્થ ‘આભાસી નહિ એવું’ થવાથી અનર્થ થાય છે. એટલે માત્ર ‘કહેવાતું’ કે માત્ર ‘આભાસી’ રાખો.

    Liked by 1 person

Leave a comment