વૈજ્ઞાનીક વલણ વીકસાવીએ

વૈજ્ઞાનીક વલણ વીકસાવીએ

 ડંકેશ ઓઝા

વહેમ અને અન્ધશ્રદ્ધાથી આપણો ભારતીય સમાજ માત્ર જ નહીં, દુનીયાના ઘણા બધા સમાજો આડા અને ઉભા વહેરાય છે. આ સામાજીક દુષણ ખાસ કરીને અલ્પવીકસીત દેશોમાં વધુ જોવા મળે છે; પરન્તુ એનો અર્થ એ નથી કે વીકસીત અને સમૃદ્ધ દેશો તેને નીર્મુળ કરી શક્યા છે. ત્યાં પણ નવા સમાજને અનુરુપ અવનવા વહેમો જોવા મળે છે.

આ વહેમ અને અન્ધશ્રદ્ધા લોકમાનસમાંથી દુર કરી સ્વસ્થ સમાજની રચનાનું કામ આપણે આરંભીએ, તો આપણી આજુબાજુનો સમાજ તેટલે અંશે વધુ રહેવા યોગ્ય બને. આ કામ સરકાર કરતાં સમાજની કક્ષાએ થાય, તો વધુ સ્વીકાર્ય બને અને એ જ વધુ હીતાવહ છે.

દુર્ગારામ મહેતા, નર્મદ, નરસીંહભાઈ પટેલ, ડાહ્યાભાઈ નાગરીક અને ડૉ. અબ્રાહમ કૉવુર જેવાઓએ આ કામ કર્યું છે; પરન્તુ તે પરમ્પરા હજુ આપણે ત્યાં કાયમી રીતે દેખા દેતી નથી. ક્યાંક કોઈક કેડીઓ કંડારે છે; પણ તે લોકઆંદોલનનું સ્વરુપ ધારણ કરતી નથી.

વૈજ્ઞાનીક માનસ કેળવવાની વાત બંધારણના આમુખમાં દેખા દે છે; પરન્તુ વ્યવહારમાં આપણા ભારતીય સમાજના અગ્રવર્ગમાં પણ તે બહુધા નજરે ચઢતી નથી. આ માટેની પુર્વશરત સંદેહની શરુઆતની છે, ગતાનુગતીક સ્વીકારની નહીં; પરન્તુ આપણા સમાજના વ્યાવર્તક લક્ષણોમાંનું એક એ છે કે આપણે પરમ્પરાવાદી, એકાધીકારવાદી અને વડીલશાહી માનસ ધરાવીએ છીએ, આપણે પ્રશ્ન કરનારની કદર નથી કરતા; પરન્તુ શ્રદ્ધાળુ ભક્તજનોની કરીએ છીએ, તર્કની, તર્કપુત વીચારમાંડણીની, સોક્રેટીક પ્રશ્નોત્તરીની પરમ્પરા આપણે ત્યાં મુળીયાં નાખી શકતી નથી.

શીક્ષણ એ સરકારી નીતીનો વીષય બની ચુક્યું છે ત્યારે આ દીશાઓ ખુલે તેવા શીક્ષણની કોઈ અપેક્ષા રાખે તો તે સ્વાભાવીક છે. અનેક પ્રકારના જડમતવાદી, પરમ્પરાગ્રસ્ત, અન્ધશ્રદ્ધાજન્ય, વહેમી વીચારોમાંથી વ્યક્તીને મુક્ત કરે, તેને કોઈ પણ બાબતે સાશંક બનાવી પ્રશ્નો કરતો કરે અને પ્રતીતીજનક પ્રત્યુત્તરો ન સાંપડે ત્યાં સુધી તે આડેધડ પારમ્પરીક કશું સ્વીકારે નહીં તેવું શીક્ષણ તેને સુલભ બને તે સહજ અપેક્ષીત છે. શીક્ષણ પાસેથી આ લઘુતમ કહો તો લઘુતમ અને ગુરુતમ કહો તો ગુરુતમ અપેક્ષા છે. આપણાં પ્રાદેશીક (Language Newspapers) છાપાં–સામયીકો રાજકારણને મર્યાદીત કરી, સમાજકારણની પણ થોડી ચીંતા સેવે, કમીશનરી મટી થોડો મીશનરી ઉત્સાહ દાખવે, તો પણ લોકસમાજનું આ દીશાનું વ્યાપક અજ્ઞાન દુર થાય.

કુટુંબમાં વડીલો, નીશાળ–કૉલેજોમાં અધ્યાપકો અને કચેરીઓમાં અધીકારીઓ પ્રશ્નોને, પડકારોને સહજ મનોવલણથી આવકારતા થાય તો આ દીશામાં ભોં ભાંગવી શક્ય છે, અન્યથા નહીં.

બી. પ્રેમાનંદ જેવા દક્ષીણ ભારતવાસીઓએ જે ઉત્સાહથી વીજ્ઞાનયાત્રાઓ યોજવાનું મુનાસીબ માન્યું છે તે સર્વત્ર ચારેકોર પ્રસરે તો ગ્રામલોકસમુહોમાં ઘણા બધા પ્રશ્નો વીશેની વૈજ્ઞાનીક સુઝ–સમજ વીકસાવવાનું ક્દાચ શક્ય બને. ડૉ. અનીલ સદગોપાલ જેવા વૈજ્ઞાનીક સમાજસેવકો આ કાર્યક્રમને જરુરી આભા પુરી પાડી શકે. મેડીકો ફ્રેન્ડઝ સર્કલ જેવાં સામાજીક નીસબત ધરાવતાં જુથો આરોગ્ય અને રોગનીદાન અંગે પ્રાથમીક, પાયાની અને વૈજ્ઞાનીક એવી સાચી સમજણ પ્રસારવામાં સહાયભુત થાય તો મોટો પ્રજાસમુહ દોરા–ધાગા, મંત્ર–તંત્ર, ભુવા જોગીના ભુતમાંથી છુટે.

સત્યશોધક સભા જેવી સંસ્થાઓ નીદર્શન દ્વારા ચમત્કાર ગણાતા–ગણાવાતા પ્રયોગો કરી બતાવી, તેમની પાછળ રહેલા સાદા અને પ્રાથમીક એવા પાયાના વૈજ્ઞાનીક સીદ્ધાંતો લોકોને સમજાવે છે તે ઘણી બધી રીતે અસરકારક અને ઉપકારક છે, જે કામ સાહીત્યના થોથાં નથી કરી શકતાં તે પ્રત્યક્ષ નીદર્શન, પ્રશ્નોત્તરી અને તેની સમજણથી શક્ય બને છે. આવી સંસ્થાઓ ગામેગામ યુવકો તૈયાર કરે, તાલીમ આપે અને વ્યાપકપણે જાહેર નીદર્શનો કરે તો આશાને અવકાશ છે.

આપણી સામાજીક–આર્થીક પરીસ્થીતીમાં આ બાબતે નીસબત ધરાવતી વ્યક્તીઓ પણ જયારે પુર્ણસમય ફાળવી શકતી નથી ત્યારે વ્યાપક જનસમુહો પણ તે જ કારણોસર તેમાંથી કુદકા મારતા રહેતા હોવા છતાં બહાર આવી શક્તા નથી તે પણ સમજાવું જોઈએ.

આ છતાં, આશા ગુમાવવાને કોઈ કારણ નથી. જેને જીવવું છે, વીચારવું છે, કંઈક કરવું છે, જેને વ્યાપક સામાજીક નીસબતનો અભીશાપ સાંપડ્યો છે, તેણે આશા ગુમાવવી પોષાય તેમ પણ નથી જ ને?

ડંકેશ ઓઝા

_____________________

બી.એસસી. થયેલી 25 વર્ષની માતા ચર્ચને દરવાજે લાકડાનાં હાથપગ ચઢાવતી હોય, ગ્રેજયુએટ થયેલો સાધન સંપન્ન યુવક પોતાની જન્મકુંડળી જુદા જુદા લોકોને બતાવાતો ફરતો હોય કે મંગળશનીના નંગની વીંટી પહેરતો હોય તો તે કરુણતા છે. પંદરવીસ વર્ષની છોકરી શુક્રવારે ચણા ખાઈને વ્રત લેતી હોય, રસ્તામાં જેટલા ઠેકાણે સીંદુર દેખે તેને પગે લાગતી હોય, રોજ શુકનઅપશુકન જોયા કરતી હોય એ પણ કરુણતા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર કે વકીલ જેવા શીક્ષીતો પોતાની કચેરી કે દવાખાનામાં લીંબુ–મરચાં લટકાવતા હોય. અભણ ગોર મહારાજને બોલાવીને પોતાના બે નંબરના ચોપડા પુજાવતા હોય એ પણ કરુણતા છે.

_____________________

લેખક સંપર્ક : શ્રી ડંકેશ ઓઝા, 6-સ્વાગત સીટી,પેટ્રોલ પમ્પ સામે, અડાલજ – જીલ્લો : ગાંધીનગર – 382 421 dankesh.oza@rediffmail.com મોબાઈલ : 97250 28274

રૅશનાલીસ્ટ પ્રવૃત્તીના સંનીષ્ઠ, સક્રીય અને કર્મનીષ્ઠ કાર્યકર્તા ડૉ. જેરામ જે. દેસાઈએ ભાતીગળ ગુજરાતી સમાજને પ્રચલીત અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર કાઢવા માટે વહેમ–અન્ધશ્રદ્ધા નીષેધગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : ડૉ. જેરામ જે. દેસાઈ, વહેમ–અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર, વલ્લભ વીદ્યાનગર – નડીયાદ; બીજી આવૃત્તી : 2007; પાનાં : 606 મુલ્ય : રુપીયા 40/-] આ ગ્રંથના દસ વીભાગો છે. તેનો પ્રથમ વીભાગ ‘જરા આટલું તો વીચારીએ?’માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/05/2024

10 Comments

    1. વહાલા રજનીભાઈ,
      વીચારશક્તી વીશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ શક્તી છે. રૅશનલ વીચારો વહેંચવાના જ હોય… લેખકનું નામ શ્રી ડંકેશ ઓઝા અને ‘અભીવ્યક્તી’ https://govindmaru.com/2024/05/27/dankesh-oza-2/ બ્લૉગના સૌજન્યથી’ એવું લખીને તમારા મીત્રોને ‘વૈજ્ઞાનીક વલણ વીકસાવીએ’ પોસ્ટ વહેંચવા વીનન્તી છે.
      ધન્યવાદ.
      –ગોવીન્દ મારુ

      Like

  1. વિજ્ઞાન સદા સત્ય હોતુ નથી .તે બદલાતુ રહે છે.દા ત E = mc² ખોટું સાબિત થયું
    જો E એ એક સામૂહિક “કણ” ની ઊર્જા છે, જેમ કે ફોટોન, તો સમીકરણ ખોટું છે. અને વિજ્ઞાનને નામે પણ અંધશ્રધ્ધા અને છેતરામણ ચાલે છે.તેમા તબિબિ વિજ્ઞાનના નામે તો તબિબો જ કહે છે કે વિજ્ઞાનને નામે છેતરામણ થઈ છે અને હજુ પણ થાય છે . આ અંગે ડૉ હેગડે અને હ્રુ મનુભાઇ કોઠારી જેવાની વાત સમજો તો ખ્યાલ આવે.તેવા વૈદ માટે…
    વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર
    યમરાજ હરતુ પ્રાણમ વૈદ પ્રાણ ધનાની ચ !
    તેવુ ધર્મ નામે જો કોઇ ઠગ મળે તો છેતરાઇ જવાય તે સ્વાભાવિક છે .જયારે આપણે આત્માથી પણ વિશેષ અને પંચેન્દ્રિયથી પર હોય એવી આધ્યાત્મિક શોધમાં હોઈએ ત્યારે આપણા સહુની ભિન્ન-ભિન્ન માન્યતાઓ હોય છે. પણ, તેમાંની પ્રત્યેક બાબતો સત્ય નથી. કારણ કે આધ્યાત્મિકતા કે અધ્યાત્મ એ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી આત્માને જાણવાનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક વિજ્ઞાન એવું છે કે તે લૌકિક માન્યતાઓને દૂર કરી, મૂળ આત્માની સાચી માન્યતા બેસાડે છે.

    Like

  2. જગતમાં ધર્મના બદલે અને ધર્મના નામે જે અધર્મ ફેલાય રહ્યો છે તે જુગારખાનાઓ અને શરાબખાનાઓમાંથી નહિ પરંતુ મંદિર, મસ્જિદ, દરગાહ, સમાધિ, મઝારો, ચર્ચ વગેરેમાંથી ફેલાય રહયો છે, અને તે માટેનો “કાચો માલ” (Raw material) અન્ધશ્રદ્ધાળુઓ છે. આજ ના આ વૈજ્ઞાનિk યુગમાં પણ માદળિયાં, તાવીજ દોરા ધાગા, રાખની ચપટી, છુકારા (ઝાડ ફુંક) વગેરે નું ચલણ હજી ચાલી રહ્યું છે, અને બીજા શબ્દો માં કહીયે તો આ કાર્ય એક “નાણા છાપતો ઉદ્યોગ” બની ગયેલ છે. જરૂરત છે આવા અન્ધશ્રદ્ધાળુઓમાં જાગૃતિ લાવવાનો. તે માટે એક મહાન ક્રાંતિની જરૂરત છે જે કેવળ લખવા કે વાંચવા થી નહિ લાવી શકાય. તેમ છતાં આપણે ફુલ નહિ તો ફુલ ની પાંખડી સમાન આપણા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.

    Liked by 1 person

  3. દોરા ધાગા, રાખની ચપટી, ક્યાં લાગી ચાલશે? આપણા માતાપિતા અને આ સમાજે અંધશ્રદ્ધાનો એવો જાડો કુંચડો આપણાં મગજ પર ચોપડયો છે કે છૂટકારો મળવો મુશ્કેલ લાગે છે. આજ ના જમાનામાંમાં TV પર આવા કેટલાય પ્રોગ્રામો આવે છે જેમાં હજુ પણ માદળિયાં, તાવીજ , ઝાડ ફુંક, મંગળ, શનિ, રહું, કેતુ જેવા જાતજાતના વહેમોનું ચલણ વધતું જ રહ્યું છે..

    Liked by 1 person

  4. એક સુજ્ઞ વાચક ની ટીપ્પણી પરથી જાણવાં મળ્યું કે E= mc 2 સમીકરણ ખોટું સાબિત થયું છે. આ બાબતની જાણકારી માટે જો કોઈ આધારભુત લિંક અથવા લેખ હોત તો આપવા વિનંતી છે,‌જેથી જાણકારી માં વધારો કરી શકાય

    Liked by 1 person

    1. E = mc² સમીકરણ ખોટું સાબીત થયા અંગેનો કોઈ આધારભુત લેખ અથવા લીંક હોય તો આપવા માટે પ્રતીભાવકને મેલથી વીનંતી કરી છે. ધન્યવાદ… હસમુખભાઈ,

      Like

Leave a comment