વીચારધારાની સફળતા – નીષ્ફળતા

વીચારધારાની સફળતા – નીષ્ફળતા

વીચારધારા કેટલી શક્તીશાળી હોઈ શકે છે એના પર એક લેખ 6ઠ્ઠી મે, 2011ના રોજ આ બ્લોગના અંકમાં હતો. પ્રસ્તુત લેખમાં વીચારધારાની મર્યાદા, સફળતા, નીષ્ફળતા અને તેનાં કારણો વીશે વાત કરવી છે.

કેટલીક વીચારધારાઓ ઘણી ઉમદા હોવા છતાંયે ફક્ત આંશીક રીતે સફળ થાય છે. જ્યારે શરુઆતમાં આકર્ષક લાગતી અને મોટે પાયે સ્વીકારાતી અન્ય કોઈ વીચારધારા થોડા સમય પછી નીષ્ફળ નીવડે છે. આવી રીતે પ્રગટ થતી, ઓલવાઈ જતી કે પછી પાંગરતી વર્તમાનની ચાર વીચારધારાઓની છણાવટ કરીએ.

પહેલી છે અહીંસા અને અસહકારના માર્ગે પરીવર્તન લાવવાની. ગાંધીજીએ એને અમલમાં મુકી ભારતને આઝાદી અપાવી. એમનું અનુકરણ કરી બીજા પણ થોડા દેશોએ એ માર્ગ અપનાવી સફળતા મેળવી.

આઝાદી મળવા પાછળ દેશના ઘડવૈયાઓની મહેનત ઉપરાન્ત બીજાં કેટલાંક વીશેષ કારણો પણ હતાં. એ અરસામાં વૈશ્વીક સ્તરે બનેલા બનાવોને લીધે વહેલી મોડી બધાને આઝાદી મળવાની હતી. બીજા વીશ્વયુદ્ધે સંસ્થાનવાદનો મૃત્યુઘંટ વગાડયો હતો. સંચાર માધ્યમોને લીધે દુનીયા નાની થવા લાગી હતી. આપણી ખાસીયત માત્ર અહીંસક અસહકારની રીતમાં હતી.

પણ પછી શું થયું ? આઝાદી પછીના કોમી રમખાણોમાં ખુદ અહીંસાની હોળી થઈ ગઈ. આજે ગાંધીજીનું નામ માત્ર રાજકીય લાભ માટે વટાવાય છે. એમનું અસહકારનું શસ્ત્ર અન્યાય સામે લડવા નહીં; પણ અંગત લાભ માટે વપરાય છે. અહીંસક અસહકાર અને ટોળાશાહીમાં ઘણો ફરક છે. શાન્ત દેખાતું ટોળું પણ જો સામા પક્ષમાં ભય પેદા કરે, તો એ અહીંસક ન ગણાય. ભય અને અહીંસાનું સહઅસ્તીત્વ શક્ય નથી. આજના સામુહીક દેખાવો અહીંસક નથી લાગતા.

વીચારધારા બનવાના ગુણધર્મ ધરાવતી આ અહીંસક અસહકારની રીત અત્યારે તો એક પ્રયોગ માત્ર બનીને રહી ગઈ છે. વીચારધારા બનવા બહોળી સ્વીકૃતી અને ઘણાં ક્ષેત્રોમાં સફળ થવું જરુરી છે. કદાચ એનો સમય હજી આવ્યો નથી.

વર્તમાનની બીજી શક્તીશાળી વીચારધારા ઓગણીસમી સદીના જર્મન વીચારક અને મુડીવાદના વીરોધી અર્થશાસ્ત્રી કાર્લ માર્ક્સનું બ્રેનચાઈલ્ડ–માનસ સન્તાન હતી. રાષ્ટ્રીય સ્તરે આર્થીક સમાનતા લાવવાની વાત એમણે પોતાના પુસ્તક Das Capitalમાં કરી છે. રાજકીય અને આર્થીક ક્ષેત્રે એનો અમલ રશીયામાં લેનીન અને ચીનમાં માઓએ પોતાને અનુકુળ ફેરફારો સાથે કર્યો. ખુબ ઝડપથી એ અડધી દુનીયામાં ફેલાઈ ગઈ. એ વીચારધારાથી અંજાઈ નહેરુ એને થોડા જુદા સ્વરુપે ભારતમાં આર્થીક ક્ષેત્રે લઈ આવ્યા. રાજકીય દરમ્યાનગીરીથી આર્થીક સમાનતા લાવવાની કોશીશમાં ગરીબોનો ઉદ્ધાર તો ન થયો; પણ સમાજવાદને નામે આડકતરી રીતે (ઉંચા કરવેરા દ્વારા) બધાને ગરીબ રાખવાના પ્રયત્ન થયા. પરીણામે સમાનતા આવવાને બદલે ભ્રષ્ટાચાર વધ્યો.

આ વીચારધારા સાત આઠ દાયકાઓમાં નીષ્ફળ પુરવાર થઈ બધે પડી ભાંગી છે.

એક વીચારધારાને માત્ર પ્રાસંગીક સફળતા મળી, જ્યારે બીજી જેટલી ઝડપથી ફેલાઈ, એટલી જ ઝડપથી લુપ્ત થઈ રહી છે. આની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. આ લેખકને જે મુખ્ય જણાય છે એની અત્રે રજુઆત કરી છે.

વીચારધારાઓ બહુધા આદર્શવાદી હોય છે. આદર્શ એક ધ્યેય છે; એના જનકનું માનસ સન્તાન છે–Wishful thinking છે. તે સમયની વાસ્તવીકતા બને એટલો સાંસ્કૃતીક વીકાસ હજી થયો નથી.

માણસ જૈવીક રીતે (બાયોલોજીકલી) એક પ્રાણી છે. પ્રાણીઓની ઉત્ક્રાન્તીમાં આપણે આગવા સ્થાને પહોંચ્યા તે આપણા બૌદ્ધીક વીકાસને આભારી છે. એની સાથે  જન્મજાત (જીનેટીક) વૃત્તીઓ આપોઆપ બદલાઈ જતી નથી. માણસની જન્મજાત વૃત્તીઓ છે સ્વાર્થ, સ્પર્ધા, અનુકરણની વૃત્તી, અંકુશની વૃત્તી વગેરે… આ વૃત્તીઓનો સહકાર, સમાનતા, સંયમ, ઉદારતા વગેરે જેવા સાંસ્કૃતીક રીતે કેળવાયેલા ગુણો સાથે ટકરાવ થાય છે. શરીર પુખ્ત બનતાં કુદરતી વૃત્તીઓ અને સામાજીક, ધાર્મીક સંસ્કારો વચ્ચે જે માનસીક ગડમથલ થાય છે તે આનું એક ઉદાહરણ છે. સંસ્કૃતી પણ આદર્શની દીશામાં આગળ વધે છે. આપણી સાંસ્કૃતીક પ્રગતીની ઝડપ બાયોલૉજીકલ ફેરફારો કરતાં કેટલાયે ગણી વધારે છે. પરીણામે આપણી સમજ, જે સાંસ્કૃતીક છે, એની સંવેદનાઓ અને ઈચ્છાઓ જે જન્મજાત છે એમની વચ્ચે અન્તર વધવા લાગ્યું છે.

     આદર્શવાદી વીચારધારા માણસની જન્મજાત પ્રકૃતીથી જેટલી દુર હોય છે. એટલો એનો સ્વીકાર મર્યાદીત હોય છે. સમાજનો માત્ર એક નાનો વર્ગ એને સાચી રીતે અપનાવે છે. બીજો નાનો વર્ગ સમજ્યા વગર માત્ર અનુકરણની વૃત્તીથી એમાં જોડાય છે. જ્યારે બાકીનો મોટો વર્ગ એનાથી દુર રહે છે. બહુબહુ તો અપનાવવાનો ઢોંગ કરે છે. આ વાસ્તવીકતા દરેક ક્ષેત્રે જોવા મળે છે. ખાસ કરીને નૈતીક અને ધાર્મીક ક્ષેત્રે. જૈનોના એક મુળભુત સીદ્ધાન્ત અપરીગ્રહની સદન્તર અવગણના આનું ઉદાહરણ છે.

     અહીંસક અસહકારની વીચારધારામાં જે બલીદાનની અપેક્ષા રાખવામાં આવે છે. તે બહોળા સમાજની જન્મજાત વૃત્તીથી ખુબ દુર હોવાથી એની અસફળતાનું કારણ બની છે. સામ્યવાદી વીચારધારાની નીષ્ફળતા પાછળ પણ આવાજ કારણોએ ભાગ ભજવ્યો છે. વીશેષમાં તે પરાણે લાદેલી હતી. એમાં રાજકીય નેતાઓ દ્વારા નીશ્વીત કરેલા ચોક્કસ માળખામાં જ બધા લોકોને જીવવાનું હતું. વ્યક્તીગત કુનેહ (ટૅલન્ટ) કરતાં હુકમનું પાલન અને સીનીયોરીટી વધારે મહત્ત્વનાં હતાં.

કુદરતે બધાને સરખા બનાવ્યા છે એ સુવીચાર માણસના પાયાના અધીકાર માટે બનાવેલો છે, એનામાં રહેલ આવડત માટે નહીં. આ પાયાનો અધીકાર છે સ્વતંત્રતાનો, ગૌરવભેર જીવવાનો, ન્યાય મેળવવાનો, પ્રગતી કરવાનો અને સુખી થવાનો.

     દરેક વ્યક્તી પોતાની ખુબીઓ અને મર્યાદાઓ લઈને જન્મે છે. જેનું મીશ્રણ બધામાં અલગ હોય છે. માણસ ધારે તો ગમે તે કરી શકે એ વાસ્તવીકતા નથી. એ હતાશ માણસને અપાતું ટૉનીક માત્ર છે. માણસ ધારે તો ઘણું કરી શકે છે; પણ બધું જ નહીં, એ વાસ્તવીકતા છે. મોટા ભાગના લોકો પોતાની આન્તરીક શક્તી (પોટેન્શીયલ)નો પુરો ઉપયોગ કરતા નથી હોતા. માણસ નીશ્ચય કરી એના માટે જરુર મહેનત કરે તો હમણાં છે એનાથી ઘણી વધારે પ્રગતી કરી શકે છે. સરખામણી પોતાના ભુતકાળ સાથે કરાય; બીજાઓના ભવીષ્ય સાથે નહીં. કારણ કે બીજા પણ વધારે પ્રગતીની મહેનત કરતા જ હોય છે. આવી સરખામણી વીરોધાભાસી છે. જરુરી મહેનત કરે તો બધા ઉમદા પરીણામ લાવી શકે. પહેલો નંબર તો એક જ હોઈ શકે; બધા નહીં. સ્વતંત્રતાના અભાવ સાથે વધારે પડતા અંકુશ સામ્યવાદની નીષ્ફળતાના પાયામાં રહેલા છે. સોવીયેટ રશીયાના ભાંગી પડવા પાછળ અમેરીકા એક નીમીત્ત માત્ર બન્યું હતું. મુખ્ય કારણો આંતરીક હતાં. ચીને જ્યારે જ્યારે સ્વેચ્છાએ આર્થીક નીતીમાં ફેરફાર કર્યા છે, તે સામ્યવાદી વીચારધારાનો આર્થીક ક્ષેત્રે નીષ્ફળતાનો સ્વીકાર છે.

     હવે વર્તમાનની બીજી બે વીચારધારાઓ તપાસીએ જે નીષ્ફળ નહીં પણ સફળ થઈ પાંગરી રહી છે.

     સદીઓથી ચાલી આવતી રાજાશાહીવાળી રાજ્યપદ્ધતી બદલાઈને હવે બધે લોકશાહી ફેલાઈ રહી છે. વર્તમાનની ત્રીજી વીચારધારા પશ્વીમના દેશોમાં શરુ થઈ ત્યાં પરીપક્વ થઈ છે.  એનો યશ કોઈ એક વ્યક્તીને આપી શકાય તેમ નથી.

     માનવ સંસ્કૃતીની ઉત્ક્રાન્તીના એક મહત્ત્વપુર્ણ પગથીયારુપે તે જનસમુદાય દ્વારા સામુહીક રીતે વીકસી છે. ભુતકાળમાં નોંધાયેલ કહેવાતી લોકશાહીના છુટાછવાયા પ્રયાસો ખરી રીતે લોકશાહી નહીં પણ વર્ગશાહી હતી.

     લોકશાહી વીચારધારા માત્ર માનવીય પ્રકૃતી કે સંસ્કૃતી પર આધારીત નહીં પણ એ બન્નેના મીશ્રણ પર આધારીત છે. એની સફળતા જે તે દેશની પ્રજાને અનુકુળ આવા મીશ્રણની માત્રા પર નીર્ભર છે. ધર્મ, જાતી, વર્ણ વગેરેના ભેદભાવ વીના બધાને પોતપોતાની શક્તી પ્રમાણે મનગમતા ક્ષેત્રમાં પ્રગતી કરવાની  તકનો સમાન અધીકાર આપવાના સીદ્ધાન્ત પર તે રચાયેલી છે.

     લોકશાહીમાં ધર્મને રાજ્ય વ્યવસ્થાથી અલગ રાખવાનો આશય હોય છે. જો કે દરેક દેશમાં ધાર્મીક સંસ્થાઓનો પોતાનો એક એજન્ડા હોય છે એના માટે એમની એક રાજકીય લોબી પણ હોય છે. પરીપક્વ લોકશાહીમાં એ બધું પડદા પાછળ થતું હોવાથી એની અસર મર્યાદીત હોય છે. કોઈ નાનકડા મુદ્દે ચુંટણીનાં પરીણામો બદલાતાં નથી. જ્યાં ધાર્મીક મુદ્દે ચુંટણીમાં હારજીત થાય છે અને સરકાર બદલે છે એ હજી કાચી લોકશાહી કહેવાય. કાચી લોકશાહીમાં ચુંટાયેલા પ્રતીનીધી દેશની સંપત્તીના માલીક બની બેસે છે. પરીપક્વ લોકશાહીમાં તેઓ માત્ર વ્યવસ્થાપક હોય છે. સેવક તો ક્યારે, કોઈ અને ક્યાંય પણ હોતા નથી. રાજકારણીઓ દ્વારા વપરાતો સેવક શબ્દપ્રયોગ છેતરામણો છે.

     આ વીચારધારા હવે વીશ્વવ્યાપી હોવાથી એની સફળતા નીશ્ચીત જણાય છે. સફળતાની માત્રાનો આધાર જે તે પ્રજાની શીક્ષીતતા અને પરીપક્વતા પર રહે છે.

     રાજ્યવ્યવસ્થા માટે વર્ણવાયેલ આ દરેક બાબત બધી સામાજીક સંસ્થાઓને પણ એટલી જ લાગુ પડે છે.

     વર્તમાન સમયની ચોથી વીચારધારા છે મુક્ત વ્યાપારનીતી. આ પણ પશ્વીમના દેશોમાં શરુ થઈ, સફળતા પામી, હવે બધે ફેલાવા લાગી છે. મુક્ત વ્યાપારની નીતીમાં વ્યક્તીના પોટેન્શીયલનો પુરો ઉપયોગ થાય છે. દેશના સીમાડા ઓળંગી વીશ્વવ્યાપી થવાથી એ સાચા અર્થમાં સ્પર્ધાત્મક બની છે.

     આજ સુધીની બધી અર્થવ્યવસ્થાઓ માલીક, શેરહોલ્ડર, કર્મચારી, કામદાર વગેરે જેવા સમાજના કોઈ એક કે બે વીશીષ્ટ વર્ગના હીતમાં હતી. આ બધા જ વર્ગો સમાજનો એક નાનકડો ભાગ માત્ર હોય છે. સ્પર્ધા આધારીત મુક્ત વ્યાપાર નીતી વપરાશકારના, કન્ઝ્યુમરના હીતમાં છે. એના પરીણામે થતી હરીફાઈનો લાભ કન્ઝ્યુમરને મળે તેવી વ્યવસ્થા છે. દેશની અને દુનીયાની દરેક વ્યક્તી કન્ઝ્યુમર છે. જે વ્યવસ્થા બધાના લાભમાં હોય તે અનાયાસે શ્રેષ્ઠ હોવાની.

     આપણે ત્યાં આની જે ટીકા સંભળાય છે એમાં થોડું વજુદ છે પણ એના માટે અપાતાં કારણો વાજબી નથી. પશ્વીમના દેશોમાં આ વીચારધારા ધીરેધીરે વીકસી હોવાથી સમાજના વીશાળ વર્ગને તે સમજવાનો અને એમાં જોડાવાનો સમય મળ્યો હતો. ભારત જેવા વીવીધતા ધરાવતા વીશાળ દેશમાં એ ઝડપથી આવી છે. એના લીધે સામાજીક અને આર્થીક સ્તરે અસમાનતા હતી એના કરતાં પણ વધતી દેખાય છે. આટલા વીશાળ દેશમાં એનો લાભ બધાને એક સાથે અને એકસરખો મળે એવી અપેક્ષા રાખવી અવાસ્તવીક છે. ધીરેધીરે બધાનો વારો આવશે. તક જ્યારે દરવાજે આવીને ટકોરા મારે છે ત્યારે ઉઠીને દરવાજો ખોલવા જેટલી મહેનત તો આપણે કરવી જ પડે છે. સ્પર્ધા અને વૈજ્ઞાનીક શોધોની તરફેણમાં ટેલીફોનનો એક દાખલો પુરતો છે. એક દાયકા પહેલાં આવકવેરાની 1 x 6 યોજનામાં એના સમાવેશ સામે આજે બધાનાં ખીસ્સામાં રણકતો મોબાઈલ ઘણું કહી જાય છે.

     અવાસ્તવીક હદે આદર્શવાદી એવા સામ્યવાદ અને સમાજવાદની નીષ્ફળતાની યાદ હજી તાજી હોવાથી આ નવી અર્થવ્યવસ્થાને વીશેષ આવકાર અને બળ મળે છે. એ માણસની મુળભુત પ્રકૃતી પર આધારીત હોવાથી એની લાંબા ગાળાની સફળતા નીશ્વીત જણાય છે.

     દરેક પરીસ્થીતીમાં એનો ગેરલાભ ઉઠાવનાર એક વર્ગ હોય છે. મુક્તવ્યાપાર નીતીના સન્દર્ભમાં એના જ ગેરફાયદા દેખાય છે. એની પાછળ આવા તકસાધુઓ તથા કાયદા વ્યવસ્થાનો અભાવ ઘણો જવાબદાર છે. એમાં વીચારધારાનો દોષ નથી.

     બીજી નોંધપાત્ર બાબત એ છે કે ભારત તેમજ દુનીયાના આર્થીક, સામાજીક વગેરે મોટાભાગના પ્રશ્નો માટે વીસમી સદીમાં થયેલો વસ્તી–વીસ્ફોટ મોટાપાયે જવાબદાર છે. આર્થીક ક્ષેત્રે જે પણ પ્રગતી થઈ રહી છે તે સતત વધતા માનવ સમુદાય વચ્ચે વહેંચાય છે. જો વસતીવધારો અંકુશમાં રહ્યો હોત તો આજના પ્રશ્નો આટલા આકરા ન હોત. આજ બાબતને બીજી રીતે જોઈએ તો, હમણાં છે એટલો ઔદ્યોગીક વીકાસ થયો ન હોત. છતાં વસતી આટલી જ વધી હોત તો ખેતીપ્રધાન દુનીયાના પ્રશ્નો ઘણા વધારે જટીલ હોત. આધુનીકીકરણના વીરોધીઓને આ બાબત ખાસ વીચારવા જેવી છે.

     આ બધી વર્તમાનની રાજકીય તેમ જ આર્થીક વીચારધારાઓની છણાવટ હતી. ભુતકાળની વીચારધારાઓ મુખ્યત્વે નૈતીક સ્વરુપથી શરુ થઈ હતી. એમને ખાસ સફળતા ન મળતાં એમાં માનવીય પ્રકૃતીગત ફેરફારો કરી એને ધાર્મીક સ્વરુપે  રજુ કરવામાં આવી. એ પણ આંશીક રીતે જ સફળ થઈ છે.   

મુરજી ગડા

લેખકસંપર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390 007 ફોન:(0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

 

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર મંગલ મન્દીરમાસીકના ૨૦૦૯ના ઓક્ટોબર માસના અંકમાં સામે પ્રવાહે તરવું છે ?’ વીભાગ અન્તર્ગત પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારોમાણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.wordpress.com/

 

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

 

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે..જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 16–06–2011

15 Comments

 1. It is very good article to read. The bottom line is that we should be honest & treat people the way we want to be treated.”

  Thanks,

  Pradeep H. Desai

  Like

 2. ચારેય વિચારધારાની વિગતે અને તાર્કિક છણાવટ વાંચવાની ગમી, રજુઆત પણ સરળ અને સહજ છે.

  Like

 3. આભાર ગોવીંદભાઇ,
  શ્રી મુરજીભાઇનો વિચારધારાઓ પર સરસ અને તર્કબદ્ધ છણાવટ કરતો લેખ મુકવા બદલ. લેખકશ્રીએ કદાચ નમુના સ્વરૂપે ચારેક વિચારધારાઓ પર છણાવટ કરી અને વિવિધ વિચારધારાઓ પર સરળ છણાવટનો રસ્તો બતાવવા પ્રયાસ કર્યો છે. આ રીતે વિચારતા શીખવાનું ગમ્યું. ઉપયોગી પણ થશે. આભાર.

  Like

 4. શ્રી મૂરજીભાઇએ ચર્ચામાં જે વિચારધારાઓ લીધી છે તેમને તેઓ મૂળ સામયિકના કદનાં બંધનોને કારણે કદાચ પૂરતો ન્યાય નથી કરી શક્યા એમ મને લાગે છે. આઠ-દસ લીટીમાં શું છણાવટ થઈ શકે? પરંતુ આમાં ઘણી વાર કેટલાંયે પાસાં અસ્પર્શ્ય રહી જતાં હોય એ શક્ય છે.
  ૧. અહિંસા અને અસહકારના માર્ગે પરિવર્તન લાવવાની વિચારધારા ગાંધીજીએ અમલમાં મૂકી. કોઈ પણ ઘટનામાં આત્મલક્ષી (subjective) અને વસ્તુલક્ષી (objective) તત્વો હોય જ એટલે ગાંધીજીના સંઘર્ષ વખતે પણ વસ્તુલક્ષી તત્વો પેદા થઈ ચૂક્યાં હતાં. ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધ પછી બ્રિટન ખોખરું થઈ ગયું હતું. પરંતુ, વિચારધારા માત્ર ઑબ્જેક્ટિવ સ્થિતિના આધારે જીતે છે અથવા હારે છે. આમ છતાં વિચારધારા પોતે સબ્જેક્ટિવ તત્વ બની રહે છે. એમ ન હોત તો બીજા દેશોમાં એનું પુનરાવર્તન ન થયું હોત. આ પુનરાવર્તનને કારણે જ હું આ વિચારધારા નિષ્ફળ રહી એમ કહેતાં અચકાઉં છું.
  બીજી વાત એ કે ખરેખર તો અહિંસાને હું ગાંધીજીનો મૂળ સિદ્ધાંત નથી માનતો. મૂળ સિદ્ધાંત તો ‘અભય’નો હતો. વળી દરેક જણ શસ્ત્રો ધારણ ન કરી શકે એ સ્થિતિમાં એમણે માસ મોબિલાઇઝેશનનો માર્ગ અખત્યાર કર્યો, એમની વ્યૂહરચનામાં એનું મહત્વનું સ્થાન હતું. અને અહિંસા, અસહકાર વગેરેને સિદ્ધાંત ગણાવવા કરતાં હથિયાર ગણાવવાનું વધુ યોગ્ય છે. ગાંધીવાદ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. એ માત્ર method છે, theory નથી.
  ૨. સામ્યવાદી વિચારધારા દેખીતી રીતે નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે. પરંતુ નિષ્ફળ શું થયું એ વિચારવા જેવું છે. માર્ક્સનું વર્ગ-વિશ્લેષણ ખોટું સાબીત થયું? દુનિયામાં ગરીબોની સંખ્યા ઘટી છે? ધન માત્ર ધનવાનો તરફ જાય છે, એમ એનું કહેવાનું હતું તે શું આજે સાચું નથી? માર્ક્સ ક્યાં નિષ્ફળ થયો?
  ખરેખર તો માર્ક્સવાદી ચિંતનને આધારે કોઈ ક્રાન્તિ માર્ક્સના જીવનકાળમાં ન થઈ. રશિયામાં ક્રાન્તિ આવી પરંતુ ત્યાં માર્ક્સે કહ્યા મુજબની સ્થિતિઓ નહોતી. આ સંયોગોમાં લેનિને માર્ક્સના ચિંતનને આધારે વ્યવહારમાં કામ લાગે એવા સિદ્ધાંતો ઘડ્યા. સોવિયેત રશિયાનો વહીવટ માર્ક્સવાદી-લેનિનવાદી વિચારધારાને આધારે થતો હતો. રશિયા સિવાય બીજા બધા દેશો તો બીજા વિશ્વયુદ્ધ પછી સીધા જ સામ્યવાદી બન્યા, કારણ કે પૂર્વ યુરોપના આ દેશોને હિટલરના હાથમાંથી છોડાવવામાં રશિયાની મહત્વની ભૂમિકા રહી.
  રશિયા અને અમેરિકા વચ્ચેનું ઠંડું યુદ્ધ પૂંજીવાદી અને સામ્યવાદી વિચારધારાઓનું યુદ્ધ પણ હતું, માત્ર લશ્કરી સર્વોપરિતાનું નહીં. એટલે કે balance of Terrorનું નહીં. એટલે રશિયાના વિલયમાં અમેરિકા માત્ર નિમિત્ત બન્યું એમ નથી. રશિયાની રાજ્યવ્યવસ્થામાં મૂળથી રહેલી નબળાઇઓએ જોર કરવા માંડ્યું હતું, એ તો સાચું જ છે. મૂળ તો ડેમોક્રેટિક સેન્ટ્રાલિઝ્મના લેનિનવાદી સિદ્ધાંતને કારણે સંપૂર્ણ કેન્દ્રીકરણ થઈ ગયું અને આખું અર્થતંત્ર વિવિધ કામો કરતી એક કંપની જેવું થઈ ગયું. એના પતનનું આંતરિક કારણ હોય તો આ કેન્દ્રીકરણ હતું.
  આમ છતાં આજે પણ ક્યૂબા તો અડીખમ છે જ. અમેરિકનો પણ ત્યાં જ જઈને સારામાં સારી મૅડિકલ સેવાઓ મે્ળવે છે. કારણ કે ત્યાં મૅડિકલ સેવાનો ખૂબ જ વિકાસ થયો છે અને એ મફત મળે છે. હવે તો બીજા લેટિન અમેરિકી દેશોમાં પણ ડાબેરી હવા વહે છે. આપણે કેમ કહી શકીશું કે માર્ક્સવાદ સંપૂર્ણ પરાજિત થઈ ગયો?
  ૩. શ્રી મૂરજીભાઇ લોકશાહી અને મુક્ત વ્યાપાર નીતિને ‘વર્તમાનની બે વિચારધારાઓ’ ગણાવે છે. ઇતિહાસ તપાસતાં જણાશે કે આ બન્ને વિચારધારાઓ જૂની છે. બ્રિટનમાં લોકશાહીની શરૂઆત ૧૨૧૫માં મૅગ્ના કાર્ટા સાથે થઈ. અમેરિકામાં તો એના બ્રિટન સાથેના સ્વાતંત્ર્ય સંઘર્ષ સાથે જ થઈ. શ્રી મુરજીભાઈ કચ્છના છે એટલે એમના ધ્યાનમાં ‘બાર ભાયાનું રાજ’ તો હશે જ. કચ્છના રાવ રાયધણને કેદ કરીને બાર સભ્યોની કેબિનેટે રાજ ચલાવ્યું હતું રાયધણના કુંવર ગોડજીને એમણે ગાદીએ બેસાડ્યા પરંતુ સતાઓ તો આજે બ્રિટનની રાણીને છે એટલી જ આપી.
  લોકશાહીના ગુણદોષોની ચર્ચા વધારે વિગતવાર કરવાની જરૂર છે. જો કે હું પોતે એની તમામ નબળાઇઓ છતાં એને ઉત્તમ ગણું છું
  મુક્ત વ્યાપારની નીતિ ન હોત તો માર્ક્સ ન હોત. એટલે આ નીતિ તો સામ્યવાદથી પણ જૂની છે. શ્રી મૂરજીભાઈનો આ લેખ ૨૦૦૯માં પ્રકાશિત થયો ત્યારે તો આ નીતિ ભયંકર આર્થિક સંકટોમાં સપડાઈ ગઈ હતી. આ વાત ધ્યાન બહાર રહી ગઈ છે. અમેરિકામાં તો બૅન્કો ડૂબી ગઈ. બૅન્કોના કન્ઝ્યૂમરોનાં હિતોનું શી રીતે રક્ષણ થયું અથવા થયું કે કેમ તે આ લેખમાંથી સમજાતું નથી. સરકારી બેલ-આઉટ પૅકેજ ન મળ્યાં હોત તો શું થયું હોત? અને બેલ-આઉટ પેકેજમાં તો નાના માણસોના ટેક્સનાં નાણાં જ ગયાં! કન્ઝ્યૂમરને માર્કેટે જે કહેવાતો લાભ આપ્યો તે તો પાછો લઈ લીધો.
  સ્પર્ધા પોતે જ એક આદર્શ છે. વાસ્તવિકતા નથી. ક્યાં હોય છે સ્પર્ધા? મોટી કંપનીઓની લૉબીઓ હોય છે અને સરકારી નીતિઓ એમની મરજી પ્રમાણે બને છે. અને નફો વધારવો હોય તો સ્પર્ધા ન ચાલે. એટલે કંપનીઓ કાર્ટેલો બનાવે છે. કંપનીઓ માત્ર સરકાર કઈં કરે ત્યારે મુક્ત સ્પર્ધાની તરફેણ કરતી હોય છે. પરંતુ તે સિવાય તો બજારમાં કોઈ સ્પર્ધા હોય તો માત્ર ઇજારો સ્થાપવાની હોય છે. તે સિવાય બજારને કઈ દિશામાં વાળવી એના વિશે તેઓ સર્વસંમતિથી કામ કરે છે.
  શ્રી મૂરજીભાઈ સ્વાર્થને પ્રાકૃતિક ગુણ માને છે અને સહકારને સાંસ્કૃતિક. ખરેખર એવું છે? સહકાર ન હોત તો માનવસમાજ વિકસ્યો પણ ન હોત. સસ્તન પ્રાણીઓમાં મનુષ્ય શારીરિક રીતે સૌથી નબળો છે. ઉદ્વિકાસના એક તબક્કે જ્યારે એના મસ્તિષ્કનો વિકાસ નહોતો થયો ત્યારે એ પોતાને બચાવવા માટે પોતાની જ પ્રજાતિના બીજા સભ્યને મારી નાખતો હશે પણ મગજનો વિકાસ થતાં એને સર્વાઇવલના બીજા રસ્તા પણ મળ્યા. સહકાર માણસની જેનેટિક જરૂરિયાત છે. જીનના જતન અને બદલી માટે સહકાર જરૂરી છે. અને એનો વિકાસ બાયોલૉજિકલ વિકાસનું જ પ્રતિબિંબ છે. એમ નથી કે માણસોએ એક જનરલ બોડીની મીટિંગ ગોઠવીને ઠરાવ પસાર કર્યો કે હવેથી સહકાર કરવો…! માણસ પોતાના સ્વાર્થ પર નિયંત્રણ રાખી શક્યો છે, જેનાં પરિણામ આપણે માનવજીવનના વિકાસના રૂપે જોઈ શકીએ છીએ.

  Like

 5. ઘણા સમય પછી કાનના વાળ બાળી નાંખે* એવો ઉત્તમ વૈચારીક બંધનમાં મુકી રાખતો લેખ વાંચવા મળ્યો, મુરજી ગડા સાહેબ અને ગોવિંદભાઈશ્રી, શ્રીદિપકભાઈ, શ્રીઅશોકભાઈ અને અન્ય શ્રીમહાનુભાવોના વિચારો પણ ઉત્તમ છે, ઉત્તર આપવા કદાચ લાંબો સમય લાગે ટુંકમાં કહુ તો આ લેખની ચર્ચા ઓછામાં ઓછા છ મહિના સુધી ચાલવી જોઈ જેથી આપણે સહુને ઉત્તમ જ્ઞાન મળી શકે. (* થોડુક હાસ્ય)

  Like

 6. મારા નમ્ર મત પ્રમાણે કોઈ વિચારધારા ક્યારે ય મૃત્યુ પામતી કે નિષ્ફળ જતી નથી. હા ! સંભવ છે કે થોડો સમય મૃતઃપ્રાય થયેલી કે નિષ્ફળ જતી લાગે પણ ફરીને ફીનીક્સ પક્ષીની જેમ પ્રગટ થાય ! માનવીનું મન અકળ છે. રાજા શાહીવાળી પધ્ધ્તિ ખરા અર્થમાં બદલાઈ છે ખરી ? માત્ર રાજા બનવાની/બનાવવાની પધ્ધ્તિને લોકશાહી સ્વરૂપ આપવામાં આવ્યું જણાય છે.સત્તા ભોગવવાની માનવીની માનસિકતા બદલાઈ છે ખરી ? સત્તા ઉપર બેસનાર રાજા કરતાં પણ વધારે સત્તાઓ ભોગવે છે અને વિરોધ કરનાર સાથે અત્યંત ક્રુર અને ઘાતકી રીતે વર્તે છે. આજે પણ બ્રિટન અને જાપાનમાં રાણી/રાજાને નામે જ દેશનો વહિવટ ચાલે છે. બીજા દેશોમાં આવો વ્યવહાર રાજાને બદલે માત્રનામના ફેરફાર સાથે રાષ્ટ્ર પ્રમુખ કે પતિ ને નામે ચાલે છે.માનવીની જન્મજાત વૃતિ અંગત સ્વાર્થ-અન્ય ઉપર પ્રભુત્વ અર્થાત સત્તા અને વીના મહનતે જોઈતું મેળવી લેવાની મુખ્ય રહી છે.
  મૂડીવાદ કે સામ્યવાદ કે સમાજ્વાદ કે ગાંધીવાદ ખરેખર કોઈ વાદ છે ખરા ? ગમે તે ભોગે યેન કેન પ્રકારેણ અન્ય ઉપર પ્રભુત્વ મેળવી સર્વોચ્ચ સ્થાને બની/ટકી રહેવું પછી તે દેશ હોય કે રાજ્ય કે ઉધ્યોગ કે વેપાર કે ધર્મ આજ જન્મજાત વૃતિ છે. કાળક્ર્મે તેમાં સંસ્કાર અને સંસ્કૃતિને નામે કેટલાક અંકુશો આવ્યા પરિણામે જુદી જુદી રીત રસમ અર્થાત યુક્તિ-પ્રયુક્તિને કોઈ ને કોઈ વાદના વાઘા પહેરાવી વિચારધારા વહેતી થઈ લોકો તેનાથી અંજાયા કારણ માનવી પ્રકૃતિથી જ પરિવર્તન વાદી અને પ્રયોગશીલ રહ્યો છે એટલે આવા વાદના જન્મદાતાને જૂની પધ્ધતિથી થાકેલા કે કંતાળેલા લોકોનો ટેકો પણ મળ્યો અને જોતજોતામાં એક પછી એક વાદ દુનિયા આખીમાં ફેલાઈ રહ્યા. પરિણામે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું અને પોતાના અંગત હિતો જોખમમાં લાગતા પ્રતિકાર શરૂ કર્યો. આમ એક વાદ સામે બીજા વાદોની અથડામણ ચાલુ થઈ. જેમાં કેટલાકને પોતે સફળ થતા જણાયા પરંતુ આ કામચલાઉ સફળતા બની રહેવાની પૂરેપૂરી સંભાવના રહે છે. અને જે વિચારધારા આજે મૃતઃપ્રાય થયેલી જણાય છે તે ફરીને આ પરિવર્તન અને પ્રયોગશીલ માનવી ક્યારે જીવીત કરી સક્રિય બનાવી દુનિયા ભરમાં ફેલાવા લાગશે તેની કોઈ આગાહી થઈ શકે તેમ નથી. અસ્તુ !

  Like

 7. “કુદરતે બધાને સરખા બનાવ્યા છે” એ સુવીચાર માણસના પાયાના અધીકાર માટે બનાવેલો છે, એનામાં રહેલ આવડત માટે નહીં. આ પાયાનો અધીકાર છે સ્વતંત્રતાનો, ગૌરવભેર જીવવાનો, ન્યાય મેળવવાનો, પ્રગતી કરવાનો અને સુખી થવાનો.
  દરેક વ્યક્તી પોતાની ખુબીઓ અને મર્યાદાઓ લઈને જન્મે છે. જેનું મીશ્રણ બધામાં અલગ હોય છે. માણસ ધારે તો ગમે તે કરી શકે એ વાસ્તવીકતા નથી. એ હતાશ માણસને અપાતું ટૉનીક માત્ર છે. માણસ ધારે તો ઘણું કરી શકે છે; પણ બધું જ નહીં, એ વાસ્તવીકતા છે. મોટા ભાગના લોકો પોતાની આન્તરીક શક્તી (પોટેન્શીયલ)નો પુરો ઉપયોગ કરતા નથી હોતા. માણસ નીશ્ચય કરી એના માટે જરુર મહેનત કરે તો હમણાં છે એનાથી ઘણી વધારે પ્રગતી કરી શકે છે. સરખામણી પોતાના ભુતકાળ સાથે કરાય; બીજાઓના ભવીષ્ય સાથે નહીં. કારણ કે બીજા પણ વધારે પ્રગતીની મહેનત કરતા જ હોય છે. આવી સરખામણી વીરોધાભાસી છે. જરુરી મહેનત કરે તો બધા ઉમદા પરીણામ લાવી શકે…… so very rightly said.!
  Thanks a lot Govindbhai for sharing such a nice article.

  Like

 8. It was very interesting to go thru readers comments. Most poeple have views on a general subject like this, and hence the debate can go on for a long time. I would like to respond to as many comment as possible. It would have been nice to do it in person if it was possible. Writting here is going to be a tedious and time taking job for me. Let us see how far I can go.

  To start with, the first publication of this article was in Dec. 2007 in another magazine, if it matters at this time.

  I have not said that the non violent, disobedient movement has failed. What I had said is that, It had been a rarely used experiment. The time has not yet come for its wide acceptance.

  I will be back later.

  Like

 9. Dear Murjibhai Gada and Govindbhai Maru:

  It is interesting to note that both of you are Cutchhis and are living outside Cutchh now. The Subject of ‘ISMS’ is in itself Theoretical. We Studied that in B.A. (with Economics, Now “Political Economy”). The Other Subject we had in B.Com. was Economic History of 5 Major Nations i.e. U.S.A., U.K., Russia, India and Gemany. Many of these countries have now been Transformed. No Economic Theory by itself can run any Society. Mainly, it is a Blend. So after learning the Fundamental Characteristics of each ISM, the same needs to be applied for testing where one Country Mainly Practices.

  Gandhism came to be accepted as an ISM lateron. This came as an instrument of Freedom Struggle of India to start with. It applied to various spheres of Life later on. To-day, it is being applied in more places with the
  Modifications. To-days world being tired of Wars and Systems Failing, a Need has arisen for an Innovative Idea.

  India and China are still a AHA to the World. We have a Role to Play.

  FAKIRCHAND J. DALAL
  U.S.A.

  Like

 10. One common element in all the different views expressed here seems to be the subjective definition of these ideologies. It is very likely that any of these ideas may not have originated by the persons named in here. It is how and to what extent those have been used matters.

  As per non-violence, it has been practiced for centuries by various people but it was at an individual level only. Gandhi is the first one to bring it to social level and effectively use it for the political level. (This is discussed in detail in my another article.) Most of his senior leaders thought it to be impractical. That is another story.

  There have been many instances in past when king’s powers were reduced by a group pf people in their favour. The most famous example is of a senate during Roman Empire. That was not democracy but rather aristocracy. Even in ancient India there were some states with similar arrangement. Same applies to England of thirteen century till much later. People at large had no voting powers at all, leave along other rights.

  The simple definition of democracy is, ‘’of the people, for the people, by the people’’. American ‘’Democracy’’ in its first century also had its limitations. Women and blacks did not have voting rights. When blacks got voting rights much later, their vote was counted only as one third of a vote. Women got to vote in early part of 20th century. One can go on and on with this.

  We are still away from a participatory democracy which is a true form of democracy.

  Like

 11. AFTER A LONG TIME I READ SUCH A NICE ARTICLE.
  SUCH ANALYSIS GIVE BIRTH TO OTHER NEW THOUGHTS.ONE MUST AGREE THAT
  LIBERALISATION MADE AVAILIBILITY EASY OF TELEPHONES,CAR,SCOOTERS,ETC FOR WHICH IN PAST PEOPLE WAITED FOR YEARS TO HAVE.
  COMPUTOR HAS MADE LOTS OF WORK EASY,SPEEDY,AND SYSTEMATIC.
  NEXT CAN BE I T VICHARDHARA……….

  Like

 12. I continue…………

  Regardless of whatever Carl Marx’s theory was, every country putting it into practice ended up with totalitarian government. State decided which university a student would go, what he would become and where he would work. In short the whole life of a person was programmed by the so-called ‘’need of the state’’ by the bosses. This is against human nature and not civilian. This may be over simplification but this is what I was told by my Russian friends who fled to the USA whenever they got the chance to do it.

  Communism is in a declining path. It has no future especially in this Internet world. Cuba still being communist doesn’t tell much. It will change with time.

  Just imagine a world where VISA need was abolished completely and people were allowed to go to any country they wish to. Where would the largest number go to? With all the USA bashing going around, it still would be destination number one, along with some European countries, Australia, Canada etc. And how many would choose to go to the communist countries? It is not only the wealth or the glamour, there is much more to what people like even though they may not be very open or articulate about it. Freedom is one of them.

  Like

 13. શ્રી મૂરજીભાઈ,
  મારી પહેલી જ કૉમેન્ટમાં મેં લખ્યું હતું કે આપને એક ટૂંકા લેખમાં બધી વિચારધારાઓની તલસ્પ્ર્શી છણાવટ કરવાનો સમય નહીં મળ્યો હોય.

  મારૂં કહેવાનું એ પણ હતું કે કોઈ વિચારાધારા પોતાની જ આંતરિક નબળાઇઓને કારણે તૂટી પડે તે જુદી વાત છે, તે સિવાય, એમાં subjective અને objective પરિબળૉ તો હોય જ છે. એટલે ગાંધીના આંદોલન્ને ફતેહ મળી તેમાં ઑબ્જેક્ટીવ તત્વોએ પણ ભાગ ભજવ્યો એ વાતનો હું સ્વીકાર કરૂં છું. પરમ્તુ, ભારતને આઝાદી મળ્યા પછી એ ઑબ્જેક્ટિવ તત્વોનું મહત્વ ન રહ્યું ઑબ્જેક્ટિવ તત્વો માત્ર એક જ પરિસ્થિતિમાં લાગુ પડી શકે, કારણ કે એ સ્થળ-કાળનાં બંધનોમાં બંધાયેલાં હોય છે. બીજી સ્થિતિઓનાં ઑબ્જેક્ટિવ તત્વો જુદા હશે. આમ છતાં દક્ષિણ આફ્રિકાથી માંડીને આજના આરબ દેશોના અસંતોષમાં ક્યાંક ગાંધી દેખાયા કરે છે. અલગ અલગ ઑબ્જેક્ટિવ તત્વો સામે એક જ જાતનો રિસ્પૉન્સ આ વિચારધારાને અલગ પાદે છે. જો કે હું એને વિચારધારા નથી માનતો,માત્ર રીત માનું છું. આ રીત સફળ થઈ છે. એવું નથી કે સશક્ત ઑબ્જેક્ટિવ તત્વો સમે એ હંમેશાં સફળ રહે જ. પરંતુ એને હું વિચારધારાની નિષ્ફળતા નથી માની શક્તો.

  ગાંધીની ‘વિચારધારા’ની સફળતા માટે ઑબ્જેક્ટિવ સંયોગોને આપ પૂરતું મહ્ત્વ આપો છો, પરમ્તુ, માર્ક્સવાદની વાતમાં એની ‘નિષ્ફળતા’ માટે કોઈ ઑબ્જેક્ટિવ’ પરિબળો, હોય તો, એનો પણાપણે વિચાર કરવો જોઈએ. એક જગ્યાએ ઑબ્જેક્ટિવ પરિબળોને ધ્યાનમાં લૈએ અને બીજી જગ્યાએ એની શક્યતાનો પણ વિચાર ન કરીએ એ મને યોગ્ય નથી લાગતું. આમ છતાં એનીઆંતરિક નબળાઇઓ – subjective elements – નો મેં ઉલ્લેખ કર્યો જ છે.પરંતુ આ નબળાઇ માર્ક્સવાદની છે કે લેનિને એનું જે રીતેતે અર્થઘટન કર્યું અને મલ કર્યો, તેની એ નબળાઇઓ છે? રશિયામાં ત્રણ વર્ષ રહેવાનો

  રોમન એરિસ્ટોક્રસીથી માંડીને છેક વીસમી સદી સુધીનાં આપે ઉદાહરણ આપ્યાં છે તે બધામાંથી એક જ સુર નીકળે છે કે લોકશાહી હજુ વિકસે છે.

  કોણ અમેરિકા જવાનું પસંદ કરશે એવો આપનો સુર ચર્ચાને વ્યવહારના ધોરણે લાવી મૂકે છે. લોકો ત્યાં જવાનું પસંદ કરે છે, તેનાં કારણોમાં ત્યાંની લોકશાહી તો નથી જ. આપણે ભારત કરતાં વધારે સારી લોકશાહીમાં જઈને વસીએ એવો ખ્યાલ કોઈને આવતો હશે? અમેરિકન લોકશાહીનું આવી પસંદગીમાં સ્થન શું? ફરીથી મારૂં જ ઉદાહરણ આપું તો રશિયાથી પાછા ફર્યા પછી તરત મારી સામે વિકલ્પ આવ્યો હતો કે ચીન જવું કે ઇરાન? એ વખતે ઇરાન શાહ હેઠળ હતું એટલે જાહોજલાલી ત્યાં હતી. પરંતુ મેં ચીન જવાનું પસમ્દ કર્યું હતું કારણ કે મારે અમેરિકા અને રશિયાથી અલગ વિકસેલી જીવનપદ્ધતિ જોવી હતી. (જો કે બન્ને પ્રપોઝલો આગળ વધી જ નહીં. આમ કોણ ક્યાં જવા માગે એ તદ્દન વ્યક્તિગત સવાલ છે.વળિ આજે કમ્યૂનિસ્ટ દેશો રહ્યા જ નથી એટલે ત્યાં જવાનો સવાલ અસ્થાને જણાય છે.

  અમેરિકાની હું ટીકા કરૂં છું તે એની વિદેશ નીતિ અને વ્યવહારના સંદર્ભમાં છે. આંતરિક રીતે અમેરિકા જબ્બરદસ્ત લોકશાહી દેશ છે અને એ માટે હું એને પસંદ કરૂં છુ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s