આપણી બે દુનીયા

  –મુરજીગડા

આપણે બધા બે પ્રકારની દુનીયામાં જીવીએ છીએ. પહેલી દુનીયા, જે આંખો સામે દેખાય છે તે બહારની દુનીયા છે. આપણા જીવન સાથે સંકળાયેલી બધી જ વ્યક્તીઓ, પ્રાણીઓ, વસ્તુઓ અને પ્રવૃત્તીઓ બધું જ આ બહારની દુનીયામાં સમાયેલું છે. એ નક્કર છે, વાસ્તવીક છે અને સત્ય છે. બધા માટે તે સરખી છે. એના નીયમો બધાને લાગુ પડે છે. એની સાથે આપણો ભુતકાળ, વર્તમાન અને ભવીષ્ય ત્રણેય સંકળાયેલા છે.

બીજી દુનીયા, આપણા મગજની અંદર ચાલી રહેલી અંગત દુનીયા છે. એ નક્કર નથી, દેખાતી નથી; કારણ કે તે બહુધા આભાસી છે. એમાં આપણી બધી અપેક્ષાઓ, આકાંક્ષાઓ, કલ્પનાઓ, માન્યતાઓ વગેરે આવેલી છે. એ થોડી વાસ્તવીક અને મોટે ભાગે શ્રદ્ધા, ગેરસમજ, માન્યતાઓ વગેરેથી ભરેલી છે. દરેકની પોતાની એ અંગત દુનીયા હોઈ, અમુક અંશે બીજાઓથી ભીન્ન હોય છે. એને કોઈ સર્વમાન્ય નીયમો કે કાયદાઓ લાગુ પડતા નથી. માનવજાતી સીવાય બીજા કોઈને આ દુનીયા મળેલી નથી. એ વર્તમાન કરતાં આપણા ભુતકાળ અને ભવીષ્ય સાથે વધારે સમ્બન્ધ ધરાવે છે.  જુદી હોવા છતાં આપણી આ બન્ને દુનીયા એક્બીજા સાથે ગાઢ પણે સંકળાયેલી છે.

પ્રાણીજગતની બધી જ પ્રવૃત્તીઓ કુદરતી અને સ્વયંસ્ફુરીત (instinctive) હોય છે. આ સ્વયંસ્ફુરીત ઉપરાન્તની જે પણ પ્રવૃત્તી માણસ કરે છે, તેમાંની મોટાભાગની પોતાની અંગત દુનીયાથી પ્રભાવીત અને પરીણામરુપ હોય છે. એ આપણું જબરદસ્ત પ્રેરકબળ છે.

કેટલાક લોકો બહારની દુનીયા કરતાં અંદરની દુનીયામાં વધુ જીવતા હોય છે. વૈજ્ઞાનીક, તત્ત્વજ્ઞાની, કળાકાર, ચીત્રકાર, લેખક, કવી વગેરે આ પ્રકારમાં આવેછે. તેમની પ્રવૃત્તી રચનાત્મક છે. પોતાની અંગત દુનીયાનો લાભ તેઓ પોતાના સર્જન દ્વારા બીજાઓને આપે છે. આપણે એમના ઋણી છીએ.

માનસીક સંતુલન ખોઈ બેઠેલા તેમ જ નશીલા પદાર્થોના બંધાણી વગેરે જેવા પણ પોતાની અંગત દુનીયામાં વધુ જીવતા હોય છે. તેમની પ્રવૃત્તી આંશીક રીતે ખંડનાત્મક છે. તેઓ આપણી સહાનુભુતીને પાત્ર છે.

આ બે અન્તીમ વર્ગો વચ્ચે એક  એવો મોટો વર્ગ છે જે પોતાની ખાસ એવી અંગત દુનીયાનો દોર કોઈ બીજાના હાથમાં સોંપીને બેઠો છે.  મોટા ભાગના લોકોની અંગત દુનીયાનો સૌથી વધુ ભાગ એમની ધાર્મીક માન્યતાઓનો હોય છે. એ મળેલો હોય છે એમના ધર્મગુરુઓ પાસેથી,  સમ્પર્કો પાસેથી, દંતકથાઓ દ્વારા અને છેલ્લાં થોડાં વર્ષોથી ટી. વી. જેવા પ્રસાર માધ્યમો દ્વારા.

દેશના ઘડવૈયાઓએ આપણને રાજકીય સ્વતન્ત્રતા મેળવી આપી. એની સાથે નાગરીક હક્કો અને વાણીસ્વાતન્ત્ર્ય પણ આપમેળે આવી ગયાં. કમનસીબે વીચારોનું સ્વાતન્ત્ર્ય ખાસ ક્યાંય દેખાતું નથી. એ આપણને કોઈ મેળવી આપવાનું નથી. આપણે જાતે એ મેળવવાનું છે. વૈચારીક સ્વાતન્ત્ર્યનો અભાવ ટોળાશાહી અને ગાડરીયા પ્રવાહમાં પરીણમી અનર્થકારી પરીણામો લાવે છે.

મહત્ત્વાકાંક્ષી લોકો પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા સંતોષવા લોકોના આવા વૈચારીક પરાવલમ્બનને લીધે સર્જાતી ટોળાશાહીનો પુરો લાભ ઉઠાવે છે.  બની બેઠેલા ધર્મગુરુઓ આમાં અગ્રસ્થાને છે.  સત્તા અને સમ્પત્તીના વધારે પડતા લોભને લીધે જેટલો વીનાશ સર્જાયો છે એટલો  જ વીનાશ ધાર્માન્ધતાને લીધે પણ થયો છે.  ધર્મ અને જાતીવાદને નામે જેટલાં યુદ્ધ અને જાનહાની થઈ છે એટલી કદાચ બીજાં કોઈ કારણસર નહીં થઈ હોય.

ચુસ્ત ધાર્મીક માન્યતાઓએ કટ્ટરપંથીઓ પેદા કરી આતંકવાદને  જન્મ આપ્યો છે.  આત્મઘાતી હુમલા હોય,  પુર્વયોજીત કાવતરાં હોય કે પછી સ્થાનીક ઘટના દેશવ્યાપી બની ગઈ હોય,  એ આચરનારા બીજા કોઈના દોરવાયા હોય છે,  જેનો ભોગ નીર્દોષ લોકો બને છે.  આવી ઘટનાઓ પાછળ ધાર્મીક, રાજકીય અને સામાજીક નેતાઓનો ફાળો હોય છે. તેમ જ એની પાછળ અનુયાયીઓની ટોળાશાહી વીચારસરણી પણ એટલી  જ જવાબદાર છે.

લોકટોળાની વીચારસરણી પર અંકુશ મેળવવાની પ્રવૃત્તી ઘણી સંસ્થાઓમાં ચાલે છે.  એમના અનુયાયીઓની બાહ્ય તેમ જ અંગત એમ બન્ને દુનીયાનું સંચાલન સંસ્થાની નેતાગીરી દ્વારા થતું હોય છે. એ સંચાલકોના કહેવાનો સાર એવો હોય છે કે, ‘જાણવા અને સમજવા જેવું અમે બધું કરી લીધું છે.  તમને વીચારવાની કઈ જરુર નથી.  માત્ર અમારા ચીંધ્યા માર્ગે ચાલો તો તમારું કલ્યાણ થઈ જશે વગેરે વગેરે’. પરીણામે એમના  ભક્તગણમાં વૈચારીક સ્વતન્ત્રતાનો સદન્તર અભાવ આવી જાયછે અને ટોળાશાહી વર્તણુક શરુ થાય છે.

એમને ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે,  ‘જે દેખાય છે તે  (બહારની દુનીયા)  બધું ભ્રમ અને માયા છે અને જે દેખાતું નથી તે સત્ય છે.  જીવનનો સાર આ અદૃશ્ય સત્યને પામવાનો છે’ વગેરે.  પરાવલમ્બી અને અન્ધશ્રદ્ધાળુ વીચારસરણી ધરાવતો આવો કમનસીબ ભક્તગણ છે જે બહારની વાસ્તવીક દુનીયા કરતાં અંદરની દુનીયામાં વધુ જીવે છે.

કહેવાતા ધર્મગુરુની દોરવણીથી,  આવતા જન્મના લાભાર્થે સેંકડો લોકોએ સામુહીક આત્મહત્યા કરી હોય એવો દાખલો થોડા દાયકાઓ પહેલા વીદેશમાં નોંધાયો હતો.  અંગત લાભ માટે પશુબલી અને ક્યારેક તો બાળ–નરબલી, ચઢાવવાના દાખલાઓ પણ અવારનવાર આપણા છાપામાં ચમકે છે.  આવા બનાવ કોઈ ચોક્કસ ધર્મ,  જાતી કે સમ્પ્રદાય પુરતા મર્યાદીત નથી; બલકે એક યા બીજા સ્વરુપે અન્ધશ્રદ્ધાળુ અને અજ્ઞાની લોકોમાં તે બધે  જ દેખાય છે.

કાપેલું કોળું,  મંત્રેલાં લીંબુ–મરચાં કે ઝાડુ–માટલાંનો ‘ઉતાર’ ચોકમાં મુકી આવવાની પ્રચલીત પ્રવૃત્તી દેખીતી રીતે ભલે હીંસક ન હોય; પણ એની પાછળની ભાવના તો એટલી જ હીન છે.  પોતાની મુસીબતો બીજાને પધરાવવાથી ઓછી થઈ શકે એ માન્યતા  જ હીંસાનું એક સ્વરુપ છે.

અહીંસામાં માનનારા ભલે એવું ન કરે પણ પોતાની અહીંસાની સમજને એટલી સુક્ષ્મ સ્તરે લઈ ગયા હોઈએ તો આપણા લીધે બીજાનું કોઈ  પણ જાતનું અહીત થાય એ સાચા અહીંસાવાદી માટે મોટું અપકૃત્ય  (પાપ) ગણાય.

આપણી બહારની દુનીયાનું સંચાલન તો રાજકીય તથા સામાજીક નેતાઓ કરવાના જ છે.  દેશ અને સમાજના શાન્તીપુર્ણ સંચાલન માટે તે જરુરી છે.  જ્યારે આપણી અંદરની દુનીયા આપણી પોતાની છે.  એનું સંચાલન કેટલી હદે બીજાઓને કરવા દેવું એ આપણા હાથમાં છે.  આપણે જો વીચારોની સ્વતન્ત્રતા નહીં કેળવીએ તો બીજાઓ અવશ્ય એનો લાભ ઉઠાવશે.  ભલે એ કોઈ નેતા હોય,  ધર્મગુરુ હોય કે પછી આપખુદ સગા–સમ્બન્ધી હોય.  સામાન્ય રીતે ‘સારા’ કહેવાતા લોકોને પણ બીજાઓ પર પોતાનો અંકુશ રાખવો ગમતો હોય છે.  સ્વતન્ત્ર વીચારસરણી આવા લોકોનું આપણા પરનુ વર્ચસ્વ ઘટાડે છે.

જ્યાં સુધી સ્વતન્ત્ર વીચારસરણી ન કેળવાય ત્યાં સુધી સાચા અર્થમાં સ્વતન્ત્ર થયા એમ ન કહેવાઈએ.  વીચારોની સ્વતન્ત્રતા કેળવવી અઘરી છે.  જે પણ થોડા લોકો એ કરી શક્યા છે એમાંથી મોટા ભાગના એના બીજા પાસામાં ઉણા ઉતરે છે. એ બીજું પાસું છે બીજાઓની સ્વતન્ત્રતાનો પણ મોકળા મને સ્વીકાર કરવાનો. સ્વતન્ત્ર વીચારસરણીવાળા ઘણા લોકો આપખુદ થઈ જાય છે.  એમની આસપાસના લોકોની સ્વતન્ત્ર વીચારસરણી એમને ગમતી નથી.

આવી ઘણી બાબતોમાં પશ્ચીમી સંસ્કૃતીના લોકો આપણા કરતાં વધુ મુક્ત છે.  આટલું ધ્યાનમાં રાખીએ તો જાણ્યા–સમજ્યા વીના એમની ટીકા કરવાની આપણી અધીરાઈ થોડીક કાબુમાં રહે.

આપણી અંગત દુનીયાના આસન પરથી બધાને હટાવીને આપણા પોતાના અંતરાત્માને બેસાડીએ એમાં  જ આપણુ ભલું છે.  બીજા બધા આપણા માર્ગદર્શક,  હીતેચ્છુ,  પુરક વગેરે હોઈ શકે; માલીક તો આપણે પોતે  જ રહેવાનું છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 25/07/2014

24 Comments

 1. શ્રી મુરજીભાઇએ ઘણાં ટાંકવા જેવાં વિધાનો કર્યાં છે.

  “દેશના ઘડવૈયાઓએ આપણને રાજકીય સ્વતન્ત્રતા મેળવી આપી. એની સાથે નાગરીક હક્કો અને વાણીસ્વાતન્ત્ર્ય પણ આપમેળે આવી ગયાં. કમનસીબે વીચારોનું સ્વાતન્ત્ર્ય ખાસ ક્યાંય દેખાતું નથી.”
  “પોતાની મુસીબતો બીજાને પધરાવવાથી ઓછી થઈ શકે એ માન્યતા જ હીંસાનું એક સ્વરુપ છે.”
  “વીચારોની સ્વતન્ત્રતા કેળવવી અઘરી છે. જે પણ થોડા લોકો એ કરી શક્યા છે એમાંથી મોટા ભાગના એના બીજા પાસામાં ઉણા ઉતરે છે. એ બીજું પાસું છે બીજાઓની સ્વતન્ત્રતાનો પણ મોકળા મને સ્વીકાર કરવાનો. સ્વતન્ત્ર વીચારસરણીવાળા ઘણા લોકો આપખુદ થઈ જાય છે. એમની આસપાસના લોકોની સ્વતન્ત્ર વીચારસરણી એમને ગમતી નથી.”
  ૦-૦-૦
  આ ઉપરાંત બહારની દુનિયા અને અંદરની દુનિયા વિશેની એમની ચર્ચાને આડે ફંટાયા વિના થોડી આગળના સ્તરે લઈ જવા માગું છું, તો ક્ષમા કરશો.

  ખરેખર તો અંદરની દુનિયા બહારની દુનિયાની પૂરક છે. જે બહારની દુનિયામાં પૂરું ન થઈ શકે તે અંદરની દુનિયામાં આપણે સિદ્ધ કરી લેતા હોઇએ છીએ. દાખલા તરીકે, આપણા સમાજમાં સંબંધોના માળખાનું બહુ મહત્ત્વ છે. જીવનભર આપણે એ માળખાની બહાર નથી જઈ શકતા. સબ-કૉન્શ્યસ સ્તરે આનો ભાર આપણે અનુભવીએ છીએ. આ ખામી આપણે અંદરની દુનિયામાં મોક્ષના વિચાર દ્વારા પૂરી કરી લઈએ છીએ. મોક્ષના માર્ગે તો कस्त्वं कोऽहं, को मे जननी को मे तातः તું કોણ, હું કોણ, કોણ મારી મા, કોણ મારો બાપ? આ બધાં માયાનાં બંધનો છે અને એમાંથી મુક્ત થઈએ તો જ મોક્ષ મળે ! મોક્ષ અઘરો બની જાય છે, કારણ કે આ “માયાના બંધન”માંથી છૂટવાની બહારની દુનિયા મંજૂરી નથી આપતી !

  અંદરની દુનિયા બહારની દુનિયાનું જ પ્રતિબિંબ છે. મને સપનામાં મારી મા દેખાય છે ત્યારે એ હંમેશાં સાડીમાં હોય છે, સ્કર્ટ કે જીન્સમાં નહીં.

  હું સમજી શકું છું કે શ્રી મુરજીભાઈએ બહારની અને અંદરની દુનિયાનો ભેદ મર્યાદિત સંદર્ભમાં કર્યો છે, પણ મને લાગે છે કે બન્ને દુનિયાને એક માનવાથી પણ એ જ તારણ પર પહોંચી શકાય છે.

  Like

  1. દિપકભાઈ, તમારી ટીપ્પણી માટે આભાર.
   કોઈની અંદરની દુનીયા ખુબ વીશળ હોઈ શકે છે. દા. ત. ક્રીમીનલ માઈંડની અંગત દુનીયા ઘણીજ અલગ હોય છે. એમના બહારની દુનીયાના વર્તન પરથી એમના અંતર્મનનો તાગ કોઈને આવતો નથી. માનવ સ્વભાવના ઘણા લેયર હોય છે. સરળ સ્વભાવના લોકોને એનો પુરો ખ્યાલ પણ ન હોઈ શકે. આપણા રાઓલગી આ વીષયમા ઘણુ કહી શકે છે.

   Like

 2. Sachu jivan andrni journey che e pamo to j samjay, baki to aapne bhatkiya krie chie, sva hitmaj par hit che, jogo dost jago

  Like

  1. ben shree
   sva hit ma par hit nahi pan par hit ma j sva hit chhe.
   ane manushya andar ane bahar ni banne duniya banne ma jodo pade chhe jene aapne dambhi kahiye chhiye jevu vichare tevu bole ane tevu j varte tej sacho manushya kahevai ( nahi to kahevata hindu dharma ma 84 lakh yoni chhe tema thi manushya sivai koi pan upma aapi sakai )
   fari thi lakhu chhu ( PAR HIT MA J SVA HIT CHHE )

   Like

 3. બહુ સરસ આર્ટીકલ છે.પણ અંધશ્રધ્ધાળુના મગજમાં આવાતો ક્યારે ય નહીં ઉતરે.

  Like

 4. It is a very good article full of thoughts by author. I fully agree with Deepak Dholakia. The solution to become blissful is total acceptance of yourself and surroundings. Try to have low expectations in life.

  Again, I am very thankful to author.

  Pradeep H. Desai
  USA

  Like

 5. આ બે દુનિયાની થિયરીએ મને પણ વિચારતો કરી દીધો છે. ધન્યવાદ મુરજીભાઈને.

  Like

  1. હરનિશભાઈ, તમને પણ (‘પણ’ બોલ્ડ અને અંડરલાઇન્ડ?) વિચારતા કરી દીધા ! હું તો માનું છું કે તમે હંમેશાં વિચારતા રહ્યા છો, આ પહેલી ઘટના નહીં હોય.

   Like

 6. મને સમજાય છે ત્યાં સુધી મુળજીભાઈનો મુખ્ય સુર ‘વૈચારીક સ્વતંત્રતા’ નો છે. બહારની દુનિયા અને અંદરની દુનિયાને એક માની શકાય નહી કારણ કે બહારની દુનિયા પર આપણો કોઈ કાબુ નથી. ધર્મગુરુઓ કે નેતાઓ આપણને દોરે છે કે આપણા પર કાબુ મેળવે છે એ ભ્રાંતિ છે. માનવી ધર્મગુરુ પાસે પોતાના ‘લાભ’ માટે જાય છે. ભગવાન કે અન્ય, મને મુસીબતોમાંથી છોડાવશે એ લાલચ તેને તેઓના પ્રભાવમાં લાવી દે છે. ‘સત્તા અને સમ્પત્તીના વધારે પડતા લોભને લીધે જેટલો વીનાશ સર્જાયો છે ‘ – ધર્મગુરુ કે નેતાને સત્તા કે સંપતિનો મોહ છે તેમ તેને ફોલો કરનારને પણ એ જ જોઈએ છે, અંદરર્ની દુનિયામાં સ્વીકારાયેલી પોતાની નિર્બળતા માટે બહારનો ટેકો શોધવાને બદલે અંદરથી જ ટેકો શોધવાનો પ્રયત્ન જરુરી છે. મોક્ષની પરિકલ્પનાની વ્યાખ્યા સૌ પોતપોતાની રીતે કરે છે પણ અંદરની દુનિયામાં વિચાર શુન્યતા પ્રાપ્ત કરી શકાય તો તે મોક્ષ છે. એમ હું માનું છું.

  Like

  1. શ્રી જગદીશભાઈ,
   મને તો “વીચાર શુન્યતા” એ મોક્ષ નહી પણ પુરો પલાયનવાદ લાગે છે. જો માણસનુ અંતીમ ધ્યેય “વીચાર શુન્યતા” હોત તો આજે પણ આપણે ગુફાઓમા રહેતા હોત અને શીકારની પાછળ દોડતા હોત.

   Like

   1. કોમેન્ટ પર ધ્યાન આપવા બદલ આભાર.
    મેં પહેલાં જ લખ્યું છે કે મોક્ષ અંગે સર્વના વિચારો અલગ અલગ હોય છે. ગુફામાં રહેતો માણસ પણ વિચારશુન્ય નથી. Basic Instinct ના આધારે જીવે છે. Fight or Flight નો વિચાર આવે જ છે. વિચારશુન્યતાનો અનુભવ મહદ અંશે આપણે નથી કરી શકતા, રજનીશજીએ એમના સાહિત્યમાં રીયલ orgasm નો ઉલ્લેખ કરેલો છે એ ક્ષણની ગણત્રી – કદાચ સેકન્ડ કે નેનો સેકન્ડની હોય – પણ એ ક્ષણની અનુભુતિ એ મોક્ષની અનુભુતિ હોય શકે. જો કે મને મોક્ષ સાથે કોઈ સંબંધ નથી. હું માનુ છું કે મનુ્ષ્યને પ્રાણીઓથી અલગ પોતાનું પ્રસ્થાપન કરવું હોય તો ‘સંબંધોને સથવારે& ચાલવું જોઈએ.
    બાકી ‘કોમેન્ટ-રીપ્લાય’ ના બીઝનેશમાં કોઈ સ્પષ્ટતા થઈ શકે નહીં. આભાર…..

    Like

 7. શ્રી મુરજીભાઇઅે આપણે સૌને માટે વિચારો અને વિચારવા માટેની નવી દિશા ખોલી આપી છે. તેમના લેખના પહેલાં બે પેરેગ્રાફ આ વિચારો શરુ કરવાંના દિશાસૂચકો છે.
  દુનિયામાં આ વિષયે ઘણું વિચારાયુ છે. મારાં વાંચનમાં બે જુદા આર્ટીકલ આવ્યા હતાં. આજના અભિવ્યક્તિના વિષય સાથે કોઇક સંદર્ભ રાખે છે.
  (૧) ગુફામાંથી શહેરમાંની માનવીની સફરને વિજ્ઞાને વિચારી વિચારીને સમજવાની કોશિષ કરી છે….આ સમજને માનસશાસ્ત્ર અને ભૌતિક જીવનના સંદર્ભમાં સમજીને બે શબ્દોમાં વહેંચી છે.
  Ref : L.R. Caporeal’s article ” Two faces of the humam machine.”
  Article: Anthropomorphism and Mechanomorphism.
  I give here the first few lines of the defination given for Anthropomorphism…….

  ” Anthropomorphism is the ascription of human characteristics to nonhuman entities. We think anthropomorphism in the context of primitive peoples who attribute human forms, emotions, motivations, and activities to the wind, sun, moon, trees, rivers and animals, use them as casual explanations for otherwise inexplicable events, and attempt to manipulate them with social mechanisms such as entreaty of threat……………….
  અને આ વિષય વઘુ ઉંડાણમાં ચર્ચવામાં આવ્યો છે……..
  તેજ રીતે બીજો અેક આર્ટીકલ છે…….
  ” The Mind – Body Problem.” by Paul Herrick. ( The Mind-Body Dualism.)
  શ્રી મુરજીભાઇ જે બે દુનિયાની વાત લખે છે તે, MIND & BRAIN, are they different / separate entities ? Are they one? What is brain ? isit a physical form only?…….જેવા વિષયોને ઘ્યાનમાં લઇને આ મનન, મંથન કરવામાં આવ્યુ છે.
  ફિલોસોફી અને વિજ્ઞાનને આજે ૨૧મી સદીમાં જોડીને સમજવાની કોશીશ કોઇક જવાબ આપશે જ……….
  મુરજીભાઇ, ભૂપેન્દ્રસિંહજી રાઓલજી કાંઇક કહેશે અેવું કહે છે…રાઓલજી વિજ્ઞાનને સહારે આપણા શરીરની બઘી પ્રક્રિયાઓને સમજીને સમજાવવાની કોશીશ કરે છે. તેઓ જરુરથી આપણને તેમના અભ્યાસના પરિણામો કહેશે…..
  અમૃત હઝારી.

  Like

 8. Very well explained. One of the biggest problem we human have is that we always try to live others life and refuse to recognize our life. If we start living our own life way we believe (and not accept others thoughts) then we may be living better life ourself.

  Like

 9. Khub saras samajavyu Mulji gada
  Tajo j dakhalo asaram Narayan & company baharni duniyama tyagi andarni duniyama bhogi ( dinko jogi ratko rogi ) ( kamrogi ) aa be diniya keval mani shay ma j hoi chhe je vani vichar thi olkhatu nathi jyare sap ni duniya ma aapne joi ne kahi sakiye chhiye ke aa zeri ke aa bin zeri sap chhe jyare manushya ne olakhva mate teni banne duniya lokosamaksh aave toj olkhai chhe …

  Like

 10. ના કીસીકે અભાવમેં જીયો,
  ના કીસીકે પ્રભાવમેં જીયો,
  યે જીંદગી હૈ અાપકી,
  અપને સ્વભાવસે જીયો…………..આત્મવિશ્વાસ કેળવો અને જીયે જા………
  અમૃત હઝારી.

  Like

 11. યજેનીક હ્રદય છે ખરું, પણ, સુક્ષ્મ, સત્ય અને લાગણીથી હર્યુભર્યુ સુક્ષ્મ હ્રદય છે ખરું. જેનો સંબંધ મગજ અને હ્રદયમાં આંતર સ્ફૂરિત ઉષ્માભરી માનવીય લાગણીઅને પરમસત્ય સાથે છે. જે કબીર, મીરાં, સૂર અને સૂફી સંતોની વાણીમાં મુખરિત થયું હતું. પણ, આપણે એ બધાની લમણાઝીકમાં પડવા કરતાં એ સૌ ગુરુચરણે મૂકી સંતોષ માન્યો છે; કારણ, આપણે તેજ અનૂકુળ છે સરળ છે.
  ઈશ્વરને હ્રદયમાંથી ઊઠાવી ટાંગી દીધો છે દિવાલ પર
  ચાલો હવે કોઈ ના રહ્યો કશો પાપ અને પૂણ્યનો ડર!
  આજે સૌને શાંતિથી ઊંડે ઉતરી, આપણા આંતરમનને સમજવા કરતાં મૂર્તિ કે ચિત્રમાં ઈશ્વરને પ્રસ્થાપિત કરી પૂણ્ય પાપની બધી માથાકૂટમાંથી છૂટવાનું વધારે ઇષ્ટ લાગે છે.
  આપણે સૌ ધર્મપ્રધાન કરતાં કર્મપ્રધાન વધારે છીએ. આપણને ઘોંઘાટ ગમે છે. ઉત્સવ ગમે છે. ઈર્ષા, અશ્હિશનુંતા,ધર્મવ્યામોહ વધારે અનૂકૂળ આવે છે. કબીરે તેના કવિતમાં કહ્યું છે કે;
  મુલ્લાં મસ્જિદ બાંગ પૂકારે, ક્યા તેરા સાહિબ બહેરા હૈ?
  ચીટીકે પૈર બૈજન બાજે, વો મેરા સાહિબ સુનતા હૈ. મેં તેની પૂર્તિ કરી છે.
  બેકારકા ઘંટા, શંખ, ઔર ઢોલ ના બજા રે પંડા!
  ખુદ તો ગાફિલ જગા નહીં, જાગૃતકો કાહે જગાતા હૈ?
  આપણે સૌ સંસ્કારની વાતો કરીએ છીએ. ક્યા સંસ્કાર! બાપદાદાની પરંપરાથી સાંપડેલ સંસ્કાર! અમુક મહારાજ કે ઈમામને સમર્પિત કરી નીશ્ચિન્તતાના સંસ્કાર! જયાં ઈશ્વર બાદ છે અને સાંપ્રદાયિક ગુરુઓ અને તેમની વાણી વિચારસરણી જ સત્ય હોય છે।

  Like

 12. (મારી કોમેન્ટ પોસ્ટ કરતાં આટલો ભાગ કટ એન્ડ પેસ્ટ કરતાં રહી ગયો છે.)
  અંગત દુનિયા એટલે આપણી અંદર રહેલ સત્ય, શુદ્ધ ભાવો, શુભ ભાવના-તત્વોથી હર્યુભર્યુ હ્રદય . વાસ્તવમાં આપણી પાસે હ્રદય છે ખરું? હા, આપણી પાસે હાયજેનીક હ્રદય છે ખરું, પણ, સુક્ષ્મ, સત્ય અને લાગણીથી હર્યુભર્યુ સુક્ષ્મ હ્રદય છે ખરું

  Like

 13. આપણી અંગત દુનીયાના આસન પરથી બધાને હટાવીને આપણા પોતાના અંતરાત્માને બેસાડીએ એમાં જ આપણુ ભલું છે. બીજા બધા આપણા માર્ગદર્શક, હીતેચ્છુ, પુરક વગેરે હોઈ શકે; માલીક તો આપણે પોતે જ રહેવાનું છે.

  હમ્મેશ મુજબ ,શ્રી મુરજીભાઈ ગડાના આ ચિંતન લેખમાં પણ ઘણા મૌલિક વિચારો એમણે રજુ કર્યા છે એ મનનીય છે .

  દરેક વ્યક્તિ પાસે બે પ્રકારની સંપતિ હોય છે — એક ભૌતીક સંપત્તિ અને બીજી આંતરિક એટલે કે આધ્યાત્મિક સંપતિ ..ભૌતિક સંપત્તિ કાયમી સુખ આપી શકતી નથી .સુખનું મૂળ આંતરિક -આધ્યાત્મિક શક્તિમાં પડેલું હોય છે .

  Like

 14. ખૂબ સરસ આર્ટીકલ છે. એને અન્ય બ્લૉગ્સ/ સામયિકોમાં વધુ પ્રસાર મળે તો ઘણું ભલું થઈ શકે લોકોનું, સમાજનું. .

  Like

 15. ખુબ જ સરસ ચિંતનાત્મક વિષય.
  જ્યાં સુધી માનવી અન્ય વ્યક્તિ કે સમાજને કોઈ પણ રીતે નુકશાન કરનાર ન બને ત્યાં સુધી એના બાહ્ય અને આંતરિક જગતમાં અન્યોએ ટીકાકાર મનવાનો અને પોતાની માન્યતાઓ સ્વિકારાવવાનો હઠાગ્રહ ન રાખવો જોઈએ. શિક્ષણ માટે શિક્ષકની જરૂર છે જ પણ અંગત વૈચારિક જગત તો પોતે જ કોઈ પણ ગુરુ વગર જાતે જ સર્જવું પડે.

  Like

 16. અંધશ્રધ્ધા વહેમ અને ડર નાં માર્યા મોક્ષના લાલચુઓ. ગુરુઓ ,સાધુબાવા કે ધર્મધૂરધુરોના ચેલાઔ જો આ આખો લેખ વાચી જાય તો ઘડીભર તો માથું ખજવાળતા થઈ જ જાય તેવો ખુબ જ સરસ લેખ. લખલૂટ ધન્યવાદ !!! સુંદર લેખ બદલ.
  સદાચારી જીવન જીવવા ગુરુની કોઈ જ જરૂર નથી. વાલીઓ લુટારો “” મરા ..મરા બોલતા વગર ગુરુએ વાલ્મીકી બનેલો. એ દ્ન્ત્કાથા કેમ ચેલાઓ ભૂલી જાય છે.

  Like

 17. બહુજ સરસ લેખ છે ‘
  માનવ જાતિ સિવાયનાં અન્ય પ્રાણીઓને પરમેશ્વરે પોતાને આધીન રાખ્યાં છે .માનવીને સ્વતંત્રતા આપ્યા પછી .પરમેશ્વર પછતાતા હશે .પણ હવે મોડું થઇ ગયું .એક જોતા સ્વતંત્રતા આપી એ સારું કર્યું .આ કારણેજ મનુષ્ય આકાશને ઢમ ઢોળીને સત્ય બહાર કાઢી શક્યો છે .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s