જે પગ આપણને મન્દીર સુધી પહોંચાડતા હોય, એને અપવીત્ર કેમ કહી શકાય ?

–રોહીત શાહ

વાત સાવ સામાન્ય હતી અને અજાણતાં જ એમ બન્યું હતું.

એમ કરવાનો ઈરાદો પણ નહોતો કે ઉદ્દેશ પણ નહોતો; પણ થઈ ગયું. એમાંથી હોબાળો મચી ગયો. બધા દુ:ખી–દુ:ખી થઈ ગયા. જાણે બહુ જ મોટું પાપકર્મ થઈ ગયું હોય એમ સૌ બીહેવ કરવા લાગ્યા હતા.

તો વાત આટલી જ હતી કે–

દાદીમા કોઈ એક ધર્મગ્રંથ લઈને વાંચવા બેઠાં હશે અને વાંચતાં–વાંચતાં કંઈક તાકીદનું કામ આવી પડ્યું હશે, કંઈક જરુર ઉભી થઈ હશે, કોઈકે તેમને બોલાવ્યાં હશે કે બીજું કંઈક હશે; તેઓ ધર્મગ્રંથને સોફા પર મુકીને આઘાંપાછાં થયાં હશે. સોફા કંઈ ધર્મગ્રંથ મુકવાની જગ્યા તો નથી જ અને દાદીમા એ જાણતાં પણ હતાં; પરન્તુ આ ક્યાં પર્મનન્ટ ત્યાં ગ્રંથ મુકી રાખવાનો હતો ? થોડીક મીનીટો પુરતો જ ત્યાં મુકવાનો હતો. પછી ત્યાંથી લઈને એને એના યોગ્ય સ્થાને ઉંચે, કબાટમાં મુકી દેવાનો હતો. વચ્ચે ઓચીંતી ઉભા થવાની જરુરત પડી, એટલે દાદીમા સોફા પર જ ધર્મગ્રંથ મુકીને જરા આઘાંપાછાં થયાં હતાં.

બરાબર એ જ વખતે દાદીમાનો કૉલેજીયન પૌત્ર બહારથી આવ્યો. ભણી–ગણીને થાકીને આવ્યો હશે કે કદાચ ભટકી–રખડીને પણ થાકીને આવ્યો હોય, આવતાંની સાથે જ તેણે સોફા પર લંબાવી દીધું. ઉંઘ નહોતી આવી, એટલે શરીરને લંબાવી દઈને આરામ કરતો હતો; ત્યાં દાદીમા આવ્યાં. દાદીમાએ જોયું તો પૌત્રના પગ પેલા ધર્મગ્રંથને અડેલા હતા – માત્ર અડેલા હતા એમ નહીં; એના પર જ ગોઠવાયેલા હતા.

બસ, આવી જ બન્યું. જાણે મોટી હોનારત થઈ ગઈ ! દાદીમા પૌત્રને મોટા અવાજે લડવા લાગ્યાં. પૌત્રે સૉરી કહીને દીલગીરી વ્યક્ત કરી; પરન્તુ દાદીમાને મન તો જાણે આ મહાપાતક હતું ! રોષને કારણે તેમનો અવાજ ઉંચો થઈ ગયો હતો. ફૅમીલીનાં તમામ સભ્યો ત્યાં હાજર થઈ ગયાં હતાં. સૌના ચહેરા પર અણગમો અને ગભરાટ હતા. ગ્રંથ અને એ પણ પાછો પવીત્ર ધર્મગર્થ ! જ્યારે પગ તો અપવીત્ર ગણાય ! ધર્મગ્રંથને પગ લગાડાય જ નહીં. પગનો સ્પર્શ અજાણતાંયે ધર્મગ્રંથને ન થવો જોઈએ ! એમાં ધર્મગ્રંથનું ઈન્સલ્ટ કહેવાય, ધર્મનું અપમાન કહેવાય, સરસ્વતી (વીદ્યા)ની અવહેલના કહેવાય…

સૌ પેલા યુવાનને ઠપકારતાં હતાં : ‘તને કંઈ ભાન નથી પડતું અને તારામાં કશા સંસ્કાર જ નથી. તું વંઠી ગયો છે, બગડી ગયો છે. બે ચોપડી ભણ્યો એમાં પોતાને બહુ વીદ્વાન સમજે છે. સંસ્કૃતી અને પરમ્પરાઓને તો તું ફાલતું અને નકામી અને હાસ્યાસ્પદ માને છે.’

પૌત્ર બે–ત્રણ વખત સૉરી બોલ્યો; છતાં સૌએ તેને વઢવાનું ચાલુ જ રાખ્યું. આખરે અકળાઈને તે બોલ્યો, ‘મારો પગ તો એ ગ્રંથને અજાણતાં અડી ગયો છે; પણ તમે તો જાણીજોઈને ગ્રંથ અહીં મુક્યો હતો ને ! ગમે એવું તાકીદનું કામ આવી પડ્યું હોય તોય, ‘પવીત્ર ગ્રંથ’ને ટેબલ પર કે કબાટમાં મુકવામાં કેટલો વીલમ્બ થવાનો હતો ? ભુલ મારી એકલાની નથી; તમારી પણ મોટી ભુલ છે. તમેય બેદરકારી બતાવી છે. મેં અજાણતાં એમ કર્યું છે; તોય મારી ભુલ કબુલ કરું છું અને તમે તો તમારી ભુલ સ્વીકારવા પણ તૈયાર નથી! એમાં મારી કોઈ ભુલ નથી એવું મને લાગે છે; છતાં ત્રણ વખત સૉરી કહી ચુક્યો છું. જો તમારી સંસ્કૃતી અને તમારી પરમ્પરાઓ આવી જડ હોય તો હું એને ધીક્કારું છું.

પગને આપણે અપવીત્ર માન્યા છે. હાથ પવીત્ર ગણાય. ધર્મના પુસ્તકોને હાથથી પકડાય, પણ પગ ન અડાડાય. આવું કેમ ? પગ શું પારકા, ઉછીના, ઉધારના છે ? આપણે મન્દીરે કે દેરાસરે જવું હોય તો આપણા પગ જ ત્યાં લઈ જાય છે ને ? મન્દીરનાં કે તીર્થનાં પગથીયાં પગ જ ચડે છે ને ? પગના પુરુષાર્થને કારણે જ આંખને ઈશ્વરની મુર્તી કે છબીનાં દર્શન થાય છે. એ પગ અપવીત્ર કેમ ? અને જ્યાં–જ્યાં પગ જાય છે ત્યાં–ત્યાં હાથ, મોં, આંખ, કાન, વાળ – બધું જ જાય છે. જો પગ અપવીત્ર થઈ જતા હોય તો આ તમામ અવયવો પણ અપવીત્ર થતાં જ હોવાં જોઈએ ને ! તો પછી પગ પ્રત્યે કેમ ઓરમાયું વર્તન કરવાનું ?

પણ ધર્મની અને શ્રદ્ધાની બડી–બડી વાતો કરનારા માણસો આવી નાનકડી સચ્ચાઈને સમજી નથી શકતા.

પૌત્રે કંઈ ધર્મગ્રંથને લાત નથી મારી, એની ઉપેક્ષા નથી કરી, તો પછી એમાં ધર્મગ્રંથનું અપમાન શાનું ?

અને પૌત્રે જે કહી એ દાદીમાની ભુલ તરફ તો કોઈ ધ્યાન આપતું જ નથી ! ધર્મના નામે પરીવારમાં કલહ કરવાનો ? કોઈ સૉરી કહે તોય તેને ગુનેગાર માનવાનો ? ધર્મની શ્રદ્ધા એ શું આપણને ખુલ્લાં મનનાં થવાને બદલે આવાં સાંકડાં અને સડેલાં દીમાગનાં બનાવી મુક્યાં છે ? શું આપણને આવી સંકુચીત વૃત્તીઓવાળા ધર્મની તલાશ છે ? અને જે કહેવાતો ધર્મ પારીવારીક વર્તમાન સમ્બન્ધોને કશાય કારણ વગર અભડાવી રહ્યો છે, એવો ધર્મ શું આપણો આવતો ભવ સુધારશે એવી આપણને શ્રદ્ધા છે – હૈયાધારણ છે ?

આપણી ભુલ નહીં સ્વીકારવાની અને સામેની વ્યક્તી સાચી હોય તોય તેનો જ દોષ કાઢવાનો – આ શું આપણને આપણો ધર્મ શીખવે છે ? ધર્મગ્રંથ પવીત્ર વસ્તુ છે. એમાં સારી–સારી વાતો છે, ઉમદા જીવનદર્શન છે, પુણ્યબોધ છે; તો પગ કંઈ અપવીત્ર નથી. એ ધર્મગ્રંથ ખરીદવા બજારમાં જવાનું હતું ત્યારે આપણા પગ જ આપણને બજાર સુધી લઈ ગયા હતા. કબાટમાં એ ધર્મગ્રંથને ઉંચો મુકવાનો હોય ત્યારે પગ પણ પુરો સહયોગ આપે જ છે. તો પણ ધર્મગ્રંથનું વાચન કરનારને પગ કેમ અપવીત્ર લાગે છે? ખરું અજ્ઞાની કોણ ?

એ પૌત્ર પછી મારી પાસે આવ્યો હતો. તેણે આખી ઘટના કહ્યા પછી મને કેટલાક પ્રશ્નો પુછ્યા, ‘રોહીતભાઈ, સાચું કહો; મેં ધર્મગ્રંથનું અપમાન કર્યું હોય એવું તમને લાગે છે ? ઘણાં ફૅમીલી કીમતી ધર્મગ્રંથ વસાવે છે ખરાં; પણ એને કોઈ વાચતું નથી. શો–કેસના પીસરુપે ધર્મગ્રંથને ગોઠવી રાખે છે. એમાં ધર્મગ્રંથનું અપમાન નથી શું ? ઘણા લોકો વાર–તહેવારે ધર્મગ્રંથોની પુજા કરે ત્યારે એના પર અબીલ–ગુલાલ–ચોખા વગેરે નાખે છે. ધર્મગ્રંથને આ રીતે ગંદો કરવો એનું અપમાન નથી શું ? ક્યારેક કબાટમાં મુકેલા ધર્મગ્રંથ તરફ કોઈ નજર સુધ્ધાં કરતું નથી અને એને ઉધઈ લાગે છે, ભેજ લાગે છે, એનું પુઠું અને એનાં પાનાં વળી જાય – બરડ થઈ જાય એટલી હદે એની ઉપેક્ષા થાય છે; એમાં એનું અપમાન નથી શું ? એક વખત તો એક વીધર્મી પાડોશીએ એ ગ્રંથ વાંચવા માગેલો, ત્યારે ‘વીધર્મીના હાથમાં આપણો ધર્મગ્રંથ જાય તો ધર્મ અભડાય’, એમ સમજીને સૌએ તેને ના પાડેલી. કોઈની જીજ્ઞાસાને આ રીતે જાકારો આપીને ધર્મગ્રંથને કબાટમાં કેદ કરી રાખવામાં એનું અપમાન ન કહેવાય શું ?’

મેં હજી એ પૌત્રના એકેય પ્રશ્નનો જવાબ નથી આપ્યો, વાયદો કર્યો છે. પછી નીરાન્તે ચર્ચા કરીશું, એમ કહીને તેને પાછો મોકલ્યો છે; પણ તે જરુર મારો જવાબ જાણવા આવશે. મારે તેને ત્યારે શો જવાબ આપવો ?

વાચકમીત્રો, મારે તમારું ગાઈડન્સ જોઈએ છે.

પ્લીઝ, મને કહેશો કે ધર્મગ્રંથનું અપમાન કોને કહેવાય ?

 –રોહીત શાહ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક આ અબ લૌટ ચલેં(પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ : 8 + 136 = 144 મુલ્ય : રુપીયા 100/- ઈ.મેઈલ : goorjar@yahoo.com )માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : 079-2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચક મીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11/12/2015

27 Comments

  1. It is a very nice and truthful article for reading and thinking. Our body acts together and all organs are equally important. We have made all so called rules in life. The grandson has said sorry three times for his action but his grandma did not admit her mistake. Our teaching and thoughts are hollow from inside. We should start thinking in a positive way.

    Thanks for this good article.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. आ बधी बिनजरूरी पळोजणमां ज धर्मनुं मूळ तत्व अटवाईने खोवाई गयुं छे.y

    Liked by 1 person

  3. રોહિતભાઇ સરસ આર્ટિકલ લાવ્યા. આખા પાઠમાં ફક્ત પવિત્રતા અને અપવિત્રતાના દર્શન થયા. પગ શરીરના અતિ ઉપયોગી અંગો છે જેના વિના હલન ચલન અશક્ય બને છે. હલન ચલન માટે બીજા રસ્તા શોઘવા પડે છે. આખા લેખમાં કે પાઠમાં અતિ અગત્યની અેક વાત જડતી નથી.

    આ લેખ અેક પાઠ છે.

    દાખલા આપીને મારી વાત સમજાવવાની કોશીશ કરું છું.

    વેસ્ટર્ન વર્લડમાં ચોખ્ખાઇનો મહીમા છે. ચોખ્ખાઇ વિનાની જગ્યા…ચોખ્ખાઇ વિનાનો માણસ….ચોખ્ખાઇ વિનાનું પ્રાણિ….ડોગ કે બીલાડી…..ચોખ્ખાઇ વિનાના જાહેર સંડાસ કે મુતરડી…..ચોખ્ખાઇ વિનાના ઘાર્મિક મકાનો કે સ્થળો અને બીજા અનેક દાખલાૉ કે જ્યાં ચોખ્ખાઇ અેટલે ‘દેવ‘….અને અેટલે જ ચર્ચમાં પણ તેઓ બુટ, ચપ્પલ પહેરીને જાય છે અને તેમાં કાંઇ પણ અપવિત્ર નથી….ઇવન બેડરુમમાં પણ બુટ પહેરીને જાય છે. ત્યાં કોઇ દાદીમા લડતી નથી…હાં તે જરુરથી ચોખ્ખાઇની માંગણી કરશે. કપડાંની ચોખ્ખાઇ પણ તે માંગશે. પુસ્તકોને પગ અડતા હશે તો પુસ્તકોને ઉચકીને સાઇડમા મુકશે પરંતુ લડાઇ ઝગડા નહિ કરે. ચોખ્ખાઇ…ચોખ્ખાઇ અને ચોખ્ખાઇ તેમને મન અતિ અગત્યની જરુરીઆત છે. અેટલે જ અહિં ભારતમાના ગંડા વાતાવરણથી થતાં રોગો નથી કે બહુ જ ઓછા થાય છે. નરેન્દ્ર મોદીને ચોખ્ખાઇ માટે દેશભરમાં કામ ઉપાડવું પડયુ. આ કામ માટે તેને સૌઅે સાથ આપવો જોઇઅે…પેલા દાદીમાઅે તો ખાસ….આપણા મંદિરોના ફ્લોર લીંગ ઉપર ચઢાવેલાં દુઘ પાણીથી ભીના હોય છે અને તેની ઉપર ઉઘાડા પગે સેંકડો લોકો ચાલે છે અને પછી તે ફ્લોર ગંદકીથી તરબોળ બની જાય છે. ભારતના ઘાર્મિક સ્થળો સૌથી વઘુ ગંદા સ્થળો છે. ગંદકી ભારતીઓનો જન્મસિઘ્ઘ અઘિકાર છે.
    ઘરમાં બહારથી આવીઅે ત્યારે પગ ચોખ્ખા હોય તો પછી ઘર પણ ચોખ્ખુ હોય અને ઘાર્મિક પુસ્તક પણ. અને છતાં દાદીમાનું મન નહિ માને તો જે પુસ્તકને પૌત્રના પગ અડી ગયા હોય તે પુસ્તકને માથા ઉપર બે વખત અડાડીને સોરી બોલાવી દેવાનું….માથુ તો સૌથી પવિત્ર અંગ છે ને ?….સાપ પણ મરે અને લાકડી પણ નહિ ભાંગે….
    ગંદકી દૂર કરવાના કામો પવિત્રતા પામવાના રસ્તાઓ છે. ઘાર્મિક અંઘતા તે પવિત્રતા પામવા માટેના રસ્તાઓ ઉપરના સૌથી માટા પથરાઓ છે.
    અમૃત હઝારી.

    ચોખ્ખાઇનો મહિમા અને અભિગમ ભારત માટે સૌથી અગત્યનો અને સૌથી પવિત્ર પ્રશ્ન છે.

    Liked by 1 person

    1. કયારેક ઘણા લોકો પંડિત ના હોવા છતા પંડિત બની જાય છે.

      Like

  4. આશ્રમ ભજનાવાલીમાં એક શ્લોક છે.

    समुद्रवसने देवी पर्वतस्तनमण्डले |
    विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शम् क्षमस्व मे ||

    સમુદ્ર રૂપી વસ્ત્રો વાળી, પર્વતો રૂપી સ્તનો વાળી હે વિષ્ણુપત્ની (પૃથ્વી) તને નમું છું, મારો પગ લગાડવા બદલ મને માફ કર.

    ગાંધીજી જેવી વ્યક્તિ તેમની પ્રાર્થનામાં આવી વાહિયાત સ્તુતિ સામેલ કરે તો પછી બીજા સામાન્ય પ્રજાજનો શું કરે?

    Liked by 1 person

    1. To Shri Desai:
      We have such “વાહિયાત સ્તુતિ” numbering hundreds in our religious books.
      The answer to your question is this : Common people keep reading them everyday; and great men like Gandhiji support them; so common people get trained to believe in such “વાહિયાત” ideas.
      What is the long term result? Our common people absorb silly ideas and become irrational day by day. We see that in India everyday.

      No book is good, bad or sacred —the ideas in the book can be good, bad or whatever.
      Conratulations to Shri Rohitbhai for presenting a nice thought.
      –Subodh Shah — USA.

      Liked by 1 person

      1. I mentioned this one particularly becuase it mentions one’s feet touching a ‘sacred’ being as if it was a sacrilege, the subject of this article and becuase it was selected by a very great person. Touching mother earth with our feet is an involuntary act unlike most others prohibited in our relogion. The other hundreds of shloks pertain to those other acts.

        Liked by 1 person

  5. રોહિતભાઈ, નમસ્તે. ખુબ સરસ લેખ લખ્યો છે આપે.
    હમણાં હ્યુસ્ટનમાં , એક મંદીરમાં હું ગયો હતો. ત્યાં ખુરશીઓ ફુલ થઈ ગયેલી અને મારા બન્ને પગે Knee Replacemnt કરાવેલું છે એટલે હું નીચે જાજમ પર, પગ લાંબા રાખીને બેઠેલો. તરત જ શીખામણોનો ધોધ શરૂ થઈ ગયો. “પ્રભુની દિશામાં, ગુરુની વ્યાસપીઠ સામે પગ રાખીને તો બેસાય જ કેમ ? ”
    પછીની વાત બહુ લાંબી છે. પણ આ ગાંડા, અંધશ્ર્ધ્ધાળુઓ સાથે જીભાજોડી કર્યા વગર, હું હોલની બહાર, બાંકડે જઈને બેઠો અને પત્ની બહાર આવે તેની રાહ જોતો રહ્યો.
    અમેરિકા જેવા દેશમાં યે આવા વિચારો ધરાવતા પાગલો વસે છે.

    નવીન બેન્કર (હ્યુસ્ટન, ટેક્સાસ )

    Liked by 4 people

    1. Very well done. Bahaar besvaa thi khooli havaa to mali ane wife pan heppy ke ene tamaara lidhe Mandir thi bahaar na aav voo padiyu!

      First to those who believe in ‘Sanskruti’ why not spare a chaire for you? I moved in Houston since Jan15, and yet I have not found ‘right’ temple that I can feel ‘peace’ …. As it is going any Mandir for me would helping out by doing any volunteer work…… I am still looking for ‘right’ Mandir where I can do volunteer work like I used to in Atlanta.

      Liked by 1 person

  6. રોહિતભાઇ,
    આપના ઘણાં લેખો મેં સાચવી રાખ્યા છે. વર્તમાનપત્રો /સામયિકો માંથી કતરણ કરીને. આવા ઇ-મેઇલના લેખો ‘ Word’ માં સેઇવ કરીને ફોલ્ડરમાં મૂકી દઉં. અમદાવાદ આવેલો ત્યારે મેં આપને ફોન પણ કરેલો અને મળવા આવવાની વાત પણ થયેલી. પણ એ શક્ય બન્યું ન હતું. ક્યારેક ફોન પર વાત કરીશું.

    નવીન બેન્કર

    Like

  7. Rohit Bhai khub saras navojvishay hadayspashiy lekh pan khatle moti khod e chhe ke Bharat ma dharma mandirma pustakma dekhavma chhe dharma jivavani Vastu chhe jyare Bharat ma dharma dekhadvani Vastu chhe dharmane mandirma ked karyo chhe khabar nahi kyate chhutse Ena karta buddhishali hoi to dharmaj chhodido sukhaj sukh .

    Liked by 1 person

  8. Jiyaa vaad j chibhdaa kahi jati hoi to salaah kone aapvi? Our elders who in name of Sanskruti or paramparaa keep forcing things that are meangless to life and then when we do something right, they think ‘our sanskruti behr maari gayee’ My advice to kid is to do everything opposite of what they do….. like zuttaa- chappal pehri ne j ghar ma chalvoo…. everything they think is ‘Aapavitra’ just do that….

    Liked by 1 person

  9. પગની પવિત્રતા અને ઉપયોગિતા વિષે મારાં બ્લોગ ઉપર 6/12/2011ના એક પોસ્ટ મૂકેલ તે યાદ આવી ગઈ. બ્લોગર મિત્રોને તે વાંચવા વિનંતિ. ઉપરાંત રોહિત ભાઈની આ પોસ્ટ મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર !

    Liked by 1 person

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      શ્રી. રોહીત શાહનો લેખ ‘જે પગ આપણને મન્દીર સુધી પહોંચાડતા હોય, એને અપવીત્ર કેમ કહી શકાય ?’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો.મારુ..

      Like

  10. ઘણાં ફૅમીલી કીમતી ધર્મગ્રંથ વસાવે છે ખરાં; પણ એને કોઈ વાચતું નથી. શો–કેસના પીસરુપે ધર્મગ્રંથને ગોઠવી રાખે છે. એમાં ધર્મગ્રંથનું અપમાન નથી શું ? ઘણા લોકો વાર–તહેવારે ધર્મગ્રંથોની પુજા કરે ત્યારે એના પર અબીલ–ગુલાલ–ચોખા વગેરે નાખે છે. ધર્મગ્રંથને આ રીતે ગંદો કરવો એનું અપમાન નથી શું ? ક્યારેક કબાટમાં મુકેલા ધર્મગ્રંથ તરફ કોઈ નજર સુધ્ધાં કરતું નથી અને એને ઉધઈ લાગે છે, ભેજ લાગે છે, એનું પુઠું અને એનાં પાનાં વળી જાય – બરડ થઈ જાય એટલી હદે એની ઉપેક્ષા થાય છે; એમાં એનું અપમાન નથી શું ? એક વખત તો એક વીધર્મી પાડોશીએ એ ગ્રંથ વાંચવા માગેલો, ત્યારે ‘વીધર્મીના હાથમાં આપણો ધર્મગ્રંથ જાય તો ધર્મ અભડાય’, એમ સમજીને સૌએ તેને ના પાડેલી. કોઈની જીજ્ઞાસાને આ રીતે જાકારો આપીને ધર્મગ્રંથને કબાટમાં કેદ કરી રાખવામાં એનું અપમાન ન કહેવાય શું ?’
    ઉપરના તમામ સવાલોના જવાબ ‘હા’ છે. હવે ‘જુની’ અને ‘જુઠી’ મન્યતાઓ બદલવાનો સમય આવી ગયો છે. રોહિતભાઈ, ખુબ સરસ લેખ લખ્યો છે. પલ્લવી

    Liked by 1 person

  11. પગ હાથ કરતા વધુ અસ્વચ્છ હોઈ શકે અપવિત્ર જરાય નહિ. માટે જે પુસ્તકો હાથમાં લઈને વાંચવાના હોય તેને હાઈજીન ની દ્રષ્ટીએ પગ ના અડકે તો વધુ સારું. બાકી ભૂલમાં અડી જાય તો કાઈ આભ નથી તૂટી પડવાનું

    Liked by 2 people

  12. Very good article. I liked comments from Govind Maru feet which take us to temple how can be apavitra. When comes to religion people do not think much. People do not question much. When they have question even religious authority can not answer. Just because so called pandit say something I have to believe it ??? It will take while to change society and their thinking .
    Rohit Patel cherry hill

    Liked by 1 person

  13. ‘અજાણતા થયેલી ભૂલનું મહાભારત’ . ઘરનાં વડિલ માજીએ માફી સ્વિકારી લીધી હોત તો કશું બગડવાનું ન હતું. આજનો યુવાન ધર્મગ્રંથને માને કે ન માને તેનું જાણી જોઈને અપમાન ન કરે !

    Liked by 1 person

  14. Dear Subodhbhai,

    Irrational ?
    “We see in India every day….” ? In India,? Yes.

    Also in America…….Majority of all the three generations of Indians….(Hindu….and others….) in America are irrational..

    Amrut Hazari.

    Liked by 1 person

    1. Dear Amrutbhai,

      It looks like irrationality is a worldwide human weakness. The current issue of ‘National Geograpjic Magazine’ has an article on Mother Mary of Jesus Christ detailing how people worship her all over the world.

      Like

      1. Yes, both of you are quite right: Irrationality or lack of Reason can be everywhere.
        But, do you think its degree or proportion (meaning its extent)
        can make a difference? Thanks. —Subodh Shah —

        Liked by 1 person

  15. With the passage of time and spread of knowledge, the reliance on faith should keep decreasing. Sadly though, even great reformers like Gandhiji and Lokmanya Tilak, inadvertently encouraged questionable practices like apologizing to mother earth for touching her by our feet (are we supposed to move like snakes?) and widespread Ganeshotsavs. I only hope it is not an irony of (mankind’s) fate!

    Liked by 1 person

  16. આ બધા માથે ઠોકી બેસાડેલા વિચારો જ પેઢી દર પેઢી ચાલ્યા કરે ને મૂળ વાતો જ વિસરાઈ જાય. હવેના જુવાનિયાઓ ધર્મને સમજીને જીવનમાં ઉતારે છે. અંધશ્રધ્ધાને પણ એ લોકો જ વિદાય આપશે. સરસ લેખ.

    Liked by 1 person

  17. ઍક મુસ્લિમ તરીકે આ વિષય પર મારા વિચારો:

    આજથી ૬૦ વર્ષ પહેલા ઍક ઉર્દૂ કવિઍ કરાચી,પાકિસ્તાન માં ઉર્દૂ ભાષામાં ઍક કવિતા લખેલ હતી, જેનું શિર્ષક હતું ” કુરાન ની ફરિયાદ”, ઍટલે કે મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન ફરિયાદ કરી રહેલ છે. તેમાં ની અમુક કન્ડિકાઑ નું ગુજરાતી માં ભાષાંતર:

    “મને કાપડના તાકાઓ માં લપેટવામાં આવે છે,
    મને છાતી પર લગાવવામાં આવે છે,
    મારા પર સુગંધ છાન્ટવામાં આવે છે,
    મારો સોગંદ લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે,
    જેવી રીતે પોપટને બોલવું શીખાવવામાં આવે છે,
    ઍવી રીતે મારું પઠન કરવામાં આવે છે.”

    વગેરે, વગેરે, વગેરે,

    મુસ્લિમોમાં પણ ધર્મશાસ્ત્રને સમજીને તેનું અનુસરણ કરવાના બદલે, પોપટની જેમ જ પઢાવવામાં આવે છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  18. રોહિતભાઈ લખે એટલે વાંચવું તો પડે જ. લો વાંચ્યું!!!. સરસ…બધી જ વાત મજાની. વિરોધ તો થાય જ નહીં. ભગવાનને પ્રેમથી પગે લાગવું હોય તો હાથને બદલે પગથી પણ પગે લગાય. માંના પેટમાં રહેલું બાળક જ્યારે પહેલી ‘કિક’ મારે ત્યારે મા ને કેટલો આનંદ થાય!!! પગ હાથ કરતાં વધુ પવિત્ર છે. પવિત્ર અને સ્વચ્છતા એ બે જૂદા જ શબ્દો છે એ ધ્યાનમાં લેવા જરૂરી છે.
    ઓકે આપણા દેશી રિવાજની વાત કરીએ…ભારતમાં ગમે તે ઠોકાઠોક ચાલતી હોય….આઈ ડોન્ટ કૅર. પણ સાલુ અમેરિકન ફ્યુનરલ હોમમાં પણ દેશીઓ બારણાં પાસે ખાસડાંનો ઢગલો કરીને ઉઘાડા પગે ખુરસી પર બેસે તે જ મારા ભેજામાં ઉતરતું નથી. મંદીરોમાં પણ ખાસડાંના ખાના હોય. અરે ભગવાન???? અમે અમારા જૂતા પહેરીને આવીએ ખુરશી પર બેસીને તમારા શણગારને જોઈને ખૂશ થઈએ તેમાં તમને કાંઈ વાંધો ખરો? જે જવાબ આપવો હોય તે રોહિતભાઈને આપજો. આપણે કાંઈ લેવા દેવા નૈ.
    આતો અમેરિકન ખાસડા પુરાણ થઈ ગયું.

    પાછી પગની વાત. મોટી બેકરીમાં અસલ પગથી જ લોટ ખૂંદાતો હતો. હવે તો મશીનો વપરાતાં હશે.

    હવે છેલ્લે સ્વભાવ પ્રમાણે સેક્સની વાત.
    સૂતેલી સુંદરીના બીલકુલ વ્હાઈટ વ્હાઈટ પગની પાટલીને તળીયે મહેંદીનો રંગ શોભતો હોય ત્યાં પ્રિયતમ જીભથી સ્પર્શ કરે. હળવે રહી પગનો અંગુઠો કરડાય જે શરૂઆત પગથી થાય તે આગળ વધતી જાય એ રોમાન્સ પણ અલગ હોય…

    ટૂંકમાં રોહીતભાઈએ છોકરાને નહીં પણ દાદીમાંને કહી દેવાનું કે શાસ્ત્રી એ કહ્યું છે કે ‘ચોખ્ખા પગથી જે કાંઈ થાય તે બધું જ ભગવાન ને મંજૂર છે.’
    (ઉત્તમભાઈએ કે બીજા કોઈએ પણ જોડણીની સ્વચ્છતાની વાત મારી સાથે ના કરવી)

    Like

Leave a comment