આંખો છે પણ દૃષ્ટી નથી!

આંખો છે પણ દૃષ્ટી નથી!

–રમેશ સવાણી

“જોષીજી! છાપામાં પત્રીકા હતી તે વાંચીને હું તમારી પાસે આવ્યો છું. તમે 151 ટકા ગેરંટી આપી છે! તમે ફોટો જોઈને પણ જીવનની કોઈપણ સમસ્યાનો ઉકેલ કરી આપો છો! તમે બાર કલાકમાં રીઝલ્ટ આપો છો! જ્યોતીષનું કરેલું કોઈ નીષ્ફળ બનાવે તો દસ લાખનું ઈનામ તમે જાહેર કર્યું છે! તમે ત્રીકાળ જ્ઞાની છે, એવું પત્રીકામાં છપાયેલું છે, એટલે હું તમારી શક્તીથી અંજાઈને અહીં આવ્યો છું!”

“તમારું નામ?”

“તમે તો ત્રીકાળ જ્ઞાની છો, મારા નામની ખબર જ હશે!”

“જુઓ! એ બધું હું જાણી શકું છું; પરન્તુ તે માટે મારે વીધી કરવી પડે! એનો રુપીયા પાંચ લાખ ચાર્જ થાય!”

“જોષીજી! રહેવા દો. એવી વીધી નથી કરવી! મારું નામ ભાનુભાઈ લક્ષ્મણભાઈ ભડીયાદરા છે. ઉમ્મર : 38. મીની બજારમાં, રાજહંસ ટાવરમાં હીરા લે–વેચનો ધન્ધો છે, ધન્ધામાં મન્દી છે. હું મુંઝાયો છું. ધન્ધો બન્ધ થઈ ગયો છે, હવે કરવું શું, એની ચીંતા સતાવ્યા કરે છે!”

“ભાનુભાઈ! ચીંતા ન કરો. તમારો ધન્ધો જામી જશે. તમારો જમણો હાથ દેખાડો. તમારી હસ્તરેખા જોતાં તમે ધનનાં ઢગલામાં આળોટી શકો છો. તમારી કપાળરેખા જોરદાર છે. હાલ ગ્રહોની વક્ર દૃષ્ટી તમારી ઉપર પડી છે. તમારું ભવીષ્ય મુકેશ અંબાણી જેવું છે! ચીંતા છોડો. વીધી કરવી પડશે. રુપીયા 5,100/–નો ખર્ચ થશે!”

“જોષીજી! ભલે ખર્ચ થાય. વીધી કરો!” ભાનુભાઈએ રુપીયા આપ્યા. જોષીજીએ વીધી કરી અને ભાનુભાઈને એક માદળીયું આપ્યું.

ભાનુભાઈ ઘેર આવ્યા. બે દીવસ થયા છતાં કોઈ ફેર પડયો નહીં. બાર કલાકમાં ફેર પડવો જોઈએ પણ ધન્ધાની પરીસ્થીતીમાં કોઈ પરીવર્તન ન આવ્યું. બીજા પાંચ દીવસ રાહ જોઈ છતાં માદળીયાનો કોઈ ચમત્કાર ન થયો! ભાનુભાઈએ જોષીજીને ફોન કરી હૈયાવરાળ ઠાલવી. જોષીજીએ કહ્યું : “ભાનુભાઈ! રુબરુ આવો!”

જોષીજીનું નામ હતું વીનોદ સોહનલાલ. ઉમ્મર : બત્રીસ વરસ. સુરતનાં ભાગા તળાવ વીસ્તારમાં પ્રતાપ પ્રેસની ગલીમાં ગુરુકૃપા જ્યોતીષ કાર્યાલય ખોલી જ્યોતીષનું કામકાજ કરતા હતા. ભાનુભાઈ જોષીજી પાસે પહોંચ્યા. જોષીજીએ કહ્યું : “ભાનુભાઈ! નડતર કાબુમાં નથી આવતું! જો નડતરને કાબુમાં નહીં લઈએ તો તમારા પરીવારને નુકસાન કરશે. ભારે વીધી કરવી પડશે! રુપીયા 15,000/–નો ખર્ચ થશે!”

“પણ જોષીજી! તમે માદળીયું આપ્યું છે, એનાથી કેમ કોઈ ફેર ન પડયો?”

“ભાનુભાઈ! નડતર શક્તીશાળી છે, રાક્ષસી તાકાત ધરાવે છે. નડતરે માદળીયાને નકામું બનાવી દીધું છે! એટલે જ કોઈ ફેર પડયો નથી! ભારે વીધી કરીએ તો જ પરીણામ મળે તેમ છે!”

ભાનુભાઈએ રુપીયા 15,000/–ની વ્યવસ્થા કરી જોષીજીને આપ્યા. બે મહીના થયા છતાં કોઈ ફેર પડયો નહીં. ભાનુભાઈની મુંઝવણ વધી ગઈ. નડતરનાં કારણે ઘરમાં કોઈ ગમ્ભીર ઘટના થઈ જશે, એવો ડર ભાનુભાઈને સતાવતો હતો. ભાનુભાઈની ઉંઘ ઉડી ગઈ. રાતે પડખા ફેરવ્યાં કરતા હતાં. ચીંતાનાં કારણે એના ઉપર કાળાશ દેખાતી હતી. જમવાનું ભાવતું ન હતું.

ભાનુભાઈએ ફરી જોષીજીનો સમ્પર્ક કર્યો. જોષીજીએ કહ્યું : “ભાનુભાઈ! તમને ડરાવતો નથી; પરન્તુ તમારા પરીવાર ઉપર સંકટ છે. પરીવારના સભ્યોનાં મોત થાય તેવું તાવીજ તમારા આંગણામાં કોઈ મુસલમાને નાખ્યું છે! એ નડતર કાઢયાં વીના તમને શાંતી થવાની નથી. આ માટે જોખમી વીધી કરવી પડશે!”

“પણ જોષીજી! મેં કોઈ મુસલમાનનું ક્યારેય ખરાબ કર્યું નથી! શા માટે સાચું થાય છે?”

“ભાનુભાઈ! શની અને મંગળ બન્ને ગ્રહો તમારાથી નારાજ થયા છે!”

“ગ્રહો રાજી–રાજી થઈ જાય તેવું કંઈક કરો!”

“ભાનુભાઈ! ગ્રહોની કૃપાદૃષ્ટી વીના પાંદડું પણ હલતું નથી. તમે ચીંતા ન કરો. હું વીધી કરી આપીશ. રુપીયા 45,000/–નો ખર્ચ થશે!”

“જોષીજી! મુસલમાનનું તાવીજ અને શની–મંગળના ગ્રહ વચ્ચે કોઈ સમ્બન્ધ છે? મને કંઈ સમજાતું નથી!”

“ભાનુભાઈએ! આ વસ્તુ દરેકને ન સમજાય. જેણે માતાજી અને ભગવાનની સાધના કરી હોય તેને જ સમજાય!”

ભાનુભાઈએ મીત્રો અને સગાઓ પાસેથી રુપીયા ઉછીનાં લઈ જોષીજીને આપ્યાં. બીજા ત્રીસ દીવસ થયા છતાં ભાનુભાઈની સ્થીતીમાં કોઈ ફરક ન પડયો! તે વધુને વધુ ચીંતામાં ડુબવા લાગ્યાં. આર્થીક ભીંસમાં સપડાઈ ગયાં. જોષીજીની વીધીની અસર કેમ થતી નથી, એની ચીંતામાં એનું સાત કીલો વજન ઘટી ગયું.

ભાનુભાઈ પહોંચ્યા જોષીજી પાસે કહ્યું : “જોષીજી! તમને મળ્યો ત્યારથી મારી દશા વધુ ખરાબ થઈ ગઈ છે. હું હેરાન–હેરાન થઈ ગયો છું. પરીવારના લોકો મારી તરફ શંકાની નજરે જુવે છે. આવી હાલત થવાનું કારણ શું છે? તમે બાર કલાકમાં રીઝલ્ટ આપવાનો દાવો કરો છો, ચાર મહીના થયા છતાં પરીણામ દેખાતું નથી. આવું કેમ થાય છે?”

“ભાનુભાઈ! થોડો સમય ચીંતા રહેશે; પરન્તુ પછી સારા દીવસો તમારી રાહ જોઈ રહ્યા છે!”

“જોષીજી! સારા દીવસો ભલે ન આવે, પરન્તુ હું પ્રથમ વખત તમને મળેલો ત્યારે જે સ્થીતી હતી તેવી સ્થીતી નીર્માણ થઈ જાય, એવું તો કરો! હવે તો હું કોઈને મોઢું બતાવી શક્તો નથી! ઉઘરાણીવાળા ઘેર આવે છે!”

“ભાનુભાઈ! ચીંતા છોડો. કંઈક સારું મેળવવા માટે થોડું ગુમાવવું પણ પડે! તમારી સમસ્યાનો ઉકેલ હવે હાથવગો છે. ત્રણ સીધ્ધીયન્ત્ર કાશીથી મંગાવવા પડશે! એક સીધ્ધીયન્ત્રની કીમ્મત એક લાખ છે! ત્રણ લાખનો ખર્ચ થશે; પરન્તુ તમારી સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે!”

“જોષીજી! ત્રણ લાખ હું ક્યાંથી કાઢું? ધન્ધો બંધ છે. સખત મન્દી છે, એટલે તો હું તમારી પાસે આવ્યો હતો. પણ કંઈ ફેર ન પડયો. રુપીયા 65,100/–નો ખર્ચ થઈ ગયો અને પરીસ્થીતી સુધરવાને બદલે વણસી ગઈ છે!”

“ભાનુભાઈ! નડતર વીચીત્ર છે! તમારા ઉપરથી કાઢવા ગયો, પણ સામે થયું છે! કાયમી ઉકેલ લાવવો હોય તો આ વીધી કરવી પડશે!”

“ભલે જોષીજી! ચાર દીવસ પછી પૈસાની વ્યવસ્થા કરીને હું આવું છું!”

તારીખ 24 મે, 2009. સવારના અગીયાર વાગ્યે ભાનુભાઈ જોષીજી પાસે પહોંચ્યા, કહ્યું : “જોષીજી! ત્રણ લાખનો મેળ પડતો નથી. ત્રણ લાખની વ્યવસ્થા થઈ જાય એની કોઈ વીધી છે?”

“ભાનુભાઈ! તમે ભારે કરી! સીધ્ધી યન્ત્રની વીધી નહીં થાય તો નડતર તમારા પરીવારનો ભોગ લેશે અને સાથે મારો પણ ભોગ લેશે! હું બ્રાહ્મણ છું. હું મરી જઈશ તો તેનું પાપ તમને લાગશે અને તમારી વીસ પેઢી સુધી બધાનાં મોત અકાળે થશે!”

“જોષીજી! મારો ભોગ લેવાય તો વાંધો નથી, પરન્તુ તમારો ભોગ લેવાય એવું હું ઈચ્છતો નથી. હું પૈસાની વ્યવસ્થા કરીને આવું છું!”

ભાનુભાઈ જોષીજીના આશીર્વાદ લઈ બહાર નીકળ્યા ત્યારે એક મહીલાએ અન્દર પ્રવેશ કર્યો, કહ્યું : “જોષીજી! મારી ઉપર આકાશ તુટી પડયું છે! મારા પતી અશ્વીનભાઈ આંબલીયા બે દીવસથી ક્યાંક ચાલ્યા ગયા છે. મોબાઈલ ફોન બન્ધ આવે છે. એ કઈ જગ્યાએ છે, એનું પગેરું શોધી આપો!”

“દેવીજી! તમારું નામ?”

“મારું નામ ગીતા આંબલીયા છે!”

“જુઓ દેવીજી! મોટો ખર્ચ થશે. તમારા પતી ઉપર કોઈએ મેલીવીદ્યા કરી છે. તમે વીધી નહીં કરાવો તો તમારા પતીનું મૃત્યુ થઈ શકે છે!”

“જોષીજી! કેટલો ખર્ચ થશે?”

“રુપીયા 50,000/–!”

“ભલે. વીધી શરુ કરો.”

“દેવીજી! પહેલાં પૈસાની વ્યવસ્થા કરો!”

“જોષીજી! બહાર મારા કુટુમ્બીજનો છે, એની પાસેથી પૈસા લઈ આવું છું!”

ગીતાબહેન બહાર આવ્યાં અને બધાંને વાત કરી. ફરી ગીતાબહેન જોષીજી પાસે ગયાં. ગીતાબહેન પાછળ તેના કુટુમ્બીજનો પણ જોષીજી પાસે ગયા. જોષીજી સૌને તાકી રહ્યા પછી પુછ્યું : “દેવીજી! આ બધાં કોણ છે? અહીં અન્દર કેમ બોલાવ્યા છે?”

“જોષીજી! અમે બધાં કુટુમ્બીજનો છીએ. સૌને તમારા દર્શન કરવાની અને આશીર્વાદ ગ્રહણ કરવાની તીવ્ર મનોકામના છે! આપ કૃપા કરો!”

“ગીતાબેન! જરુર કૃપા કરીશ. પરન્તુ પહેલાં મને દરેકનો પરીચય કરાવો!”

“જોષીજી! મારો ઈરાદો પણ પરીચય કરાવવાનો જ છે! જુઓ સુરતની પ્રસીદ્ધ સંસ્થા છે, સત્યશોધક સભા! આ બધાં તેના કાર્યકરો છે. જોષીજી! તમારી પાસે ઉભા છે તે મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234 ) છે, જેમની બાજુમાં પરેશ લાઠીયા(સેલફોન : 98257 70975), અને મારી બાજુમાં ઉભા છે તે અશ્વીનભાઈ આંબલીયા મારો પતી! બોલો જોષીજી! હવે વધારે પરીચય આપવાની જરુર છે?”

જોષીજીના કપાળે પરસેવો વળી ગયો. ગીતાબેને બુમ પાડી : “ભાનુભાઈ! અન્દર આવો!”

ભાનુભાઈ ભડીયાદરાએ અન્દર પ્રવેશ કર્યો. જોષીજીના હોંશકોશ ઉડી ગયા. ભાનુભાઈએ કહ્યું : જોષીજી! તું તારું ભવીષ્ય જોઈ શક્તો નથી અને મારું ભવીષ્ય જોવાના મારી પાસેથી રુપીયા 65,100/– પડાવી લીધા અને વધુ ત્રણ લાખ રુપીયા તું પડાવવા માંગતો હતો! તું પાખંડી છે, ઠગ છે, કપટી છે, હરામી છે! સાલાને મારો!”

ભાનુભાઈએ જોષીજીને ટીપવા હાથ ઉંચો કર્યો. મધુભાઈ કાકડીયાએ કહ્યું : “ભાનુભાઈ! જોષીજી ઉપર હુમલો કરતા પહેલાં મને કહો કે એક હાથે તાળી પડે? કરુણતા એ છે કે કુદરતે આપણને સમજ આપી છે; પણ એનો ઉપયોગ આપણે કરતા નથી. આપણી પાસે આંખો છે પણ દૃષ્ટી નથી! લાલચમાં આવીને આપણે ન કરવાનું કરીએ છીએ!”

ભાનુભાઈના મનમાં રોષ ભભુકતો હતો. જોષીજીભાનુભાઈના પગ પકડીને કહ્યું : “ભાનુભાઈ મને માફ કરો. લાલચમાં આવીને મેં તમારી પાસેથી પૈસા પડાવ્યા છે. હું જ્યોતીષ કે મન્ત્ર–તન્ત્ર કંઈ જાણતો નથી. દુઃખ કે સમસ્યા દુર કરવાની કોઈ વીધી હોતી નથી. માદળીયા, દોરાધાગા, ગ્રહની વક્ર દૃષ્ટી, નંગની વીંટીઓ એ બધું તુત છે. લોકોને છેતરવા માટે આ બધી વીધીઓ છે! ભાનુભાઈ! હું તમારા પૈસા આઠમા દીવસે, તારીખ 01 જુન, 2009ના રોજ સાંજ સુધીમાં પરત આપી દઈશ. લેખીત બાંહેધરી આપું છું. મને માફ કરો!”

ભાનુભાઈ નીયત તારીખે ગુરુકૃપા જ્યોતીષ કાર્યાલયે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું મારેલું હતું! જોષીજી વીનોદ સોહનલાલ ફરાર થઈ ગયો હતો. જોષીજીની તપાસ કરી પણ પત્તો ન મળ્યો. ત્રીસ દીવસ બાદ, તારીખ 01 જુલાઈ, 2009ના રોજ ભાનુભાઈએ, ચોકબજાર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી સબબ લેખીત અરજી આપી. હજુ સુધી ભાનુભાઈને કે પોલીસને જોષીજીનું પગેરું મળ્યું નથી!

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું (31, ઓગસ્ટ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10–Jatin Banglo, B/h–Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26–01–2018

6 Comments

  1. આ ભાનુભાઈ તથા જોષીજી નો ઍક દાખલો છે. જગતમાં આવા હજારો બનાવો બની રહ્યા છે, અને તેનું કારણ અંધશ્રધ્ધા જ છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની સધબુદ્ધ્ધી થી કામ નહીં લે, અને મન ની આંખો નહીં ખોલે, ત્યાં સુધી આવા બનાવો બનતા જ રહેશે, અને અન્ધશ્રધ્ધાળુઑ પોતાની લોહી પરસેવાની કમાણી આવા ધૂતારા જોષીજીઓ, પીરો, બાબાઓ વગેરે પાસે ગુમાવતા જ રહેશે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  2. આ લેખ ‘ આંખો છે પણ દ્રષ્ટી નથી ‘ છે.
    હકિકતમાં મારા વિચાર પ્રમાણે…………….‘ આંખો છે પણ મગજ નથી‘ હોય તો સાચુ લાગે. આ પ્રશ્ન આપણે અગણિત વખત ચર્ચી ચૂક્યા છીઅે.
    જ્યારે…બુઘ્ઘિ વિનાનાઓને શોઘવાની વાત આવે છે ત્યારે યાદ આવે છે કે….‘ દૂર ઘૂંઘો….પાસ મીલે….‘
    સુરતમાં સત્ય શોઘક સંસ્થા છે તેને સાથ આપવાનું કહેવાવું જોઇતું હતું.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. ભાનુભાઈએ જોષીજીને ટીપવા હાથ ઉંચો કર્યો. મધુભાઈ કાકડીયાએ કહ્યું : “ભાનુભાઈ! જોષીજી ઉપર હુમલો કરતા પહેલાં મને કહો કે એક હાથે તાળી પડે? કરુણતા એ છે કે કુદરતે આપણને સમજ આપી છે; પણ એનો ઉપયોગ આપણે કરતા નથી. આપણી પાસે આંખો છે પણ દૃષ્ટી નથી! લાલચમાં આવીને આપણે ન કરવાનું કરીએ છીએ!”

    till now joshiji is LAPATA… center theme is said by Rameshbhai, really eye opening incident.

    Liked by 1 person

  4. લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે…જુની કહેવત
    મુર્ખા હોય ત્યાં ચાલાક દુખે ન મરે…< આ મારી હમણાં લખેલ ચૂટકલી..
    સરયૂ પરીખ

    Liked by 1 person

  5. લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે…
    મુર્ખા હોય ત્યાં ચાલાક દુખે ન મરે…

    Liked by 1 person

Leave a comment