લોહી પીનારાઓ ઘણા, આપનારા કેટલાં?

       માણસ વચ્‍ચે બ્‍લડગ્રુપ ભલે જુદું હોય મનગ્રુપ એક હોવું જોઈએ. ધર્મસમ્પ્રદાયો ભલે જુદાં હોય સજ્જનતા, માનવતા અને ઈમાનદારીના ગ્રુપ એક હોવા જોઈએ. પોથીધર્મ કરતાં માનવધર્મનો ફેલાવો વધશે તે દીવસે ધરતી પર લોહી પીનારાઓ કરતાં આપનારાઓની સંખ્‍યા વધી જશે!

લોહી પીનારાઓ ઘણા, આપનારા કેટલાં?

– દીનેશ પાંચાલ

        થોડા સમયપુર્વે એક વીચીત્ર ઘટના બની હતી. જમશેદપુરમાં એક બીમાર મહીલા માટે લોહીની જરુર પડી. એના પતીએ ચારે તરફ દોડાદોડ કરી મુકી; પણ લોહી ના મળી શક્‍યું. બ્‍લડબેંકની બહાર એને એક ગઠીયો મળી ગયો. તેણે કહ્યું : ‘ફીકર ના કરો… હું પોતે અહીંનો કાયમી રક્‍તદાતા છું. તમને જોઈતું બ્‍લડ મેળવી આપું છું…!’ એ ગઠીયાએ પેલા પાસેથી 800 રુપીયા રોકડા લીધા અને અન્દર જઈને થોડીવાર પછી એક લાલ પ્રવાહીથી ભરેલી થેલી લઈને બહાર આવ્‍યો. પેલાને થેલી આપતા કહ્યું, ‘લીજીયે… આપકા કામ હો ગયા…!’ પેલો રાજી રાજી થઈ ગયો. થેલી લઈને એ હૉસ્‍પીટલમાં દોડ્યો; પણ ડૉક્‍ટરે થેલીમાંનું પ્રવાહી ચેક કરીને કહ્યું, ‘તમને કોઈ બનાવી ગયું છે. આ લોહી નથી. રંગીન તેલ–પાણીનું મીશ્રણ છે…!’ ડૉક્‍ટરે અને પેલા માણસે લીધેલાં ત્‍વરીત પગલાંથી પોલીસે તે ફ્રોડ માણસને પકડી લીધો. એ માણસ રક્‍તદાતા હતો ખરો; પણ ક્‍યારેક લોકોને આ રીતે લુંટતો પણ હતો.

        એક વાત વીસરવા જેવી નથી. આપણો પારમ્પરીક ‘પોથીધર્મ’ બ્રાહ્મણને વસ્‍ત્રો, અનાજ, સીધુ–સામાન વગેરેનું દાન આપવાનું સુચવે છે. બ્રાહ્મણોને દાન મળે તે સામે વાંધો નથી; પણ એ પ્રકારના અનપ્રોડક્‍ટીવ દાનથી આપનારને કોઈ ફાયદો થતો નથી. એની તુલનામાં માનવધર્મના સુચવ્‍યાનુસાર રક્‍તદાન, ચક્ષુદાન, ત્વચાદાન તેમ જ હદય, કીડની, યકૃત, સ્વાદુપીંડ વગેરે અવયવોનું દાન કરવાથી માનવજાતની સર્વશ્રેષ્‍ઠ સેવા થઈ શકે છે. અનાજથી કોકની એકાદ ટંકની પેટની આગ બુઝાઈ શકે. જ્‍યારે રક્‍તદાન, ચક્ષુદાન, ત્વચાદાન કે અંગદાનથી કોકની જીન્દગી બચી જાય છે. દોસ્‍તો, કુદરતે સૌના હાથ પગ સરખા બનાવ્‍યા; પણ લોહી દરેકને જુદું જુદું આપ્‍યું. એનો સુચીતાર્થ એ હોઈ શકે કે માણસે લોહી માટે પણ માણસ જોડે પ્રેમભાવનો સમ્બન્ધ ટકાવી રાખવો પડશે. યાદ રહે ન ફક્ત એક માના બે દીકરા વચ્‍ચે પણ પ્રત્‍યેક માણસ વચ્‍ચે ‘લોહીનો સમ્બન્ધ’ છે. કારણ કે ગમે તેવા પરમ શ્રદ્ધાળુને પણ માંદગીમાં લોહીની જરુર પડે છે ત્‍યારે તે મન્દીરનાં નહીં બ્‍લડબેંકના પગથીયાં ચઢે છે. મન્દીરના વાતાવરણથી થોડીક શાંતી મળી શકે. લોહી તો માણસ પાસેથી જ મળી શકે.

        વીજ્ઞાન લોહી બનાવવા વર્ષોથી મથી રહ્યું છે; પણ હજી તેને સો ટકા સફળતા મળી નથી. પરન્તુ રુધીર ઉત્‍પાદનની પ્રક્રીયા દરમીયાન તેમને એક બીજી સીદ્ધી પ્રાપ્‍ત થઈ છે. તે ઘણી મુલ્‍યવાન છે. આપણને બહુ બહુ તો એટલી ખબર હોય છે કે આપણું બ્‍લડગ્રુપ કયું છે?  પણ લોહી વીશે આપણે વીશેષ કશું જાણતાં નથી. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી શરીરના સ્‍નાયુઓ, માંસ–મજ્‍જાનો વીકાસ થવા ઉપરાન્ત તેમાંથી લોહી બને છે. મુળ સમસ્‍યા એ છે કે દરેકનું લોહી દેખાય છે સરખું પણ લોહીના ઘટકો પ્રમાણે શરીરવીજ્ઞાનીઓએ એના ગ્રુપ નક્કી કર્યા છે. એક ગ્રુપનું લોહી ધરાવતા માણસને બીજાના ગ્રુપનું લોહી કામ આવી શકતું નથી. ગત વર્ષે દેશના ઘણાં શહેરોમાં ડેંગ્‍યુ અને અન્‍ય બીમારીનો વાયરો ફુંકાયો હતો ત્‍યારે સીધાસાદા ગણાતા ગ્રુપનું લોહી પણ સહેલાઈથી મળતું ન હતું.

        આધુનીક મેડીકલ સાયન્‍સે માણસને ખુબ ઉપયોગી નીવડે એવી એક ટેકનીક વીકસાવી છે. વીજ્ઞાનક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નામના ધરાવતાં ‘નેચર’ મેગેઝીનના તાજા અંકોમાં એનો વીગતે ખ્‍યાલ આપ્‍યો છે. ‘નેચરે’ એક રીસર્ચ પેપર રજુ કર્યું છે. એમાં થોડાંક વીજ્ઞાનીઓએ એવો દાવો કર્યો છે કે અમે નવા પ્રકારના એન્‍ઝાઈમ્‍સ શોધ્‍યાં છે. જે લોહીના ત્રણ મુખ્‍ય ગણાતા ગ્રુપ– ‘એ’, ‘બી’ તથા ‘એબી’ને ‘ઓ’ ગ્રુપમાં પરીવર્તીત કરી શકે છે. આ આખા પ્રોસેસને મેડીકલી સમજવાની કોશીષ કરીએ. લોહીમાં જે રક્‍તકણો હોય છે. એમાં બે જુદાં જુદાં શર્કરા આધારીત (સુગર બેઈઝ્ડ) મેલેક્‍યુલ્‍સ (પરમાણુ) હોય છે. એને એન્‍ટીજીન તરીકે ઓળખવામાં આવે છે. આ એન્‍ટીજીન લોહીની રોગપ્રતીકારક શક્‍તી વધારે છે. ‘એ’ અને ‘બી’ ગ્રુપમાં જે એન્‍ટીજીન હોય છે તે ‘ઓ’માં નથી હોતા. એનો અર્થ એ થયો કે મોટાભાગના કેસમાં ‘ઓ’ ગ્રુપનું બ્‍લડ આપવામાં બહુ જોખમ રહેતું નથી. વીજ્ઞાને એ મથામણ કરી કે કોઈને કોઈ રીતે એવી તરકીબ શોધી કાઢવી જોઈએ જે ‘એ’, ‘બી’, કે ‘એબી’ ગ્રુપની સાંકળને તોડી શકે. વીજ્ઞાનીઓએ શોધેલા નવા એન્‍ઝાઈમ્‍સ રક્‍તકણમાંના શર્કરા કે પરમાણુઓને નોખા પાડી શકે છે. એ કારણે ‘એ’, ‘બી’ કે ‘એબી’ ગ્રુપના બ્‍લડને અન્‍ય ગ્રુપમાં પરીવર્તીત કરી શકાય. આનાથી દરદીઓના રક્‍તગ્રુપની અસમાનતાની જે વીકટ સમસ્‍યા રહેતી હતી તેમાં ઘણી રાહત થઈ ગઈ. આજે મુશ્‍કેલી એ છે કે કોઈ સ્‍થળે મોટો અકસ્‍માત થાય કે આતંકવાદીઓનો હુમલો થાય ત્‍યારે સો બસો માણસોની જીન્દગી બચાવી લેવા માટે જુદા જુદા ગ્રુપની અસંખ્‍ય બોટલોની જરુર પડે છે. ક્‍યારેક જોઈતા ગ્રુપનું લોહી ન મળે તો આંખ સામે દરદીનો જીવનદીપ બુઝાઈ જાય છે. વીજ્ઞાનની એ છેલ્લી શોધથી હવે દરદીને બચાવવાનું આસાન થઈ શક્‍યું છે. કેમ કે એક ગ્રુપના બ્‍લડને બીજા જરુરી એવા ગ્રુપમાં ફેરવી શકાશે. (અમારા મીત્ર બચુભાઈના શબ્‍દોમાં કહીએ તો સ્‍કુટરની ટયુબમાં જરુરી ફેરફાર કરી તેને સાઈકલમાં નાંખી શકાશે)

        યાદ રહે, એકલા ભારતમાં વર્ષે દહાડે 75 લાખ યુનીટ લોહીની માંગ રહે છે. લોહીના અભાવે અસંખ્‍ય દરદીઓના મોત થાય છે. હવે સતત મીડીયાના પ્રચારને કારણે રક્‍તદાનનું પ્રમાણ વધ્‍યું છે. આનન્દની વાત એ છે કે કથાકારો પણ હવે રક્‍તદાનનો મહીમા પ્રચારે છે. કથાકાર મોરારીબાપુ જેવા લોકપ્રીય કથાકાર તો પોતે પણ રક્‍તદાન કરે છે. આ ખુબ આવકારદાયક ઘટના છે. એવા જ આનન્દની બીજી વાત એ છે કે મુસ્‍લીમો પણ હવે મોટા પ્રમાણમાં રક્‍તદાન કરે છે. રક્‍તદાન એટલે જીવતદાન…! કોઈપણ ધાર્મીક દાન કરતાં એ દાનનું મહત્વ અનેકગણુ છે. ક્‍યારેક ‘સમજૌતા એક્‍સપ્રેસ’ જેવી એકાદ આતંકવાદી ઘટના બને છે ત્‍યારે ગણતરીના કલાકોમાં આખી બ્‍લડબેંકને સાફ કરી નાખે છે. એથી બ્‍લડબેંકનું મહત્ત્વ મનીબેંકકરતાં પણ વીશેષ છે.

        એક બીજી વાત પણ વીસરવા જેવી નથી. કુદરતે દરેક માણસોને સરખા બનાવ્‍યા. દરેકના શરીરની રચના સરખી બનાવી. લોહીનો રંગ એક રાખ્‍યો તો લોહીના ‘ગ્રુપ’ કેમ અલગ અલગ રાખ્‍યા હશે? ત્‍યાં સુધી કે બાપ દીકરાના કે મા– દીકરીના બ્‍લડગ્રુપ પણ જુદાં જુદાં હોય શકે છે. એક લુચ્‍ચા માણસનું લોહી બીજા લુચ્‍ચા સાથે મેચ થઈ  જાય એવું બનતું નથી. દરેકના ચારીત્ર્યની જેમ લોહીના ગ્રુપ પણ જુદાં જુદાં હોય છે. રામ–રાવણની રાશી એક હતી બ્‍લડગ્રુપ પણ એક હોય શકે પણ ચારીત્ર્યના ગ્રુપ જુદાં હતાં.

        દોસ્‍તો, માનવજીવનની એ જ ખાસીયત છે. વીચારો જુદાં હોય શકે, સ્‍વભાવ જુદો હોય શકે, લોહી જુદું હોય શકે પણ સૌની જીવનલક્ષી સમસ્‍યાઓ સરખી હોય છે. એથી ઉત્તમ એ જ કે સંસારમાં સૌ જોડે ભાઈચારાથી જીવીએ… એમ થશે તો ઈશ્વરના અવતર્યા વીના પણ દુનીયામાં સ્‍વર્ગ સ્‍થાપી શકાશે.

        બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે માણસ વચ્‍ચે બ્‍લડગ્રુપ ભલે જુદું હોય મનગ્રુપ એક હોવું જોઈએ. ધર્મસંપ્રદાયો ભલે જુદાં હોય સજ્જનતા, માનવતા અને ઈમાનદારીના ગ્રુપ એક હોવા જોઈએ. પોથીધર્મ કરતાં માનવધર્મનો ફેલાવો વધશે તે દીવસે ધરતી પર લોહી પીનારાઓ કરતાં આપનારાઓની સંખ્‍યા વધી જશે!

– દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 28 મે, 2017ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાને તીરે’માંથી, લેખકના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી–396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ: dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 01/10/2018

7 Comments

  1. રક્તદાનનું મહત્વ સમજાવતી દીનેશ પાંચાલની દલીલો ઘણી જ હ્રદયસ્પર્શી રહી. મનગ્રુપ એક હોવાની વાત દીલને સ્પર્શી જાય છે.

    Liked by 1 person

  2. રક્તદાન, ચક્ષુદાન સાથે મારો નજીકનો સંબંધ રહ્યો છે. હું પોતે ૫૬ વાર રક્તદાન કરી ચૂક્યો છું. જો કે એની જાહેરાત કરવાની ન હોય. દેશમાં હતો ત્યારે કોલેજમાં રાષ્ટ્રિય સેવા યોજના(એનએસએસ) સાથે સંકળાયેલ હતો. અને ખેતીવાડી કૉલેજ તેમજ ફોરેસ્ટ્રી કૉલેજના વિદ્યાર્થીઓ સાથે રક્તદાનના કેમ્પ દર ત્રણ મહિને થતા.

    મારા નજીકના સહુ સગા સ્નેહીઓના દેહત્યાગ બાદ એમનાં ચક્ષુઓનું દાન પણ કરવાનો લહાવો મળ્યો. રોટરી આઈ સંસ્થા સાથે જોડાયેલ.

    રક્ત દાન અહિં પરદેશ આવીને પણ કરતો રહ્યો છું. અને ન્યૂયોર્ક બ્લડ બેન્કનો હુ ગેલન ડોનર છું. દર ચાર મહિને રક્તદાન કરતા રહેવું એવું નક્કી કરેલ છે. અને અહિં પરદેશમાં વય મર્યાદા નથી. દેશમાં ૬૦ પછી રક્તદાન કરી શકાતું નથી એવું મને ખ્યાલ છે. જ્યારે અહિં તંદુરસ્તી સારી હોય તો ગમે એ વયે રક્તદાન કરી શકાય.

    જે રક્ત દાન દરમ્યાન શરીરમાંથી ઓછું થાય એ એકાદ સપ્તાહની અંદર પુરેપુરું આપના શરીરમામ બની જ જાય છે.

    Liked by 1 person

    1. સ્નેહીશ્રી નટુભાઇ,
      તમારી કોમેંટ અેક પ્રકારની ઉર્મીઓ જગાડી ગઇ. તમારા આ માનવતાના કર્મ માટે હાર્દિક અભિનંદન.
      અમૃત હઝારી.

      Liked by 1 person

    2. વહાલા નટવરભાઈ,
      તમે અમેરીકાની ન્યુયોર્ક બ્લડ બેન્કના ‘ગેલન ડોનર’ છો તે જાણી કૃષી યુનીવર્સીટીના ભુતપુર્વ સહકર્મી–મીત્ર તરીકે અમને ગૌરવ છે.
      અઢળક અભીનન્દન…
      કૃષી પરીવાર વતી,
      –ગોવીન્દ મારુ

      Like

  3. મિત્રો,
    શ્રી દીનેશ પાંચાલનો આ લેખ ખૂબ ગમ્યો. ગઇકાલે જ અેક રીપોર્ટ લખ્યો તેમાં અેક પંક્તિ લખી….જે…આ છે…કશેકથી મળેલી…સંગ્રહેલી….
    ‘ ઘણી કરી શોઘ શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં……..પણ…
    આખરે ઇશ્વર દેખાયો મને સહાનૂભૂતિમાં…..‘ માનવતા .
    શ્રી દીનેશભાઇના લેખના છેલ્લા ત્રણ પેરેગ્રાફને સેન્ટરમાં રાખીને મને વરસો પહેલાં વાંચેલું પુસ્તક યાદ આવી ગયુ જે હિન્દુ ઘર્મને આલેખીને છે….મનુસ્મૃતિને સેન્ટરમાં રાખીને લખાયુ છે. પુસ્તકનું નામ છે….‘ અઘોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા‘ લેખક…સ્વામી સચ્ચિદાનંદજી.
    મનુસ્મૃતિના થોડા નિયમોને જણાવ્યા છે અને તેની ઉપર તેમના વિચારો જણાવ્યા છે. ઉંચ, નીચ…નિચી જાતને અભ્યાસથી દૂર રાખવાથી માંડીને …અાજની સમજના સંદર્ભમાં બીજા નિયમો વાચક જાણસે ત્યારે હાય…હાય…કરશે.
    લોહી પીનારાની વાતો યાદ આવશે.
    દીનેશભાઇને હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. રક્તદાન ઍ ઍવું દાન છે જે માનવી પોતાના જીવન દરમ્યાન કેટલીય વાર તે દાન કરી શકે છે, અને ઘણાના જીવ બચાવી શકે છે. બીજા પ્રકાર ના અન્ગદાનો તો માનવી ના મૃત્ય પછી જ દાન કરી શકાય છે, પરંતુ રક્તદાન જીવતા રહીને કરી શકાય છે. તે માટે દરેક માનવી ઍ આ દાન ને પોતાના જીવન નો ઍક ભાગ બનાવી ને અન્ય ના જીવ બચાવવા જોઈઍ

    Liked by 1 person

  5. લોહી પીનારાઓનો તોટો નથી , લોહી દેનારા નો તોટો છે. આ સમીકરણ ઉલટું થઇ જાય તો કેવું સારું !

    Liked by 1 person

Leave a comment