અંગદાન’ અંગે અભીવ્યક્તી

‘અભીવ્યક્તી’ બ્લૉગ પર રજુ થતી ‘અંગદાન’ની વાતો સાથે “India’s Best Dramebaaz” શોની વાર્તાવસ્તુને, સત્યઘટનાને અનાયાસે સાંકળી આ લેખ દ્વારા અત્રે એ જ સંદેશ આપવાનો હેતુ છે કે મૃત્યુ પછી ખોટા ક્રીયાકાંડો અને અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર આવીને જો સમાજ, ‘અંગદાન’ તરફ વળે તો કેટલાંય લોકોને નવજીવન મળે છે. આવી વાતોનો ફેલાવો જુદી જુદી રીતે થતો રહેવો જ જોઈએ.

અંગદાન’ અંગે અભીવ્યક્તી

        –દેવીકા રાહુલ ધ્રુવ

     બ્લૉગર ગોવીન્દભાઈ મારુના ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર જીવન ઉપયોગી વીવીધ લેખો નીયમીત પણે મુકવામાં આવે છે. સમાજમાં ધર્મ અંગેની અન્ધશ્રદ્ધાના પડળો ખોલતી અનેક વાતો પછી હમણાં ‘અંગદાન’, ‘ચક્ષુદાન’, ‘ત્વચાદાન’ અંગે કેટલાક માહીતીસભર લેખો અને સાચા કીસ્સા વાંચવા મળ્યા જે ખુબ જ સમજવા લાયક અને અમલ કરવા જેવા અનુભવ્યા.

        આ વાતના સન્દર્ભમાં જ આજે(તા. 20 ઑગષ્ટ, 2018) એક બીજી વાત રજુ કરવી છે. નાના બાળકોની કલા દર્શાવતા શો મને જોવા ગમે છે. જેથી ગઈકાલે ઝી ટીવીમાં “India’s Best Dramebaaz” કાર્યક્રમ હું જોતી હતી. સૌને ખ્યાલ હશે જ કે તેમાં નાના–નાના બાળકોનો અભીનય કરે છે. એમાં એક હ્રદયસ્પર્શી નાટક જોવા મળ્યું. એની કથાવાર્તા ‘અંગદાન’ના સન્દર્ભમાં હોવાથી લખું છું.

        યાદ રહે કે, આ કાર્યક્રમમાં  05થી 12 વર્ષના બાળકો જ કલાકારો છે.

        તેની વાર્તા આ પ્રમાણે છે. પત્નીના મૃત્યુ બાદ વીધુર બનેલ વ્યક્તી પર દીકરીનો ફોન આવે છે. પીતાના હાલચાલ પુછી, વહાલથી ‘દવા લીધી? ચાલવા ગયા?’ વગેરે પ્રશ્નો પુછે છે. પીતા કહે છે કે હવે કમ્પની વગર ચાલવા જવાનું મન થતું નથી. ત્યાં તો મીઠા ટહુકા સાથે ‘તો હું આવી જાઉં?’ કહીને દીકરી એકદમ ઘરમાં આવીને સરપ્રાઈઝ આપે છે. ખુશ થયેલ પીતા ચાલવા માટેના કપડાં બદલવા પોતાના રુમમાં જાય છે. ડ્રોઈંગરુમના હીંચકા પર બગાસું ખાતી દીકરી નેન્સીનું જડબું અચાનક અકડાઈ જાય છે. તે મ્હોં બન્ધ કરી શક્તી જ નથી. ગભરાયેલો પીતા તેને હૉસ્પીટલમાં લઈ જાય છે. જ્યાં ડૉક્ટર સેલફોન પર વાત કરતાં કરતાં એક ઈંજેક્શન આપે છે. તે ઈંજેક્શનનું રીએકશન થવાથી યુવાન દીકરી ‘કોમા’માં જતી રહે છે. સમય વીતતો જાય છે. યુવાન દીકરીને જોઈ એકલા પડી ગયેલા પીતાને અસહ્ય પીડા થાય છે. છોકરીનો ભાઈ દુઃખી પીતા પાસે આવીને પીડામુક્ત થવાનો વ્યવહારું રસ્તો બતાવે છે. પહેલાં તો બાપ તૈયાર જ નથી થતો; પણ દીકરાની સ્નેહાળ સમજાવટ પછી મશીનો ખેંચી લેવામાં આવે છે. દીકરીને કાયમ માટે વીદાય કરે છે. તેની પાછળ એક ઉંચો હેતુ છે.

        નેન્સી‘ચક્ષુદાન’ કરવાનો નીર્ણય અગાઉથી કર્યો હતો તે મુજબ તેના પીતાએ દીકરીની બન્ને આંખ, બન્ને કીડની તેમ જ હૃદયનું દાન કર્યું. આ ‘અંગદાન’ થકી પાંચ યુવાનોને નવજીવન મળ્યાનો સન્તોષ અને આનન્દ પ્રાપ્ત થયો. નાટકને અન્તે ખરેખર જેના જીવનમાં આ બન્યું હતું તે સાચી વ્યક્તીઓને આ ઉમદા કાર્ય કરવા બદલ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની વધુ માહીતી કે નામોની મને જાણ નથી; પણ આ જોયા પછી મન પર ખુબ ઘેરી અસર રહી.

        ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર રજુ થતી ‘અંગદાન’ની વાતો સાથે આ શોની વાર્તાવસ્તુને, સત્યઘટનાને અનાયાસે સાંકળી આ લેખ દ્વારા અત્રે એ જ સંદેશ આપવાનો હેતુ છે કે મૃત્યુ પછી ખોટા ક્રીયાકાંડો અને અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર આવીને જો સમાજ, ‘અંગદાન’ તરફ વળે તો કેટલાંય લોકોને નવજીવન મળે છે. આવી વાતોનો ફેલાવો જુદી જુદી રીતે થતો રહેવો જ જોઈએ.

આ ઉમદા વાત લખવા માટે કલમને રોકી ન શકવાના બીજા પણ કારણો છે. સૌ પ્રથમ તો ત્રણે પાત્રો, બાળ કલાકારોનો અભીનય ભલભલા પથ્થર–દીલને પણ હલાવી નાંખનાર હતો. ભાગ્યે જ કોઈની આંખ ભીંજાયા વગર રહી હશે. એટલું જ નહીં એની અસર લાંબા સમય સુધી પ્રેક્ષકોના માનસપટ પર જરુર રહી હશે. બીજું, નાના બાળકોના જીવન પર આવી મોટી ઘટનાની અસર ખુબ સુન્દર રીતે તેમના ભાવીમાં ઉતરશે અને ક્યારેક ઉપસશે, પ્રેક્ષકો અને અભીનય કરતા એ બાળકોની પેઢી આની પર વીચાર કરતી થશે જેને પરીણામે એક સરસ સમાજનું નીર્માણ થશે એવી આશા અસ્થાને નથી.

        શીક્ષણની સાથે સાથે આવા પ્રયોગો એક અતી ઉત્તમ કાર્ય છે. સસ્તુ મનોરંજન પુરું પાડતી એકધારી સીરીયલોને સ્થાને આવા શો આવતા રહે એ વ્યક્તીને માટે, સમાજને માટે અને એ રીતે દેશને માટે ખુબ જ આવકારદાયક છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જ. આ નાટકમાં મારી દૃષ્ટીએ, સાચા અર્થમાં, સઘળાં જમા પાસાં છે.

        ઉપરોક્ત નાટકના નીર્માતા, દીગદર્શક, બાળકલાકારો, તેમના માતાપીતા, નીર્ણાયકો, સૌને સો સો સલામ અને આવા સન્દેશ ફેલાવતાં રહેતાં ગોવીન્દભાઈને પણ વન્દન.

––––––––––––––––––––––––

નેન્સી શર્મા

           તા. 19 ઓગસ્ટ, 2018ના રોજ “India’s Best Dramebaaz”ના 16મો એપીસોડ (41.14થી 56.13 મીનીટે)માં હીમાચલ પ્રદેશની સોફ્ટવેર અન્જીનીયર નેન્સી અશોકભાઈ શર્મા (ઉ.વ. 35)ના ‘અંગદાન’ની સત્યઘટનામાં દીપાલી બોરકરેનેન્સી’, અનીશ રાઈલકરે નેન્સીના પીતા તથા સોહમ વર્માનેન્સીના ભાઈના પાત્રો ભજવ્યા હતાં. તા.13 ઓગસ્ટ, 2018ને ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ના દીવસે આ એપીસોડના શુટીંગમાં નેન્સીના પીતા અશોકભાઈ શર્મા તથા નેન્સીના પતી અનુદીપ શર્મા ઉપસ્થીત રહીને તેઓના વીચાર રજુ કર્યા હતા. તે એપીસોડનો સ્રોત :

https://www.zee5.com/tvshows/details/indias-best-dramebaaz-2018/0-6-tvshow_225807515/indias-best-dramebaaz-2018-episode-16-august-19-2018-full-episode/0-1-tvshow_225807515-season_1636655307-episode_1486067137

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––

        અસ્તુ.

–દેવીકા રાહુલ ધ્રુવ

તા. 20 ઑગષ્ટ, 2018

‘વેબગુર્જરી’ની સાહીત્ય સમીતીના સમ્પાદન કાર્યમાં સક્રીય અને હ્યુસ્ટન(અમેરીકા)ની ‘સાહીત્ય સરીતા’ દ્વારા બે વખત સન્માનીત થયેલાં કવયીત્રી સુશ્રી દેવીકાબહેન ધ્રુવે અભીવ્યક્તી માટે ખાસ લખેલો, આ લેખ…. લેખીકાના સૌજન્યથી સાભાર…

લેખીકા–સંપર્ક : 

 Devika Dhruva, 

11047, N. Auden Circle, Missouri City, TX 77459 – USA Phone: 281 415 5169 eMail: ddhruva1948@yahoo.com Blog: http://devikadhruva.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24/09/2018 

9 Comments

  1. Very touchy story :”હીમાચલ પ્રદેશની સોફ્ટવેર અન્જીનીયર નેન્સી અશોકભાઈ શર્મા (ઉ.વ. 35)ના ‘અંગદાન’ની સત્યઘટનામાં દીપાલી બોરકરે ‘નેન્સી’, અનીશ રાઈલકરે નેન્સીના પીતા તથા સોહમ વર્માએ નેન્સીના ભાઈના પાત્રો ભજવ્યા હતાં. “really organ donation drive is taking up with stride-and soon it will be widely accepted–DEKHA DEKHI– effect will be exponential but slow !! let us hope for the best in time to come.

    Liked by 2 people

  2. અંગદાનની વિચારધારા સહુ માં વિકસે અને એ દ્વારા કેટલીય વ્યક્તિઓને નવજીવન મળે એ વિચાર આમ નાનકડાં બાળકો નાટ્યાત્મક રુપે રજુ કરી સમાજને એક ઉમદા કાર્ય કરવા પ્રેરિત કરે એ ખુબ સરાહનીય છે. દેવિકાબેન અને ગોવિંદભાઈને અભિવ્યકતિ દ્વારા આ લેખ વાચકો સમક્ષ રજુ કરવા બદલ ખુબ અભિનંદન અને નાનકડાં બાળકો જેમણે આગવો અભિનય કરી પ્રેક્ષકોને વિચારતાં કરી દીધા એમને કોટિ કોટિ ધન્યવાદ.

    Liked by 2 people

  3. અંગદાનનો સૌથી વધુ અમલ કદાચ આપણા દેશમાં થવો જોઈએ, કેમ કે હીન્દુ ધર્મની માન્યતા મુજબ દેહમાંથી ચૈતન્ય જતું રહે, દેહમાં ચૈતન્ય રહ્યું ન હોય તો એ દેહ માત્ર જડ પદાર્થ જ છે. વળી દરેક ચેતનશીલમાં એક જ ચૈતન્ય છે એમ પણ હીન્દુ ધર્મની માન્યતા છે. આથી મૃત્યુ પછી દેહનું દાન કરવાથી અન્ય ચેતન્યને- જે પોતે જ છે- મદદ મળે છે. એટલે કે આપણે અન્યને મદદરુપ નથી થતા, પોતાને જ મદદરુપ થઈએ છીએ. હીન્દુ ધર્મનાં પુસ્તકોમાં આ વાત બહુ જ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જેમ કે एकमहम् बहु स्यात् । अहम् ब्रह्मास्मि ।
    ગોવીન્દભાઈ સમાજની ખુબ સુંદર સેવા કરી રહ્યા છે. હાર્દીક આભાર અને ધન્યવાદ ગોવીન્દભાઈ.

    Liked by 2 people

  4. Reblogged this on and commented:
    શ્રીગોવિંદભાઈ, ખૂબ જ સરસ લેખ. દરેક માટે પ્રેરણાદાયી ! અભિનંદન !

    Liked by 2 people

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      ‘અંગદાન’ અંગે અભીવ્યક્તીને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

  5. ‘અંગદાન’, ‘ચક્ષુદાન’, ‘ત્વચાદાન’ ‘દેહદાન–કોઈ પણ પ્રકારનું દાન એ કરવા જેવું દાન છે.

    Liked by 2 people

    1. વહાલા અતુલભાઈ,
      ‘અંગદાન અંગે અભીવ્યક્તી’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

Leave a comment