સ્થીતપ્રજ્ઞતા

આપણી જીવનયાત્રાની સફળતાનો આધાર શું છે? તેનાં ઉકેલ માટે શું કરવું જોઈએ? જડ અને સ્થીતપ્રજ્ઞ વ્યક્તી કોને કહેવાય, તેનું વર્તન કેવું હોવું જોઈએ? તે તેમ જ આ તા. 06 જુલાઈ, 2018ના અંકમાં આપવામાં આવેલ ‘સ્વાધ્યાય’નો ઉકેલ આ લેખના અન્તે આપ્યો છે.

રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સન્દેશ પુસ્તીકાના લેખો આજે સમાપ્ત થાય છે. દેશ–પરદેશથી આ પુસ્તીકાની ઈ.બુકની માંગણીઓ આવી છે. ઈ.બુક તૈયાર થયેથી તેની જાહેરાત કરવામાં આવશે.

 –ગોવીન્દ મારુ

10

સ્થીતપ્રજ્ઞતા

       –વીક્રમ દલાલ

પ્રશ્નો ઉઠવા અને એનું સમાધાન શોધવું એનું નામ જીવન. શબને કોઈ પ્રશ્નો હોતા જ નથી. પ્રશ્નોને કેવી રીતે ઉકેલીએ છીએ એની ઉપર આપણી જીવનયાત્રાની સફળતાનો આધાર રહે છે. રાજકારણીઓ અને ધનીક પરીવારનાં સન્તાનોનાં કરતુતો, કૌટુમ્બીક ક્લેશ અને આપઘાતના બનાવો ઉપરથી સાબીત થાય છે કે આંતરીક પ્રશ્નોનો ઉકેલ કદીએ પૈસા કે સત્તાથી લાવી શકાતો નથી. આ વાત વ્યક્તી અને સમાજ બન્નેને સમાન રીતે લાગુ પડે છે.

પ્રશ્નના ઉકેલ માટે સૌ પ્રથમ તો પ્રશ્નને યોગ્ય રીતે સમઝવો પડે. પ્રશ્ન સમઝતી વખતે આપણી સ્થીતી હાથીના આકારનો તાગ મેળવતા પેલા પ્રજ્ઞાચક્ષુઓ જેવી હોય છે. તેથી પ્રશ્નનો ઉકેલ નક્કી કરતા અજમાવતા પહેલાં પ્રશ્નને બધી દીશાએથી (સમગ્રતામાં) જોવો જરુરી છે. માત્ર સ્વાર્થવૃત્તીના એકાંગીદર્શનથી લીધેલા નીર્ણયથી પ્રશ્ન વધારે જટીલ બને છે.

કુદરતને અને માટે સત્યને આપણી લાગણીઓ સાથે સમ્બન્ધ નથી તેથી પ્રશ્નનો સાચો ઉકેલ શોધવો હોય તો રંગીન કાચ જેવા આપણા ગમા–અણગમા, પુર્વગ્રહો અને માન્યતાઓને વચ્ચે ન આવવા દઈને તેને તટસ્થતાપુર્વક જોવો જોઈએ. જેની બુદ્ધી ગમા–અણગમાથી પ્રભાવીત થઈને ચળી જતી ન હોય તેવી વ્યક્તી માટે વ્યાસે ગીતામાં ‘સ્થીતપ્રજ્ઞ’ શબ્દ યોજ્યો છે. સ્થીતપ્રજ્ઞ વ્યક્તી કોને કહેવાય, તેનું વર્તન કેવું હોય? તેવો પ્રશ્ન અર્જુનને થાય છે (2/54). તેના જવાબમાં કૃષ્ણ કહે છે કે સ્થીતપ્રજ્ઞ વ્યક્તી બધી જ ઝંખનાઓ છોડી સન્તોષથી જીવે છે (2/55), તે દુ:ખમાં નથી વીલાઈ જતો કે સુખમાં નથી છકી જતો. વળી, તે વેવલો તથા ડરપોક નથી હોતો તથા એને ગુસ્સો આવતો જ નથી (2/56). સારા–નરસા દરેક પ્રસંગે તેનું મગજ ઠેકાણે રહે છે (2/57). પૈસા, સત્તા અને કીર્તી જેવું બહારની દુનીયાનું ચલણ અન્દરની દુનીયામાં ચાલતું નથી તેનું તેને ભાન હોઈને તેનાથી આકર્ષાતો નથી (2/58). સમાજના હીતના જે પ્રશ્નો તરફ સામાન્યજનો સભાન હોતા નથી તે પ્રશ્નોના ઉકેલ માટે તે કામ કરતો હોય છે (જાગ્રત હોય છે) અને (અણસમઝને કારણે) જે ભૌતીક સીદ્ધીઓ મેળવવા માટે બહુજન સમાજ વલખાં મારે છે, તેની તેને ઝંખના ન હોવાને કારણે તે તેની સદન્તર ઉપેક્શા કરે છે તેથી શાંતી અનુભવે છે (2/68).

આવાં બાહ્ય લક્શણો ઉપરથી જ માણસ વીશે અનુમાન બાંધવામાં ભુલ થવાનો સમ્ભવ રહે છે; કારણ કે જડ અને સ્થીતપ્રજ્ઞ માણસ વચ્ચે ખુબ જ પાતળી ભેદરેખા છે. જડ માણસને લાગણી થતી જ નથી. જ્યારે સ્થીતપ્રજ્ઞને લાગણી તો થાય છે; પણ તેનાથી તેના મનમાં ખળભળાટ મચી જતો નથી. સ્થીતપ્રજ્ઞ ફુલ કરતાં કોમળ અને વજ્ર કરતાં પણ કઠણ થઈ શકે છે.

(તા. 06 જુલાઈ, 2018ના અંકમાં આપવામાં આવેલ ‘સ્વાધ્યાય’ https://govindmaru.wordpress.com/2018/07/06/vikram-dalal-7/ નો ઉકેલ.)

પંખો ન ચાલે તેનાં મને ખબર છે તેટલાં કારણો

(આ સીવાય બીજાં પણ હોઈ શકે)

  1. ખોટી સ્વીચ દબાવી હોય.
  2. રેગ્યુલેટર ઝીરો ઉપર હોય.
  3. કમ્પનીએ વીજળી બન્ધ કરી હોય.
  4. ફ્યુઝ ઉડી ગયો હોય.
  5. સ્વીચ બગડી ગઈ હોય.
  6. પંખાનું કંડેન્સર બગડી ગયું હોય.
  7. પંખાની કોઈલ બળી ગઈ હોય.
  8. ઉંદરે વાયર કાતરી નાંખ્યો હોય.
  9. વાયરનો એક છેડો છુટો પડી ગયો હોય.
  10. ઓઈલીંગની જરુરત હોય.

આમાનું માત્ર એક જ કારણ જાણમાં ન હોય તો પણ પંખો કેમ નથી ચાલતો તે સમજાશે નહીં. જેટલાં કારણોની તમને ખબર નહોતી તે બધાં તમારે માટે પહેલાં ‘દૈવ’ હતાં પણ હવે નથી. આમ, દૈવ એટલે જે કારણોની ખબર ન હોય તેનો સમુહ.

પ્રકૃતીના નીયમો અનુસાર જ ઘટનાઓ ઘટે છે. ઘટનાઓના અવલોકન ઉપરથી વીજ્ઞાનીઓ નીયમોને જાણવાની કોશીશ કરે છે. ‘બહેરી, મુંગી, આંધળી અને લાગણીશુન્ય’ પ્રકૃતી સાથે પાનું પાડનાર વીજ્ઞાનીને કશું ન સમજાય ત્યારે કોને પુછવા જાય? વીજ્ઞાનીઓની મર્યાદાની હાંસી ઉડાડતા પહેલાં તેમની જગાએ તમારી જાતને મુકી જોજો.

વીજ્ઞાનીઓ પ્રામાણીક હોઈને દરેક પ્રશ્નનો જવાબ તેમની પાસે છે તેવો દાવો તે કદી કરતા નથી; પરન્તુ ઈશ્વરવાદીઓ કરે છે. કારણ કે જ્યારે કશું ન સમજાય ત્યારે ‘દૈવ’નો ઉપયોગ કરીને તેઓ પોતાનું અજ્ઞાન છુપાવી શકે છે. ઈશ્વરવાદીઓ જુઠું નથી બોલતા; પણ સત્ય છુપાવે છે. આ કારણથી મારો ‘ઝઘડો’ ઈશ્વર સાથે નહીં; પણ ઈશ્વરવાદીઓ સાથે છે.

–વીક્રમ દલાલ

દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ (પાનાં : 40, મુલ્ય : મફત)નો આ અન્તીમ લેખ, પુસ્તકનાં પાન 38થી 39 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક :

શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ–380 058 સેલફોન : 94273 25820 મેઈલ : inkabhai@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 1611–2018

3 Comments

  1. નમસ્તે સર,
    બહું સરસ રીતે પંખાનું ઉદાહરણ આપી જે રીતે સમજણ આપી છે તે અપ્રતિમ,પરમ સત્ય જાણકારી આપી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. બહું સરસ કાર્ય કરો છો. દેશને આપના જેવા सपूतोंની ખાસ ખાસ જરૂર છે. સાહેબ આવી જાણકારી એક निष्पक्ष विद्वान જ આપી શકે. आप जीओ हजारो साल और लोगों को जीवन जीने के लिए ऐसा રેશનલ વિચારસરણીની गीता का उपदेश देते रहो
    જય विज्ञान, ધન્યવાદ મારુ સાહેબ…
    धन्यवाद વિક્રમ દલાલ સાહેબ…

    Liked by 1 person

  2. આ નાની ટીપ્પણી ઉપરનાં કોઈ જ લેખના સંદર્ભમાં નથી લખાય તેની નોંધ લેશો.
    સુંદર અને સારું માર્ગદર્શન આપતો લેખ.
    પરંતુ એક વાત કહેવાની કે આજ દિવસ સુધી દુનિયામાં જે જે યુદ્ધ અને લડાઈઓ થઈ અને સેંકડો માનનીઓના આ યુધ્ધોના કારણે મરણ થયા તેનો વિલાપ કરનારા લોકોનું પણ કોઈ તે સમયના સત્તાધારીઓએ ધ્યાનમાં લઈને ભવિષ્યમાં લડાઈઓ નહિં કરવાની કોઈ પ્રતિજ્ઞા પણ ના લીધી.
    હા, શાણા માણસોને સમજ પડી અને તેમણે અવારનવાર લોકોને ચેતવ્યા પણ ખરા.
    આ બધું થયા પછી પણ આજ દિવસ સુધી મોટામોટા યુદ્ધો પાછા ચાલુ જ રહ્યા.
    આજના સમયમાં યુદ્ધો થવાના પડકારા અને ભણકારા આપણે સાંભળીએ છીએ, હવેના સત્તાધારી લોકોને સમજ આવી છે કે યુધ્ધો અનિવાર્ય તો છે, પણ તેમને એટલે જ
    અટકાવા પડે છે કે બેસુમાર જાનહાનિની સાથે માણસોની
    કારમી મહેનતથી ઉભી થયેલી સંસ્કૃતિનો પણ કચ્ચરઘાણ
    નીકળી જશે.
    માનવ સમજે છે એટલે હવે મોટા યુધ્ધો ના થવાની શક્યતા ઘણી લાગે છે.
    પરંતુ ભવિષ્ય ભાખી નથી શકાતું ના થવાનું થતું રહેછે.

    Liked by 1 person

Leave a comment