રૅશનાલીઝમ સામેના પડકારો

‘સત્યશોધક સભા’, સુરત દ્વારા રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરનારને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ અર્પણ કરવામાં આવે છે. તા. 17 માર્ચ, 2019ને રવીવારે ‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકને આ એવોર્ડ અર્પણ થયો, તે પ્રસંગે રજુ થયેલ વક્તવ્ય.

રૅશનાલીઝમ સામેના પડકારો

સામ્પ્રત સમયમાં રૅશનાલીઝમની સ્થીતી વીકટ બની છે. આપણે વીચાર્યું ન હોય તેવું બની રહ્યું છે. તમારે શું ખાવું, શું પહેરવું, શું જોવું, શું વાંચવું–તેનો નીર્ણય તમારે લેવાની જરુર નથી; આ કામ તો મોબ કરશે!

રૅશનલ અભીગમની ચર્ચા કરનારને, જાહેરમાં ‘ભગવા કપડાં’ કાઢી મારપીટ કરે! મેસેજ આપવો છે : ‘બોલશો તો આ દશા થશે! ‘ચુપ રહો’. ભગવા કપડાંની પણ શરમ નહીં! રૅશનલ લેખકોની હત્યાઓ; એ પણ સનાતન ધર્મ સંસ્થાના પવીત્ર/ ધર્મપ્રીય સભ્યો દ્વારા! આ બધુ મહાખેદજનક છે.

હાયપર પેટ્રીઓટીઝમનો ભયંકર પવન ફુંકાઈ રહ્યો છે.

રૅશનલ કવી અખો પણ આવી સ્થીતીનો ભોગ બન્યો હશે;  તેણે પોતાની વેદના આ રીતે રજુ કરી છે :

મારકણો સાંઢ ને ચોમાસું માહાલ્યો,
કરડકણા કુતરાને હડકવા લાગ્યો.
મર્કટ ને વળી મદીરા પીએ.
અખા એહેથી સહુ કોઈ બીએ.

રૅશનાલીઝમ સામેના પડકારો અનેક છે, મુંઝવનારા પ્રશ્નો પણ અનેક છે :

  1. રૅશનલ મુલ્યોની જાળવણી કેમ થતી નથી ? આપણે ત્યાં કાયદાનું શાસન કેમ નથી?
  2. બંધારણીય મુલ્યો ક્યાં સંતાયા છે? વૈજ્ઞાનીક અભીગમ/ સેક્યુલારીઝમ/ બન્ધુત્વ/ સમાનતા/ સામાજીક ન્યાય/ સ્વતન્ત્રતાનો અભાવ કેમ છે ?
  3. બંધારણીય મુલ્યો કચડનારાઓને આપણે ખુલ્લા પાડી શકીએ છીએ?
  4. આપણે મુક્ત રીતે, રૅશનલ વીચારો વ્યક્ત કરી શકીએ છીએ?
  5. સર્ટીફાઈડ પેટ્રીઓટીઝમની આપણે ટીકા કરી શકીએ છીએ?
  6. આપણે પ્રતીનીધીઓની નીષ્ફળતાઓ અંગે મીડીયામાં વાંચી/ સાંભળી કે જોઈ શકીએ છીએ?
  7. લોકશાહીનું રુપાંતર ભક્તશાહીમાં કેમ થઈ રહ્યું છે?
  8. રૅશનલ પ્રવૃત્તીઓ ઓછી કેમ થતી જાય છે?
  9. ધર્મજડસુઓ/ કટ્ટરવાદીઓ ખુલ્લેઆમ ધમકીઓ કેમ આપે છે?
  10. માનવકેન્દ્રી નીતીવાદ ઉપર, ઈશ્વરકેન્દ્રી નીતીવાદ હાવી કેમ થઈ ગયો છે?
  11. સમાજજીવનમાં ધર્મ ‘માર્જીનાલાઈઝડ’ બનવો જોઈએ; તેના બદલે તેનું વર્ચસ્વ કેમ વધતું જાય છે?
  12. તેમ છતાં સમાજજીવનમાં અનૈતીકતા/વીશ્વાસઘાત/ છેતરપીંડીનું પ્રમાણ કેમ વધ્યું છે?
  13. રૅશનાલીઝમ વીના સેક્યુલારીઝમ શક્ય છે?
  14. રૅશનલ વ્યક્તીઓ શા માટે રાજકીયજાગૃતીમાં જોડાતા નથી?
  15. રૅશનલ વ્યક્તીઓની સામાજીક જવાબદારી હોય કે નહીં?

રૅશનાલીઝમ સામેના ૫ડકારો છે : 

1. કોમવાદ :

રૅશનલ મુલ્યોની જરુરીયાત શા માટે ?

અનેક ધર્મ/ અનેક પેટા પંથો/ અનેક માન્યતાઓ/ અલગ અલગ રીતરીવાજો/ ભીન્ન ભીન્ન વીચારસરણીઓ જ્યાં હોય ત્યાં સહઅસ્તીત્વની  ભાવના ઉભી કરવાનું કામ રૅશનલ મુલ્યો/ સેક્યુલર મુલ્યો કરે છે. આ એકતા સ્થાપવાની પ્રક્રીયામાં વીરોધી પરીબળ છે–કોમવાદ.

સત્તા માટે કોમવાદી પરીબળોનો ઉપયોગ થાય છે. ધાર્મીક લાગણીઓને ઉશ્કેરવામાં આવે છે. લોકોને મન્દીર મસ્જીદના અફીણી નશામાં રાખવામાં આવે છે. લોકોને એ સમજ પડતી નથી કે, મન્દીરની જરુર છે કે શાળાકોલેજની? ભુખમરો, વંચીતતા પહેલા દુર કરવા પડે.

કોમવાદીઓ ધર્મસંસદને ફાઈનલ ઓથોરીટી ગણે છે. કોમવાદ અન્ધકાર તરફ ખેંચી જાય છે. કોમવાદી પરીબળો રૅશનાલીઝમ/ સેક્યુલારીઝમ સામે પડકાર બની ગયા છે.

રૅશનલ/ સેક્યુલર સમજ ન હોય ત્યાં કોમીહીંસા અચુક હોય. ધર્મસંસ્કૃતીનું મીથ્થાભીમાન રાક્ષસીવૃત્તી પેદા કરે છે, આતંકવાદનો જન્મ થાય છે. ધર્માંધતા સેક્યુલર/  રૅશનલ મુલ્યોનો ભોગ લે છે.

IT Cell દ્વારા મુસ્લીમ પ્રત્યે દ્રેષ ઉભો કરવા ઈતીહાસને વીકૃત કરી, ઝેર ઓકતી પોસ્ટ સોશીયલ મીડીયામાં રોજેરોજ વહેતી મુકવામાં આવે છે. કોમવાદ સમાજને છીન્નભીન્ન કરે છે. સમાજને તોડે છે. હુલ્લડો કરે છે. મીલકતો સળગાવે છે. સમાજને પછાત બનાવે છે.

અમદાવાદમાં ફુટફાથ ઉપર બોર્ડ જોવા મળે છે : આવો ભારતને હીન્દુરાષ્ટ્ર બનાવીએ.’ બંધારણની ઠેકડી ઉડાડતી આ ઘટના કેમ કોઈને ડંખતી નથી?

2. ગુઢવાદ:

જગત માયા છે?

ગુઢવાદ, રૅશનાલીઝમ વીરોધી છે. ગુઢવાદમાંથી કોમવાદનો જન્મ થાય છે. ગુઢવાદીઓ આત્મા, પરમાત્મા, પુનર્જન્મ, સ્વર્ગ, નરક, દીવ્યતા, જેવા ખ્યાલોમાં માને છે. ગુઢવાદીઓ આવી બાબતોને અગ્રતા આપે છે અને ઐહીક બાબતોને પાપ ગણે છે. જગત માયા છે, તેમ કહે છે. ગુઢવાદીઓ સમાજઉધ્ધાર/ રાષ્ટ્રઉધ્ધારને બદલે આત્મકલ્યાણની વાતોમાં સમય વેડફે છે. ગુઢવાદીઓ આભાસી વીચારસરણીને મહત્વ આપે છે અને રૅશનલ વીચારને પાપ ગણે છે. માણસને થઈ રહેલો અન્યાય ઐહીક બાબત છે, તેનો ઉકેલ પણ ઐહીક જ હોય; ઈશ્વરભક્તી ન હોય.

માનવકેન્દ્રી નીતીવાદ જ અન્યાય દુર કરી શકે.

હાલનો અન્યાય, પાછલા જન્મોના કર્મોને કારણે છે; તેવું ઠસાવનાર ધર્મ ક્યારેય અન્યાય દુર કરી શકે નહીં. ઈશ્વર આધારીત નીતીવાદે અસમાનતા ઉભી કરી. ધાર્મીક માન્યતાના કારણે સતીપ્રથા કે અસ્પૃશ્યતા હોય, બાળલગ્નને કારણે બાળવીધવા હોય; તે માનવ અધીકારનો ભંગ છે. રુઢી કે મતાગ્રહનું ઉચું સ્થાન અને જીવતા માનવનું ગૌણ સ્થાન; એ ખ્યાલનો રૅશનાલીઝમ વીરોધ કરે છે.

ગુજરાતમાં છેલ્લાં ચાલીશ વર્ષથી મોરારીબાપુએ ઠેર ઠેર કથાઓ કરી, પ્રગટ બ્રહ્મસ્વરુપ પ્રમુખ સ્વામીએ ઠેર ઠેર હરીફ મન્દીરો બંધાવ્યા. પાડુરંગ શાસ્ત્રીએ/ શ્રી શ્રી રવીશંકરે ઠેર ઠેર ધાર્મીકમેળાવડા યોજ્યા; છતાં ગુજરાતમાં શોષણ ઘટ્યું નથી, અન્યાય વધ્યો છે. અનૈતીકતા વધી છે, ગુનાઓ વધ્યા છે. અસમાનતા વધી છે. માનવગૌરવ હણાયું છે.

આ૫ણે અન્યાયમાં પ્રભુનો ન્યાય જોઈએ છીએ. રૅશનાલીઝમ આ૫ણી દૃષ્ટીને આ જગત ઉ૫ર સ્થીર કરે છે.

‘હીન્દુત્વ’ અસમાનતા, અન્યાય, શોષણ જ વીસ્તૃતકરી શકે. ધાર્મીક મુલ્યો ગરીબી સર્જે  છે, રૅશનલ મુલ્યો પ્રગતી સર્જે  છે.

આપણે ભુલવું જોઈએ નહીં કે સામાજીક અન્યાય/ શોષણ; એ નક્સલવાદની જન્મભુમી છે.

3. અસહીષ્ણુતા, ઝનુન :

માણસ, માણસને જીવતા સળગાવે છે, કેમ?

અસહીષ્ણુતાનો જન્મ સંકુચીત વીચારોમાંથી થાય છે. કોમવાદી/ મુળભુતવાદી/ ધર્મવાદી માણસ અસહીષ્ણુ હોય છે. તે ઝનુની પણ હોય છે. ટીલાંટપકાં કરે પણ મજુરનું શોષણ કરે! અસહીષ્ણુતાના કારણે કોમી હુલ્લડો થાય છે. માણસ માણસને કાપે છે. મહીલાઓ/ બાળકોને જીવતા સળગાવે છે. શાંતીનો ભોગ લેવાય છે. સમાજ અને વ્યક્તી છીન્નભીન્ન બની જાય છે.

રૅશનલ અભીગમની ચર્ચા કરનાર સ્વામી અગ્નીવેશજીને ધાર્મીકલોકો જાહેરમાં કપડાં ખેંચી, ટીપે છે, છતાં નાગરીકોનું રુંવાડુંય ફરકતું નથી. કેટલાંક તાળીઓ પાડનાર ભક્તોને તેમાં વાંધા સરખું દેખાતું નથી. આ સ્થીતી કાલે તમારી સાથે થશે, ત્યારે શું કરશો?

કટ્ટરવાદ અને પછાતપણાને અતુટ સમ્બન્ધ છે!

જે સમાજમાં, વીચાર મુક્તપણે રજુ કરવા સામે કટ્ટરવાદીઓની જીત થતી હોય, તે સમાજ કાયમ પછાત જ રહે છે. કટ્ટરવાદ, એ રૅશનાલીઝમ સામેનો ખતરો છે. કટ્ટરવાદી વીચારધારાનો વીરોધ કરવો તે રૅશનાલીસ્ટની ફરજ છે.

ભક્તશાહીની નહીં; લોકશાહીની અનીવાર્યતા સમજવાની છે.

સત્યને પામવા સહીષ્ણુતા અનીવાર્ય.

સહીષ્ણુતા વીના સત્યને પામી શકાય નહીં. સહીષ્ણુતા વીના અવીદ્યા/અસત્યનો સામનો થઈ શકે નહીં.

8 વર્ષ સુધી જેલમાં રાખ્યા પછી 17 ફેબ્રુઆરી, 1600ના રોજ પાદરી બ્રુનોને જીવતો સળગાવી દીધો હતો;  કેમકે, કોપર્નીક્સનું  તેણે સમર્થન કર્યું કે, પૃથ્વી અચલ નથી, તે સુર્યની પરીક્રમા કરે છે. આપણે 16 મી સદીમાં જઈ રહ્યા નથી ને?

રથયાત્રાતાજીયા કાઢવાથી, મસ્જીદમન્દીર  બાંધવાથી, ધર્મસંસદના હાકલા પડકારાથી વીકાસ થતો નથી; જડતા વધે છે; અસહીષ્ણુતા વધે છે. ધાર્મીક લાગણીઓ ઉશ્કેરવાથી માણસ જંગલી કૃત્યો કરે છે.   માનવગૌરવ, બન્ધુત્વ અને વ્યક્તીસ્વાતંત્ર્ય નંદવાય છે.

4. અબૌધ્ધીકતા/ મીથ્યા તત્વજ્ઞાનનું અફીણ :

અબૌધ્ધીકતા રૅશનાલીઝમને હાની કરે છે. રૅશનલ માણસ ક્યારેય કોમવાદી પ્રવૃત્તીમાં ભાગ લેતો નથી. અબૌધ્ધીક એટલે અભણ નહીં; પણ ઈરૅશનલ. નેતાઓ મન્દીર–મસ્જીદમાં જઈને ખોટા મુલ્યો પ્રસ્થાપીત કરે છે. બાપુઓના આશીર્વાદ મેળવવા સમય અને પૈસાનો બગાડ કરે છે. આવી માનસીકતા ધરાવતો સમાજ ક્યારેય પ્રગતી કરી શકે નહીં.

રૅશનાલીઝમને બુધ્ધી સાથે લેવાદેવા છે, તે ભ્રમ છે. જજ/ ડોક્ટર/ એન્જીનીયર/ IAS/ IPS/ કુલપતીઓ/ શીક્ષકો રક્ષાપોટલીઓ બાંધે છે. નંગોની વીંટીઓ ધારણ કરે છે. બુધ્ધી નહીં, વીવેકબુધ્ધી–પ્રબુધ્ધતા જ આ વળગણમાંથી મુક્તી અપાવી શકે છે.

સમાજજીવનમાં ધર્મ ‘માર્જીનાલાઈઝડ બનવો જોઈએ; તેના બદલે મુખ્ય ભુમીકા ભજવે છે. ધર્મના કારણે/ કથાઓના કારણે લોકો રૅશનલ અભીગમથી દુર રહે છે.

ગુજરાતના કોઈપણ ગામમાં જાવ; સાતઆઠ મન્દીર જોવા મળશે; પણ એક સારું બાળમન્દીર નહીં હોય! નવીનવી જેલ બનાવીએ છીએ; પણ શાળાકોલેજ બનાવતા નથી. શીક્ષણ નહીં હોય તો ગમે તેટલી નવી જેલ બનાવો, ઓછી પડશે!

શીક્ષણના બજેટ કરતા કુમ્ભમેળાનું બજેટ મોટું!

5. લાગણીઓની ઉશ્કેરણી :

માણસ રાક્ષસીકૃત્યો કેમ કરે છે?

કોમવાદીઓનું આ સહેલું હથીયાર છે. નેતાઓ અને ધર્મગુરુઓ ભક્તોની લાગણી ઉશ્કેરી પોતાનો સ્વાર્થ સાધે છે; અને પોતાની સત્તા ટકાવી રાખે છે.

દલીતોને આર્થીક વીકાસની જરુર છે, મન્દીરની નહીં. અમુક ઊંચો અને અમુક નીચો; એમ કહેનારા ધર્મગ્રંથોની કથાઓ કરવાની ન હોય.

લાગણીઓની ઉશ્કેરણીથી સામુહીક હત્યાકાંડ થાય છે. ન્યુઝીલેન્ડની મસ્જીદમાં અજાન વેળાએ ગોળીબાર કરી, 49 મુસ્લીમોને રહેંસી નાંખ્યા. ઈસ્લામીક ટેરરીઝમનો બદલો લેવા!

રૅશનલ અભીગમ જ આ બધું અટકાવી શકે.

       ગાય પવીત્ર, માણસ અપવીત્ર! ગાય માટે માણસની હત્યા થાય; તે ઈરૅશનલ કૃત્ય ગણાય.

6. સંદીગ્ધતાવાદ, ડબલ થીંક :

 મન્દીર અને ભગતસીંહ એક સાથે હોય!

સ્પષ્ટ વીચારસરણીનો અભાવ એટલે સંદીગ્ધતા. જ્યોર્જ ઓરવેલ આને ડબલથીંક કહે છે. ‘હીન્દુત્વ’વાળા સમરસતાની વાતો કરે, અને વર્ણ આધારે સમાજની પણ વાતો કરે. સમાનતાની વાત સાથે સમાનતાનું સમર્થન કરે!

મન્દીર નીર્માણની સાથે રૅશનલ ભગતસીંહને આદર્શ માને!

હીન્દુત્વની/ ઈસ્લામની વાતો કરનારા આપખુદ હોય છે, તેઓ મુળભુતવાદમાં માને છે. તેમની વીચારધારામાં હીન્દુત્વ કે  ઈસ્લામ કેન્દ્રમાં હોય છે, માનવ નહીં.

ધર્મ ભલે માનવતાની વાતો કરે; પરન્તુ માનવતાનો સૌથી વધુ ભોગ ધર્મો દ્વારા જ લેવાયો છે.  તેનું કારણ સંદીગ્ધતાવાદ છે.

કથાકારો કહે છે કે રામાયણ/ મહાભારતની કથાઓ હાલના પ્રશ્ર્નો ઉકેલવા સમર્થ છે. ખોટું. બીલકુલ ખોટું.

કથાકારો/ સમ્પ્રદાયો/ ધર્મગુરુઓ હમ્મેશાં સ્થગીતતા ઈચ્છે છે. તેઓ શ્રદ્ધાના ખીલે આપણને બાંધવા માંગે છે.

જીવવા માટે વીચાર/ વીવેકબુધ્ધી જરુરી છે; શ્રદ્ધા નહીં, સ્થગીતતા નહીં. પ્રગતીશીલતા જરુરી છે. 

રીલીજીયસ નેશનાલીઝમ નહીં, સેકયુલર નેશનાલીઝમ જ માનવકેન્દ્રી હોય છે. લોકશાહી સીવાયના શાસનતન્ત્રો કાં તો દૈવી પ્રેરણાથી શાસીત હોય છે, અથવા કોઈ ચોકકસ મુળભુતવાદી જડ વીચારસરણીથી.

‘રાષ્ટ્રવાદી’ લોકો માને છે કે ‘હીન્દુત્વ’ પોતે લોકશાહી ધરાવે છે, સહીષ્ણુ છે, આ ભ્રમ છે. હીન્દુવાદી સંગઠનોએ અન્ધશ્રદ્ધાનો, વહેમોનો, ધાર્મીક શોષણનો વીરોધ ન થઈ શકે તેવું વાતાવરણ ઉભું કર્યું છે. અમુક ફીલ્મ હીન્દુવીરોધી છે, ભારતીય નથી, એમ કહીને હીંસા કરે છે.

‘હીન્દુત્વ’ એ વીરોધાભાસનો સમુહ છે. આર્યસમાજ મુર્તીપુજામાં ન માને, તો કોઈને મુર્તીપુજા વીના ન ચાલે. કોઈ જ્ઞાનની ગાદીમાં, તો કોઈ જન્મની ગાદીમાં માને. કોઈ દ્વૈતમાં કોઈ અદ્વૈતમાં માને. કોઈ ભગવા વસ્ત્રોમાં માને તો કોઈ દીગમ્બરમાં. વૈદીક હીન્દુત્વ અવતારવાદનો વીરોધ કરે છે, જયારે પૌરાણીક હીન્દુત્વ અવતારવાદ આધારીત છે. કોઈપણ બીન પ્રગતીવાદી અને આ૫ખુદતન્ત્ર માટે એ જરુરી છે કે ૫રસ્પર વીરોધી એવા બે વીધાનો એક સાથે સ્વીકારે અને બન્નેને સાચા માને!

‘હીન્દુત્વ’ કે ‘સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ’ એ ‘રીલીજીયસ રીફોર્મીઝમ’ કહેવાય.

પ્રા. રમણ પાઠકે કહ્યું હતું કે : મડદાની હજામત હોય, તેને બાળી નાખવાનું હોય!

7. સ્થગીતતાવાદ, મુળભુતવાદ :

કોમવાદ કરતાં પણ ખતરનાક!

સ્થગીતતાવાદ રૅશનાલીઝમ સામેનો મોટો પડકાર છે. ધાર્મીક વલણોને કારણે સ્થગીતતાવાદનો જન્મ થાય છે અને મજબુત બને છે.

કોમવાદ કરતા સ્થગીતતાવાદ/મુળભુતવાદ વધુ ખતરનાક છે. કેમ કે, તે જનોઈની પવીત્રતામાં અને દલીતની આભડછેટમાં માને છે. મીનાક્ષીપુરમની ઘટના એ દર્શાવે છે કે, દલીતો સવર્ણની સોસાયટીમાંથી નીકળી શકતા નથી.

દલીતોને તીલકનો અધીકાર પણ નથી.

સમાન નાગરીક ધારાનો અમલ આપણે કરી શક્યા નથી. રુઢીચુસ્તો દેકારો કરે છે. સેક્યુલર સ્ટેટમાં ધર્મ આધારીત અલગ અલગ કાયદા હોઈ શકે નહીં. ધર્મના નામે કાયદામાં ફેરફાર કરવાની માંગણી ભયંકર ગણાય. મુસ્લીમ મહીલા ઉપર બળાત્કારના કેસમાં નજરે જોનાર બે સાક્ષીઓ હોવા જોઈએ, તો સજા થાય. આ નીયમ અમુક મુસ્લીમ દેશોમાં અમલી છે. જ્યારે ભારતમાં ફોજદારી ધારાથી આ નીયમનો અમલ થતો નથી.

લોકો બ્રેઈન ન્યુરોન્સ વા૫રતા નથી. લોકો વીચારતા નથી. લોકો વીચારે તો નેતા અને ઘર્મનેતાઓનો ઘંઘો પડી ભાંગે.

8. માનવવીરોધી વલણ/ બીનલોકશાહી વલણ :

ધાર્મીક બાબતોમાં સુપ્રીમકોર્ટ પણ દખલ કરી શકે નહીં!

માનવવીરોધી વલણ, રૅશનાલીઝમ સામેનો પડકાર બની ગયો છે. ધાર્મીક બાબતમાં સુપ્રીમકોર્ટ વચ્ચે પડી શકે નહીં, તેમ ધર્મજડસુઓ માને છે.

મહીલાઓ/ દલીતો મન્દીરમાં પ્રવેશ કરી શકે નહીં તેમ ‘ભક્તો’ માને છે. અન્ધશ્રદ્ધાનો વીરોધ કરવામાં આવે ત્યારે રૅશનલ વ્યક્તીઓ ઉપર હુમલા કરવામાં આવે છે. આ લોકશાહી વીરુધ્ધનું વલણ છે.

દર વર્ષે પલ્લીમાં ઘીની નદીઓ વહે છે. રાજ્યે ધર્મમાં માથું મારવું જ જોઈએ.

રૅશનાલીસ્ટે રાજકીય જાગૃતી કેળવવી પડે. ‘વોટ્સએપ’ ઉપર એક ગૃપ છે – ‘અવર રૅશનાલીઝમ’. તેમાં અવારનવાર અમુક સભ્યો એવી દલીલ કરે છે, ‘રાજકીય ચર્ચા ન કરો, નો પોલીટીક્સ. માત્ર રૅશનાલીઝમની વાત કરો.’

પ્રશ્ન એ છે કે રાજકીય જાગૃતી વીના રૅશનાલીઝમ સમ્ભવ છે ખરું?

બંધારણીય મુલ્યો– સામાજીકન્યાય/ સમાનતા/ બન્ધુત્વ/ નાગરીક સ્વતન્ત્રતા/  સેક્યુલારીઝમની ચર્ચા જ ન કરીએ; તો એવા રૅશનાલીઝમનો અર્થ પણ શો?

રાજકીય જાગૃતીનો અભાવ સામાજીક અન્યાયનું સર્જન કરે છે. સાથે સાથે નાગરીક સ્વતન્ત્રતા સામે જોખમ ઊભું કરે છે.

રાજકીય જાગૃતીનો અર્થ એ નથી કે, કોઈ પક્ષની તરફેણ કરવી; પરન્તુ બંધારણી મુલ્યોને કચડનારા સામે અવાજ ઉઠાવવો તે આપણી રૅશનલ ફરજ છે.

જેમ ધાર્મીક પાખંડીઓને ખુલ્લા પાડવામાં આવે છે,  એવી રીતે રાજકીય પાખંડીઓને પણ ખુલ્લા પાડવા તે રૅશનલ ફર છે.

રાજકીય બાબતોની ચર્ચા ન કરવી, તે ઈરૅશનલ મૌન કહેવાય; રૅશનલ વ્યક્તી આંખ બંધ કરી શકે નહીં, મગજ બંધ કરી શકે નહીં.

રૅશનાલીઝમના મુલ્યો :

  1. સહીષ્ણુતા, સ્વતન્ત્રતા, મુક્ત વીચારસરણી, લોકશાહી જીવનપદ્ધતી,
  2. આર્થીક અને સામાજીક સમાનતા,
  3. સામાજીક ન્યાય,
  4. માનવ આધારીત નીતીવાદ,
  5. પ્રગતીશીલતા.

આ મુલ્યો વીના માનવનીર્માણ/ રાષ્ટ્રનીર્માણ શકય નથી. આ મુલ્યો ‘હીન્દુ રાષ્ટ્ર’ કે ઈસ્લામીક રાષ્ટ્ર પાસે હોતા નથી. એમની પાસે હોય છે– બીનલોકશાહી વ્યવહાર/ વીચાર સ્વાતન્ત્ર્યનો અભાવ/ કટ્ટરતા–ઝનુન/ સામાજીક ભેદભાવો/ સામાજીક અન્યાય/  ઈશ્વર આધારીત નીતીવાદ/ સ્થગીતતા.

વંચીતોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ‘અનામતપ્રથાનો વીચાર અને અમલ, કોઈ ધર્મ કે કોઈ ધર્મગ્રન્થ કે પ્રગટબ્રહ્મસ્વરુપોના કારણે થયો નથી; પરન્તુ માનવકેન્દ્રી રૅશનાલીઝમના કારણે થયો છે.

રૅશનલ અભીગમ વીના સેકયુલરીઝમનો ખ્યાલ ઉદભવે નહીં. ૫રલોકને બદલે આ લોકની જ ચીંતા, ઐહીક બાબતો જ સર્વોપરી છે; તેથી તેને આડે આવતી અલૌકીક, દીવ્ય બાબતોનો સામનો કરવો જ પડે.

જે સમાજ વૈજ્ઞાનીક દૃષ્ટીબીન્દુ એક બાજુ મુકી માત્ર ધાર્મીક દૃષ્ટીથી વીચારતો થાય, તેનું પતન અવશ્ય થાય. બાબર પાસે ગન હતી,  ગનપાવડર હતો, હીન્દુરાજાઓ પાસે તલવારો’ હતી, મન્ત્રોચ્ચાર’ હતા. પરીણામ ૫રાધીનતા!

9. અભીવ્યક્તી સ્વાતન્ત્રનો વીરોઘ :

આઝાદી વીના જંગલશાહી!

જ્યાં અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ન હોય ત્યાં જંગલશાહી હોય. લોકશાહી ન હોય. ધર્મશાહી હોય. રૅશનલ અભીગમ ન હોય.

‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’, સુરત ના અર્થાત્ સામાયીકમાં એક સંશોધન લેખમાં જણાવ્યું હતું કે ‘સહજાનન્દજી સમાજ સુધારક હતા, ભગવાન ન હતા.’ તેમાં ઊહાપોહ થઈ ગયો. કેસ થયો.

ધર્મસમ્પ્રદાયો રાજ્ય ઉપર પ્રભુત્વ ધરાવે છે તેથી અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યના રખેવાળોને સહન કરવું પડે છે.

સ્વાતન્ત્ર્ય વીના લોકશાહી જીવે નહીં. બંધીયાર વીચારધારા, રુઢીચુસ્ત પ્રથા સર્જે છે, જે મુક્ત વીચારસરણીને અવરોધે છે.

લોકશાહી ન હોય ત્યાં મુળભુતવાદ હોય, આપખુદ તન્ત્ર હોય, ત્યાં રૅશનાલીઝમ કે સેક્યુલારીઝમ ટકી શકે નહીં.

મીડીયા મહાજોખમ છે; તે લોકોને ગેરમાર્ગે દોરે છે; સત્ય ઈરાદાપુર્વક છુપાવે છે. બીજી બાજુ સત્ય ઉજાગર કરનાર રૅશનલ લેખકોની હત્યાઓ થાય છે.

કેટલાક મીડીયા માનસીક રોગી છે; તે સત્તાને પ્રશ્ન પુછતા નથી, વીપક્ષને પુછે છે!

‘Fake News’ તારણહારની છબી ઊભી કરે છે.

ટીવી ચેનલમાં હીન્દુ–મુસ્લીમની ચર્ચા જ જોવા મળે છે. લોકોને પીડતા મુળ પ્રશ્નો; જેવાકે બેરોજગારી/ ખેડુતોની આત્મહત્યા/ મોંઘું શીક્ષણ/ વંચીતોની વેદના/ બાળકો અને મહીલાઓની અસુરક્ષા; અંગે મૌન રહે છે.

આદીવાસીઓને જંગલમાંથી વીસ્થાપીત કરવામાં આવે; મજુરોનું શોષણ કરવામાં આવે; દલીતોને માર મારી પરેડ કરાવવામાં આવે; ત્યારે તમે બોલશો તો તમને દેશદ્રોહી/ નકસલી ઠરાવી દેશે!

વીચારને નીયન્ત્રીત કરવાની આ ચાલ છે. સમાચાર ઉપર શાસકનું નીયન્ત્રણ હોય ત્યારે નાગરીકોનું રુપાન્તર ભક્તોમાં થતું જાય છે. પ્રોપેગેન્ડાને સત્ય માની લોકો તાળીઓ પાડ્યા કરે છે.

10.સર્ટીફાઈડ હાઈપર પેટ્રીઓટીઝમ :

દેશપ્રેમનો નશો બીજું બધું દુ:ખ ભુલાવી દે છે!

દેશપ્રેમ, એ અફીણી નશો છે.

યુદ્ધનું ગૌરવ દેખાડી લોકોની ભાવનાઓનો ઉપયોગ કરવામાં આવે છે; જેથી મુળ સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન હટીને દેશપ્રેમમાં ચોટી જાય.

રોટીનો પ્રશ્ન ગોળીઓના ગૌરવથી ઢાંકી શકાય છે. એટલે જ્યારે આર્થીક નીતીઓ નીષ્ફળ ગઈ, લોકપ્રીયતા ઘટી ત્યારે નેપોલીયને ઈટલી સાથે યુદ્ધ જાહેર કર્યું હતું. યુરોપમાં ફ્રાન્સ શીખર ઉપર હતું ત્યાંથી તુટીને જમીન ઉપર આવી ગયું હતું.

ભારત પાકીસ્તાનમાં ગરીબો, વધુ ગરીબ થતા જાય છે. દેશભક્તીમાં બન્ને દેશોના લોકો ધુણી રહ્યા છે. લોકોને રોટી, કપડા, મકાન, શીક્ષ, આરોગ્ય જેવી પાયાની સુવીધાના ફાંફા છે; પણ યુદ્ધ જોઈએ છે!

આ પડકારો સામે ઉપાયો પણ ઉપલબ્ધ છે :

રવીશકુમારે એવી અપીલ કરી છે કે ‘તમે નાગરીક રહેવા માંગતા હોય તો અઢી મહીના સુધી ટીવી ચેનલ જોવાનું બંધ કરી દો!’

1. રૅશનાલીઝમ, રૅશનલઅભીગમ :

સાચું શું અને ખોટુ શું? તે પારખવાની શક્તી એટલે રૅશનાલીઝમ; તેને વૈજ્ઞાનીક અભીગમ/ રૅશનલ અભીગમ પણ કહેવાય. રૅશનલ અભીગમ એ તો બંધારણનો આત્મા છે. મન્દીર–મસ્જીદ/ગાય/ગૌમુત્ર/મન્ત્રોચ્ચારથી પ્રગતી/વીકાસ ન થાય.

અખાએ  રૅશનાલીઝમની સરસ વ્યાખ્યા કરી છે :

સદવીચાર થડ જેણે ગ્રહ્યું,
તહેને શાખા–પત્ર બાહારે ન રહ્યું.
સદવીચાર ઉપર અખા લીંપણું.

રૅશનાલીઝમને ઉધાર આશ્વાસનો/ ધર્મગ્રન્થો/ રીવાજો/ મન્દીર–મસ્જીદ/ ચર્ચના શરણે જવાની જરુર પડતી નથી. આશીર્વાદ કે દુવાની જરુર પડતી નથી. રૅશનાલીઝમ સાચી સમજ આપે છે અને ઉકેલ સુચવે છે. રૅશનાલીઝમ માનવતા શીખવે છે. રૅશનાલીઝમ શ્રદ્ધામાં નહીં, વીશ્વાસમાં, નસીબમાં નહીં, પુરુષાર્થમાં/ રામ ભરોસે વૃત્તીમાં નહીં, ચોક્કસાઈમાં/ ઈશ્વર આધરીત ન્યાયમાં નહીં, સામાજીક ન્યાયમાં માને છે. રૅશનલ માણસ ધાર્મીક લાગણીઓથી દોરવાતો નથી; પરન્તુ માનવીય લગણીથી દોરાય છે. રૅશનલ માણસ જડ નથી, લાગણીશીલ છે, સંવેદનશીલ છે. પરીણામે માનવજાતના દુ:ખો દુર કરવા રૅશનલ માણસ વીચારે છે. રૅશનલ માણસ સામાજીક નીસબત પ્રત્યે પ્રતીબદ્ધ હોય છે, જ્યારે ધાર્મીક માણસ પોતાની સંકુચીતતા પ્રત્યે પ્રતીબદ્ધ હોય છે.

જ્યાં રૅશનાલીઝમ હોય ત્યાં કોમવાદ ન હોય; અસહીષ્ણુતા ન હોય; મુળભુતવાદ ન હોય; સંકુચીત દૃષ્ટી ન હોય; માનવવીરોઘી તન્ત્ર ન હોય; અસમાનતા, અન્યાય, શોષણ ન હોય.

રૅશનલ અભીગમ અને સેક્યુલારીઝમ; એ તો બંધારણીય મુલ્યો છે. આ મુલ્યો ઉપર આક્રમણ કરનારની કડક ટીકા કરવી/સખ્ત વીરોધ કરવો; તે દરેક રૅશનાલીસ્ટની ફરજ છે.

2. પરલોક કે દીવ્યતાનો ઈન્કાર/ ઐહીકતા સર્વોપરી :

મોક્ષ/ દીવ્યતા/ સ્વર્ગ વગેરે ખ્યાલોને કારણે જીવતા માણસોની સમસ્યા પ્રત્યે આપણું ધ્યાન જતું નથી. આત્મઉધ્ધારની ઉતાવળ થાય છે. બાળમજુરો/ બાળસેક્સ વર્કર/ બાળવીધવાઓ/ બાળદીક્ષાર્થીઓના દુ:ખો આપણે અનુભવી શકતા નથી.

અન્યાયમાં પ્રભુનો ન્યાય દેખાય છે. અસમાનતામાં/ શોષણમાં પીસાતા માનવીઓ આગલા જન્મના કર્મોની શીક્ષા ભોગવી રહ્યા છે અને હવે પછી મોક્ષ મળશે; તેમ શ્રદ્ધાળુઓ માને છે.

પ્રગટબ્રહ્મસ્વરુપ કહે છે કે ‘સ્વર્ગની તૈયારી કરી લ્યો.’ જ્યારે રૅશનાલીઝમ કહે છે કે પૃથ્વીને સ્વર્ગ બનાવો.’

અમેરીકન હ્યુમેનીસ્ટ એસોસીએશનનું સુત્ર સટીક છે : ‘Good without a God’

ધર્મ કહે છે કે, આ જગત માયા છે. રૅશનાલીઝમ કહે છે કે આ જગત જ સાચું છે. ધર્મ કહે છે કે, ‘ઈશ્વરની ઈચ્છા વીના પાંદડું પણ હલતું નથી’ જ્યારે રૅશનાલીઝમ કહે છે કે મનુષ્ય એક વીશીષ્ટ શક્તી ધરાવે છે અને ઈશ્વરની ઈચ્છા વીના ઘણું ઘણું કરી શકે છે.’ સેલફોન, ઈન્ટરનેટ, સેટેલાઈટ, ટૅકનોલૉજીમાં માનવીએ અદભુત પ્રગતી કરી છે.

3. માનવકેન્દ્રી નીતી :      

સર્વાઈવલની જરુરીયાતમાંથી નીતી જન્મી. નીતીઓમાંથી ઘર્મ જન્મ્યો. માનવકેન્દ્રી ચીંતન, રૅશનાલીઝમના પાયામાં છે. કોઈપણ વીચારધારાનું મુલ્યોના સન્દર્ભમાં મુલ્યાંકન થવું જોઈએ; તેમાં વીચારધારાની ચકાસણી, ફેરવીચારણા, અને સુધારાને અવકાશ રહેવો જોઈએ. રૅશનાલીઝ આવો અવકાશ પુરો પાડે છે. રૅશનાલીઝમના કેન્દ્રમાં માનવ છે, કોઈ વાદ નથી. માણસ કરતા ગાય મહત્વની હોય શકે નહીં. શહેરતની સુંદરતા ગરીબોના ભોગે હોઈ શકે નહીં. સાબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાહીં. દરેક વ્યવસ્થાના કેન્દ્રમાં માનવ જ હોવો જોઈએ.

4. સન્દીગ્ધ નહીં, સ્પષ્ટ અભીવ્યક્તી :

વીરોધાભાસ હોય ત્યાં આપખુદ તન્ત્ર હોય; સ્થગીતતા હોય; વીરોધાભાસોને કારણે કોઈ પણ પ્રકારની ટીકામાંથી આપખુદ તન્ત્ર છટકી શકે છે.

વીરોધાભાસમાંથી કોમવાદ અને હીંસા ફેલાય છે. અસહીષ્ણુતા વકરે છે. શાંતી અને વીકાસનો ભોગ લેવાય છે.

ગાંધીજીના રામઅને લોકોના શ્રીરામવચ્ચે તફાવત છે.  

‘રામ’ સાથે સહીષ્ણુતા જોડાયેલી છે. જ્યારે ‘શ્રીરામ’ સાથે અવીવેક, અન્ધશ્રદ્ધા, ઝનુન, રુઢીચુસ્તતા, ધર્મજડતા જોડાયેલી છે.

‘રામ’ અંત્યોદય સાથે જોડાયેલ હતા; જ્યારે ‘શ્રીરામ’ ભાગલાવાદી છે.

‘રામ’ સાથે સામાજીક ન્યાય જોડાયેલ છે, જ્યારે ‘શ્રીરામ’ સાથે સાંસ્કૃતીક ગર્વ જોડાયેલ છે.

ચમત્કાર તો જુઓ : ‘શ્રીરામ’વાળા ભગતસીંહનું અપહરણ કરી ગયા! કેટલો ને કેવો વીરોધાભાસ!

5. સ્થગીતતા નહીં, પ્રગતીશીલતા :

સ્થગીતતા બંધીયાર વાતાવરણ સર્જે છે. ધર્મગ્રન્થોમાં કહ્યું છે, તેથી તેમાં ફેરફાર ન કરી શકાય, ફેરફાર કરવામાં આવે તો ઈશ્વર/ ખુદા નારાજ થઈ જાય; તેમ માનનારા મુળભુતવાદી છે. એ ઝનુની હોય છે. મતાગ્રહી હોય છે. તે માનવીય ગૌરવમાં નહીં; ‘ધાર્મીક ગૌરવમાં માને છે. તેઓ પોતાના ધર્મગુરુઓના સમ્મેલનને, દેશની સંસદ કરતાં ચડીયાતું ગણે છે. તેઓ પોતાના ધર્મગ્રન્થને દેશના બંધારણની ઉપર મુકે છે. ધર્મજડસુઓ રૅશનલ મીજાજથી કંપી ઉઠે છે.

જે બાબત નીતીથી નઠારી હોય, અયોગ્ય હોય, તે ધર્મથી સારી બની શકે નહીં.

મુળભુતવાદીઓ નીતીથી નઠારી બાબતને ધર્મના વાઘા પહેરાવે છે. જેથી શ્રદ્ધાળું લોકોનું શોષણ કરી શકાય. સ્થગીતતા  પછાતપણું સર્જે છે. જ્યારે પ્રગતીશીલતા વીકાસ તરફ ખેંચે છે. રૅશનાલીઝમ અને પ્રગતીશીલતા પરસ્પર સહાયક અને પોષક છે.

6. ઈશ્વરશાહી, ધર્મશાહી નહીં; માનવઅધીકારો સાથેની લોકશાહી :

રૅશનાલીઝમ મનવઅધીકારો સાથેની લોકશાહી ઝંખે છે. ધર્મશાહી/ ઈશ્વરશાહીમાં સામંતવાદી મુલ્યો જ હોય. રૅશનાલીઝમ ઈચ્છે છે કે, તમામ નાગરીક તમામ પ્રકારના બંધનોથી સ્વતન્ત્ર હોય. અસમાનતા હોય, ભેદભાવ હોય, સામાજીક ન્યાયથી કોઈ વંચીત હોય, માનવ ગૌરવ હોય, ‘પ્રજાનહીં, સૌ નાગરીકોહોય.

વ્યક્તી સ્વાતન્ત્ર્યની સ્થાપના લોકશાહીનો પ્રાણ છે. સ્વતન્ત્રતા લોકશાહીની ઉત્પતી/ જાળવણી તથા વીકાસમાં મહત્વનું યોગદાન કરે છે.

રૅશનલ/ સેક્યુલર સમાજ હોય તો જ લોકશાહી સમ્ભવી શકે. લોકો પરલોકને સુધારવામાં પડ્યા હોય તો લોકશાહી બંધારણ લોકશાહી સ્થાપી શકે નહીં.

સાચી લોકશાહી ત્યારે જોવા મળે, જ્યારે લોકોનો અભીગમ સેક્યુલર/ રૅશનલ હોય. લોકશાહી વીના સેક્યુલર/ રૅશનલ અભીગમ શક્ય નથી. લોકશાહી ન હોય ત્યાં આપખુદ તન્ત્ર હોય; ત્યાં સેક્યુલારીઝમ/ રેશનલારીઝમ ટકી શકે નહીં.

માળખું ભલે લોકશાહી હોય; પરન્તુ તેના સંચાલકો, નીયન્ત્રકોના વલણ અને વર્તનમાં રૅશનલસેક્યુલર મુલ્યો હોય તો એવી લોકશાહી સ્વાંગનું, નાટકનું સ્વરુપ ધારણ કરે છે. 

ચુનીલાલ મડીઆની સધરા જેસંગનો સાળો નવલકથામાં તેનું આબેહુબ વર્ણન છે.

કોઈ એક વ્યક્તી લોકોની તારણહાર છે, એવો ખ્યાલ લોકમાનસમાં પ્રચારમાધ્યમો દ્વારા ઘુસાડવામાં આવે તે લોકશાહી માટે ભયસ્થાન છે.

લોકશાહીનો સાચો આધાર વીરોધપક્ષ નહીં, પણ પ્રબળ લોકજાગૃતીમાં રહેલો છે.

7. વીવીધતાનો સ્વીકાર, સહીષ્ણુતા :

સહીષ્ણુતા વીના રૅશનાલીઝમ/ સેક્યુલારીઝમ શક્ય નથી. કટ્ટરવાદ એ આપખુદ તન્ત્રનું લક્ષણ છે. જગતમાં એટલી બધી જીવન પધ્ધતીઓ છે, જેથી તેનો સ્વીકાર કરવા સીવાય છુટકો નથી. આખા જગત માટે રૅશનાલીઝમ/સેક્યુલારીઝમ આવશ્યક છે. ધાર્મીક ઝનુનથી/ કટ્ટરતાથી વીકાસ થઈ જતો હોય તો જગતનું સુકાન કટ્ટરવાદી મુસ્લીમોના હાથમાં હોત; પણ યુરોપના દેશો વીજ્ઞાનની શક્તીના આધારે જગતને ચલાવે છે. આર્થીક જગત ઉપર અમેરીકા/ જાપાન/ ચીનનું પ્રભુત્વ ધાર્મીક ઝનુન, કટ્ટરતાવાદ કે મુળભુતવાદના કારણે નથી; પણ રૅશનલ અભીગમના સ્વીકારના કારણે છે.

જ્યાં રૅશનાલીઝમ હોય ત્યાં કોમવાદ ન હોય, ત્યાં અસહીષ્ણુતા ન હોય, મુળભુતવાદીઓ ન હોય, સંકુચીત દૃષ્ટી ન હોય, માનવવીરોધી તન્ત્ર ન હોય, અસમાનતા, અન્યાય, શોષણ ન હોય, રૅશનાલીઝમ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારી શકે છે.

રૅશનાલીઝમ, સમાજ પરીવર્તન માટે આવશ્યક છે. ભીન્ન ભીન્ન ભાષાઓ/ રીવાજો/ સંસ્કૃતીઓ/ ધર્મો હોય ત્યાં વીવીધતાનો સ્વીકાર થવો જોઈએ. આવો સ્વીકાર સહીષ્ણુતા હોય તો જ શક્ય બને. આવી સહીષ્ણુતા અપીલ ટુ રીઝનથી આવે. અપીલ ટુ ઈમોશનથી અસહીષ્ણુતા જ આવે!

 પ્રત્યેક રૅશનાલીસ્ટે વીરોધ કરવાનો છે

આપખુદશાહીના સમર્થકોનો,|
લોકશાહી ભુંસનારાઓનો,
બંધારણ સળગાવનારાઓનો,
ધીક્કારનું રાજકારણ ખેલનારાઓનો,
સ્વતન્ત્રતા ઉપર તરાપ મારનારાઓનો,
વીરોધીઓની હત્યા કરનારાઓનો,
ટીકાકારો ઉપર હુમલા કરનારાઓનો,
જુમલા–જુઠ્ઠાણા ફેંકનારાઓનો,
ભ્રામક વચનો આપનારાઓનો,
રુશ્વતખોરી આચરનારાઓનો,
થોડાક મુડીપતીઓના લાભાર્થે રાષ્ટ્રીય સંસાધનો વેડફનારાનો,
પોતાની ઈમેજ ચકચકીત કરવા માટે જાહેરનાણાં વાપરનારાનો,
ધાર્મીક ઝનુનના પુરસ્કર્તાઓનો,
અન્ધશ્રદ્ધા અને અવૈજ્ઞાનીક વલણના પ્રચારકોનો,
પરોપજીવી ધાર્મીક સંસ્થાઓના સમર્થકોનો,
બાળકોના કુમળા મગજમાં વીકૃત ખ્યાલો રોપનારાઓનો,
પુરાણકાળમાં પાછા જવાની વાત કરનારાઓનો,
લૈંગીક ભેદભાવના સમર્થકોનો,
શોષણના સમર્થકોનો,
વર્ણવ્યવસ્થાના સમર્થકોનો,
જ્ઞાતી/ ધર્મ/ લીંગ/ દલીતના કારણે દમનની હીમાયત કરનારાઓનો;
શીક્ષણ, કલા વગેરે સાંસ્કૃતીક પ્રવૃત્તીઓનું નીયંત્રણ કરનારાઓનો.

વીરોધ કરવો પડે.
ચુપ બેસી રહેવાય નહીં.

ગંદકી સાફ કરવાની છે, ફાસીવાદી પ્રદુષણની. વ્યાપક વૈચારીક આંદોલનની જરુરીયાત છે, તે માટે તાલીમ શીબીરો દ્વારા માનવીય મુલ્યો, લોકશાહી વ્યવસ્થા – જીવનશૈલી, અભીવ્યક્તીની સ્વતન્ત્રતા, રૅશનલવલણ કેળવવા ઉપર ધ્યાન નહીં આપીએ તો ‘નાગરીક’ મટી ફરજીયાત ‘ભક્ત’ બનવાનો વખત આવશે.

કવી નર્મદે કહ્યું છે :

વણ માગે માએ ન પીરસે,
લુચ્ચા હક ડુબાવે,
સાવધ રહીને સામું થાતાં,
હક પોતાના આવે,
સહુ જન હક ઊઠી માગો,
હવે ઝટ ઊંઘમાંથી જાગો.

()()()

(‘સત્યશોધક સભા’, સુરત દ્વારા રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરનારને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ અર્પણ કરવામાં આવે છે. તા. 17 માર્ચ, 2019ને રવીવારે ‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકને આ એવોર્ડ અર્પણ થયો, તે પ્રસંગે રજુ થયેલ વક્તવ્ય.)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ      ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–03–2019

7 Comments

  1. પ્રાચીન સમય થી ધર્મ નો ફેલાવો હિંસા દ્વારા કરવામાં આવેલો જણાય છે.પ્રાચીન રાજ્યો ના સત્તા ના કેન્દ્રો માં પણ ધર્મ રહેલો જણાય છે.તો ધર્મ એક સત્તા તરીકે સ્થપાયેલો જણાય છે.હવે આપણે રેશનાલિજમ સ્થાપવા ઇચ્છીએ છીએ લોકો વાસ્તવિકતા માં વિજ્ઞાન માં માને અને ધર્મ ની ખોટી કલ્પનાઓ માંથી બહાર આવે વળી માનવીય મૂલ્યો પ્રમાણે પણ જીવે એવી જીવન પધ્ધતિ એવો સમાજ બને એવું ઇચ્છીએ છીએ.તો શું માત્ર વિચારો રજૂ કરી તેનો પ્રચાર કરી તેની સ્થાપના કરી શકશું?શુ આપણે પણ સત્તા માં સ્થાન મેળવી સત્તા નો હિંસા નો પણ ઉપયોગ કરવો અનિવાર્ય છે?જેમ પ્રાચીન કાળમાં રાજા જે ધર્મ પાળતો તેજ પ્રજા ને પાડવાની ફરજ પાડવામાં આવતી એ રીતે ફરજ પાડવી જરૂરી નથી?શુ એના વગર રેશનલિશમ ની સ્થાપના થઇ શકશે?એવું કરવા માં આવે કે સત્તા દ્વારા તમામ ધર્મ સ્થાનો ને તોડી પાડવામાં આવે અને ફરજીયાત રેશનલિશમ સમજાવવા માં આવે બાઇબલ ના જુના કરાર માં ઉદાહરણ છે યહોવા સિવાય તમામ અન્ય દેવી દેવતા ના ધર્મસ્થાનો તોડી પાડવામાં આવે છે આના સિવાય કોઈ ઝડપી ઈલાજ છે

    Liked by 2 people

    1. હિંસાથી રેશનાલિઝમની સ્થાપના કરી શકાય નહી.

      સમગ્ર માનવજાત રેશનલ બંને નહી; પરંતુ રાજ્યના સંચાલકો જો રેશનલ હોય તો લોકકલ્યાણના કામો થાય.
      રાજ્યે ઈરેશનલ કૃત્યો અટકાવવા જોઈએ. સેક્યુલર સ્ટેટ આ કામ કરી શકે; ધાર્મિક સ્ટેટ આ કામ કરી શકે નહી; તેમ જગતનો ઈતિહાસ કહે છે.

      Liked by 3 people

  2. A very long Read.
    Thank you for posting.
    We all have our own ideals but difficult for the World to understand.
    These ignorant believers say,’ દલીતો સવર્ણની સોસાયટીમાંથી નીકળી શકતા નથી.’ There’s NO respect for other Human Beings.

    ‘Divide and Rule’ is the strategy they use to brainwash others by whatever means possible.

    Everyone is looking for their own benefit.
    Selfish people, Selfish attitude.
    Will the World ever change for the better?

    I shall continue to live in Hope.
    Best Wishes.

    Liked by 3 people

  3. very detailed and lengthy analysis of all aspects of Rationalism along with realism,skepticism,humanism and atheism,also including politics, power,religion and socialism.
    Such a big task to be accomplished by the abject minority of a few Rational thinkers like us, when in society 99.9 % of the population thinking the other way around.
    Charvak was there 2500 years ago to propound the Rational thoughts but he was thrown away by the established conservatives and traditionalists and masses of people even don’t know who he was the contemporary of Mahavir and Buddha.
    We have steep mountain to climb, and slowly an inch by an inch we shall.
    A few people like you have to keep on doing what you are. Thanks for what you have done and doing for the promotion of Rationalism.
    Good Luck and Best Wishes.

    Liked by 3 people

  4. I must say that to go through the lengthy write up which is believed to be the address on receipt of the prestigious award. Rationalism in itself is a subject that is not in the list of priorities of the government of the day in Gujarat and also in the Centre. Kalburgi and Gauri lankesh has paid a price to express themselves in public. I admire your guts and strength to speak out your mind and express yourself fearlessly. Award to you is much smaller compared to what you have done and what you are doing and will continue to do so in the days to come.

    We need to discuss on the plight of Dalits, Adivasis and others who are among the deprived segment of our society. Based on my working of over 18 years with Adivasis in central India, I believe that historical injustice has been caused to them in the past and also they suffer at present. Ghar Vapsi is no more than a drama as Adivasis, despite are not hindus are labelled as Hindus and all sorts of drama is played to reconvert them as Hindus which is also a crime but who bothers when “सैंया भये कोटवाल”. Much more needs to be done for social justice for the indigenous / aboriginal segment of our society who are Dalits and Adivasis who suffer for their only fault that they are poor and deprived. I wish you can raise their voice.

    Liked by 3 people

  5. દરેક મુદ્દા ની સરસ છણાવટ કરી છે, મારા મંતવ્ય મુજબ, આજકાલ, અભિવ્યક્તિની આઝાદી એટલે સ્વચ્છંદીપણુ બની રહ્યું છે, કદાચ, આપણને મળેલી સ્વતંત્રતા માણવાની લાયકાત ધીમે ધીમે ગુમાવી રહ્યા છે કે લાયક પણ નથી રહ્યા ?

    Liked by 2 people

  6. સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
    સરસ અેનાલીસીસ… પ્રાણપ્રશ્નનું કર્યું. શાખા, વિશાખા બઘાને વિવેચનમાં સમાવ્યા.
    દરેક પ્રશ્નોના જન્મના મૂળમાં…. અભણતા અને હજારો વરસોનો ઘર કરી ગયેલો કહેવાતો ‘ ઘર્મ‘ છે. અને તે દરેકના લોહીમાં., જીન્સમાં વણાઇ ગયેલો છે, જે. ભણતરને પણ જીવનમાંથી હાંકી કાઢે છે જ્યારે ‘ ઘર્મ‘ નો સવાલ આવે છે. અને આ પરિસ્થિતિનો પોતાના અંગત સ્વાર્થને પામવા દૂરુપયોગ કે તેમને માટે.. કહેવાય કે સદોપયોગ કરનારા… સ્માર્ટ લોકો ઘણા છે અને આપણે તે લોકોની સામે જંગ પોકારીને ઉભા થયા છીઅે.
    ઘર્મની સાથે સાથે ડાર્વિનના ત્રણ નિયમો પણ કાર્યશીલ બની રહેતા હોય છે…. જે વ્યક્તિને ‘ ઘર્મ ‘ તરફ વાળે છે…… ( 1) High rate of human production OR population. (2) Struggle for existence & (3) Survival of fittest…In today’s time…. survival of RICHEST.
    જે જે પ્રકારના સ્વભાવોની વાત તમે કરી તે તો માનવ સ્વભાવ છે. સ્વાર્થી તો બનીને જ આવતા હોઇઅે છીઅે….. પરંતું મોટી ઉમરે તે ગણતરીપૂર્વક કરવામાં આવે છે.
    તમે યોગ્ય સવાલો જ પૂછયા છે. જવાબો શોઘવાના છે… શોઘીને તેને નીવારીને આગળ વઘવાનું છે….. હિંમત અને ઘૈર્યની જરુરત પડે….. કારણકે અેક ઇશ્વરની હયાતીને આપણે માનતા નથી…. અને કરોડો માનતા ઘરમીઓની સામે જંગ લડવાનો છે.
    ફરીથી ‘રમણભ્રમણ‘ સુવર્ણ ચંન્દરક માટે તમને સીલેક્ટ કર્યા તે તમારે અને અમારે સૌને માટે આનંદદાયક સમાચાર છે. હાર્દિક અભિનંદન.

    અમૃત હઝારી.

    Liked by 3 people

Leave a comment