શું સંસારની સફળતાનો સાચો આધાર વ્રત ઉપવાસ કરતી કન્યાઓ પર છે કે ઉચ્ચ કક્ષાની, જાગરુક અને બૌદ્ધીક ટાઈપની રૅશનલ સ્ત્રીઓ પર રહેલો છે? કડવાચોથને દીવસે પતીના પગ ધોઈને પી જતી ધાર્મીક કન્યા કરતાં પતીની ભુલો બદલ વહાલથી તેના કાન આમળતી મોડર્ન દીકરીને તમે પસન્દ કરશો? જે સ્ત્રીઓ વ્રત નથી કરતી તેમના પતીદેવો પણ અલમસ્ત તન્દુરસ્તી ધરાવતા હોય છે ત્યારે આવી અતાર્કીક વડપ્રદક્ષીણાનો કોઈ અર્થ ખરો?
તમને કેવી પુત્રવધુ ગમે..?
–દીનેશ પાંચાલ
આજે વસન્ત પંચમી છે. દરેક વસન્ત પંચમીના દીને લગ્નની બધી વાડીઓ ફુલ હોય છે. એમ કહેવાય છે કે લગ્ન માટે વસન્ત પંચમી જેવું શ્રેષ્ઠ મુહુર્ત બીજું એકેય નથી; પણ અમારા બચુભાઈના લગ્ન વસન્ત પંચમીના દીને થયેલા. તેમના બન્ને વચ્ચે હંમેશાં સાપ–નોળીયા જેવા ‘હીંસક’ સમ્બન્ધ રહ્યા હતા. બચુભાઈ કહે છે : ‘હું કુતુબમીનારની ટોચ પર ચઢીને એલાન કરવા માંગું છું કે વસન્ત પંચમી ‘શુભ’ નહીં ‘અશુભ’ મુહુર્ત છે. એ દીવસે તમે સીતા જેવી સુલક્ષણાને પરણશો તોય તે ફુલનદેવી જેવી નીકળશે..!’ દોસ્તો, આપણે એમના વૈમનસ્યની નહીં લગ્નના ઉદેશ્યની ચર્ચા કરવી છે. માણસ લગ્ન શા માટે કરે છે એનો યોગ્ય જવાબ તો કોઈ પંડીત જ આપી શકે; પણ કહેવાય છે કે હસ્તમેળાપ પાંચ મીનીટમાં થઈ જાય છે પણ મનમેળાપ માટે આખી જીન્દગી ઓછી પડે છે. પાનેતર ઓઢીને પતીગૃહે પધારેલી પરણેતર પાનેતર ઓઢીને સ્મશાને સીધાવે છે, તોય મનમેળાપ બાકી રહી જાય છે. બ્રાહ્મણો માટે લગ્ન કરાવવાનું જેટલું આસાન છે તેટલું પરણ્યા પછી સંસાર ચલાવવાનું આસાન નથી.
એક તાજી ઘટના સાંભળો. એક રૅશનલ મીત્રને અમે પુછ્યું : ‘તારા પુત્ર માટે તું કેવી કન્યા પસન્દ કરશે?’ તેનો જવાબ સાંભળો. તેણે કહ્યું : ‘નોટબુકમાં દીવસમાં 500 ‘રામનામ’ લખતી ધાર્મીક પુત્રવધુ કરતાં પીએચ.ડી.નો થીસીસ લખતી દીકરી મને વધુ ગમે. ‘વૈભવ લક્ષ્મી’નું વ્રત કરતી વહુ કરતાં બીઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી દીકરી ને હું પહેલી પસંદગી આપું. તુલસીક્યારા સામે બેસીને સંતોષીમાની ચોપડી વાંચતી દીકરી કરતાં લાયબ્રેરીમાં જઈને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ વાંચતી દીકરી તમારા ધ્યાનમાં હોય તો બતાવજો. કેમ કે આજે સંસારની સફળતાનો સાચો આધાર વ્રત ઉપવાસ કરતી કન્યાઓ કરતાં ઉચ્ચ કક્ષાની, જાગરુક અને બૌદ્ધીક ટાઈપની રૅશનલ સ્ત્રીઓ પર વધુ રહેલો છે. એથી કડવાચોથને દીવસે પતીના પગ ધોઈને પી જતી ધાર્મીક કન્યા કરતાં પતીની ભુલો બદલ વહાલથી તેના કાન આમળતી મોડર્ન દીકરીને હું જરુર પસન્દ કરું. એકાદ સાડી અથવા હાર–કંગનની ખરીદી કરવા માટે પતીદેવ ખુશમીજાજમાં હોય તે ક્ષણની રાહ જોતી ‘હાઉસ હોલ્ડ’ ગૃહીણી કરતાં પોતાના પગારમાંથી પતીને મોંઘો શુટ ખરીદી આપી તેને ખુશ કરી દેતી કમાઉ જીવનસાથી હવે દરેક પુરુષોને વીશેષ ગમે છે. બાકી સંતોષી મા કે વટસાવીત્રીનું વ્રત કરતી કન્યા (વ્રતની કૃપાથી) આપોઆપ શ્રેષ્ઠ પત્ની બની જતી નથી!‘
સાવીત્રીબહેન હયાત હતા ત્યારે વટસાવીત્રી વ્રત અચુક કરતાં. બચુભાઈએ તેને વટસાવીત્રીના દીને કહેલું : ‘તું વર્ષોથી વટસાવીત્રીનું વ્રત કરે છે. તેં આજ સુધીમાં મારા દીર્ઘાયુષ્ય માટે વડની ફરતે જેટલું સુતર વીંટાળ્યું છે તેટલા સુતરમાંથી મારી ચાર ચડ્ડી બની ગઈ હોત!’ ખાસ તો સ્ત્રીઓએ એક પ્રશ્ન અંગે વીચારવું જોઈએ કે જે સ્ત્રીઓ વ્રત નથી કરતી તેમના પતીદેવો પણ અલમસ્ત તન્દુરસ્તી ધરાવતા હોય છે ત્યારે આવી અતાર્કીક વડપ્રદક્ષીણાનો કોઈ અર્થ ખરો? સાચી વાત એટલી જ, જીન્દગીભર જે પુરુષો દારુ, ડ્રગ્સ, ચુનો, બીડી, તમાકુ, સીગારેટ, ગુટકા કે માવા–મસાલામાં અથાયેલા રહે છે તેમની તે કુટેવો સામે સખત મોરચો માંડવાને બદલે વડ ફરતે દોરા વીંટાળવાથી કદી કોઈ પતીને દીર્ઘાયુષ્ય મળી શકતું નથી. એવા વ્યસની ‘વરરાજાઓ’ વસન્તપંચમીના દીને લગ્ન કરે તોય જીવનમાં કદી વસન્ત આવતી નથી.
દોસ્તો, પતી–પત્ની શર્ટના બે ફાલકાં જેવાં, અને તેમનો સ્નેહ શર્ટના બટન જેવો હોય છે. શર્ટ નવું હોય ત્યારે બટન વડે તેના બન્ને ફાલકાં જોડાયેલા રહે છે; પરન્તુ અમુક વર્ષો બાદ બટન તુટી જતાં જેપીન મારીને બે ફાલકાં ભેગાં કરી રાખવા પડે છે. આપણી લગ્નવ્યવસ્થા હવે ધીમેધીમે નીષ્ફળ જઈ રહી છે તેથી સમાજમાં ઠેર ઠેર એવાં જેપીન મારેલા ફાલકાં જોવા મળે છે. હવે કૉલેજની રાધા અને કનૈયાઓને ઈન્સ્ટન્ટ પ્રેમ થઈ જાય છે. એક ફીલ્મી ગીતના શબ્દો સાંભળો : ‘દો બજે આંખ લડી.. તીન બજે પ્યાર હુઆ.. ચાર બજે થોડા થોડા દીલ બેકરાર હુઆ..!’ (ત્યારબાદ લગ્ન તથા છુટાછેડા કેટલા વાગ્યા સુધીમાં પત્યા તેનો ઉલ્લેખ ગીતમાં નથી) દોસ્તો, આને લવ નહીં લફરું કહેવાય. કૉલેજ એવો એરીયા છે જ્યાં વીદ્યાર્થીઓને બહુ ઝડપથી લવેરીયા થઈ જાય છે. કૉલેજમાં દાખલ થતા પ્રત્યેક યુવકને માબાપે બે વાત ભાર દઈને સમજાવવી જોઈએ. કૉલેજમાં ગયા પછી લવમાં ન પડવાથી તારી ઈજ્જતને બટ્ટો લાગશે એવું તને લાગે તો લવ કરજે પણ બે વાત ધ્યાનમાં રાખજે : ‘કૉલેજની અત્યન્ત રુપાળી યુવતીએ પણ ફરજીયાત તારી નોંધ લેવી પડે એવી અભ્યાસીક શ્રેષ્ઠતા સીદ્ધ કરજે. તારા લવના માર્ગમાં તારી નબળી માર્કશીટ બહું મોટું રોડું ના બની જાય તે માટે અભ્યાસકાળ દરમીયાન પુસ્તકને જ પુરો લવ કરજે. લવ પીરીયોડીકલી નહીં પણ પરમેનન્ટલી કરજે. અર્થાત્ લવ કરજે લફરું નહીં!’
તા. 12 જાન્યારી, 1977ના દીને બચુભાઈના લગ્ન સાવીત્રીબહેન સાથે થયા હતા. એક દીવસ થયું એવું કે શાકભાજીવાળાના ‘દાંડી દબાવ.. ત્રાજવુ ઝુકાવ’ પ્રોગ્રામ હેઠળ છેતરાઈ આવેલા સાવીત્રીબહેનને ઠપકો આપતાં બચુભાઈએ ક્હ્યું : ‘નહીં નહીં તોય શેર પોણો શેર રીંગણા ઓછા છે. તું એટલી મુર્ખ છે કે હર કોઈ તને આસાનીથી છેતરીને સાવ થર્ડ ક્લાસ વસ્તુ વળગાડી જાય છે..!’ સાવીત્રીબહેનને ગુસ્સો ચઢયો. તેમણે કહ્યું : ‘12–01–77ના દીનથી છેતરાતી આવી છું. હવે થર્ડક્લાસ વસ્તુથી ટેવાઈ ગઈ છું. લગ્ન પછી મારી એક સહેલીએ તમને જોઈ મને કહેલું : ‘નસીબમાં હોય કાગડો તો ક્યાંથી મળે કબુતરો..?’ બચુભાઈને સાવીત્રીબહેનની એ– ‘રીટર્ન ગીફટ’ આકરી લાગી પણ સમસમીને બેસી રહ્યા.
ધુપછાંવ
લગ્નજીવનની સફળતાનો આધાર
જન્માક્ષરોના મેળાપ નહીં,
મનના મેળ પર રહેલો છે.
–દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 10 ફેબ્રુઆરી, 2019ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : 02637 242 098 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 14–06–2019
આજના જમાનામાં પતિને પગલે ચાલનાર નહીં પરંતુ પતિના ડગમગતા પગલાંને યોગ્ય દિશામાં વાળનાર અને ખભે ખભા મિલાવી જીવન જંગમાં ઝઝૂમનાર પત્ની ની જરૂર છે
LikeLiked by 2 people
સર્વગુણ સંપન્ન સુંદર સ્ત્રી અને જેણે અભ્યાસીક શ્રેષ્ઠતા સીદ્ધ કરેલી. પરમેનન્ટલી લવ કરનાર ..આ આદર્શ નારી પરણે ‘જીન્દગીભર જે પુરુષો દારુ, ડ્રગ્સ, ચુનો, બીડી, તમાકુ, સીગારેટ, ગુટકા કે માવા–મસાલામાં અથાયેલા રહે તેને અને પછી તેની સામે મોરચો માંડે ! કયા જમાનાની વાત કરો છો?
લગ્નજીવનની સફળતાનો આધાર મનના મેળ પર રહેલો છે તે તર્કશુધ્ધ વાત મા જન્માક્ષર નો મેળાપની વાત અતાર્કીક લાગે ! રેશનલ વાતોમા જે ન સમજાય તેવી વાતોને અંધશ્રધ્ધા કહેવી એ રેશનલ વાત નથી…
LikeLiked by 1 person
આજની કુળવધુની પરફેક્ટ ઓળખ..
વડને દોરા બાંધવાના દિવસો ગયા..
પતિને સાચવતી અને સાચા રસ્તે લઈ આવે એ જ સાચી પત્નિ.
LikeLiked by 1 person
Marriage is a mutual partnership to Share, Care, Respect, Independence as well as a life full of Love, Honour and Trust between two people.
So there should be no place for any other influence.
Why on Earth do we have double standards?
In today’s life style Men and Women are equal, aren’t they?
Therefore, our children should choose their own partners. Well, it’s a normal practice in this country. (I understand it’s different in India.)
Indeed, they have to live up to the consequences. Most parents support in whatever decision their children make.
Educated youngsters are capable of taking many decisions so why can’t they choose their own life partner? Let them grow up!
Parents need to move aside. Please don’t ‘find your ‘daughter-in-laws’ Allow your son to find his own wife!
Life has changed.
You are not being fair.
This is not a matter of Religion or Rationalism. It’s a matter of someone’s life!
Partnership between men and women is the key word. It’s not complicated rather Logical, I would say…
Have a good evening.
Regards,
Urmila
LikeLiked by 1 person