વાસી પરમ્પરાઓ, બન્ધીયાર માન્યતાઓ અને સડી ગયેલા વીચારો કે ચીંતનમાંથી આપણે જો મુક્ત ન થઈ શકતા હોઈએ તો નવા વર્ષના અભીવાદનનો ઢોંગ કરવાનો આપણને કોઈ અધીકાર નથી! નવા વીચારો પ્રત્યેની આપણી આવી આભડછેટ આપણને પછાત જ રાખે ને! એવી આભડછેટ આપણને કેમ પરવડે?
નવા વીચારો પ્રત્યેની આભડછેટ આપણને પરવડે?
–રોહીત શાહ
વર્ષ 2019નું આ છેલ્લું સપ્તાહ છે.
નવા વીચારોની તાજગી સાથે આપણે હવે ફરી પાછા વર્ષ 2020માં મળીશું.
નવા વીચારો અને તાજું ચીંતન દશે દીશાઓમાંથી આપણને મળતું રહેતું હોય તો એ આપણું સદભાગ્ય ગણાય.
જો કે અધ્યાત્મની દુનીયામાં એક બડી વીચીત્રતા જોવા મળે છે. તમને તમારા ધર્મગુરુઓ અને તમારાં ધર્મશાસ્ત્રો જે કહે તે માની લો, શ્રદ્ધાપુર્વક એનું અનુકરણ કરવા મંડી પડો! ક્યાંય શંકા નહીં કરવાની… સામે કોઈ સવાલ નહીં પુછવાનો! જો શંકા કરો કે સવાલ પુછો તો તમે વીવેકહીન છો, નાસ્તીક છો. સદીઓ પહેલાં લખાયેલાં શાસ્ત્રોમાં કોઈપણ પ્રકારની શંકા કરવાનો કે એમાં કશો સુધારો કરવાનો આપણને જાણે કોઈ હક જ ન હોય! ટૅકનોલૉજીના ક્ષેત્રમાં આપણને બધું નવું જોઈએ છે. ફેશનની વાત હોય કે કલાની વાત હોય ત્યારે આપણને હમ્મેશાં કંઈક નવું અને તદ્દન તાજું જ મળે એવો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ; પરન્તુ જ્યારે આધ્યાત્મીક જ્ઞાનની વાત આવે કે કોઈ ધાર્મીક સીદ્ધાંતની બાબત આવે ત્યારે આપણે હમ્મેશાં પ્રાચીનતા તરફ મોઢું ફેરવી લઈએ છીએ. આપણા રુઢીચુસ્ત ધર્મગુરુઓ અને સદીઓ જુનાં શાસ્ત્રોનું સમર્થન ન મળે તો એવા વીચારને આપણે સ્વીકારી શકતા નથી! આપણું આવું અનાડીપણું આપણને ધર્મના શીખર તરફ નહીં, પરન્તુ અન્ધશ્રદ્ધાની ખીણ તરફ ધકેલતું હોય છે.
એવી દલીલ કરવામાં આવે છે કે તમારી માતા જે પુરુષને તમારા પીતા તરીકે ઓળખાવે છે એને તમે શ્રદ્ધાપુર્વક પીતા માની લો છો ને! બસ, એ જ રીતે અધ્યાત્મની દુનીયામાં ધર્મગુરુ કે ધર્મશાસ્ત્ર જેને ઈશ્વર માનવાનો કહે એને ઈશ્વર મને લો અને ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો પણ એ જે બતાવે એ જ સ્વીકારી લો…!
કેવી વાહીયાત આર્ગ્યુમેન્ટ છે આ!
આપણા પીતા કોણ છે એનું સત્ય સૌથી વધારે ઓથેન્ટીક રીતે આપણી માતા સીવાય કોણ કહી શકે? જેણે પોતાના દેહમાંથી આપણને જન્મ આપ્યો છે, એવી માતા જે કહે તેમાં શંકા રાખવાનું કોઈ કારણ ન જ હોય ને! આપણને આ પૃથ્વી પર લાવનારી માતા આપણી સૌથી નજીકની વ્યક્તી ગણાય, એટલે એની વાતમાં શંકા રાખવાનું કોઈ કારણ નથી. વળી, દરેકના જન્મ પાછળ સ્ત્રીબીજ અને પુરુષબીજનો સંયોગ હોવો અનીવાર્ય છે. આવા સંજોગોમાં આપણી માતાના સ્ત્રીબીજ સાથે કયા પુરુષનું બીજ મળ્યું હતું એ માતા જ જાણતી હોય ને! આપણા પીતા કોણ છે એ જાણવાનો આપણી માતા સીવાય સચોટ અને સાચો બીજો કોઈ વીકલ્પ આખા જગતમાં હોઈ શકે ખરો? આપણા પીતાનું સાચું નામ સગી માતા સીવાય બીજું કોણ કહી શકે?
પરન્તુ ગુરુ તો પારકા હોય છે! ગુરુ સાથે આપણો કોઈ જન્મગત કે જન્મજાત નાતો નથી હોતો. ગુરુનું મળવું એ તો જન્મ પછીની સ્થુળ ઘટના છે. ગુરુ આપણને યોગ્ય ન લાગે તો આપણે બદલી પણ શકીએ છીએ, જ્યારે માતાને બદલી શકાતી નથી. એ જ રીતે ધર્મશાસ્ત્રોમાં લખેલી વાત કદાચ જે તે સમય માટે બહુ સાચી હોય પણ ખરી, કીંતુ આજના સમયમાં સાચી કે યોગ્ય ના પણ હોય. વળી, ધર્મશાસ્ત્રો લખવાનો અધીકાર માત્ર પ્રાચીનકાળના જ્ઞાનીને જ હોય એવું થોડું છે? આજના યુગમાં શું કોઈ જ્ઞાની વ્યક્તી હોઈ જ ના શકે? શું આજના યુગના જ્ઞાનીઓ કોઈ નવું શાસ્ત્ર રચી જ ના શકે?
આજના યુગમાં નવા કલાકારો જન્મી શકે, નવા વૈજ્ઞાનીકો આવી શકે, નવા ઉદ્યોગપતીઓ પેદા થઈ શકે, નવા નેતાઓ અને અભીનેતાઓ પણ પેદા થઈ શકે છે તો નવા જ્ઞાનીઓ કેમ પેદા ન થઈ શકે? આજના યુગના નવા જ્ઞાનીઓ કોઈ નવો વીચાર કે નવું સત્ય આપણી સામે રજુ કરે ત્યારે આપણે કેમ અકળાઈ ઉઠીએ છીએ? કહેવાતા ધર્મગુરુઓ અને અન્ધશ્રદ્ધાથી ધર્મને વળગી રહેલા લોકો એની સાથે કેમ હોબાળો કરવા લાગી જાય છે? શું એમને નવું કશું જ ખપતું નથી? માત્ર વાસી વીચારો અને વાસી જ્ઞાનમાં જ એમને પોતાના જીવનનો ઉદ્ધાર દેખાય છે? નવા વીચારો પ્રત્યેની આપણી આવી આભડછેટ આપણને પછાત જ રાખે ને! એવી આભડછેટ આપણને કેમ પરવડે?
શાસ્ત્રોની વાતોમાં શ્રદ્ધા રાખવામાં પણ બીજો કોઈ વાંધો નથી; પરન્તુ એ શાસ્ત્રો સમયની સાથે સાથે અપડેટ પણ થતાં રહેવાં જોઈએ ને! અને એથીય મોટી વાત તો એ છે કે દરેક ધર્મનાં શાસ્ત્રો અલગ–અલગ જ નહીં, ક્યારેક તો સાવ વીરોધી વાતો રજુ કરતાં હોય છે. જેમ કે જૈન ધર્મશાસ્ત્રોમાં કંદમુળનો ત્યાગ કરવાનું કહેવાય છે. હીન્દુ ધર્મમાં ઉપવાસના દીવસે ફરાળ (ફળાહાર) તરીકે બટાકાની વાનગીનો ઉપયોગ થઈ શકે છે. જૈન ધર્મ જે કંદમુળને ક્યારેય ખાવાની અનુમતી આપતો નથી એ જ વસ્તુ (બટાકા)ને હીન્દુ ધર્મમાં ઉપવાસના પવીત્ર વ્રત દરમીયાન ખાવાનું સમર્થન મળે છે! તેથી આગળ વધીએ તો ઈસ્લામ ધર્મમાં ઈદના પવીત્ર દીવસે બકરાનો વધ કરીને માંસાહાર કરવાનું કહેવાયું છે અથવા મુસલમાનો એ રીતે પોતાનો ધર્મ પાળે છે. આ બધી વીરોધાભાસી બાબતોને આપણે કઈ રીતે સ્વીકારીશું અથવા કઈ રીતે સમજીશું? સામાન્ય રીતે ભુતકાળમાં ઈસ્લામ ધર્મના અનુયાયીઓ મોટેભાગે રણ વીસ્તારમાં રહેતા હતા. રણ વીસ્તારમાં ખેતીવાડી અલ્પ પ્રમાણમાં થતી હોય એ સ્વાભાવીક છે, એટલે તેમના માટે તેમના પુર્વજોએ માંસાહારને અનીવાર્ય ગણ્યો હોય એ પોસીબલ છે; પરન્તુ આજના મુસલમાનો રણ વીસ્તારમાં ન વસતા હોય ત્યારે તેઓ શાકાહાર તરફ વળે તો એમાં એમના ધર્મનું કે શાસ્ત્રની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન થતું હોય તેવું માનવાનું કોઈ કારણ નથી. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે જે ધર્મ માટે જે શાસ્ત્રો જે સ્થળ–કાળમાં લખાયાં હોય તે સ્થળ–કાળના સન્દર્ભમાં જ સ્વીકૃત ગણાય. એને સાર્વત્રીક કે સર્વસ્વીકૃત માની લેવાય નહીં. આપણે જાણીએ છીએ કે કેટલીક ધાર્મીક પરમ્પરાઓ બલી ચઢાવવા નીમીત્તે હીંસાનું પ્રત્યક્ષ સમર્થન કરે છે, તો કેટલીક ધાર્મીક પરમ્પરાઓ અજાણતાં પણ જીવહીંસા ન થઈ જાય એની તકેદારી રાખવાની પરમ્પરા ધરાવે છે. આ વીરોધાભાસને આપણે તટસ્થપણે જ મુલવવો પડે ને! એક પરમ્પરા પ્રમાણે હીન્દુ ધર્મમાં વ્યક્તીના અવસાન વખતે દીવો પ્રગટાવવામાં આવે છે, જ્યારે ખ્રીસ્તી વગેરે ધર્મમાં જન્મદીવસે દીવાને ફુંક મારીને ઓલવી નાખવાની પરમ્પરા છે. આવી અનેક પરમ્પરાઓ જે તે સમયે જ્ઞાની વ્યક્તીઓએ કોઈ ખાસ ઉદ્દેશ સાથે ગોઠવી હશે એમ જરુર માની શકાય; પરન્તુ એ પરમ્પરા આજે કેટલી રેલેવન્ટ છે એનો વીચાર તો કરવો જ જોઈએ ને! કેટલાક ધર્મગ્રંથોમાં વ્યક્તીના મૃતદેહના અગ્નીસંસ્કાર કરવાનું કહેવાયું છે તો કેટલાક ધર્મગ્રંથોમાં વ્યક્તીના મૃતદેહને દફનાવવાનું કહેવાયું છે. આપણે કયા ધર્મના શાસ્ત્રને અનુસરવું એ પણ એક સમસ્યા છે.
કોઈ પણ પરમ્પરા સામે પ્રશ્ન ઉભો કરી જ ન શકાય એવો પ્રતીબન્ધ આખરે વીનાશક બને છે. સમય સતત પરીવર્તનશીલ હોય છે. કુદરત હમ્મેશાં પરીવર્તનનો આદર કરે છે. એ દરરોજ સવારે આ પૃથ્વી પર અગણીત નવાં પુષ્પો ખીલવે છે અને સાંજે જુનાં પુષ્પો ખેરવી નાખે છે! વૃક્ષો પર દર વર્ષે વસંતઋતુમાં નવાં પર્ણો પાંગરે છે અને પાનખરમાં જુનાં પાંદડાં ખરી પડે છે. જુની પરમ્પરા દરેક વખતે વળગી રહેવા જેવી નથી હોતી, એટલે પરમ્પરાને પકડી રાખવામાં વીવેક કેળવવો પડે. હા, કેટલીક પરમ્પરામાં શાશ્વત મુલ્યો જોડાયેલાં હોય છે, જે સ્થળ અને કાળને અતીક્રમી જાય છે. એવાં શાશ્વત મુલ્યો રજુ કરતાં શાસ્ત્રોની વાતનો વીરોધ ક્યારેય ન કરી શકાય એ આપણે ખુલ્લા મનથી સ્વીકારીએ છીએ. એવા જ ખુલ્લા મનથી આપણે એ પણ સ્વીકારવું પડશે કે દરેક શાસ્ત્રની દરેક વાતને જડતાપુર્વક પકડી ન રાખી શકાય.
2020નું નવું વર્ષ ડોરબેલ વગાડી રહ્યું છે ત્યારે આપણે તાજગીસભર ચીંતન અને તાજાતાજા વીચારો સાથે ઉમળકાભેર એનું અભીવાદન કરીએ, તો આપણે સમયની સાથે ચાલી રહ્યા છીએ એવું કહી શકાશે.
–રોહીત શાહ
લેખક–સમ્પર્ક :
શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com
ન્યુયોર્ક(અમેરીકા)થી પ્રગટ થતા ‘ગુજરાત ટાઈમ્સ’માં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘અનુભુતી’ (03 જાન્યુઆરી, 2020)માંથી.. લેખકશ્રીના અને ‘ગુજરાત ટાઈમ્સ’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
શ્રી રોહીત શાહની ‘ કોઈ પણ પરમ્પરા સામે પ્રશ્ન ઉભો કરી જ ન શકાય એવો પ્રતીબન્ધ આખરે વીનાશક બને છે’ વાત ની ચર્ચા વારંવાર થાય છે અને સંતો આ વાતનો ખુલાસો પણ કરે છે પણ કેટલાક ઠગો આવી વાત કરી વાતાવરણ બગાડે છે તેનો ભોગ સંતો ન બનવા જોઇએ.
અને
‘આપણે તાજગીસભર ચીંતન અને તાજાતાજા વીચારો સાથે ઉમળકાભેર એનું અભીવાદન કરીએ, તો આપણે સમયની સાથે ચાલી રહ્યા છીએ એવું કહી શકાશે.’ પ્રેરણાદાયી વાત બદલ ધન્યવાદ
LikeLiked by 1 person
“કુદરત હમ્મેશાં પરીવર્તનનો આદર કરે છે. એ દરરોજ સવારે આ પૃથ્વી પર અગણીત નવાં પુષ્પો ખીલવે છે અને સાંજે જુનાં પુષ્પો ખેરવી નાખે છે! વૃક્ષો પર દર વર્ષે વસંતઋતુમાં નવાં પર્ણો પાંગરે છે અને પાનખરમાં જુનાં પાંદડાં ખરી પડે છે.” અને એમાં ઉમેરવું જોઈએ કે એ ફુલ તથા પાંદડાંનું ખાતર બની બીજી વનસ્પતીને પોષણ આપે છે. તે જ પ્રમાણે આપણે આપણા દેહને પોષવા માટે જે કંઈક અંશે પ્રદુષણ પેદા કર્યું હોય છે તેને માટે આ દેહનું પણ ખાતર બની નવી વનસ્પતીને પોષણ મળે એમ કરવામાં આવે તો પ્રદુષણ થોડું પણ ઘટાડવામાં ફાળો આપી શકીએ. એક નવા પ્રયોગ મુજબ દેહને બાળીને પ્રદુષણમાં બધારો કરવાને બદલે એને પ્રવાહી નાઈટ્રોજનમાં રાખવાથી થીજવીને ચુર્ણ જેવો ભુકો બનાવી શકાય જેને જમીનમાં ભેળવી દઈ વનસ્પતીના પોષણ માટે કામમાં લાવી શકાય. આ પ્રકારે અંતીમ ક્રીયા (ફ્યુનરલ) અમુક લોકોએ કરવાનું શરુ કર્યાનું સાંભળ્યું છે. આથી આજનો ધર્મ તો આ પ્રથા અપનાવવાનો કહી શકાય. આજના કહેવાતા ધર્મો અધર્મ તરફ લઈ જઈ રહ્યા છે. આ ધર્મો દ્વારા થયેલી અને થતી રહેતી માનવહીંસા, પ્રદુષણ અને અન્ય અનીષ્ટો જોતાં આ વાત સત્ય હોવાની પ્રતીતી થશે.
LikeLiked by 1 person
Thought provoking article – discussed in detail comparing with nature too – and all religious practice needs renovation like ISO & other quality certificate – but this religious opiem is so deeply ingrained in society that it’s blood shading – life taking even if you speak against it .so it’s better person like you remind time and again to follow old with time tasted modificatiobs.
Like our few celebrated mantras like Gayatri & Maha Mrutunjay are now tested scientifically & gives health & harmony – hope such research will be done by your motivational article.
LikeLiked by 1 person
ગુજરાતીમાં ઍક રુઢીપ્રયોગ છે: “ગાડરિયો પ્રવાહ” ઍટલે કે “આંધળું અનુકરણ”. અત્યારે બહુમતીના મનુષ્યો ધર્મ વિષે પોતાના બાપદાદાઑ નુ આંધળું અનુકરણ કરે છે. અકલ કે તર્કશાસ્ત્રનો બિલકુલ ઉપયોગ નથી કરતા. આનુ પરિણામ છે : “અંધશ્રધ્ધા”. અને આ અંધશ્રધ્ધા વંશપરંપરાથી ચાલતી આવે છે અને ચાલતી રહેશે.
LikeLiked by 1 person
આભડછેટ અેટલે સ્પર્શથી અપવિત્ર થઇ જવું….અપવિત્ર બને અેટલે નહાવું પડે…..???????? આ અપવિત્રો માટે સ્વામી સચ્ચિદાનંદજીઅે અેક પુસ્તક લખેલું છે.
પુસ્તકનું નામ છે.
‘ વર્ણવ્યવસ્થા…અઘોગતિનું મૂળ. ‘ ( બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર….) જેણે ભારતને હંમેશા ચાર ટુકડાઓમાં જ વહેંચેલું રાખ્યુ છે. પછી જુદા જુદા ઘર્મોઅે બાકીનું કામ પુરું કરી દીઘું અને આજે કરી રહ્યા છે.
અને આ વર્ણવ્યવસ્થાઅે પોતાનું રૂપ સાબિત કરી દીઘેલું જ છે. જેને આજે દરેક હિન્દુ જીવી રહ્યો છે. કારણ અે પણ છે કે આ વર્ણવ્યવસ્થા હજી ‘ છુપા રુસ્તમ ‘ ની જેમ આજના સમાજમાં જહેર ફેલાવી રહી છે્.
બીજું ભારત ઘણા જુદા જુદા ઇન્ડીપેન્ડન્ટ ઘર્મોનો સમુહ કે કાફલો છે. ભારત…‘ ભારત ‘ નથી અને થવાનું પણ નથી. દરેક ઘર્મને પોતાની હસ્તી જાળવીને જીવવું છે.
પરદેશ જવા માટે પાસપોર્ટ લેવા જશે ત્યારે નેશનાલીટીના સવાલના જવાબમાં ‘ ઇન્ડીયન ‘ લખશે. સ્વારથ હોય ત્યારે ઇન્ડીયન અે જેવો સ્વાર્થ સઘાઇ જાય કે તરત …હિન્દુ કે મુસ્લીમ કે ઇશાઇ કે ………થઇ જશે. પરંતું ‘ ભારતીય ‘ કદાપી નહિ બને. પહેલાં ‘ ભારતીય ‘ બનીને પછી ઘાર્મિક માન્યતા અનુસાર…હિન્દુ બનો, મુસ્લીમ બનો…ઇસાઇ બનો….
અને ‘ ભારતીય ‘ બનીને અેકતા, યુનિટી કરી બતાઓ
પરંતું ઇતિહાસના પાનાઓ ઉઠલાવશો તો ભારત ( ભરતના નામ ઉપરથી…) કદાપી ભારત તરીકે નથી જીવ્યું. અહિં અમીચંદો ગલીઅે ગલીઅે જન્મે છે જે ભારતની પ્રગતિના કાર્યોમાં હાડકા નાંખવા તૈયાર જ હોય છે. આજે ૨૦૨૦ના વરસમાં પણ આ અમીચંદો પોતાનું બળ અજમાવી રહ્યા છે.
ભારત હંમેશા ‘ માનસિક અને શારિરિક ‘ રીતે ગુલામીની જીંદગી જીવી રહેલું છે…અમીચંદોના આશીર્વાદથી.
જુની ગઢેરમાં ચાલવાવાળાને નવા રસ્તાઓ ડરામણા લાગે છે અને તેમાં જુના કાવ્ય પુસ્તકો જેને ઘાર્મિક પુસ્તકોનું નામ આપીને રોજી રોટી કમાનારાઓનો માટો હિસ્સો….૫૦૦૦ વરસો પુરાણા બનાવીને જીવન જીવવા મજબુર કરે છે….ભણેલાઓ પણ ઘેટાનુ જીવન જીવી રહ્યા છે…થોડાને બાદ કરતાં….ગાડરિયા બનીને જીવે છે.
‘ ચાલો અભિગમ બદલીઅે.. ???‘ તો ગાજરની પીપુડી છે….વાગી તો વાગી…નહિ તો ખાઇ જવાની..
પોલીટીશીયનો પોતાની રોટલી આ પરિસ્થિતિનો લાભ લઇને, શેકી રહ્યા છે.
..
સુરજ આજે પણ ઘનઘોર કાળા વાદળોની પાછળ પડી રહેલો છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સરસ
LikeLiked by 1 person