‘મુકનાયક’ની શતાબ્દી અને પત્રકાર ડૉ. આંબેડકર

મુકનાયક’ની શતાબ્દી અને
પત્રકાર
ડૉ. આંબેડકર

(સૌજન્ય : મુળનીવાસી દીનદર્શીકા 2020)

–ચંદુ મહેરીયા

અછુતોના સવાલોને વાચા આપવા
આગવું સામયીક હોવું જોઈએ એમ માનતા

બાબાસાહેબ ડૉ. આંબેડકરે જીવનના જુદાજુદા
તબક્કે પાંચ સામયીકો ચલાવ્યાં હતાં.

તેમના પ્રથમ મરાઠી દલીત પાક્ષીક
‘મુકનાયક’નું આ શતાબ્દી વરસ છે.

કોલ્હાપુરના સુધારક રાજવી શાહુ મહારાજની આર્થીક મદદથી 31 જાન્યુઆરી, 1920ના રોજ મુકનાયકનો આરમ્ભ થયો હતો. આશરે સવાત્રણેક વરસ ચાલેલુંમુકનાયક દલીત પત્રકારત્વનો પહેલો સબળ આવીષ્કાર મનાય છે. જો કે એ પુર્વેની દલીત પત્રકારત્વની ભુમી સાવ વંધ્ય નહોતી. કેટલાંક દલીત સામયીકો જરુર પ્રકટ થતાં હતાં; પરન્તુ તે અપર્યાપ્ત, વેરવીખેર અને ઘણાં અશક્ત હતાં.

ડૉ. આંબેડકરે તુકારામનો આ અભંગ ‘મુકનાયક’ના ધ્યેયમન્ત્ર તરીકે પસન્દ કર્યો હતો :

કાય કરું આતા ધરુનીયા ભીડ
ની:શંક હે તો વાજવીલે?
નવ્હે જગી કોણી, મુકીયાંચા જાણ,
સાર્થક લાજુન નવ્હે હીત.

અર્થાત્ ‘હવે હું સંકોચ રાખીને શું કરું? આમ પણ અત્યાર સુધી હું બીંદાસ બોલતો રહ્યો છું. દુનીયામાં મુંગાનું કોઈ કામ નથી. શરમથી કોઈ અર્થ કે હીત સરતા નથી. ટુંકમાં, હું ચુપ બેસવાનો નથી.’

બાબાસાહેબે તેમનું સામયીક કરોડો બેજુબાનોની જુબાન બનશે તે તુકારામના અભંગના આ શબ્દો થકી સ્પષ્ટ કર્યું હતું. પ્રવેશાંકના તન્ત્રીલેખ ‘મનોગત’માં મુકનાયકની જરુરીયાત ચીંધતા લખ્યું હતું, “અમારા બહીષ્કૃત લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને ભવીષ્યમાં થવાનો છે તેનો ઉકેલ શોધવા માટે, તેમના ભવીષ્ય અને ભાવી માર્ગ શોધવાની ચર્ચા માટે સામયીક કરતાં મોટું અન્ય કોઈ સાધન નથી.” એ સમયે પ્રગટ સામયીકો સન્દર્ભે તેમનું અવલોકન હતું કે, ‘મુમ્બઈ ઈલાકામાંથી પ્રકાશીત સમાચારપત્રો જોતાં જણાય છે કે તેમાંના મોટાભાગનાં તો કેટલીક વીશેષ જાતીઓનાં હીતોની રક્ષા કરનારાં છે. તેમને બીજી જાતીઓનાં હીતોની તો પરવા નથી જ; પણ ક્યારેક તો તેઓ બીજી જાતીઓની વીરોધમાં પણ પ્રવૃત્ત હોય છે. બુદ્ધીવાદ જેમને માન્ય છે એવાં કેટલાંક સારાં સામયીકો પણ પ્રગટ થઈ રહ્યાં છે. તે ગૌરવની વાત છે. તેમાં બહીષ્કૃત સમાજના પ્રશ્નોની વારંવાર ચર્ચાઓ થાય છે. પરન્તુ તેમાં સંપુર્ણપણે બહીષ્કૃતોના જ પ્રશ્નોની ચર્ચા થાય તે શક્ય નથી.” દલીતોના આગવા સામયીકની અનીવાર્યતા અને તેના ઉદ્દેશ વીશે તેમનું માનવું હતું કે, “બહીષ્કૃતોનાં જીવન સંબંધીત પ્રશ્નોનું ઉંડાણથી અધ્યયન કરવા માટે એક સ્વતંત્ર સમાચારપત્ર હોવું જોઈએ એ વાતનો કોઈ જ ઈન્કાર કરી શકે તેમ નથી. એ જરુરીયાત પુરી કરવા માટે આ સામયીક(મુકનાયક)નો જન્મ થયો છે. વાચકો ગ્રાહકોનો સહયોગ મળશે તો મુકનાયક આપણા લોકોના ઉત્થાન માટે નીડરતાથી ઉચીત માર્ગ બનાવશે.”

1917માં વીદેશમાં અભ્યાસ કરીને પરત ભારત આવેલા ડૉ. આંબેડકરના ભારે જીવન સંઘર્ષના એ દીવસો હતા. દલીત ચળવળમાં ઝંપલાવતાં પુર્વે તેઓને ઘરના બે છેડા ભેગા કરવા યોગ્ય કામની તલાશ હતી. તો વીદેશમાં અધુરા રહેલા અભ્યાસની પણ ચીંતા હતી. આ તમામ સ્થીતીમાં 29 વરસના યુવાન આંબેડકરે મુકનાયકનો આરમ્ભ કર્યો. મરાઠીમાં બાર ભાગમાં બાબાસાહેબનું વીસ્તૃત જીવનચરીત્ર લખનાર ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેના જણાવ્યા મુજબ બાબાસાહેબ આ સામયીકના સર્વેસવા હતા; પરન્તુ તન્ત્રી નહોતા. પહેલાં પાંચેક અંકોના તન્ત્રી પાંડુરંગ નંદરામ ભટકર અને તે પછીના અંકોના તન્ત્રી જ્ઞાનદેવ ધ્રુવનાક ઘોલપ હતા. 31મી જાન્યુઆરી, 1920થી એપ્રીલ 1923 સુધી ‘મુકનાયક” પ્રગટ થયું હતું. તે દરમીયાનનો મોટો ગાળો (5 જુલાઈ, 1920થી ૩ એપ્રીલ, 1923) ડૉ. આંબેડકર લંડનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા. તેમ છતાં તેમણે સતત ‘મુકનાયક’ની ફીકર રાખી હતી. ‘મુકનાયક’ના તમામ અંકો તો આજે પ્રાપ્ય નથી. પરન્તુ 1991ના આંબેડકર શતાબ્દી‘ વરસે મહારાષ્ટ્ર સરકારે ‘આંબેડકરી સાહીત્ય‘ના બેનમુન સમ્પાદક વસંત મુનના સમ્પાદનમાં ‘મુકનાયક‘ના ઉપલબ્ધ તમામ અંકો ગ્રંથરુપે પ્રકાશીત કર્યા હતા.

(સૌજન્ય : નેટજગત)

જાણીતા લેખક અને પત્રકાર ડૉ. શ્યૌરાજસીંહ બેચૈને પત્રકાર ડૉ. આંબેડકર વીશે ગહન સંશોધન કરીને ડૉ. આંબેડકરના મરાઠી ભાષામાં પ્રગટ સામયીકોનો બીનમરાઠી ભાષીઓને પરીચય કરાવ્યો છે. 13 તન્ત્રીલેખો સહીત લગભગ ચાળીસેક લખાણો ડૉ. આંબેડકરે ‘મુકનાયક’માં લખ્યા હતા. ભારતમાં પ્રવર્તતો જાતીભેદ, દલીતોની સ્થીતી અને દલીતોની દૃષ્ટીએ સ્વરાજ જેવા વીષયો પર ડૉ. આંબેડકરે પોતાના વીચારો રજુ કર્યા છે. દલીત ચળવળના અહેવાલો અને સમાચારો અહીં છે. વાચકોના પત્રો અને તે પર સમ્પાદકના જવાબો પણ છે. અસ્પૃશ્યતા અને વર્ણવ્યવસ્થા વીશેના ડૉ. આંબેડકરના નીર્ભીક વીચારો મુકનાયકમાં પ્રગટ થયા છે. જન્મ આધારીત જાતીપ્રથાને એક સીડી વગરના મીનાર સાથે સરખાવી તેમણે પ્રવેશાંકના સમ્પાદકીયમાં લખ્યું હતું, ‘હીદુ સમાજ એક બહુમાળી ઈમારત જેવો છે. તેના પ્રત્યેક માળે એકએક જાતી વસે છે; પરન્તુ આ ઈમારતમાં કોઈ સીડી જ નથી. એટલે જે જ્યાં વસે છે ત્યાં જ જીવેમરે છે. ન કોઈ ઉપર જઈ શકે છે કે ન નીચે આવી શકે છે.’ નવયુવાન આંબેડકરને બ્રીટીશ ગુલામી મંજુર નહોતી; પરન્તુ અસ્પૃશ્ય ભારત પણ સ્વીકાર્ય નહોતું. તેથી તો તેમણે 28 ફેબ્રુઆરી, 1920ના સમ્પાદકીયમાં ‘આ સ્વરાજ નથી તે તો અમારા ઉપર રાજ છે’, તેમ કહીને અધીકારવંચીત બહીષ્કૃતોના અધીકારોની યાદી રજુ કરી અંતે લખ્યું હતું, ‘સ્વરાજ આપો તો એવું આપો જેમાં અમારો પણ થોડો હીસ્સો હોય’.

આંબેડકરી ચળવળમાં આરમ્ભથી જ ગુજરાતનું યોગદાન રહ્યું છે. ડૉ. આંબેડકરના સામયીકોમાં પણ ગુજરાતના ઉલ્લેખો જોવા મળે છે. ‘મુકનાયક’ના સત્તરમા અંક (25 સપ્ટેમ્બર, 1920)ના સમ્પાદકીય ‘આપણું આંદોલન’માં તેમણે હજારો વરસોથી ચાલતા અસ્પૃશ્યોના જાગૃતી આંદોલનોનો ચીતાર આપ્યો છે. તેમાં સૌ પ્રથમ ગુજરાતના પાટણના સહસ્ત્રલીંગ તળાવમાં વીર માયા નામક દલીત યુવાનના બલીદાનની અને બદલામાં તેમણે અસ્પૃશ્યોને અપાવેલા ‘માનવ અધીકાર‘ની વાત કરી છે.

અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા એક મુખપત્ર હોવું જોઈ એ વાત ડૉ. આંબેડકરને વીલાયતમાં વીદ્યાભ્યાસ દરમીયાન જ સમજાઈ ગઈ હતી. પોતાના સમગ્ર જાહેર જીવન દરમીયાન જુદા જુદા તબક્કે એમણે કુલ પાંચ સામયીકો : મુકનાયક (1920), બહીષ્કૃત ભારત (1927), સમતા (1928), જનતા (1930), અને પ્રબુદ્ધ  ભારત‘ (1956) ચલાવ્યા હતા. સાડા ત્રણ દાયકાના પત્રકારત્વ ક્ષેત્રના ખેડાણમાં બાબાસાહેબે માતબર પ્રદાન કર્યું હતું. પોતાના સામયીકોનાં નામો પણ તેમણે તત્કાલીન સ્થીતી અને સમયસન્દર્ભને ધ્યાનમાં રાખીને પસન્દ કર્યા હતા. જ્યારે દલીતો સાવ જ મુક હતા, અબોલ હતા ત્યારે ‘મુકનાયક’ અને જ્યારે તેમની સામાજીક સ્થીતી બહીષ્કૃતોની હતી ત્યારે ‘બહીષ્કૃત ભારત’, સમાનતામુલક સમાજની સ્થાપના માટે ‘સમતા’ અને અધીકારપ્રાપ્તી માટે ‘જનતા’, દલીતોના ધર્મપરીવર્તન પછી તેમણે ‘જનતા’નું નામ બદલીને ‘પ્રબુદ્ધ ભારત’ રાખ્યું. ધર્મપરીવર્તન કરીને દલીતો ‘પ્રબુદ્ધ‘ બની ગયા છે તેવો આ સામયીકના નામકરણ પાછળ ડૉ. આંબેડકરનો ઉદ્દેશ હતો.

દલીત પત્રકારત્વ પર અમીટ છાપ છોડી જનારા ડૉ. આંબેડકરના પ્રથમ સામયીક મુકનાયકના શતાબ્દી વરસે એક સદી જુના દલીત પત્રકારત્વની નબળી ધારા અને ભારતીય મીડીયામાં હાંસીયાના લોકોના અલ્પ સ્થાનનો સવાલ ઉભો છે.

–ચંદુ મહેરીયા

‘સંદેશ’ દૈનીકના તારીખ : 29 જાન્યુઆરી 2020ની ‘અર્ધસાપ્તાહીક’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘ચોતરફ’માંથી, લેખકના અને ‘સંદેશ’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. ચંદુ મહેરીયા, 1790, અબુ કસાઈની ધાબાવાળી ચાલી, રાજપુર પોષ્ટ ઓફીસ સામે, અમદાવાદ  – 380 021 સેલફોન : 97231 16317 ઈ.મેલ : maheriyachandu@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેલ : govindmaru@gmail.com

 

6 Comments

  1. કાય કરું આતા ધરુનીયા ભીડ
    ની:શંક હે તો વાજવીલે?
    નવ્હે જગી કોણી, મુકીયાંચા જાણ,
    સાર્થક લાજુન નવ્હે હીત.
    પ્રેરણાદાયક સંદેશ આપનાર મુકનાયક ડૉ. આંબેડકર
    અને
    સામયીક ‘મુકનાયક’ને અનેકાનેક ધન્યવાદ

    Liked by 1 person

  2. શ્રી ચંદુ મહેરીઆજીનો લેખ સરસછે અને ખુબ ગમ્યો.
    સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ અઘોગતીનું મૂળ : વર્ણવ્યવસ્થા. જરુરથી વાંચવા વિનંતિ છે.
    શુદ્રોની જીંદગી , હિંદુઓમાં કેવી હતી અને ગાંઘીજીના તેમને ‘ હરિજન ‘ બનાવ્યા પછી કેવી છે તે અભ્યાસ ખૂબ જરુરી છે.
    ભારતનું બંઘારણ ડો. આંબેડકરે બનાવ્યુ હતું. તે વખતે પણ શુદ્રો હરિજન બન્યા હતાં કે કેમ ? ઓફીસીયલી કદાચ બન્યા હોય. સામાજીક રીતે ?
    ‘ મુકનાયક‘ ની વઘુ વિગત ગમી.
    ડો. બાબાસાહેબ આંબેડકરને લાખો પ્રણામ.
    અમુત હઝારી.

    Liked by 1 person

    1. નમસ્કાર,

      મને આ સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ અઘોગતીનું મૂળ : વર્ણવ્યવસ્થા’ ની લીન્ક મોકલવા વિનંતી.

      આભાર.

      Like

  3. ખુબ જ સરસ લેખ. ચંદુ મહેરિયા અને ગોવીંદ મારૂને ધન્યવાદ.

    Liked by 1 person

Leave a comment