ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી

આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી રૅશનાલીસ્ટ થયેલા નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક અને લેખક એન. વી. ચાવડાઉચ્ચકોટીના વીદ્વાન, ઉમદા સમાજહીત ચીંતક અને લેખક દીનેશ પાંચાલનો લેખ ‘અનુભુતી ઈશ્વરનો આધાર કાર્ડ’નો આપેલ એકદમ બુદ્ધીગમ્ય, તર્કબદ્ધ  જવાબ સાદર…

ઘટનાઓના કારણોનું અજ્ઞાન
ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી

–એન. વી. ચાવડા

સુરતના સુપ્રસીદ્ધ દૈનીક ‘ગુજરાતમીત્ર’ની રવીવારીય પુર્તીની કૉલમ ‘જીવનસરીતાને તીરે’ના લેખક દીનેશ પાંચાલ ઉચ્ચકોટીના વીદ્વાન અને ઉમદા સમાજહીત ચીંતક છે. ‘અનુભુતી ઈશ્વરનો આધાર કાર્ડ’ શીર્ષકસ્થ લેખમાં તેઓ લખે છે કે ‘ઈશ્વરનું અસ્તીત્વ દુનીયાનો પેચીદો પ્રશ્ન છે’ના અનુસંધાનમાં મારો નમ્ર અભીપ્રાય એવો છે કે ‘ઈશ્વરના અસ્તીત્વનો પ્રશ્ન સામાન્ય બુદ્ધીનો, સાદો અને સરળ પ્રશ્ન છે’; પરન્તુ ધર્મ અને ઈશ્વરને નામે વ્યવસાય કરનારાં તથા સત્તા અને સમ્પત્તી ઉપર કાબુ જમાવી રાખનારાં સ્થાપીતહીતોના પ્રચારક એવા બુદ્ધીજીવી વીદ્વાનોએ એને પેચીદો બનાવી મુક્યો છે. જેથી સમાજ તેમાંથી કદી બહાર નીકળી શકે નહીં અને સ્થાપીતહીતોનો શીકાર બની કાયમ તન–મન–ધનથી લુંટાઈને બરબાદ થતો રહે.

(નોંધ : તા. 12/07/2020ના ‘ગુજરાતમીત્ર’ની રવીવારીય પુર્તીમાં પ્રગટ થયેલ શ્રી. દીનેશ પાંચાલનો લેખ ‘અનુભતી ઈશ્વરનો આધાર કાર્ડ’ માટે અહીં ક્લીક કરવા વીનન્તી.)

પ્રારમ્ભમાં દીનેશ પાંચાલ લખે છે કે ‘ઈશ્વર હવા જેવો છે. હવા કોઈને દેખાતી નથી પણ તેના વીના દુનીયા જીવી શકતી નથી’ જેના અનુસંધાનમાં જણાવવાનું કે હવાની અનુભુતી દરેક માણસ, પશુ–પક્ષી અને જીવજન્તુઓ કરી શકે છે. એ બાબત લખવાનું તેઓ ભુલી ગયા છે, તે આશ્ચર્યજનક છે. અહીં મારું કહેવાનું એ છે કે હવાની અનુભુતી દરેક સજીવ પ્રાણી કરી શકે છે; પરન્તુ ઈશ્વરની એવી જ અનુભુતી એક પણ પ્રાણીને થતી નથી, આસ્તીકો અને ઈશ્વરના ભક્તોને પણ નહીં. એનો સ્પષ્ટ અર્થ એમ થાય કે ઈશ્વર હવા જેવો નથી. અર્થાત્ ઈશ્વર જો હવા જેવો હોત તો ઈશ્વરની અનુભુતી દરેક પ્રાણીને હવાની જેમ જ થાત. બીજું, હવા વીના કોઈ જીવી શકતું નથી એવી દીનેશ પાંચાલની વાત સાચી; પરન્તુ ઈશ્વર વીના તો નાસ્તીકો, નીરીશ્વરવાદીઓ, બુદ્ધીસ્ટો અને રૅશનાલીસ્ટો તથા પશુ–પંખીઓ અને જીવજન્તુઓનો અતીવીશાળ વર્ગ જીવી શકે છે. તેથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વર હવા જેવો છે એવી દીનેશ પાંચાલની વાત ખોટી તથા આપણા તર્ક અને અનુભવથી જુદી છે. અર્થાત્ ઈશ્વર હવા જેવો નથી.

દીનેશ પાંચાલ લખે છે કે ‘એકવાર એક નાસ્તીક માણસે એક કથાકારને પુછેલું : “બાપુ, આસ્તીકો કહે છે : ‘ઈશ્વર સર્વત્ર છે’ તે મારામાં પણ છે. અને તમારામાં પણ છે. જો આ સાચું હોય તો કોઈ ગુંડો બળાત્કાર કરે ત્યારે તેની અન્દરનો ઈશ્વર કેમ ચુપ રહે છે?”

એક નાસ્તીકના આ પ્રશ્નનો કથાકારે શું જવાબ આપ્યો, તે જવાબ લખવાની દરકાર તેઓએ અહીં કરી નથી; એટલું જ નહીં તે પ્રશ્નનો જવાબ આપવાની તેઓએ કૃપા પણ કરી નથી. એને બદલે તેઓ લખે છે કે ‘દોસ્તો, નાસ્તીકો ઈશ્વર પાસે પણ આધાર કાર્ડ માંગે છે.’ અહીં તેઓએ નાસ્તીકના ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આપવાને બદલે આવી ખોટી વાત કેમ કરી છે તે સમજાતું નથી. ઉપરોક્ત નાસ્તીકે ઈશ્વરનો આધાર કાર્ડ અથવા ઈશ્વરના અસ્તીત્વનો કોઈ પુરાવો માગ્યો જ નથી. નાસ્તીકે તો એવો પ્રશ્ન પુછ્યો છે કે ‘ગુંડો બળાત્કાર કરે ત્યારે એની અન્દરનો ઈશ્વર ચુપ કેમ રહે છે?’ અર્થાત્ નાસ્તીકે તો બળાત્કાર વખતની ઈશ્વરની ચુપકીદીનું કારણ જાણવા માગ્યું છે. અને તે માટે ક્ષણભર માટે તો તેણે ઈશ્વરના અસ્તીત્વનો સ્વીકાર કરી પણ લીધો છે. એણે ઈશ્વરનું અસ્તીત્વ છે કે નહીં? એવો પ્રશ્ન તો પુછ્યો જ નથી. તો પછી તેઓ એમ કેમ લખે છે કે ‘નાસ્તીકો ઈશ્વર પાસે પણ તેનો આધાર કાર્ડ માગે છે?’ આ પ્રશ્ન ઉપર વીચાર કરતાં એવું લાગે છે કે દીનેશભાઈ પાસે ઉપરોક્ત નાસ્તીકે પુછેલા પ્રશ્નનો જવાબ નથી અથવા તેઓ એ પ્રશ્નનો જવાબ આપવા માગતા નથી. તેથી તેઓએ મુળ પ્રશ્ન ઉપરથી ધ્યાન હટાવવા જેવી ચતુરાઈભરી વાત કરી હોય એવું લાગે છે.

ત્યારબાદ દીનેશ પાંચાલ નાસ્તીકના મુળ પ્રશ્નના પોતાના તર્ક અને અનુભવને આધારે સ્વતન્ત્ર રીતે જવાબ આપવાને બદલે તેઓએ જાણીતા ચીંતક ગુણવંત શાહ અને ભુપત વડોદરીયાના અભીપ્રાયો ટાંકવાનું પસન્દ કર્યું છે. ગુણવંત શાહના ‘અસ્તીત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્’ને સહારે તેઓ લખે છે કે ‘વીજ્ઞાને આજપર્યંત જે શોધ્યું તેના કરતાં વણશોધાયેલાં સત્યોનું લીસ્ટ લાંબુ છે’ ઉપરાંત તેઓ લખે છે કે ‘આપણું મગજ મર્યાદીત માહીતી સંઘરી શકે એવી પેન ડ્રાઈવ છે. એમાં સમગ્ર બ્રહ્માંડના સત્યો સ્ટોર થયેલાં હોતાં નથી…. આપણું મગજ રાયના દાણા જેવું છે, તેના પર આકાશનું ચીત્ર દોરવામાં જે સ્થળ સંકોચ નડે છે તેવી મર્યાદા વીજ્ઞાનના બાયોસ્કૉપ વડે ઈશ્વરને નીરખવામાં પડે છે. એલન સેન્ડેઈઝ નામના ખગોળશાસ્ત્રીએ કહેલું, ‘ઈશ્વર માનવીને દુરબીનને સામે છેડે દેખાઈ શકાવાનો નથી’ વગેરે.

આવી બધી અનેક દલીલો કરનારા યાદ રાખે કે નાસ્તીક માણસને ઈશ્વરના દર્શન કરવામાં જરાય રસ નથી. બાયોસ્કૉપ વડે લેબોરેટરીમાં કે દુરબીનને છેડે ઈશ્વરને એ નીરખવા માગતો જ નથી. એને તો માત્ર એના એક જ પ્રશ્નનો ઉત્તર મેળવવામાં રસ છે. આ લેખમાં અગાઉ નાસ્તીકનો એ પ્રશ્ન આવી ગયો છે. આપણી સગવડતા અને વીચારણા ખાતર એ પ્રશ્નને હું થોડોક વીસ્તારપુર્વક પુન: રજુ કરું છું. જે આ પ્રમાણે છે – ‘જો ઈશ્વર ન્યાયી, દયાળુ, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તીમાન અને ભક્તવત્સલ યાને ભક્તની પ્રાર્થના સાંભળીને તેની મદદ માટે દોડી આવનાર છે, તો શીશુવયથી જ પ્રભુની પુજા–પ્રાર્થનાઓ કરનારી સ્ત્રીઓ ઉપર બળાત્કાર થાય છે ત્યારે ઈશ્વર તેની મદદે કેમ આવતો નથી?’ તાત્પર્ય એ છે કે નાસ્તીકને તો ફક્ત આ પ્રશ્નના ઉત્તરમાં જ રસ છે.

હવે એક બીજી અત્યન્ત મહત્ત્વની વાત સમગ્ર સમાજ સહીતના આસ્તીકો અને ઈશ્વરના ભક્તો પોતાના મન–મગજમાં યા પોતાની ડાયરીમાં નોંધી લે કે વીજ્ઞાન ઈશ્વરના અસ્તીત્વની શોધ કરતું જ નથી અને તેની કાર્યસીમામાં પણ એ નથી. વીજ્ઞાન માત્ર પ્રાકૃતીક યા ભૌતીક ઘટનાઓના કારણોની શોધ કરે છે. એ કારણો જાણીને તેનો (અર્થાત્ એ કારણોનો) ટૅકનોલૉજીના વીકાસમાં ઉપયોગ કરે છે. અર્થાત્ વીજ્ઞાન માત્ર પ્રાકૃતીક યા ભૌતીક ઘટનાઓ અને પદાર્થોની શોધખોળ કરે છે. ઈશ્વર એ કોઈ પ્રાકૃતીક યા ભૌતીક ઘટના યા તત્ત્વ નથી. તેથી ઈશ્વર એ વૈજ્ઞાનીક શોધખોળનો વીષય હરગીઝ નથી. તેથી ઈશ્વરના અસ્તીત્વની વીચારણામાં વીજ્ઞાનને ઘસેડવાની જરુર નથી. અલબત્ત, વીજ્ઞાને ભલે હજારો પ્રાકૃતીક ઘટનાઓના કારણો શોધી કાઢ્યાં હોય; પરન્તુ હજી લાખો ઘટનાઓના કારણો શોધવાના બાકી છે. તેમ છતાંય આ બધી ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી.

ઈશ્વર એ કોઈ પ્રાકૃતીક ઘટના કે તત્ત્વ ન હોઈ તે વીજ્ઞાન માટે સંશોધનનો વીષય કદાપી બની શકે તેમ નથી; પરન્તુ ઈશ્વર એક સામાજીક યા ધાર્મીક ઘટના યા કલ્પના હોવાથી તેનું અસ્તીત્ત્વ છે કે નહીં તે માત્ર આપણા તર્ક અને અનુભવને આધારે જાણી શકાય છે. યાદ રહે, તર્કસત્ય સંશોધનનો અમોઘ (કદીયે નીષ્ફળ ન જાય એવો) ઉપાય છે. તર્ક દ્વારા શોધાયેલાં સત્યો અફર તેમ જ સર્વકાલીન અને વૈશ્વીક સત્ય હોય છે.

દીનેશ પાંચાલ ભુપત વડોદરીયાનો અભીપ્રાય ટાંકે છે કે ‘ઈશ્વરની વાતો સમજાવી શકાય એમ નથી.’ ત્યારે તેની સામે પ્રશ્ન છે કે ક્યાંથી સમજાવી શકાય? જ્યાં પોતે જ ઈશ્વરની વાત સમજતો ન હોય અથવા સમજવા માગતો જ ન હોય એવી વ્યક્તી ઈશ્વરની વાત કોઈને કેવી રીતે સમજાવી શકે? ઉપરાંત જે વ્યક્તી પહેલેથી જ ગાંઠ વાળીને બેઠી હોય કે ગમે તે થઈ જાય પણ સત્ય સ્વીકારવું જ નથી, એવી વ્યક્તીને જગતનો સૌથી જ્ઞાની વ્યક્તી પણ સત્ય સમજાવી શકતો નથી. આપણા દેશના મોટાભાગના બુદ્ધીજીવી વીદ્વાનો, લેખકો, કવીઓ, ચીંતકો, કટાર–લેખકો, પત્રકારો અને પ્રવચનકારો સત્ય નહીં સમજવાની હઠ લઈને બેઠાં છે.

દીનેશ પાંચાલ લખે છે કે ‘આકાશમાં રોજ સવારે આપમેળે પેટાઈ જતાં આ (ઓટો બલ્બ અર્થાત્) સુર્યમાં ઘી કોણ પુરે છે?…. તડકાની લાયણી પુરી પાડતા સુરજને તડકો કોણ સપ્લાય કરે છે?…. આ બ્રહ્માંડના લાઈટમેન તરીકે સુરજની નીમણુંક કોણે કરી? રાત્રીના નાઈટવૉચમેન તરીકે કોણે ચન્દ્રને આકાશમાં ઍપોઈન્ટ કર્યો છે?’

શાબાશ, દીનેશ પાંચાલનો આ જ્ઞાનોપદેશ આપણા દેશમાં ઠેરઠેર પલાંઠી વાળીને ધર્મોપદેશ આપવા બેઠેલાં ગુરુઓ–બાબાઓ–સ્વામીઓ–બાપુઓના પ્રવચનો જેવો છે. જે વીવીધ રીતે લોકોનું મનોરંજન કરીને વીના પરીશ્રમની આજીવીકા અને મોજમજા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે.. જ્ઞાનોપદેશથી નાસ્તીકના અગાઉના પ્રશ્નનું સમાધાન થતું નથી.

લેખમાં છેલ્લે દીનેશ પાંચાલે થોડીક સાચી વાતો કરી, જેવી કે ‘જીભમાં કુદરતે સ્વાદગ્રંથીઓ હેતુપુર્વક આપી છે કેમ કે માણસ મોં વાટે ખોરાક ખાય છે. એક સોળ વર્ષની કૉલેજ કન્યાના તેના બોયફ્રેન્ડ સાથેના સમ્બન્ધોના સ્નેહસ્પન્દનોમાં કુદરતની કમાલ છુપાયેલી છે. આપણને બળાત્કારી પર ક્રોધ આવે છે અને તેને ફાંસી મળે ત્યારે ન્યાયની સંતૃપ્તી મળે છે તેમાં કુદરતની કારીગરી ભાગ ભજવે છે.’

અહીં ‘પ્રકૃતી’ માટે ‘કુદરત’ શબ્દનો પ્રયોગ કરીને તેઓએ પ્રકૃતીને પ્રાધાન્ય આપ્યું તે સુયોગ્ય છે. આપણા બાવા–સાધુઓ અને કેટલાક બુદ્ધીજીવી વીદ્વાનો નાસ્તીકતાના વધતા વ્યાપને વીજ્ઞાન અને ટૅકનોલૉજીના વીકાસનું કારણ બતાવી લોકોને ગુમરાહ કરે છે; પરન્તુ વાસ્તવમાં આજથી 3000 વર્ષ પહેલાં જ્યારે આજના જેવું વીજ્ઞાન અને ટૅકનોલૉજી નહોતા ત્યારે આપણા દેશના એક મહાન ઋષી બૃહસ્પતી (ચાર્વાક)એ પ્રકૃતીને સ્વયંભુ અને સર્વોપરી ગણાવીને કહ્યું હતું કે પ્રકૃતી ઉપર તેનો ચલાવનારો કોઈ દીવ્ય ઈશ્વર નથી. તેમ જ આજથી 2500 વર્ષ પુર્વે આપણા અપુર્વ મુનીઓ બુદ્ધ અને મહાવીરે પણ ઈશ્વરનો ઈન્કાર કરી ‘સદાચાર’ અને ‘વીવેકબુદ્ધી’નો પૈગામ આપ્યો હતો.

દીનેશ પાંચાલે પોતાના આ લેખ ‘અનુભુતી ઈશ્વરનો આધાર કાર્ડ’માં ઈશ્વરને તર્કના ટેસ્ટર વડે સમજવાનો દાવો કર્યો છે ત્યારે તેઓ ભુલી જાય છે કે જ્યાં ઈશ્વર હોય ત્યાં તર્ક નહીં; પણ આસ્થા યાને અન્ધશ્રદ્ધા જ હોય. ‘મોરારીબાપુ પાસે પણ(???) પરમેશ્વરનું પાકું પોસ્ટલ એડ્રેસ નથી’ એવું વીધાન પણ તર્કશુન્યતાની પરાકાષ્ઠા સમાન છે.

લેખના અન્તે ‘ધુપછાંવ’માં તેઓ કહે છે ‘ઈશ્વર અગરબત્તી જેવો હોત તો તેને જોઈ શકાત, પણ તે અગરબત્તીની મહેક જેવો હોવાથી અન્તરના નાક વડે તેની માત્ર અનુભુતી થઈ શકે છે, તે જોઈ શકાતો નથી.’ તેઓના આ વીધાનના અનુસંધાનમાં પુન: કહેવાનું કે અગરબત્તીની મહેક પ્રત્યેક મનુષ્ય, પશુ–પક્ષી અને જીવજંતુઓ પણ અનુભવી શકે છે; પરન્તુ ઈશ્વરની એવી અનુભુતી દરેક સજીવને થઈ શકતી નથી. જે દર્શાવે છે કે ઈશ્વર અગરબત્તીની મહેક જેવો નથી. જો ઈશ્વર અગરબત્તીની મહેક જેવો હોત તો જગતમાં કોઈ માણસ નાસ્તીક ન હોત; કારણ કે અગરબત્તીની મહેકની અનુભુતી નાસ્તીકને પણ થાય છે. ઈશ્વર અને અગરબત્તી વચ્ચેની જુદાઈનું એક બીજું પણ જોરદાર પ્રમાણ છે. તે એ કે અગરબત્તીની મહેકનો પ્રચાર કરવાની જરુર પડતી નથી. તે દરેક માટે સહજ પ્રાપ્ત છે. જ્યારે ઈશ્વરનો પ્રચાર રોજેરોજ જુદી જુદી રીતે કરવો પડે છે. ઈશ્વર હોત અને તે સર્વવ્યાપી હોત તો તેનો પ્રચાર કરવાની આવશ્યકતા ઉભી જ ન થાત. ઈશ્વરનો પ્રચાર કરવો પડે છે તેનું કારણ એ છે કે ઈશ્વર ક્યાંય નથી.

ઉપસંહાર

દરેક માણસને જેમ પોતાના માતા–પીતાની પુજા–પ્રાર્થના કરવાનો હક છે, તેમ તેને પોતાની પ્રેરણામુર્તી, પોતાના આદર્શ અને પોતાની કલ્પનાના ઈશ્વરની પુજા–પ્રાર્થના કરવાનો પણ હક છે; પરન્તુ તે જેમ પોતાના માતા–પીતાનો પ્રચાર નથી કરતો તેમ એ ઈશ્વરનો પણ પ્રચાર કરી શકે નહીં. જેનું વાસ્તવીક અસ્તીત્વ જ ન હોય તેનો પ્રચાર એક સામાજીક અપરાધ જ ગણાય. ઈશ્વરવાદ માણસને બેજવાબદાર, બેઈમાન, બેવકુફ, માણસાઈહીન અને નીષ્ઠુર બનાવે છે. ઈશ્વર ઉપરની આસ્થાઅન્ધશ્રદ્ધા છે. અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા બીજી લગભગ તમામ અન્ધશ્રદ્ધાઓનું આશ્રયસ્થાન છે. ઈશ્વરવાદ ભ્રષ્ટાચારી સમાજનું નીર્માણ કરે છે. અને એનું પ્રબળ પ્રમાણ આપણો આજનો સમાજ છે.

–એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી રૅશનાલીસ્ટ થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક એન. વી. ચાવડા‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ખાસ લખેલ લેખ, લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત. સેલફોન : 97248 08239

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 31/07/2020

23 Comments

  1. N. V. Chavda’s response is logical and objective … only those who are blessed with similar thinking can fully understand his view point! The bottom line is to share our assets (material possessions, open mind, objectivity) with others😇

    Liked by 4 people

  2. ખુબ સુંદર લેખ. એકદમ બુદ્ધીગમ્ય, તર્કબદ્ધ. કહેવાતા બુદ્ધીનીષ્ઠો કેવી બુદ્ધી વગરની દલીલો કરે છે તેનું સચોટ ઉદાહરણ. હાર્દીક આભાર ભાઈ એન.વી. ચાવડાનો અને ગોવીન્દભાઈનો.

    Liked by 3 people

  3. Very interesting and something new, a start of debate. Highly logical intelligent arguments and questions. Now we would await the response from Sri Dinesh Panchal and other people involved. I think this will flourish in an open and frank discussion.
    Finally I am in agreement with N.V.Chavda and thank him and congratulate to start this discussion. Also many thanks to Govindbhai.

    Liked by 2 people

  4. It is a very good analysis. Conscience exists in every living thing small or big and in human being too. We call “God”.
    When human being try to do any thing either good or bad, God does not interfere at all because we are given full freedom with responsibility. Our own nature and understanding will help us from doing bad thing or good thing.
    This topic requires discussion with open mind.
    I am very thankful to N.V. Chavda for good analysis.

    Thanks,
    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

    1. વહાલા ભાઈશ્રી નીતીનકુમાર,
      ‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી’ને આપના બ્લૉગ પર ‘Pingback:’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગોવીન્દ મારુ

      Like

  5. મિત્રો,
    સ્નેહી ચાવડા સાહેબે ચર્ચાને માટે, આજે, શ્રી દિનેશ પાંચાલના લેખને ‘ આઘાર ‘…રેફરન્સ તરીકે લીઘો છે. સરસ વાત થઇ. આ ચર્ચાને આપણે ૨૦૨૦ના વરસના સંદર્ભે જોઇઅે તે યોગ્ય રહેશે તેવું મારું માનવું છે. ૫૦૦૦ વરસો પહેલાં કે ૨૫૦૦ વરસો પહેલાં આ વિષયમાં શું માન્યતા હતી અને આજે વિજ્ઞાનના વિકાસની સાથે તે વિચારો કે માન્યતામાં શું ફેરફાર થયા તે વિચારવાનું રહ્યું.
    અેક ચર્ચાનો સબ્જેક્ટ : ‘ ઘટનાઓના કારણોનું અજ્ઞાન અે ઇશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી.
    અને બીજો વિષય બંને છે….‘ અનુભૂતિ ઇશ્વરનો આઘાર કાર્ડ. ‘
    ટૂંકમાં સવાલ અે છે કે ‘ ઇશ્વર છે કે નહિ ? ‘
    અનુભૂતિ અેટલે અનુભવ. Experience…..= શું મારા જીવનમાં પ્રાર્થના કરવાથી, જેને મેં પ્રાર્થના કરીને વિનવ્યા છે, તે ઇશ્વર મને મદદ કરવા આવે અને મદદ કરે તે, તે અનુભવ મારે માટે ઇશ્વરના હોવાનો અનુભવ મને થયો કહેવાય. આ અનુભવને હું ઇશ્વરના હોવા માટેનો આઘાર કાર્ડ માનીને ચાલું. તો પછી…ગીતામાં અપાયેલું વચન…યદા યદા હી ઘર્મસ્ય ગ્લનીર્ભવતિ ભારત….વચન હજી પુરુ થયુ નથી અેમ સર્વે હિન્દુઓ માને છે…???????
    હવે જોઇઅે
    ‘ ઘટનાઓના કારણોનું અજ્ઞાન, ઉશ્વરના અસ્તિત્વનો પુરાવો નથી.‘ વાક્યની સમજણને.
    જંગલની સંસ્કૃતિ પછી ઘણા વરસો પછી કદાચ મહાભારત અને રામાયણના દિવસો આવ્યા હશે. જંગલીપણાની અવસ્થામાં તે સમયના માણસે તેની આજુબાજુ થતાં , તેને સમજાયા નહિ હોય ,તેવા અનુભવો નો અનુભવ કર્યો હશે. તે સમયે તેણે કોઇ અજ્ઞાત શક્તિઅે કરાવેલો અનુભવ માન્યો હશે. દા.ત. વાદળોનું ગરજીને અથડાવું અને વિજળી પડવી. સમજમાં આ પ્રક્રિયા બેઠી નહિ તો વરુણદેવ જન્મ્યા. જેમ જેમ માનવે પોતાની બુઘ્ઘિનો ઉપયોગ કરીને, વિજ્ઞાનના નિયમોને ઉકેલીને માવીને સમજાવ્યુ કે આ વાદળો કેવી રીતે બને છે…વાતાવરણના બદલાવાની સાથે કયા કયા ફેરફારો ભાય છે અને હવામાનના નિયમોનુસાર વાદળો ગરજે, વિજળી પડે, અને વરસાદ પડે. વઘુ વરસાદ જ્યારે જળબંબાકાર કરે તો જળદેવીની કરામત નથી.
    વિજ્ઞાન…અટલે વિશેષ જ્ઞાન. જેમ જેમ વિજ્ઞાને જુદા જુદા નવા નવા અનુભવોના રાઝ ખોલ્યા તેમ તેમ અજાણ કોઇ શક્તિ ના અસ્તીત્વના વિષય માટેના જૂના વિચારોમાં બદલાવ આવવા માંડયો.
    વિજ્ઞાની શોઘોના અંગ્રજીમાં બે શબ્દો છે…..૧. ડીસ્કવરી ૨. ઇન્વેન્સન. ડીસ્કવરીનો અર્થ : જે કાંઇ આ વિશ્વમાં છે અને તેને આપણે જાણતા નથી તેને શોઘી કાઢવું અને ઇન્વેન્સન અેલે જેનું અસ્તીત્વ જ નથી તેની શોઘ કરવી..
    ઇશ્વર…ભગવાન, જેને આપણે જાણતા નથી જેને જોયા નથી…..તેને જ્યારે સાચા સ્વરુપમાં શોઘી કાઢીશું ત્યારે તેમનેં ઇન્વેન્ટ કરેલા કહીશું.
    હવે ‘ હવા ‘ અને જીવન વિષેના સબ્જેક્ટ માટે.
    હવા નહિ પરંતુ ‘ હવા ‘ માં ‘ રહેલો ગેસ જેને વિશ્વ ‘ ઓક્ષીજન ‘ તરીકે ઓળખીઅે છીઅે તે ઓક્ષીજન વાયુ જીવનદાતા છે. આ જીવનદાતા વાયુ દેખાતો નથી. વિજ્ઞાને તે વાયુને શોઘી ને તેના ગુણોને શોઘ્યા. હોસ્પીટલો ઓક્ષીજનના સીલીન્ડરો રાખે છે…દર્દીઓને જીવન બક્ષવા માટે. જે દેખાતો નથી.જેને વાતાવરણમાં ઓળખી શકાતો નથી તેની શોઘ અને ઉપયોગ….ડીસ્કવરી છે. તે જ રીતે …કોરોના વાયરસ નરી આંખે દેખાતા નથી. પરંતું તેની હસ્તી હતી. વિજ્ઞાને તેને માઇક્રોસ્કોપની મદદથી જોઇને તેના ગુણો, દુરગુણો પણ જાણી લીઘા…શોઘી કાઢયા. આ પણ અેક ‘ ડીસ્કવરી. ‘
    ગુજરાતીમાં અેક શબ્દ છે…‘ સર્વશક્તિમાન. ‘‘ જેને માણસ, જોઇ શકતો નથી, સમજી શકતો નથી… અજ્ઞાત છે…..હાં કાંઇક , ‘ સર્વશક્તિમાન ‘ અેવું કઇંક છે તે મારી માન્યતા છે.
    Almighty…..
    અેક સુંદર વિચાર છે જેને હું માનું છું….કોઇ પણ અપેક્ષા વિના….અને તે મને સાચે રસ્તે દોરે છે…..પ્રભુ કે ઇશ્વર કે ભગવાનની શોઘ, માણસના શરીરમાં મગજ અને તે મગજમાં જ્ઞાનવર્ઘક બુઘ્ઘિ આવી ત્યારથી થતી આવી છે પરંતું કોઇ સંપૂર્ણ ઉકેલ મળ્યો નથી. તે હજી સવાલ જ છે.
    હવે પેલું વાક્ય..
    “.The greatest challenge in life is to discovering who you are. The second greatest is being happy with what you find. ”
    પોતાની જાતને ઓળખવાનું હજી આપણે શીખ્યા નથી., શીખી શક્યા નથી……અને ઇશ્વરને શોઘવાનું ભગીરથ કર્મ હાથ પર લઇને બેઠા છીઅે. તેમા પછી મળે જ ને હાર.
    આ નો ભદ્રા કૃત્વો યન્તુ વિશ્વત:….અર્થાત : અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાઅેથી પ્રાપ્ત થતાં રહો. ( ઋ. ૧ : ૮૯ : ૧ )
    વિજ્ઞાને આ વિશ્વની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેનું જ્ઞાન ( જેટલું પણ તેની પાસે છે તે બઘુ જ ) માણસને આપ્યુ જ છે. અને જે નોલેજ તેની પાસે નથી તેની કબુલાત કરી જ છે. અેક જમાનો હતો જ્યારે ચંન્દ્ર , મંગળ કવિઓ કે જ્યોતિષોનો વિષય હતો….વિજ્ઞાને બન્નેની વીઝીટ કરી લીઘી છે.
    Amrut Hazari.

    Liked by 1 person

  6. ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી
    –એન. વી. ચાવડા
    પરંતુ એ સત્ય છે કે ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ કુદરત ના અસ્તીત્વનો પુરાવો જરૂર છે. કુદરત અરબી ભાષા નો શબ્દ છે અને તેનો અર્થ મહાશક્તિશાળી Almighty થાય છે. આ એકવીસ મી સદી માં પણ મોટા મોટા વૈજ્ઞાનિકો તથા મહાસત્તાઓ પણ કુદરત આગળ લાચાર છે જેનો સૌ થી મોટો પુરાવો છે કોરોના વાયરસ. કુદરત ને આજ સુધી માનવી પુરી રીતે નથી સમજી શક્યો અને તેની આગળ પોતાની હાર માની લીધેલ છે. આ કુદરત ને દરેક ધર્મવાળાઓ એ પોતપોતાના ધર્મ અનુસાર નામ આપી દીધેલ છે, અને સીધી રીતે યા આડકતરી રીતે તેની ઉપાસના કરી રહ્યા છે. આ અનુસાર માનવીએ માનવું જ રહયું કે કુદરત અને મનુષ્ય નો સંબંધ માલિક અને નોકર અથવા પૂજ્ય અને પૂજારી જેવો છે. આ પણ સત્ય છે કે એક નાસ્તિક પણ જયારે કુદરત ની લીલા જોઈને તેના પ્રત્યે આભાર વ્યકત કરે છે તો આડકતરી રીતે તે કુદરત ની ઉપાસના કરે છે.

    Like

  7. અત્યારે મારી ઉંમર ૫૬ થઈ , નાના હતા અને વાંચતા આવડતું હતું ત્યારે અમારે ઘરે ગુજરાત મિત્ર આવતું. દાદા – દાદી ત્યારે ધાર્મિક હોવાથી ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું. પરંતુ મનમાં શંકા જરૂર હતી ભગવાન જેવું કઈ નથી. અને આ માન્યતા ૧૬માં વરસે દૂર થઇ હતી. વિજ્ઞાન મેળા નવસારીમાં થતાં ત્યારે ત્યાં નવું નવું જાણવા મળતું. ભગવાનની વાતો મોરારી બાપુ કરતા. પણ આપણને તેમાં રસ ના હતો. ખબર નહિ ક્યારથી હું શનિવારે શ્રી રમણભાઈ પાઠક અને રવિવારે આવતા શ્રી દિનેશ પાંચાલના લેખોનો બંધાણી થઇ ગયો, ભગવાન નથી તેવું આ લોકોએ મારા મનમાં ઠસાવી દીધું હતું. છેલ્લા ઘણા વરસોથી ગુજરાતમિત્ર વાંચવાનું બંધ થવાથી હાલમાં ખબર પડી કે શ્રી દિનેશભાઇ પાંચાલ ક્યારે શ્રી મોરારિબાપુ બની ગયા ? આજે મુરબ્બી શ્રી ગોવિંદભાઈ મારુંના ‘અભિવ્યક્તી’ બ્લોગ પર માનનીય ચાવડા સાહેબનો લેખ વાંચી ને દુઃખ થયું. ઉંમર થતાં માણસને જેમ યમરાજા દેખાયા તેમ શ્રી પાંચાલજીને ચારે બાજુ કુદરતમાં ભગવાન દેખાવા લાગ્યા. સારું થયું સ્વામિનારાયણ, રામ, હનુમાન, રામ સીતા કે કોઈ અંગ્રેજ દેવી દેવતા તેમના સ્વપ્નમાં ના આવ્યા ? અમોને નાસ્તિક બનાવનાર આજે ખુદ ચમત્કાર થશે તેની આશા લઈ ને બેઠા છે.
    બુદ્ધમ શરણં ગચ્છામિ… જો હોય તો.
    નટવરભાઈ

    Liked by 1 person

  8. એન વી ચાવડા અને ગોવિંદ મારુંને ખૂબ અભિનંદન. એન વી ચાવડાએ ખરેખર સાચી વાત કરી છે. તેઓની તર્કપૂર્ણ દલીલો સાથે સહમત છું. સૂર્ય અને સૂર્ય જેવા હજારો તારાઓ કેમ બને છે કેમ પ્રકાશ આપે છે તે વિજ્ઞાન દ્વારા સાબિત થઈ ગયું છે પંચાલ સાહેબ તેમનો અભ્યાસ કરે. મને દિનેશ પંચાલ પ્રત્યે ખુબ માન છે તેઓ એક વિદ્વાન અને સામાજિક વ્યક્તિ છે.

    Liked by 1 person

  9. મિત્રો,
    ૫૦૦૦ હજાર વરસોથી કદાચ આ સવાલ ચિંતકોને, મનન કરતાં વિદ્વાનોને અને સૌથી મોટા મહાસાગર અેવા સામાન્ય લોકોને સતાવી રહ્યો છે. જે આજે વિ.સં. ૨૦૭૫ … ૨૦૭૬ ( ૨૦૨૦ ) માં પણ સતાવી રહ્યો છે.

    ‘ ઇશ્વર છે કે નહિ ? ‘

    આજે સરસ પ્રશ્ન સાથે ચર્ચા કરી રહ્યા છીઅે…..

    ‘ ઘટનાઓના કારણોનું અજ્ઞાન અે ઇશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી.‘

    મારા વિચાર આ છે…..શું…? સવાલના રુપમાં…..

    ‘ ઘટનાઓના કારણોનું જ્ઞાન અે ઇશ્વરના અસ્તીત્વનો પુરાવો છે. ? ( અજ્ઞાન….અને ….જ્ઞાન……)

    સરસ દાખલો લઇઅે…….

    દિલ્હીમાં લગભગ ૨૦૧૮ કે ૨૦૧૯માં અેક યુવાન દિકરી ઉપર ચાર નરાઘમોઅે બસમાં જુલમો કર્યા, રેપ કર્યો, તેના શરીરને પીંખી નાખ્યું…..

    આપણે…. ૧. ઘટના જાણીઅે છીઅે ૨. ઘટનાના કારણો પણ જાણીઅે છીઅે ૩. ન્યાયાલયોમાં તે કેસનો ચૂકાદોઅ આવતાં આવતાં દિકરીના મા બાપ પોતે મરણ શરણ થવા તૈયાર થયા….પરિણામ પણ જાણીઅે છીઅે….

    બઘુ જ જાણમા છે.

    આવા હજારો…લાખો કેસ આપણી જાણમાં રોજે આવે છે….

    આ બઘા કેસોમાં આપણે ૧. ઘટના જાણીઅે છીે…૨. ઘટનાના કારણો પણ જાણીઅે છીઅે…૩. માનવના હાથમાં આ કેસો પીંખાઇ જાય છે….દુ:ખ જ દૂ:ખ આપી જાય છે…બે પાર્ટીઓ અહિં હોય છે…

    ૧. દૂ:ખ સહન કરવાવાળી…….૨. દુખ દેનારી.

    જો ઇશ્વર હોય અને તેને પોતાના બનાવેલા માટીના પુતળાંઓ માટે વ્હાલ હોય, માયા હોય તો તે શું કરશે ? બે પાર્ટીઓને માટે શું કરશે ? અેક દુ:ખ સહન કરતી પાર્ટી અને બીજી દુ:ખ દેનારી પાર્ટી માટે…..

    આ સવાલનો ના જવાબ શોઘવા ચાલો આપણે ચિંતન, મનન, ચર્ચા કરીઅે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  10. I would like to request to extend this debate for at least one more week, please. Still awaiting a response from Dineshbhai Panchal. would be interesting to see what he has to say.
    A few atheists have been to converted to Morari Bapu cult. The glaring example is of late Nagindas Sanghavi and added to that column is Dinesh Panchal. Maybe as Natwarbhai suggested earlier the old age could change mind set up!
    Please keep on this debate for a while. Thank you.

    Liked by 1 person

    1. લેખકમીત્ર દીનેશભાઈ પાંચાલના પ્રતીસાદ માટે આ ચર્ચા લંબાવવામાં આવે છે. 31/07/2020ના રોજ ચાવડાસાહેબનો લેખ ‘ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી’ પોસ્ટ કર્યાની જાણ દીનેશભાઈને તા.31/07ની સવારે 7.23 કલાકે ઈ.મેલથી અને તા. 1/08ની સવારે 8.31 કલાકે ‘વોટ્સએપ’ થકી કરી હતી. આમ છતાં આજે સવારે પણ પ્રતીસાદ આપવા માટે તેઓને નીમન્ત્રણ પાઠવ્યું છે.
      ધન્યવાદ…
      –ગોવીન્દ મારુ

      Like

  11. ખૂબ સરસ જવાબ આપ્યો છે ચાવડા સાહેબે. હવે દિનેશભાઈ માટે બે ઓપ્શન લાગે છે. કાં તો આ વિશાળ જગતનો કોઈ કર્તા, સંચાલક હોવો જોઈએ એ માન્યતા અથવા તો હવે એમણે પોતે ધર્મ ગુરુ બનવા માંગે છે. હવે વિજ્ઞાન શું છે? વિજ્ઞાન એ સત્ય શોધવાની સચોટ પ્રક્રિયા છે. તેમાં માત્ર એક બાજુનું જ અવલોકન નથી થતું તેમાં પોઝિટિવ, નેગેટિવ બંને બાજુઓ તપાસવામાં આવે ઉલટ, સુલટ તપાસ થાય છે દરેક વખતે દરેક જગ્યાએ એક જ પરિણામ મળે ત્યારે એ સિદ્ધાંત તરીકે માન્ય થાય છે. બીજું વિજ્ઞાન એ પણ પ્રકૃતિનો જ એક હિસ્સો છે. જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ અજ્ઞાનની સીમા પણ વિસ્તરે છે. આદિ કાળના માણસને મોટા પર્વતની પેલે પાર કે દરિયાની પેલે પાર શું હતું એની પણ ખબર નહોતી. ધર્મોને પૃથ્વી સૂર્ય ફરતે ફરે છે એની પણ ખબર નહોતી. પૃથ્વી ગોળ છે એની પણ ખબર નહોતી વિજ્ઞાનની પ્રક્રિયાથી આજ એ ખબર પડી છે. હવે જો માનીએ કે કોઈ નિર્માતા વગર નિર્મિતિ શક્ય નથી એટલે જગત નો કોઈ કર્તા ઈશ્વર હોવો જ જોઈએ તો પછી સવાલ થાય છે કે એ ઈશ્વર નો કર્તા કોણ? છેલ્લે કહેવું પડશે કે પ્રથમ ઈશ્વર સ્યમભુ હતો. તો વિજ્ઞાન એજ કહે છે કે બ્રહ્માંડ સ્વયંભૂ છે અને ફિઝિક્સના ફિક્સ નિયમોથી ચાલે છે. અને જીવનની ઉત્તપતી વિશે તો ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો જ છે. વિજ્ઞાન સત્યની શોધ કરે છે. અને દરેક ધર્મનો ઉદ્દેશ્ય પણ સત્યની શોધ કરવાનો જ છે. તો વિજ્ઞાનનો વિરોધ ના કરતા સત્યનો સ્વીકાર કરીએ. ધર્મોનું અને ધર્મગુરુઓનું તે સમયનું જ્ઞાન કેટલું અધૂરું કાલ્પનિક હતું તે પણ આપણે જાણીએ જ છીએ. પૃથ્વીનું બેઝિક નોલેજ પણ નહોતું. માત્ર એ સમયના માનવજાતના પ્રશ્નોનો જવાબ આપવાનો કાલ્પનિક પ્રયત્ન કરેલો છે. રહી વાત અનુભૂતિની તો જે પ્રકારના વિચારો સંસ્કારો માણસમાં પડેલા હોય પછી ધ્યાન, ભક્તિ વગેરે પ્રક્રિયાનો લાંબો સમય અભ્યાસ કરતા હોય તો તેને પોતાની માન્યતા પ્રમાણેના ભ્રમ થઈ શકે છે. વધુ વિગત વાર જાણવા માટે you tubeમાં શ્યામ માનવ ચેનલ પર અધ્યાત્મ ઓર વિજ્ઞાન સિરીઝ સાંભળો. એમાં માણસને થતાં જ્ઞાન, અનુભૂતિ બધા વિશે વિગતવાર માહિતી આપી છે.

    Liked by 2 people

  12. દિનેશ પાંચાલ કહે છે સૂરજના દીવામાં કોણ ઘી પુરે છે ચંદ્રને કોણ નાઈટ વોચમેન તરીકે રાખે છે. મને એક વાત યાદ આવી ગઈ, મારા એક મિત્ર છે ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા છે 50 વરસ ઉપરના મને એમણે કહેતા હતા કે આ દિવસ ને રાત થાય છે તો કોઈક તો હસે ને જે આ કરતું હસે. ત્યારે મારે એમને દિવસ અને રાત કઈ રીતે ધરતીના ફરવાથી થાય છે એ સમજાવવું પડ્યું. પહેલા મને એમ થયું કે એમને દુનિયા કઈ રીતે ચાલે છે મતલબ વરસાદ, કે દિવસ રાત કઈ રીતે થાય છે એવી બેઝિક માહિતી નથી એટલે આમ માને છે પણ લાંબા સમયની મુલાકાત ને ચર્ચા બાદ મને ખબર પડી કે એમના સંસ્કારો ઘણા ઘાટા છે. એ જે તે બાપુઓના પ્રવચનો સાંભળી એ જ સત્ય માને છે. ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે હું નાસ્તિક છું હું ઈશ્વરમાં નથી માનતો પણ હું એટલું તો માનું જ છું કે કઈક છે કોઈક શક્તિ છે જે આ દુનિયા ચલાવે છે. મને લાગે છે એની પાછળ એમનું વિજ્ઞાન વિશેના બેઝિક નોલેજનો અભાવ છે અને જે જાણે છે છતાં આવું માને છે એમના સંસ્કારો ઘાટા છે એટલે સત્ય સ્વીકારી શકતા નથી કે કઈક તો હસે કોઈક તો હસે ની કલ્પનાઓ કરે છે.

    Liked by 1 person

  13. દિનેશ પંચાલ ને કહું કે,સૂરજ માં કોઈ એ ઘી નથી પૂરવું પડતું રાત્રે પણ એ ઓલ રેડી પ્રકાશિત જ હોય છે.

    Liked by 1 person

  14. નમસ્કાર,
    આવી ચર્ચા ના સંદર્ભમાં મને વ્યક્તિગત એમ લાગે છે કે આસ્તિક અને નાસ્તિક આ શબ્દો ને આપણે શબ્દકોશ માંથી કઢીજ નાખીએ તો કેમ?
    આસ્થા અનસ્થા , આત્મા પરમાત્મા, શ્રદ્ધા અશ્રદ્ધા અંધશ્રદ્ધા, જીવન મૃત્યુ , જ્ઞાન અજ્ઞાન , આવા બધાજ શબ્દો ને પણ હટાવી દઈએ કારણ બુદ્ધિ પ્રધાન માનવ ક્યાંક પોતેજ નિર્માણ કરેલ – પોતાની બુદ્ધિ પ્રમાણે નું વર્ણન થી પરે જ્યારે હરી જય છે ત્યારે ત્યારે તે પછી હારી થાકીને અજાણ અને અજાત શક્તિ ને ” શરણે ” જાય છે તેને શું ઉપમા – નામ આપવું? અને ત્યારેજ ” કુદરત ” , ઈશ્વર, પ્રભુ, ગોડ, ખુદા, આવા શબ્દો નું નિર્માણ પણ જે તે ભાષા માં મનાવેજ કરેલ છે.
    મને લાગે છે કે કોણ પહેલું અસ્તિત્વ માં આવ્યું? ધર્મ કે ભાષા…છે કોઈ ની પાસે જવાબ? આખીયે પૃથ્વી પર અલગ અલગ પ્રાંત માં અલગ ભાષા – અલગ અલગ ધર્મ નું આચરણ – ક્યાંક તો કોઈ ગુરુ – શિક્ષક, શિષ્ય – ચેલા – વિદ્યાર્થી નું નિર્માણ પણ માનીએ કે માનાવેજ નિર્મિત કર્યું હશે ને?
    પછી એમ કેમ ન ધારી શકાય કે પોતાનું જ મનોબળ , શ્રદ્ધા વધારવા, થાકી હારી ગયેલ પરિસ્થિતિ માં તે અજાણ અને અજાત શક્તિ ને ઈશ્વર, ગોડ, ખુદા નું નામ પણ દાઈ બેઠો હોય ?
    તેનાજ અનુસંગે અને આજની પરિભાષા જેને ઇંગ્લિશ માં આપણે mannual કે code of conduct કહીએ છીએ તેનું નિરૂપણ ” ગીતાજી” બાઇબલ ” કુરાન ” ના નામે ધર્મ ગ્રંથો નું હજારો વર્ષો પહેલા નિર્માણ પણ માનવ સ્વરૂપા ઈશ્વર, ગોડ કે ખુદા એજ કરેલું છે એમ માનવા માં પણ શું હરકત છે અને પરિણામ સ્વરૂપે તેને સમર્પિત થઈ ને તે તત્વ એટલેકે ” અજાણ – અજાત શક્તિ ” ને શરણે જવામાં શું વાંધો છે કે હોય શકે? આ બધાજ ગ્રંથો માં સારાઈ, સરાપ, સરળતા, પ્રમાણિકતા ના પાઠ જ શીખવવામાં આવે છે ને?
    અંતે તો એટલુજ યોગ્ય છે જે આસ્તિક નાસ્તિક , ઈશ્વર નાઈશ્વર નો વાદવિવાદ નકામો છે.
    માનવ નું મન જ જે ધારે , માને તે સુપ્રીમ છે.
    જયશ્રીકૃષ્ણ.

    Like

  15. ‘માં બાપની સેવા કરવામાં પ્રચાર કરવો પડતો નથી જે હયાત છે અને જેને આપણે જોયો નથી જાણિયો નથી એનો ખુબ પ્રચાર કરીયે છીએ..’ આ વાક્ય મને બહુ ગમીયું મારી 38વર્ષ ની ઉમ્મર થઇ મને એવા કોઈ ઈશ્વરની જરૂર પડી નથી 2વર્ષ થી રૅશનલ વિચારો અપનાવતો થયો છું અને પેલા પણ મને ભક્તિમાર્ગે કોઈ દિલચસ્પી હતી નઈ હું ઘણીવાર મારી પત્ની જોડે મંદિર જતો પણ મને કોઈ અનુભૂતિ થતી નથી એ એકલી મંદિરમાં અંદર જતી ને હું બહાર ઉભો રહેતો..

    Liked by 2 people

  16. હવાની અનુભૂતિ થાય છે. ઈશ્વર નથી થતી. છતાય આપણાં દેશમાં ઈશ્વર છે એવી દ્રઢ શ્રદ્ધા માં અનેક લોકો માને છે. જૈન સમુદાય સાધુ સંતોના વચનને માથે ચડાવે છે. ઈશ્વર છે કે નહીં એ વિષય પર બહુ ચર્ચા કરવી નકામી છે. શ્રદ્ધા પરમ દુર્લભ છે એ ભગવાન મહાવીર સ્વામીના લાખમોલા વચન છે. લાભ મળવો કે ન મળવો એ તો કર્મને આધીન છે. ઈશ્વર છે એમ માણવાથી આત્માને જરૂર શાંતિ અનુભવાય છે. રામ જન્મ ભૂમિ ની જગ્યાએ મંદિર બાંધવું યથા યોગ્ય છે કે નહીં એ શ્રદ્ધાનો વિષય છે. પ્રમાદ દૂર કરો અને પરમપુરાણસર દરેક રીતી રિવાજોને માનવું એ આપણું કર્તવ્ય છે. રેશનાલિસ્ટ નો એ અર્થ નથી કે આમ જનતામાં પરમપુરાણસર રિવાજો બદલવા જોઈએ. વ્યક્તિગત રીતે હું જૈન છુ અને ભક્તામર સ્તોત્રનું નિયમિત પઠણ કરું છુ. મારા કુટુંબમાં સુખ શાંતિ પ્રવર્તે છે. વધારે લખતો નથી. ઈશ્વર છે છે છે.
    નોંધ: જે મહાનુભાવોએ કોમેન્ટ લખી છે તે તેમના અંગત વિચારો છે . એમને મારુ લખાણ ન ગમે તો હું દિલગીરી વ્યક્ત કરું છુ.
    શ્રી ગોવિન્દ ભાઈ મારુ, મારી હૃદયપૂર્વક નમ્ર પ્રાથના છે કે માર વિચારો જરૂર પ્રગટ કરશો. ગેર સમજ કરશો નહીં — જયજિનેંદ્ર

    Like

  17. શ્રી ગોવિન્દભાઈ મારુ, અમારો ઉપરમુજબ લખેલ લેખ પ્રસિદ્ધ કરવા બદ્દલ લાખ લાખ ધન્યવાદ

    Like

  18. ‘દરેક માણસને જેમ પોતાના માતા–પીતાની પુજા–પ્રાર્થના કરવાનો હક છે, તેમ તેને પોતાની પ્રેરણામુર્તી, પોતાના આદર્શ અને પોતાની કલ્પનાના ઈશ્વરની પુજા–પ્રાર્થના કરવાનો પણ હક છે’;વાત ઘણી ગમી

    Liked by 1 person

Leave a comment