દીવ્ય જીવન અર્થાત્ માનવી જીવન
–કેદારનાથજી
દીવ્ય જીવન એટલે માનવી સદગુણોથી સમૃદ્ધ શુદ્ધ જીવન. દીવ્ય શબ્દનો અર્થ આના કરતાં વધારે કે કાલ્પનીક માનવાની જરુર નથી. આવી જાતનું જીવન પ્રાપ્ત કરાવનાર ધર્મ તે માનવી ધર્મ. તે ધર્મ પ્રમાણે વર્ત્યા વગર આપણે દીવ્ય જીવનની આશા ન કરવી જોઈએ અથવા આશા કરીએ તો તેનો કશો ઉપયોગ નથી. તે ધર્મ પ્રમાણે વર્તન કરવા માટે આપણા વીચાર અને આચારમાં શુદ્ધી લાવવી જોઈએ. માનવી જીવન કેવળ પોતાને અને પોતાનાં સ્ત્રીપુત્ર–પરીવારને જેમ તેમ કરીને પાળીપોષી જીવવા માટે કે ગમે તે વીષયની પાછળ પડીને સ્વછંદતા અથવા સ્વૈરતાથી વર્તીને – ધન, માન, કીર્તી, પ્રતીષ્ઠા કે એવા પ્રકારના મોહમાં પડીને – પુરું કરવા માટે નથી, પણ તે કોઈ ઉચ્ચ, ઉદાત્ત અને પવીત્ર ધ્યેય સીદ્ધ કરવા માટે છે એવી શ્રદ્ધા પ્રથમ આપણા મનમાં હોવી જોઈએ. જીવનનું મહત્ત્વ આપણે ન સમજીએ, તેની ખરી કીમ્મત આાપણા લક્ષમાં ન આવે તો આપણા વીચારમાં શુદ્ધી આવશે નહીં. મનુષ્ય પશુ, પક્ષી અને બીજાં પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ છે એમ આપણે કહીએ છીએ, આપણા જીવનની કીમ્મત તેમના કરતાં અધીક છે એમ આપણે માનીએ છીએ, છતાં આપણે પોતાના જીવનમાં કોઈ ઉચ્ચ ધ્યેય સીદ્ધ કરીએ, ત્યારે જ આ વાત સાચી છે એમ કહી શકાય. તે માટે આપણે આપણા પર સારા સંસ્કારો પાડવા જોઈએ. સારા સંસ્કારો વગર આપણામાં સદગુણો આવી શકશે નહીં. સદગુણો પ્રાપ્ત કર્યા વગર માનવતાને જરુરી એવો આપણો સ્વભાવ બનશે નહીં. અને તેવો આપણો સ્વભાવ બન્યા વગર ઉચ્ચ ધ્યેયપ્રાપ્તીની આપણને આશા નથી.
वीवेक, संयम अने शुद्धीनी जरुर
તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણને શુદ્ધ વીવેકની અત્યંત જરુર છે. તે માટે યોગ્ય–અયોગ્ય, સાર–અસાર, સારું–નરસું અને ઉન્નતી–અવનતી વીશે નીર્ણય કરનારી શક્તી આપણે હમ્મેશાં જાગ્રત રાખવી જોઈએ. આપણું અને બીજાઓનું પણ કલ્યાણ શામાં છે તે આપણે નક્કી કરવું જોઈએ. દેશ, કાળ, પ્રસંગ અને પરીસ્થીતીનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તે જ્ઞાન તેમ જ શુદ્ધ વીવેકબુદ્ધી અને નીર્ણયશક્તીની મદદથી દરેક કઠણ પ્રસંગે પોતાનું કર્તવ્ય શું છે, પોતાનો ધર્મ શો છે, તે આપણે ઓળખી શકીએ અને જો આપણામાં દૃઢતા, નીગ્રહ અને સંયમશક્તી હોય તો આપણે યોગ્ય કર્મ અને અધર્મને ટાળી શકીએ. વીવેકની સાથે જ આપણામાં સંયમશક્તી અને દૃઢતા ન હોય, તો કેવળ વીવેકથી આપણે પોતાનું કલ્યાણ સાધી શકીશું નહીં. તે આપણને અકર્તવ્ય અને અધર્મમાંથી બચાવી શકશે નહીં. આપણા સારાનરસા સંસ્કારો પ્રમાણે આપણા મનના પ્રવાહો ચાલે છે અને તે પ્રમાણે ઘણે અંશે આપણે કર્મો કરીએ છીએ. તેમાંના ખરાબ પ્રવાહોને – મનોવૃત્તીઓ અને કર્મોને રોકી રાખવાનું કામ સંયમનું છે. માણસની શારીરીક, બૌદ્ધીક અને માનસીક શક્તીઓનો જેમ જેમ વીકાસ થતો જાય તેમ તેમ તેની સંયમશક્તી પણ વધતી જવી જોઈએ. તે પ્રમાણે તે વધતી જાય તો જ માણસ તે શક્તીઓનો સારો ઉપયોગ કરીને પોતાનું કલ્યાણ સાધી શકે અને તે પોતાનું ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરી શકે. ગાડીનો વેગ વધારવાની કલા સીદ્ધ થાય, પણ તેને યોગ્ય વખતે રોકવાની કલા કે યોજના જો હાથમાં ન આવે તો તેવી ગાડીથી જેમ અનર્થ થવાની ખાતરી છે, તે પ્રમાણે માણસમાં વધતી જતી જુદી જુદી શક્તીઓને જો તે કાબુમાં રાખવાનું સાધી ન શકે, તો તે શક્તી તેના અને માનવી સમાજના નાશનું કારણ બનશે એમ નક્કી સમજવું. તેથી આપણી વધતી જતી શક્તીઓની સાથે આપણામાં વીવેકસહીત સંયમની વૃદ્ધી થવી જોઈએ. તે સંયમની મદદથી આપણે પોતાનું મન શુદ્ધ કરી શકીએ, પોતાના વીકારો અને દુષ્ટ વૃત્તીઓને આવરી શકીએ તેમ જ અયોગ્ય કર્મોને અટકાવી શકીએ. સંયમથી ચીત્ત નીર્મળ થતું જશે અને તે નીર્મળતા સંયમશક્તીની વૃદ્ધી કરશે. આ રીતે આ બંને ગુણોનો વીકાસ એકબીજાની મદદથી થતો રહેશે. તેમના વીકાસ વગર આપણો વ્યવહાર શુદ્ધ થશે નહીં. વ્યવહાર શુદ્ધ થયા વગર જીવન શુદ્ધ થશે નહીં. તેથી જીવનશુદ્ધી માટે વ્યવહારશુદ્ધીની જરુર છે. દીવ્ય જીવન પ્રાપ્ત કરવાનો, આપણું ઉંચ્ચ ધ્યેય સીદ્ધ કરવાનો આ માર્ગ છે.
सदगुणसमृद्ध पुरुषार्थी जीवन
અધર્મમાંથી પોતાને બચાવવા માટે આપણને સંયમની અને ચીત્તશુદ્ધીની જરુર છે, તેમ ધર્મમાર્ગે ઉન્નત થતા રહેવા માટે સદગુણો અને સત્કર્મની જરુર છે. પુરુષાર્થ વગર સદગુણો પ્રાપ્ત થઈ સત્કર્મો થતાં નથી. આપણા મનમાં સદવૃત્તીઓ અને સદ્ભાવ ઉઠતા હોય તોય તેમને પ્રત્યક્ષ સત્કર્મમાં પરીણત કરવા માટે આપણામાં ભરપુર પ્રેરકબળ હોવું જોઈએ. તે બળનો ઉપયોગ કરીને નીશ્ચયપુર્વક પ્રયત્નશીલ રહ્યા વગર સત્કર્મો પાર પડતાં નથી. સત્કર્મો વગર સદગુણોનો વીકાસ પણ થઈ શકતો નથી. તેમની પરીક્ષા અને કસોટી તેનાથી જ થાય છે. સદગુણો અને સત્કર્મો વગર કેવળ ચીત્તની શુદ્ધીથી જીવન પુર્ણ થતું નથી. વીવેક, સંયમ અને તે સાથે સદગુણવર્ધક પુરષાર્થ – એ બધાથી માનવી જીવન કૃતાર્થ થઈ શકે છે. સદગુણો દ્વારા મનુષ્યનો પુરુષાર્થ પ્રગટ થાય છે. તેનાથી સંયમ અને મન:શુદ્ધી તેજસ્વી થઈ પ્રભાવશાળી બને છે. બીજી વાત એ કે શુદ્ધી વગર કેવળ પુરુષાર્થથી માનવી જીવન આસુરી થવાનો પુરો સમ્ભવ છે. તેનાથી પોતાની અને બીજાઓની ચોક્કસ અધોગતી થવાની. દીવ્ય જીવનની પ્રાપ્તીનો તે માર્ગ નથી. દયા, પરોપકાર, ઉદારતા, માતૃપીતૃભાવ, બંધુ–ભગીનીભાવ, સત્ય, પ્રામાણીકતા, મૈત્રી વગેરે માનવજાતીના અભ્યુદય અને ઉન્નતી થવા માટે જરુરી સદગુણો એ જ મનુષ્યની સાચી સમ્પત્તી છે. ચીત્તની નીર્મળતા વગર આ સદગુણોનો પુર્ણ વીકાસ થઈ શકતો નથી. આપણી મલીનતા આપણી સદ્વૃત્તીઓ અને સદગુણોને અંતરાયરુપ થાય છે. તેનાથી માનવતાની ગતી કુંઠીત થાય છે. તેથી શુદ્ધીનો આગ્રહ રાખીને સદગુણોથી સમૃદ્ધ એવું પુરુષાર્થી અને કર્તુત્વશીલ જીવન સીદ્ધ કરવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. એમાં જ પુર્ણતા છે, એમાં જ માનવતાની સીદ્ધી છે.
જીવનમાં બહારથી શોભા લાવવી કે કોઈ પણ આડંબરથી પોતાને મોટાઈ મળે એવો આપણા જીવનનો હેતુ ન રાખતાં જીવનના દરેક ક્ષેત્રમાં, શરીર, બુદ્ધી અને મન દ્વારા થતી દરેક ક્રીયામાં, વૈયક્તીક, કૌટુંબીક સામાજીક, ધાર્મીક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય વગેરે સમ્બન્ધોના આપણા બધા વીચારો, ભાવનાઓ અને કર્મોમાં પરીશુદ્ધતા આવે, એવો આપણો ઉદાર અને પવીત્ર હેતુ હોવો જોઈએ. વીવેક, સંયમ, સદગુણ, પુરુષાર્થ અને કર્તુત્વની આપણામાં વૃદ્ધી થતી રહે અને આપણું જીવન સમ્પુર્ણ રીતે નીર્મળ, નીર્દોષ અને વ્યવસ્થીત થાય અને આપણે બધા, પરમાત્માએ માનવ જાતી માટે નક્કી કરેલા શુભ અને મંગળ ધ્યેય તરફ સતત જતા રહીએ એવો પરમ ઉચ્ચ હેતુ આપણા જીવનના દરેક કર્મની પાછળ હોવો જોઈએ. સદ્ગુણોની અને તે દ્વારા માનવતાની પુર્ણતા થાય એવી આપણને તાલાવેલી હોવી જોઈએ, આત્મશુદ્ધીથી આ હેતુનો આપણો પ્રયત્ન શરુ થવો જોઈએ, અને માનવતાની સીદ્ધીમાં તેની પરીસમાપ્તી થવી જોઈએ. આ સીદ્ધીમાં જ જીવનની કૃતાર્થતા અને સાર્થકતા છે.
आजनी आपणी स्थीती
આવા પ્રકારનું જીવન સાચું માનવી જીવન છે. તેને જ કોઈ દીવ્ય જીવન કહે તોય કશી હરકત નથી. આપણે જ્યારે દીવ્ય જીવન કે આધ્યાત્મીક જીવન વીશે બોલીએ છીએ કે લખીએ છીએ, ત્યારે આપણા એકંદર સંસ્કારો પ્રમાણે આપણા તાત્ત્વીક, આધ્યાત્મીક અને ધાર્મીક ગ્રંથો, આપણી પ્રાચીન સંસ્કૃતી, ઈશ્વરી અવતાર, ઋષી, મુની, આપણા પુર્વજો વગેરેનું ઘણા ગૌરવ અને અભીમાનથી આપણે વર્ણન કરીએ છીએ. આ બધી બાબતો અભીમાન રાખવા અને પ્રશંસા કરવા જેવી છે એમાં સંશય નથી; પણ તે ગૌરવ અને અભીમાનની સાથે આપણે આપણી આજની સ્થીતીનો વીચાર કરવો જોઈએ એમ લાગે છે. તે સાથે જ આપણા મનમાં એ પણ પ્રશ્નો ઉત્પન્ન થવા જોઈએ કે ભારતભુમીમાં જ ફરી ફરીને ઈશ્વરના અવતારો કેમ થતા આવ્યા છે? પાપ વધી જાય એટલે ઈશ્વર અવતાર લે છે એવું મોટા મોટા ગ્રંથોમાં લખેલું છે. તો ભારતભુમીમાં જ ફરીફરીને પાપની વૃદ્ધી કેમ થતી હોય છે? અને ફરીફરીને ઈશ્વરના અવતાર આ ભુમીમાં થયા છતાંય આપણી પ્રજા આજે પણ આવી અવનત સ્થીતીમાં કેમ હોય? જ્ઞાનથી ભરેલા આપણા બહુમુલ્ય ગ્રંથો, આપણી પ્રાચીન ઉચ્ચ સંસ્કૃતી, મહાન પુરષોની અખંડ પરંપરા, એ બધું આપણા ભાગ્યમાં આવેલું હોવા છતાં આજે આપણી આટલી ઘોર અવનતી કેમ થઈ છે? આજે આપણે આપણા જુના ધર્મ પ્રમાણ વર્તતા નથી એમ માનીએ તો પણ હજાર વર્ષ પહેલાં કે તે પહેલાંયે આપણે આપણા ધર્મ પ્રમાણે વર્તતા હતા ત્યારે પણ દરેક પરદેશી આક્રમણ સામે ઘણે પ્રસંગે આપણે હાર જ કેમ ખાવી પડી હતી? પરદેશથી આવેલા કેવળ પેટભરા કે લુંટારુઓ પણ હીંદુસ્તાનમાં સત્તાધીશ અને સમ્રાટ બન્યાનું ઈતીહાસ પરથી જણાઈ આવે છે. આપણે પરસ્પર લડવામાં શુરા; પરન્તુ પરદેશી લોકો આગળ ગુલામ અને દીનહીન ગણાતા આવ્યા એનાં કારણો શાં? દુનીયના બીજા લોકો કરતાં આપણે વધારે ધાર્મીક અને સુસંસ્કૃત છીએ, તત્ત્વજ્ઞાનનો વીકાસ આપણા દેશમાં સૌથી વધારે થયો છે એમ આપણે સમજીએ છીએ. આ બધી બાબતો જ ખરી માનીએ, તો બીજા દેશના લોકો કરતાં આપણે વ્યવહારમાં વધારે અપ્રામાણીક અને સ્વાથી કેમ? આપણા દેશબાંધવોને લુંટીને, તેમને નીચોવીને, તેમનું શોષણ કરીને પોતે સુખી થવાની સમાજઘાતક વૃત્તી આપણામાં ઘણે ભાગે સર્વત્ર દેખાય છે તે કેમ? પુનર્જન્મ અને પરલોક પર શ્રદ્ધા રાખનારા, મોક્ષ, ઈશ્વર વગેરે વીશે આસ્તીક બુદ્ધી ધરાવનારા આપણે પ્રત્યક્ષ ચાલુ જીવનમાં સત્ય છોડીને કેમ વર્તીએ છીએ? ધર્મ વીશે અભીમાન રાખનારા આપણામાં રાષ્ટ્રપ્રેમ અને બંધુપ્રેમનો આટલો અભાવ કેમ જીણાઈ આવે છે? રાષ્ટ્ર વીશેના કર્તવ્યની આપણી ઉદાસીનતા રાષ્ટ્રદ્રોહ સુધી કેમ પહોંચી જાય છે? સંસાર વીશેનો વૈરાગ્ય, કર્તવ્યભ્રષ્ટતા, બંધુદ્રોહ, પંગુતા, ભીરુતા વગેરે દોષો અને દુર્ગુણમાં કેમ પરીણમે છે? આપણું રાષ્ટ્રીય, સામાજીક, આર્થીક અને કૌટુંબીક જીવન બધી બાજુથી છીન્નભીન્ન થવાનાં શાં કારણો હશે? શરીર અને બુદ્ધીના સામર્થ્ય અને માનસીક પવીત્રતા વીશે આપણી આવી દીનદશા કેમ? આજે આ ભારતવર્ષમાં લાખો નહીં પણ કરોડો લોકો એવા છે કે જેમને ખાવાનું પુરું અન્ન મળતું નથી, પહેરવાને પુરતાં વસ્ત્ર નથી, રહેવાને ઘર કે ઝુંપડાં નથી. કરોડો બાળકો આજે દુધ વગર જીવન કાઢે છે, જેમ તેમ જીવે છે અને મોટાં થાય છે, અને સૌથી દુઃખની વાત તો એ કે મહેનત–મજુરી કરવાને તૈયાર એવા હજારો લોકોને કામ મળતું ન હોવાથી ભુખમરો વેઠવો પડે છે. મનુષ્ય–આકારે કેવળ જીવ જ તેમનામાં ટકી રહ્યો છે! આ સ્થીતી દેશમાં વધતી ચાલી છે. આ ઉદ્વેગજનક સ્થીતી છે. આ સ્થીતીમાંયે બંધુદ્રોહી અને દેશદ્રોહી અથવા કોઈ પણ પાપ કરવા માટે પાછું ન જોનારા લાખોપતી અને કરોડપતી બને છે. કાળા બજાર કરનારા, લાંચરુશવત લેનારા અને આપનારા, માલમાં સેળભેળ કરનારા, યોગ્ય કર ભરવામાં ચોરી કરનારા ધન સાથે માન–પ્રતીષ્ઠા પણ મેળવે છે. આ બધી બાબતોના કારણો અને તેના પ્રશ્નોના ઉત્તરો આપણે શોધી કાઢવા જોઈએ.
सहृदयता अने समभाव
આપણી પોતાની અને આજુબાજુની આ દુ:ખ અને ઉદ્વેગજનક સ્થીતીમાંથી આપણે દીવ્ય જીવન પ્રાપ્ત કરવાનું છે, એ વાતનું આપણને સ્મરણ રહેવું જોઈએ. દીવ્ય જીવનની વ્યક્તીગત આશામાં આ વાસ્તવીક અને સાર્વત્રીક સ્થીતી ભુલી ગયે આપણું નહીં ચાલે. ઉપર વર્ણવેલી આ સ્થીતીમાં જેમને અતીશયતાનો સંશય આવતો હોય તેમણે પોતે દેશસ્થીતી તપાસી જવી અને જો આ પ્રમાણે છે એમ તેમના અનુભવમાં આવે તો આ સ્થીતીમાંથી આપણે દીવ્ય જીવન કેવી રીતે પ્રાપ્ત કરી શકવાના એ વીશે તેમણે ગંભીરતાથી વીચાર કરવો. આ સ્થીતી આમ જ કાયમ રાખીને આપણે દીવ્ય જીવન પ્રાપ્ત કરી શકીશું એવી કોઈની સમજણ હોય, તો તે ભ્રાંતી છે એમ નીરુપાયે કહેવું પડે છે. જેમની પોતાપણાની કલ્પના પોતાના દેહ પુરતી જ હોય, આપણે એટલે આપણું શરીર અને તેમાં વસતો આત્મા એટલી જ જેમની આત્મવીષયક ભાવના હોય, તેમની વાત છોડી દઈએ તો તે સીવાય બીજા દરેકને, જેના જેના હૃદયમાં બીજાઓ વીશે સહૃદયતા વાસ કરે છે તે તે દરેકને, આપણી આજની અવનત અને કંગાલ સ્થીતી વીશે દુ:ખ થયા વગર રહેશે નહીં. જેનું આત્મત્વ વીશાળ થયું છે, બધા સાથે સમરસ થવા જેટલી સહૃદયતા જેનામાં છે તે પોતાના એકલાના સુખદુ:ખથી પોતાને સુખી કે દુ:ખી કદી માનતો નથી. आत्मवत् सर्वभुतेषु, આ મહા સીદ્ધાંત જો માનવતાની સાચી શ્રેષ્ઠતાનો દર્શક હોય, તો જેને જેને આ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય, તેણે બધા વીશે સહૃદયતા ધારણ કર્યા વગર ચાલશે નહીં. અને સહૃદયતા જેના હૃદયનો સ્વાભાવીક ધર્મ બન્યો હશે તેને આ મહાસીદ્ધાંત કેવળ માનવાથી શાંતી–સમાધાન ન થતાં તેને આચરણમાં લાવ્યા વગર બીજો માર્ગ નથી એમ જણાશે. સહૃદયતા, સમભાવ એ દૈવી કે સર્વોચ્ચ માનવી ભાવ છે. તેમાંથી જ દીવ્ય કે શુદ્ધ જીવનનો માર્ગ છે. તે મેળવ્યા વગર દીવ્ય જીવન પ્રાપ્ત થવું શક્ય જણાતું નથી. આત્માની વીશાળતા કેવળ એકાદ ઉચ્ચ સીદ્ધાંતને માનવાથી અનુભવાતી નથી. જેમનું આત્મત્વ પોતાના શરીરમાં રમતું હશે, તેમને આ માર્ગ ગળે ઉતરશે નહીં અને ગળે ઉતરે તોયે તેઓ આચરી શકશે નહીં. દીવ્ય જીવનની આકાંક્ષા રાખનારાઓએ આપણી આજની સ્થીતી ઓળખવી જોઈએ. આપણા પતનનાં, આપણી અવનતીનાં કારણો શોધી કાઢવાં જોઈએ. પોતાની વીશાળતાની યથાર્થ કલ્પના તેમના ધ્યાનમાં આવવી જોઈએ અને આ બધી બાબતો જાણીને આપણી સાર્વત્રીક અવનતીમાંથી આપણા ઉદ્ધારનો માર્ગ તેમણે શોધી કાઢવો જોઈએ.
केवल जीवदशामांथी वीशाल आत्मत्व तरफ
કુદરતે માણસને બધા કરતાં અધીક બુદ્ધી આપેલી છે. તે વધારવા માટે જીજ્ઞાસાવૃત્તી પણ આપેલી છે. તેનાથી તેનું જ્ઞાન વૃદ્ધીગત થતું આવ્યું છે અને થાય છે. એ જ્ઞાનની મદદથી માણસ પોતાનાં અને બીજાનાં સુખદુ:ખનાં કારણો શોધી કાઢે છે. માણસના મુખ્ય સદગુણો – દયા, સહાનુભુતી અને સહૃદયતા જેનામાં હોય છે તે, પ્રાપ્ત જ્ઞાનનો સદુપયોગ કરીને પોતાનાં અને બીજાઓનાં દુ:ખને ટાળીને સુખની વૃદ્ધી કરવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાન, સદ્ભાવ અને પુરુષાર્થના વધતા પ્રમાણ પરથી માણસમાં રહેલી માનવતાની પરીક્ષા થાય છે. બીજાઓનાં દુ:ખ આપણને કેટલાં અસહ્ય થાય છે અને તે દુર કરવા માટે આપણે શું કરીએ છીએ, તેમ જ બીજાઓના સુખથી આપણને કેટલો સંતોષ જણાય છે, એ પરથી આપણી માનવતાનું પ્રમાણ ઠરે છે. આજ આપણે પોતાના શરીરને કે તેને વ્યાપી રહેનારા તત્ત્વને જ આત્મા સમજીએ અને એટલા સંકુચીત આત્મત્વને કે પોતાપણાને આપણે પોતાનું માનીએ, તો આપણે જીવદશામાંથી જરાયે ઉંચે આવ્યા નથી એવું સીદ્ધ થશે. પોતાપણાની સંકુચીત મર્યાદા છોડી દઈ અને તેની પાર જઈ માનવજાતી આજે કેટલીયે આગળ ગયેલી છે. પોતાની વ્યાપકતા તેણે વધારેલી છે. તે જ વ્યાપકતા કોઈએ ‘આપણે બધા એક જ ઈશ્વરનાં બાળકો છીએ’ એ ઉદાત્ત શબ્દોથી, તો કોઈએ ‘આપણે બધા ભાઈ ભાઈ છીએ’ એ વચનથી, તો કોઈએ ‘ઘટઘટમાં એક જ તત્ત્વ છે’ એ વાક્યથી વ્યક્ત કરેલી છે. અને જેમને આ કરતાંયે દીવ્ય દૃષ્ટી પ્રાપ્ત થઈ તેમને ‘सर्वं खल्वींद ब्रह्म’ અને ‘अहं ब्रह्मास्मी’ કહેવા સુધી પોતાની વ્યાપકતાનું દર્શન થયું છે. આ બધાં મહાવાક્યો જો સાચાં હોય તો તેટલે સુધી આપણે પોતાનું આત્મત્વ માનીને તેનો વીકાસ કરવો જોઈએ. ત્યારે જ જીવદશામાંથી આપણો ઉદ્ધાર થશે અને આપણે મનુષ્ય કહેવડાવવાને પાત્ર થઈશું. તે પાત્રતા આવવા માટે સમભાવ વધારનારા દરેક સદગુણની આપણને જરુર છે. આપણા શરીર જેટલો જ આત્માને પણ આપણે સંકુચીત માનીએ અને તેને જ સુખ, ઐશ્વર્ય, માનપ્રતીષ્ઠા કે મોક્ષ મળે એટલે આપણે કૃતાર્થ થઈએ એવું માનતા રહીએ, તો મહાપુરુષોનાં મહાન વચનો પર આપણી શ્રદ્ધા નથી એમ તેનો અર્થ થશે. અને એવી અશ્રદ્ધાની સ્થીતીમાં દીવ્ય જીવનની આશા કરવાને આપણને અવકાશ રહેશે નહીં. તેથી બધા વીશે આત્મવત્ ભાવ આપણને લાગવો જોઈએ. વીશાળ આત્મભાવ વગર, બધા વીશે સદ્ભાવ વગર માનવતાની પુર્ણતા સધાશે નહીં.
आपणो उद्दार आपणा ज हाथमां
તે પુર્ણતા સાધવી એ આપણા જીવનનો હેતુ હોય તો માનવતાના વીકાસના માર્ગે આપણે ચાલ્યા કરવું જોઈએ. અર્થાત્ માનવધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. આપણી ઉન્નતી, ઉદ્ધાર, ગતી, મુક્તી, સાર્થકતા કે દીવ્ય જીવન, શુદ્ધ જીવન ગમે તે કહો – એ બધું માનવ ધર્મથી જ પ્રાપ્ત થવું શક્ય છે. તે માટે આપણે શુદ્ધી, સદગુણ અને પુરુષાર્થ વધારવાં જોઈએ. આ ધર્મ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા ઉદ્ધાર માટે પરમેશ્વરના અવતારની રાહ જોતા રહેવાની પછી આપણને જરુર જણાશે નહીં. આપણા બધાનો ઉદ્ધાર આપણા બધાના હાથમાં છે એવી શ્રદ્ધા આપણામાં નીર્માણ થશે. આ ધર્મ પ્રમાણે ન વર્તતાં સ્વૈરપણે, સ્વછંદતાથી અને સ્વાર્થથી આપણે વર્તીએ તો પરમાત્મા પણ આપણું કલ્યાણ કરી શકશે નહીં. શ્રીકૃષ્ણ જેવા અનેક પ્રકારે સમર્થ – જેમને આપણે પરમાત્માના અવતાર માનીએ છીએ તેઓ જ્યારે સાક્ષાત આપણી વચ્ચે રહેતા હતા, ત્યારે પણ ધર્મરાજને દ્યુતના અનર્થમાંથી બચાવી શક્યા નહોતા. બંધુદ્રોહ અને પરસ્પર કલહને લીધે અઢાર અક્ષૌહીણીનો નાશ તેમના દેખતાં જ થયો. તેમની નજર આગળ જ છપ્પન કરોડ યાદવોએ દારુના ઘેનમાં પરસ્પર લડીને એકબીજાનો સંહાર કર્યો. આ બધાનું પરીણામ એકંદરે સમાજને કેટલું વીપરીત અને ‘અનીષ્ટ ભોગવવું પડ્યું તે આપણે બધા જાણીએ છીએ. સારાંશ, આપણે દુર્ગુણી અને વ્યસનાસક્ત હોઈએ, પરસ્પર ધાત કરીને સ્વાર્થ સાધનારા હોઈએ, તો જેમને પરમેશ્વરના અવતાર કહી શકાય એવા પુરુષ યદી માનવરુપે આપણામાં હોય અને આપણી ગમે તે સેવા કરવાને તત્પર હોય તોયે તે આપણને અનર્થમાંથી બચાવીને આપણો ઉદ્ધાર કરી શકશે. નહીં એ વાત ઈતીહાસ પરથી સીદ્ધ છે. તો પછી આજે આપણે અધર્મથી વર્તી કેવળ તેનું નામસ્મરણ કરતા રહીએ તો આપણો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે? તેના કરતાં ધર્મથી વર્તતા રહી ઈશ્વર પર કેવળ નીષ્ઠા રાખીએ તો તે નીષ્ઠાયે આપણને મહાન સંકટોમાંથી તારી શકશે, આપણો ઉદ્ધાર કરી શકશે. ધર્મ અને નીષ્ઠામાં બધા પ્રકારનું સામર્થ્ય ભરેલું છે. ધર્મ અને નીષ્ઠા એ જુદી જુદી બે વસ્તુઓ નથી, કારણ ધર્મ છે ત્યાં નીષ્ઠા હોવાની અને નીષ્ઠા છે ત્યાં ધર્માચરણ થતું રહેવાનું જ એવો નીયમ છે. સાચી નીષ્ઠા ઈશ્વરનું નામ લેવામાં, તેનું વર્ણન કરવામાં, તેનાં સ્તુતી–સ્તોત્રો ગાવામાં કે તેના નામથી કોઈ કર્મકાંડ કરતા રહેવામાં નથી, પણ મહાપુરષોએ કહેલા ધર્મનું આચરણ કરવામાં છે. તે ધર્મ એટલે માનવધર્મ.
वीश्ववव्यापार साथे समरसता
તે ધર્મ આપણે સમજવો જોઈએ. તેનું ચીંતન મનન કરીને તે આચરવા માટે જરુરી એવા સદગુણો આપણે પ્રાપ્ત કરવા જોઈએ. માનવી જીવન એકાકી નથી. આપણા બધાના સહકારથી, એકબીજાની સહાયથી તે ચાલી રહ્યું છે, એ આપણે સમજવું જોઈએ. આપણ બધાને તે સુખરુપ અને કલ્યાણપ્રદ થાય એવી રીતે તેને ચલાવવાનું આપણે શીખવું જોઈએ. એકબીજામાં વીશ્વાસ અને ઐક્ય રાખવા માટે જોઈતા ગુણો આપણે સમ્પાદન કરવા જોઈએ. એક જ વીશ્વશક્તીમાંથી – પરમશક્તીમાંથી – પેદા થઈ આપણે બધા આજની સ્થીતીએ કેવી રીતે આવી પહોંચ્યા તે જાણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને આપણે બધા ફરીથી તે જ પરમશક્તીમાં કોઈ કોઈને ભીન્નપણે ઓળખી શકશે નહીં એવી અવસ્થામાં છેવટે વીલીન થઈ જવાનો કેવો સમ્ભવ છે તે પણ આપણે જાણવું જોઈએ. ઉત્પત્તી, સ્થીતી અને લયની વીશ્વની ઘટમાળમાં, આ અખંડ વ્યાપારમાં દેહના નીમીત્તે પ્રગટ દશાએ આવેલું ‘અહમ્’ પરમશક્તીના પ્રમાણમાં કેટલું અલ્પ છે તે આપણે ઓળખી શકીએ, તો જ આપણે નીષ્કામ અને નીરહંકારપણે ધર્માચરણ કરતા રહીએ એ પણ આપણે સમજવું જોઈએ. પરમાત્માના ચીંતન અને મનનથી આપણે તેના વીશ્વવ્યાપાર સાથે જેમ જેમ સમરસ થઈએ, તેમ તેમ આપણને સમજાશે કે આ વીશ્વમાં, આ જીવનમાં આપણું પોતાનું જુદું એવું કાંઈ જ નથી. દેહ, બુદ્ધી, મન, ઈંદ્રીયો, તે જ પ્રમાણે તેના ધર્મો, શક્તીઓ, ગુણો, ભાવો, કર્તૃત્વ, એટલું જ નહીં પણ ચેતન આત્મા એ બધાં તેનાં જ પ્રગટ દર્શન છે. એ બધાં તેમાંથી જ નણ થઈ આજની સ્થીતીએ આવેલાં છે. આ બધાં દર્શનો અને તેમાંથી જ ઉઠનારાં બીજાં વીવીધ દર્શનો તેમ જ વીદ્યા, જ્ઞાન, ધન, બળ, સત્તા, સામર્થ્ય, સદ્ગુણો વગેરે પૈકી કોઈ પણ વીશીષ્ટતા પર આપણો અધીકાર નથી. તેથી તે વીશે વ્યક્તીગત અહંકાર ન રાખતાં, તેમનો કેવળ સ્વસુખાર્થે લોભ ન રાખતાં તેમાંથી જીવનોપયોગી જે જે કાંઈ પ્રાપ્ત થાય તે બધું બધાંના હીતાર્થે હમ્મેશ અર્પણ કરતા રહેવું એ જ સાચો માનવધર્મ છે, એ જ ખરું ઈશ્વરસમર્પણ છે. ભક્તીની પરીસીમા, જ્ઞાનનું અંતીમ સાધ્ય, યોગની સીદ્ધી વગેરે બધું આ સમર્પણમાં જ છે. જીવનભર નીષ્કામ અને નીરહંકારપણે કર્તવ્ય કરતા રહેવા માટે આ ધર્મની જરુર છે. માનવતાની પુર્ણતા આ સમર્પણમાં અને સહૃદયતાથી બધા સાથે સમભાવ રાખી આત્મત્વની વીશાળતા સાધવામાં છે. આ પુર્ણતા તે જ દીવ્ય જીવન. દીવ્ય જીવન તે જ જીવનશુદ્ધી કે જીવનસીદ્ધી. તે પ્રાપ્ત કરવા માટે આપણા બધાનો જન્મ છે. તે સીદ્ધી સાધી આપનારો ધર્મ તે જ માનવધર્મ. તે ધર્મમાં બધાના કલ્યાણનું સામર્થ્ય ભરેલું છે. પરમાત્માની કૃપાથી તે માનવધર્મ પ્રમાણે વર્તવાની સન્મતી બધાને થાઓ એ જ પ્રાર્થના!
* સુરતમાં ૧૫૩ના જુન મહીનામાં આપેલા ભાષણ પરથી.
–કેદારનાથજી
શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ – 380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/–(ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે અને દર સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
આ શ્રી. કેદારનાથજી નો ‘દીવ્ય જીવન અર્થાત્ માનવી જીવન’ખૂબ સુંદર પ્રેરણાદાયી લેખ
.
દીવ્ય જીવન માટે સગુણાત્મક પરીવર્તન અંગે વિવિધ પાસાનુ સરળ અને સ રસ રીતે સમજાવ્યું.
.
‘માનવતાની પુર્ણતા આ સમર્પણમાં અને સહૃદયતાથી બધા સાથે સમભાવ રાખી આત્મત્વની વીશાળતા સાધવામાં છે. આ પુર્ણતા તે જ દીવ્ય જીવન. દીવ્ય જીવન તે જ જીવનશુદ્ધી કે જીવનસીદ્ધી. તે પ્રાપ્ત કરવા માટે આપણા બધાનો જન્મ છે. તે સીદ્ધી સાધી આપનારો ધર્મ તે જ માનવધર્મ. તે ધર્મમાં બધાના કલ્યાણનું સામર્થ્ય ભરેલું છે. પરમાત્માની કૃપાથી તે માનવધર્મ પ્રમાણે વર્તવાની સન્મતી બધાને થાઓ એ જ પ્રાર્થના!’સાર રુપ ચિતમા મઢી રાખવા જેવી વાત
ધન્યવાદ
LikeLiked by 2 people
દીવ્ય જીવન એટલે માનવી સદગુણોથી સમૃદ્ધ શુદ્ધ જીવન.
–કેદારનાથજી
સાદી ભાષા માં વાત કાઈએ તો દિવ્ય જીવન એ કે માનવી “માનવી” બની ની રહે અને “માનવતા” ને અનુસરે.
અત્યારે માં જગત માં અસંખ્ય ધર્મો છે. જગત ની બહુમતી ના માનવીઓ કોઈ ને કોઈ ધર્મ ને અંનુંસરે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો માનવી નું દિવ્ય જીવન એ હોવું જોઈએ કે તેણે સમજવું જોઈએ કે તેણે ક્યારે પણ “માનવતા” નો પાલવ ન છોડાવો જોઈએ અને આ જગત ના અલ્પ જીવન ને ખારા અર્થ માં “માનવી” બનીને જીવન પસાર કરવું જોઈએ
“માનવતા” શું છે એ લગભગ દરેક ધર્મ માં તેની વ્યાખ્યા આપવામાં આવેલ છે.
LikeLiked by 1 person
દીવ્ય જીવન એટલે માનવી સદગુણોથી સમૃદ્ધ શુદ્ધ જીવન.
–કેદારનાથજી
સાદી ભાષા માં વાત કરીએ તો દિવ્ય જીવન એ કે માનવી “માનવી” બની ની રહે અને “માનવતા” ને અનુસરે.
અત્યારે માં જગત માં અસંખ્ય ધર્મો છે. જગત ની બહુમતી ના માનવીઓ કોઈ ને કોઈ ધર્મ ને અંનુંસરે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો માનવી નું દિવ્ય જીવન એ હોવું જોઈએ કે તેણે સમજવું જોઈએ કે તેણે ક્યારે પણ “માનવતા” નો પાલવ ન છોડાવો જોઈએ અને આ જગત માં અલ્પ જીવન ને ખરા અર્થ માં “માનવી” બનીને જીવન પસાર કરવું જોઈએ
“માનવતા” શું છે એ લગભગ દરેક ધર્મ માં તેની વ્યાખ્યા આપવામાં આવેલ છે
LikeLiked by 1 person
બાપરે…..કેટલો લાંબો લેખ….
સલાહો અને સૂચનો થી સભર…
તો પણ કંઇક નવું તો મળ્યું….
આભાર ગોવિંદભાઈ
LikeLike
હંમેશા ઊઠતા સવાલો…પહેલા ફકરામાં કહી બતાવે છે. દર્દનાક પરિણામો આપતાં ધાર્મીક કર્મો.
LikeLiked by 1 person
શ્રી કેદારનાથજીનો લેખ કલયુગને ઉઘાડો પાડવા માટેનો નથી. તે તો સતયુગને માટેનો હોય તેવો લાગ્યો.
સ્વાર્થ, અંગત સ્વાર્થ, ક્રુરતા, કહેવાતા ઘર્મો….જેટલાં પણ આ પૃથ્વિના પટલ ઉપર છે તે બઘા ઘર્મો….લુચ્ચા, લફંગાઓ અંગત સ્વાર્થમાં ચલાવવાવાળાઓના હાથમાં છે…જાણે કે કલયુગ…આવા કહેવાતા યુગો છે કે નહિ તે ખબર નથી…..આજે પૃથ્વિના ખૂણે ખૂણે રાક્ષસો બેઠા છે અને ઘન, વૈભવ, પૈસો….જ જેનો મોહ હોય તેવા લોકો પાસે શું અેક્સપેક્ટ કરાય ? પોલીટીશીયનો, ગુંડાઓ, પૈસાના જોરે ભલભલા સત્યના પૂજારીઓને પગ ચાતટા કરીને, ગુલામ બનાવીને જીવે છે.
સદગુણો ? ભૂલી જાવ. પૈસાની બે બાજુ જેવું જીવન સૌને જીવવું પડે છે. જુઠું બોલવા વગર જીવન શક્ય નથી. જે સત્ય છે તે આજનું જીવન છે. જે કોઇને જીવવું ગમતું નથી છતાં ફોર્સફુલી જીવવું પડે છે. મંદિરોમાં કે ઘર્મોના સ્થળોઅે ભગવાન જન્મે છે. અંઘશ્રઘ્ઘાનું રાજ ચાલે છે. સ્ટરગલ ફોર અેક્સીસ્ટન્સ….બીચારાઓની જીંદગી છે.
આ બઘા વાતાવરણમાં આદર્શને કોઇ સ્થાન…પ્રેક્ટીકલ લાઇફમાં, નથી.
આદર્શો હવે ઘરમોના પુસ્તકોમાં કે ઘર્મોના કથાના મેળાવડામાં બોલવામાં હોય છે. આદૈશો ફક્ત બોલવા માટે હોય છે. જીવનમાં પાળી બતાવવા માટે નથી હોતા. જો કોઇ વીડલો હોય અને પાળી બતાવવાનું પણ લઇ જીવી બતાવે તો ચેલેંન્જ.
આ બઘી આદર્શોવાળી ચર્ચાઓ નકામી હોય છે….જેમકે સ્મશાનવૈરાગ્ય.
પોતાની જાતને ઓનેસ્ટીથી પૂછી જૂઅે…દરેક માણસ…..તેને પોતાનામાં દેવ દેખાય છે કે દાનવ ?
આવા વાતાવરણમાં કેમ જીવવું તેનો રસ્તો દરેકે પોતે શોઘી કાઢવો પડે છે. આત્મચિંતન અને મનન કરવું પડે છે….પોતાની જાતને છેતરીને જીવવું પડે છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Yes learned article by Kedarnath ,ji & as said all efforts should be to become True Human .
LikeLiked by 1 person