‘ધુણવું’ – માનસીક સ્વાથ્ય માટે જરુરી છે?

‘ધુણવું’ – માનસીક સ્વાથ્ય માટે જરુરી છે?

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

આધુનીક યુગમાં વીકસતા વીજ્ઞાને ઈશ્વરના અસ્તીત્વ સામે પ્રશ્નાર્થ મુકી દીધો છે. જુદા જુદા ધર્મો ઈશ્વરના અસ્તીત્વને પુરવાર કરવા માટે સંખ્યાબંધ પ્રાચીન અને અર્વાચીન ચમત્કાર–કથાઓ અને દૃષ્ટાંતકથાઓ તેમના અનુયાયીઓ સમક્ષ રજુ કરે છે. જ્યારે બીજી બાજુ વીજ્ઞાન આ સમગ્ર સૃષ્ટીને ચલાવતા કોઈ દૈવી સ્વરુપનું અસ્તીત્વ જ નથી એવું ભારપુર્વક પ્રાયોગીક પુરાવાઓ સાથે કહે છે. ઈશ્વરના અસ્તીત્વ વીશેના ધર્મ અને વીજ્ઞાનનાં વીરોધાભાસી મંતવ્યોની ચર્ચામાં અત્યારે નથી પડવું; પરન્તુ ઈશ્વરનું અસ્તીત્વ અને ધર્મ મનુષ્ય અને સમાજને કઈ રીતે મદદરુપ થઈ શકે છે અને અન્ધશ્રદ્ધા કેવી વીનાશક નીવડી શકે છે એ ઉંડો વીચાર માંગી લે તેવો વીષય છે.

આ સૃષ્ટી ઉપર માનવીની ઉત્પત્તી થઈ ત્યારથી પ્રત્યેક મનુષ્ય એકલતાથી ડરે છે, અને પોતાના જીવનની એકલતા દુર કરવા માટે સતત કોઈકનો આધાર, આશરો કે સધીયારો ઝંખે છે. મનુષ્ય એકલો રહેતાં ડરે છે એટલે જ સમુહમાં રહે છે, સમાજમાં રહે છે અને સતત શાંતી તથા સલામતી ખોજતો રહે છે. મનુષ્યે રચેલા આ સમુહ અને સમાજને ચલાવવા માટે કેટલાક નીતી–નીયમો અને ધારા–ધોરણો હોવા જરુરી છે. ધર્મએ સમાજને ચોક્કસ નીતી–નીયમો અને ધારા–ધોરણો ઘડી આપ્યા છે. એટલે એક સંસ્થા તરીકે ધર્મનું અસ્તીત્વ સમાજના સ્વાથ્ય અને સમૃદ્ધી માટે જરુરી જણાય છે. ઈશ્વર જેવી એક કાલ્પનીક શક્તીનો ભય છે એટલે પ્રત્યેક મનુષ્ય સમાજમાં સ્વચ્છંદી વર્તન કરતાં ડરે છે, અને સમાજનાં ધારા–ધોરણોને ધર્મના માધ્યમ દ્વારા અનુસરે છે. સામાન્ય માનવી પાપ કરતાં ડરે છે; કારણ ઈશ્વર જેવી અદશ્ય અને સર્વવ્યાપી શક્તી એને પાપ બદલ દંડ આપશે તેવી ભીતી તેને રહે છે. ઈશ્વરનો ડર છે એટલે જ ‘મારે એની તલવાર’ અને ‘બળીયાના બે ભાગ’નો સીદ્ધાંત સામાન્ય માનવી અપનાવતો નથી તેથી જ સમાજ ટકી શકે છે.

પ્રત્યેક મનુષ્ય સમાજમાં રહેવા છતાં; પણ અવાર–નવાર એકલો પડી જાય છે એટલે એને ઈશ્વર જેવી આ સૃષ્ટીને ચલાવનારી વીરાટ શક્તીના સધીયારાની જરુર પડે છે. અને ઈશ્વરનું અસ્તીત્વ પ્રત્યેક મનુષ્યના માનસીક સ્વાથ્યને ટકાવી રાખવા તથા મનમાં પેદા થતી એકલતા, ભય, અસલામતી, હતાશા અને ચીંતાની લાગણીને નીયંત્રીત કરવા માટે મદદરુપ થાય છે. આ કારણે જ મનોવીજ્ઞાન સમ્પુર્ણપણે નાસ્તીક બનવાની હીમાયત કરતું નથી. અને ભયભીત તથા અસલામત માનવીના આધાર શોધતા વર્તનની એક જરુરીયાત રુપે ધર્મનો સ્વીકાર કરે છે.

પરન્તુ કેટલીકવાર ધર્મ દ્વારા લદાયેલાં વધારે પડતાં નીયંત્રણો અને ઈશ્વરનો ઉભો કરાયેલો કાલ્પનીક ડર નાની–નાની વાતમાં વ્યક્તીના મનમાં ‘પાપ’ કર્યાની ભાવના ઉભી કરીને વ્યક્તીને માનસીક રીતે અસ્વસ્થ પણ બનાવી શકે છે. શ્રદ્ધા સ્વાથ્ય માટે જરુરી છે; પરન્તુ અન્ધશ્રદ્ધા હાનીકારક છે એ સમજાવવા એક ઉદાહરણ અત્રે આપું છું.

તમે માતાજી આવવાના કીસ્સાઓ સાંભળ્યા હશે, જોયા પણ હશે. માતાજીના ભક્ત પોતાના શરીરમાં માતાજી પ્રવેશ્યા છે એવું પ્રસ્થાપીત કરી ધુણે છે, બોલે છે, હાથની કરામતથી કંકુ પણ ખેરવે છે અને લોકોને મુંઝવતી સમસ્યાઓના સુઝાવ પણ આપે છે. “બદલી થશે કે નહીં ?”, “પુત્ર અવતરશે કે પુત્રી?”, “ઉમ્મરલાયક છોકરીનું ચોકઠું કયારે ગોઠવાશે?”… “તબીયત સારી કયારે થશે?”…. “કષ્ટ નીવારવા શું ઉપાયો કરવા?” આવા જુદા જુદા પ્રશ્નોના જવાબ પણ આપે છે. આવો એક દાખલો જુઓ.

સાવીત્રીએ બાળપણથી આવાં દૃશ્યો જોયાં છે. એ બાળપણથી માતાજીની ભક્ત છે. માતાજીમાં તેને અતુટ શ્રદ્ધા છે અને ખાસ કરીને નવરાત્રીના ગરબા અને આરતીના સમયે તે ભાવવીભોર થઈ ધુણે છે અને માતાનો સાક્ષાત્કાર થયો હોય તેમ પણ અનુભવે છે.

સાવીત્રીની ઉમ્મર અત્યારે ચાલીસેક વર્ષની છે, અને છેલ્લાં બે વર્ષથી તે અવાર–નવાર ધુણવા લાગે છે અને ધુણતાં તે બુમો પાડે છે…. “હું આવી ગઈ છું. ગબ્બરના ગોખેથી આવી છું…. હવે પાછી જવાની નથી. મારી દીકરીની રક્ષા કરવા માટે આવી છું….. મારી દીકરી ખુબ જ દુ:ખી છે….. તમે બધાં એને ખુબ જ હેરાન કરો છો… મારો દીકરો પણ એકલો પડી ગયો છે… જે લોકો એમને હેરાન કરશે એમને હું દંડ આપીશ…” આવું બોલતાં બોલતાં સાવીત્રી વાળ છુટા કરીને અને જોરજોરથી તાળીઓ પાડી ખુબ ધુણે છે. આંખો કાઢી આક્રમક બની જાય છે. સાવીત્રીના આ રણચંડી જેવા સ્વરુપને જોઈ કુટુંબીજનો મસ્તક નમાવે છે. અને કહે છે કે “મા…. તારી મરજી મુજબ જ આ ઘર ચાલશે…. મા અમારો કંઈ અપરાધ થયો હોય તો માફ કરો અને આપના મુળ સ્થાનકમાં પાછાં પધારો….” સાવીત્રી ધીરે ધીરે ઢીલી પડતી જાય છે અને ખુબ જ થાકીને બેહોશ બની જાય છે.

સાવીત્રીની આ ધુણવાની પ્રક્રીયા છેલ્લાં બે વર્ષમાં ખુબ જ વધી જાય છે. અને કેટલીક વાર તો એક દીવસમાં બે–ચાર વખત ધુણતાં ધુણતાં ખુબ જ બુમબરાડા પાડવા લાગે છે. કુટુંબના સભ્યો વીમાસણમાં છે કે સાવીત્રીના આ સ્વરુપને વંદન કરવા કે વળગાડની પ્રક્રીયા સમજવી? અને સાવીત્રીના કષ્ટનીવારણ માટે વીવીધ ઉપચાર કરાય છે. એકવાર સાવીત્રીનો આવો ધુણવાનો હુમલો પાંચ દીવસ અને પાંચ રાત જેટલો લાંબો ચાલે છે. ખાધા–પીધા વગર સતત ધુણ્યા કરતી સાવીત્રી માનસીક સમતુલા ગુમાવે છે અને અસંગત બકવાસ તેમજ વીચીત્ર વર્તન કરે છે.

શું સાવીત્રીને માતાજીનો ખરેખર સાક્ષાત્કાર થતો હતો? શું સાવીત્રીને કોઈ કંટ્રોલ કરતું હતું? શું સાવીત્રીના શરીરમાં કોઈ પ્રવેશતું હતું? શું સાવીત્રી ઢોંગ કરતી હતી? આવા સવાલોની ઝડીઓ વચ્ચે સાવીત્રીને મગજ શાંત કરવાની દવાઓ અપાય છે. એક અઠવાડીયામાં સાવીત્રી સ્વસ્થ થઈ જાય છે અને તેનો પુર્વઈતીહાસ જાણી ઉપરના તમામ સવાલોના જવાબ અપાય છે.

સાવીત્રી સંયુક્ત કુટુંબમાં રહે છે. પતીની આવક મર્યાદીત છે અને નાનાં ભાઈ–બહેનોની સંભાળ, ભણતર અને લગ્નમાં પતી અવાર–નવાર દેવામાં ડુબેલો રહે છે. સવારથી ઉઠીને સાવીત્રી મશીનની જેમ કામ કરે છે. બધાની નાની–મોટી જરુરીયાતો ધ્યાનમાં રાખે છે. અને છતાં પણ સાસુનાં, નણંદોનાં, મહેણાં–ટોણા સહન કરે છે. પોતાને થતા અન્યાય સામે સાવીત્રીનો પતી મુક પ્રેક્ષક બની જોઈ રહે છે, એનો સાવીત્રીને ભારે વસવસો છે; પરન્તુ તે આ બધું ચુપચાપ મુંગે મોઢે સહન કરે જાય છે.

સાવીત્રીનું બાળપણ પીતાને ઘેર બહુ સુખચેનથી પસાર થયું હતું. તે પીતાની એકની એક લાડકી દીકરી અને ત્રણ ભાઈઓની લાડકી બહેન છે. અને માતાજીની ભક્તી અને અતુટ શ્રદ્ધાના સહારે સાવીત્રી પોતાના જીવનના માનસીક તનાવ સામે ટકી શકે છે. સાવીત્રી જેવી સ્ત્રીઓ માટે માતાનું અસ્તીત્વ જરુરી છે. તેમને વીજ્ઞાન નહીં પણ ઈશ્વરની શ્રદ્ધા અને સહારો જ જીવવાનું બળ આપે છે, પણ સાવીત્રીને થતો માતાજીનો સાક્ષાત્કાર ભ્રામક છે. પોતાના રોજબરોજના જીવનમાં બનતા દર્દનાક પ્રસંગોથી ત્રાસી ગયેલી સાવીત્રી ચેતના ખોઈ બેસે છે અને માતાજીનું સ્વરુપ ધારણ કરે છે. ઘરના લોકો દ્વારા હમ્મેશાં હડહડ થતી અને તીરસ્કાર પામતી સાવીત્રીને એ જ લોકો માતાજીના સ્વરુપમાં વંદન કરે છે. પુજનીય ગણે છે; પરન્તુ સાવીત્રી, માતાજીના આ થોડા સમય માટે આવેલા સ્વરુપમાંથી ફરી સાવીત્રી બની જાય છે ત્યારે એ જ લોકો એને તીરસ્કૃત કરે છે. એટલે સાવીત્રીનું અચેતન મન સાવીત્રીનો બચાવ કરવા અવાર–નવાર માતાજીનું સ્વરુપ ધારણ કરાવે છે. સાવીત્રીનો આ કહેવાતો માતાજીનો સાક્ષાત્કાર સાવીત્રીના વીપરીત સંજોગો સામેનો સાવીત્રીના અચેતન મનનો પ્રતીકાર છે. આમ, સાવીત્રી ઢોંગ પણ નથી કરતી. તેનામાં માતાજી પ્રવેશતાં પણ નથી…. પ્રવેશી શકે પણ નહીં…. કે સાવીત્રીને કોઈ કંટ્રોલ પણ નથી કરતું એમ ઘરના લોકોને સમજાવાય છે.

સાવીત્રી જેવી સ્ત્રીઓ માટે ઈશ્વર જરુરી છે. ધર્મ જરુરી છે અને ધુણવું પણ જરુરી છે. પરન્તુ એથી પણ વધારે જો કંઈ જરુરી હોય તો સાવીત્રીના ધુણવા પાછળની મનોવ્યથાને કુટુંબીજનો સમજે તે જરુરી છે. માતાજીના સ્વરુપને વંદન કરવા અને પછી પાછી એ જ સ્ત્રીને તીરસ્કૃત કરવી કેટલી યોગ્ય છે? સાવીત્રી સાથે માનવીય અને સહાનુભુતીપુર્વકનું વર્તન કરવું જરુરી છે. બસ, આટલી મનોવૈજ્ઞાનીક સમજ કેળવી શકાય તો ઈશ્વરના અસ્તીત્વને પડકારવા સુધી નાસ્તીક થવાની કે આસ્તીક બની ડબલ–સ્ટાન્ડર્ડવાળું વર્તન કરવું.. કશું જ જરુરી નથી.

રજનીશે મનુષ્યના માનસીક સ્વાથ્ય માટે ધુણવાની આ પ્રક્રીયાને અનીવાર્ય ગણાવી છે. રજનીશના આશ્રમમાં ભક્તોની વચ્ચે રજનીશ બેઠા હોય ત્યારે વારાફરથી તેમના શીષ્યો તેમની આગળથી પસાર થાય. દુરથી નાચતા નાચતા આવે, હસે, તાળીઓ પાડે…. ધુણે અને રજનીશનો ચરણસ્પર્શ કરે…. રજનીશ આ સમગ્ર વર્તનને ‘કેથારસીસ” એટલે મનનો મળ–કચરો કાઢી નાંખવાની પ્રવૃત્તી ગણાવતા હતા. રજનીશના શીષ્યો ડૉક્ટરો, વકીલો, બુદ્ધીજીવીઓ…. ફીલ્મસ્ટારો… ગોરાઓ….. એમ તમામ સ્તરમાંથી આવતા હતા. વીદેશોમાં ભારતીય ગુરુઓ આગળ ધુણનારા વીદેશી ચેલાઓ વધતા જાય છે; કારણ ત્યાં માનસીક તનાવ આપણા કરતાં ઘણો વધારે છે. કોઈ માઈકલ જેકસનના તાલમાં નાચે છે… ધુણે છે….. કોઈ ડ્રગ્સ કે શરાબના નશામાં ધુણે છે…. તો કોઈ આધ્યાત્મની શોધમાં ધુણે છે. ધુણવું યુનીવર્સલ છે, આધુનીક છે, મર્યાદામાં આવશ્યક છે; પરન્તુ તેને વળગાડ કે દૈવીશક્તીનું સ્વરુપ માનવાની ભુલ કરવા જેવી નથી. વધારે પડતું ધુણ્યા કરવું માનસીક રોગ છે, જેની સારવાર જરુરી બને છે. માનસીક સ્વાથ્ય માટે ઈશ્વરના અસ્તીત્વને નાસ્તીક બની પડકારવાની બધાએ જરુર નથી. ધર્મમાં અન્ધશ્રદ્ધા રાખવી પણ જરુરી નથી અને ધુણવા પ્રત્યે અહોભાવ કે સુગનો ભાવ રાખવાની પણ જરુર નથી.  ધુણવું માનસીક સ્વાથ્ય માટે મર્યાદીતરુપે જરુરી છે જ !!?

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380 052 અને 1st Floor Karnavati Hospital Building, Opp Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006 સેલફોન : +91 74330 10101/ +91 84607 83522 વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/blog/ ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com

ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પુર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212, મુલ્ય : રુપીયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com

8 Comments

  1. અમારા ગામમાં એક બહેનને નીયમીત ધુણતાં જોયેલાં. જો કે એમને કોઈ માતાજી આવે એવું સાંભળ્યું ન હતું, અને એમના પ્રત્યે કોઈ ખાસ ધ્યાન પણ આપતું ન હતું અને કશો ઉપદ્રવ પણ તેઓ કરતાં નહીં એવું સ્મરણ છે, પણ ધુણવું માનસીક રીતે જરુરી છે એવી કશી ખબર ન હતી. એ આજે જ જાણવા મળ્યું. સરસ પોસ્ટ ગોવીન્દભાઈ આપનો તથા મૃગેશભાઈનો આભાર.

    Liked by 1 person

  2. ‘ધુણવું’ – માનસીક સ્વાથ્ય માટે જરુરી છે?
    –ડૉ. મૃગેશ વૈષ્ણવનો માનસિક રોગ ઉપર આપેલ ખુબ જ સુંદર અને સરળ ભાષામાં સમજાવેલ લેખ જેમાં માનસિક રીતે ત્રાહિત વ્યક્તિ કઈ રીતે મન-ચેતના દ્વારા એનો પ્રતિકાર કરે છે એ જાણ્યું.
    હજી પણ ગામડાઓમાં ખાસ કરીને દશામાં વ્રત કે નવરાત્રી જેવા તહેવારોમાં સ્ત્રી અને પુરુષ બંને ધૂણતા જોવા મળે છે. એ લોકોમાં તેમણે માનસિક બીમારી હોઈ પણ શકે અને નહિં પણ કારણકે, મોટાભાગે અન્ય લોકોને ધ્યાનાકર્ષિત કરવા માટે પણ તેઓ ધૂણતાં જોવા મળે છે. બીજું કે દેખાદેખી પણ તેઓ ધૂણતાં હોય છે. આમાં જેમણે ખરેખર માનસિક સારવારની જરુર છે એમની તરફ કોઈનું ધ્યાન નથી જતું.

    માનસિક બિમારી જેવા રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે એવા ઉમદા પ્રયાસો માટે લેખક ડૉ. મૃગેશ વૈષ્ણવ તથા ગોવિંદભાઈનો ખુબ ખુબ આભાર.

    Liked by 2 people

  3. નાનપણમાં એક અકળાયેલા સાસુ ધૂણવા લાગ્યા અને ડરી ગયેલી વહુ પગે પડતી જોઈ હતી. એ વખતે પણ રમુજી લાગ્યું હતું.
    સરયૂ પરીખ

    Liked by 1 person

  4. ‘ધુણવું’ – માનસીક સ્વાથ્ય માટે જરુરી છે? –ડૉ. મૃગેશ વૈષ્ણવનો સરળ ભાષામા માનસીક સ્વાથ્ય અંગે સમજાવતો લેખ
    ધન્યવાદ મા ગોવીન્દભાઈ આપને તથા ડૉ મૃગેશભાઈને .

    Liked by 1 person

  5. ઘુણવું , માનસીક સ્વાસથ્ય માટે જરુરી છે ?
    પહેલી વાર વાંચ્યું.
    આચાર્ય રજનીશે પણ પોતાના ચેલાઓને ઘુણાવેલાં. ‘ ઘુણવું ‘ અને આચાર્ય રજનીશ જેને ઘુણવું કહે છે તે બન્ને સરખાં ? આચાર્ય રજનીશ જેને ઘુણવું જરુરી કહે છે તેની પાછળનો તેમનો ઉદ્દેશ શું હોઇ શકે ? તેની પ્રક્રિયા કરવી હોય ? જે રીતે સાવિત્રી ઘુણતી તેવી ?
    માનસિક ‘ ઘ્યાન‘ મેળવવાની વાત છે ?..રજનીશજીની ? કે માનસિક ‘ ડીસ્ટરબન્સ ‘ મેળવવાની ? સાવિત્રીની જેમ ?
    માનસિક રોગોના ડોક્ટરો જ વઘુ પ્રકાશ પાડી શકે. સાવિત્રીની સારવાર કરવી જ પડે. રજનીશજીના ચેલાની નહિ.
    ભગત, ભૂઆ, સ્વામીજીઓ, જ્યોતીષો…વિ…વિ… બીઝનેસ કરે…
    રજનીશજીઅે પોતાના શબ્દ ‘ ઘુણવું ‘ ની વ્યાખ્યા તો કરી જ હશે.
    ભારતમાંની જ વાત કરીઅે.
    ડો. મૃગેશે લેખ સરસ, સમાજોપયોગી લખ્યો જ છે. તેમને અભિનંદન.
    સાવિત્રીના ઘુણવાની પ્રક્રિયાની વઘુ વિગત, ઊંડી વિગત વઘુ સમજ આપતે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. ધુણવું માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે એ પહેલીવાર વાંચવામાં આવ્યું.આ ને ર્ડા વૈષ્ણવે સમર્થન આપેલ છે એટલે શન્કા કરવાનું કારણ નથી.પરંતુ જે સ્ત્રીને
    ધુણતી આ લેખમાં બતાવવામાં આવેલ છે તે સ્વાસ્થ્ય માટે ધુણતી હોય તેમ લાગતું નથી.આચાર્ય રજનીશ ધુણવાની ક્રિયા કરાવતા તેની સરખામણી આની સાથે થઈ શકે નહીં.આ બેનના કિસ્સામાં તેમની દબાવી રાખેલ નેગે ટીવ ઈમોશન આરીતે બહાર આવવાનો પ્રયાસ કરેછે.જ્યારે જ્યારે નેગેટિવ ઈમોશન્સ જેવીકે ગુસ્સો,
    ઈર્ષા,નફરત વી.વી સબકોન્સિયસ મન માં ઉતરી જાય છે ત્યારે કોઈપણ સ્વરૂપમાં બહાર આવવાનો પ્રયત્ન કરેછે.જેવીકે હાઈ બ્લડ પ્રેશર,હિસ્ટીરિયા,એસિડિટી,
    હાર્ટ એટેક,ચક્કર આવવા સતત માથાનો દુખાવો રહેવો,ધુણવું વી.વી.પરંતુ આને સ્વેચ્છા પૂર્વકનો કેથ્રસીસ કહી શકાય નહીં.
    મેં સને 1973માં આચાર્ય રજનીશની એક શિબિર માઉન્ટ આબુમાં એટેન્ડ કરેલ.તેમની થિયરી પ્રમાણે તેઓ ડાયનેમિક મેડિટેશન કરાવતા જેમાં ભાગ લેનાર
    વ્યક્તિ જોર જોર થી ઝડપી સ્વાસોસાસ સાથે 15થી 20 મિનિટ સુધી કુદકા મારીને થકીને લોથ થઈ પડી જતા અને ચીસાચીસ,જોર થી રડવું,અટ્ટહાસ્ય કરવું
    વી.વી.ક્રિયાઓ સ્વાભાવિક પણે થતી જોવા મળતી.આને રજનીશજી કેથ્રસીસ કહેતા એટલે કે જે મનમાં દબાવી રાખેલ હોય તે સ્વયં બહાર આવવા લાગે અને
    પછી ભાગ લેનાર વ્યક્તિ પોતાને હળવો ફૂલ જેવો અનુભવે એની બાદમાં શાંત ચિત્તે બેસી મેડિટેશન કરે.મારા વાંચવામાં આવેલ છે કે ઘણા કિસ્સાઓમાં
    મનોચિકિત્સકો કોઈ ઇંજેશન આપીને દર્દીને કેથાર્સીસ કરાવે છે એટલે દબાવી રાખેલ લાગણીઓ આપોઆપ બહાર આવે.
    બાકી અંધશ્રદ્ધા,વ્હેમ,કે ધર્મની આડમાં ધુણતા લોકોનો મોટાભાગે ગેર ફાયદો ઉઠાવવાનો જ ઉદ્દેશ હોય છે.અને આને માતાજીને નામે ખપાવવામાં આવે છે.
    ડો મૃગેશભાઈ અને ગોવિંદભાઈને આ લેખ બ્લોગ ઉપર મુકવા બદલ ધન્યવાદ.મારા જાણવા પ્રમાણે રજનીશજી પોતે સાયકોલોજી એન્ડ ફિલોસોફીના વિદ્વાન
    વ્યક્તિ હતા એટલે તેમની રીતે ડાયનેમિક મેડિટેશનનો પ્રયોગ કરાવતા હશે
    રવિન્દ્ર ભોજક
    તા.8-10-21

    Liked by 1 person

  7. ખાસ કરીને હિન્દુ ધર્મમાં ધુણવું એ સામાન્ય બાબત બની ગઈ છે.૮૦% ભુવા-ભરાડા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી તેમનો પુરેપુરો ફાયદો ઉઠાવે છે અને લોકોને આર્થિક રીતે પાયમાલ કરે છે.અહીં તો કોઇપણ ‘ધુંણતી’ વ્યક્તિ ના તો મનની શાંતિ માટે કે ના તો માનસિક સ્વાસ્થ્ય માટે.બસ લોકોને ધર્મની આડમાં લઈ પોતાનો બિઝનેસ ચલાવે છે.બાકીના ૨૦% લોકો અસ્વસ્થ માનસિકતાને કારણે ધુંણતા હોય છે.મારા તે ૮૦%ને કાયદા દ્વારા ધુંણતા રોકવાની જરૂર છે અને ૨૦%લોકોને માનસિક ઉપચારની જરૂર છે.
    આવા ‘ધુંણતા’ લોકોમાં ના તો કોઈ માતાજી આવે છે કે ના તો કોઈ દૈવી શક્તિ.”અંધ્ધશ્રધા હટાવો દેશ બચાવો”

    Liked by 1 person

  8. મિત્રો,
    સુરતમાં અેક સંસ્થા છે જે અંઘશ્રઘ્ઘા નિવારણનું કર્મ કરે છે.
    આ પ્રકારની સંસ્થાઓ સમાજને ખૂબ મદદ કરી શકે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

Leave a comment