ક્રાંતીકારી વીચારક એમ. એન રોયે દહેરાદુનની જેલમાં એક બીલાડીનું બચ્ચું સાથે રમતાં રમતાં લખેલ ‘Memoirs of Cat’ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ ‘બીલાડીની આત્મકથા’ના વીચારપ્રેરક વાક્યો પ્રસ્તુત છે…
Memoirs of Cat Quotations
બીલાડીની આત્મકથાના વીચારપ્રેરક વાક્યો
–બીપીન શ્રોફ
ભારત દેશમાં બ્રીટીશ સરકારને લશ્કરી બળવો કરી, ઉથલાવી નાંખવના કાવતરા માટે ક્રાંતીકારી વીચારક એમ. એન રોયને 6 વર્ષની જેલની સજા 1931થી 1936 સુધી થઈ હતી. દહેરાદુનની જેલમાં તેમને એક બીલાડીનું બચ્ચું મળી ગયું. તેની સાથે રમતાં રમતાં તેના દ્વારા સાહીત્યની દૃષ્ટીએ જે લખાયું તે ‘Memoirs of Cat’ પુસ્તકરુપે અંગ્રેજીમાં પ્રકાશીત થયું હતુ. તેનું ગુજરાતી ભાષાંતર– ભાવાનુવાદ વીદ્યાનગર યુનીવર્સીટીના પ્રો. મહેન્દ્રભાઈ ચોટલીયાએ ‘સુરેશભાઈ પરીખ પુરસ્કૃત ક્રેસ્ટ એસોસીયેશન’ દ્વારા સને 1992માં કરવામાં આવ્યો હતો. તે પ્રકાશનને આશરે 30 વર્ષનો સમયગાળો થઈ ગયો. સદર પુસ્તકની કોપીઓ ઉપલબ્ધ નહોતી. ગુજરાતની રૅશનાલીસ્ટ ચળવળના સાથી, નવસારી સ્થીત અને ‘અભીવ્યક્તી’ બ્લૉગથી દેશ અને દુનીયાના ગુજરાતી જગતમાં સુપ્રસીદ્ધ ગોવીંદભાઈ મારુએ તેની ઈ–બુક બનાવી છે. ગોવીંદભાઈ મારુનો ખુબજ આભાર માનું છું.
હવે ચાલો! બીલાડીના બચ્ચાની મ્યાંઉ મ્યાંઉ સાંભળવા…
(1) જૈવીક રીતે ઉંચી કોટીના બધા જીવ એક સરખી રીતે જ જન્મે છે.
જયારે હું બે માસના ગર્ભરુપે મારી માના પેટમાં સુતી હતી ત્યારે મહાન કહેવાતી મનુષ્ય જાતીના એ જ ઉમ્મરના કોઈ પણ જીવ કરતાં જરાય નોખી નહોતી. તમારા મનુષ્યોના ગમે તેવા બડેંખાંઓના અને મારા પાયાના સર્જનમાં વાત તો અદ્દલ સરખી– માતાના અંડકોષ સાથે પીતાના શુક્રાણું આકસ્મીક મીલન. આમ મારી કાયા અને મનુષ્યની કાયા એક સરખી રીતે જ સર્જાઈ છે. બોલો, આ વાત પર તો તમારી બડાઈના ફુરચા ઉડી ગયા ને? હવે વૈજ્ઞાનીક ઢબની સરખામણી કરવા બેઠા જ છીએ તો મારા ડીલનાં હાડકે–હાડકાં અને સાંધે–સાંધાને માણસનાં હાડકાં–સાંધા જોડે સરખાવો. એમાં કોઈ ખાસ ગુણાત્મક ફેર દેખાતો નથી. અરે, શરમજનક રીતે ઢળેલા રહેતા મારા માથામાં ગોઠવાયેલા મગજને આધ્યાત્મીકતાના ડાયનેમો ગણાતા માણસના મગજની જોડાજોડ મુકો. જો તમે કદને ગણતરીમાં લેવાના ન હો તો તમે એ નહીં શકો કે કયા મગજનો માલીક ઈન્સાન છે અને કીયું દડબું મારું છે. (ઈ–બુક પાનું : 24)
(2) તમારો ઈશ્વર બે પગો જ શા માટે છે, તેની તમને ખબર છે?
તો વાત એમ બની કે આ સૃષ્ટીની સરજત કરનારે ઉંચી જાતના જીવોના શરીરમાં ચાર ટેકા મુક્યા હતા. જેથી હાલવા દોડવામાં સમતુલન રહે ને ઝાઝો ભાર પણ ઉપાડી શકાય; પણ આમાંથી કેટલાક સ્વાર્થી ખોપરીના જીવને દેવબાપાએ દીધેલ શરીર વ્યવસ્થામાં સળીસંચા કરવાની ઘુરી ચડી એટલે તેઓ ચાર ટેકાને બદલે બે ટેકા પર ઉભા થઈ ગયા. એના મનમાં સ્વાર્થ એવો થયો કે બે ટેકા પર રહી એ તો જલ્દી ઝાડ પર ચડી જવાય અને બાકીના બે ને વીંઝીને સારાં સારાં ફળ તોડી શકાય. કરતાં તો કરી નાંખ્યુ પણ પછી પેટમાં પાપ રાખીને, ચારમાંથી બે પગ પર આવી જઈને ઈશ્વરીય વ્યવસ્થાનો જે ભંગ કર્યો હતો તેની બીક લાગવા માંડી. અને કોઠાડાહ્યા પુર્વજોએ નાખુશ દેવાબાપાને રીઝવવા માટે તેમને પોતાના જેવા જ, એટલે કે બે પગા બનાવી દીધા. જોઈને કમાલ!
ભાઈ, તમારો ઈશ્વર તો એવો આસામી છે કે જે નથી એની ઓલાદને સમજી શકતો કે નથી એની પ્રજા એને સમજતી. મારે આવી જાતના ઈશ્વરની કાંઈ જરુર નથી. અમારો ઈશ્વરતો ભવ્ય, ચમકતો બીલાડો જ હોય કે જેના પર મારા જેવી ફુટડી બીલાડીઓ ઓવારી જતી હોય. (ઈ–બુક પાનું : 25)
(૩) ‘બીલાડી તો નઠારો જીવ છે’
‘બલાડું તો કોઈનાય શું કામમાં આવવાનું હતું?’ બોલો! આ સ્વાર્થી જીવો ઉપયોગીતાવાદ સીવાય બીજી કોઈ રીતે વીચારતા હોય એવું લાગે છે? અરે, હીન્દુઓએ તો કયાં પ્રાણીને અપવીત્ર ગણવાં તેનું લીસ્ટ પણ તૈયાર કર્યું છે! આવા સ્વાર્થી લોકોની સંસ્કૃતી આધ્યાત્મીક કહેવાય? હીન્દુનાં કીર્તીમંદીરોમાં ગાયને સ્થાન શા માટે મળ્યું? એ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઈતીહાસનો સવાલ છે. એનો જવાબ મારા જેવી ગમાર બીલાડીના ભેજામાં તો કેમ ઉતરે? પણ મને એટલી ખબર છે કે મધ્ય એશીયામાંથી અહીં આવેલા હીન્દુઓ ગોમાંસ ખાતા હતા. અહીં આવીને ખેતી ચાલુ કરી એટલે ઝબકારો થયો કે માંસ સાટુ ગાય વધેરી નાંખીશું તો ખેડ કેમની થશે? એટલે પછી ગાયને ‘દૈવી’ પ્રાણી તરીકે જાહેર કરીને તેને ‘માતા’નું બીરુદ આપી દીધું. અણઘડ માણસોને ધર્મનું ઓઠું આપો તો જ સમજ પડવાની. ખેર, ગાયને ખાટકીના છરાથી મુક્તી એટલા માટે મળી કે જેથી જીંદગીભર વેતર જણે રાખે, માણસની ગુલામી કરે અને પોતાના વહાલસોયા સંતાનોને માણસની લાલસા પુરી કરવા માટે ન્યોચ્છાવર કરી દે. ‘દૈવી માતા’ જેવો શરપાવ કંઈ મફત ઓછો મળે છે? (ઈ–બુક પાનું : 27–28)
(4) ‘હીન્દુઓ મને ધીક્કારે છે કારણકે અમે માંસાહારી છીએ.’
જયારે હું મારા શીકાર પર ઝપટ મારું છું ત્યારે મારો હીન્દુ પાડોશી મારી સામે એવી રીતે જુએ છે કે જાણે હું એના ભગવાને બનાવેલી આ નીર્મળ દુનીયાને અપવીત્ર કરવા ન નીકળી હોઉં! મારી લાકડા જેવી દલીલ તો એ છે કે જો કોઈ ધર્મ અમુક જાતનું માંસ ભક્ષણ વ્યાજબી ગણે તો બીજી કોઈ પણ જાતના માંસભક્ષણનો નીષેધ કરી જ કેમ શકે? ગાયનું માંસ બકરીના માંસથી જુદુ કેવી રીતે પડે છે, બોલો?
હે ભારતવાસીઓ, આ નાચીજ બીલાડીના મ્યાઉંને સાંભળો : વધારે માંસ ખાઓ; કારણકે તે જ તમારા આત્માને મોક્ષ લગી પહોંચવાનું ઈંધણ આપશે.
મારા દેશબાંધવો, મારા જીવનમાંથી કમસે કમ એટલું તો શીખો કે માંસાહારી પ્રાણીને ક્યારેય ગુલામ બનાવી શકતાં નથી. (ઈ–બુક પાનું : 29–30)
(5) ધર્મ એટલે શું?
‘ધર્મ એટલે એવો વ્યવહાર કે જેના થકી પરમ સત્ય–પરમાત્માનાં દર્શન થાય.’ આ વ્યાખ્યા સીર્ફ હીન્દુલોકની નથી; પણ બધા જ ધર્મના ઝંડાધારી લોકલાડીલા ગાંધીબાપુએ આપેલી છે. આમાંથી એક નવો, અર્થહીન શબ્દ મળી આવે છે : પરમાત્મા. પરમાત્મા કેવા હોય તેની કોઈને ખબર નથી. પરમાત્મા તો માણસની કપોળ કલ્પના સરજત છે. અમુક પ્રકારના જપ–તપ–વ્રતથી આવા કાલ્પનીક તત્ત્વની ઝાંખી થશે એમ કેવી રીતે કહી શકાય? પણ ધાર્મીક ગળથુથીવાળાં માનવપ્રાણીઓ ‘ધર્મગ્રંથના આદેશોનું પાલન કરો. બધયું જ સમુસુતરું થઈ રહેશે’ એવા શબ્દોની જોહુકમીને માથા પર ચડાવે છે. (ઈ–બુક પાનું : 31)
(6) ‘સત્ય એટલે શું?’
‘સત્ય’ નામના શબ્દનો ત્રાસ કંઈ ઓછો નથી. જયારે મારુ પેટ ખેંચાવા લાગે ત્યારે ભુખ એ એક નીર્ભેળ સત્ય હોય છે. એવે સમે જો ક્યાંય દુધનો કટોરો નજરે ચડી જાય તો હું તે મીલકતના માલીકને પુછ્યા વગર જ કટોરો ચકચકતો કરી નાંખું છું. માલીકને વીનંતી કરવાનો કોઈ અર્થ જ નહીં મળે. કારણ કે બીજું સત્ય એ છે કે પોતાને ઉપયોગી ન હોય તેવા, ભુખથી ટળવળતા, કોઈ પ્રાણીના પેટને ઠારવા માટે માણસ કદાપી પોતાના એક ટંકના ભોજનનું પણ બલીદાન નહીં આપે. છતાં પણ આ લોકો મારા પર નૈતીક અધ:પતન અને ચોરીનું આળ ચડાવે છે; પરંતુ તમે ક્યારેય એ વીચારવાની તસ્દી લીધી છે કે આ ‘અધમ કૃત્ય’ એ બે સત્યોના સરવાળા થકી પેદા થતી કટોકટીનું ફરજંદ છે? સત્યના આવા આટાપાટામાંથી મારગ કાઢવા માણસોએ કેટલાંક નૈતીક મુલ્યો ખોળી કાઢયાં છે. તેઓ મને ‘દૈહીક તૃષ્ણા પર નીયંત્રણ’નો ઉપદેશ આપશે કે જેથી હું ભુખી હોઉં ત્યારે પણ ચોરી કરવાની લાલચ રોકી શકું; પણ મને ચોખ્ખું દેખાય છે કે તેની પાછળ માણસનો ઈરાદો મને પાપમાંથી ઉગારી લેવાનો નહીં પણ પોતાની માલીકીના દુધને સલામત રાખવાનો છે.
મારા મહેરબાનો! જો ભુખ લાગે ત્યારે ખાઈ લેવું એ પાપ કર્મ ગણાતું હોય તો ભગવાને અમને પેટ આપ્યું જ નહોત. ભુખ તો ઈશ્વરદત્ત છે, તેને તૃપ્ત કરવી એટલે ઈશ્વરના કાનુનનું પાલન કરવું.
જગતના તાતે રચેલા કુદરતી નીયમોને નેવે મુકી દઈને આ અહંકારી જીવડાઓ નવી દુનીયા બનાવવા માંગે છે. પોતાની માલીકીના બે પૈસાના દુધને બચાવવા આ માનવજમાત ઈશ્વર સુધ્ધાંને વેચી ખાય તેમ છે! (ઈ–બુક પાનું : 32)
(8) ચાલો! થોડી મીમાંસા પ્રેમ અને બ્રહ્મચર્ય અંગે પણ વાત કરી લઈએ!
ઉચ્ચ પ્રકારના જીવોમાં જાતીય આકર્ષણ એ કુદરતી લક્ષણ છે. માણસે પોતાની ભાષાનો (ગેર)ઉપયોગ કરીને એક રુપકડો શબ્દ ખોળી કાઢયો – પ્રેમ. પછી તો ગમે તેવી કાલ્પનીક લાગણીઓ માટેય આ શબ્દ ફેંકાવા લાગ્યો. આ મુર્ખાઈ એટલી હદે વકરી પડી કે પ્રેમને આધ્યાત્મીક સંવેદના સાથે લાગુ પાડી દેવામાં આવ્યો. અને ત્યાં સુધી કે જાતીયતા સાથેનો તેનો મુળ અર્થ કરવો એટલે આ શબ્દને નાપાક કરવો. આવું જુઠાણું અને દંભ આ કુદરતી લાગણીને માથે સવાર થઈ ગયાં. ખલ્લાસ! કુદરતી જાતીય આવેગ માટે માણસ શરમ અનુભવવા માંડ્યો. જીવનનો સહજ આનન્દ શબ્દની હલકટ રમતને કારણે છુ થઈ ગયો.
બ્રહ્મચર્ય અંગે– શબ્દના આ શયતાનોએ દંભને વ્યાજબી ઠેરવવા એક ઓર કીમીયો કર્યો. ‘બ્રહ્મચર્ય’ નામના શબ્દની શોધ કરી નાંખી! જો કોઈ વ્યક્તી બ્રહ્મચર્ય પાળી ન શકે તો તેને આધ્યાત્મીક દલ્લો મળતો જ નથી એવી જાહેરાત કરવામાં આવી. બીચ્ચારો માણસ! દેખીતી રીતે જ એ કુદરત સામેની લડત હારી જવાનો. પછી દંભ અને જુઠાણાનો આશરો લઈને ખોટું જીવન જીવ્યે રાખવાનો. આ પામર જીવ શબ્દોની સરમુખત્યારી સામે નીચી મુંડી કરી દે છે. ભલા માણસ, જો તમે દેહ રચના વીશે તલભારેય જાણતા હો તો તમને ખબર હશે કે અમુક હદ સુધીનો જાતીય વ્યવહાર કોઈ રીતે નુકશાન કારક નથી; ઉલટાનો તે જરુરી છે. જાતીય ક્રીયામાં શરીરમાંથી બહાર ફેંકાતું દ્રવ્ય કોઈ અસાધારણ વીકાસમાં કામ આવતું નથી. જો તેને બહાર કાઢવામાં ન આવે તો શારીરીક નુકશાન થઈ શકે. જો કામના આવેગને દબાવી દેવામાં આવે તો મનોવીકૃતીઓ પેદા થાય. જોયું! ‘પ્રેમ’ અને ‘બ્રહ્મચર્ય’ના ફાંસલામાં કેવો ઝલાઈ ગયો છે આ ભાષા જીવ! (ઈ–બુક પાનું : 34–35)
(8) હીન્દુવાદ તો સામાજીક ગુલામીની વીચારધારા છે.
દરેક ધર્મ એવું કાવતરુ ગોઠવી પાડે છે કે જેથી આમપ્રજાને આધ્યાત્મીક અંધારામાં રાખીને તેઓ પાસેથી ઉચ્ચવર્ગની સેવા કરાવી શકાય. આ બીચારી જનતા એવી ભોળવાય જાય કે તે સ્વેચ્છાથી જ સેવા કરે, શંકા ના ઉઠાવે અને માનવા લાગે કે આપણે તો ગયા ભવના પાપમાંથી છુટકારો મેળવવા આ આકરી તાપણી તપીએ છીએ. તેઓને શ્રદ્ધાના ખોળામાં સુવડાવી દેવામાં આવતા, જેથી તેઓ જ્ઞાન–જીજ્ઞાસાથી હેરાન ન થાય. અજ્ઞાનના વરદાનના બદલામાં તેઓ બૌદ્ધીક સ્વાતંત્ર્ય ન્યોચ્છાવર કરી દેતા. (ઈ–બુક પાનું : 45–46)
(9) જ્યોતીષ અંગે!
મારાં માબાપ ખુબ જ શાણાં હતાં એટલે તેઓ જ્યોતીષમાં માનતાં નહોતાં. તેથી મારી જન્મકુંડળી કઢાવી નહોતી. આકાશમાં લટકતા–ઘુમતા જાતભાતના ગોળાઓ ટચુકડી ધરતી પર સરકતા જીવોની જીંદગી પર અસર કરે છે તે માન્યતા માણસનો નકરો વહેમ જ છે. અમે પશુઓ આધ્યાત્મીક કહેવાય તેવા તર્કવીતર્કો કરી શકતાં નથી. આનો ફાયદો એ કે આથી અમારામાં ચીત્ર–વીચીત્ર વહેમો ઘુસી જતા નથી. પૃથ્વી પરના જીવોની જીંદગી પ્રપંચી પંડીતોએ ચીતરેલાં ચોકઠાં – કુંડાળા પ્રમાણે ચાલતી નથી. શ્રદ્ધાની ગેરહાજરી એ ખરેખર તો આત્માની આઝાદીની નીશાની છે. (ઈ–બુક પાનું : 49)
‘નીરીક્ષક’ પખવાડીકના અમારા વડીલ સાથી પ્રકાશ ન. શાહ સાથે આ ઈ.બુક અંગે વાત કરતાં તેમના લાક્ષણીક હાસ્ય સાથે એક બમ્પર નીકળ્યો. ગોવીંદ મારુના શ્રેષ્ઠ પસંદ કરેલ બૌદ્ધીક ‘ઈ–બુક્સ’ ખજાનામાંથી સાલુ! આ બીલાડીના બચોળીયાની માફક ક્યારે શું નીકળી મારા–તમારા ખોળામાં આવીને બેસી જાય તે કહેવાય નહીં! મારી મુબારક તેમને ખાસ કહેજો.
ખાસ નોંધ : ‘બીલાડીની આત્મકથા’ ઈ–બુક આજે પ્રગટ કરવામાં આવી છે. તે ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.files.wordpress.com/2021/12/ebook_54_mahendra_a_chotaliya_bilaadini_aatmakthaa_2021-12-13.pdf
–બીપીન શ્રોફ
‘બીલાડીની આત્મકથા’ પુસ્તકના પ્રકાશકશ્રી અને ‘ઈ.બુક’ માટે આ પોસ્ટના લેખકશ્રીના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : બીપીન શ્રોફ, તન્ત્રી, ‘વૈશ્વીક માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 ઈ–મેલ : shroffbipin@gmail.com બ્લૉગ : http://bipinshroff.blogspot.com/
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 13–12–2021
ક્રાંતીકારી વીચારક એમ. એન રોયને ૬ વર્ષની જેલની સજા 1931થી 1936 સુધી થઈ હતી. દહેરાદુનની જેલમાં તેમને એક બીલાડીનું બચ્ચું મળી ગયું. તેની સાથે રમતાં રમતાં તેના દ્વારા સાહીત્યની દૃષ્ટીએ જે લખાયું તે ‘Memoirs of Cat’મા વિચારવમળ કરે તેવા વિચારો ખાસ કરીને–જૈવીક રીતે ઉંચી કોટીના બધા જીવ એક સરખી રીતે જ જન્મે છે ,તમારો ઈશ્વર બે પગો જ શા માટે છે, તેની તમને ખબર છે? ,‘બીલાડી તો નઠારો જીવ છે’,‘હીન્દુઓ મને ધીક્કારે છે કારણકે અમે માંસાહારી છીએ.’,ધર્મ એટલે શું? ,,પ્રેમ અને બ્રહ્મચર્ય,‘સત્ય એટલે શું?’,હીન્દુવાદ તો સામાજીક ગુલામીની વીચારધારા છે.,આ અંગે ઠગ લોકો જ્ર રીતે સમાજને છેતરવામા પ્રયોગ કરે છે તે અંગે સટિક વાતો બીજી તરફ તેના પ્રેરણાદાયી વિચારો સંત સચ્ચિદાનંદનજી જેવા સંતો આ વાતોના ન કેવળ જ્ઞાનલક્ષી છે પણ અનુભવલક્ષી હોય છે તેથી આવા એક તરફી વિચારો સાથે સંતોના હકારાત્મક,: નિશ્ચિત, સ્પષ્ટ, નિશ્ચાત્મક, અસંદિગ્ધ, વિદ્યેયાત્મક વિચારોનુ પણ ચિંતન કર્વુ જોઇએ.
LikeLiked by 1 person
ગમ્યું.
ક્રાંતિકારી રોયને બીલાડીનું બચ્ચુ મળી ગયું. અને જેલવાસ દરમ્યાન તેમને પોતાના વિચારો જેલ બહાર ભારતીયોને પહોંચાડવા હતાં
તેમને અેક સુંદર, નવીનતમ વાહન મળી ગયું…બીલાડીનું બચ્ચુ…
બિપીનભાઇ શ્રોફજીઅે રોય સાહેબના વિચારો, જે બીલાડીના બચ્ચાના વાહને લખાયા હતાં તેનું ભાષાંતર કર્યું. રોય સાહેબના વિચારોને ગુજરાતી ભાષામાં ભાવાનુવાદના સ્વરુપે લખ્યા.
સુંદર, લોકાભિમુખ કર્મ કર્યું છે.
સત્ય તો અે છે કે ૧૯૩૧ થી ૧૯૩૬ના વરસોમાં ભારતના સામાન્ય નાગરિકો પાસે આ વૈજ્ઞાનીક જ્ઞાન પણ ન્હોતું. રોય સાહેબે જ્ઞાનપ્રદાન કરેલું કહેવાય જેને ભાવાનુવાદના સ્વરુપે લોકો સમક્ષ પહોંચાડવામાં આજે ગોવિંદભાઇઅે પોતાનો ફાળો આપ્યો છે.
સર્વેને હાર્દિક અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
BENGAL has produced numerous remarkable and talented individuals for India and the world. M. N. Roy was one of them. Most of his views were based on science but were neglected by the public of his time (around 1925) because the general public did not have enough education of modern science at that time.
With the progress of science today, we must look very closely at the thoughts of such great men as MN ROY. Can you imagine an Indian 100 years ago who met Stalin in those days, opposed him and survived to travel all over the world? He is still remembered by some people even in Mexico !
My hearty congratulations to Shri Bipin Shroff and Govindbhai for bringing this man and his ideas to light. Please continue.
Thanks. — Subodh Shah, USA.
LikeLiked by 1 person
Very interesting! A beautiful satire in a lighter vein by a profound thinker, revolutionary and ardent rationalist, none other than Manvendra Nath Roy, who had been mentor to many contemporary scholars.
Many thanks to you and Sri Bipinbhai for bringing this beautiful piece to light.
LikeLiked by 1 person