આંબેડકરના સન્માન, આંબેડકરના અવમાન

ડૉ. બાબાસાહેબ આંબેડકર એટલે શું પુતળાં, સ્મારકો, છબીઓ, જય ભીમના નારા અને નવા જમાનાની ‘ભીમ (BHARAT INTERFACE FOR MONEY) એપ’ છે? શું રાજકીય પક્ષો અને બહુમતી બહુજન સમાજ બાબાસાહેબના વૈચારીક વારસાના લેવાલના છે? બાબાસાહેબના આસાન ભૌતીક વારસાની લુંટાલુંટ અને તેમના તેજસ્વી પણ અમલમાં અઘરા વીચારવારસાથી દુર રહેવાનું વલણ શું છે?

આંબેડકરના સન્માન, આંબેડકરના અવમાન

– ચંદુ મહેરીયા

ભારતીય બંધારણના અનન્ય ઘડવૈયા અને દલીત મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકર વ્યક્તીપુજાના સખત વીરોધી હતા. 1943માં સમાજ સુધારક મહાદેવ ગોવીંદ રાનડેના 101મા જન્મમદીને આપેલ ‘રાનડે, ગાંધી અને જીન્હા’ વ્યાખ્યાનમાં તેમણે વ્યક્તી અને વ્યક્તીપુજા વીશે પોતાના વીચારો વ્યક્ત કર્યા હતા; પરન્તુ આજે ભારતમાં સૌથી વધુ પ્રતીમાઓ ડૉ. આંબેડકરની જોવા મળે છે. બાબાસાહેબની જન્મજયંતી (14મી એપ્રીલ) અને નીર્વાણ દીન (6ઠ્ઠી ડીસેમ્બર)ના રોજ મહાનગરો, નગરો, કસબાઓ અને જાહેર ચોક–પાર્કમાં આવેલી તેમની પ્રતીમા અને અન્ય સ્મૃતીસ્થળોએ લાખો દલીતો એકઠા થાય છે. વ્યક્તીપુજાના વીરોધી ડૉ. આંબેડકરની આ વ્યક્તીપુજા છે એમ કહી તેની ટીકા કરનારા એ વાતે મૌન હોય છે કે દેશમાં કેમ સૌથી વધુ પ્રતીમાઓ પણ બાબાસાહેબની જ ખંડીત કરવામાં આવે છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની હયાતીમાં જે માનના તેઓ હકદાર હતા તે પણ આપવામાં આવ્યું નહોતું. સંવીધાન નીર્માણના અદ્વીતીય કાર્ય માટે તેમને ‘આધુનીક મનુ’ તો ગણવામાં આવે છે; પરન્તુ સંવીધાન સભામાં તેમના પ્રવેશના તમામ રસ્તા કોંગ્રેસે બંધ કરી દીધા હતા. તે હકીકતને ભુલાવી દેવાય છે. પંડીત નહેરુના વડાપ્રધાન પદ હેઠળના કોંગ્રેસના પ્રધાનમંડળમાં કોંગ્રેસના આજીવન વીરોધી રહેલા વીપક્ષના નેતા ડૉ. આંબેડકરને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે બાબાસાહેબ જેને ‘વૃદ્ધ વકીલો માટેનું કેરમ બોર્ડ’ ગણતા તેવા કાયદા ખાતાના પ્રધાન તેમને બનાવાયા હતા. કાયદા મંત્રી તરીકે તેમણે બંધારણના કાર્ય જેટલું જ અગત્યનું કાર્ય ‘હીંદુ કોડ બીલ’ના ઘડતરનું કર્યું હતું; પરન્તુ રુઢીવાદીઓના વીરોધના કારણે તે બીલ પસાર ન થઈ શક્યું એટલે તેના વીરોધમાં બાબાસાહેબે પ્રધાનપદેથી રાજીનામુ આપ્યું. એ સમયે કરેલા નીવેદનમાં તેમણે જણાવ્યું હતું તેમ ભણતર અને અનુભવને યોગ્ય એવા, આયોજન, શ્રમ અને જાહેર બાંધકામ વીભાગના પ્રધાન તો તેમને ન બનાવ્યા; પણ વડાપ્રધાને કદી કોઈ પ્રધાનની ગેરહાજરીમાં તેના ખાતાનો ચાર્જ પણ આપ્યો નહોતો!

આઝાદી બાદના ત્રણેક દાયકા સુધી દેશમાં કોંગ્રેસનું એકચક્રી રાજ હતું. એ દરમીયાન કોંગ્રેસના ત્રીજી હરોળના નેતાઓને પણ પદ્મશ્રી અને બીજા નાગરીક સન્માનો આપવામાં આવ્યા હતા; પરન્તુ ડૉ. આંબેડકરને બાકાત રાખવામાં આવ્યા હતા. ઈન્દીરાઈ કટોકટી પછીની, બીજી આઝાદીની, પહેલી બીનકોંગ્રેસી સરકારે નહીં પણ બહુજન રાજનીતી બળવત્તર બની રહ્યાના અણસાર પછી 1991માં, ડૉ. આંબેડકરને દેશનું સર્વોચ્ચ નાગરીક સન્માન ‘ભારતરત્ન’ મરણોત્તર આપવામાં આવ્યું હતું! સંસદીય લોકશાહીના બાબાસાહેબ તરફ્દાર હતા; પરન્તુ ચુંટણી જીતીને તેઓ કદી લોકસભાના સભ્ય બની શક્યા નહીં. 1952ની પ્રથમ લોકસભા ચુંટણી મુમ્બઈમાંથી અને 1954ની પેટાચુંટણી ભંડારામાંથી તેઓ કોંગ્રેસી ઉમેદવારો સામે હાર્યા હતા. આજે મુમ્બઈમાં સાડાચારસો ફુટનું અને આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીમાં સવાસો ફુટનું ડૉ. આંબેડકરનું પુતળુ મુકવાની વાતો હવામાં છે પણ સ્વાતંત્ર્યના ચાળીસ વરસો બાદ 1989માં સંસદના સેન્ટ્રલ હોલમાં તેમનું તૈલ ચીત્ર મુકવામાં આવ્યું હતું.

અમેરીકાની કોલંબીયા યુનીવર્સીટીમાં પીએચ.ડી. થયેલા ડૉ. આંબેડકરને, કોલંબીયા યુનીવર્સીંટીએ, 2004માં તેની સ્થાપનાના બસોમાં વરસની સ્મૃતીમાં, તેના સર્વશ્રેષ્ઠ સો વીધાર્થીઓની યાદી, ‘કોલંબીયન અહેડસ ઑફ ધેર ટાઈમ્સ’માં પ્રથમ સ્થાન આપી બહુમાન કર્યું હતું. તેમને આધુનીક ભારતના નીર્માતા તરીકે બીરદાવ્યા હતા; પરન્તુ હૈદરાબાદની ઓસ્માનીયા યુનીવર્સીટી સીવાય દેશની એક પણ યુનીવર્સીટીએ બાબાસાહેબને પીએચ. ડી.નું માનદ્ સન્માન આપ્યું નથી! મહારાષ્ટ્રના  શૈક્ષણીક પછાત મરાઠાવાડા વીસ્તારમાં બાબાસાહેબે જ સૌ પ્રથમ વખત ઉચ્ચ શીક્ષણની સંસ્થાઓ સ્થાપી શીક્ષણની જ્યોત પ્રજવલીત કરી હતી; પરન્તુ મરાઠાવાડાની શીક્ષણ શલ્યા જેમના સ્પર્શે અહલ્યા થઈ હતી તે ડૉ. આંબેડકરનું નામ ઔરંગાબાદની મરાઠાવાડા યુનીવર્સીટી સાથે જોડવામાં આવ્યું ત્યારે તેના વીરોધમાં આખા રાજ્યમાં હીંસક રમખાણો થયા હતા. લાંબા સમયની સમજાવટ પછી મરાઠાવાડા વીશ્વ વીધ્યાલયનો નામપલટો થઈ શક્યો હતો. આજે ભારતની ડઝનેક યુનીવર્સીટીઓ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ જોડી શકાયું છે. તે સન્માન આશ્વસ્ત કરે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઉપેક્ષા અને અવમાનનાં ભારતના સર્વ ક્ષેત્રોમાં થતી હતી. ગાંધીજીના જીવનમાંથી, ખાસ તો તેમના અસ્પૃશ્યોના પ્રશ્ને આલોચક રહેલા, ડૉ. આંબેડકરની  બાદબાકી થઈ શકે નહીં; પરન્તુ ગાંધીજીના જીવનને આલેખતી રીચર્ડ એટનબરોની બોલીવુડ ફીલ્મ ‘ગાંધી’માં ડૉ. આંબેડકરનો ઉલ્લેખ સુધ્ધાં નથી. 2000ના વરસની જબ્બાર પટેલની આંબેડકર વીશેની ફીલ્મ સહીત આજે તો મરાઠી, તમીલ, કન્નડ અને હીંદી ભાષામાં આંબેડકર વીષયક ફીલ્મો અને ટી.વી. ધારાવાહીકો બની છે. પરન્તુ દલીત કેન્દ્રી હીંદી ફીલ્મોની પૃષ્ઠભુમાં પણ ડૉ. આંબેડકરની છબી ન દેખાડવા જેટલી તેમના પ્રત્યેની આભડછેટ બોલીવુડે વરસો સુધી પાળી હતી. હીંદી ફીલ્મોના અભ્યાસીઓના મત મુજબ શાયદ પહેલીવાર 1985માં જે. ઓમ પ્રકાશ દીગ્દર્શીત હીંદી ફીલ્મ ‘આખીર ક્યોં?”ના બ્રેકગ્રાઉન્ડમાં ડૉ. આંબેડકરની તસવીર  દેખાઈ હતી.

દલીત રાજનીતીના જનક બાબાસાહેબ આંબેડકરના ભૌતીક વારસાની ઝુંટાઝુંટ હવે કેન્દ્ર અને રાજ્યોની સરકારો દલીત વોટ બેન્કને રાજી રાખવા કરી રહી છે. 2003માં મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારે ઈન્દોર જીલ્લાના આંબેડકર જન્મ સ્થળ મહુ (મીલીટરી હેડ ક્વાર્ટસ ઑફ વોર)નું નામ બદલીને આંબેડકરનગર કર્યું હતું. તો હાલની કેન્દ્રની ભાજપા સરકારે તેના તાબામાં આવતા મહુના રેલવે સ્ટેશનનું નામ આંબેડકરનગર કરી દીધું છે. રામનામને વરેલી ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ સરકારી રેકર્ડ અને શાળાના પાઠયપુસ્તકોમાં બાબાસાહેબનું નામ ‘ભીમરાવ રામજી આંબેડકર’ જ લખવાનો આદેશ કર્યો છે. છત્તીસગઢની હાલની કોંગ્રેસ સરકારે અગાઉની બીજેપી સરકારની પંડીત દીનદયાલ સર્વસમાજ માંગલીક ભવન યોજનાના નામમાંથી દીનદયાલનું નામ કાઢીને આંબેડકરનું નામ જોડી દીધું છે.

ગુજરાત સરકારે સમાજ કલ્યાણ ખાતાની સઘળી સરકારી યોજનાઓ સાથે માત્ર બાબાસાહેબનું જ નહીં તેમના આખા કુંટુબના સભ્યોના નામો જોડી દીધા છે. પરન્તુ જે આંબેડકરના ત્રીમંત્રમાં પહેલું સ્થાન શીક્ષણનું છે, તેમનું નામ રાજ્યની રાજધાની ગાંધીનગરની એકેય સરકારી શાળા સાથે ન જોડવાની કાળજી લીધી છે. ગુજરાતની બીજેપી સરકારના મહીલા શીક્ષણ મંત્રીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની સરકારી શાળાના નવા નામકરણ કર્યા ત્યારે પાટનગર સાથે ગાંધીજીનું અને સચીવાલય સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હોવા છતાં તેમના નામ સરકારી શાળાઓ સાથે જોડ્યા છે. અરે ગાંધીનગરમાં રાણા પ્રતાપના નામની સરકારી શાળા છે પણ ડૉ. આંબેડકરના નામની નથી! મહીલા શીક્ષણ મંત્રીના અનુગામી દલીત શીક્ષણ મંત્રી પણ તેમાં કોઈ સુધારો કરી શક્યા નહીં. ગુજરાતમાં કામધેનુ યુનીવર્સીટી છે પણ સામાજીક ન્યાય યુનીવર્સીટી નથી!

ગાંધીનગરના જાહેર માર્ગો સાથે ઈન્દીરા ગાંધી અને વીવેકાનંદનું નામ છે (કોંગ્રેસ–ભાજપનું સહીયારું!) પણ ડૉ. આંબેડકરના નામનો જાહેર નહીં આંતરીક માર્ગ પણ નથી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વીભાગે તા. 21.10.1992ના ઠરાવથી સરકારી કચેરીઓ, મકાનો, શાળાઓ કે પોલીસથાણામાં કયા રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શીત કરવી તેનો હુકમ કરતી યાદી નક્કી કરી હતી. તેમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના નામો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તારુઢ થઈ ત્યારે તા. 28.06.1996ના ઠરાવથી ત્રણ રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં બીજેપીની રાજકીય વીચારધારાને અનુરુપ ભારત માતા, પંડીત દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નામો ઉમેર્યા હતા; પરન્તુ રાષ્ટ્રીય નેતાઓની આ યાદીમાં ડૉ. આંબેડકરનું નામ ઉમેરવાની બહુજન સમાજની માંગણી સરકારે લેખીતમાં નકારી છે. દલીત કર્મશીલ કીરીટ રાઠોડ જોગના સામાન્ય વહીવટ વીભાગના તા. 21.01.2021ના પત્રમાં જણાવ્યું છે કે, ‘સરકારશ્રી દ્વારા સક્રીય વીચારણાના અંતે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શીત કરવા અંગેની પ્રવર્તમાન સુચનાઓ યથાવત રાખવાનો નીર્ણય લેવામાં આવેલ હોઈ આપની રજુઆત (ડૉ. આંબેડકરને રાષ્ટ્રીય નેતા ગણવા) ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.’

ડૉ. આંબેડકર એટલે માત્ર પુતળાં, સ્મારકો, છબીઓ, જય ભીમના નારા અને નવા જમાનાની ‘ભીમ (BHARAT INTERFACE FOR MONEY) એપ’ નહીં. પરન્તુ ડૉ. આંબેડકર એટલે સમાનતા અને ભાઈચારાની વીચારધારા. આભડછેટનું જ નહીં જ્ઞાતીનું નીર્મુલન, ભુમીસુધાર, જાહેર સેવાઓનું રાષ્ટ્રીયકરણ, સાર્વજનીક, મફત, ગુણવતાયુક્ત શીક્ષણ અને આરોગ્ય, આત્મસન્માન સાથેનું જીવન એ આંબેડકર વીચારના થોડા પ્રાણતત્ત્વો ગણાવી શકાય. પરન્તુ રાજકીય પક્ષો જ નહીં બહુમતી બહુજન સમાજ પણ તેમના આ વૈચારીક વારસાના લેવાલ નથી. બાબાસાહેબના આસાન ભૌતીક વારસાની લુંટાલુંટ અને તેમના તેજસ્વી પણ અમલમાં અઘરા વીચારવારસાથી દુર રહેવાનું વલણ તે ખરું ભીમરુદન છે.

(વીડીયો સૌજન્ય : ZEE NEWS)

લેખક સમ્પર્ક : શ્રી. ચંદુ મહેરીયા, નીરાંત, 1416/1, સેકટર 2બી, ગાંધીનગર – 382007 સેલફોન :  98246 80410 ઈ.મેલ : maheriyachandu@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14–04–2022

6 Comments

  1. Very impressive informative article … Dr. Ambedkar deserves recognition for his nobility and contribution for our nation! Thanks for bringing it up 😇

    Liked by 2 people

  2. I read entire article by Chandu Maheriya. It has been written from Chandubhai’s heart. One feels that at times great people’s contribution is purposely ignored because there is a threat of loosing election. But I personally think and it should be thought by the people that whatever differences one may have but truth has to be respected. This article will certainly make the readers disturb from within and the politicians that they will feel guilty. I am sure.

    Liked by 3 people

  3. .

    ડૉ. આંબેડકર એટલે સમાનતા અને ભાઈચારાની વીચારધારા. આભડછેટનું જ નહીં જ્ઞાતીનું નીર્મુલન, ભુમીસુધાર, જાહેર સેવાઓનું રાષ્ટ્રીયકરણ, સાર્વજનીક, મફત, ગુણવતાયુક્ત શીક્ષણ અને આરોગ્ય, આત્મસન્માન સાથેનું જીવન એ આંબેડકર વીચારના થોડા પ્રાણતત્ત્વો ગણાવી શકાય.

    પરન્તુ રાજકીય પક્ષો જ નહીં બહુમતી બહુજન સમાજ પણ તેમના આ વૈચારીક વારસાના લેવાલ નથી.

    બાબાસાહેબના આસાન ભૌતીક વારસાની લુંટાલુંટ અને તેમના તેજસ્વી પણ અમલમાં અઘરા વીચારવારસાથી દુર રહેવાનું વલણ તે ખરું ભીમરુદન છે.

    આ નોંધમાં બધુ આવી જાય છે.

    ..  વી.કે. વોરા…

    .

    Liked by 4 people

  4. “રાજકીય પક્ષો જ નહીં બહુમતી બહુજન સમાજ પણ તેમના આ વૈચારીક વારસાના લેવાલ નથી.”

    Liked by 2 people

  5. શ્રી ચંદુ મહેરીયા નો આંબેડકરના સન્માન, આંબેડકરના અવમાન અંગે અભ્યાસપુર્ણ લેખ
    પ્રખર રૅશનાલીસ્ટ VKvora Vora ની ડૉ. આંબેડકર અંગે સાર જેવી સ રસ વાત કહી
    ડૉ. આંબેડકર એટલે સમાનતા અને ભાઈચારાની વીચારધારા. આભડછેટનું જ નહીં જ્ઞાતીનું નીર્મુલન, ભુમીસુધાર, જાહેર સેવાઓનું રાષ્ટ્રીયકરણ, સાર્વજનીક, મફત, ગુણવતાયુક્ત શીક્ષણ અને આરોગ્ય, આત્મસન્માન સાથેનું જીવન એ આંબેડકર વીચારના થોડા પ્રાણતત્ત્વો ગણાવી શકાય.
    સાથે ‘તેમની વૈચારીક વારસાના લેવાલ ‘ અને ‘ ભીમરુદન ‘ અંગે સટિક વાત કહી.
    આવા મહાન જીવન ચરીત્ર વાળા અંગે સન્માન અને અવમાન તેમના જીવન દરમિયાન અને મરણોતર સ્વાભાવીક છે.દરેક પોતાની વિચાર ધારા અને સ્વાર્થ પ્રમાણે વર્તે છે

    Liked by 2 people

  6. બાબા સાહેબ આંબેડકર અને જય ભીમ એટલે,
    અન્યાય અને અપમાન સામેનો સંઘર્ષ,
    હક્કની લડાઈનો સંઘર્ષ,
    જમીન અને જનવાદનો સંઘર્ષ,
    આર્થિક અને સામાજિક સમાનતાનો સંઘર્ષ,
    લિંગ ભેદ સહિતના કોઈ પણ ભેદભાવ સામે સંઘર્ષ,
    દલિતો,પીડિતો, શોષિતો,ખેત મજૂર,મજદુરોં ના હક્ક માટે પ્રતિબદ્ધ,
    જાતિવાદ અને કોમવાદ સામે સંઘર્ષ,
    બ્રહ્મણવાદ અને મૂડીવાદ સામે સંઘર્ષ,
    સંગઠીત બનો, શિક્ષિત બનો સંઘર્ષ કરો,
    જય ભીમ એટલે ક્રાંતિ, ક્રાંતિ એટલે પરિવર્તન,
    પરિવર્તન એટલે જૂની બેડીઓ તોડી નુતન નવ સર્જન.
    .. Dkr

    Liked by 2 people

Leave a comment