08
ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડ
–બી. એમ. દવે
[ગત અંક : 07 ( https://govindmaru.wordpress.com/2017/08/04/b-m-dave-9/ )ના અનુસન્ધાનમાં..]
પ્રકરણ : 07ના મુદ્દા નંબર : 07માં જણાવ્યા મુજબ શાસ્ત્રો અનુસાર મરણોત્તર સ્થીતી ‘અ’થી ‘ઈ’ મુજબ હોય છે તેવું બધા જ શ્રદ્ધાળુઓ માને છે. મરહુમની યાદગીરી કે સ્મારક બનાવવામાં આવે તે આપત્તીજનક ન ગણાય; પરન્તુ આવા સ્થળે મરણ પામનારની કાયમી ધોરણે હાજરી સ્વીકારવાની માનસીકતા એક મોટો ભ્રમ છે. રાજસ્થાનમાં વર્ષો અગાઉ બુલેટ મોટરસાઈકલના અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાલકનું અકસ્માતના સ્થળે સ્થાનક બની ગયું છે, જેને બુલેટબાબાના સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્થાનક ખુબ જ પ્રખ્યાત થઈ ગયું છે.
નવું મોટર સાઈકલ ખરીદવામાં આવે ત્યારે અને ત્યાંથી પસાર થતાં દ્વીચક્રી વાહનચાલકો માથું ટેકવવા અને બુલેટબાબાના આશીર્વાદ મેળવવા આવે છે, જેથી મોટરસાઈકલના અકસ્માતથી બુલેટબાબા રક્ષા કરે!
કેટલો હાસ્યાસ્પદ ભ્રમ છે! જે બાબા પાસે અકસ્માતમાંથી બચવા આશીર્વાદ માગવામાં આવે છે તે બુલેટબાબા પોતાને ખુદને અકસ્માતમાંથી બચાવી શક્યા નથી. ત્રણ વખત પરીક્ષામાં નાપાસ થયેલો ઠોઠ વીદ્યાર્થી ટ્યુશન ક્લાસ ખોલી હોશીયાર વીદ્યાર્થીઓને ભણાવે તેવું ગાંડપણ આ કીસ્સામાં લાગે છે. અસલામતી સામે હીમ્મત કેળવવા ઉભો કરેલો આ ભ્રમ પણ હમ્મેશાં બરકરાર રહેશે તેમાં કોઈ શંકા નથી.
આવી જ રીતે સુરધનના પાળીયા કે શહીદોની ખાંભીઓની પુજા કરવી તે આદરભાવ દર્શાવે છે; પણ ત્યાં કોઈની હાજરી હોવાનું માનવું એ ભ્રમ છે, જે પોતાનું રક્ષણ કરનાર કોઈ હોવાના ટેકામાં કેળવવામાં આવે છે. આવાં અન્ય સ્થાનકો પાસેથી પસાર થતાં વાહનચાલકો હૉર્ન વગાડીને હાજરી પુરાવે છે, જાણે ત્યાં કોઈ હાજરીપત્રક લઈને કેમ બેઠું હોય! આ ભ્રમની પરાકાષ્ઠા છે અને દયનીય સ્થીતી દર્શાવે છે.
આધ્યાત્મીક બાબત હોય, સામાજીક બાબત હોય, સુખ–દુ:ખની બાબત હોય કે જીવનમરણને સ્પર્શતી બાબત હોય; પણ ભ્રમ ટકાવી રાખવા માટે ખુબ જ મથામણ કરવામાં આવે છે. ભ્રમ તુટ્યા પછીની ભાંજગડનો સામનો ન કરવો પડે એટલા માટે મોટા ભાગની વ્યક્તીઓ પ્રયત્નપુર્વક ભ્રમને યથાવત્ સ્થીતીમાં જાળવી રાખવા પ્રયત્નશીલ રહે છે.
ભ્રમની ભાઈબન્ધી ટકાવી રાખવા માટે નીચે મુજબના ઉપાયો અજમાવવામાં આવે છે :
-
સવારે પેટ સાફ આવે તેમાં પણ પ્રભુ–કૃપા દેખાય તેવા બહુમતી વર્ગ દ્વારા પહેરાવવામાં આવતા ચશ્માં સતત પહેરી રાખવાં.
-
ટંકારાના તેજસ્વી બાળક મુળશંકર જેવો ક્રાંતીકારી વીચાર ભુલેચુકે પણ મગજમાં ઝબકી ન જાય તેની તકેદારી રાખવી.
-
રુઢીગત ધાર્મીક માન્યતાઓને તર્કના ત્રાજવે તોળવાની ગુસ્તાખી ક્યારેય ન કરવી. મગજનાં દરવાજા અને બારી–બારણાં સજ્જડ રીતે બન્ધ રાખવાં.
-
આટલા બધા માણસો માનતા હોય તે ખોટું કઈ રીતે હોઈ શકે તેવી ગોળી નીયમીત રીતે ગળતા રહેવી. આવી ગોળી ગળવામાં કદાચ પોતાની બુદ્ધીપ્રતીભા નડતી હોય તો શ્રદ્ધા નામના પ્રવાહી સાથે ગળવી.
-
ગાડરીયા પ્રવાહથી વીપરીત વીચારધારા મગજમાં ક્યાંય ડોકીયું પણ ન કરી જાય તેની સતત જાગૃતી અને તકેદારી રાખવી. ગાડરીયા વીચારધારાને સમર્થન આપી વળગી રહેવા મગજને સતત ઉશ્કેરતા રહેવું.
ઉપર મુજબના પ્રયત્નો શ્રદ્ધાળુઓ દ્વારા આજીવન ચાલુ રાખવામાં આવે છે અને ટેવ પડી ગયા પછી તો પ્રયત્ન પણ નથી કરવો પડતો. આ બધું વીચારધારામાં વણાઈ જાય છે અને તેના પરીણામસ્વરુપ દુ:ખી દીલને બહેલાવવાની, હતાશ મનને ફોસલાવવાની, નબળાઈઓને છુપાવવાની અને વાસ્તવીકતાને નજરઅંદાજ કરવાની આધ્યાત્મીક કરામત આવડી જાય છે. અને તેનાં મીઠાં ફળ ચાખવા મળે છે.
વાચકમીત્રો! ભ્રમરુપી ઝાડ ઉપર પકવેલાં કેટલાંક મીઠાં ફળનો સ્વાદ આપ સહુને પણ ચખાડું.
-
એક દારુડીયા અને જુગારીયા પતીના ત્રાસથી તંગ આવીને તેની પત્ની, બાળકો સાથે આત્મહત્યા કરી લે છે. આવા ભયંકર બનાવને ‘પ્રભુને ગમ્યું તે ખરું’ ખપાવી કેવડી મોટી રાહત મેળવી શકાય છે! પીયરપક્ષ તરફથી આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ થતાં જેલમાં જતા જમાઈરાજ નફ્ટાઈથી કહેશે : ‘જેલના રોટલા ખાવાનું નસીબમાં લખ્યું હશે!’
-
એક મધ્યમવર્ગીય વૃદ્ધ વ્યક્તી જીન્દગી–આખીની પરસેવાની કમાણીમાંથી કરેલ બચત મરણમુડી તરીકે ઉંચા વ્યાજની લાલચમાં આવી કોઈ લેભાગુ ટ્રસ્ટમાં રોકે છે. ટ્રસ્ટનું ઉઠમણું થતાં મુડી ડુબી જાય છે. આવી વ્યક્તી પોતાની લોભવૃત્તીને છાવરવા અને આઘાતને જીરવવા કહેશે : ‘બલીયસી કેવલમ્ ઈશ્વરેચ્છા.’
-
શ્રીમન્ત માબાપનો એક વંઠેલ નબીરો ગરીબ ઘરની છોકરીને ભગાડી જાય છે અને બળાત્કારના ગુનામાં જેલમાં જાય છે. માબાપની વકીલાત સાંભળો : ‘‘બનવાકાળ બની ગયું; બાકી અમારો દીકરો કોઈ છોકરી સામે આંખ ઉંચી કરીને જુએ એવો નથી.’’
-
એક મોટા ગજાના ગુરુ ઘંટાલ લમ્પટલીલાના આરોપસર જેલમાં જાય છે. શીષ્યસમુદાયની ગુરુદક્ષીણા સમાન પ્રતીક્રીયા સાંભળો : ‘‘ભગવાન ગુરુજીની આકરી કસોટી કરી રહ્યાં છે. કસોટી હમ્મેશાં સોનાની જ થાય છે, પીત્તળની નહીં.’’
-
માતેલા સાંઢની જેમ બેદરકારીથી પોતાનું વાહન ચલાવી એક નીર્દોષને કચડી નાખનાર ડ્રાઈવર પોતાનું તત્ત્વજ્ઞાન ઠાલવતાં કહેશે : ‘‘મરનારના નસીબમાં આવું લખાયું જ હશે. ભગવાને મને નીમીત્ત બનાવી દીધો.’’
-
તીર્થયાત્રાએ ગયેલી એક બસ ખીણમાં ગબડી પડવાથી 20 યાત્રાળુઓનાં કમકમાટીભર્યાં કમોત થાય છે. એક જ પરીવારની પાંચ વ્યક્તીઓ કાળનો કોળીયો બની જાય છે. સગાંવહાલાં ગદ્ગદીત અવાજે પણ ગર્વથી કહેશે : ‘‘આવા પવીત્રધામના સ્થળે ભાગ્યશાળીને જ મોત મળે. ભગવાન સીધા પોતાના ધામમાં લઈ ગયા. અહીં જેની જરુર હોય છે તેની ત્યાં પણ જરુર હોય છે.’’
ઉપર દર્શાવ્યા મુજબનાં છ દૃષ્ટાંતોમાં વાસ્તવીકતા સાથે છેડખાની કરી ભ્રામક રાહત મેળવવાની કોશીશ કરી છે. આવી રાહત મેળવવાનું ત્યાં સુધી જ ચાલુ રહી શકે છે, જ્યાં સુધી ભ્રમ ટકાવી રાખવા માટે ઉપર દર્શાવેલ પાંચ પ્રકારના નુસખાઓ અજમાવવાનું ચાલુ રાખવામાં આવે.
સુજ્ઞ વાચકો! પુસ્તકના હાર્દ સમી મુળ વાત ઉપર હવે આવીએ. ભ્રમ ટકાવી રાખવાના પાંચ પ્રકારનાં નુસખાઓને અનુસરવાનું બન્ધ કરનાર અને તેનાથી વીપરીત વર્તન કરનારનો ભ્રમ ટકી શકતો નથી. ધીમેધીમે બધો ભ્રમ ભેદાતો જાય છે અને ગાડરીયા પ્રવાહને દેખાતા સાપની જગ્યાએ દોરડી દેખાવા લાગે છે. ભ્રમ ભાંગ્યા પછી રુઢીવાદી વીચારધારાની સરહદ ઓળંગાઈ જાય છે અને ઉંઘમાંથી જાગી ગયા હોય તેવો અહેસાસ થાય છે. જેવી રીતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નીકળી ગયા પછી વજનવીહીનતાનો અનુભવ થાય છે, તેવી જ રીતે માણસજાતે પોતાના અંગત સ્વાર્થ માટે ઉભા કરેલા ભ્રમના જંગલને ભેદ્યા પછી એક જાતની હળવાશનો અનુભવ થાય છે; પરન્તુ સાથોસાથ ભ્રમ ભાંગી ગયા પછી ઘણી ભાંજગડો ઉભી થાય છે, ઘણી વીકરાળ સમસ્યાઓ મોઢું ફાડીને ઉભેલી જણાય છે.
આ બધી જ સમસ્યાનો સામનો કરવાની નૈતીક હીમ્મ્ત કેળવવી પડે છે, નહીંતર બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થીતી ઉભી થઈ શકે છે.
વાચકમીત્રો! ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડો, એટલે કે સમ્ભવીત સમસ્યાઓ નીચે મુજબ હોઈ શકે છે :
-
સર્વપ્રથમ તો ઉપરના મુદ્દામાં જણાવ્યા મુજબ ભ્રમરુપી ઝાડ ઉપર પકાવેલાં મીઠાં ફળ ચાખવાથી વંચીત થવું પડે છે અને દરેક વાસ્તવીક પરીસ્થીતીનો મુકાબલો વન–મૅન–આર્મીની ક્ષમતાથી કરવો પડે છે અને કોઈ પણ પીઠબળ વગર એકલા હાથે ઝઝુમવું પડે છે.
-
વીપરીત પરીસ્થીતીમાં ટકી રહેવાનો કાલ્પનીક સહારો છીનવાઈ જતાં દૃઢ મનોબળ જાળવી રાખવા લોખંડી આત્મવીશ્વાસ જરુરી બની રહે છે; અન્યથા માનસીક રીતે ભાંગી પડવાની શક્યતા રહે છે.
-
અસામાજીક પ્રાણીની કક્ષામાં સમાજ ગણી લે છે અને અસ્પૃશ્ય હોવાનો સતત અહેસાસ કરાવતો રહે છે અને પોતાનાં પણ પારકાં થઈ જાય છે. આપણા વીચારો કોઈ સહન કરી શકતું નથી. મોઢું ખોલવું એ ઝઘડાને આમન્ત્રણ આપવા સમાન બની જાય છે. સમાન વીચારધારાવાળાનું સાન્નીધ્ય લગભગ દુર્લભ બની જાય છે.
-
ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં અને એકલતાની સ્થીતીમાં ધાર્મીક ક્રીયાકાંડોરુપી રમકડાંથી રમીને સમય પસાર કરવાનું સાધન પણ છુટી જાય છે અને અન્ય પસન્દગીના વીકલ્પો શોધવા પડે છે અને સમાજ દયા ખાય છે.
-
સૌથી મોટી વીડમ્બના એ થાય છે કે બહુ હીમ્મ્ત દાખવીને અને ઘણાં મોટાં જોખમોની કીમ્મત ચુકવીને હાંસલ કરેલ મુકામની અનુભુતી સ્વજનો અને સ્નેહીજનો સાથે વહેંચવાની ઝંખનાનું ગળું ઘોંટવું પડે છે; કારણ કે આ બાબતે સ્વજનો દ્વારા આપણાથી સલામત અન્તર રાખવામાં આવે છે અને ક્યારેક ધર્મસંકટ જેવું થાય તો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખવામાં આવે છે અને આપણને રાજી રાખવા કહેવામાં આવે છે કે તમારી વાત 100 ટકા સાચી છે; પણ અનુસરી શકાય તેમ નથી. નજીકના લોકો દુર રહેવાનું પસન્દ કરે છે.
-
ઉંડેઉંડે એક અતૃપ્ત ઈચ્છા એવી પણ રહે છે કે કાશ, તેઓ બધા પણ થોડું સાહસ બતાવીને ગાડરીયા પ્રવાહથી છુટા પડી હમસફર બને અને ક્યારેક આવું આહ્વાન કરવામાં આવે તો બુમરૅંગ સાબીત થાય છે અને ઉલટાનું આપણને બહુમતીથી અલગ અભીપ્રાયનો ભ્રમ કાઢીને ‘ઘરવાપસી’ કરવાનો આગ્રહ સેવવામાં આવે છે.
વાચકમીત્રો! પુસ્તકના સમાપનરુપે આ ‘ઘરવાપસી’ના મુદ્દાની પણ થોડી મીમાંસા કરી લઈએ :
નીખાલસ કબુલાત કરું કે ભ્રમ ભાંગ્યા પછીનો વૈચારીક ટર્નીંગ પૉઈન્ટ પણ એક ભ્રમ જ હોય એ શક્ય છે અને ‘ઘરવાપસી’નું આ એક મજબુત કારણ પણ બની શકે છે. આ પ્રક્રીયા તો માખણમાંથી ઘી બનાવવા જેટલી સહેલી છે. પરસેવો પાડીને પગથીયાં ચડ્યા પછી લીફ્ટમાં ઉતરવા જેવું કામ છે અને અન્દરખાને બધા ઈચ્છુક પણ હોય; પરન્તુ જે સમીકરણોથી અલગ ચીલો ચાતર્યો હોય તેનાથી વીપરીત પ્રકારનાં સમીકરણો સર્જાય તો થુંકેલું ચાટવામાં પણ આનન્દ અને ગૌરવની લાગણી થાય.
નીચે દર્શાવેલ સપનાં સાકાર થાય તો મુરઝાઈ ગયેલી શ્રદ્ધાનો છોડ નવપલ્લવીત થઈ ઉઠે અને ઘરવાપસીનો મનોરથ પુરો થાય.
-
મહાભારતકાળમાં દ્રૌપદીની લાજ લુંટાતી બચાવવા શ્રીકૃષ્ણ ભગવાન વહારે આવ્યા હતા અને 999 ચીર પુરી તેણીનું રક્ષણ કર્યું હતું. આ વાતને લગભગ પાંચેક હજાર વર્ષ વીતી ગયાં છે. ત્યાર પછી ભગવાને મહીલાઓની લાજ લુંટાતી બચાવવાનો કાર્યક્રમ પડતો મુક્યો લાગે છે; કારણ કે અત્યારે તો આપણા ભારતવર્ષમાં થોડીક મીનીટોના અન્તરે એક અબળાની લાજ લુંટાય છે. નીર્ભયાઓ ઉપર ગૅંગરેપ થાય છે અને પછી ખુન પણ થાય છે તેમ જ ગુનેગારોને ભાગ્યે જ સજા થાય છે. દ્રૌપદીની લાજ લુંટાતી બચાવી હતી તે સાંભળી–સાંભળીને હવે કાન પાકી ગયા છે.
અત્યારના દુ:શાસનોને સબક શીખવવા અને નીર્ભયાની લાજ બચાવવા ભગવાન કાંઈ પરચો બતાવે તો માની શકાય કે તેઓ ખરેખર દયાળુ અને કૃપાળુ છે અને બાનાની પત રાખવાનો પ્રોગ્રામ ચાલુ જ છે. ખરું કહું, ઉંડેઉંડે ડર લાગે છે કે કોઈ શ્રદ્ધાળુ એવી વકીલાત નહીં કરે ને કે બળાત્કાર થવાનું નસીબમાં લખાયું હોય તો ભગવાન વચ્ચે ન પડે!
-
‘ભગવાન ભુખ્યા ઉઠાડે છે; પણ ભુખ્યા સુવરાવતા નથી’ તેમ જ ‘કીડીને કણ અને હાથીને મણ’ આપી જ રહે છે. આ શબ્દો રાત્રે ઉંઘમાં પણ પડઘાય છે. વાસ્તવમાં નગ્ન સત્ય એ છે કે દુનીયાના લગભગ 28 કરોડ ઈશ્વરનાં સંતાનો દરરોજ ભુખ્યાં ઉઠે છે અને ભુખ્યાં જ સુઈ જાય છે. આ ભુખ્યાં જનોનો જઠરાગ્ની શાંત થાય તેવો કોઈ ચમત્કાર થાય તો ઉપરોક્ત ઉક્તીઓ સાર્થક થાય અને શ્રદ્ધાની સરવાણી ફરીથી ફુટવા લાગે. બીક લાગે છે કે ફરી પાછી અહીં પણ નસીબની વાત વચ્ચે નહીં આવે ને? જો કે નસીબની વાત વચ્ચે લાવવી જ હોય તો ઉપરોક્ત બન્ને ઉક્તીઓની પાછળ કૌંસમાં લખવું જ પડે કે (નસીબમાં હોય તો જ).
-
લગભગ એકાદ કીલોમીટરની ત્રીજ્યામાં એક લેખે શ્રદ્ધાનાં સ્થાનકો ભારતભરમાં પથરાયેલાં છે. લાખો શ્રદ્ધાળુઓ આવી જગ્યાઓને હાજરાહજુર માને છે અને પોતાની અઘરી–અઘરી બાધા–માનતાઓ ફળે તેમ કહે છે. મારી શ્રદ્ધાની બૅટરી ચાર્જ કરવા માટે કોઈ મોટી કે અઘરી માગણી નથી. આવાં ચમત્કારીક સ્થાનકો પૈકી કોઈ પણ એક જગ્યાએ મારો ડાયાબીટીસ મટી જાય એટલે શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટે અને હું તેમાં તણાઈ જઉં અને ભ્રમ ભાંગી ગયાની ભાંજગડમાંથી બચી જઉં અને લીલાલહેર થઈ જાય!
-
મીરાંબાઈનો ઝેરનો કટોરો પીવાની, નરસીંહ મહેતાની હુંડી સ્વીકારવાની, ટીટોડીનાં બચ્ચાં ઉગારવાની, ગજરાજને મગરથી બચાવવાની કથાઓ હવે ક્યાં સુધી ગાયા અને સાંભળ્યા કરવાની? સેંકડો વર્ષોથી આવા કોઈ ચમત્કાર કે પરચાની નવી અને અદ્યતન કથાઓ સાંભળવા મળતી જ નથી. આટલા લાંબા સમયથી આખી દુનીયામાં પહેલાં જેવા ભક્તો થયા જ ન હોય તેવું બની શકે કે પછી ભગવાને ભક્તોને સહાય કરવાની યોજના જ બન્ધ કરી દીધી હશે? ભક્તવત્સલ ભગવાનના કોઈ તાજા પરચા કે ચમત્કાર જોવા કે સાંભળવા મળે તો શ્રદ્ધાની ડાઉન થઈ ગયેલી બૅટરી ફરીથી ફુલ ચાર્જ થઈ જાય અને મુખ્ય ધારામાં સમાઈ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.
-
આપણા ભક્તકવી શ્રી. નરસીંહ મહેતાની એક અદ્ભુત રચનાનુ સ્મરણ થાય છે :
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉંઘમાં અટપટા ભોગ પાસે,
ચીત્ત ચૈતન્ય વીલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
શ્રી. નરસીંહ મહેતા જે આધ્યાત્મીક ઉંચાઈએ પહોંચ્યા હતા ત્યાંથી તેમને કદાચ આવું દેખાયું હશે અને જડ–ચેતન તમામમાં એકરુપતાનો અહેસાસ થયો હશે! અને બ્રહ્મની પાસે બ્રહ્મને લટકાં કરતું નીહાળ્યું હશે! પણ આપણા જેવા જમીન ઉપરના માણસોને તો ‘બ્રહ્મને બ્રહ્મ બટકા ભરે’ જેવું જ દેખાય છે. ઉન્દરને બીલાડી ખાઈ જાય, બીલાડીને કુતરો ખાઈ જાય, કુતરાને વરુ ખાઈ જાય અને વરુને દીપડો ખાઈ જાય. સમગ્ર પ્રાણીસૃષ્ટીમાં ‘જીવો જીવસ્ય ભક્ષણમ્’ એ ન્યાયે મોટો જીવ નાના જીવને ખાઈ જાય છે; અર્થાત્ મોટું બ્રહ્મ નાના બ્રહ્મને ખાઈ જાય તેવું દૃશ્ય બધે દેખાય છે. મનુષ્યમાં પણ આવું જ જોવા મળે છે.
તેમ છતાં પ્રત્યેક મનુષ્યમાં એક જ બ્રહ્મ સમાયેલું છે તેવું શ્રી. નરસીંહ મહેતાનું મન્તવ્ય સાચું ઠરે તો માનવજાતનું કલ્યાણ થઈ જાય. મોટો ગુંડો, બદમાશ, ધનપતી, રાજકારણી કે ઉચ્ચ અમલદાર તથા સામાન્ય અને ગરીબ માણસ એકબીજાને સરખા ગણે અને એકબીજાની સામે લટકાં કરે; અર્થાત્ ઉષ્માપુર્ણ વ્યવહાર કરે અને એકબીજાને અનુકુળ થઈને વર્તે અને પ્રેમ કરે – શ્રી. મહેતાજીની આ પંક્તીઓ ખરા અર્થમાં ચરીતાર્થ થાય તો પૃથ્વી સ્વર્ગ બની જાય.
ઈતીહાસ સાક્ષી છે કે શ્રી. નરસીંહ મહેતાજીના જીવનમાં ભગવાને તેમનાં ઘણાં કામો ઉકેલ્યાં હતાં. આશા રાખીએ કે આવડા મોટા ભક્તની વાણી માનવજાતને ફળે અને આપણા જેવા પામર મનુષ્યને શ્રદ્ધાનો દીપક જલતો રાખવા હવાતીયાં ન મારવા પડે. ખરેખર જો દરેક પશુ–પ્રાણીમાં રહેલ બ્રહ્મ એકબીજા સામે લટકાં કરતું દેખાઈ જાય તો ભાંગીને ભુક્કો થઈ ગયેલ ભ્રમ ફરી પાછો અસલ સ્થીતીમાં આવી જાય અને એવો વજ્ર જેવો મજબુત બની જાય કે ભવીષ્યમાં ક્યારેય ભાંગે જ નહીં.
વાચકમીત્રો! લેખકને ઉપરોક્ત સપનાંઓ સાકાર થવાની ઝંખના અને ખ્વાહીશ છે, જેથી ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડમાંથી છુટી શકાય અને ઉપર દર્શાવેલ છ પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે.
ઉપર દર્શાવેલ પાંચ અપેક્ષાઓ અવ્યવહારુ, અવાસ્તવીક કે અશક્ય નથી, ફક્ત ભુતકાળને સજીવન કરવાની માગણી છે. પરચા અને ચમત્કાર વગેરેની બન્ધ પડી ગયેલી કેટલીક ‘ભક્ત સહાય યોજના’ પુનર્જીવીત કરવાની આશા રાખવી અસ્થાને ન ગણાય.
વહાલા વાચકમીત્રો! એક ખાનગી વાત કાનમાં કહી દઉં! આપ સહુ સાચા સ્વજનો જ છો આપનાથી શું છુપાવવાનું હોય? મને 60 વર્ષ થયાં છે, એટલે ક્રીકેટની ભાષામાં કહું તો મૅન્ડેટરી ઓવર્સ શરુ થઈ ગઈ ગણાય અને ગમે ત્યારે વીકેટ પડી શકે. ઉંડેઉંડે એવી આશા ખરી કે ઉપર દર્શાવેલ મારી અપેક્ષાઓ સંતોષાય તો વીકેટ પડ્યા પહેલાં ‘ઘરવાપસી’ થાય અને મૃત્યુ પામવાને બદલે ‘ધામમાં જવાનો’ લાભ મળે. જો આમ થાય તો મારી શ્રદ્ધાંજલીનો બીજો મુસદ્દો પણ મેં તૈયાર જ રાખ્યો છે અને તેનો ઉપયોગ કરવા મારા પુત્રને સુચના આપી છે.
બદલાયેલા સંજોગોમાં બદલાયેલ શ્રદ્ધાંજલીના મુસદ્દા ઉપર એક નજર કરી મારા પુસ્તકને અહીં વીરામ આપીએ :
શ્રદ્ધાંજલી
અમારા ધર્મપ્રેમી ભાઈ શ્રી. ઘનશ્યામ ઉર્ફે ભાનુશંકર એમ. દવે
પ્રભુસ્મરણ કરતાં–કરતાં તા. 00/00/000ના રોજ ભગવાનના ધામમાં ગયા છે.
સદ્ગતના મોક્ષાર્થે ‘શ્રીમદ્ ભાગવત’કથાનું આયોજન પણ કરેલ છે,
જેથી સર્વ ધર્મપ્રેમી ભાઈ–બહેનોને કથામૃતનું રસપાન કરવા હાર્દીક નીમન્ત્રણ છે.
…દવે પરીવાર…
–બી. એમ. દવે
જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ‘ભ્રમ ભાંગ્યા પછી…’ (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 55થી 64 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક :
શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224
Saras lekh aabhar Govindbhai ane Davebhai banneno.
Bhram na bhukka kadhi nakhya. Bhram ni goli shraddha na pani sathe gali javi… Jeva vakyo vanchi ne maja aavi gai
LikeLiked by 1 person
મિત્રો,
ભ્રમ શબ્દ ઉપર અગાઉ ચર્ચા કરી હતી. ઊંડે જતો નથી. ભ્રમરુપી ઝાડના ૬ મીઠા ફળોની બાબતે મારા વિચારો કહે છે કે ,‘ દરેક માણસ સત્ય તો જાણતો હોય છે. પરંતું પોતે નિસહાય હોવાને કારણે પરિસ્થિતિ બદલવાને શક્તિમાન નથી હોતો……અને અા પરિસ્થિતિમાં તે હ્યુમન સાયકોલોજી…અજાણતામાં વાપરી બેસે છે..( જાણીકરીને પણ કહી શકો. )…અને પોતાની જાતને છેતરવાનો નાટક કરે છે….શાહમૃગ નિતિ…અપનાવી બેસે છે….ફક્ત આત્મસંતોષ માટે….પોતે હાર કબુલવા તૈયાર નથી….જાતને છેતરીને જીત મેળવીને જાતને છેતરે છે…….
૫૦૦૦ વરસો પહેલાની વાતો…ઘાર્મિક વાતો પોતે સાચી…કેટલી ? માની લીઘેલી વાતો….તે પોતે જ અેક ભ્રમ છે. ઘાર્મિક અંઘશ્રઘ્ઘા સાચી વાત કબુલવા દેતી નથી.
ખાંભી બાબતે……અહિં પણ ભ્રમ નહિ પણ શ્રઘ્ઘા કાર્યશીલ છે. હ્યુમન સાયકોલોજી. દરેક માથુ ટેકવનારને ખબર છે કે મોટરસાયકલ બાબા મદદ માટે આવવાના નથી.
દેશને માટે શહીદી વહોરી લેનાર માટે કવિઅે આ વાત કહી હતી…..
‘ શહીદો કી ચિતાઓ પર લગેંગે હર બરસ મેલે….વતન પર મરનેવાલોં કા બસ યહીં બાકી નીશાં હોગા.‘…..આ શ્રઘ્ઘાને શું ભ્રમ કહેવી ?
કૃષ્ણને ચીર પુરતાં મહાભારતમાં બતાવ્યા અેટલે ૨૦૧૭ના વરસમાં સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારો માટે કોઇ નથી આવવાનું તે સૌને ખબર છે…..
‘ ભરમ ‘ નો અર્થ આ પ્રમાણે અપાયો છે. ભ્રામક ખ્યાલ, ભ્રાંતિ, illusion, false conception, secret, mystery, doubt, શંકા, વહેમ..
‘ ભરમાવું ‘ અેટલે.. ભ્રાંતિ થવી, ખોટા ખ્યાલથી છેતરાવું,…to be eluded, to be deceived because of a false conception…
વગર વિચારે માની લીઘેલી વાત ( સચ્ચાઇની કસોટી કરવા વિનાની વાત ) અેટલે અેક પ્રકારનો ભરમ…ભ્રમ…જ્યારે કોઇ સાચી વાત સમજવા છતાં પોતાની જાતને સાંત્વના આપવા , પોતાની જાતને છેતરતાં વિચારો કરે તેને ભ્રમ કહેવાય કે કેમ ?
ચર્ચા કરવાનો આનંદ થયો.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Narshinh Mehata kevi adhyatmik unchai e pahonchya hata..e j aa Bhrhm lataka kare bhrahm pase..na statement thi vyakt thay chhe.E puri adwait ni anubhuti chhe…Ne evi unchai epahonchel vyakti na sansarik kamo isvar saralata thi par pade chhe…e m j anya udaharano thi samjasho ..to Narshin Maheta ne swikari shakasho…Chamtkruti to samanya jan ne emni bhakti ni charamsima batavava mate j aa badhi vato ma umervama aave chhe,e dhyan ma rahe to saru…anyatha tamari sathe sahmat.
LikeLike
Bharm bhagya pachhi na lekho par thi manas ni bharm padvani mansikata ni ghani samaj mali
Dhanyvaad
LikeLiked by 1 person
Inner truth
LikeLiked by 1 person
“ટંકારાના તેજસ્વી બાળક મુળશંકર જેવો ક્રાંતીકારી વીચાર” પણ વેદ પરની તેમની
અંધશ્રદ્ધા પર આધારિત હતો. “સત્યાર્થપ્રકાશ”માં વેદનો ‘સાચો’ અર્થ બતાવવામાં
આવ્યો હતો એટલું જ. ‘મહાન’ ઋષિ મુનિઓની ભુલોનું ખંડન નહોતું. યજ્ઞ વગેરે
‘કર્મોં તો ચાલુ જ રહ્યા! ઘી અનાજ બળતા જ રહ્યા.
2017-09-01 4:18 GMT-04:00 અભીવ્યક્તી :
> ગોવીન્દ મારુ posted: ” 08 ભ્રમ ભાંગ્યા પછીની ભાંજગડ –બી. એમ. દવે [ગત અંક
> : 07 ( https://govindmaru.wordpress.com/2017/08/04/b-m-dave-9/ )ના
> અનુસન્ધાનમાં..] પ્રકરણ : 07ના મુદ્દા નંબર : 07માં જણાવ્યા મુજબ શાસ્ત્રો
> અનુસાર મરણોત્તર સ્થીતી ‘અ’થી ‘ઈ’ મુજબ હોય છે તેવું બ”
>
LikeLike