‘અંગદાન’ના છ કીસ્સા

મીનાબહેને લોકોની દીવાળી સુધારી

મેઘવાળ સમાજના 44 વર્ષના મીનાબહેન સોંદરવાને ડૉક્ટરોએ બ્રેઈન–ડેડ જાહેર કરતાં, તેમના પતી ભાણજીભાઈ સોંદરવામીનાબહેનનાં હાર્ટ, લીવર, કીડની, આંખો અને સ્કીન ડોનેટ કરીને માનવતાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પુરું પાડ્યું હતું.

મુમ્બઈના લોઅર પરેલમાં રહેતાં અને જસલોક હૉસ્પીટલના કર્મચારી મીનાબહેનને બે વર્ષ પહેલાંથી તેમના પેટમાં જમવાનું ટકતું ન હતું, ઉલટીઓ થવી, શરીરમાં અશક્તી લાગવી જેવી તકલીફો થતી હતી. તેઓ મુમ્બઈની જસલોક હૉસ્પીટલમાં ડૉકટર સુધીર આંબેકરની સારવાર હેઠળ હતા. તબીબી તપાસમાં ખબર પડી કે તેમને ‘મોયામોયા’ થયો છે.

ચીત્ર સૌજન્ય : ગુગલ વેબસાઈટ

‘મોયામોયા’ રોગમાં માણસનાં બે મગજને જોડતી નસોમાં બ્લૉકેજ થઈ જાય છે. મગજમાં લોહીની ગાંઠ જામી જાય છે. આ પરીસ્થીતીને લીધે દરદી ઍબ્નોર્મલ બની જાય છે. આ રોગ પાંચ લાખ લોકોમાંથી માંડ એક વ્યક્તીને થતો હોય છે. જપાનમાં 1960માં આ રોગની શોધ થઈ હતી. આ રોગના દરદીઓ એશીયન દેશોમાં વધુ જોવા મળે છે. ‘મોયામોયા’ અર્થાત્ ‘પફ ઑફ સ્મોક’. આ રોગના દરદીની નસનું બ્લૉકેજ ખોલી કાઢવામાં આવે અને જો લોહીનો પ્રવાહ રુટીનમાં કામ કરતો થઈ જાય તો એ દરદી ફરીથી નૉર્મલ બની જાય છે. નાની ઉમ્મરનાં બાળકો આ રોગમાં જલદી સાજાં થઈ જતાં હોવાનું નોંધાયું છે.

મીનાબહેનને ‘મોયામોયા’ રોગમાંથી મુક્તી મળે તે માટે તેમનાં જમણી બાજુંનાં મગજનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં સફળતા મળતાં, ડૉક્ટરે ડાબી બાજુના મગજનું ઑપરેશન બે મહીના પછી કરવાનો નીર્ણય લીધો હતો. બીજું ઑપરેશન કરવાના સમય પહેલાં જ તેમનાં મગજમાં ઈન્ફેક્શન થવાથી ડૉક્ટરે ઑપરેશનની તૈયારી કરી હતી. તે પહેલાં 23 ઑક્ટોબરે મીનાબહેનની તબીયત બગડી, એટલે તેમને હૉસ્પીટલમાં ઍડ્મીટ કર્યાં હતી. તપાસ કરતાં ખબર પડી કે મગજની નસો ફાટી ગઈ છે અને તેમનું બ્રેઈન–ડેડ થઈ ગયું છે.

ડૉક્ટરોએ મીનાબહેનને બ્રેઈન–ડેડ જાહેર કર્યાં. હવે બીજી કોઈ સારવાર કરવાની રહેતી જ નથી. તેમનાં હાર્ટ, લીવર, કીડની, ચક્ષુઓ, સ્કીન બરાબર કામ કરે છે એટલે તેમનાં પતીએ ‘અંગદાન’ કરવાનો નીર્ણય લીધો. મીનાબહેન અને ભાણજીભાઈને ત્રણ દીકરી અને એક દીકરો છે. એમાંથી એક દીકરી પરણી ગઈ છે. આ ચારેય તથા અન્ય પરીવારજનો સાથે ‘અંગદાન’ અંગે ભાણજીભાઈએ ચર્ચા કરી, પરીવારજનોએ ‘અંગદાન’ કરવાના નીર્ણયને આવકાર્યો.

‘અંગદાન’ની સમ્મતી મળતા જ ડૉક્ટરોએ એક પછી એક ઑર્ગન ચેક કરવાનું શરૂ કર્યું. ચેકઅપમાં તેમણે જોયું કે નાની ઉમ્મરને લીધે મીનાબહેનના બધાં જ ઑર્ગન મજબુત છે. તેમણે તરત જ તરત જ મુલુંડની ફોર્ટીસ હૉસ્પીટલનો સમ્પર્ક કરીને ‘અંગદાન’ની તૈયારી શરુ કરી અને રાતના બાર વાગ્યા સુધીમાં હાર્ટ, લીવર, કીડની, આંખો અને સ્કીન જરુરીયાતમંદ દરદીઓને ટ્રાન્સપ્લાન્ટ કર્યાં મીનાબહેન કેટલાયની દીવાળી હૅપી કરી ગયા.

મીનાબહેનના પતીએ કહ્યું હતું કે, મીનાના ‘અંગદાન’થી જસલોક હૉસ્પીટલ અને ફોર્ટીસ હૉસ્પીટલ વચ્ચે એક નવો સમ્બન્ધસેતુ રચાયો હતો. ડૉક્ટરોની ટીમ ખુબ જ ખુશ હતી. મૅનેજમેન્ટે પણ મને ખુબ ધન્યવાદ આપ્યાં હતાં. મીનાબહેને છથી વધુ લોકોને જીવનદાન આપ્યું એનો મને આનન્દ છે. એક હૉસ્પીટલના કર્મચારીએ તેની જ હૉસ્પીટલ દ્વારા ઑર્ગન ડોનેટ કર્યાનો આ પહેલો પ્રસંગ હતો.’

સાડા ત્રણ વર્ષની દીઝા અને ‘અંગદાન

સુરતના શ્રી. ઉર્વીશભાઈ ગોળવાળા અને તેમના પત્ની વીશ્વાબહેનની સાડા ત્રણ વર્ષની દીકરી દીઝાને 10 માર્ચ, 2017ને શુક્રવારે સવારે ઉલટી થઈ ખેંચ આવી હતી. તેના મગજમાં પાણીના ભરાવાને કારણે નાના મગજને ભારે નુકશાન થયું હોવાથી ન્યુરોસર્જને દીઝાને બ્રેન–ડેડ જાહેર કરી હતી. ડોનેટ લાઈફ, સુરતને તેની જાણ થતાં જ પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે દીઝાના પીતા ઉર્વીશભાઈ, માતુશ્રી વીશ્વાબહેન તથા ઉપસ્થીત પરીવારજનોને ‘અંગદાન’ અંગેની જાણકારી આપી, તેનું મહત્ત્વ સમજાવ્યું. દીઝાના જાગૃત માતા–પીતાએ મનોબળ મજબુત કરીને, પોતાની એકનીએક લાડકવાયી દીકરીના અંગોનું દાન કરવાનો કપરો નીર્ણય લઈ, ‘અંગદાન’ કરવાની સમ્મતી આપી હતી.

અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ડો. વીકાસ પટેલ અને તેમની ટીમે સુરત આવીને કીડની અને લીવરનું દાન સ્વીકાર્યું તથા લોકદ્રષ્ટી ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલ શીરોયા‘નેત્રદાન’ સ્વીકાર્યું હતું.

દાનમાં મળેલી એક કીડની પોરબન્દરના ગોકુલેશ મોહનભાઈ ઓડેદરા(ઉ.વ. 8) અને બીજી કીડની અમદાવાદની રીતીકા કમલેશભાઈ દેસાઈ(ઉ.વ. 6)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે લીવર વીસનગરના શ્રેય પટેલ(ઉ.વ. 5)માં ટ્રાન્સપ્લાન્ટ કરીને આ ત્રણેય બાળકોને નવજીવન અને અન્ય બે વ્યક્તીઓને રોશની પ્રાપ્ત થઈ હતી.

––––––––––––––––––––––––

ખુશ ખબર

‘અંગદાન’ અંગેના 5 લેખો, 14 સાચા કીસ્સા, દેહદાન’નું વીલ અને એક કવીતા સહીત 102 પેજની નાનકડી અને રુપકડી ઈ.બુક અંગદાનથી જીવનદાન’નો ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા આજે ચારુસેટ, ચાંગા, આણંદમાં લોકાર્પણ યોજાઈ ગયો.

મારા બ્લૉગ ‘અભીવ્યક્તી’ના  મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books  પરથી વાચકમીત્રોને તે ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો પોતાનાં નામ–સરનામા સાથે મને  લખશે તો હું તે વાચકમીત્રને તે ઈ.બુક સપ્રેમ મોકલી આપીશ.

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––

હળપતી પરીવાર અને ‘અંગદાન

તા. 8 જુલાઈના રોજ અમીત રમણભાઈ હળપતી (ઉ. વ. 21) પોતાના ગામ ખાપરીયાથી બીલીમોરા બાઈક ઉપર પસાર થતો હતો. ચાંગા ગામ પાસે તેને અકસ્માત થવાથી અમીત બાઈક ઉપરથી નીચે પડી ગયો. તેમનાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી અમીતભાઈ બેભાન થઈ ગયો. તેમને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સમાં ખારેલમાં આવેલ ‘ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલીત સાર્વજનીક હૉસ્પીટલ’માં દાખલ કર્યો. ત્યાં પ્રાથમીક સારવાર આપવામાં આવી; પરન્તુ વધુ સારવારની જરુર જણાતાં સુરત નવી સીવીલ હોસ્પીટલમાં ડૉ. જીગ્નેશ શાહ અને ડૉ. મેહુલ મોદીની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદીએ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. તા. 12 જુલાઈ, બુધવારે ન્યુરોફીઝીશ્યન ડૉ. પરેશ ઝાંઝમેરા અને ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદીઅમીતભાઈને બ્રેન–ડેડ જાહેર કર્યો.

‘ડોનેટ લાઈફ’, સુરતને જાણ થતાં પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે ICU ના રેસીડન્ટ ડૉ. નીલેશ કાછડીયા સાથે રહીને અમીતભાઈના માતૃશ્રી ઉકીબેન, ભાઈ અજયભાઈ, બનેવી રાકેશભાઈ અને ઉપસ્થીત ગ્રામજનોને ‘અંગદાન’ અંગેની જાણકારી આપી, તેનું મહત્ત્વ સમજાવ્યું. અમીતના માતૃશ્રી ઉકીબેન તથા સ્વજનોએ જણાવ્યું કે, ‘અમે ગરીબ પરીવારના છીએ. જીવનમાં બીજું કંઈ દાન કરી શકીએ તેમ નથી. જેથી અમારા બ્રેઈન–ડેડ સ્વજનના અંગોનું દાન કરીને ચાર–પાંચ વ્યક્તીને નવું જીવન મળતું હોય તો ‘અંગદાન’ કરવા સમ્મતી આપી.’ ‘અંગદાન’ કરવાની સમ્મતી આપીને એક ગરીબ પરીવારે, સુશીક્ષીત સમાજને નવી દીશા બતાવી માનવતાની મહેક પ્રસારી હતી.

અમદાવાદની સીમ્સ હોસ્પીટલના ડૉ. ધવલ નાયક અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું. કીડની, લીવર અને પેન્ક્રીઆસનું દાન અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ડો. જમાલ રીઝવી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન નવી સીવીલ હોસ્પીટલ, સુરતના ડૉક્ટરોએ સ્વીકાર્યું.

દાનમાં પ્રાપ્ત થયેલું હૃદય આણંદના સોહેલ વહોરા (ઉ.વ. 36)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. એક કીડની અને પેન્ક્રીઆસ અમદાવાદની રીતીકા નીલેશ ભટ્ટ (ઉ.વ. 42) અને બીજી કીડની ગાઝીયાબાદ ઉત્તરપ્રદેશના હીતેશ ગોયલ (ઉ.વ. 49)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. જયારે લીવર સુરતના ભૌતીક કીશોરભાઈ પટેલ (ઉ.વ. 36)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

રંગારા ગુલાબચંદ અને ‘અંગદાન

સુરતના ડીંડોલીમાં રહીને ગુલાબચંદ નોખું મલ્લા કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. 22 જુલાઈ, 2018ના રોજ ગુલાબચંદ સાંજે 6.00 કલાકે ત્રીજા માળેથી નીચે પડી જતા માથામાં ગમ્ભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતાં. તેમને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સમાં સુરતની નવી સીવીલ હોસ્પીટલમાં સર્જીકલ વીભાગ–5ના વડા ડૉ. સંદીપ કંસલે સારવાર શરુ કરી હતી.

તા. 26 જુલાઈના રોજ ડૉ. સંદીપ કંસલ તેમ જ ન્યુરોફીજીશ્યન ડૉ. પરેશ ઝાંઝમેરાગુલાબચંદને બ્રેઈન–ડેડ જાહેર કર્યાં. ‘ડોનેટ લાઈફ’ને ખબર મળતાં જ તેના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે ગુલાબચંદના પત્ની રમાવત, પીતાજી નોખું તેમજ પરીવારના અન્ય સભ્યોને ‘અંગદાન’ની જાણકારી આપી, ‘અંગદાન’નું મહત્ત્વ સમજાવ્યું.

પરીવારના સભ્યોએ જણાવ્યું કે, ‘લગભગ દસેક વર્ષ પહેલા રેલ્વે અકસ્માતમાં ગુલાબચંદનો એક પગ કપાઈ ગયો હતો. તેથી શરીરનું એક અંગ ન હોવાની પીડા અમે સમજીએ છીએ. અમારું સ્વજનનું બ્રેઈન–ડેડ થવાથી તેનું મૃત્યુ નીશ્વીત જ છે. ત્યારે તેના અંગોનું દાન થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો ‘અંગદાન’ કરવા અમે સમ્મત છીએ. આમ, બ્રેઈન–ડેડ ગુલાબચંદ નોખું મલ્લાના પરીવારે કીડનીઓનું દાન કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી.

દાનમાં મળેલ કીડનીમાંથી એક કીડની ભાવનગરના રહેવાસી રાકેશ હીમ્મ્તભાઈ ધાપા (ઉ.વ. : 26)ને નવજીવન આપ્યું.

પ્રા. નટવર પટેલ અને ‘અંગદાન

બાગાયત પોલીટૅકનીક, નવસારીના માજી પ્રીન્સીપાલ અને ઉત્તરાવસ્થામાં અસ્પી બાગાયત –વ– વનીય મહાવીદ્યાલયના નીવૃત્ત પ્રો. નટવરભાઈ પટેલ પોતાના રોજીન્દા ક્રમ પ્રમાણે તા. 19 જાન્યુઆરી, 2017ના રોજ સાંજે 6.00 કલાકે વૉક પર ગયા હતા. તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે 7.00 કલાકે એક કારચાલકે તેમને ટક્કર મારતાં માથામાં ગમ્ભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલીક નવસારીની કે. ડી. એન. હૉસ્પીટલમાં દાખલ કર્યાં હતા. ત્યાં તેમનાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને બ્રેઈન હેમરેજ થયાનું નીદાન થયું. વધુ સારવારની જરુર જણાતાં એ જ રાતે એપલ હૉસ્પીટલ, સુરતમાં ન્યુરોસર્જન ડૉ. કે. સી. જૈનની સારવાર હેઠળ દાખલ કર્યાં.

તા. 21 જાન્યુઆરી, 2017ના રોજ ન્યુરોસર્જન ડૉ. કે. સી. જૈન, ડૉ. અશોક પટેલ અને ન્યુરોફીઝીશીયન ડૉ. પરેશ ઝાંઝમેરાએ તેમને બ્રેઈન–ડેડ જાહેર કર્યાં હતા. ‘ડોનેટ લાઈફ’, સુરતને જાણ થતાં જ પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે નટવરભાઈના પત્ની રમીલાબહેન, પુત્ર કીંજલ, ભત્રીજા મીહીર અને  અને ઉપસ્થીત પરીવારના સર્વ સભ્યોને ‘અંગદાન’ અંગેની જાણકારી આપી, તેનું મહત્ત્વ સમજાવ્યું. પરીવારના સૌ સભ્યોએ નક્કી કર્યું કે, અમારું સ્વજન બ્રેઈન–ડેડ છે અને મૃત્યુ નીશ્ચીત જ છે, ત્યારે તેમના અંગો બળીને રાખ થઈ જાય તેના કરતાં કીડની અને લીવર ફેલ થઈ ગયા હોય તેવા દરદીઓને નવજીવન મળતું હોય તો નટવરભાઈના અંગોનું દાન કરવાની સમ્મતી આપી હતી.

લોકદ્રષ્ટી ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલ શીરોયા ‘નેત્રદાન’ સ્વીકાર્યું હતું.

અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ડો. સુરેશકુમાર અને તેમની ટીમે બે કીડની અને લીવરનું દાન સ્વીકાર્યું હતું. IKDRCના ડૉ. જમાલ રીઝવી, ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમે લીવર અને બન્ને કીડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદમાં કર્યું હતું.

દાનમાં મળેલી કીડની પંચમહાલના અમીતકુમાર સોમાલાલ શ્રીમાળી (ઉ.વ. 29) અને કચ્છના નીમેશ કીશોરચન્દ્ર મહેતા (ઉ.વ. 29)ને તેમ જ લીવર છોટાઉદેપુરના હરકીશન અશોકભાઈ મોદી (ઉ.વ. 48)માં ટ્રાન્સપ્લાન્ટ કરીને આ ત્રણેય વ્યક્તીઓને નવજીવન અને અન્ય બે વ્યક્તીઓને રોશની પ્રાપ્ત થઈ હતી.

બ્રેઈન–ડેડ વીદ્યાર્થી અને ‘અંગદાન

સુરતના ભેંસાણનો ધવલ નરેશભાઈ પટેલ (ઉ.વ. 20) મજુરાગેટની આઈટીઆઈનાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરતો હતો. તા. 2 ઓગસ્ટ, 2018ની બપોરે ધવલ આઈટીઆઈમાંથી ઘરે જવા બાઈક પર નીકળ્યો ત્યારે સરદાર બ્રીજના ટર્નીંગ પાસે અન્ય બાઈકસવાર સાથે અકસ્માત થયો અને તે બેભાન થઈ જતાં પ્રમુખ સ્વામી હૉસ્પીટલમાં દાખલ કર્યો હતો. તા. 2 ઓગસ્ટે ન્યુરોસર્જન ડૉ. રોશન પટેલ અને ડૉ. પરાગ પંડ્યાધવલને બ્રેઈન–ડેડ જાહેર કર્યો.

‘ડોનેટ લાઈફ’ના પ્રમુખ નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે ધવલના માતુશ્રી હંસાબહેન, દાદા પીયુષભાઈ તેમ જ પરીવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની માહીતી આપી તેનું મહત્ત્વ સમજાવ્યું. હૉસ્પીટલમાં હાજર પરીવારજનોએ તેમના લાડકવાયાના ‘અંગદાન’ થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો ધવલના અંગોનું દાન કરવાનો નીર્ણય લઈને સમ્મતી આપી.

પરીવારની સમ્મતી મળતાં જ ‘ડોનેટ લાઈફે’ જરુરી સમ્પર્ક અને કાર્યવાહી શરુ કરી. ગુજરાતની હૉસ્પીટલોમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન મળતા, ગુજરાતના ટ્રાન્સપોર્ટ ઑથોરાઈઝેશન કમીટીના ચેરમેનનો સમ્પર્ક કર્યો. ROTTO મુમ્બઈ મારફતે મુમ્બઈની ફોર્ટીસ હોસ્પીટલે હૃદય સ્વીકાર્યું. અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ની ટીમે કીડની, લીવર અને પેન્ક્રીઆસનું દાન સ્વીકાર્યું. જયારે લોકદ્રષ્ટી ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલ શીરોયા ‘નેત્રદાન’ સ્વીકાર્યું હતું.

પ્રમુખ સ્વામી હૉસ્પીટલ, સુરતથી મુમ્બઈની ફોર્ટીસ હોસ્પીટલ સુધીનું 277 કી.મી.નું અંતર 109 મીનીટમાં કાપીને દાનમાં પ્રાપ્ત થયેલું હૃદય મુમ્બઈના મહાદેવ પટેલ(ઉ.વ. 54)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

દાનમાં પ્રાપ્ત થયેલી કીડનીઓ પૈકી એક કીડની ધંધુકાના નીતાબેન મકવાણા(ઉ.વ. 38)માં અને બીજી કીડની અમદાવાદના રીનાબેન વ્રજેશભાઈ ચોક્સી(ઉ.વ. 42)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આ‌વી હતી. તેમ જ લીવર અને પેનક્રીઆસ રીસર્ચ માટે રાખવામાં આવ્યા છે.

સુરત અને દક્ષીણ ગુજરાતમાંથી 5 ઓગસ્ટ, 2018 સુધીમાં બ્રેઈન–ડેડ વ્યક્તીઓના પરીવારજનોને ‘ડોનેટ લાઈફ’, સુરતે ‘અંગદાન’ અંગે માર્ગદર્શન અને તેનું મહત્ત્વ સમજાવીને ભારતભરમાં અને વૈશ્વીકસ્તરે 624 (છસ્સો ચોવીસ) દરદીઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

–ગોવીન્દ મારુ

પ્રથમ કીસ્સો શ્રી. રોહીત પરીખ .મેલ : rohit.parikh.1107@gmail.com, મુમ્બઈના મીડડે દૈનીક માંથી ટુંકાવીને.. અન્ય પાંચ કીસ્સા આ બ્લૉગરે ‘ડોનેટ લાઈફ’, સુરતની પ્રેસનોટમાંથી ટુંકાવીને.. શ્રી. રોહીત પરીખ, મીડડે તેમ જ ‘ડોનેટ લાઈફ’ સુરત અને તેના પ્રમુખશ્રીના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–08–2018

3 Comments

  1. Very impressive, noble acts even when the survivors are under a duress … God bless them all (organs donor, surviving relatives/friends and competent medical staff and proponents!
    Bharat Gandhi, Houston, Texas, USA

    Liked by 1 person

  2. સ્નેહી ગોવિંદભાઇ,
    હાર્દિક અભિનંદન. અભિવ્યક્તિના સેવા કર્મને અેક અનોખો અને સમાજસેવાનો વિષય મળી ગયો છે. આ વિષય જરુરીઆતમંડોના જીવનને ઉજાગર કરે છે…જીવન આપે છે. પ્રેક્ટીકલ છે. પેલા જૂના વિષયો ચર્ચાને ચોરે બઘા વિચારકોને બેસાડીને…કદાચ ઝીરો પરિણામ જનક બની રહેતા હતાં.
    જીવનદાનના આ વિષયથી આપણા સમાજને જેટલાં મોટા પ્રમાણમાં જાગૃત કરી શકાય અેટલું કરવાનું કામ હાથ ઉપર લઇઅે.
    ભારતમાં ગુજરાતમિત્ર જેવા દૈનિક પેપરોમાં, આજના ‘ અભિવ્યક્તિ‘ માં છપાયેલાં સાચા દાખલાઓને છાપવાની રીક્વેસ્ટ કરવી જોઇઅે.
    હું અહિં, ગુજરાત દર્પણ, મંથલી મેગેઝીનમાં છાપવાની મદદ મળે તેવો પ્રયત્ન કરીશ.
    આજના છ અંગદાનના કીસ્સાઓમાં સમાયા છે તે સર્વે પેશન્ટ, તેમના રીલેટીવો અને ડોક્ટરો તથા અંગદાન માટેની વ્યવસ્થામાં અેકટીવ સંસ્થાઓના કર્મચારીઓને હાર્દિક અભિનંદન આપુ છું.
    તે સૌ દેવદૂતો છે.
    આ દુનિયામાં….ભગવાનો, ઋષિમુનીઓ , દેવદૂતો, છે તેના કરતાં આ સર્વે જીવતાં જાગતાં ભગવાનો ,ઋષિમુનિઓ, દેવદૂતો છે . તે સર્વેને વંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. સ્નેહી ગોવિંદભાઇ,
    અંગદાનનો અેક અનોખો અને સાચી સમાજસેવાનો વિષય ‘ અભિવ્યક્તિ‘ને મળી ગયો છે. જીવનદાન કેવું સરસ દાન છે જેને જરુરતે સ્વિકારવા માટે લોકો તલસે છે.

    હિંદુઓમાં ઘણા આજે પણ વર્ણવ્યવસ્થાના ચાહકો છે. અરે, અમેરિકામાં જીવતી પહેલી પેઢીના વડિલો વર્ણવ્યવસ્થાના વાહકો બની રહેતા હોય છે.

    જનરલી અંગદાન આપતી અને લેતી વખતે ખાસ કરીને કોનું અંગ દાનમાં અપાયુ છે તે જાહેર કરતાં નથી હોતા. તે ત્યારે કરાય છે જ્યારે બન્ને પાર્ટી સમજીને અેકબીજાને પ્રેમથી મળવા અને આભારની લાગણી વ્યક્ત કરવા ઇચ્છે છે.

    અેક વિચાર આવ્યો….ગાંડો કહો તો ગાંડો પરંતું આ પરિસ્થિતી જ્યારે ઉભી થાય ત્યારે શું થતું હશે ?

    અેક બ્રાહ્મણના શરીર માટે..જરુરતે, અેક…દલીત…કે…અેક મુસ્લીમ….ની કીડની મળતી હોય તો તેને તે બ્ર્ાહ્મણ સ્વિકારશે ?

    જવાબ મને આ વાતમાં દેખાય છે…..કારણ કે જીંદગીનો સવાલ..બની જતો હોવાથી….મને કે કમને સ્વિકારશે.

    આમ જો જીંદગીનો સવાલ ઉભો થાય અને ત્યારે નાત..જાત…ઘરમ….બઘાને ભૂલીને જીવનદાન આપતું બિજા ખોળીયાનું અંગ જો સ્વિકાર્ય હોય તો પછી આ ઘર્મના વાડાઓને જ કેમ ભૂલી ના શકાય ?

    દુનિયામાં ફક્ત અેક અને અેક અેવો ‘ માનવ ઘર્મ ‘ જ કેમ નથી સ્વિકારાતો ?

    શું ‘ સ્વાર્થઘર્મ ‘ જ અેક અને ફક્ત અેક ઇન્ટરનેશનલ ઘર્મ છે ?

    સબ કો સન્મતિ મળે…….

    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment