મનની ઈચ્છાઓ પુર્ણ થશે!

કપડવંજ તાલુકાના દેવપુરા ગામના ત્રીકાળ જ્ઞાની દશરથ ભગતજીની ખ્યાતી દુર–દુર સુધી ફેલાયેલી હતી. ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યોએ ડીંડક જ્ઞાની, ઠગ, ઢોંગી દશરથ ભગતજીના પાખંડનું ‘પગેરું’ કઈ રીતે મેળવ્યું? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે. [………………]

મનની ઈચ્છાઓ પુર્ણ થશે!

–રમેશ સવાણી

“ભગતજી! મેં પીએચ. ડી. કર્યું છે. મારે પ્રૉફેસર બનવું છે. આશીર્વાદ આપો!”

“તમારું નામ? પરીચય?”

“ભગતજી! મારું નામ જનક દવે છે. ઉમ્મર એકત્રીસ. અમદાવાદ રહું છું. ભૌતીકશાસ્ત્ર ભણ્યો છું.”

“જનકભાઈ! પ્રૉફેસર થવા માટે વીધી કરવી પડશે. આવતા રવીવારે આવજો. પચ્ચાસ ગ્રામ અબીલ, ગુલાલ, કંકુ અને સીન્દુર લાવજો. પાંચસો ગ્રામ ચોખા, ઘઉં, અડદ, ઘી, અને ગોળ લાવજો. નાની–નાની ચીજવસ્તુઓ હું આપીશ. ખર્ચ બે હજાર થશે.”

“ભગતજી! ભલે ખર્ચ થાય. નોકરી મળતી હોય તો મારી તૈયારી છે!”

કપડવંજ તાલુકાના દેવપુરા ગામના દશરથ ભગતજીની ખ્યાતી દુર–દુર સુધી ફેલાયેલી હતી. એમની ઉમ્મર પચ્ચાસ. દેહ ઉંચો. બાંધો મધ્યમ. લાંબી દાઢી. લાંબા વાળ. ગળામાં માળાઓ. કપાળમાં લાંબુ કાળું તીલક. સફેદ વેશભુષા બોલવાની છટા. આ બધાના કારણે ભગતજીની આજુબાજુ આભા વર્તુળ રચાઈ જતું હતું.

રવીવારે જનકભાઈ બધી તૈયારી સાથે ભગતજી પાસે પહોંચ્યા, કહ્યું : “ભગતજી! વીધીની અસર તાત્કાલીક થાય તેવું કરજો!”

“જનકભાઈ, ચીંતા ન કરો. મારી પાસે મેલીવીદ્યા છે. માતાજીની કૃપા છે. હું ધારું તે કરી શકું છું!”

“ભગતજી! હું વીજ્ઞાન ભણ્યો છું એટલે ક્યારેક મને શંકાઓ થાય છે!”

“કેવી શંકાઓ થાય છે?”

“ભગતજી! ક્યારેક પાંચ–છ વરસના માસુમ બાળકોની હત્યા થાય છે. પાણીમાં ડુબી જાય છે. અકસ્માતમાં મૃત્યુ પામે છે. આવા બાળકોએ કોઈ પાપ કર્યું હોતું નથી, કોઈ ગુનો કર્યો હોતો નથી. છતાં ભુલકાંઓને ઈશ્વર કેમ બચાવતો નથી?”

“જનકભાઈ, જે કામ માતાજી કે ઈશ્વર ન કરી શકે, તે કામ ભગતજી કરી શકે, ભુવાજી કરી શકે!”

“ભગતજી, મને માફ કરજો. મારા મનમાં વધુ શંકાઓ જન્મી છે. માત્ર મને જ નહીં, ગુજરાતના તમામ બેરોજગારોને રોજગાર મળી જાય, એવું તમે કેમ કરતા નથી? તમામ વંચીતોની વંચીતતા દુર થઈ જાય, છેવાડાના માણસોનો વીકાસ થઈ જાય, એવી કૃપા કેમ કરતા નથી? જે બાળકોને શીક્ષણની સૌથી વધુ જરુર છે, એમને જ શીક્ષણ મળતું નથી, આ સ્થીતી તમે બદલી શકો? સમાજમાં શાંતીપ્રીય નાગરીકોને માથાભારે તત્ત્વોનો ત્રાસ ભોગવવો પડે છે, તો એ બધાં તત્ત્વોના હાથ, પગ અને મગજ લક્વાગ્રસ્ત તમે કરી શકો?

“જનકભાઈ! મેં સમાજ સુધારણાનો કોન્ટ્રાકટ લીધો નથી. મારી સમક્ષ આવે એનું ભલું કરું છું. મારી પાસે આવે તેમની મનની ઈચ્છાઓ પુર્ણ થાય છે. અસાધ્ય રોગ મટે છે. સન્તાન ન થતા હોય તેમને સન્તાનપ્રાપ્તી થાય છે. બેરોજગારોને રોજગારી મળે છે. કુટુમ્બના ઝઘડાઓ શાંત થાય છે. પતી–પત્ની વચ્ચે સુમેળ થાય છે. પ્રેમીપંખીડાનો માળો બન્ધાય છે. ઘરવીહોણાનો બંગલો બની જાય છે. કોર્ટકચેરીમાં અટવાયેલા કામો પુરા થાય છે!”

“ભગતજી! તમે જે કામ કરો છો, એ કામ તો ઈશ્વર, ખુદા કે ગોડ પણ કરી શકે કે કેમ, એ મને સમજાતું નથી!”

ભગતજીએ વીધી કરી. જનકભાઈ ખુશ–ખુશ થઈ ગયા.

દોઢ વર્ષ પુરું થયું. જનકભાઈએ ત્રણ લાખનો ખર્ચ વીધી પાછળ કરી નાખ્યો હતો; છતાં તેમને પ્રૉફેસરની નોકરી ન મળી. એ તો ઠીક કલાર્કની નોકરી પણ ન મળી. જનકભાઈ ગુંચવાઈ ગયા. તેમણે પુછ્યું : “ભગતજી! તમારી વીધીની અસર કેમ થતી નથી?”

“જનકભાઈ, એનું કારણ છે. તમારા કુટુમ્બમાંથી કોઈએ તમારા ઉપર મેલું કરેલું છે. એ નડતરની ગાંઠો નડે છે. નડતર દુર કરવા વીધી કરવી પડશે, તમે તૈયાર છો?”

“ભગતજી, હું વીચારીને કહું. બે અઠવાડીયાનો સમય આપો!”

તારીખ 11 ફેબ્રુઆરી, 2001. રવીવાર. સવારના અગીયાર થયા હતા. ભગતજીના સ્થાનકે લોકો એકત્ર થયેલા હતા. એ સમયે જનકભાઈ ત્યાં પહોંચ્યા અને ભગતજીના પગ પકડી કહ્યું, “ભગતજી! તમારી કૃપાથી હું પ્રૉફેસર બની ગયો! મારી સાથે સુરતના ગુણવન્તભાઈ ચૌધરી, કેશુભાઈ પટેલ અને મધુભાઈ કાકડીયા છે. આ બધા એમની સમસ્યાઓ દુર કરવા અહીં આવ્યા છે.”

“જનકભાઈ, તમને પરચો મળી ગયો છે. તેમ તમારા મીત્રોને પણ અચુક લાભ થશે. બોલો, ગુણવન્તભાઈ શું તકલીફ છે?”

“ભગતજી! પેટનો દુખાવો બે વર્ષથી છે. કેટલાય દવાખાનામાં ગયો; પણ દુખાવો મટતો નથી!”

ભગતજીએ ગુણવન્તભાઈના કપાળ ઉપર સ્પર્શ કર્યો અને કહ્યું : “ગુણવન્તભાઈ, પેટમાં ગાંઠ છે. બાળપણમાં તમે કાંકરો ગળી ગયા હતા, તેના ઉપર ગાંઠ થઈ ગઈ છે!”

“પણ, ભગતજી! મેં પેટનો ઍક્સ–રે કરાવ્યો. સોનોગ્રાફી કરાવી. કાંકરો કે ગાંઠ દેખાતા નથી!”

“ગુણવન્તભાઈ! આ એવી ગાંઠ છે, જેની પાસે દીવ્યશક્તી હોય તેને જ દેખાય! વીજ્ઞાનના સાધનો તેને જોઈ ન શકે!”

“ભગતજી! ગાંઠ દુર કરો. દુખાવો સહન થતો નથી!”

“ગુણવન્તભાઈ, આવતા રવીવારે આવજો. ગાંઠ દુર થઈ જશે! બોલો, મધુભાઈ! તમને શું દુઃખ છે?”

“ભગતજી! લગ્ન થયાને વીસ વર્ષ થયા. સન્તાન નથી.”

“મધુભાઈ, સમજી ગયો. તમારા પત્ની કયાં છે?”

“ભગતજી! મારા પત્ની ગ્રેજ્યુએટ છે. હું સાથે લાવવા ઈચ્છતો હતો, પણ તે તૈયાર ન થયા. મારી વીનન્તી છે, તમે સુરત અમારે ત્યાં પધારો. જે ખર્ચ થશે ને હું ભોગવીશ!”

ભગતજીએ પાટ માંડી. દાણા જોયા. ધુપદીપ કર્યા. શરીર ધ્રુજાવ્યું પછી કહ્યું : “આવતા શુક્રવારે હું સુરત આવીશ. માતાજીની મંજુરી મળી ગઈ છે!”

સૌએ ભગતજીના આશીર્વાદ લીધા.

તારીખ 23 માર્ચ, 2001. શુક્રવાર. સ્થળ સુરત, ઉધના હરીનગર ટીમ્બર માર્ટ. સૌ ઉત્સુકતાથી ભગતજીના સ્વાગત માટે તૈયાર હતા. સન્તાનપ્રાપ્તીની વીધી અને પેટમાં રહેલી ગાંઠ દુર કરવાની વીધી નીહાળવા સૌ આતુર હતા. બપોરના બાર વાગ્યે ભગતજીની પધરામણી થઈ. સૌએ ભગતજીના આશીર્વાદ ગ્રહણ કર્યા. વીધીની તૈયારી જોઈને ભગતજીના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. ભગતજી સાથે તેમના શીષ્ય પીયુષ વ્યાસ અને પરબત પટેલ હતા. તેમણે ભગતજીના પરચાઓના વર્ણનવાળી પત્રીકાઓની વહેંચણી કરી.

વીધીની શરુઆત થઈ. મધુભાઈ અને તેમના પત્ની ભગતજીની સામે ગોઠવાયા. ભગતજીએ કહ્યું: “મધુભાઈ, તમારા મનની ઈચ્છાઓ પુર્ણ થશે! પુત્રપ્રાપ્તી થશે!”

“ભગતજી! આવું તમે કયા આધારે કહો છો?”

“મધુભાઈ! મેં તપ કર્યું છે. દેવ–દેવીઓને રીઝવ્યા છે. દીવ્યશક્તી પ્રાપ્ત કરી છે. હું ઈચ્છું તે થાય જ! એમાં વચ્ચે માતાજી પણ ન આવે! અહીં જનકભાઈ હાજર છે, એમને પરચો મળી ગયો છે! હું ત્રીકાળ જ્ઞાની છું. હું બધું જાણું છું!”

“ભગતજી! તમે ત્રીકાળ જ્ઞાની છો, એનો પુરાવો શું છે?”

“મધુભાઈ! ત્રીકાળ જ્ઞાનના પુરાવા ન હોય! અનુભવથી ખાતરી થાય!”

“ભગતજી! મને માફ કરજો. હું એટલું ચોક્કસ જાણું છું કે તમે ત્રીકાળ જ્ઞાન તો ઠીક, વર્તમાન જ્ઞાન પણ ધરાવતા નથી!”

“મધુભાઈ! તમે શું બોલો છો? તમને શું થઈ ગયું છે? વીચારીને બોલો!”

“ભગતજી! હું વીચારીને જ બોલું છું. તમે વર્તમાન જ્ઞાની પણ નથી, એનો પુરાવો અમારી પાસે છે, જે તમે પણ કબુલ રાખશો!”

“તમે કહેવા શું માંગો છો?”

ભગતજી! અમે કોણ છીએ તેની જ તમને ખબર નથી! એનો અર્થ થયો કે તમે ત્રીકાળ જ્ઞાની નથી, ડીંડક જ્ઞાની છો. ઠગ છો. ઢોંગી છો. અહીં પ્રૉફેસર બાબુભાઈ દેસાઈ, શીક્ષક સીદ્ધાર્થ દેગામી, એડવોકેટ જગદીશ વકતાણા, ગુણવન્ત ચૌધરી, કેશુભાઈ પટેલ, રમેશ ચૌધરી અને બેરોજબેન દારુવાળા હાજર છે. અમે સૌ ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યો છીએ. અમારું કામ પાખંડીઓનું પગેરું મેળવવાનું છે. તમારી જાણ ખાતર ગુણવન્તભાઈને પેટમાં કોઈ ગાંઠ નથી અને મારે બે સન્તાન છે, એ તમે જાણી શક્યા નહીં! જનકભાઈ હજુ બેરોજગાર છે! એમની ફરીયાદ ‘સત્યશોધક સભા’ને મળી એટલે અમે છટકું ગોઠવ્યું હતું! અહીં પ્રેસફોટોગ્રાફર્સ અને પત્રકારો હાજર છે.”

ભગતજી સત્યશોધક સભા’ના સભ્યોના પગે પડી ગયા અને આજીજી કરી : “મને માફ કરો. આજથી ધુણવાનું બન્ધ. નડતર કાઢવાનું બન્ધ. મન્ત્રતન્ત્ર બન્ધ. પાખંડ બન્ધ!”

“લેખીત કબુલાત આપો!”

“હું બે ચોપડી ભણ્યો છું. મને લખતા કે સહી કરતા આવડતું નથી!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (22, ફેબ્રુઆરી, 2017) માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12–10–2018

11 Comments

  1. આવા ઢોંગીઓને વીણી વીણીને ખુલ્લા પાડવામાં આવે તો પણ વગર મહેનતની કમાણી અને લોકોનું અજ્ઞાન જોતાં કદાચ આપણા દેશમાં નવા નવા પાખંડીઓ પેદા થતા જશે અને આવા ધંધા વર્ષો સુધી ચાલતા રહેશે એમ લાગે છે.
    સુરતની સત્યશોધક સભા ખુબ જ લોકોપયોગી કામ કરે છે. એમને તથા ગોવીન્દભાઈ તમને પણ આ કામ માટે હાર્દીક ધન્યવાદ. તમે પણ ખુબ સારી સેવા કરો છો. અને હા, આ પ્રકારના કીસ્સા શોધીને બહાર લાવવા માટે એના લેખક શ્રી. રમેશ સવાણીનો પણ આભાર.

    Liked by 3 people

  2. ગોવિંદ ભાઈ સાહેબ
    બ્લોગ ઊપર આવતા તમામ લેખો કીસ્સા ધણા જુના હોયછે….

    શુ નવા કોઈજ કિસ્સા બનતા નથી….

    હાલ મા જ હુ… સુરેન્દ્રનગર નજીક સરા …જઈ આવ્યો….મેલડી માતા ના
    નામે…..અત્યારે પણ ત્યાં બધુ ચાલે છે….
    ભુવા દર શનિવરે બેઠકો બોલાવે છે….સેકડો લોકો પુરી રાત રોકાય છે……સવાલ
    જવાબ થાય છે….જાર ના દાણા અપાયછે….

    આ અગાઊ ૪/૫ વર્ષે પહેલા હુ ગયો હતો….એક માલ નુ મંદિર હતુ…. ત્યાં આજે ૪/૫
    કરોડ નુ વિશાલ મંદિર બને છે….બે મોટી ચાર ચાર માલ ની ધર્મશાલા બની ગઈ છે….

    ગામ મા અન્યત્ર ગરીબી ખૂબ જ છે….

    આ અંગે ઊપર કશુ થઈ શકે તેમ નથી….

    થાય તો…હૂ પણ સાથ આપીશ….
    જવાબ ની રાહ જોતો…

    Amul shah
    Mumbai
    9322289482

    Liked by 2 people

    1. અમુલભાઈ,
      ગરીબ, લુલા, લંગડા, મુકબધીર પ્રજ્ઞાચક્ષુ ઘરબાર વિનાના રખડતા લોકો, અનાથ બાળકો એવા અનેક માટે આપણા મંદિર દાની લોકો ક્યારે સમજશે કે ખરો ધર્મ કયો છે. દાન કે મોટા મંદિર ઉપાશ્રય બનાવો. ભલે બનાવો પણ દાનનો ખરો ધરમ જાણશો તો ભયો ભયો. મંદિરની બહાર દેવ દર્શન કર્યા પછી બહાર બેસેલા ભિક્ષુકોને દાન દઈ શકતા નથી એ આપણા સમાજનું દુષણ છે. જય જીનેન્દ્ર.

      Liked by 3 people

  3. ખુબ સરસ.
    આપ ખુબ મહેનત થી લેખ લખો છો એ સ્પષ્ટ દેખાય છે. ભવિષ્ય માં પણ આવા સમાજ ઉપયોગી લેખો અમને વાંચવા મળશે એવી આશા.
    આપ આપના વ્યકિતગત સમય માંથી સમય કાઢીને ખુબ સરસ કાર્ય કરો છો.
    આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છા….

    Liked by 3 people

  4. Namaste sir,
    બહું સરસ રીતે સુજ બુજ, નિડરતા થી पाखंड નો ભંડાફોડ કર્યો, એક ધુતારા ને સત્ય નો રસ્તો બતાવી અંધ શ્રધ્ધા માં ગળા डूब લોકે ને કાંઈક તો અસર થશે સત્ય શોધક શાખા, टीम ને જે માનવ वादी कार्य કર્યું છે તે ખુબ સરાહનીય છે खूब खूब શુભેચ્છા સાથે અભિનંદન खुश रहो स्वस्थ रहो.
    ધન્યવાદ सर जी

    Liked by 2 people

  5. અેક અેક કરીને અભીવ્યક્તિઅે કેટલાં પાખંડીઓના કિસ્સા છાપ્યા. બઘા જ કિસ્સા અેક જ પ્રકારના. કોઇ ફેરફાર નહિ દેખાય. અભિવ્યક્તિઅે હવે બીજા સમાજોપયોગી આર્ટીકલો છાપવા જોઇઅે. આ વિષય રીપીટ થયા કરે છે. આવા સવાલોના સોલ્યુશન રુપે મેં અગાઉ થોડા સજેશનો કરેલાં. આ સોલ્યુશનો જ મદદ કરી શકે.પ્રાથમિક શાળાના અને મીડલ શ્કુલના વિદ્યાર્થિઓ માટે સત્ય શોઘક સભાના મેમ્બરોના અઠવાડીઅે બે વર્ગ ચાલુ કરાવો. ગળથૂથીમાંથી તે બાળકોને સત્યશોઘક બનાવો. સુરત સત્ય શોઘક સભા કેટ કેટલે દોડશે ? ગામડે ગામડે ઘુતારાઓ બેઠા છે. તેમને માનનારાઓ હજારો…લાખાની સંખ્યામાં જીવે છે….ઘુતારાઓની ચાલના શીકાર બને છે. સવાલની ચર્ચા નહિ કરીઅે કારણ કે આપણે સવાલ જાણીઅે છીઅે. હવે આપણે તે સવાલોનું નિરાકરણ શોઘવાનું છે. સમાજને બચાવવો છે. ફક્ત સુરત સત્ય શોઘકના મેમ્બરો આ પ્રશ્નનું નિરાકરણ આપી નહિ શકે. હજારો સત્ય શોઘકોની જરુરત છે. આ હજારો સત્યશોઘકો ફક્ત ઉગતી પેઢીમાંથી જ મળી શકે. તેને માટે પેલા ભણેલા અભણ મુખ્યમંત્રી, વડાપ્રઘાન જ હુકમ છોડીને શાળાઓમાં ક્લાસો શરુ કરાવી શકે. ભારતના બઘા જ રાજ્યોના પ્રઘાનો ભગત ભૂઆના ઘરે જનારા છે. તેમને પહેલાં અક્કલ આપો….હાં…અક્કલ આપો. ચૂટણી જીતવા માટે નાના બાળકોના બલી ચઢાવનારાઓ કહેવાય છે કે હજી જીવતા છે. સાચુ જુઠું તેમના હૃદય જાણે….જેમણે આવા કૃત્યો કર્યા હોય. ગામડાના લોકોની વાત કરી…અરે શહેરના પૈસાવાળાઓ પણ આવા ઘતીંગોમાં માતા હોય છે. મરચાં લીબુંના હારતોરા દરવાજે બાંઘે છે. સવાલ બઘા જ જાણે છે….નિરાકરણ શોઘવાની અને તેને અમલમાં મુકવાની જરુરત છે. વોલેન્ટીયરોની જરુરત છે. શહેરના સિનિયર સીટીઝનો ખૂબ મદદ કરી શકે. સવાલને દોહરાવવાને બદલે નિરાકરણના લેખો છાપિને વાચકોને સજાગ કરીઅે. પ્રશ્ન તો ચવાઇ ગયેલો છે. નિરાકરણ જ લોકજાગૃતિ લાવી શકે.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  6. આ પ્રકાર ના ધતિન્ગો હિન્દુ ઉપરાંત મુસ્લિમ અને ખ્રિસ્તિ ધર્મ માં પણ થઈ રહ્યા છે. શું ‘સત્યશોધક સભા’ જેવી સંસ્થા આવા ધતિન્ગો પૂરા દેશમાં થી નાબૂદ કરી શકે છે?

    અમેરિકા અને કેનેડા જેવા પ્રગતિશીલ દેશો માં પણ આવા ધતિન્ગો થઈ રહ્યા છે. આ પહેલા આવા ઍક ધતિન્ગ કરી રહેલા પાખન્ડી મુલ્લા ને ઉઘાડો પાડવા માટે મેં કેનેડાના ઉર્દૂ ભાષા ના અખબારો માં ઘણુ લખેલ હતું. અત્યારે તે પાખન્ડી મુલ્લા આવા ધતિન્ગો થી અળગો થઈ ગયેલ છે .

    બીજા ધર્મો માં થઈ રહેલા આવા ધતિન્ગો ને પણ નાબૂદ કરવાની સખત જરૂરત છે. ઍ માટે કોઈ જબરદસ્ત ક્રાંતિ ની જરૂરત છે. ક્યારે થશે ઍ ક્રાંતિ???

    Liked by 3 people

  7. I think it’s a long & difficult way to awaken our people. For centuries we have been thought to believe in such beliefs. It perhaps will need to give a strong shock therapy to awaken our people.Let us us hope for the best to awaken the sleeping ignorant people.

    Liked by 3 people

  8. Respected Govindbhai,

    One of my family member is currently fooled by a Vastushashtri Panchal in
    Nadiad. Any suggestion to expose this corrupt Vastu Expert and to stop him
    from spreading blind faith and weakening human spirit ?
    Please advise.

    Naren Patel
    USA
    281.686.6055

    Liked by 1 person

    1. વહાલા નરેનભાઈ,
      ‘અભીવ્યક્તી’ બ્લૉગ વીચારપત્ર છે અને તે થકી રૅશનલ વીચારો વહેંચવાનો ધર્મ/ફરજ બજાવે છે.
      ‘અભીવ્યક્તી’ બ્લૉગના આમુખ(મેનુ)માં ‘ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ પેઈજ પર ગુજરાત રાજ્યમાં ચમત્કારનો પર્દાફાશ કરતાં કેન્દ્રો અને તેના કાર્યકરોના નામ અને સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે. ‘વહેમ અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’, નડીયાદના ડૉ. જેરામભાઈ દેસાઈ – 87803 85795, 99259 24816નો સમ્પર્ક કરવા વીનન્તી છે.

      Like

  9. કોઈના પણ મનની ઈચ્છા પુર્ણ કરી આપવા માટે 

    ગલીએ ગલીમાં લેભાગુ ઉભા હોય છે. 

    ખોટા વચનો આપનાર રાજકરીણીઓ પણ લેભાગુ જ કહેવાય. 

    જેમકે નર્મદા ડેમનું પાણી કચ્છના છેવાડે પહોંચાડી આપવું.

    મંદીર બનાવી પુજા પાઠ કરશો તો બધી ઈચ્છાઓ પુરી થશે.

    વ્યાખ્યાન કે કથા કહેતા ગુરુઓ પણ છેવટે ઈચ્છા પુરી કરવાનું વચન આપે છે.

    આ ગુરુ કથાકારો કે રાજકરણી પાસેથી જ્ઞાન કે

    દીવ્યજ્ઞાન મેળવી લેભાગુઓ ને ઘી કેળા થઈ જાય છે.

    આપણા દેશમાં વેદ, ઉપનીષદ, રામાયણ, મહાભારતથી આ પ્રવૃત્તી ચાલે છે. 

    સુરતની સત્યશોધક સભા દ્વારા થયેલ ઉપરોક્ત કાર્યવાહીને

    રમેશભાઈએ લેખીત કરી રજુઆત કરેલ છે એ પ્રવૃત્તી 

    ચાલુ રાખવી જોઈએ. 

    જેમની પાસે સમય અને સગવડ હોય એમણે પોતાની રેશનલ 

    વીચાર સરણીનો ઉપયોગ કરી લેભાગુઓની ઠગાઈ 

    ખુલ્લી પાડવી જોઈએ.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s