રાષ્ટ્રવાદ સંકુચીત છે!

હીન્દુ ધર્મ સીવાયના અન્ય ધર્મો પાળનારાઓ શું રાષ્ટ્રીયતા માટે લાયક નથી? ઈસ્લામ, ક્રીશ્ચીયન, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહુદી ધર્મ પાળનારાઓ બહારના ગણાય? ધર્મ આધારીત રાષ્ટ્રવાદ ભલે તે હીન્દુ રાષ્ટ્રવાદ હોય, મુસ્લીમ રાષ્ટ્રવાદ હોય કે ખ્રીસ્તી રાષ્ટ્રવાદ હોય તે આખરે માનવસમાજ માટે વીનાશકારી છે.  

રાષ્ટ્રવાદ સંકુચીત છે!

–ધવલ મહેતા

શ્રી. એમ.એસ. ગોલવેલકરે તેમના ‘અધર નેશનહુડ ડીફાઈન્ડ’ (1930) નામના પુસ્તકમાં લખ્યું છે, ‘હીન્દુસ્તાનમાં રહેતા બીનહીન્દુ લોકોએ હીન્દુ સંસ્કૃતીને અને ભાષાને અનુકુળ થતાં શીખવું પડશે. હીન્દુ ધર્મને માન આપતાં શીખવું પડશે. તેઓએ હીન્દુ જાતી (રેસ) અને હીન્દુ સંસ્કૃતીના ગુણગાન ગાવા સીવાય અન્ય કોઈ વીચાર મનમાં લાવવો જોઈએ નહીં. બીનહીન્દુ લોકો આ દેશમાં રહી શકશે; પરન્તુ તેમણે હીન્દુ રાષ્ટ્રને સમ્પુર્ણ તાબેદાર (સબઓર્ડીનેટ) રહેવું પડશે. તેઓ નાગરીક હક્ક સહીતના અન્ય કોઈ દાવાઓ રજુ કરી શકશે નહીં. આ દેશમાં માત્ર હીન્દુઓ જ રાષ્ટ્રીય છે અને મુસ્લીમો તથા અન્ય લોકો, જો તેઓ રાષ્ટ્રવીરોધી ન હોય તો રાષ્ટ્રના દેહથી બહાર તો છે જ.’ (પાના નં. : 55-56)

ઉપરનું વીધાન વૈશ્વીક માનવવાદની વીચારસરણી અને મુલ્યોથી તદ્દન વીરુદ્ધનું છે. તે રાષ્ટ્રનું અને માનવીય ગૌરવનું અપમાન કરે છે. રાષ્ટ્રીયતા શું છે તે નક્કી કરવાનો હક્ક ગોલવેલકરને વળી કોણે આપ્યો હતો? ભારત હજુ સ્વતન્ત્ર થયું ન હતું તે પહેલાં 1939માં તેમણે આ પુસ્તક લખીને પોતાનું મુસ્લીમવીરોધી દૃષ્ટીબીન્દુ પ્રગટ કર્યું હતું. વળી, તેઓ એમ પણ કહે છે કે ભારત જો સ્વતન્ત્ર રાષ્ટ્ર થશે તો તેમાં મુસ્લીમોને તથા હીન્દુ ધર્મ સીવાયના અન્ય ધર્મ પાળનારાઓને નાગરીકત્વ નહીં મળે. શ્રી. ગોલવેલકરના દૃષ્ટીબીન્દુઓમાં ઘણી ત્રુટીઓ જોવા મળે છે.

પ્રથમ તો એ કે બધા હીન્દુઓને સાંકળતી ભારતમાં કોઈ એક ભાષા નથી. ભારતમાં એક ડઝનથી વધુ પ્રભુત્વ ધરાવતી ભાષાઓ છે. ભારતની એક માત્ર ભાષા હીન્દી ગણીએ તો તેમાં પણ અનેક પ્રકારો (ખડીબોલી, અવધી, વ્રજભાષી, મૈથીલી, ભોજપુરી વગેરે) જોવા મળે છે. પ્રાચીન ભારતની સંસ્કૃત ભાષા તો ચાલે તેમ નથી જ. તે સમયકાળમાં પણ સંસ્કૃત ભદ્ર લોકોની ભાષા હતી, આમ જનતાની નહીં. ટુંકમાં, ભારતને એકસુત્રતાથી બાંધનાર કોઈ ભાષા નથી. બીજું એ કે શ્રી. ગોલવેલકરના ઉપરના વીધાનમાં હીન્દુ ‘રેસ’નો જ ઉલ્લેખ છે તેવી કોઈ હીન્દુ ‘રેસ’ નથી. ખરેખર તો આર્યો, મુસ્લીમો, પારસીઓ, ઈરાનીઓ બધા એક જ ‘રેસ’માંથી ઉતરી આવ્યા છે તેવું નૃવંશશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. ત્રીજું શ્રી. ગોલવેલકરનું વીધાન લોકશાહી રાજ્યવ્યવસ્થા અને લોકશાહી જીવનપદ્ધતીની વીરુદ્ધનું છે. આવા વીચારો તેમનું આપખુદ અને સરમુખત્યારશાહી માનસીક વલણ પ્રગટ કરે છે. હીન્દુ ધર્મ સીવાયના અન્ય ધર્મો પાળનારાઓને એમ કહેવું કે તમે ભારતની રાષ્ટ્રીયતા માટે લાયક નથી તે બરાબર નથી. પરધર્મીઓને આપણે ‘સેકન્ડ ક્લાસ’ નાગરીકો તરીકેનો દરજ્જો પણ આપી ન શકીએ. શ્રી. ગોલવેલકરની દૃષ્ટીએ પારસીઓ, શીખો, જૈનો પણ ભારતના નાગરીક ન બની શકે.

પરન્તુ વીનાયક સાવરકરને શ્રી. ગોલવેલકરની આ ક્ષતી જણાઈ ગઈ. તેથી તેમણે 1949ના તેમના હીન્દુત્વ નામના પુસ્તકમાં લખ્યું, ‘આપણી હીન્દુત્વની વ્યાખ્યાને આધારે શીખો હીન્દુ છે; પરન્તુ તે ધર્મના આધારે નથી, ધાર્મીક રીતે તેઓ શીખ છે. જેમ જૈનો ધાર્મીક રીતે જૈન છે. લીંગાયતો લીંગાયત છે અને વૈષ્ણવો વૈષ્ણવ છે; પરન્તુ આપણે બધા રેસની દૃષ્ટીએ, રાષ્ટ્રની દૃષ્ટીએ અને સંસ્કૃતીની દૃષ્ટીએ એક રાજકીય એકમ (પોલીટી) છીએ. લોકો (પીપલ) છીએ; આપણે શીખો, હીન્દુઓ અને ભારતીય છીએ. ત્રણેય એકી સાથે છીએ. માત્ર એક જ રીતે હીન્દુ નથી. (પાના નં. : 125)

વીનાયક સાવરકરના ઉપરના ચતુરાઈપુર્વકના વીધાન પરથી એવું જણાય છે કે હીન્દુ, શીખો કે જૈનો વચ્ચે વીખવાદ ટાળવા તેમણે હીન્દુત્વની વ્યાખ્યા જાણી જોઈને અસ્પષ્ટ રાખી હતી. શીખો એ શીખો છે અને જૈનો એ જૈનો છે એ વીધાન અર્થ વીનાનું છે. આમાંથી સાવરકરે એક વાત ઉપસાવી કાઢી કે જે ધર્મો ભારતમાં જન્મ્યા છે (હીન્દુધર્મ, શીખધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ) તે બધા હીન્દુત્વની વ્યાખ્યામાં સમાઈ જાય જ્યારે ઈસ્લામ, ક્રીશ્ચીયન, પારસી, યહુદી ધર્મો પાળનારાઓને બહારના ગણવા. કારણ કે, આ બધા ધર્મોનો જન્મ ભારતમાં થયો નથી. વીદેશી ધર્મોને પાળનારા વીધર્મીઓ. આ વ્યાખ્યા પ્રમાણે અમુક ધર્મો અન્દરના અને અમુક ધર્મો બહારના અને તેથી અણગમતા એવો વીચાર ઉભો થાય છે; જે ભારતીય સમાજ માટે ભયજનક રીતે હીંસક છે. અણગમતા ધર્મોને તમારાથી દુર રાખો અને તેવા લોકો સાથે સામાજીક વ્યવહાર કરશો નહીં. વળી, અન્ય ધર્મીઓને ભય પમાડવા છેલ્લા પચ્ચીસ વર્ષમાં હીન્દુત્વના અનુયાયીઓએ ત્રીશુળ, દુર્ગામાતા, કાલીમાતા, મહાપુજા, મહાઆરતી, મહીસાસુરમર્દીની જેવા ધાર્મીક પ્રતીકો ઉભા કર્યા છે.

બીજું હીન્દુત્વની અસ્મીતા શ્રી. ગોલવેલકર અને તેમના અનુયાયીઓ (આર.એસ.એસ.)એ હીન્દુસ્તાનના ભવ્ય ભુતકાળ દ્વારા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. જાણે અન્ય પ્રથાઓ જંગલી હતી, ત્યારે હીન્દુઓ એકદમ સુસંસ્કૃત હતા; તેવી તેમની દૃઢ માન્યતાને પડકારી શકાય તેમ છે. ઈજીપ્શીયનોએ ભારતમાં આર્યો આવ્યા તે પહેલાં પીરામીડોની રચના કરી હતી. બીજી માન્યતા એ છે કે ‘અત્યારનું આધુનીક વીજ્ઞાન હીન્દુધર્મના ધાર્મીક પુસ્તકોમાં છુપાયેલું હતું અને છે. પશ્ચીમી જગતે જે વૈજ્ઞાનીક શોધો કરી છે તે આપણા વેદો, ઉપનીષદો કે અન્ય ધાર્મીક ગ્રન્થોમાં છુપાયેલા જ્ઞાન આધારે કરી છે.’ દા.ત.; પ્રાચીન ભારતમાં વીમાન હતું અને પશ્ચીમી જગતે ભારતીય ગ્રન્થોનો અભ્યાસ કરીને તે શોધ્યું હતું. વળી ટી.વી., ટેલીફોન, રોગનાશક દવાઓ, શસ્ત્રક્રીયા (સર્જરી) બધું આપણા શાસ્ત્રોમાં હતું જ. આ એક ખુબ જ મોટું જુઠ્ઠાણું અને દમ્ભ છે. દા.ત.; વૈદીક ગણીત ખુબ જ પ્રથમીક કક્ષાનું ગણીત છે. જેનાથી તમને ઝડપથી ગણતરી આવડે; પરન્તુ ઝડપી ગણતરી એ આધુનીક ગણીતના હાર્દમાં નથી. આધુનીક ગણીતશાસ્ત્ર તેનાથી જોજનો દુર ઉચ્ચકક્ષાનું (એડવાન્સ) બની ગયું છે. આયુર્વેદની વાયુ (વાત), પીત્ત અને કફની થીયરીને હવે કોઈ અદ્યતન મેડીકલ વીજ્ઞાન સ્વીકારતો નથી. આયુર્વેદ પાસે જર્મ રોગ (જન્તુ – વાયરસ આધારીત) થીયરી જ નથી. ભારતીય વૈજ્ઞાનીકોએ ભુતકાળમાં અમુક સીદ્ધીઓ હાંસલ કરી હતી તે વાત સાચી; પરન્તુ તે હકીકત ઘણી જુની થઈ ગઈ. 15મી સદી પછી પશ્ચીમે વીજ્ઞાનમાં જે અદભુત શોધો કરી છે તેની સરખામણીમાં ભારત કે ચીનની શોધોની કોઈ વીસાત નથી; પરન્તુ ધાર્મીક રાષ્ટ્રવાદમાં માનતા લોકો એ જુઠ્ઠાણું છોડવા તૈયાર જ નથી. ભારતમાં ભુતકાળમાં રામમરાજ્ય હતું અને ભારતમાં દુધ–ઘીની નદીઓ વહેતી હતી; લોકો પુષ્કળ સમૃદ્ધ હતા. ઘણું લાંબુ જીવન જીવતા હતા. ઉપરની બન્ને વાતોની કોઈ સાબીતી પ્રાપ્ત થઈ નથી.

વળી, ભુતકાળમાં ભારતની સમૃદ્ધી તેના રાજાઓ, ઉમરાવો, મોટા વેપારીઓ અને મન્દીરના પુજારીઓ પુરતી જ મર્યાદીત હતી. દેશની આમ જનતા પાસે કોઈ સમૃદ્ધી ન હતી. આમ જનતા માટે તો ક્યારેય સતયુગ ન હતો. સોનું, ચાંદી, ઝવેરાત માત્ર રાજમહેલો, કીલ્લાઓ અને ભવ્ય મન્દીરો પાસે હતાં. સોમનાથના મન્દીરમાં તે જમાનામાં કેટલું સોનું–ચાંદી વગેરે એકત્ર કરવામાં આવ્યું હશે? આજે તીરુપતીના મન્દીર પાસે પુષ્કળ સોનું જમા થાય છે. ભુતકાળમાં અને આજે પણ ભારતના આમ આદમી પાસે આવું જર–ઝવેરાત નથી અને ક્યારેય ન હતું. મન્દીરોમાં સોના–ચાંદી, નીલમ–રત્નો વગેરે એકત્ર થવાં એ પ્રજાની અન્ધશ્રદ્ધા અને ધાર્મીકતાનું સુચન કરે છે. વળી, આર્યો ભારતમાં જ રહેતા હતા અને બહારથી આવ્યા જ નથી તે માન્યતા પણ પુરાવા વીનાની છે. આર્યો અહીંના મુળવતની હતા જ નહીં. હીન્દુત્વને આધારે ઉભો થયેલો રાષ્ટ્રવાદ કેટલીક પુરવાર નહીં થયેલી માન્યતાઓ પર પોતાની ‘અસ્મીતા’ ઉભી કરે છે. જુઠ્ઠાણાં પર આધારીત અસ્મીતા ક્યારેય અને લાંબાગાળા માટે ચીરંજીવ રીતે ઉભી કરાય નહીં અથવા થાય નહીં. પશ્ચીમી જગત ભૌતીકવાદી છે; જ્યારે ભારતે જગતને ત્યાગ અને અધ્યાત્મના પાઠ શીખવાડવાના છે. વીશ્વે ભારતના માર્ગે આવ્યા સીવાય છુટકો જ નથી. આ પણ મોટું મીથ્યાભીમાન છે.

ભારતીય યોગમાં કશું રહસ્યમય તત્ત્વ નથી. તેનાથી શારીરીક–માનસીક સ્વાસ્થ્ય સુધરે છે; પરન્તુ તેમાં કોઈ ચમત્કારીક તત્ત્વ નથી. યૌગીક ક્રીયાઓમાં કોઈ અધ્યાત્મ નથી. ઉલટાનું યોગનું દર્શન તો નાસ્તીક છે. યૌગીક પ્રક્રીયાઓમાં ઈશ્વરની કલ્પના નથી. ભારતની આધ્યાત્મીકતાના ગુણ ગાતા કે વખાણ કરતાં પશ્ચીમના લોકોની સંખ્યા આખા સમાજમાં હાંસીયા પર છે. આપણે ત્યાં મદારીઓ, અઘોરીઓ, જાદુગરો સમાજમાં હાંસીયા પર (ખુબ જ ઓછી સંખ્યામાં) જ છે ને? પશ્ચીમના મોટા ભાગના તત્ત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનીકો અને બૌદ્ધીકો ભારતીય આધ્યાત્મીકતામાં શ્રદ્ધા ધરાવતા નથી. ભારત જો પોતાની આધ્યાત્મીક શક્તીથી દેશની પ્રજાની ગરીબાઈ, ગન્દકી, ટુંકું જીવન, અવ્યવસ્થા, રોજીન્દા જીવનની અપ્રમાણીકતા દુર કરી શક્યું હોત, તો પશ્ચીમી જગત ભારત દેશ પાસે શીખવા આવત.

ભારતે યોગની શોધ કરી તથા ભારતે ભુતકાળમાં વીજ્ઞાન કેળવ્યું હતું તે માટે તેને શાબાશી (ક્રેડીટ) આપવી પડે. ભારતે પુષ્કળ કુશળતાવાળા હજારો ગૃહ ઉદ્યોગ ઉભા કર્યા હતા તે પણ ભારતીય ઈતીહાસનું જમા પાસું છે. ભારતીય દર્શનની પરમ્પરા ઘણી જુની છે. ભારતીય સંસ્કૃત સાહીત્ય ઘણું જુનું છે; પરન્તુ તેમ છતાં હીન્દુ ધર્મના આધારે રાષ્ટ્રીય તત્ત્વ ઉભું થઈ શકે તેમ નથી. કોઈ પણ ધર્મ આધારીત રાષ્ટ્રવાદ (હીન્દુ રાષ્ટ્રવાદ, મુસ્લીમ રાષ્ટ્રવાદ કે ખ્રીસ્તી રાષ્ટ્રવાદ) માનવસમાજ માટે વીનાશકારી છે. ધાર્મીક રાષ્ટ્રવાદ હીંસક બની જાય છે. વૈશ્વીક માનવવાદની વીચારધારા સમગ્ર માનવજાતને કેન્દ્રમાં રાખે છે. તે સંકુચીત રાષ્ટ્રવાદની વીરુદ્ધ છે.

વૈશ્વીક માનવવાદ’ની માન્યતાઓ નીચે પ્રમાણે છે :

(1) વૈશ્વીક માનવવાદ રાષ્ટ્રવાદનો ટીકાકાર છે. રાષ્ટ્રવાદ વીભાજનકારી છે. રાષ્ટ્રો એક બીજા સાથે યુદ્ધો કર્યા કરે છે. મારું રાષ્ટ્ર દુનીયામાં સર્વશ્રેષ્ઠ તેવું તો કદાપી ન માની શકાય. ‘સારે જહાંસે અચ્છા હીન્દોસ્તાં હમારા’ એ બીલકુલ મીથ્યાભીમાન છે. દરેક રાષ્ટ્ર કે ધર્મ પોતાને બીજા રાષ્ટ્રો કરતાં કે ધર્મો કરતાં શ્રેષ્ઠ માને તો તેમની વચ્ચે યુદ્ધો જ થાય.

(2) વૈશ્વીક માનવવાદ એમ માને છે કે વીશ્વની તમામ પ્રજાઓએ (ભારતીય લોકો સહીત) માનવ સંસ્કૃતી ઘડવામાં ભાગ ભજવ્યો છે. તેમાં દરેક પ્રજાનો અને દરેક રાષ્ટ્રનો ફાળો છે, ગૌરવ છે; પરન્તુ કોઈ ભારત જેવું રાષ્ટ્ર કે તેની પ્રજા ફક્ત તે જ સંસ્કૃત પ્રજા છે અને બીજી બધી વીશ્વની પ્રજા જંગલી છે એવો દાવો કરે તો તે દાવો સત્યથી વેગળો છે. વૈશ્વીક માનવવાદી વીચારસરણી તે વીચારને ટેકો આપતી નથી. ‘જગતે કયા માર્ગે જવું તે પુછવા જગતના નેતાઓ ભારત પાસે આવશે’ તે આપણું મીથ્યાભીમાન છે.

(3) ભારતમાં તમામ નાગરીકોને સરખા માનવ અધીકારો પ્રાપ્ત થયેલા છે. તેમાં પોતાની ઈચ્છા મુજબ જીવનનો વીકાસ કરવાના હક્કનું સૌથી વીશેષ મહત્ત્વ છે. જગતનો દરેક ધર્મ માનવવીકાસની આડે આવે છે. તેથી દરેક માનવી માટે ધર્મનીરપેક્ષ જીવન જ ઈચ્છવાયોગ્ય છે. ધર્મનીરપેક્ષ જીવન આ જગતમાં જ જીવનને અર્થપુર્ણ અને સમૃદ્ધ બનાવવા માંગે છે. આ હક્ક દુનીયાના દરેક નાગરીકનો માનવીય હક્ક છે. તેનો આધાર કોઈ પણ રાષ્ટ્ર કે તેની રાજકીય વ્યવસ્થા પર અવલમ્બીત નથી. વૈશ્વીક માનવવાદની વીચારસરણીના સન્દર્ભમાં માનવ–સમૃદ્ધીનું એકમ રાષ્ટ્ર નથી. આ વીચારસરણીનું કેન્દ્ર માનવીય દુન્યવી હીત છે. વ્યક્તીગત માનવકલ્યાણ છે.

(4) ધારો કે ભારતમાં ગરીબી પુષ્કળ છે. તેથી દેશના લોકોને ફક્ત એક જ વાર કે એક જ ટંકનું ભોજન મળે છે; પરન્તુ તેની સરખામણીમાં જો આફ્રીકાની પ્રજાને અઠવાડીયામાં એક ટંકનું ભોજન ન મળતું હોય તો, વૈશ્વીક માનવવાદની ચીંતા, ભારતીય નાગરીક જે એક ટંક ભુખ્યો રહે છે, તેના કરતાં આફ્રીકન પ્રજાજનની વધારે હશે; કારણ કે ભારતની પ્રજા કરતાં આફ્રીકન પ્રજા વધારે ભુખમરાથી પીડાય છે. આ રીતે વૈશ્વીક માનવવાદની ચીંતા સમગ્ર માનવજાતની છે. આ વીચાર–દૃષ્ટીનું કેન્દ્ર પણ સમગ્ર માનવજાત છે. વૈશ્વીક માનવી રાષ્ટ્રીય અને ધાર્મીક સીમાઓ અને આસ્થાઓથી સમ્પુર્ણ મુક્ત છે. તે માનવકેન્દ્રી છે. તેથી તે આવી અન્ધશ્રદ્ધા અને ધાર્મીક પ્રવૃત્તીઓમાં ક્યારેય પોતાનો કોઈ પણ પ્રકારનો ટેકો આપતો નથી. ખરેખર તો તે માનવીના તમામ પ્રકારના સશક્તીકરણમાં માને છે. તે લોકશાહી મુલ્યોમાં સમ્પુર્ણ વીશ્વાસ ધરાવે છે. તેથી જ તે પોતાના રાષ્ટ્રના માણસોના દુ:ખ કરતાં, અન્ય દેશોની પ્રજા જો વધારે દુ:ખી અને પીડીત હશે તો તેને મદદ કરવા દોડી જશે. તેથી જ તેને રાષ્ટ્રવાદી નહીં પણ (વીશ્વ) માનવવાદી કહી શકાય.

(વૈશ્વીક માનવવાદ’ : એપ્રીલ, 2007)

–ધવલ મહેતા

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ ચોથો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

9 Comments

  1. સંસ્કૃત રાષ્ટ્રવાદ સંકુચીત છે!મા –મા શ્રી ધવલ મહેતાએ વૈશ્વીક માનવવાદની વીચારસરણી અને મુલ્યોથી તદ્દન વીરુદ્ધ તત્વોની ચર્ચા કરી તે અંગે લોક જાગરણનું સ રસ કામ કર્યું
    પણ
    વસુધૈવ કુટુંબકમ आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः ॥ कल्याणकराः विचाराः सर्वतः आगम्यन्ताम् । પ્રમાણે માનવતાવાદી ,આધ્યાત્મિક ,અને શાંતિ દૂત તત્વોની ચર્ચા નથી કરી .આપણા સમાજમા એવા પણ સંતો છે જેઓના તણાવમુક્ત અને હિંસા વિહીન સમાજના દ્રષ્ટિકોણ ને કારણે જ્ઞાતિ જાતિ ના ભેદ ભાવ કે ધર્મ ના ભેદ ભાવ ભૂલી સેવા કરે છે તેઓને રેશનાલીસ્ટોએ ભુલવા જોઇએ નહી

    Liked by 1 person

  2. મિત્રો,ભારતમાં જેટલાં ઘર્મો હાલમાં જીવાઇ રહ્યા છે તે સમયે સમયે ભારતમાં આવીને સ્થિર થયેલાં છે. તે સર્વે પોત પોતાના રીત રીવાજો અને પોતાની સાથે લાવેલાં સંસ્કૃતિને સમયે સમયે બદલાતી સ્થિતિમાં પાળી રહ્યા છે.
    હિંદુ, મુસ્લીમ, પારસી,, શીખ, જૈન, ખ્રિસ્તી, બૌઘ, ચાઇનીસ,…વિ…વિ…ઘર્મો છે….
    આજનો લેખ રાષ્ટરવાદના વિષય ઉપર લખાયેલો છે.

    દેશવાદ….નેશનાલીઝમ ( Nationalism )
    ભારતીયતા અે ભારતમાં રહેતા કોઇપણ વ્યક્તિનો સૌથી પહેલો દેશઘર્મ બને છે…દેશભક્તિ બને છે. જેને પારંપારીક ઘર્મ કહીઅે છીઅે કે તે નામથી ઓળખીઅે છીઅે તેને ‘ દેશદાઝ કે દેશભક્તિ કે નેશનાલીઝમ સાથે કોઇ સંબંઘ નથી હોતો. દેશમાં રહેતી દરેક વ્યક્તિ સૌ પ્રથમ ભારતીય છે. પછી ….હિન્દુ…કે…પારસી…કે…મુસ્લીમ…કે…..ખ્રિસ્તી…કે શીખ…કે… જૈન….કે….બૌઘ….વિ. વિ બને છે.

    ભારતમાં ૫૦૦૦ વરસોની આસપાસ ફક્ત હિન્દુ ઘર્મ ( આર્યો )….ઉત્તરમાં અને દક્ષિણમાં દ્રાવિદો રહેતા હતાં…..સમયે સમયે બીજા ઘર્મોના વાહકો આવીને વસ્યા પણ દરેકે પોતાના ઘર્મને જ જીવતો રાખ્યો..દેશને કોઇ મહત્વ નહિ આપ્યુ. ‘ અેકતા ‘ નહિ બનાવી. અમેરિકાનો દાખલો લઇઅે….ત્યાં આજે પણ હરેક વ્યક્તિ પ્રથમ ‘ અમેરીકન ‘ છે…પછી તે તેનો ઘર્મ પાળનારો બને છે.
    હિન્દુઓઅે પોતાને પણ વર્ણોમાં વહેંચી નાખીને , સ્વામી સચ્ચિદાનંદજીના શબ્દોમાં કહીઅે તો ‘ અઘોગતિ ‘ માં ફેરવી દીઘો….જે આજે પણ વહેવારમાં છે.

    દેશવાદ અને ઘર્મવાદ માં લાખો ગણું જુદાપણું છે. ભારતીય હોવું અને હિન્દુ કે મુસ્લીમ હોવું કે ખ્રિસ્તી હોવું તે લાખ ગણું જુદું છે.

    I am Indian & I am Hindu is totally a separate entity…..વાસ્તવિકતા……અસ્તિત્વ……..
    લેખ અને ચર્ચા કોઇક ઊંઘે રસ્તે ચઢી ગઇ હોય તેવું લાગી રહ્યુ છે….કદાચ કોઇને લાગે કે હું ઊંઘે રસ્તે ચઢી ગયો છું.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. આદરણીય વલીભાઈ,
      ‘રાષ્ટ્રવાદ સંકુચીત છે!’ લેખને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      –ગોવીન્દ મારુ

      Like

  3. ગોવિંદભાઇ આપણે બંને જુદી જુદી રીતે એકજ વાત કરી રહ્યા છીએ. તમે કહો છો કે રાષ્ટ્રવાદ સંકુચિત છે તે જ વાત હું દ્રષ્ટિકોણ કોલમ ઉપર શબ્દોના સર્જન બ્લોગ ઉપર જુદી રીતે કરી રહી છું. દરેક ધર્મ માં ગમે તો કૈક સારું મળી શકે છે અને તે સિવાય ધર્મ એ પોતાના વિશ્વાસ અને માન્યતા નો વિષય છે તેને રાજનીતિ સાથે કઈ લાગતું નથી. એ અમેરિકા અને ભારત જુદી જુદી રીતે દુનિયા ની સૌથી સબળ ડેમોક્રેસી છે અને ગૌરવ નો વિષય છે કે બંને દેશ ધર્મનિરપેક્ષ દેશ છે અને ત્યાં દરેક નાગરિક ને પોતાની રીતે પોતાના ધર્મ માં આસ્થા રાખીને પોતાના ઈશ્વર ને પૂજી શકે છે. અને ભગવાન જુદા હોવા ને લીધે રાજનીતિ ની દ્રષ્ટિએ કોઈ ચડતું કે ઉતરતું નથી, દરેક ને સમાન હક મળે છે. link to my post today – http://bit.ly/2WXEf73

    Liked by 1 person

  4. આજે હું માનવવાદના બદલે રાષ્ટ્રવાદનો પક્ષ લઇશ.

    હું કોઇ ઇશ્વરની આધિનતા કે ધર્મમાં આસ્થા નથી ધરાવતો અને કોઇ એક ધર્મના આધારે રાષ્ટ્રવાદ નક્કી કરવામાં આવે તેને પણ અયોગ્ય સમજુ છું.

    રાષ્ટ્રનો કોઇ ધર્મ હોવો ન જોઇએ અને રાષ્ટ્રએ હંમેશા ધર્મનિરપેક્ષ જ રહેવું જોઇએ. તેમાં નાગરિકોના સમાન હક-ફરજ હોય કે જે તેમાં રહેતા જનસમુહે સ્વીકારેલ સંવિધાનની મર્યાદામાં જ જળવાયેલા રહેવા જોઇએ. તથા રાષ્ટ્ર અને તેના શાસકો માટે નાગરિકોનું હિત હંમેશા સર્વોપરી હોવું જોઇએ.

    જ્યાં સુધી વિશ્વના દરેક રાષ્ટ્ર સમાન વિચારધારા કે સંવિધાનને અપનાવવા એકમત ન થાય ત્યાં સુધી વૈશ્વિક માનવવાદના વિચારને અમલમાં મુકી શકાય તેમ નથી. તેથી મારી નાનકડી સમજ મુજબ રાષ્ટ્રના નાગરિકોએ જે-તે ધર્મની કટ્ટરતા છોડીને રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રવાદને મહત્વ આપે તો તેવો રાષ્ટ્રવાદ સંકુચિત હોવા છતાંયે યોગ્ય છે.


    સાઇડટ્રેકઃ વૈશ્વિક માનવવાદ એક સુંદર ખયાલ છે. ચર્ચા કરવા માટે, વૈશ્વિક લેખક બનવા માટે, બૌધ્ધિક તરીકે માન્યતા મેળવવા અને પોતાને માનવતા-ઉદારતાના હિતરક્ષક બતાવવા માટે ઉત્તમ છે, પરંતુ વિશ્વના કોઇ એક નાનકડા માનવ સમુહમાં પણ તેને પ્રેકટીકલી અમલમાં મુકી શકાય તેમ નથી. (અને આખુ વિશ્વ કોઇ એક ‘-વાદ’ સ્વીકારશે એ વિચાર પણ સ્વર્ગની કલ્પના જેવો છે!)

    Like

  5. Samuel Johnson said this in his famous talk on the evening of April 7, 1775 “Patriotism is the last refuge of a Scoundrel.”

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s