શું અન્ધશ્રદ્ધા આપણો સામાજીક અને સાંસ્કૃતીક વારસો છે?

આપણે ત્યાં અન્ધશ્રદ્ધાનો વારસો સાચવતા કહેવાતા બાપુઓ, ભગતો, ચમત્કારીક સંતો, ફકીરોની પાસે જઈને નબળા મનનો માનવી થોડીક સલામતી અનુભવે કે હંગામી ધોરણે તકલીફમાં રાહત મેળવે છે. આવી તકલીફ મેલીવીદ્યાથી થઈ અને મંત્રશક્તીથી મટી ગઈ એવી અન્ધમાન્યતા ભવીષ્યમાં વધારે ખતરનાક સાબીત થાય છે, તે સમજાવતો કીસ્સો પ્રસ્તુત છે.

શું અન્ધશ્રદ્ધા આપણો સામાજીક
અને સાંસ્કૃતીક વારસો છે?

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

અન્ધશ્રદ્ધા અને વહેમ લોકોને કેટલી હદ સુધી બરબાદ કરી નાંખે છે તેના કીસ્સાઓની ચર્ચા આ પુસ્તકમાં કરી છે. કેટલાક અન્ધશ્રદ્ધામાં, મેલીવીદ્યામાં સહેજ પણ ન માનનારા મીત્રોએ મેલીવીદ્યાનું અસ્તીત્વ છે એવું માનવું પડે એવા તેમના સત્ય કીસ્સાઓ વીશે માર્ગદર્શન માગતા પત્રો મને લખ્યા છે. માથા ઉપર હાથ મુકવાથી ગમે તેવી બીમારી મટી જાય કે બાપુ પાસે જઈ કોઈ મંત્ર–માદળીયું બંધાવી આવે અને બીમારી કાબુમાં આવી જાય ત્યારે શું સમજવું એની સામાન્ય માણસને વીમાસણ થાય તે સ્વાભાવીક છે. આવી જ વાતને રજુ કરતો એક પત્ર અત્રે રજુ કરું છું.

“મારું નામ સુરેખા છે. હું એકવીસ વર્ષની યુવતી છું. મારે બે નાના ભાઈ છે. હું તમારી કૉલમની ઘણી જ ચાહક છું. તેના દ્વારા મેં સાયકોલૉજી વીશે ઘણુંબધું જ્ઞાન મેળવ્યું છે. હમણાંથી મારા ઘરમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે, જેના દ્વારા મારા ઘરમાં ઉથલપાથલ થઈ ગઈ છે. મારી આ સમસ્યાની સમ્પુર્ણ વીગત હું નીચે પ્રમાણે આપું છું.”

“મારે બે નાના ભાઈ છે. જેમાંનો મોટો બબલુ બાર–સાયન્સમાં અભ્યાસ કરે છે. તેણે બોર્ડની પરીક્ષામાં ડ્રૉપ લીધો હતો, જ્યારે તેણે ડ્રૉપ લીધો ત્યારે તે ખુબ જ ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. તે ઘરની બહાર નીકળતાં ડરતો હતો અને કોઈ મીત્રને મળતો પણ ન હતો, ભુલેચુકે કોઈ મીત્ર તેને સામેથી મળવા આવે તો તે ઘરમાં સંતાઈ જતો હતો અને અમારી જોડે જુઠું કહેવડાવતો કે બબલુ ઘરમાં નથી. તે ઘણી વાર ડર અને ચીંતામાં આખી રાત કાઢતો. ડરને કારણે રોજ રાત્રે મમ્મીનો હાથ પકડીને સુઈ જતો અને આખો દીવસ વીચારોમાં ડુબેલો રહેતો. આથી તેની અમે અમારા ગામમાં જ દવા કરાવી પણ ફેર જણાયો નહીં. ત્યાર પછી તે તંત્ર–મંત્રમાં પડ્યો. તે મમ્મી સાથે નાયાના કોઈ બાપુ પાસે જતો અને તેમને પોતાની બધી જ વીગતો જણાવતો. આ તાંત્રીક બાપુ તેને કાળો દોરો, મંત્રેલું પાણી આપતા હતા. આ બધી વીધીઓમાં બબલુને અને મારી મમ્મીને પુરેપુરો વીશ્વાસ હતો. બબલુને સહેજ પણ માથું દુઃખે તો બાપુ પાસે દોડી જતો. આ બધુ ત્રણ મહીના ચાલ્યું. એ સમય દરમીયાન બબલ બાપુ વીશે ઘરમાં ખુબ વાતો કરતો અને બાપુની મંત્રશક્તીની ચર્ચા પણ કરતો અને કયારેક નાના ભાઈને બાપુના નામથી ડરાવતો, ધમકાવતો પણ ખરો. હાલમાં બબલુ બારમા ધોરણમાં રીપીટર તરીકે બીજી સ્કુલમાં જાય છે. હવે તેને થોડું સારું થતું જાય છે. હા, એક ખાસ વાત છે કે નાની નાની બાબતમાં ડીપ્રેશનમાં આવી જાય છે. શું બબલું આ વખતે પરીક્ષા આપશે કે ડ્રૉપ લેશે? તેને ડીપ્રેસન નામની માનસીક બીમારી હતી, તો બાપુના દોરા–ધાગા, મંત્ર–તંત્રથી સારું કેવી રીતે થઈ ગયું?

જો કે અમારી અત્યારની સમસ્યા બબલુની નથી પણ અમારા સૌથી નાના ભાઈ મુન્નાની છે. મારો નાનો ભાઈ મુન્નો ભણવામાં ખુબ જ હોશીયાર છે. તે ધોરણ દસમાં સાયન્સ પ્રવાહમાં સેન્ટરમાં 85 ટકા માર્ક્સ સાથે પ્રથમ આવ્યો હતો અને તેને બરોડા પેટ્રોકેમીકલ સ્કુલમાં એડમીશન મળ્યું. પ્રથમ સેમેસ્ટરમાં તે આખી સ્કુલમાં ફર્સ્ટકલાસ ફર્સ્ટ આવ્યો; પરન્તુ બીજા સેમેસ્ટરમાં બબલુના ડીપ્રેસનને કારણે વાંચી શક્યો નહીં અને તેણે પ્રેક્ટીકલની પરીક્ષા ન આપી તેથી તે ફેઈલ જાહેર થયો. હાલમાં તે ઘેર જ છે પણ છેલ્લાં થોડાં અઠવાડીયાંથી તે વીચીત્ર વર્તન કરે છે. તે ચાર મહીનાથી ઘરની બહાર નીકળ્યો નથી. પહેલાં તે તંત્ર–મંત્રમાં સહેજ પણ વીશ્વાસ ધરાવતો ન હતો અને આવી વાતોને હસી કાઢતો; પરન્તુ છેલ્લા બે મહીનાથી તે એક જ વાત કરે છે કે હું ફેઈલ થયો તેનું કારણ જ બબલુ છે. બબલુએ બાપુ પાસે શીખેલી તંત્ર–મંત્ર વીદ્યાથી મને ફેઈલ કર્યો છે. તેને મારી પ્રગતી થાય એ ગમતી નથી અને એ મારાથી ખુબ જ બળે છે એટલે મારું અહીત કરવા માટે તે તંત્ર–મંત્રનો ઉપયોગ કરે છે. મુન્નાનું એવું કહેવું છે કે હવે તો બબલુએ મંત્રશક્તીથી તેને પુરેપુરો વશમાં કરી લીધો છે અને હવે તેને બબલુની ગુલામી કરવી પડે છે. ઘરમાં કોઈક વસ્તુ તુટી ગઈ હોય તો મુન્નાને બબલુની મેલીવીદ્યા જ કારણભુત લાગે છે. હમણાં અમારું સસલું મરી ગયું તો મુન્નાએ તરત કહી દીધું કે બબલુએ મેલીવીદ્યાથી મારી નાંખ્યું. મુન્નાએ હવે તો એવો ભય લાગવા માંડ્યો છે કે જો તે ઘરની બહાર નીકળશે તો બબલુ તેને મંત્રવીદ્યાથી એક્સીડન્ટ કરાવીને મારી નંખાવશે. ઘણી વાર બે ભાઈઓ વચ્ચે આ જ બાબતે ખુબ ઝઘડો થાય છે અને છુટા હાથની મારામારી સુધી વાત પહોંચી જાય છે; પરન્તુ બબલુ સમજુ હોવાથી ચુપ રહે છે અને વાત આગળ વધતી નથી. હમણાં હમણાં મુન્નો બરાડા પાડીને એક જ વાત કહ્યા કરે છે કે મંત્રશક્તીથી એની જીંદગી બગાડનાર બબલુને એ મારી નાંખશે અને પછી પોતે પણ આત્મહત્યા કરી લેશે. આને કારણે મારાં મમ્મી–પપ્પા ખુબ જ હેરાન–પરેશાન રહે છે. મમ્મી તો આખો દીવસ રડ્યા જ કરે છે. બન્નેય ભાઈઓને એકલા પણ મુકી શકાતા નથી. અમારા ઘરનું વાતાવરણ ઘણું જ ગંભીર બની ગયું છે. મુન્નાની આ બીમારીથી અમે બધા કંટાળી ગયા છીએ. શું મુન્નાની આ તકલીફ મેલીવીદ્યાને કારણે હશે ખરી? મુન્નો ફરીથી પહેલાં જેવો થઈ શકશે? તે ધમકી આપે છે તે પ્રમાણે કયારેય મોટાભાઈને મારી નાંખવાની કે આત્મહત્યા કરવાની હદે જઈ શકે ખરો? શું મુન્નો પેટ્રોકેમીકલ સ્કુલમાં ફરીથી ભણી શકશે? આવા તો કેટલાય સવાલો મારા મનમાં છે. મહેરબાની કરીને આનો કોઈ ઉપાય બતાવો.”

ઘરની આટલી બધી તંગ પરીસ્થીતી વચ્ચે પણ પુરેપુરી માનસીક સ્વસ્થતા સાથે સુરેખા આ પત્ર લખી શકી એ બદલ એને અભીનન્દન, સુરેખાના પત્ર પરથી એક વાત સ્પષ્ટ છે કે તેના બન્નેય ભાઈઓ માનસીક રીતે બીમાર છે. આમાં નાના ભાઈ મુન્નાની બીમારી તાત્કાલીક સારવાર માંગી લે છે.

સૌ પ્રથમ બબલુની ચર્ચા કરીએ તો સુરેખાના લખવા મુજબ હાલમાં તેને કોઈ જ તકલીફ નથી. તે રીપીટર તરીકે બીજી સ્કુલમાં જાય છે અને અવારનવાર ડીપ્રેસન આવી જાય છે. બબલુની પરીસ્થીતી અત્યારે ભારેલા અગ્ની જેવી છે, જ્યારે મુન્નાની પરીસ્થીતી ભડકે બળતી આગ જેવી છે; પરન્તુ બન્નેય અગ્નીને ઠારવા અત્યંત જરુરી છે. તેના જ આપણે જોઈ ગયા છીએ કે બારમા ધોરણના સાયન્સ પ્રવાહમાં ડ્રૉપ લેનાર વીદ્યાર્થી નીષ્ફળતાના ડરથી કે તેની સાથે બનેલી કોઈ આઘાતજનક ઘટનાથી માનસીક રીતે અસ્વસ્થ હોય છે. લગભગ સત્તર અઢાર વર્ષનો યુવક ઘરની બહાર ન નીકળે, કોઈ મીત્રને ન મળે, આખો દીવસ વીચારોમાં ખોવાયેલો રહે અને રાત્રે સુઈ જતી વખતે પણ એટલો બધો ભય અને અસલામતી અનુભવતો હોય કે મમ્મીનો હાથ પકડીને સુઈ જવું પડે તો આ વાતને ગંભીરતાપુર્વક લેવી જોઈએ જ; કારણ બબલુ પરીક્ષા વખતે સખત માનસીક દબાણ હેઠળ હોવાના કારણે માનસીક સમતુલા ગુમાવતો જતો હતો. આવા સંજોગોમાં તેણે બારમા સાયન્સની બોર્ડની પરીક્ષામાં ડ્રૉપ લીધો ત્યારે તો તેની સારવાર અત્યંત જરુરી હતી જ. બબલુની ગામમાં જ કોઈક પ્રકારની સારવાર થઈ અને પછી તંત્ર–મંત્ર કરતા બાપુ પાસે તેને લઈ જવામાં આવ્યો. આ બાપુ ઉપર અને તેમના મંત્ર–તંત્ર ઉપર શ્રદ્ધા હોવાને કારણે બબલુનો માનસીક તનાવ હળવો થયો અને તેણે થોડીઘણી માનસીક સમતુલા પાછી મેળવી પણ ખરી, એટલે પત્ર–લેખીકાને પ્રશ્ન થયો કે જો તંત્ર–મંત્ર વીદ્યાનું અસ્તીત્વ જ નથી તો બબલુની તબીયતમાં બાપુના મંત્રથી ફેર શા માટે પડ્યો?

આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારે માનસીક બીમારીની ઓળખ અને તેની લભ્ય સારવારના કેટલાંક ઐતીહાસીક પાસાંઓની ચર્ચા કરવી છે. ડૉ. વૉટ્સે ફેમીલી ડૉક્ટર તરીકેના પોતાના અનુભવ વીશે તાજેતરમાં પ્રસીદ્ધ થયેલા એક પુસ્તકમાં લખ્યું છે કે, “1934માં એક વૃદ્ધ પુરુષ તેની પેટ અને આંતરડાની તકલીફ માટે બતાવવા આવ્યો. એક્સ–રે લેબોરેટરીના બધા જ રીપોર્ટો નોર્મલ હોવાથી મેં થોડો સમય ફાળવી તે વૃદ્ધને સમજાવ્યું કે તેમના પેટમાં કોઈ તકલીફ નથી. મારી વાત સાંભળીને એ વૃદ્ધ સીધા ઘેર ગયા અને પોતાનું માથું ગૅસ–ઓવનમાં મુકી દીધું. આ ઘટના પછી મને માનસીક તકલીફો વીશેના મારા અજ્ઞાનનો ખ્યાલ આવ્યો.” ડૉ. વૉટ્સની આ વાત પરથી સ્પષ્ટ છે કે ચાળીસના દાયકામાં વીદેશોમાં પણ માનસીક બીમારીની કોઈ ખાસ સમજ તબીબોને પણ નહોતી. એટલે હતાશા, ચીંતા, લાંબા સમયની શારીરીક તકલીફ, વીચારવાયુ, અસ્થીરતા વગેરે બીમારીને દૈવી પ્રકોપ કે મેલીવીદ્યા, કે ગ્રહનડતરના કારણે થતી તકલીફો માનવામાં આવતી અને એની સારવાર પણ દોરા–ધાગા, તંત્ર–મંત્ર, મરચાંની ધુણી વગેરે દ્વારા થતી હતી. આમાં જેમને શ્રદ્ધા હતી તેમને દોરા–ધાગા બંધાવ્યા પછી કે મંત્રવીધી કરાવ્યા પછી દીલાસો મળતો અને તત્કાલીન માનસીક તનાવમાંથી મુક્તી મળતાં તબીયત સારી જણાતી એટલે લોકોના મનમાં એક જ પ્રકારની માન્યતા દૃઢ થતી કે અમુક પ્રકારની તકલીફો મેલીવીદ્યા દ્વારા થાય અને તેનું અમુક પ્રકારની મંત્ર–તંત્રની વીધીથી નીવારણ કરી શકાય. આમ, આ પ્રકારની અન્ધશ્રદ્ધા એ આપણો સાંસ્કૃતીક વારસો છે. જો કે દરેક ધર્મ અને સંસ્કૃતીમાં આવી મેલીવીદ્યા અને મંત્રશક્તીનું અસ્તીત્વ છે. આપણે ત્યાં અન્ધશ્રદ્ધાનો આપણો વારસો સાચવવા આવા બાપુઓ, ભગતો, ચમત્કારીક સંતો, ફકીરો વસે છે, જેમની પાસે જઈને નબળા મનનો માનવી થોડીક સલામતી અનુભવે છે અને હંગામી ધોરણે તકલીફમાં રાહત મેળવે છે એટલે આવી તકલીફ મેલીવીદ્યાથી થઈ અને મંત્રશક્તીથી મટી ગઈ એવી માન્યતામાં રાચે છે; પરન્તુ આવી અન્ધમાન્યતા ભવીષ્યમાં વધારે ખતરનાક સાબીત થાય છે, તે સમજાવવા મુન્નાનું ઉદાહરણ જ પુરતું છે. મુન્નો જે કયારેય અન્ધશ્રદ્ધામાં રાચતો નથી અને જેનું શૈક્ષણીક સ્તર પણ ઘણું જ ઉંચું છે તે બબલુની બીમારી અને તેના નીવારણના સમયની તેની મંત્ર–વીદ્યાની થતી હીલચાલ જુએ છે. કયારેક બબલુ પણ પોતાનો અહમ્ અને એકાધીકાર સ્થાપીત કરવા મુન્નાને ડરાવે છે કે, મંત્રશક્તીથી મુન્નાનું અહીત કરશે. મુન્નાને પોતાનાં એક–બે અહીત થતાં દેખાય છે અને તેના મનમાં મેલીવીદ્યાવાળી વાત બેસી જાય છે એટલે તે પોતાની માનસીક સમતુલા ગુમાવી બેસે છે અને પોતે બબલુની મેલીવીદ્યાથી જ નાપાસ થયો છે એટલું જ નહીં પણ બબલુ આવી વીદ્યાથી તેને મારી નંખાવી પણ શકે છે એવી ભ્રમણામાં રાચતો થઈ જાય છે.

એટલે એક વાત સ્પષ્ટ છે કે જેમ દારુ કે ચરસ–ગાંજાનું વ્યસન કરી ટેમ્પરરી મુડ ન લેવાય તેમ અન્ધશ્રદ્ધાને પોષીને તંત્ર–મંત્ર દ્વારા કોઈ રોગ મટાડવાની કે તકલીફનું નીવારણ કરવાની કોશીશ ન કરાય, નહીં તો એની દશા બબલુ અને મુન્ના જેવી થાય. અન્ધશ્રદ્ધા એ આપણો સાંસ્કૃતીક વારસો છે; પરન્તુ એ તદ્દન નુકસાનકારક છે અને આ વારસાના હકો લેવા જેવા નથી કે બીજાને આપવા જેવા પણ નથી, તેને તો દફનાવી દેવા જ પડે.

મુન્નાની બીમારીની ચર્ચા કરીએ તો દસમામાં બોર્ડમાં 85 ટકા માર્ક્સ લાવી અને પેટ્રોકેમીકલ સ્કુલના પ્રથમ સેમેસ્ટરમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવી ફરીથી એટલો ઉજ્વળ દેખાવ થઈ શકશે કે કેમ એના માનસીક દબાણ હેઠળ એને બીજા સેમેસ્ટરની પરીક્ષા આપવાની હતી એવા સંજોગોમાં બબલુની બીમારીએ તેને માનસીકરુપથી વધારે તનાવભરેલી પરીસ્થીતીમાં મુકયો અને તે સમતુલા ગુમાવી ભ્રમણાઓમાં રાચવા માંડ્યો. તેનો ભય પણ સમ્પુર્ણપણે અવાસ્તવીક છે. હાલમાં મુન્નો આવેગાત્મક વર્તન કરવા માંડ્યો છે એટલે તે ગુસ્સામાં કોઈને મારી પણ શકે છે અને મરી પણ શકે છે એટલે તેની મનોચીકીત્સા અત્યંત જરુરી છે. મુન્નાની બીમારી દવાઓ અને ત્યાર બાદ સાયકોથેરેપીથી સમ્પુર્ણપણે મટાડી શકાય અને તે પરીક્ષા આપી ફરી સારા માર્સથી પાસ પણ થઈ શકે. આ સમય બેસી રહેવા માટે નથી; પરન્તુ ઝડપથી યોગ્ય નીર્ણય લેવા માટે અને વૈજ્ઞાનીક અભીગમ અપનાવવા માટેનો છે.

બબલુએ પણ એક વાત સમજી લેવાની જરુર છે કે મંત્રશક્તીથી તેને સારું થઈ ગયું છે એવી ભ્રમણામાંથી બહાર આવવું જરુરી છે. જે કંઈ સુધારો થયો તે બાપુ પ્રત્યેની તેની શ્રદ્ધા અને તનાવયુક્ત પરીસ્થીતીમાં બાપુએ આપેલા આશરા અને દીલાસાથી થયો છે. મંત્રશક્તી કે દોરા–ધાગાથી નહીં અને હાલમાં પણ તે માનસીક રીતે હતાશ થઈ જાય છે તેથી બીજી વખત ડ્રૉપ ન લેવો પડે એ માટે સારવાર કરાવવી જરુરી છે.

સુરેખાનાં માતા–પીતાને એક ખાસ સલાહ કે આ સમગ્ર પરીસ્થીતીથી અકળાઈ ન જઈ, ગુસ્સે ન થઈ જઈ અને શાંતીપુર્વક સ્વસ્થતાથી તેના ઉકેલની દીશામાં આગળ વધે. તેમના બન્નેય પુત્રોની માનસીક બીમારી સામાન્ય છે અને થોડા સમયમાં મટી શકે છે. સુરેખાને કુટુંબના પ્રશ્નમાં વૈજ્ઞાનીક અભીગમ અપનાવ્યા બદલ અભીનન્દન આપવાની સાથે સમગ્ર કુટુંબ આ વીપરીત સંજોગોમાંથી બહાર આવી ફરી પાછું પહેલાની જેમ જ આનન્દમય જીવન જીવે તેવી શુભેચ્છાઓ.

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380 052 અને 1st Floor Karnavati Hospital Building, Opp Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006 સેલફોન : +91 74330 10101/ +91 84607 83522 વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/blog/   ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com

ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પુર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212, મુલ્ય : રુપીયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com

4 Comments

 1. હાર્દીક આભાર ડૉ. મૃગેશભાઈ અને ગોવીન્દભાઈ આપનો. ખુબ અગત્યનો લેખ. આપણા સમાજમાંથી અંધમાન્યતાઓને દુર કરવાની તાતી જરુર છે. એ માટે આ પ્રકારના બને તેટલા વધુ લેખો દ્વારા લોકોમાં જાગૃતી ફેલાવતા રહેવાની ખાસ જરુર છે. ફરીથી આપ બંનેનો આભાર.

  Liked by 1 person

 2. અંધશ્રદ્ધા નો રોગ કે વળગાડ કેવળ માનવ જાગૃતિ થકી જ થઈ શકે છે. તે માટે બહુજ મોટી ક્રાન્તિ ની જરૂરત છે. જ્યાં સુધી સમાજ માં બાબાઓ, પીરો, તાંત્રિકો, જયોતીષીઓ વાગેરે નું અસ્તિત્વ હશે, ત્યાં સુધી અંધશ્રદ્ધાનો રોગ જડમુળ માં થી નહિ. સરકાર પણ આ વિષે ચુપકીદી સેવે છે.

  Liked by 1 person

 3. ડૉ. મૃગેશ વૈષ્ણવ દ્વારા અન્ધશ્રદ્ધા દ્વારા ઠગ બાપુઓ, ભગતો, ચમત્કારીક સંતો, ફકીરોની પાસે જઈને નબળા મનનો માનવીને તેની પીડા મંત્રશક્તીથી મટી ગઈ એવી અન્ધમાન્યતા ભવીષ્યમાં વધારે ખતરનાક સાબીત થાય છે, તે સમજાવતો કીસ્સો પ્રસ્તુત કરી ખૂબ સ રસ રીતે પ્રેરણાદાયી રીતે સમજાવવા બદલ આભાર

  Liked by 1 person

 4. સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
  ડો, મૃગરશ વૈષ્ણવના આ વિષયના લેખો અને આપણા બીજા સર્જકોના લેખો, અભિવ્યક્તિમા લખાયાછે.
  અેજ્યુકેશન ની જરુરત છે. સંપૂર્ણ ભણતરની જરુરત છે. ઉકેલ માટે. ભણેલા ગણેલા પણ અંઘશ્રઘ્ઘાના ગુલામ હોય છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s