મન્દીરના પોઠીયા દુધ પી શકે ખરા?

મન્દીરના પોઠીયા દુધ પી શકે ખરા?

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

એકવીસમી સપ્ટેમ્બરનો એ દીવસ ચમત્કારીક દીવસ તરીકે કદાચ ઈતીહાસમાં આલેખાશે. દીવસ આખો ચેમ્બરમાં કેદ થયેલા મને બહાર બનતી ઘટનાની કોઈ માહીતી હોતી નથી; પણ તે દીવસે સાંજે મને મારા રીસેપ્શનીસ્ટે પુછ્યું કે, “સાહેબ.. આ દુધ પીવાની ઘટનાની બધા વાત કરે છે એ સાચી છે? શું શીવમન્દીરના પોઠીયાઓ દુધ પી શકે ખરા?” કામકાજની વ્યસ્તતાને કારણે મેં એની વાત ઉપર કંઈ જ ધ્યાન ન આપ્યું.

પણ રાત્રે ઘેર પાછા ફરતી વખતે મન્દીરોની બહાર ભીડ જોઈને મને થોડું આશ્ચર્ય એટલા માટે થયું કે કોઈ પ્રકારના ફાયદાની ગંધ વગર અમદાવાદી મન્દીરની બહાર ટોળે વળે ખરો? વાત કંઈ સમજાતી નહોતી પણ ઘેર આવ્યો એટલે સ્પષ્ટ થયું. મારાં બન્નેય નાના ભુલકાંઓએ ઘરનું બારણું દોડતા આવીને ખોલ્યું અને મને જણાવ્યું, “પપ્પા, જુઓ…. આપણા દાદીમાના ગણપતીજી દુધ પીવે છે. અમે છેલ્લા ત્રણ કલાકથી તેમને દુધ પાઈ રહ્યાં છીએ.” બાળકોની વાતમાં ઉત્સાહભેર સુર પુરાવતાં એમના દાદાજી બોલ્યા, “માત્ર આપણા ઘરમાં જ નહીં.. આખાયે દેશમાં… અને વીદેશોમાં પણ ગણપતીજી, શીવજીના પોઠીયાઓ…. વગેરે દુધ પીવે છે…. ટી.વી.માં પણ બતાવ્યું. બી.બી.સી.એ પણ આ અહેવાલને સાચો ગણાવ્યો છે.”

આટલું સાંભળ્યા પછી વાતની ગંભીરતા મને સમજાણી. મેં આખીયે ઘટનાની વીગતવાર માહીતી મેળવી. ‘સંદેશ’ ઉપર ફોન લગાવવાના પ્રયત્નો કર્યા. એક–બે પત્રકાર મીત્રોને ફોન કર્યો તો તેમણે મશ્કરીમાં કહ્યું, “હવે લોકોને જવાબ આપજો અને તમારું મનોવીજ્ઞાન સમજાવજો.” મારી પાસે પુરી વીગતો નહોતી. બીજે દીવસે સમાચાર–પત્રોમાં વાંચીને જ આખા વીશ્વમાં માત્ર ચોવીસ કલાકમાં લાગેલા ચેપની વીગતો જાણવાની હતી. હા… માત્ર કલાકોમાં કોઈ પણ જંતુ કે જંતુવાહક વગર ફેલાયેલા આ “પાનડેમીકની ગતી મૅલેરીયા, વાયરસફીવર, કમળો, પ્લેગ, કૉલેરા, ટાઈફૉઈડના એપીડેમીકસને શરમાવે એવી હતી. શીવ પરીવારને દુધ પાવાનો દાવો સમગ્ર દેશ અને વીદેશોમાંથી એકસાથે કરાતો હતો. પ્રથમ વાત વહેતી કોણે કરી? ક્યારે કરી? કયાંથી કરી? કોઈ નેપાળથી શરુ થયાની વાત કરતું હતું તો કોઈ મુમ્બઈથી; પણ આ ચેપ પ્રકાશ અને અવાજની ગતીથી સમગ્ર વીશ્વમાં ફેલાઈ ગયો હતો. ચોરે, ચૌટે, ફોન ઉપર, રેડીયો અને ટી.વી. પર એક જ વાત હતી…. અમારા ગણપતીએ તો દુધ પીધું…. તમારા ગણપતીએ તમારું દુધ સ્વીકાર્યું?”

સમાચારોએ દીવસભરનો મારો થાક ઉતારી અને ઉંઘ ઉડાડી મુકી. હું વીચારવા લાગ્યો. આવી ઘટના ભુતકાળમાં બની છે ખરી? અને મારા સ્મૃતીપટ પર ભુતકાળની કેટલીક વાતોની યાદ તાજી થઈ.

લખનૌના મુસ્લીમ સુધારાવાદી યુવાનેતા શ્રી નકવીને ઓગણીસો નેવુંમાં દીલ્હીમાં મળવાનો મોકો મળ્યો હતો. હું એક મનોચીકીત્સક છું એવું જાણીને નકવીએ મને પ્રશ્ન કર્યો હતો કે, થોડા સમય પહેલાં કોઈ એક મસ્જીદમાં જાહેરાત કરાઈ કે તમારા ઘેર જઈને પવીત્ર કુરાન ખોલશો તો તેમાંથી એક વાળ મળશે. સમગ્ર દુનીયામાં લોકોએ ઘેર જઈને કુરાન ખોલી જોયું. એમાં ઘણાંને વાળ મળ્યો તો ઘણાંને ન મળ્યો. શ્રી નકવીએ આ આખીયે ઘટનાનો વીરોધ કરેલો; પરન્તુ આવી ઘટના વીશે મનોવીજ્ઞાન શું કહે છે; એ જાણવાની તેમને પ્રબળ ઈચ્છા હતી.

મેં શ્રી નકવીને સીધી ભાષામાં સમજાવ્યું કે આને ‘માસ હીસ્ટીરીયા’ કહેવાય. જે લોકોને કુરાનમાં વાળ દેખાયો તેનું કારણ એ હતું કે, તેમને વાળ જોવો જ હતો એટલે દેખાયો. જ્યારે જેને એમાં શ્રદ્ધા જ નહોતી એમને ન દેખાયો. આવી ઘટનાઓ કંઈ નવી નથી એવું સમજાવતાં મેં શ્રી નકવી સમક્ષ કેટલાક કીસ્સાઓ ટાંક્યા હતા, જે વાંચકમીત્રો સમક્ષ રજુ કરું છું.

ભુતકાળમાં કર્ણાટકમાં એકસાથે સેંકડો બાળાઓને સામુહીક હેડકી આવવા માંડી હતી. પહાડી પ્રદેશોમાં એકસાથે સામુહીક ધુણવાના તો ક્યારેક સામુહીક દોડ લગાવવાના કીસ્સાઓ અવારનવાર બનતા રહે છે; પણ માસ હીસ્ટીરીયાનો સૌથી ઉત્તમ દાખલો ઈન્ડીયન જર્નલ ઑફ સાઈકીયાટ્રીમાં સુંદર રીતે આલેખાયેલો છે.

ઓગણીસો અઠ્યાસીમાં કલકત્તા ટેલીફોન એક્સચેન્જમાં એક ઘટના બની હતી જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.

કલકત્તા ટેલીફોન એકસચેન્જની લગભગ દોઢસો જેટલી મહીલા ઓપરેટરોને ટેલીફોનના વાયરોમાંથી કરન્ટ લાગતાં એકાએક બેભાન બની ઢળી પડી હતી. અને જ્યારે તેઓને હોંશ આવ્યા ત્યારે કોઈકને લકવા થઈ ગયો હતો, કોઈકને ખેંચ આવતી હતી, કોઈકને આંખે અન્ધાપો આવ્યો, કોઈકને કાને બહેરાશ તો કોઈ મહીલા કર્મચારી ગુંગી બની ગઈ હતી, તો કોઈને ખુબ શ્વાસ ચડી ગયો હતો અને છાતીમાં સખત દુ:ખાવો થતો હતો.

કલકત્તાના સુપ્રસીદ્ધ ‘અમૃતબઝાર’ પત્રીકા સહીત સ્થાનીક અને રાષ્ટ્રીય અખબારોએ આ ઘટનાને એટલું બધું મહત્ત્વ આપ્યું કે કેન્દ્રના સંદેશાવ્યવહાર ખાતાના પ્રધાનને પણ તાત્કાલીક કલકત્તા દોડી જવું પડ્યું હતું અને ટેલીફોન એક્સચેન્જનાં તમામ ઈલેકટ્રોનીક ઉપકરણોનું વાયરીંગ, ઈસ્યુલેશન, ફયુઝ, કરન્ટ લીકેજ અને શોર્ટસર્કીટની શક્યતાઓ વીશે નીષ્ણાત ઈલેક્ટ્રીકલ એન્જીનીયરો દ્વારા ઝીણવટભરી તપાસના હુકમો આપવા પડ્યા હતા; પરન્તુ આ તપાસના અંતે ઈલેક્ટ્રોનીક ઉપકરણોમાં કોઈ પણ પ્રકારની ખામી જણાઈ નહોતી.

કલકત્તા ટેલીફોન એક્સચેન્જની લગભગ દોઢસો જેટલી મહીલા ઓપરેટરોની નીષ્ણાત તબીબોની ટુકડીઓ દ્વારા સમ્પુર્ણ શારીરીક તપાસ કરવામાં આવી હતી, અને તેમનાં લોહી, ઝાડો, પેશાબ, કાર્ડીયોગ્રામ, મગજના એક્સ–રે અને કમ્મરમાંથી પાણી કાઢીને વીવીધ તપાસો કરવામાં આવી હતી; પરન્તુ આ સમગ્ર તપાસને અંતે કોઈ જ મહીલા ઓપરેટરોને કોઈ પણ પ્રકારનો શારીરીક રોગ કે ઈલેક્ટ્રીક કરન્ટની અસર થઈ હોવાનું જણાયું નહોતું, એટલે આ તમામ દરદીઓની શહેરના નામાંકીત સાઈકીયાટ્રીસ્ટોની પેનલની દેખરેખ હેઠળ નીદાન અને સારવાર કરવાનો નીર્ણય લેવાયો હતો. શરુઆતમાં તો બીમાર મહીલા ઓપરેટરોનાં માતા–પીતાએ તેમની પુત્રીઓ ગાંડી નથી થઈ ગઈ એમ કહી મનોચીકીત્સકો સામે વીરોધ નોંધાવ્યો હતો; પરન્તુ એકાદ સપ્તાહની ઘનીષ્ઠ સારવાર પછી તમામ મહીલા ઓપરેટરોનો લકવા, અંધાપો, બહેરાશ, મુંગાપણું, શ્વાસ વગેરે બીમારીઓ સમ્પુર્ણપણે મટી ગઈ હતી.

મનોચીકીત્સકોની પેનલે આ બીમારીને ‘એપીડેમીક સાયકોજેનીક’ અથવા ‘સોસીયોજેનીક ઈલનેસ’ તરીકે ઓળખાવી આ ઘટનાનું ‘માસ હીસ્ટીરીયા’ એવું નીદાન કર્યું હતું.

આ આખીયે ઘટનાના મુળમાં એક જાજરમાન, સુંદર, ચબરાક અને ભાવનાશીલ યુવતી હતી, જે મહીલા ઓપરેટરોની લીડર પણ હતી. સુસ્મીતા નામની આ યુવતીએ સૌ પ્રથમ ટેલીફોનનાં ઈલેક્ટ્રીકલ ઉપકરણોમાંથી કરંટ લાગતો હોવાની વાત વહેતી કરી હતી. સુસ્મીતાની ફરીયાદને આધારે અધીકારીઓએ તમામ ચેકીંગ કરી જોયું; પણ કોઈ ઈલેક્ટ્રીક ખામી ન જણાતાં આવી વાહીયાત અફવાઓ ફેલાવવા બદલ સુસ્મીતાને જાહેરમાં ખખડાવી નાંખી હતી. કહેવાતા ઈલેક્ટ્રીક કરન્ટ અને જાહેરમાં અપમાન આ બન્નેય બાબતોનો આઘાત લાગવાથી સુસ્મીતા એ જ સમયે ત્યાં બેભાન થઈને ઢળી પડી હતી. થોડીવાર પછી એ હોશમાં આવી ત્યારે એના ડાબા અંગને લકવો થઈ ગયો હતો. બસ, આ આખીય ઘટનાના સમાચાર કલકત્તા ટેલીફોન એક્સચેન્જના સાતેય માળો પર વાયુવેગે પ્રસરી ગયા અને સુસ્મીતાને તાત્કાલીક સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડાઈ હતી.

સુસ્મીતાને હૉસ્પીટલમાં ખસેડાયાના થોડા જ સમય બાદ તેની ચાર અંગત સખીઓ પણ કરંટ લાગવાથી બેભાન બની ગઈ અને તેમને પણ લકવાની અસર થઈ હતી. બસ, ત્યાર પછી તો બીજી પચીસ છોકરીઓ કરન્ટ લાગવાથી બેહોશ થઈ ગઈ એટલે એમને હૉસ્પીટલમાં ખસેડવામાં આવી અને દીવસના અંતે તો દોઢસો જેટલી મહીલા ઓપરેટરો કરન્ટ લાગવાથી બેહોશ થઈ ગઈ અને તેમને લકવા, અંધાપો, બહેરાશ, વગેરે બીમારીઓ લાગુ પડી ગઈ. જ્યારે હકીકત એ હતી કે એક્સેન્જનાં ઈલેક્ટ્રીક ઉપકરણોમાં કોઈ કરંટ જ લાગતો નહોતો.

કલકત્તાના નીષ્ણાત મનોચીકીત્સકોની ટીમે આ દોઢસો ટેલીફોન ઓપરેટરોની બીમારી કઈ રીતે મટાડી તે જાણવું અત્યંત રસપ્રદ થઈ પડશે. સૌપ્રથમ તો તેમને જે વીસેક છોકરીઓની હાલત વધારે ગંભીર હતી તેમને હૉસ્પીટલમાં રહેવા દઈને બાકીની છોકરીઓને અલગ જગ્યાએ મોકલી આપી. ત્યાર બાદ સુસ્મીતાની સારવાર શરુ કરી તેનું નારકો એનાલીસીસ કરી તેના મનની મુંઝવણો અને અવ્યક્ત ઈચ્છાઓને વાચા આપી અને ત્યાર બાદ સુસ્મીતાના સુષુપ્ત મન ઉપર સુચનોનો મારો ચલાવ્યો કે તેના હાથ–પગનું હલનચલન બરાબર રીતે થઈ શકે છે. તેને લકવા થયો નથી. કલાકો સુધી સુસ્મીતાની સારવાર કરાયા પછી તે હાલવા–ચાલવા લાગી એટલે બાકીની છોકરીઓને એ બતાવાયું કે સુસ્મીતા હવે સમ્પુર્ણપણે સાજી થઈ ગઈ છે. બસ, થોડીવારમાં તો બીજી છોકરીઓ પણ હસતી–બોલતી અને ચાલતી થઈ ગઈ. ત્યાર બાદ બાકીની છોકરીઓને પણ તેમની બહેનપણીઓ સાજી થઈ જવાની વાતની જાણ કરાઈ. એટલે એક અઠવાડીયામાં તો બધી છોકરીઓ સાજી થઈ અને ફરજ પર ચડી ગઈ.

નીષ્ણાત તબીઓએ એવું તારણ કાઢયું હતું કે, કલકત્તાના ટેલીફોન એક્સચેન્જમાં એ વખતે આધુનીક યંત્રસામગ્રી આવવાને કારણે ઘણી ઓપરેટરોની નોકરી જાય એમ હતી. સુસ્મીતાની આગેવાની હેઠળ ઓપરેટરોના યુનીયને આનો વીરોધ કરેલો. એટલે સુસ્મીતાના વ્યક્તીત્વનો પ્રભાવ ઘણો વ્યાપક હતો. સુસ્મીતાને કરંટ લાગવાની અને ત્યાર બાદ તેનું જાહેરમાં અપમાન થવાની ઘટનાને કારણે તે બેહોશ થઈ ગઈ અને તેને લાગેલા માનસીક આઘાતનું શારીરીક રોગના લક્ષણમાં રુપાંતર થયું. અને તેનાથી પ્રભાવીત અન્ય યુવતીઓએ પણ વીજળીના કરંટની વાત સાચી માની લીધી અને તેઓએ સુસ્મીતાના વર્તનનું સભાનપણે અનુકરણ કર્યું. આમ, નોકરી જવાનો ડર, આધુનીક યંત્રસામગ્રી પ્રત્યેનો તીરસ્કાર અને સુસ્મીતાનો પ્રભાવ આ ત્રણેય હકીકતોને કારણે દોઢસો જેટલી ટેલીફોન ઓપરેટરોને ‘માસ હીસ્ટીરીયા’ થઈ ગયો.

આમ, ‘માસ હીસ્ટીરીયા’ એ એક એવો સામુહીક માનસીક રોગ છે કે જેનો ચેપ મૅલેરીયા, કમળો, ટાઈફૉઈડ વગેરે જંતુજન્ય રોગો કરતાં લાખોગણી ઝડપથી વાયુવેગે પ્રસરી જાય છે.

એકવીસમી સપ્ટેમ્બરને દીવસે પણ આવું જ થયું. વૈજ્ઞાનીકો જણાવે છે તેમ ‘કેશાકર્ષણ’ના સરળ સીદ્ધાંતથી પથ્થરની મુર્તી સમક્ષ ધરેલું દુધ શોષાઈ ગયું અને આ વાતે એક ચમત્કારનું સ્વરુપ ધારણ કર્યું. ભારતનાં મોટાં શહેરોમાંથી નાનામાં નાનાં ગામો અને વીદેશોમાં ટેલીફોનની ઘંટડીઓ રણકી ઉઠી અને ગણપતીજીની મુર્તીઓ દુધ પીતી હોવાના ચમત્કારીક સમાચારો ફેલાવા લાગ્યા. રેડીયો અને ટી.વી ઉપર પણ આ સમાચારો ચમક્યા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, ગુજરાતના કાર્યકારી મુખ્ય પ્રધાનની પુત્રવધુઓ, અને અન્ય નામાંકીત હસ્તીઓએ આ વાતને અનુમોદન આપ્યું. અને પછી તો ‘વા વાયો.. ને નળીયું ખસ્યું…’ ઠેર ઠેર મન્દીરોમાં અને ઘરેઘરમાં ગણપતીજીની મુર્તીઓ, શીવજીના પોઠીયાઓ અને પીત્તળના નાગદેવતા પણ દુધ પીએ છે એવા સમાચાર વહેતા થયા. ઘણા લોકોએ આ નજરોનજર નીહાળ્યું. ક્યાંક કેશાકર્ષણનો સીદ્ધાંત લાગુ પડ્યો, તો ક્યાંક આરસની મુર્તી અને પીત્તળના નાગદેવતાઓ દુધ પીધું હોવાનું લોકોએ નજરે નીહાળ્યું. કારણ જે લોકો એવું જ જોવા માંગતા હતા અને વીચારતા હતા તેમને એવું દેખાયું, સર્વત્ર માસ હીસ્ટીરીયા વ્યાપી ગયો.

સમાચાર–પત્રોમાં સામસામાં દાવો કરાયા જેની ચર્ચા સૌએ વાંચી છે; પરન્તુ માસ હીસ્ટીરીયા પાછળ નીચેનાં મનોવૈજ્ઞાનીક કારણો જ જવાબદાર છે :

  1. પુરાણોમાં અને પ્રાચીન ધર્મગ્રંથોમાં ચમત્કારો થતા હોવાનું આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એટલે આવો દૈવી ચમત્કાર થઈ શકે એવું શીક્ષણ આપણી ગળથુથીમાં આપણને મળ્યું છે.
  2. આપણે બધા એ કબુલીશું કે અત્યારે ઠેર ઠેર અન્યાય, અત્યાચાર, જુઠ, અનૈતીકતા, એટલા બધા વધી ગયા છે કે પ્રત્યેક માણસ આનાથી ત્રાસી ગયો છે અને આપણા દરેકના અજાગૃત મનની એવી અદમ્ય ઈચ્છા છે કે ‘સંભવામી યુગે યુગે’ને સાર્થક કરે એવો કોઈ ઈશ્વરીય ચમત્કાર થાય તો જ અન્યાય અને દુરાચારોથી ખદબદી રહેલી આ ધરતી ઉપર શાંતીનું સામ્રાજ્ય સ્થપાય એટલે આપણા દરેકનું જાગૃત તથા અજાગૃત મન આવા ચમત્કારની કાગડોળે રાહ જોઈને બેઠું છે. એટલે ગણપતીજીના દુધ પીવાની વાત જેવી વહેતી થઈ કે કરોડો લોકોના અજાગૃત મને ઈચ્છાપુર્તીના સ્વરુપમાં એને સ્વીકારી લીધી.
  3. સમાજ એ સુચનો અને અનુકરણોનું પરીણામ છે. લગભગ પંચાણું ટકાથી વધારે સમાજ માત્ર અનુકરણોથી જ જીવે છે એટલે ચમત્કારની વાતોને જેટલી ચગાવો એટલી જ સામુહીક ભ્રમણાઓ વધતી જવાની.

વાંચકમીત્રો, દુધ પીવાની આ સમગ્ર ઘટના ‘માસ હીસ્ટીરીયા’ સીવાય બીજું કંઈ જ નહોતું. આવી ઘટનાને સાચી માનીને આપણે ચોરે ને ચૌટે ચમત્કારો કરી લોકોને ભોટ બનાવતા કહેવાતા ચમત્કારીક ચંદુલાલોથી માંડીને ઠગવીદ્યાના નીષ્ણાત ચંદ્રાસ્વામી સુધીનાની વ્યક્તીપુજામાંથી આપણી જાતને બચાવી લેવી પડશે. શકય છે કે આવા ચમત્કારીક સ્વામીઓ જ પોતાની ધાક જમાવવા આવી અફવાઓ ફેલાવતા હોય. આ ચમત્કારની શરુઆત ક્યાંથી થઈ એને સંશોધનનો વીષય બનાવવાની જરુરી નથી. કારણ કહેવાતા ચમત્કારીક ચંદ્રાસ્વામીઓ ચોરે ને ચૌટે અડ્ડો જમાવીને બેઠા છે. એમની માયાજાળમાં ફસાવા જેવું નથી.

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380 052 અને 1st Floor Karnavati Hospital Building, Opp Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006 સેલફોન : +91 74330 10101 અને +91 84607 83522  ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/blog/  

ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પુર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212,મુલ્ય :રુપીયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com

6 Comments

  1. ડૉ. મૃગેશ વૈષ્ણવે ‘માસ હીસ્ટીરીયા’ પાછળ મનોવૈજ્ઞાનીક કારણો અને ‘માસ હીસ્ટીરીયા’ એ એક એવો સામુહીક માનસીક રોગ છે કે જેનો ચેપ મૅલેરીયા, કમળો, ટાઈફૉઈડ વગેરે જંતુજન્ય રોગો કરતાં લાખોગણી ઝડપથી વાયુવેગે પ્રસરી જાય છે અંગે વિગતે સમજાવ્યું.આવો રોગમા મુસ્લીમ સમાજ પણ મુક્ત નથી તે ‘તમારા ઘેર જઈને પવીત્ર કુરાન ખોલશો તો તેમાંથી એક વાળ મળશે.’વાળા બનાવથી સમજાવ્યું. આવી માનસીક રોગની વ્યાધી એકાએક બધાને સમજાઇ જશે તેવો સંભવ નથી પણ આવી વાતો સમાજને સમજાવી તેનું પ્રમાણ જરુર ઓછુ થશે.
    અમારા કુટુંબ અને સગાસ્નેહીઓ પણ આવા રોગનો ભોગ થયા હતા !

    Liked by 1 person

  2. ગણપતી દુધ પીએ છે એ અફવા અહીં ન્યુઝીલેન્ડ, વેલીંગ્ટનમાં પણ ફેલાયેલી. તે વખતે મારે એક જગ્યાએ હવનની વીધી કરવાની હતી, ત્યારે ત્યાં જાહેરમાં એ બાબતનો વીરોધ મેં કરેલો અને એ માત્ર એક તુત છે એમ જણાવેલું. એને તો ઘણાં વર્ષો થયાં છે.

    Liked by 1 person

  3. આ સાઈટ ઉપર હવે કઈ નવું દેખાતું નથી….જૂના અને અંધવિશ્વાસ ના લેખો ફરી ફરી મુકાય છે….
    ગોવિંદભાઈ ને જાણ થાય કે કોઈ એ હાલ માં જ ….છેલ્લા ત્રણ માસ માં કઈ કીધું..લખ્યું હોય તો મને મોકલવા ખાસ વિનંતી…અને પ્રસારિત કરવા પણ વિનંતી.
    ભૂલચૂક માફ…

    Liked by 1 person

  4. વા વાવા થી નળિયું ખસીયુ

    મંછા ભૂત અને શંકા ડાકણ

    ચમત્કાર ને નમસ્કાર

    ઉપર ની કહેવતો અનુસાર અફવા જયારે ફેલાય છે તો અન્ધશ્રદ્ધાળુઓ માં ઝડપ થી ફેલાય છે અને કોઈ પણ તેની ચકાસણી કરવા ની તસદી નથી લેતા , આવી તો અગણિત ઘટનાઓ લગભગ દરેક ધર્મ માં જોવા મળે છે.

    મુસ્લિમ ધર્મ શાસ્ત્ર માં કહેવા માં આવેલ છે કે જયારે કોઈ દુરાચારી કોઈ સમાચાર લઈ આવે તો તેની ચકાસણી કરી લો.

    આવા કહેવાતા ચમત્કારો ના સમાચારો નું પણ એવું જ છે કે અન્ધશ્રદ્ધાળુઓ તેને ધાર્મિક બાબત સમજી ને આંધળો વિશ્વાસ કરી લે છે.

    Liked by 1 person

  5. ભાઇશ્રી અમુલ શાહના વિચારોને હું સમર્થન આપુ છું.
    રોગની જાણ તો વરસોથી થતી આવી છે.
    સર્વે લોકો, ડોક્ટરો અને સોશીયલ વર્કરો જે રીતે સમજાવે છે તે પ્રમાણે…અભણો અને અંઘશ્રઘ્ઘાળુઓ બઘાને આ રોગનો અનુભવ અને સમાચારો તો મળતા જ હોય છે. પણ અંઘશ્રઘ્ઘા ?????
    ભણેલાઓ પણ અંઘશ્રઘ્ઘાના રોગીઓ હોય છે.
    લેખમાં કહેલું છે તેમ ઘર્મના કથાકારો, પુસ્તકો, ગુરુજીઓ બઘા વેપારમાં કમાવા માટે આવા ઉલ્લુ બનાવતા લુચ્ચા પ્રસંગો વહેતા મૂકે છે. આ લુચ્ચા વેપારીઓને સીઘા કરો. . ડોક્ટરોના કામ ઓછા થઇ જશે. ઘરોમાં ઘરડાંઓ અને ખાસ કરીને સ્ત્રીવર્ગ આવા મુર્ખામી ભરેલા સમાચારો વહેતા મુકે છે. ઇકોનોમીને કેટલું નુકશાન. ?
    સમયે સમયે આવા આર્ટીકલો અભિવ્યક્તિમાં છાપવાનું અમોલભાઇ કહે છે તેમ રીપીટ ના કરો. ભારતમાં જઇઅે તો ખબર પડશે કે આ અંઘશ્રઘ્ઘાનું કોઇ નિવારણ નથી. ૨૦૨૧માં પણ તેનો વઘારો થઇ રહ્યો છે. દેશ જો સારી રીતે ચલાવવો હોય તો આવા અંઘશ્રઘ્ઘાના ઘટીંગોનો નાશ કરાવો. ડોક્ટરની જરુરત નહિ પડે. દેશ આખો અંઘશ્રઘ્ઘામાં જીવે છે. સુઘારકો આવ્યા અને નાસીપાસ થઇને ઉપર ચાલી ગયા…પણ અંઘશ્રઘ્ઘા દૂર નથી થઇ.
    વિજ્ઞાને આપેલા આઘુનિક સાઘનોનો ઉપયોગ કરે છે…નવી નવી કાર વાપરે છે…પણ ઘરમાં સત્યનારાયણની પૂજા મોટો ઉદ્યોગપતિ પણ કરાવે છે. લશ્કરના જનરલો અને તેની મીનીસ્ટરીના પ્રઘાનો પણ કરે છે. દેશ આખો અંઘશ્રઘ્ઘાળુઓ જ ચલાવે છે…અને હોશીયાર વેપારીઓ કે પુજારીઓ તેનો લાભ ઉઠાવે છે.
    ભણતરમાં બીજા વિષયો બૂર કરો અને બાળપણથી બાળકોને અંઘશ્રઘ્ઘાને દૂર કરતાં ક્લાસ લેવડાવો. અને જો આ નહિ થાય તો….કોઇ ફેરફાર નહિ થાય……
    અભિવ્યક્તિ પણ કોઇ મદદ કરી નહિ શકે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s