કુટુંબ : કોલુબ્રીડે (Colubridae)
–અજય દેસાઈ
16. રુપસુંદરી, અલંકૃત સાપ બીનઝેરી
Common Trinket Snake (Coelognathus helena helena)
આ સાપને લેટીન ભાષામાં Coluber helena કહે છે. લેટીન શબ્દાર્થ મુજબ Coluber એટલે સાપ અને helena એટલે સુંદર, એટલે કે ‘સુંદર સાપ’ એવો અર્થ થાય છે. અંગ્રેજી શબ્દનો અર્થ અલંકાર થાય છે, એટલે અલંકૃત સાપ કહી શકાય. ખરેખર દેખાવમાં ખુબ જ સુંદર એવો આ સાપ મુખ્યત્વે ઉંચા પ્રદેશોમાં રહેવું પસંદ કરે છે. તેને જંગલો વધુ પસંદ છે; પરન્તુ જયાં જંગલો પુરા થતાં હોય અથવા છુટાંછવાયાં જંગલો હોય ત્યાં પણ મળી આવે છે. આપણે ત્યાં મેદાનોમાં પણ જોવા મળે છે.
આ સાપનુ મોં સાંકડું અને લાંબુ છે. નસકોરાં સામાન્ય કરતાં મોટા હોય છે. આંખો પણ મોટી છે, કીકીનું રંધ્ર ગોળ છે અને તેને ફરતે સોનેરી પીળી કીનારી હોય છે. શરીરની અધવચથી શરુ થતાં કાળા પટ્ટા લગભગ શરીરના છેડા સુધી પહોંચે છે, ગળાથી શરુ થતાં ત્રણ ત્રણની હારનાં ઘટ્ટ ભુરાં તથા કાળા ટપકાંઓ શરીરના મધ્ય સુધી દેખાય છે. તે આભુષણ જેવા લાગે છે. માથા ઉપરથી શરુ થતી બે કાળી રેખાઓ ગળા સુધી લંબાયેલી હોય છે. તેની પીઠનો રંગ ભુખરો કે ઝાંખો કથ્થાઈ છે. આંખોની નીચે કાળી ઉભી લીટી જોવાય છે. પાતળું શરીર છે, શરીરના પાછળના ભાગના ભીંગડાં બરછટ હોય છે. પેટાળ ગુલાબી સફેદ હોય છે.
શરીરની મધ્યભાગમાં પીઠના ભીંગડાં મહત્તમ 27 હોય છે. જયારે પેટાળનાં ભીંગડાં 210થી 244 હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું સળંગ હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 73થી 100 હોય છે, જે વીભાજીત હોય છે.
આ સાપ ચપળ, નીડર અને આક્રમક મીજાજનો છે. હુમલો કરતી વખતે તેનું શરીર ગુંચળું આકારમાં ગોઠવી, અધ્ધર થઈ એકદમ સ્કુર્તીથી ઝાટકો મારી શીકાર ઉપર ત્રાટકે છે. શીકાર ફરતે વીંટળાઈ જાય છે અને ખુબ જુસ્સાથી દંશે છે. અલબત્ત આ સાપ સમ્પુર્ણ બીનઝેરી સાપ છે.
આ સાપ દીવાચર અને નીશાચર બને છે. ગરમીના દીવસોમાં ઠંડી જગ્યાઓમાં પડી રહે છે. ગરોળી, કાચીંડા, નાના પ્રાણીઓ, દેડકાં, ઉંદર વગેરે મુખ્ય ખોરાક છે.
માદા સાપ 6થી 8 ઈંડા મુકે છે. જન્મ સમયે બચ્ચાંની લંબાઈ 10 ઈંચ હોય છે. તેની મહત્તમ લંબાઈ 5 ફુટ 6 ઈંચ નોંધાઈ છે; પરન્તુ સામાન્યતઃ 3 ફુટથી માંડી 4 ફુટ સુધી જોવા મળે છે.
સમગ્ર ગુજરાતમાં મળી આવતો સામાન્ય સાપ છે.
17. રુપસુંદરી (મોન્ટેન) બીનઝેરી
Montane Trinket Snake (Coelognathus helena monticollaris)
દેખાવ, રંગરુપમાં બધી જ રીતે સામાન્ય રુપસુંદરીને મળતો સાપ છે. લીલો બદામી કે ચોકલેટી બદામી વાન ધરાવતા આ સાપનાં શરીર ઉપર, અડધા ભાગ સુધી ગોળ કે લંબગોળ આકારના કાળી ધારીવાળું ચીતરામણ હોય છે. ત્યારબાદ પુંછડીના અંત સુધી બન્ને પડખે પટ્ટા હોય છે. પેટાળ સફેદ છે. પેટાળનાં પડખામાં કાળા ધબ્બા હોય છે.
તેનો અને સામાન્ય રુપસુંદરી વચ્ચેનો તફાવત બન્નેને સાથે જોઈએ તો સરળતાથી જોઈ શકાય છે. સામાન્ય રુપસુંદરી કરતાં તેનો વાન ઝાંખો હોય છે. પણ તેની પીઠ ઉપરના ભાગનું ચીતરામણ વધારે ઘટ્ટ અને કાળું હોય છે. જેની વચ્ચે સફેદ લંબગોળ ભાત હોય છે. આવી ભાત ફરતે કાળી કીનારી હોય છે. ગળા ઉપરની ભાત બન્નેમાં અલગ પડે છે. સામાન્ય રુપસુંદરીને ગળા ઉપર બે પટ્ટા હોય છે, જે સાંકડા હોય છે. જયારે મોન્ટેન રુપસુંદરી ને આવા પટ્ટા પહોળા હોય છે. તેની વચ્ચે સોનેરી ભુખરા બદામી રંગની ભાત હોય છે. માથાનાં અને કપાળનાં ભીંગડાં વચ્ચે મોન્ટેન રુપસુંદરીને કાળી રેખાઓ હોય છે. વળી સામાન્ય રુપસુંદરીને આંખો પાસેથી શરુ થઈ તેની મોં ફાડ સુધી એક કાળી રેખા હોય છે, જયારે મોન્ટેન રુપસુંદરીમાં આવી રેખા ઉપરાંત બીજી વધારાની રેખા, આંખથી લઈ ઉપરના હોઠની મધ્ય સુધી હોય છે. ભીંગડાં સુંવાળા હોય છે, જે પાછળ પુંછડી તરફ જતાં બરછટ થઈ જાય છે. સામાન્ય રુપસુંદરી અને ડુંગરોની રુપસુંદરી વચ્ચેનો સ્પષ્ટ તફાવત આંખોથી હોઠ સુધીના કાળા પટ્ટાનો છે. સામાન્ય રુપસુંદરીમાં કાળો એક પટ્ટો હોય છે જ્યારે ડુંગરોની રુપસુંદરીમાં બે પટ્ટા હોય છે.
શરીરનાં મધ્યભાગમાં મહત્તમ 27ની હરોળમાં ભીંગડાં હોય છે, જયારે પેટાળમાં 216થી 260 ભીંગડાં હોય છે. પુંછડીનાં ભીંગડાં 73થી 100 હોય છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.
દીવસના સમયે પ્રવૃત્ત હોય છે, જો કે તેનો આધાર ખોરાકની ઉપલબ્ધતા પર હોય છે. સામાન્ય સાપ નથી, દુર્લભ છે. આક્રમક મીજાજનો સાપ છે. તેનાં બચકાં પણ ડેંડુની જેમ જ પીડાદાયી હોય છે.
બારમાસી જંગલો, ડુંગરો, વગેરે વધુ પસંદ છે. જો કે મેદાની જંગલો અને તેની આસપાસની છુટી છવાઈ ઝાડીઓમાં પણ મળી આવે છે. કયારેક માનવ વસવાટની નજીક પણ જોવા મળે છે.
નાનાં પ્રાણીઓ, પક્ષીઓ, દેડકાં, ગરોડી અને કવચીત અન્ય સાપ પણ આરોગે છે, એકદમ ચપળતાથી હુમલો કરી શીકારને પકડી લે છે, ભીંસમાં લીધા બાદ પણ વારંવાર તેને કરડે છે. સામાન્ય લંબાઈ 36 ઈંચ જેટલી હોય છે. પરન્તુ મહત્તમ 5 ફુટ સુધી મળી આવે છે.
દક્ષીણ ગુજરાત તથા કયાંક તેને અડતાં મધ્ય ગુજરાતના વીસ્તારોના ડુંગરાળ પ્રદેશોમાં મળી આવે છે, દુર્લભ સાપ છે.
18 સુંવાળો સાપ બીનઝેરી
Indian Smooth Snake (Wallophis brachyura)
ખુબ જ નરમ, સુંવાળા ભીંગડાં ધરાવતો આ સાપ દુર્લભ સાપ પૈકી છે.
આંખો ગોળ છે, તેનું રંધ્ર પણ ગોળ છે. મોં આગળ વધેલું નહોતા, થોડું ગોળ હોય છે. શરીરનો રંગ ખાખી કે ઘટ્ટ બદામી અથવા કાળાશ પડતો ભુખરો હોય છે. તેની ઉપર શરીરના વાનના રંગની પણ ઝાંખા રંગની ચોકડીઓ હોય છે. જે ખાસ કરીને શરીરનાં આગળના ભાગમાં સ્પષ્ટ જોવાય છે. ગળા કરતાં માથું થોડુંક જ પહોળું હોય છે, પેટાળ સફેદ છે. નસકોરાં પ્રમાણમાં મોટા છે.
શરીરની પીઠ ઉપરના મધ્ય ભાગનાં ભીંગડાં, મહત્તમ 23ની હરોળમાં છે. પેટાળના ભીંગડાં મોટા છે. પુંછડી ટુંકી છે. પેટાળના ભીંગડાં 200થી 224 સુધી હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 46થી 53 અને વીભાજીત હોય છે. જયારે અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત નથી.
બીન આક્રમક અને શરમાળ સાપ છે, તેની પ્રવૃત્તીઓ બાહ્ય નથી જોવાતી. પથ્થર, ઈંટોના ઢગલાં અને વૃક્ષોના પોલાણોમાં રહેવું ગમે છે. ગરોળી, બગીચાનાં કાચીંડા વગેરે ખાય છે. લંબાઈ મહત્તમ 24 ઈંચ હોય છે. એક વખત ખુબ દુર્લભ ગણાતો આ સાપ હમણાં હમણાં ગુજરાતમાંથી અનેક જગ્યાએથી નોંધાયો છે, અને તે જે વીસ્તારોમાંથી નોંધાયો છે, તે જોતાં આ સાપ લગભગ સમગ્ર ગુજરાતમાં હોઈ શકે છે.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારો મેહુલ ઠાકુર અને વીવેક શર્માના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
સુંદર સાપ અને સ રસ ફોટા સાથે માહિતી બદલ ધન્યવાદ
સાપ અંગે કેટલીક માહિતી અંગે વૈજ્ઞાનીકોનું માર્ગદર્શન મળે તે માટે-
અત્યાર સુધી માં ૬ પ્રકાર ના કોરોન વાઇરસ દેખાઈ ચુક્યા છે અને અત્યારે જે દેખાઈ રહ્યો છે તે આ કોરોન વાઇરસ નો સાતમો પ્રકાર છે. આ વખતે એમ માનવામાં આવે છે કે આ નવા પ્રકાર નો કોરોન વાઇરસ નો ચેપ ડિસેમ્બર ૨૦૧૯ માં ચીન ના વુહાન શહેર ના એક સી ફૂડ માર્કેટ માંથી ફેલાયો છે. જે મુખ્યત્વે ચાઈનીઝ કોબ્રા અને ચાઈનીઝ ક્રેટ પ્રકાર ના સાપ ખાવાથી માણસ ના શરીર માં પ્રવેશ્યો છે.
આ સત્ય હોય તો સાપ ખાવા પર પ્રતિબંધ મુકવો જોઇએ . જાણીતી વાત છે કે ઇંડોનેશિયા મા કોબરા સાંપનું લોહી કાઢીને વહેંચવામાં આવે છે અને લોકો સવાર-સાંજ આને સ્વાદ લઈને પીતા હોય છે –
સાપના ચિહ્નો અંગે રસપ્રદ વૈજ્ઞાનિક સમજ ની અપેક્ષા જેવી કે–‘આકાશગંગાની સર્પાકાર રચના ,સર્પાકાર આકારો પ્રકૃતિમાં ખૂબ જ સામાન્ય છે, જેમાં સર્પાકાર તારાવિશ્વોથી લઈને વમળ અને ટોર્નેડો, શેલફિશથી લઈને માનવ આંગળીઓ પરના રેખાંકનો અને ડીએનએ પરમાણુ પણ ડબલ હેલિક્સનો આકાર ધરાવે છે. સર્પાકાર ખૂબ જ જટિલ અને અસ્પષ્ટ પ્રતીક છે. પરંતુ સૌથી ઉપર, તે બ્રહ્માંડના સ્તરે અને સૂક્ષ્મજગતના સ્તરે બંને મહાન સર્જનાત્મક (જીવન) બળનું પ્રતીક છે. સર્પાકાર સમય, ચક્રીય લય, વર્ષની બદલાતી ઋતુઓઓ, જન્મ અને મૃત્યુ, “વૃદ્ધાવસ્થા” અને ચંદ્રની “વૃદ્ધિ” તેમજ સૂર્ય પોતે જ પ્રતીક છે.
LikeLiked by 1 person
અજયભાઇ,
રુપસુંદરી સાપો પણ હોય તે નવું લાગ્યું. તમે તેમની ઓળખ સરસ કરાવી.
આનંદ થયો.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Very interesting and informative article!
LikeLiked by 1 person