‘માનવતા’ : આવકાર્ય ચીંતન–પ્રબોધ
–રમણ પાઠક ‘વાચસ્પતી’
“માનવ પોતે ચૈતન્યનો અવીભાજ્ય અંશ છે એ વાત ભુલીને, અજ્ઞાનવશ પરોક્ષ ઈશ્વરને તે માની બેઠો છે. લોકોની એ ભ્રાંતીને હું દુર કરવા માંગું છું.” (મારું જીવન)
“પરોક્ષ ઈશ્વરને આરાધવાની રીત મને ગમતી નથી. તમારી ઉપર બીજો કોઈ ઈશ્વર નથી. આ જ સાચી, સહેલી અને ટુંકી વાત છે.” (આત્મા)
ઈશ્વરની નહીં અન્નની જરુર છે. વીચાર, વીવેક, યુક્તી, તર્કથી તપાસ કરતાં ઈશ્વર, ધણી એ અસંભવીત બાબત છે.” (ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મનો પ્રચાર)
“પ્રશ્ન ઉઠે છે કે આપણે ઈશ્વરનું કહ્યું ન માનીએ; ત્યારે એ આપણને દુષ્કૃત્ય કરતાં રોકતો કેમ નથી? જો (આવાં દુષ્કૃત્ય) ઈશ્વરની જાણ બહાર કંઈ થતું હોય તો એને સર્વજ્ઞ કેમ ગણવો? જો તે આપણને દુષ્કૃત્ય કરતાં રોકી જ ના શકતો હોય તો એને સર્વશક્તીમાન કેમ કહેવાય? જો ઈશ્વરને આ જગતની કશી ચીંતા જ ન હોય તો એને દયાળુ કેમ કહેવો?’’ (‘ઈશ્વર’ના નામે લુંટાવાનું બંધ કરો) આ લેખમાં સ્વપુર્ણ મહારાજે બરાબર તાર્કીક દલીલોથી સીદ્ધ કરી આપ્યું છે કે, ‘ઈશ્વર દયાળુ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તીમાન છે અને ઈશ્વરની ઈચ્છા વગર કંઈ જ થઈ શકતું નથી’– આ ચારેય માન્યતાઓ ખોટી છે.
સ્વપુર્ણ મહારાજ ખરેખર એક સાધુ–સંત છે, એટલે મને જાણતા વાચકોને પ્રશ્ન થાય છે કે, પ્રા. રમણ પાઠક જેવા પાકા–સમ્પુર્ણ રૅશનાલીસ્ટ માણસ એક સાધુના ‘આધ્યાત્મીક’ ચીંતનરુપ ગ્રંથની પ્રસ્તાવના કેમ લખે?
આ પ્રશ્નના આગોતરા જવાબરુપે જ મેં ઉપરનાં અવતરણો ટાંક્યાં છે, જે કમસે કમ એટલું તો સીદ્ધ કરે જ છે કે, મહારાજશ્રીના ઘણા વીચારો રૅશનાલીસ્ટોને અનુકુળ પ્રતીત થાય તેવા છે. બીજું કે, સામાજીક દુષણો–કુરુઢીઓ, ધાર્મીક ધતીંગો, ધર્મને નામે પ્રવર્તતાં અનીષ્ટો, ધાર્મીક શોષણ, બગાડ, અન્ધશ્રદ્ધાઓ, વહેમો આદી સામે અમે રૅશનાલીસ્ટો જબરદસ્ત ઝઝુમીએ તો છીએ, પરન્તુ અમારી વાત બહુ ઓછા સાંભળે, કારણ કે લોક એમ જ કહી, અમારી વાતને અવગણવાના કે, ‘જવા દો, એ લોકો તો નાસ્તીક છે એટલે આવું તેવું જ બોલ્યા કરે!’ પરન્તુ જ્યારે અમારી એ જ વાતો જેવી વાતો કે ચીંતન, કોઈ ભગવા વસ્ત્રધારી સાધુ–સંત પ્રસ્તુત કરે, ત્યારે લોકો સાંભળે એટલું જ નહીં, એથી પ્રભાવીત પણ થાય, પરીણામે પ્રજા ભલે સમ્પુર્ણ રૅશનાલીસ્ટ ન બને, પરન્તુ સમાજસુધારાનું મોટું, અનીવાર્ય, મુલ્યવાન કાર્ય તો સીદ્ધ થાય જ. આમેય માનવ જાતની વીરાટ બહુમતી રૅશનાલીસ્ટ બની જાય એવી કોઈ આશા બહુ વાસ્તવીક ન લખાય; કારણ કે એવા થવા માટે પ્રકાંડ મન:શક્તીનો વીનીયોગ કરવો પડે; જે સર્વ કોઈ માટે શક્ય નહીં, સર્વ કોઈ ઈચ્છે પણ નહીં. એ સંજોગોમાં ધર્મધતીંગો ઘટે, ધર્મને નામે થતો લોકદ્રોહી બગાડ અટકે; તો એય આવકાર્ય ગણાય.
દા.ત. હમણાં જ ગુજરાતમાં જ અશ્વમેધ યજ્ઞને નામે તથા કહેવાતા કૃતજ્ઞતા સમાહને નામે ભયંકર બગાડભર્યા કાર્યક્રમો થયા. એ પરીસ્થીતીમાં જો આ મહારાજશ્રી એવો બોધ પ્રચારતા હોય કે, ‘અશ્વમેધ યજ્ઞની નહીં, અન્નયજ્ઞની જરુર છે; ઈશ્વરની નહીં; અન્નની જરુર છે.” (ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મનો પ્રચાર) તો એ બોધ ઘણો જ સમાજહીતકારક બની શકે. આજે ગુજરાતમાં સંખ્યાબંધ ગુરુઓ ફાટી નીકળ્યા છે અને શીષ્યો ગુરુભક્તી તથા ઈશ્વરભક્તીથી બરબાદ થઈ રહ્યા છે અને સમાજનેય બરબાદ કરી રહ્યા છે, ત્યારે પ્રસ્તુત લેખમાં મહારાજશ્રીનું આ તારણ આંખ ઉઘાડનારું બની શકે, “ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મના પ્રચાર”માં લીન રહેનારનેય ખાવા જોઈએ; એથી એનો બોજો સામાન્ય જનતા પર જ પડે. વળી, એથી અર્ધો સમાજ પાખંડી બન્યો અને બાકીનો અર્ધો સમાજ એ પાખંડીઓની જાળમાં ફસાઈ અન્ધશ્રદ્ધાનો ભોગ બન્યો.” આવા ગુરુઓથી ભીન્ન રીતે સ્વપુર્ણ મહારાજશ્રી જાહેર કરે છે કે, ‘મારો કોઈ આશ્રમ, કોઈ પંથ, કોઈ શીષ્ય કે કોઈ ગુરુ નથી.’ (મારું જીવન)
મહારાજશ્રીના ઉપદેશનો ઝોક જેટલો સમાજસુધારા તથા માનવીય સુખ–ભદ્ર જીવન પ્રતી છે; એટલો આધ્યાત્મીક ચીંતન તરફ નથી. હા, તેઓ આત્મા, પરમાત્મા, સજીવ આદીના ઉદ્ભવ, આવીર્ભાવ કે સંબંધ બાબતે થોડું ચીંતન જરુર પ્રસ્તુત કરે છે; પણ એની પાછળ ધર્મપ્રચાર કે લોકને, ‘તારી જાતને ઓળખ!’, ‘બ્રહ્મનો સાક્ષાત્કાર કર!’, ‘ઈશ્વરને સર્વભાવે શરણે જા!’– એવો જીવનની વાસ્તવીકતાથી વીમુખ કરવાનો ઉદ્દેશ નથી. તેઓ ફક્ત એટલું જ ઉપદેશવા ઈચ્છે છે કે, માણસે આ બધી ચીંતા છોડી, ‘ભ્રાંતી અને અજ્ઞાનથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો… જે કાંઈ કરીએ તે દૃઢ નીશ્ચયયુક્ત અને શંકારહીત હોય; તો જ કાયમ સુખ, શાંતી, સંતોષ અને આનંદ મળી શકે.’ (માનવધર્મ) આમ, સ્વપુર્ણ મહારાજ માનવીના સુખ કે ઐહીક જીવનના આનંદને જ મહત્ત્વ આપે છે; જે રૅશનાલીસ્ટ અભીગમ જ કહેવાય, કારણ મનુષ્ય મુળભુત રીતે તો એ જ ઝંખે છે. મહારાજશ્રીનાં વીચાર–ચીંતન, વીવેકબુદ્ધીપુત સવીશેષ છે એના સચોટ પુરાવારુપે બે જ લેખો ચીંધવા બસ ગણાય : (1) ઈશ્વરના નામે લુંટાવાનું બંધ કરો (2) ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મનો પ્રચાર.
સ્વામીજીએ માનવતા અર્થાત્ માનવધર્મની સુંદર વ્યાખ્યા ‘મારું જીવન’ શીર્ષક હેઠળના આત્મનીવેદનમાં આપી છે : ‘બીજા માણસો માટે દુ:ખ ખમવા તૈયાર રહેવું અને સુખ જતું કરવું– આ છે માનવતા.’ મહારાજશ્રી માનવધર્મી છે અને માનવધર્મના જ પ્રચારક છે. કોઈ પણ પરંપરાગત ધર્મનો કે ધર્મતત્ત્વનો તેઓ પ્રચાર કરતા જ નથી, બલકે એવા પ્રચારના તેઓ વીરોધી છે. તેઓ કહે છે, ‘…સંતો, ઈશ્વરભજન, બોધ અને અનુશાસન પડતાં મુકો; અન્નયજ્ઞ માટે શરીરશ્રમમાં લાગી જાઓ!’ એથીય ચોટદાર વીધાન તો એ છે કે, ‘જગતમાં જેટલા ધર્મો–સમ્પ્રદાયો છે, એના મુળમાં સંમોહન જ છે. પ્રજ્ઞા કે ભાન નથી.’ (ગુરુભક્તી અને ધર્મનો પ્રચાર) ભારત જેવા અનેકાનેક સમ્પ્રદાયવાડાઓમાં ખદબદતા રાષ્ટ્ર માટે આવો ઉપદેશ ખરેખર નવજીવનદાયી બની રહે. મહારાજશ્રી સમજપુર્વક ક્રાંતીકારી બન્યા છે. તેઓ જાહેર કરે છે, ‘ક્રાંતીનો અર્થ જુનું કાઢી નાખીને નવું સર્જન કરવું એવો થાય છે, મારું આ એક જ કર્તવ્ય છે. હું ક્રાંતીરુપ થઈને જ દેહ ધારણ કરી રહ્યો છું.’ (ઈશ્વર–ધણી)
ઈશ્વરના જુદા જુદા અવતારો કલ્પવાથી જ ભીન્ન ભીન્ન સમ્પ્રદાયો ઉદ્ભવ્યા છે એમ મહારાજશ્રી કહે છે તે યોગ્ય જ છે. અનેક મહાપુરુષો જરુર થઈ ગયા; તેઓએ લોકસુધારાના અમુક કાર્યો પણ જરુર કર્યા, પરન્તુ તેઓને ઈશ્વરનો અવતાર માનીને ભીન્નભીન્ન ધર્મો–સમ્પ્રદાયો સ્થાપવાથી તો હાની જ હાની થઈ છે. મહારાજશ્રી કહે છે તેમ, ‘કોઈએ રામને… કોઈએ રામાપીરને ઈશ્વર માની લીધા અને જગતમાં ઝઘડાનાં ઝાડ ઉછેર્યા. અવતારવાદ અને ઈશ્વરવાદનો ત્યાગ કરીને, માનવતા સ્વીકારીને સૌને પ્રસન્ન કરીને, પ્રેમથી જીવનયાત્રા કરવામાં જ મંગળ છે.’ (ઈશ્વર–ધણી) મહારાજશ્રીની પાપ–પુણ્યની વ્યાખ્યા પણ બરાબર રૅશનાલીસ્ટ અભીગમયુક્ત છે અને તે માનવસમાજ માટે ખુબ જ હીતકર્તા હોઈ, અનુસરવા યોગ્ય છે. જુઓ તેઓનું સરસ, વીવેકપુત વીધાન : ‘બીજાને પીડા આપીને સુખી થઈ જવાનો રસ્તો સાચો નથી.. આપણે બીજા મનુષ્યોને ખુશ રાખવા મથવું જોઈએ.. કાં તો બીજાનું હીત કરો, કાં તો સ્થીર રહો!’ (મારો વીચાર કે માન્યતા) પાપ–પુણ્યની રૅશનાલીસ્ટ વ્યાખ્યા ખરેખર આવી જ છે : બીજાને દુ:ખ–પીડા આપવાં તે પાપ અને બીજાનું ભલું કરવું તે પુણ્ય. એ સીવાય સંસારમાં અન્ય કોઈ પાપ નથી કે પુણ્ય નથી. વ્રત, તપ, અપવાસ, બ્રહ્મચર્ય, અમુક ખાવું, અમુક ત્યજવું, દેવદર્શન એ બધાં તો કર્મકાંડ છે; પુણ્યકાર્ય નથી જ, કારણ કે જુદા જુદા ધર્મોમાં આ બાબતે જુદા જુદા જ ઉપદેશો છે અને વળી એથી સમાજને તો કશો જ લાભ નથી. દુનીયામાં આપણે સાક્ષાત જોઈ શકીએ છીએ કે જે સમાજોએ ધર્મને ગૌણ ગણી, વીજ્ઞાનનો ભરપુર લાભ લીધો; તેઓ ખુબ સુખી અને સમૃદ્ધ છે. બીજી બાજુ, આપણા જેવા ધર્મઘેલા, રુઢીચુસ્ત સમાજો દુ:ખ, ત્રાસ, તંગી, ગરીબી, અનીષ્ટો, વહેમો, ધાર્મીક શોષણ, અન્ધશ્રદ્ધાઓમાં રીતસર સબડે છે, રીબાય છે.
આમ સ્વપુર્ણ મહારાજના મોટા ભાગના વીચારો તથા મુખ્ય ચીંતનની દીશા રૅશનાલીઝમના સમર્થનની છે અને એ જ હકીકત આ પુસ્તક સંદર્ભે ખુબ મહત્ત્વની છે, કારણ કે એ વાત સાચી જ કે સમસ્ત માનવજાત ક્યારેય પુર્ણ રૅશનાલીસ્ટ તો નથી જ થવાની; તેમ છતાં માનવીની જીવનરીતી જેટલે અંશે વધુ વીવેકબુદ્ધીપુત હશે; એટલે અંશે સમાજ વધુ સુખી તથા વધુ મુક્ત બનવાનો. રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ અને એનો પ્રધાન હેતુ જ માનવજાતને સુખી–મુક્ત બનાવવાનો છે. એ સંદર્ભે મહારાજશ્રીનું જીવનકાર્ય તથા ચીંતન આવકાર્ય બની રહે છે.
મહારાજશ્રીના ત્રીસેક લેખોના આ સંચયમાં, આવા તો અનેક મુલ્યવાન તથા પ્રેરક વીચાર–બોધ સંગ્રહાયા છે, જે બધાનો જ ઉલ્લેખ–આસ્વાદ અત્રે કરાવી શકાય નહીં અને કરાવવો આવશ્યક પણ નથી. એ માટે તો મુળ પુસ્તક જ વાંચવું અનેકગણું વધુ પથદર્શક બની રહેશે. મારા આ પ્રાસ્તાવીકનો મુળ હેતુ તો એટલો જ કે, સાધુ–સંતોના આવા પ્રગતીશીલ આચાર–વીચાર સમાજ માટે વધુ પ્રભાવક નીવડી શકે; કારણ કે હજીય સાધુજમાતનો સમાજ પ૨ પ્રભાવ છે, આમ તો, સાધુ સંસ્થા પેરેસાઈટસની–પરોપજીવીઓની જ હોઈ, બહુ પ્રશસ્ય કે સમર્થન યોગ્ય નહીં, પરન્તુ એમાંના જે સંતો સમાજને આવા પ્રગતીશીલ નુતન, વૈજ્ઞાનીક અભીગમ પ્રેરે છે એવા સંતોનાં કાર્ય–બોધને જુદાં તારવી, એનું સમર્થન પણ આપણે કરવું જ ઘટે. એ દષ્ટીએ આ સંગ્રહને એક ખરેખર જ મુલ્યવાન, સમાજોપયોગી કાર્ય ગણી, આવકારીએ!
અંતમાં સ્વપુર્ણ મહારાજશ્રીના એક સુંદર, ચીંતનાત્મક, વાસ્તવીક, વીવેકપુત લેખ ‘અહીંસા–દયા’નો ખાસ ઉલ્લેખ કરી વીરમીએ : બધા જ સંતો અહીંસા અને દયાનો પોપટીયો બોધ તો આપે છે; પણ ભાગ્યે જ કોઈ સાધુ કે ગાંધીજી જેવા મહાત્માએ સુધ્ધાં એની અવાસ્તવીક્તા, એવા આચાર સામે ઉપસ્થીત થતી અટળ મુશ્કેલીઓ, એની અસંભવીતતાનો સ્પષ્ટ ઉલ્લેખ કરી, મહારાજશ્રી જેવી સ્પષ્ટ વાત કરી છે. તેઓ લખે છે : ‘ઈચ્છા હોવા છતાં, અહીંસક બની, એ મુજબ જીવી શકાતું નથી.’ બીલકુલ સત્ય, તાત્ત્વીક કથન છે. જ્યાં કુદરતે જ, એક પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય તો જ જીવી શકે, એવી અફર વ્યવસ્થા પ્રયોજી છે; ત્યાં માણસે જીવવું હોય તો અહીંસા અસંભવીત જ ગણવી રહી. વનસ્પતીમાં પણ જીવ છે, એમ સીદ્ધ થયા પછી તો અહીંસાનો આગ્રહ કેવળ ભ્રમણા જ બની રહે છે અથવા તો કોઈ પણ પ્રાણીને વીનાકારણ દુ:ખ, પીડા ન આપવાં અને ખોરાક તરીકે હણતાં પણ ઓછામાં ઓછી પીડા તેને થાય એવું ધ્યાન રાખવું– એવી જ અહીંસાની નવી વ્યાખ્યા સ્વીકારવી ઘટે અને એ જ શક્ય તથા ઉત્તમ લેખાય. મહારાજશ્રી બરાબર આમ જ કહે છે : ‘જીવન ધારણ કરીને અહીંસાનું પાલન સંભવ નથી.. ઈચ્છા હોવા છતાં અહીંસક….. જીવી શકાતું નથી… આહાર વીના દૈહીક વ્યવહાર થતો નથી. કોઈ ઠેકાણે સંતો–મહંતોથી દુધ–ધી, અન્નનો વરસાદ વરસાવી શકાયો નથી માટે આવી ભ્રાંતીઓથી સૌએ બચવું જોઈએ.’ અરે, મહારાજશ્રીએ તો સેક્સના આનંદનો પણ અહીંસક એવો મૌલીક, વીવેકબુદ્ધીવાદી માર્ગ એ જ લેખમાં ચીંધ્યો છે. તેઓ લખે છે : ‘જાતીય વૃત્તીઓ તીવ્ર થાય, ત્યારે સામેના પાત્રને પ્રસન્ન કરીને પછી જ આનંદ–પ્રમોદથી ભોગવો! બીજાનું જે શોષણ કરે છે એ રાક્ષસો છે.’
અદ્ભુત વાત છે ને આ! બીજા સંતો–મહંતો જ્યારે બ્રહ્મચર્યનો પોકળ બોધ આપતા ફરે છે; ત્યારે સ્વપુર્ણ મહારાજ પુર્ણ નીતીમુલક તથા શક્ય ઉપદેશ આપે છે કે પ્રેમથી, પરસ્પર સંમતીથી જ સંભોગનો આનંદ માણો!
આમ સ્વપુર્ણ મહારાજના ચીંતન–ઉપદેશ એકંદરે રૅશનાલીઝમના સમર્થક તથા ઐહીક, વાસ્તવીક જીવનને સુખી–સ્વસ્થ બનાવવાની દૃષ્ટીએ ખુબ જ જીવનોપયોગી તથા તાત્ત્વીક છે. તેઓશ્રીની ભાષા–શૈલી પણ સરળ, સચોટ અને રોચક છે માટે એનો પ્રચાર સમાજમાં થાય; એ ખુબ જ આવશ્યક લેખાય. શ્રી વલ્લભભાઈ ઈટાલીયા કાંઈ સ્વપુર્ણ મહારાજના શીષ્ય નથી; કારણ કે શ્રી ઈટાલીયા અને મહારાજશ્રી બન્ને ગુરુવાદના વીરોધી જ છે. શ્રી વલ્લભભાઈ તો વળી મારા જેવા પાકા રૅશનાલીસ્ટ છે. એમને મહારાજશ્રી પ્રત્યે તેઓના આવા માનવતાવાદી, પ્રગતીશીલ વીચાર–વ્યવહાર બદલ આદર છે; આથી જ શ્રી ઈટાલીયા આ લેખસંગ્રહનું સંપાદન કરી, એ લોકહીતાર્થે પ્રગટ કરવા પ્રેરાયા– એ બદલ તેઓ અભીનંદનના અધીકારી છે. આપણે તેઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા અને આ રીતે મને મહારાજશ્રીના વીચાર–ચીંતનનો પરીચય કરાવવા બદલ તથા આ પુણ્યકાર્યમાં મને સાંકળવા બદલ, હું શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનો અંતરથી ઋણી છું.
ઈ.બુક ડાઉનલોડ કરવા માટે જમણી બાજુએ
ઉંધા તીરની નીશાની પર ક્લીક કરો..
Click to access ebook_52_swapurna_maharaj_maanavataa_2021-10-21-1.pdf
–રમણ પાઠક ‘વાચસ્પતી’
તા. 10 સપ્ટેમ્બર, 1995
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.
પુસ્તક–સમ્પાદક–સમ્પર્ક : શ્રી વલ્લભ ઈટાલીયા, 74-બી, હંસ સોસાયટી, બરોડા પ્રીસ્ટેજ પાસે, વરાછા રોડ, સુરત–395006,
સ્વપુર્ણ મહારાજ લીખીત તથા વલ્લભ ઈટાલીયા સમ્પાદીત જીવનોપયોગી અને મૌલીક વીચારોનો સંગ્રહ ‘માનવતા’ની ઈ.બુક [પ્રકાશક : મણી મારુ પ્રકાશન, 405 , સરગમ કો–ઓ હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટી સામે, વીજલપોર–નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396450 સેલફોન : 95378 80066 ઈ.મેલ : govindmaru@gmail.com પાન : 179, કીમ્મત : મફ્ત લહાણી (પુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ)]માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 18/10/2021
‘…સંતો, ઈશ્વરભજન, બોધ અને અનુશાસન પડતાં મુકો; અન્નયજ્ઞ માટે શરીરશ્રમમાં લાગી જાઓ!’ ‘બીજાને દુ:ખ–પીડા આપવાં તે પાપ અને બીજાનું ભલું કરવું તે પુણ્ય. એ સીવાય સંસારમાં અન્ય કોઈ પાપ નથી કે પુણ્ય નથી.’ ‘મહારાજશ્રીના ઉપદેશનો ઝોક જેટલો સમાજસુધારા તથા માનવીય સુખ–ભદ્ર જીવન પ્રતી છે’ સ્વપુર્ણ મહારાજ પુર્ણ નીતીમુલક, સરળ, સચોટ અને રોચક તથા શક્ય ઉપદેશ બદલ વંદન
LikeLiked by 1 person
જીવન જીવવાની સાચી રીત પ્ર્સ્તુત લેખમાં સ્વપુર્ણ મહારાજે ખુબ જ સુંદર રીતે કરી છે. સ્વપુર્ણ મહરાજે પોતે લોકોના કલ્યાણ અને માનવતા ધર્મ જ સાચો ધર્મ છે એ સમજાવવા માટે પોતાનો સંસાર છોડ્યો અને સાદગીભર્યું જીવન જીવ્યા. ખુબ જ ઉત્તમ કાર્ય કરી ગયા.
આભાર લેખક શ્રી અને ગોવિંદભાઈનો.
LikeLiked by 1 person