શ્રવણ ટીફીન સેવા

નીરાધાર લોકોની તન, મન અને ધનથી ની:સ્વાર્થ સેવા કરનાર એક દમ્પતી અને તેમના ટ્રસ્ટની વાત આજે પ્રસ્તુત છે.

શ્રવણ ટીફીન સેવા

–ફીરોજ ખાન

મા–બાપ પોતાના સંતાનોને ઉછેરવા અને એમનું ભવીષ્ય ઉજ્જવળ બનાવવા માટે પોતાનું સર્વસ્વ હોમી દેતા હોય છે. તેમને ફક્ત એક આશા હોય છે કે તેઓ પોતે ઘરડા થયા બાદ તેમનાં કમાઉ દીકરા તેમની સારસંભાળ અને કાળજી લેશે. પરન્તુ બીમાર, અશક્ત મા–બાપને નીરાધાર મુકી દેનારા કંઈ કેટલાય લોકો છે. આવા દીકરાઓ ભુલી જાય છે કે એક દીવસ એમની પણ આજ હાલત થવાની છે. કુદરત કોઈને છોડતી નથી. આજે મારા પર વીતી કાલે તારા પાર પણ વીતશે. આ કુદરતનો નીયમ અટળ છે. સંતાનો હોવા છતાં આવા નીરાધાર મા–બાપોને જોવા હોય તો ભારતમાં કોઈ પણ અનાથ આશ્રમની મુલાકાત લેવી. ભારતમાં અસંખ્ય અનાથાશ્રમો છે. આ અનાથાશ્રમોમાં રહેનારા મા–બાપમાં પૈસાવાળાના વધારે છે; પરન્તુ જ્યાં સમાજનો આ કદરુપો ચહેરો છે ત્યાં જ અનેક સારા લોકો પણ છે.  આ સારા લોકો નીરાધાર લોકોની તન, મન અને ધનથી ની:સ્વાર્થ સેવા કરે છે. આજે આ એવા જ એક દમ્પતીની વાત કરવી છે.

મુમ્બઈ બહાર ભાયંદર નામનું એક રેલવે સ્ટેશન છે. એક સમયે ત્યાં મીઠાના આગાર હતાં. ખુબ મીઠું પાકતું. મુમ્બઈની વસ્તી કુદકે ને ભુસકે વધવા માંડી એટલે લોકો દુરના પરામાં રહેવા ગયા. આજે ભાયંદર એક સારું એવું શહેર બની ગયું છે. આ શહેરમાં ‘સ્વ. હીમ્મતલાલ હરજીવનદાસ મોદી ટ્રસ્ટ’ દ્વારા ભુખ્યા અને નીરાધાર લોકો માટે એક ડૉક્ટર દમ્પતી ચૌદ વર્ષથી નીઃશુલ્ક ‘શ્રવણ ટીફીન સેવા’ ચલાવી રહ્યા છે.

આ ટ્રસ્ટના સ્થાપક ડૉક્ટર મોદીને જ્યારે પુછ્યું કે આ રીતની સેવા કરવાનો વીચાર કેવી રીતે અને ક્યારે આવ્યો? ત્યારે ડૉક્ટરે જણાવ્યું કે “તેઓ તેમના ક્લીનીકમાં એક વૃદ્ધની સારવાર કરી રહ્યા હતાં. આ સારવાર દરમીયાન વૃદ્ધે જણાવ્યું કે તેમને ત્રણ દીકરા છે પણ તેમનું અને તેમની પત્નીનું કોઈ ધ્યાન રાખતું નથી. તેમની પત્ની લકવાગ્રસ્ત છે. તેમને પોતાને પણ ચાલવાની તાલકીફ છે. બન્નેમાંથી કોઈ ભોજન બનાવવા માટે સમર્થ નથી અને એટલે જ તેઓ અને તેમની પત્ની ચાર દીવસોથી ભુખ્યા છે.” ડૉક્ટર મોદીએ પોતાના ઘરે રસોઈ કરાવી એ વૃદ્ધ દમ્પતીને ટીફીન પહોંચતું કર્યું.

ડૉ. મોદીને થયું કે આવા તો કૈં કેટલાય લોકો હશે! તેઓ બીચારા કોઈને કહેવાય નહીં અને સહેવાય પણ નહીં તે રીતે જીવતા હશે! ડૉક્ટરને એક વીચાર આવ્યો અને તેમના પત્ની કલ્પનાબહેનને કહ્યું કે આવા નીરાધાર વૃદ્ધો માટે આપણે કશુંક કરવું જોઈએ. માનવતાના આ ઉમદા કાર્ય કરવા માટે કલ્પનાબહેને તરત જ હામી ભરી, ડૉ. મોદીને પ્રોત્સાહન પુરુ પાડ્યું. ડૉ. મોદીએ વીવીધ માધ્યમો દ્વારા જાહેરાત કરી. અમુક લોકો આગળ આવ્યા. ડૉક્ટર દમ્પતીએ શરુઆત દસ–બાર લોકોથી કરી. જોત જોતામાં એમની પોપ્યુલારીટી એટલી વધી ગઈ કે તેઓએ એક ટ્રસ્ટ બનાવ્યું. અને આ ટ્રસ્ટ દ્વારા આજેય ‘શ્રવણ મફત ટીફીન સેવા’ અવીરત ચાલે છે. ડૉ. મોદી કહે છે કે આજે એમની સેવાનો લાભ 350થી વધુ લોકો લઈ રહ્યા છે. આ ટ્રસ્ટ દ્વારા ફક્ત ભોજન–પાણી જ નહીં પણ દવા અને રહેવાની સુવીધા પણ પુરી પાડવામાં આવે છે. ‘ટીફીન સેવા’નું કામ સવારે પાંચ વાગ્યાથી શરુ થઈ જાય છે. આટલા બધા લોકો માટે રસોઈ બનાવવા માટે બે રસોયા રાખ્યા છે. અને ટીફીન પહોંચાડવા માટે બે ટેમ્પો પણ રાખ્યા છે. આજે ડૉક્ટર દમ્પતી ફક્ત ભાયંદરમાં જ નહીં પરન્તુ આસપાસના એરીયામાં પણ ભોજન પહોંચાડી રહ્યા છે.

અનેક વૃદ્ધોનું કહેવું છે કે એક સમયે એમની પરીસ્થીતી એવી હતી કે એમને રાખવા કોઈ તૈયાર ન હતું. આજે આ ડૉક્ટર દમ્પતીના કારણે અમને સાદું, સહેલાઈથી પચી જાય એવું પણ પૌષ્ટીક ભોજન મળી રહ્યું છે. દાળભાત, શાક, રોટલી અને રવીવારે મીઠાઈ કે ફરસાણ અમને મળે છે.

જુની પેઢી અને નવી પેઢીમાં વીચારોનું મતભેદ હોઈ શકે. જગ્યાની તંગી પણ હોઈ શકે; પરન્તુ વૃદ્ધ મા–બાપને સાથે ન રાખવા એ કલ્પના જ અકલ્પ્ય છે. ડૉ. મોદી અને એમના પત્ની કલ્પનાબહેનને એમના આ સેવા યજ્ઞમાં એમના દીકરા–દીકરી પણ યથાશક્તી મદદ કરી રહ્યા છે.

હેટ્સ ઑફ તો ડૉ. મોદી સાહેબ અને કલ્પનાબહેનને…

(ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહીતીના આધારે.)

–ફીરોઝ ખાન

‘ફેસબુક’ના ‘અપના અડ્ડા’  ગ્રુપમાં તા. 23, ઓક્ટોબર, 2021ના રોજ પ્રગટ થયેલ લેખકની પોસ્ટ (https://www.facebook.com/groups/apnaaddagujarati/posts/4822583007805435/)માંથી,  લેખકના, ‘અપના અડ્ડા’ ગ્રુપના અને ‘ફેસબુક’ના  સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–02–2022

15 Comments

 1. ખુબ સરસ પ્રેરણાદાયક માહીતી. આ પરથી બીજા લોકો પણ આ પ્રકારનાં માબાપોની સેવા કરવા પ્રેરણ કદાચ લઈ શકે. ભાયંદર, મુંબઈ સીવાય બીજાં ઘણાં સ્થળે આ પ્રકારની સેવાની જરુરત હશે. માહીતી પહોંચાડવા માટે ભાઈ ફીરોજ ખાન તથા ગોવીન્દભાઈનો હાર્દીક આભાર.

  Liked by 1 person

 2. ભુખ્યાંઓ ને ભોજન ખાવડાવવું એ એક બહુજ પુણ્યશાળી કાર્ય છે. અહીં ઉત્તર અમેરિકા માં ઘણી ” ફુડ બેંક ” નું અસ્તિત્વ છે જેઓ દરિદ્રો ને ખાધા ખોરાકી ની વસ્તુઓ મફત આપે છે. તેવીજ રીતે બીજા દેશો માં પણ આવા પ્રકાર નું કાર્ય થતું રહ્યું છે. પાકિસ્તાન ના શહેર કરાચી માં પણ આવી સંસ્થાઓ છે, જેઓ દરિદ્રો ને ભોજન મફત ખવડાવે છે. આ પ્રકાર ના દ્રશ્યો કરાચી માં મેં પોતે માં જોયા છે કે ફુટપાથ પર આ દરિદ્રો ભેગા મળી ને ખાય છે, જે તેઓને આવી સંસ્થાઓ દ્રારા મફત પ્રપ્ત થાય છે. તે ઉપરાંત ત્યાં અમુક હોટલોનું પણ અસ્તિત્વ છે, જેઓ ને કોઈ પણ પરોપકરી માણસ પૈસા આપીને બહાર બેઠેલા દરિદ્રો ને પોતાની નજર સામે જ ભોજન કરાવી શકે છે. ( ફુટપાથ પર આવા ભોજન ખાતા દરિદ્રો ના મેં લીધેલા ફોટા શ્રીમાન ગોવિંદ મારુ ને ઈમેલ પર માકલી રહ્યો છું ).

  Liked by 1 person

 3. ોા જમાનાની સત્ય હકીકત, પણ મારા ત્રણ દીકરા વહુઓ તથા પૌત્રીઓ અમારી ઘનિજ સેવા કરે છે. આ અમારી પુણ્યાઇ છે. શ્રી ગોવિંદભાઇ આપશ્રી મને જીજાજી માનો,છો. ધન્યવાદ

  Liked by 1 person

 4. ડૉ. મોદી અને એમના પત્ની કલ્પનાબહેનને એમના આ સેવા યજ્ઞમાં એમના દીકરા–દીકરી પણ યથાશક્તી મદદ કરી રહ્યા છે .ટ્રસ્ટ દ્વારા આજેય ‘શ્રવણ મફત ટીફીન સેવા’ અવીરત ચાલે છે. આજે એમની સેવાનો લાભ ૩૫૦થી વધુ લોકો લઈ રહ્યા છે. આ ટ્રસ્ટ દ્વારા ફક્ત ભોજન–પાણી જ નહીં પણ દવા અને રહેવાની સુવીધા પણ પુરી પાડવામાં આવે છે.
  ધન્ય ધન્ય ડૉ મોદી દંપતી
  ખૂબ સરસ પ્રેરણાદાયક માહીતી.
  જો કે આપણે ત્યાં અને દુનિયામા ઘણી જગ્યાએ આવા સેવા યજ્ઞો ચાલે છે પરંતુ હજુ વધુ આવા યજ્ઞોની જરુર છે.સાંપ્રત સમયે કોરોના કાળમા દરેક ગરીબને ત્યાં ખોરાક મફત પહોંચાડવાની સુંદર કામગીરી થઇ.આવા યજ્ઞો કરનાર સર્વેને લખ લખ વંદન

  Liked by 1 person

 5. ભુખ્યાઓનાં જઠરાગ્નિ ઠારવાનું કામ તો અનેક લોકો અને સંસ્થાઓ કરે છે. મુંબઈ કે જ્યાં મેં મારા જીવનના સાઈંઠ વર્ષો વિતાવ્યાં ત્યાં કાસીમ અબ્બાસભાઈએ લખ્યું એ પ્રમાણે અને ખાસ કરી દરગાહોની બહાર ફૂટપાથો પર બેસેલાં અનેક લોકોને ખવડાવતાં મેં જોયાં છે. દરિદ્રનારાયણની સેવા કરવી એ પુણ્યનું કામ છે. મને આવા લોકો અને સંસ્થાઓ વિષે લખવાનું ગમે છે.
  ફિરોજખાન
  ટોરંટો, કેનેડા.

  Liked by 1 person

 6. એક સમય હતો જયારે આ પેજની મુલાકાત લેનારા અને કૉમેન્ટ્સ લખનારની સંખ્યા ખુબ હતી. ઘટીને ફક્ત ૫ પર આવી ગઈ! લોકોનો રસ ઓછો થવાના કારણો સમજાયા નહીં.
  ગોવિંદ મારુ ભાઈ અને અન્ય મિત્રોનો આભાર.
  ફિરોજ ખાન

  Liked by 1 person

 7. શ્રી ગોવિંદભાઇ,
  સરસ લેખ મુકવા બદલ અભિનન્દન.વૃદ્ધ માબાપોના અનાથાશ્રમ નહીં પણ વૃદ્ધાશ્રમ હોય છે.અનાથ એટલે જેનું કોઈ જ નથી તે.વાત એમ છે કે આ દુઃખદ
  અવસ્થામાં મુકાવાના મૂળમાં જ ઘા કરવાની જરૂર છે.સામાજિક સન્સ્થાઓ,દયાળુ માણસો,વિગેરે તેમનાથી બનતી સેવા આવા અશક્ત,પરાધીન અને
  નિસહાય વૃદ્ધોને ભોજન,દવા,કપડાં વી આપી ને પોતાનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કરેછે.સરકારે પણ જે દીકરાઓ માતા પિતાને રાખે નહીં અને નિરાધાર છોડી દે તેના માટે ત્રણ મહિનાની કેદની સજાની જોગવાઈ કરેલ છે જો માબાપ ફરિયાદ કરેતો.પણ પુત્ર પ્રેમ કે સામાજિક કલન્ક ને લીધે મોટાભાગના ફરિયાદ કરતા નથી.
  આજથી 200 વર્ષ પહેલા આવીજ એક ઘટના થી દ્રવિત થઈ ભક્ત જલારામ બાપાએ મફત અન્નક્ષેત્ર શરૂ કરેલું જે આજે પણ ભુખ્યાને કોઈપણ જાતના ભેદભાવ વગર જમાડે છે.સંયુક્ત કુટુંબ પ્રથા તૂટતી જતી હોવાને લીધે આવાપ્રસન્ગો વધુ પ્રમાણમાં ઉભા થતા જાય છે.
  આર્થિક રીતે સમ્પન્ન હોવા છતાં વર્દ્ધવસ્થા એક એવો કરૂણ સમયગાળો છે કે તેમાં પ્રેમ,માન,અને હૂંફની જરૂરત હોય છે જે પોતાના સનતાનો સિવાય બીજું
  કોઈ આપી શકે નહીં.આજે તો કોમર્શિયલ ધોરણે ઘણા વૃદ્ધાશ્રમો ચાલે છે પણ ત્યાં બધું યન્ત્રવત લાગણી વગર ચાલતું હોય છે માનો કે વૃદ્ધો યન્ત્ર માનવો વચ્ચે
  જીવી રહયા હોય.સંયુક્ત કુટુંબ પ્રથા તોડવામાં પશ્છીમ જગતની અસર,દેખાદેખી અને ટીવી સિનેમા વી વી પણ મહત્વનો રોલ ભજવેછે.
  આપણે ઈશ્વરને પ્રાર્થના કરીયે કે આજના સનતાનોને સદબુદ્ધિ આપે અને વૃદ્ધ માબાપની જીવનસન્ધ્યા આનન્દમયઃ બનાવી અંતિમ વિદાય આપે.બાકી તેઓ
  ભૂલી જાય છે કે એકદિવસ તેમને પણ ઘડપણ બારણે ટકોરા મારતું આવી ઉભું રહેશે
  રવિન્દ્ર ભોજક
  તા.25-2-22

  Liked by 1 person

  1. એક વાત જણાવવાની ઈચ્છા રોકી નથી શકતો. મેં ભારતમાં ખુબ પ્રવાસ કર્યો છે. ઘણી જગ્યાએ વૃધાશ્રમો પણ જોયા છે. અમુકની તો મુલાકાતો પણ લીધી છે. ખરેખર બહુજ સારી સેવાઓ આપે છે. એક વાત તમે નોંધજો. મુસ્લિમોના કોઈ વૃદ્ધાશ્રમો નથી.

   Liked by 1 person

   1. એ જ રીતે અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતીના સીનીયર સીટીઝનો કોઈ વૃદ્ધાશ્રમોમાં તમને જોવા નહીં મળશે.

    Like

 8. As usual Firoz bhai has once again written on social awareness & benevolent work of dr Modi Couple.
  Quasim bhai have example of Pakistan & it flashed to me that in Mumbai near Mahim Dargah as Firoz bhai said poor are feeded every day.
  Many similar seva of Khichadi is also seen in town – further Gurudwara are best example for running Lunger.
  Reminded of great sant Jalarambapa.
  Many Jain bhojanshala also doing this seva.
  These days more & more awareness is spreading & there efforts of Firoz bhai like writer & Muk sevabhavi Govindbhai are always to be remembered.

  Liked by 1 person

 9. સારી બાબતોનો જેટલો પ્રચાર પ્રસાર વધશે એટલો જ સહિયારા પ્રયાસ થકી લોકોમાં માનવતાવાદ પેદા કરી શકાશે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s