પહેલી જ નજરે સામેવાળાની દાનત પારખી લેવાનો દાવો કરતી મહીલાઓ બદમાશ બાવાઓના ચેનચાળા જોયા પછીયે કેમ એમને હાથ જોડતી રહે છે? ધર્મના કથીત રખેવાળોના કાળા કરતુત પર ઢાંકોઢુમ્બો કરીને ધર્મની સેવા શક્ય છે? ખોટું નહીં લગાડતા; પણ બાવાઓને બગાડવામાં આપણો ફાળો ઓછો નથી?
સાધુના સ્પર્શથી કેટલું પુણ્ય મળે છે?
–વર્ષા પાઠક
જાહેર રસ્તા પરથી સાધુઓ અને એમના ભક્તોનું ટોળું જઈ રહ્યું હતું. ફુટપાથ પર પોતાની મીત્ર સાથે ચાલી રહેલી યુવાન ગૃહીણીના મનમાં વળી ભક્તીભાવનું એવું પુર ઉમટી આવ્યું કે એ ટોળા તરફ દોડી ગઈ. સાધુશ્રીના આશીર્વાદ લેવા માટે એણે માથું નમાવ્યું. સામેવાળાએ ચાલતા ચાલતા જ હાથ એવી રીતે હલાવ્યો, કે મસ્તકને બદલે બીજા અંગને અડે. આ પ્રકારે મળેલા આશીર્વાદથી ડઘાઈ ગયેલી સ્ત્રી તો કંઈ બોલી નહીં પણ આ દ્રશ્ય જોઈ ગયેલી એની મીત્રના મોઢામાંથી એય એય જેવા ઉદ્દગાર નીકળી ગયા. એ તો પેલા સાધુની પાછળ દોડવા જતી હતી; પણ ગૃહીણીએ એનો હાથ પકડી લેતા કહ્યું, ‘જવા દે’.
‘પણ શું કામ? સાલો સાધુના કપડાં પહેરીને આવા ધંધા કરે છે….’ મીત્રના ગુસ્સાનો પાર નહોતો. ખરેખર જેણે બુમ પાડવી જોઈએ, એ ભક્તબહેને તો પેલા કથીત સાધુનો બચાવ કરતા કહ્યું, ‘ભુલથી હાથ લાગી ગયો હશે’; પણ પછી એમને જ પોતે કરેલો બચાવ નબળો લાગ્યો હશે એટલે ધીમેથી ઉમેર્યું : ‘અમારામાં આવા માણસો હોય છે. એમને કઈ કહીએ તો આખો ધરમ બદનામ થાય.’
જેણે બહુ વાજતેગાજતે ધર્મનું શરણ લીધેલું, એ માણસ તો કોઈ લાજશરમ કે ડર રાખ્યા વીના અધાર્મીક હરકત કરીને ચાલતો થયો; પણ સંસારમાં રહેલા બહેનને ચીંતા હતી કે આવા એકાદને ઉઘાડો પાડવાથી એમના ધર્મની બદનામી થશે. એ ચુપ રહ્યાં. હવે તમે કહો, ધર્મના કથીત રખેવાળોના કાળા કરતુત પર ઢાંકોઢુમ્બો કરીને એ બહેન ખરેખર ધર્મની સેવા કરતાં હતાં? પેલા સાધુને ગમે તે સ્ત્રીને ગમે ત્યાં અડવાનું જાણે લાઈસન્સ મળી ગયું, એનું શું? અને જાહેર રસ્તા પર આવું કરવાની હીમ્મત દાખવનાર ખાનગીમાં શું નહીં કરતો હોય? પણ પેલા બહેનને તો આવું વીચારવામાં પણ જાણે પાપ લાગતું હતું.
આ ગૃહીણી જેવા સ્ત્રીપુરુષોનો ભેટો વારંવાર થાય છે. એ લોકો ધર્મસ્થાનકોમાં ચાલતી કે ધર્મપુરુષો દ્વારા થતી બદમાશીઓનો પોતે ભોગ બને છે કે પછી કોઈને ભોગ બનતાં જુએ છે; પણ ચુપ રહે છે. અને હજારમાંથી એકાદ જણ કદાચ બોલવા જાય તો આસપાસનાં કથીત ડાહ્યાં લોકો એમને કહે છે કે, એકાદ ખરાબ માણસને પાપે આપણાં આખા ધરમનું નામ ખરડવું ઠીક નહીં , એટલે ચુપ રહો. મોટા સાધુઓ, મહારાજો, ગુરુઓ વારંવાર કહે છે કે ધર્મ ખરાબ નથી; પણ ધર્મને નામે આડાઅવળા ધંધા કરતા લોકો ખરાબ છે, એમને કારણે ધર્મની પ્રતીષ્ઠા ખરડાય છે, વગેરે વગેરે.. પણ આવું બોલીને એ લોકો બદમાશોને તો અભયવચન આપી જ દે છે ને. અને ભોગ બનનારામાં મોટે ભાગે નબળા ગણાય એવો લોકો હોય છે, અર્થાત્ સ્ત્રીઓ અને બાળકો. એમને ડરાવવાનું, ચુપ રાખવાનું પ્રમાણમાં સહેલું હોય છે.
દરેક ધર્મ અને સમ્પ્રદાયોમાં આવા ઢાંકપીછોડા ચાલે છે. ખ્રીસ્તી ધર્મગુરુઓ દ્વારા નાના બાળકોનું જાતીય શોષણ થતું હતું, એની જાણ થયા પછી કોઈ પગલાં ભરવાનું તો બાજુએ રહ્યું, આવું કંઈ થયેલું, એનો સ્વીકાર કરવામાં પણ વેટીકનમાં બેઠેલા ઉચ્ચ ધર્મગુરુઓએ દાયકાઓ કાઢી નાખ્યાં. ભક્તો પણ આંખ આડા કાન કરે છે. મુમ્બઈના એક ધર્મસ્થાનકમાં નીયમીત જતા છોકરાને જોઈને માબાપ હરખાતા હતા. પછી એક દીવસ ખબર પડી કે ત્યાં બીરાજતા એક સાધુ મહારાજ પોતાની શારીરીક ભુખ ભાંગવા આ દસેક વરસના છોકરાનો ઉપયોગ કરતા હતા. બાળકને મુંગો રાખવા માટે એમણે કયા પ્રકારનો ડર દેખાડ્યો હતો, એ તો એ જાણે. પણ એક દીવસ છોકરાથી બોલાઈ ગયું, માબાપે પોલીસમાં જવાને બદલે મોટા ગુરુમહારાજને વાત કરી, અને છેવટે બન્ને પક્ષે મળીને ભીનું સંકેલી લીધું. આ વાતની જાણ થતાની સાથે અમારી એક પત્રકાર મીત્ર ત્યાં ઉપડી. પણ પેલા ધર્મસ્થાનમાં બેઠેલા લોકોએ કહી દીધું, ના રે, એવા કોઈ સાધુ અમારે ત્યાં ક્યારેય હતા જ નહીં. માબાપે હાથ જોડ્યા કે બહેન, જવા દો, અમારા છોકરાનું ભવીષ્ય બગડશે. અને જોવાનું તો એ કે, આવો ભયાનક અનુભવ થયા પછીયે આખા પરીવારે પેલા ધર્મસ્થાનમાં જવાનું બંધ નથી કર્યું. પેલી જ જુની દલીલ કે, માણસ ખરાબ હતો, અમારો ધરમ નહીં. એ ખરાબ માણસનું શું થયું એ તો એની ઉપર બેઠેલાઓ જાણે.
ઢોંગી સાધુઓની ભુંડી હરકતનો ભોગ બનેલી સ્ત્રીઓને એ ડર પણ લાગે છે કે, સામેવાળાને ઉઘાડો પાડવા જતા ક્યાંક પોતાના ચારીત્ર્ય પર પણ કાદવ ઉછળશે, એટલે એ ચુપ રહે છે; પણ આવું કરીને એ બીજી સ્ત્રીઓને કુવામાં પડવા દે છે. ક્યારેક આશ્ચર્ય થાય કે, પહેલી જ નજરે સામેવાળાની દાનત પારખી લેવાનો દાવો કરતી મહીલાઓ આ બદમાશ બાવાઓના ચેનચાળા જોયા પછીયે કેમ એમને હાથ જોડતી રહે છે? અને ધર્મીષ્ઠ બહેનો, ખોટું નહીં લગાડતા; પણ બાવાઓને બગાડવામાં આપણો ફાળો પણ ઓછો નથી હોતો. હાલમાં જેલની હવા ખાતા એક ધર્મગુરુની જુની વીડીયો કલીપ જોઈ. પેલા મહાપુરુષ તો ચીત્રવીચીત્ર નાટક કરતા જ હતા; પણ એમની આસપાસ ભક્તાણીઓ જે ઘેલાં કાઢતી હતી, એ જોઈને લાગ્યું કે આમાં તો બાવો ન બગડે તો જ નવાઈ. પેલા ગુરુએ ફેંકેલા ફુલને ઝીલવા માટે, એમનો પુનીત સ્પર્શ પામવા માટે ધક્કામુક્કી કરતી સ્ત્રીઓ બધુંયે સાનભાન ભુલી ગયેલી.
પોતાની તરુણ વયની દીકરીઓને આશ્રમમાં, આ બાબાજીની સેવા માટે મોકલી આપનારી સ્ત્રીઓને દીમાગ જેવું કશુંયે હશે કે નહીં? અરે આવા કોઈ મહારાજ ઘેર પધારે ત્યારે પણ આપણે કેવાં ઘેલાં થઈએ છીએ? સંસાર છોડી દેનારા સાધુની સમક્ષ સંસારના તમામ સુખ પાથરી દેવાય છે. સુંવાળા રેશમી આસન, મોંઘાં ફ્રુટ્સ, કેસરીયા દુધ, હાથ જોડનારાની ભીડ અને ઝુકીઝુકીને ગુરુજીને પગે લાગતી યુવાન છોકરીઓ….. આવા માહોલમાં સામેવાળો કેટલી હદે નીર્લેપ રહી શકવાનો? વીશ્વામીત્ર જેવા તપસ્વી પણ મેનકાને જોઈને ચળી ગયેલા, એ વાર્તા બધાં જાણે છે; પણ બીજી તરફ એવી અપેક્ષા રાખે છે કે નાની વયે સંસારનો ત્યાગ કરનારે બધી વૃત્તીઓ પર અંકુશ મેળવી જ લીધો હશે.
પરન્તુ, સાધુઓ પણ આખરે માણસ હોય છે, અને આપણે એમની ત્યાગવૃત્તીની પરીક્ષા નાહક જ લીધાં કરીએ છીએ. એટલું જ નહીં પેલો માણસ પરીક્ષામાં નાપાસ થાય તોયે એના જેવા બીજાને આમ પંપાળ્યા કરીએ છીએ. સામેવાળો શરુઆતમાં કદાચ સાધુતા ને સારપ જાળવવાની કોશીશ કરતો પણ હશે; પરન્તુ ધીમે ધીમે સમજી જાય કે મળે છે તો ભોગવી લ્યો. વળી જાણતો હોય કે એની તમામ હરકત આશીર્વાદમાં ખપી જશે. અને પકડાઈ ગયો તો ધર્મના નામે છુટી પણ જશે. લાખોમાં એકાદ કીસ્સો એવો માંડ જડે જ્યાં સફેદ, ભગવા કે લીલા કપડા પહેરનારા ધર્મપુરુષ સામે જાહેર ફરીયાદ થાય કે એના પર કાનુની કાર્યવાહી ચાલે. બાકી તો એમને કોઈ અડે નહીં. બધાં કહે, ધરમ બદનામ થશે. અરે, ઘણીવાર તો પોલીસ આવા કોઈ મહાત્માને પકડે, ત્યારે એવો દેકારો પણ થાય કે, અમારા ધર્મને બદનામ કરવાનું કાવતરું છે. આવા પ્રસંગે આંસુ સારતી સ્ત્રીઓને જોઈ છે ને?
–વર્ષા પાઠક
‘ફુલછાબ’ દૈનીક અને ‘ફેસબુક.કોમ’ (https://www.facebook.com/VarshaPathakOfficial/posts/1633274520290840:0?__tn__=K-R) પર સીનીયર પત્રકાર અને નવલકથાકાર વર્ષા પાઠકનો પ્રગટ થયેલ લેખ (તા. 20 જુલાઈ, 2015)માંથી.. લેખીકાના અને ‘ફેસબુક.કોમ’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
Very true the naked truth. This is going on in each and every sampraday but other devotees will always defend their sect by saying that in our Dharma nothing like that happens.
Who is at fault that bava or bhaktani?
Really shameful.
LikeLiked by 1 person
” દરેક ધર્મ અને સમ્પ્રદાયોમાં આવા ઢાંકપીછોડા ચાલે છે. ”
–વર્ષા પાઠક
સત્ય તો એ છે કે બે મુખ્ય ધર્મ હિન્દૂ તથા મુસ્લિમ ધર્મ માં અંધ શ્રદ્ધા ના પ્રતાપે પાખંડી પંડિતો, સાધુઓ, મુલ્લાઓ, બાબાઓ, પિરો, વગેરે અંધશ્રદ્ધાળુઓ નું જાતીય શોષણ કરે છે. આવા ઘણા બનાવો સમાચાર રૂપે જાણવા છતાં અંધશ્રદ્ધાળુઓ અને ખાસ કરી ને મહિલાઓ ની આંખો નથી ખુલતી અને તેઓ આવા પાખંડીઓ ના આશીર્વાદ તથા દુઆ લેવા માટે તેઓને સ્પર્શ કરે છે અને આ રીતે આ ધંધો ચાલતો રહે છે.
LikeLiked by 1 person
ધર્મ અને આધ્યાત્મ:મા અંધશ્રદ્ધા ના નામે વિવિધ ખેલ ચાલતા જોવા મળે છે. તે સુ.શ્રી વર્ષા પાઠક જેવાના કારણે અંધશ્રદ્ધા બહાર આવવા લાગી છે.સૌને આશ્ચર્ય થાય તેવી ‘બદમાશ બાવાઓના ચેનચાળા જોયા પછીયે કેમ એમને હાથ જોડતી રહે છે?’ વાતે ઘણી નવી વાતો જાણવા મળી !
ત્યારે તેનુ બીજુ પાસુ ‘સાધુના સ્પર્શથી કેટલું પુણ્ય મળે છે?’ વાતે યાદ આવે બાળકોને સારા ખરાબ સ્પર્શ અંગે સમાજ આપવાનું તેમજ જાગૃતતા લાવવાવનું કાર્ય કરતા.હવે તો ખરાબ કે અજુગતા સ્પર્શ અંગે સેલ્ફ ડિફેન્સ ટેકનીકસ સેલ્ફ ડિફેન્સ ટીમ દ્વારા બતાવવામાં આવે છે.
ચરણસ્પર્શ કરવાથી વ્યક્તિની શાલીનતા, વિનમ્રતા, શિષ્ટાચાર વ્યક્ત થાય છે. તેને સંસ્કારી માનવામાં આવે છે. નુસરમાં જ્યાં સંસદમાં પોતાનું શપથ ગ્રહણ થયુ ત્યાર પછી તેમણે સ્પીકરના ચરણ સ્પર્શ કર્યા હતા, આ અંગે તેમણે કહ્યુ હતુ ,’ આ ખૂબ નેચરલ હતુ. તેઓ મોટા છે, ખુરશી પર બેઠા છે અને અમારા કલ્ચરમાં શીખવવામાં આવ્યું છે કે મોટાઓનો આદર કરવો જોઈએ. મને નથી લાગતું કે તેના પર કોઈ મુદ્દા બનવો જોઈએ’પ્રાચીન સમયથી જ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. કહેવાય છે કે વડીલો ના આશીર્વાદ ની અંદર ખૂબ તાકાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાશ્રી હીરાબાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેતા તેમજ નામાંકન પહેલા મહિલા પ્રસ્તાવકના ચરણસ્પર્શ પણ કર્યા હતા. … પીએમ મોદીએ શિરોમણિ અકાલીદળના અધ્યક્ષ અને વયોવૃદ્ધ નેતા પ્રકાશસિંહ બાદલના ચરણસ્પર્શ કરીને તેમના આશિર્વાદ લીધા હતા
જ્યોતિષાચર્ય શ્રી સંત અશોકજી જેઓએ ચુંટણીમા પણ ઉભા ન રહેલા એવા ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે તે ભવિષ્યવાણી કરી હતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ શરદ પવારના ચરણસ્પર્શ કરી લીધા તા !
વૈજ્ઞાાનિક દૃષ્ટિએ ઝૂકીને ચરણસ્પર્શ કરવાથી કમર તથા કરોડરજ્જુનાં હાડકાંઓને આરામ મળે છે. રક્તનો પ્રવાહ માથા તરફ વધે છે. તેનાથી માનસિક ક્ષમતા અને આંખોનું તેજ વધે છે.ઘૂંટણના બળે બેસીને સ્પર્શ કરવાથી સાંધાઓની તાણ દૂર થાય છે અને શરીર લચીલું બને છે. સાંધાઓમાં રહેલી તકલીફોમાંથી મુક્તિ મળે છે.
LikeLiked by 1 person
pragnaju, વર્ષા પાઠ બેન , વાતને અવળી રીતે લઇ જાયછે. વૈજ્ઞાાનિક દૃષ્ટિએ ઝૂકીને ચરણસ્પર્શ કરવાથી કમર તથા કરોડરજ્જુનાં હાડકાંઓને આરામ મળે છે. રક્તનો પ્રવાહ માથા તરફ વધે છે. તેનાથી માનસિક ક્ષમતા અને આંખોનું તેજ વધે છે.ઘૂંટણના બળે બેસીને સ્પર્શ કરવાથી સાંધાઓની તાણ દૂર થાય છે અને શરીર લચીલું બને છે. સાંધાઓમાં રહેલી તકલીફોમાંથી મુક્તિ મળે છે. પ્રજ્ઞાજુ,આપે બહુજ સરસ ખુલાસો કર્યો છે. જૈનોમાં તીક્ખુતોના પાઠથી ત્રણ વાર વંદના કરાય છે. ગુરુદેવના ચરણસ્પર્શ કરવાથી વ્યક્તિની શાલીનતા, વિનમ્રતા, શિષ્ટાચાર વ્યક્ત થાય છે. તેને સંસ્કારી માનવામાં આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. એ સત્ય હકીકત છે. દીકરો કે દીકરી બહાર ગામ જાય છે ત્યારે મા બાપ તથા ગરના વડીલોને પગે પડીને જાય છે.
વધારે શું લખવું. સરોજબેન ચીમનભાઈ ના જય જીનેન્દ્ર
LikeLiked by 1 person
વર્ષાબહેનનો લેખ તો ગમ્યો પણ સાથે સાથે પ્રજ્ઞાબહેનનો પ્રતિભાવ પણ ઘણો ગમ્યો. આજે વિજાતિય સ્નેહિઓ કે મિત્રો વચ્ચે હગ કે આલિંગન કરવાનું પણ વધ્યું છે. મહિલાઓએ એ આલિંગનનું પણ મૂલ્યાંકન કરવું જરૂરી છે. બીજી વાર આલિંગન કરવું કે નહિ એ વગર બોલ્યે એમણે જ નક્કી કરવાનું હોય છે. એક જ વારમાં હસ્તધુનનમાં પણ ઘણાં સંદેશા મળી જાય છે. સરસ લેખ. પોતાના મા બાપ અથવાતો પ્રેમાળ વડિલો સિવાય કોઈના ચરણસ્પર્શ કરવા નહિ. માનનીય વ્યક્તિ હોય તો બે હાત જોડી વંદન કરી શકાય.
LikeLiked by 1 person
લેખક વર્ષા પાઠકે સમાજની વધુ એક કડવી વાસ્તવિકતા રજૂ કરીને લોકો માટે લાલબત્તી ધરી છે…
જાણીને નવાઈ નહીં લાગે જ્યારે સમાજના મોટાભાગના લોકોને ખબર છે કે આજના 99.99% સાધુ -બાવાઓ લંપટ અને દંભી હોવા છતાં આપણે જ આંધળા થઈને આવા સાધુ બાવાના મંદિરો કે સભાઓ છલકાવીએ છીએ, તેમને પરોક્ષ રીતે પોષીએ છીએ. જગ જાહેર હોવા છતાં કેટલાંય બદનામી સાધુઓના પેટનું પાણી નથી હાલતું તેનું કારણ પણ લોકોની એમના પ્રત્યેની ખોટી આસ્થા જ હોઈ શકે.
જયાં સુધી એમના કાળા કામો જગ જાહેર ન થાય ત્યાં સુધી આપણે તેમના પગમાં જ આળોટતા રહીએ છીએ…
ખુબ સરસ લેખ.
આભાર.
LikeLiked by 1 person
“બાવાઓને બગાડવામાં આપણો ફાળો પણ ઓછો નથી હોતો” એ વાક્ય સુધારીને લખુ તો બાવાઓ, સાધુ સંતો(થોડા અપવાદ ને બાદ કરતા) ને બગાડવામા આપણે જ સંપુર્ણ જવાબ્દાર છીએ. તમને હજીપણ આશારામ બાપુ ના ભક્તો અને ભક્તાણીઓ મળશે એટલુ જ નહી પણ આશારામ બાપુ ને ખોટી રીતે જેલ મા ગોંધી રાખ્યા છે એવુ તક મળે તો પુરવાર પણ કરી બતાવશે. ધાર્મિક દંભી સમાજ ના આ લક્ષણો છે.વર્ષાબેન પાઠક નો ળેખ અને પ્ર્જ્ઞાબેન નુ મંતવ્ય બહુ ગમ્યા.
LikeLiked by 1 person
આ લેખમાં ચરણસ્પર્શ ની બાબત કદાચ વિષયાંતર થઈ ગઈ લાગેછે।વડીલો,માબાપ કે અન્ય આદરણીય વ્યક્તિનો ચરણસ્પર્શ કરવામાં કોઈ હરકત નથી
મુખ્ય મુદ્દો બની બેઠેલા બાવા સાધુઓ કે ધુતારા ને ચરણ સ્પર્શ કરવાણી વાત છે.સમાજમાં અવારનવાર ઢોંગી ધર્મ ગુરુઓના કરતૂતોની ખુલ્લે આમ
કામલીલાના સમાચારો આવતા હોવા છતાં જો લોકોની આંખ ઉઘડે ની તો કોને દોષ દેવો?? ખરેખર તો તેના માટે ચરણસ્પર્શ કરનાર વ્યક્તિ જ જવાબદાર
છે.વર્ષાબેને જણાવેલ વાત 100 ટકા સાચી છે.ચરણસ્પર્શ અને કરોડરજ્જુ,કમર વિગેરેની અલગ કસરતો કરવાથી પણ તેના લાભો મળે છે.અહીં મુદ્દો કોણ
કોને ચરણસ્પર્શ કરે છે તેનો છે. અને સ્પર્શ કરતી વખતેજ સામી વ્યક્તિનો મનોભાવ જાણી શકાય છે.ચરણસ્પર્શને બદલે દૂરથી પણ બે હાથ જોડી પ્રણામ કે નમસ્કાર કરી જે તે વ્યક્તિ તરફ આદરભાવ વ્યક્ત કરી શકાય છે.વર્ષા બેનના લેખમાં આપેલ દાખલાઓ આંખ ઉઘાડનારા છે આટલું જાણ્યા પછી પણ જો
લોકો ચેતે નહીં તો તેમને કોઈ પણ બચાવી શકવાના નથી.
LikeLiked by 1 person
વર્ષાબેનનો લેખ ગમ્યો પરંતું દરેક પ્રશ્નને દસઠી વઘુ બાજુઓ હોય છે. વર્ષાબેને પ્રશ્નના ત્રણ..ચાર પાસાઓને ચર્ચયા.
મારા વિચારો લખું છું.
સાઘુ ( પું ) અર્થ : સંત, સંસારનો ત્યાગ કરનાર, વૈરાગી પુરુષ, ઇશ્વરનિષ્ઠ, સદાચરણી, શિષ્ટ, શુઘ્ઘ….ઘાર્મિક
આખા લેખમાં સાઘુની લંપટટા, તથા સ્ત્રીની …ઘેલછા, ઘૂન, ગાંડપણ, ઇન્માદ, પાગલપન, ક્રેઝીનેસ, મેડનેસ, ઓબ્સેશન….બન્ને ચર્ચયા.
(૧) સાઘુઅે પોતે પોતે સ્વીકારેલી પોતાની ‘ફીઝીકલ અને મેન્ટલ ‘ પરિસ્થિતિને આજન્મ પાળવી જોઇઅે. સ્ત્રી સંગ કે સ્ત્રી સ્પર્શથી પણ દૂર રહેવું જોઇઅે…જો અે પોતે સાચો સાઘુ હોય.
(૨) સ્ત્રીઓ પોતાના ઉન્માદમાં, અંઘવિશ્વાસમાં અને પાગલપનમાં સાઘુને સ્પર્શ કરવા દોડી જાય તો તે સ્ત્રી પોતે મેનકા બનીને સાઘુને ચલીત થવામાં મદદ કરે છે.
(૩) અેક વખત સ્ખલન થઇ ગયું પછી તેને સુઘારવાની ફરજ તે સ્ત્રીની બને છે. તેણે અસાઘુને ખુલ્લો પાડવો જ જોઇઅે. સમાજ અને તેનાં કહેવાતા ઘાર્મિક લોકો પણ તે સાઘુની હરકતને છુપાવીને સમાજને આવા સાઘુઓથી બગાડવામાં મદદ કરે છે…
કહેવાયુ છે કે, સાઘુ તો ચલતા ભલા.
સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક : ‘ નવા વિચારો ‘ ના પાના નંબર ૫. ઉપર લખે છે કે…‘ નીતિમત્તા વિનાની ભાર્મિકતા ‘
લખાણ :હવે બીજી વાત. પૂર્વ કહ્યું તેમ આપણે નીતિશાસ્ત્ર કરતાં ઘર્મશાસ્ત્રને વઘુ મહત્વ આપીઅે છીઅે. નીતિશાસ્ત્ર અેટલે જીવનના વ્યાવહારિક ક્ષેત્રમાં ઊંચા મૂલ્યોની સ્થાપના અને ઘર્મશાસ્ત્ર્ અેટલે પોતપોતાના સંપ્રદાયોમાં બતાવાયેલાં રુઢ આચારો, વ્રતો નિયમો વગેરે.
પાના નં. ૪ ઉપર તેઓ લખે છે કે,
આપણેયારે ભૌતિકવાદનો વિરોઘ કરી આપણી જાતને આઘ્યાત્મિક પ્રજા ગણાવીઅે છીઅે ત્યારે સહજ પ્રશ્ન થાય કે ખરેખર સાચા આઘ્યાત્મિક માણસો કેટલાં ?…………..આપણી આઘ્યાત્મિકતા નહિવત્ છે. તેમાં પણ પ્રદર્શિત ક્ષેત્રોમાં ઢોંગ જ છે.
સ્વામીજી પોતાના પુસ્તક ‘ નવી આશા ‘ પાના ૮૨ ( સ્ત્રીઓના અપમૃત્ય‘ )ઉપર લખે છે કે : કુદરતી જીવનપ્રવાહનાં મૂળભૂત બે તત્વો છે. (૧) ભિજનાદિ અને (૨) કામવાસના…….જ્યારે સ્ત્રી અને પુરુષ સ્પર્શથી અનૈતિક રીતે મળે પછી ?
અહિં હું દરેક પાત્રનો વાંક જોઉં છું.
સાઘુ કે સ્ત્રી કે સમાજ…ત્રણે ભાન ભૂલેલા બને છે. તેઓ સર્વે પોતાની ફરજ અને જીવનના નિયમોને આઘિન જીવન નથી જીવતાં.
લેખ સરસ છે….પરંતું આ લેખના ત્રણે પાત્રો હાલતા ચાલતા મળતાં જ રહેવાના……
કોણ સદ વિચારી…અને આચરનાર મળવાનું ?
ઢોંગી જીવન ……..બઘા જ જીવી રહ્યા છે……પોતાની જાતને છેતરીને……….
અમૃત હઝારી.
LikeLiked by 1 person
એક સમયે ભક્તિયુગ હતો; આજે ભક્તયુગ ચાલે છે. ભક્તો અવગુણમાં ગુણ જૂએ છે. જ્યાં તમાચો મારવો જોઈએ ત્યાં તાળિઓ પાડે છે ! ગુરુઓને ઈશ્વર કરતા મોટા માને છે. તેને અડવાથી/તેની સાથે જારકર્મ/શરીર સંબંધ કરવાથી મોક્ષ મળી જાય તેની લાલચમાં આ પ્રદૂષણ ફેલાતું જાય છે. ગુરુઓ/સ્વામિઓ/કથાકારોની પગચંપી કરીને, જારકર્મ કરીને મોક્ષનું રીઝર્વેશન કરાવી લે છે ! ભક્તોને આમાં દૂષણ નહી; પવિત્રતા લાગે !
LikeLiked by 1 person
દરેક સંપ્રદાયની આ જ એક હકીકત છે. લુટાવાવાળાને વાંધો ના હોય, તો લૂંટવા વાળને શું કહેવું?
માનસિક દરિદ્રતા…..
LikeLiked by 1 person
It is a very good article. The best thing is that we should stay away and keep some distance and use our common sense.
It is does happen every where in this world. Thanks to all readers.
Pradeep H. Desai
USA
LikeLike