મોટાભાગના લોકોને પૃથ્વી વીશે સારી એવી સમજ છે; છતાં ‘કુદરતને સમજીએ’ પુસ્તકના લેખકે પૃથ્વી વીશે થોડી જરુરી માહીતી, ખાસ કરીને થોડા આંકડાઓ સાથે ‘જીવનધારક પૃથ્વી’ લેખમાં રજુ કરી છે. તે પ્રકરણ : 02 અત્રે પ્રસ્તુત છે.
પ્રકરણ : 02
જીવનધારક પૃથ્વી
– મુરજી ગડા
(‘કુદરતને સમજીએ’ પુસ્તીકના પ્રથમ લેખ https://govindmaru.com/2020/02/10/murji-gada-48/ ના અનુસન્ધાનમાં..)
આપણું સમસ્ત અસ્તીત્વ પૃથ્વી અને સુર્યને આભારી છે. મોટાભાગના લોકોને પૃથ્વી વીશે સારી એવી સમજ છે; છતાં પાછળના પ્રકરણો સાથે એનો સન્દર્ભ આવતો હોવાથી એના વીશે થોડી જરુરી માહીતી, ખાસ કરીને થોડા આંકડાઓ સાથે, અહીં રજુ કરી છે.
હજી પણ પૃથ્વી સપાટ હોવાનું માનતા એક નાના વર્ગ સીવાય બધા એટલું તો જાણે છે કે પૃથ્વી એક વીશાળ ગોળો છે. પૃથ્વીનો વ્યાસ 12,756 કીલોમીટરનો છે; એની સપાટી પર 71 ટકા ભાગમાં દરીયો અને બાકીના માત્ર 29 ટકા ભાગમાં જમીન છે. જમીન પરના રણપ્રદેશ, બરફીલાપ્રદેશ, પર્વતમાળાઓ, ગાઢ જંગલો વગેરે બાદ કરીએ તો માનવ રહેઠાણ અને ખેતી માટેનો વીસ્તાર હજી નાનો થઈ જાય છે.
પૃથ્વીની વીશાળતાનો સાચો ખ્યાલ એનો વ્યાસ જાણવા માત્રથી ન આવે. એને બીજી રીતે જાણીએ. આપણે દરીયાની વચ્ચે વહાણ પર ઉભા રહી દુર જોવાની કોશીશ કરીએ તો આપણને બધી બાજુએ વર્તુળાકાર દરીયો દેખાશે. આપણે વધુમાં વધુ 10 કીલોમીટર દુર સુધી જોઈ શકશું. દરીયાની સપાટીથી જેમ વધુ ઉપર જઈએ તેમ વધુ દુરનું દેખાય. એટલે કે પૃથ્વીની વધુ સપાટી જોઈ શકાય છે. એ આપણી દૃષ્ટીમર્યદાને કારણે નહીં; પણ ગોળ પૃથ્વીની સપાટી વળેલી હોવાને કારણે છે. પૃથ્વીની સપાટીથી 40,000 કીલોમીટર દુરથી જોઈએ તોયે તે પૃથ્વીના વ્યાસ જેવડું વર્તુળ નહીં હોય. 50 ટકાને બદલે આશરે 47-48 ટકા જેટલી જ સપાટી એકસાથે જોઈ શકાશે. આપણી આંખો એક બીંદુ જેવી છે. કોઈ પણ વીશાળ ગોળાની 50 ટકા સપાટી એક બીંદુથી જોઈ શકાય નહીં.
હવામાન પર નજર રાખતા માનવસર્જીત ઉપગ્રહને એક ચોક્કસ પ્રદેશ પર સ્થીર રાખવાનો હોય છે એટલે એને પૃથ્વીના ભ્રમણની ઝડપે ફરવું જરુરી છે. એટલા માટે હવામાનના ઉપગ્રહને 35,780 કીલોમીટર ઉંચાઈએ લઈ જઈને ‘તરતો/ફરતો’ મુકાય છે. સાથે સાથે તે પૃથ્વીની સપાટીના મહત્તમ ભાગને પણ આવરી લે છે.
આપણા જીવન માટે ખુબ અગત્યના એવા પૃથ્વી પરના થોડાક પ્રકૃતીના તત્ત્વો અને પ્રક્રીયાઓને તપાસીએ. પૃથ્વી પરની સૌથી મોટી કુદરતી ફેક્ટરી છે સુર્યની ગરમી દ્વારા દરીયાના પાણીની બનતી વરાળ. એ વરાળ વરસાદ રુપે જમીન પર વરસી, ઘાસથી શરુ કરી માણસ સુધી બધાને જીવન બક્ષે છે. બીજી મોટી ફેક્ટરી છે જંગલો, જે પ્રાણીઓ માટે અતી જરુરી ઑક્સીજન બનાવીને આપણું જીવન શક્ય બનાવે છે. એ જ રીતે બીજમાંથી ઉગતા છોડ વગેરે બધી જ આપણી પાયાની જરુરીયાતો પ્રકૃતીની આવી સ્વયંસંચાલીત ફેક્ટરીઓમાં થતી ક્રીયાઓથી પુરી થાય છે. એમના વગર આપણું અસ્તીત્વ શક્ય નથી. એટલે જ પૃથ્વીને અત્રે જીવનધારક કહી છે.
પોતાના ચોક્કસ નીયમો પ્રમાણે સતત ચાલતી આ કુદરતી ફેક્ટરીઓ ચલાવે છે સુર્યના પ્રકાશ અને ગરમી. આપણને મળે છે એના કરતાં થોડી વધારે કે થોડી ઓછી ગરમી મળતી હોત, તો પૃથ્વી પર આજે છે એવી જીવસૃષ્ટી સર્જાઈ ન હોત. તે ઉપરાંત પ્રવાહી રુપે મળતું પાણી છે, જે સુર્યથી ચોક્કસ અન્તરે આવેલી પૃથ્વીના સ્થાનને આભારી છે. પૃથ્વી, સુર્ય, પ્રકાશ, પાણી કે અન્ય કોઈ પણ આપણા માટે બનાવવામાં નથી આવ્યા. બલકે આપણું અસ્તીત્વ આ કુદરતી ઘટનાનું પરીણામ છે. પૃથ્વી પરની જીવસૃષ્ટીનો આધાર પૃથ્વી અને સુર્ય સીવાયના બીજા કોઈ અવકાશી પીંડ પર નથી.
આપણા સુર્ય મંડળના અન્ય કોઈ ગ્રહ કે ઉપગ્રહ પર અત્યારે જીવન હોવાની શક્યતા ગણાતી નથી. આપણી નજીકનો બીજો અવકાશી પીંડ ચન્દ્ર છે, જે ખડકોનો/પથ્થરનો બનેલો છે. એ ન હોત તો આપણને ચાંદની રાતો ન મળત, ગ્રહણ ન થાત અને કવીઓને કવીતા રચવાનો એક વીષય ઓછો મળત, દરીયામાં ભરતી ઓટ ઓછી થાત. એ સીવાય આપણા જીવનમાં ચન્દ્રની ગેરહાજરીથી મહત્ત્વનો કંઈ ફરક ન પડત.
સુર્યની પ્રદક્ષીણા કરતી પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની માફક ફરે છે. એની ધરી પ્રદક્ષીણાની સપાટીની સરખામણીએ 23.5 ડીગ્રીથી ઢળેલી હોવાથી પૃથ્વી પર ઋતુચક્ર શરુ થયું છે. આ ઋતુચક્ર વીશે જે અધકચરી માન્યતાઓ પ્રચલીત છે તે સ્થાનીક છે, સાર્વત્રીક નથી. એટલે એની પણ થોડી ચોખવટ કરી લઈએ. ખરી રીતે જોઈએ તો ઋતુઓ માત્ર બે જ છે : શીયાળો અને ઉનાળો. પૃથ્વીનો જે ભાગ સુર્ય તરફ ઢળેલો હોય એ ગોળાર્ધમાં ઉનાળો હોય અને બાકીના ગોળાર્ધમાં શીયાળો હોય છે. આ ઋતુઓ જ્યારે બદલાય છે ત્યારે થોડા સમય માટે હવામાન આલ્હાદક હોય છે. દુનીયાના ઘણા પ્રદેશોમાં વચ્ચેના આ બે સમયગાળાને વસંત અને પાનખર એવા બે નામ આપી ત્રણ મહીનાની એક એમ ચાર ઋતુઓ ગણવામાં આવે છે.
ભારત જેનો ભાગ છે એવા દક્ષીણ પુર્વ એશીયામાં ઉનાળાના 3-4 મહીના દરમીયાન સારો એવો વરસાદ પડે છે. એટલે આપણે એ સમયગાળાને ચોમાસાની ઋતુ બનાવી કુલ ત્રણ ઋતુઓ ગણીએ છીએ. જો કે આ ત્રણ ઋતુઓ એકસરખી ચાર મહીનાના હીસાબે નથી થતી. દુનીયાના બધા ભાગોમાં આ પ્રકારનું ચોમાસું નથી હોતું. બહુધા જગ્યાએ આખા વરસ દરમીયાન થોડો થોડો વરસાદ પડતો હોય છે.
ધ્રુવ પ્રદેશમાં દીવસ–રાત અને ઋતુ એક થઈ જાય છે; કારણ કે એમના દીવસ–રાત પણ છ મહીના લાંબા હોય છે. જ્યારે વીષુવવૃતની નજદીક રહેતા લોકો માટે ઋતુ જેવું કંઈ રહેતું નથી. ત્યાં આખું વરસ લગભગ એકસરખું હવામાન રહે છે અને દીવસ–રાત પણ 12 કલાક જેટલા જ રહે છે. ટુંકમાં, ઋતુઓની આપણી સમજ સ્થાનીક છે, પૃથ્વીવ્યાપી નથી.
ભારતીય સાહીત્યમાં બે મહીનાની એમ કુલ છ ઋતુઓનો ઉલ્લેખ જોવા મળે છે. એ ઋતુઓનો ખાસ કોઈ વ્યવહારીક ઉપયોગ જણાતો ન હોવાથી એમનો ખાસ ઉલ્લેખ થતો નથી. એમના નામ શું છે અને અત્યારે કઈ ઋતુ ચાલે છે એ પણ સાવ ઓછાને ખબર હશે તેમ જ ખાસ કરીને કોઈને જાણવાની ઈચ્છા પણ નહીં હોય.
ધરતીકમ્પ જેવી ઘટનાઓ શેષનાગના ડોકું હલાવવાથી નથી થતી. એ પણ એક કુદરતી ઘટના છે. પૃથ્વીનું ઉપલું પડ 30થી 50 કીલોમીટર જેટલું જ જાડું છે. એની નીચે ધગધગતો લાવા છે. પૃથ્વીનું પડ સળંગ નથી; પણ એકબીજા સાથે જોડાયેલા 8 મુખ્ય અને ઘણા નાના ટુકડાનું બનેલું છે. પડના આ ટુકડા લાવાના ‘દરીયા’ પર તરે છે. જ્યારે એમની વચ્ચેનું દબાણ ખુબ વધી જાય છે ત્યારે આ પડ ખસે છે. એને આપણે ધરતીકમ્પ કહીએ છીએ. ક્યારેક આ લાવા રસ પડની વચ્ચે રહેલી તીરાડોમાંથી બહાર નીકળી આવે છે. એને જ્વાળામુખી ફાટ્યો એમ કહેવાય છે.
પૃથ્વીને લગતી સમયગણના જેવી અન્ય કેટલીક વાતો પાછળના પ્રકરણોમાં આવે છે; કારણ કે ત્યાં એમનો સમાવેશ વધારે યોગ્ય છે.
–મુરજી ગડા
લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ બીજો લેખ, પુસ્તકનાં પાન 8થી 11 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com
પૃથ્વી વિષે મહત્વની જાણકારી આ લેખ માં નથી આપવામાં આવેલ, તે ઍ પ્રમાણે છે
પૃથ્વી સુર્ય ની આસપાસ ઍક ચક્કર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૯ મિનિટ અન ૧૩ સેકન્ડ માં પુરી કરે છે.. આ અનુસાર દર ચાર વર્ષે ફેબ્રુઆરી માસ ના ૨૯ દિવસો હોય છે, જે વર્ષ ને લિપ યર કહેવામાં આવેછે, અને તે અનુસાર વર્ષ નું કેલેન્ડર બરાબર થઈ જાય છે. અને સદી ની આખર માં ( દાખલા તરીકે વર્ષ ૨૦૦૦ ) તેમાં ના ૨૮ દિવસો જ હોય છે.
LikeLiked by 1 person
જીવનધારક પૃથ્વી મા મુરજી ગડાનો સ રસ લેખ
‘સુર્યની ગરમી દ્વારા દરીયાના પાણીની બનતી વરાળ. એ વરાળ વરસાદ રુપે જમીન પર વરસી, ઘાસથી શરુ કરી માણસ સુધી બધાને જીવન બક્ષે છે. બીજી મોટી ફેક્ટરી છે જંગલો, જે પ્રાણીઓ માટે અતી જરુરી ઑક્સીજન બનાવીને આપણું જીવન શક્ય બનાવે છે .’ખૂબ મોટી વાત સાથે વિજ્ઞાનની અજાયબીઓ સરળ ભાષામા સમજાવવા બદલ ધન્યવાદ
LikeLiked by 1 person