ઈલાપીડે (Elapidae) કુટુંબના ચાર સાપ

(42) કાળોતરો, મણીયાર, સાપણ, કોડીયારી સાપણ, (43) સીંધનો કાળોતરો, (44) પાતળો પ્રવાળ સાપ અને (45) પટીત પ્રવાળ સાપની સચીત્ર જાણકારી પ્રસ્તુત છે.

કુટુંબ : ઈલાપીડે (Elapidae)

–અજય દેસાઈ

 1. કાળોતરો, મણીયાર, સાપણ, કોડીયારી સાપણ ઝેરી
  Common Krait (Bungarus caeruleus)

આ સાપને હીન્દીમાં કરાયત અને સંસ્કૃતમાં સુવર્ણપ્રભ કહે છે. ભારતમાં કુલ 6 પ્રકારના કાળોતરા મળી આવે છે. આપણે ત્યાં ગુજરાતમાં બે પ્રકારના કાળોતરા જોવા મળે છે. ગુજરાતમાં જ નહીં; પરન્તુ સમગ્ર ભારતમાં થતાં ઝેરી સાપમાં સહુથી વધુ ઝેરી સાપ આ છે. જેઓને સાપની માહીતીમાં વીશેષ રુચી છે, તેઓએ આ સાપ વીશે વીગતવાર જાણવું જ જોઈએ. ગુજરાતમાં ઓછેવત્તે સર્વત્ર મળી આવતો આ સાપ, નીશાચર હોઈ બહુ જુજ લોકોએ એને જોયો હશે; અને તેથી જ તેની સાચી માહીતી સામાન્યજનને નથી.

મુલાયમ ભીંગડાં, માથું ગળા કરતાં, સાધારણ પહોળું, આંખો સમ્પુર્ણ કાળી અને મધ્યમ, અને કીકીનું રંધ્ર ગોળ હોય છે. કાળા બદામી કે જામલી બદામી વાન ઉપર બબ્બેની જોડમાં તુટક સફેદ પટ્ટા, ગળાથી લઈ પુંછડી સુધી હોય છે. ક્યારેક આવા પટ્ટા ગળાથી થોડેક દુરથી શરુ થતાં હોય છે. પીઠ ઉપરના મધ્યભાગમાં આવા પટ્ટા નજીક નજીક હોય છે, જયારે પેટાળ તરફ, પડખા પાસે, પહોળી થઈ જાય છે. આવા તુટક પટ્ટામાં પીઠની મધ્યના ભાગમાં સફેદ ટપકું હોય છે. કયારેક આવા તુટક પટ્ટા, પટ્ટા સ્વરુપે ન હોઈ ફક્ત મોટા સફેદ ટપકા સ્વરુપે હોય છે. પટ્ટા 35 થી 40ની જોડમાં હોય છે. પીઠ પરનાં ભીંગડાં સુંવાળા હોય છે. અને પીઠ પરનાં ભીંગડાંની વચ્ચેની હારનાં ભીંગડાં, સૌથી મોટા અને ષટકોણ હોય છે. જીભ ગુલાબી કે લાલ હોય છે. પેટાળ સફેદ હોય છે.

પીઠ ઉપરના ભીંગડાં મહત્તમ 15ની હરોળમાં હોય છે. પેટાળનાં ભીંગડાં 200થી 210 હોય છે. જયારે પુંછડીનાં પેટાળનાં ભીંગડાં 33થી 52 હોય છે. જે વીભાજીત નથી હોતાં, તેમ જ અવસારણી માર્ગ પણ વીભાજીત નથી હોતો.

સમ્પુર્ણ નીશાચર સાપ છે અને રાત્રીના સમયે ખુબ જ પ્રવૃત્ત તથા ચપળ હોય છે. દીવસ દરમીયાન ખુબ જ શાંત તથા આળસુ હોય છે. દીવસ દરમીયાન તે ઉધઈના રાફડાઓ, ઉંદરના દર, ઈંટોના ઢગલાં, લાકડાનાં ઢગલાં, અવાવરુ મકાનો, પથ્થરના ઢગલાં વગેરેમાં છુપાઈ રહે છે. પાણી નજીક હોય તેવા ખેતરોમાં, અને ઘરની આસપાસ વધુ જોવાય છે. તેને ખડકાળ જગ્યાઓ તથા ગીચ જંગલો પસંદ નથી. તેની રાત્રી દરમીયાન પ્રવૃત્ત રહેવાની ખાસીયતને લઈને, આપણી આસપાસ જ આ સાપ વર્ષો વર્ષ રહેવા છતાં આપણે જોઈ નથી શકતાં, દીવસ દરમીયાન આ સાપનાં કરડવાનાં કીસ્સા બહુ જુજ બન્યા છે. તે રાત્રી દરમીયાન જ દંશે છે. દીવસે શરીરને ગુંચળામાં ગોઠવીને માથુ તેની નીચે દબાવીને પડી રહે છે, જયારે રાત્રી દરમીયાન ખુબજ આક્રમક બની જાય છે, કયારેક ફુંફાડે પણ છે. ક્યારેક ગુંચળું વળીને આગળ કુદે પણ છે.

આ સાપનુ વીષ ન્યુરોટૉકસીક અસરો ધરાવે છે. જે સ્નાયુઓને લકવાગ્રસ્ત કરે છે. આપણાં ગુજરાતમાં જે મુખ્ય ચાર ઝેરી સાપ છે, તેમાં આ પ્રથમ છે. જમીન ઉપરનાં ઝેરી સાપમાં તે સહુથી વધુ ઘાતક વીષ ધરાવે છે. તેના દંશ નાગ કે ખડચીતળની જેમ દુ:ખદાયી તથા ખુબ જ અસરકર્તા ન હોઈ, તેના દંશ થકી વધુ ડરવાનું હોય છે. કારણ કે તેની અસર મોડી થાય છે અને જયારે ચીન્હો બહાર જણાય છે ત્યારે, ખાસું મોડુ થઈ જતું હોય છે. નીશાચર હોઈ રાત્રી દરમીયાન દંશે છે અને આ સમય દરમીયાન લોકો સુતા હોઈ, ગાફેલ હોય છે. જમીન ઉપર સુતા હોય તો વધુ જોખમ રહે છે, હાથપગ સીવાય શરીરના અન્ય ભાગમાં તેનો દંશ વધુ ઘાતક બને છે. જો કે તેનાં વીષ દંશતા દાંત પ્રમાણમાં નાના છે અને તે ઝેર દંશે છે, તેની માત્રા પણ ખુબ ઓછી હોય છે.

ખોરાકમાં અન્ય સાપ, જેમાં તેના જાતીભાઈ – કાળોતરા પણ આવી જાય છે. કૃતક પ્રાણીઓ, ઉંદર, ગરોળી, દેડકાં વગેરે છે. ગુજરાતમાં વસંત ઋતુમાં સંવનન કરે છે. એનાં અંત સુધી ઈંડા મુકે છે. ઈંડાની સંખ્યા 8થી 14 હોય છે. 50થી 60 દીવસનાં સંવનનકાળ પછી ઈંડામાંથી બચ્ચાં બહાર આવે છે. આ સમય દરમીયાન માદા સતત ઈંડા સાથે રહે છે. જન્મ સમયે બચ્ચાં 10 ઈંચ જેટલા હોય છે.

આ સાપની સરેરાશ લંબાઈ 39 ઈંચ હોય છે. મહત્તમ 69 ઈંચ નોંધાયો છે.

આ સામાન્ય કાળોતરો આપણે ત્યાં જ થતાં સામાન્ય વરુદંતી જેવો દેખાય છે. આ વરુદંતી સાપ પણ નીશાચર છે અને સમ્પુર્ણ હાનીરહીત છે. તેનું મોં આગળના ભાગે સાંકડુ છે. ગળુ સાંકડુ છે. તેના શરીરના પટ્ટા તુટક નહીં; પરન્તુ જાડા અને સળંગ હોય છે. જો કે એકવાર કાળોતરાને જોયા પછી આપણે બન્ને સાપને તરત ઓળખી શકીએ છીએ. સમગ્ર ગુજરાતમાં મળી આવતો સામાન્ય સાપ છે.

 1. સીંધનો કાળોતરો ઝેરી
  Sind Krait (Bungarus sindanus sindanus)

કાળો ભુખરો, કાળો બદામી, કાળો કે જાંબુડી કાળા રંગનો વાન ધરાવતાં, આ સાપનાં આખા શરીર ઉપર સફેદ ત્રુટક પટ્ટા હોય છે. આવા પટ્ટા સામાન્ય કાળોતરાની જેમ બબ્બેની જોડમાં ન હોતા, અલગ અલગ હોય છે અને સામાન્ય કાળોતરાનાં પટ્ટા જેટલા પહોળા નથી હોતા, પાતળા હોય છે. શરીરનાં આગળનાં ભાગમાં આવા પટ્ટાને બદલે સફેદ ટપકાં, હારબંધ હોય છે. શરીરના મધ્ય ભાગનાં ભીંગડાં મોટા અને ષટ્કોણીય હોય છે. પેટાળ સફેદ હોય છે. ભીંગડાં નરમ છે, માથુ ગળા કરતાં સહેજ પહોળું હોય છે. આંખો સમ્પુર્ણ કાળી છે. રંધ્ર પણ કાળું તથા ગોળ હોય છે. આ સાપની મુખ્ય ઓળખ તેના નીચેના જડબા તથા હોઠ અને મોં ની નીચેના ભાગમાં આવેલ ઝાંખો પીળો રંગ છે, જે તેને સામાન્ય કાળોતરા કરતા અલગ પાડે છે.

પીઠ ઉપર, શરીરની મધ્યમાં મહત્તમ 15ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં 220થી 237 હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 45થી 53 હોય છે. જે વીભાજીત નથી હોતાં. અવસારણી માર્ગનું ભીંગડું પણ વીભાજીત નથી હોતું.

આ સાપ સામાન્ય ક્રેટને તથા વોલ્સના સીંધ ક્રેટને ખુબ જ મળતો આવતો હોઈ, તેની ચોકકસ ઓળખ કરવી અઘરી છે. વોલ્સના સીંધ ક્રેટના નીચલા હોઠ તથા પેટાળનો રંગ ઝાંખો પીળો હોય છે. આ સાપ સમ્પુર્ણ નીશાચર છે. ખોરાકમાં સામાન્ય કાળોતરાની જેમ જ સાપ, ગરોળી, કાચીંડા, દેડકાં વગેરે આરોગે છે. લગભગ અજ્ઞાત અવસ્થામાં રહેતા સાપ ખુબ જ જુજ જોવાય છે.

ઈંડા મુકતો સાપ છે. આ સાપની મહત્તમ લંબાઈ 60 ઈંચ હોય છે. ખુબ જ દુર્લભ સાપ છે. ગુજરાતમાં કચ્છ અને રાજસ્થાનને અડીને આવેલા પ્રદેશોમાં જોવાય છે.

 1. પાતળો પ્રવાળ સાપ આંશીક ઝેરી
  Slender Coral Snake (Calliophis melanurus)

ખુબજ નાનો, પાતળો આ સાપ છે, ભીંગડાં ખુબ જ નરમ છે. માથું લગભગ ગળા જેટલું જ પહોળું છે. આંખો ખુબ નાની અને સમ્પુર્ણ કાળી હોય છે. પુંછડી ટુંકી છે. સમગ્ર શરીરનો રંગ, ઝાંખો, બદામી હોય છે. માથું લગભગ બુઠું હોય છે, માથે ગળા સુધી, સમ્પુર્ણ કાળુ હોય છે. તેના ઉપર સફેદ કે પીળા ટપકાં હોય છે. ખાસ કરીને આંખો પાછળ બે ટપકાં સ્પષ્ટ જોવાય છે. અન્ય છુટક, પણ એકબીજાને સમાંતર ટપકાં હોય છે. ગળા ઉપર પણ આવા ટપકાં હોય છે. વધુમાં ટુંકી પુંછડી ઉપર, બે કાળા પટ્ટા એકબીજાથી દુર હોય છે. પેટાળ ભુખરું કે પરવાળા જેવું ગુલાબી હોય છે. આ સાપ દેખાવમાં બીનઝેરી Dumeril’s Black headed સાપ જેવો હોય છે; પરન્તુ Dumeril’s Black headed સાપને પુંછડીમાં કાળા પટ્ટા હોતા નથી. જયારે આ સાપની પુંછડીમાં બે કાળા પટ્ટા હોય છે.

પીઠ ઉપર શરીરની મધ્યમાં મહત્તમ 13ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં 249થી 277 છે, જયારે પુંછડીનાં પેટાળનાં ભીંગડાં, નરમાં 33થી 37 અને માદામાં 24થી 27 હોય છે. આવા ભીંગડાં બન્નેમાં વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું પણ વીભાજીત હોય છે.

નીશાચર એવા આ સાપની અન્ય ખાસીયતો વીશે પુરતી માહીતી ઉપલબ્ધ નથી. આમ તો તે સુસ્ત અને આળસુ સાપ છે. પાંદડાઓ નીચે છુપાયેલો રહે છે, જયારે છંછેડીએ છીએ, ત્યારે તેની પુંછડીને ગુંચળામાં ગોઠવી અધ્ધર કરે છે. વીષગ્રંથી અને વીષદંત ધરાવે છે. ખુબ જ નાના તેના આવા દાંતનાં દંશ થકી થોડો સોજો આવે છે, કયારેક ચકકર આવે છે; પરન્તુ કોઈ પણ સારવાર લેવાની આવશ્યકતા રહેતી નથી.

ખોરાકમાં નાના જીવડાં, અળસીયાં વગેરે આરોગે છે. ઈંડા મુકતો સાપ છે. એક પ્રજનનમાં 2થી 6 ઈંડા મુકે છે. આ સાપની મહત્તમ લંબાઈ 14 ઈંચ હોય છે. ગુજરાતમાં તે દક્ષીણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં મળી આવે છે.

 1. પટીત પ્રવાળ સાપ આંશીક ઝેરી
  Striped Coral Snake (Calliophis nigrescens)

લાંબી પાતળી કાયા, નરમ ભીંગડાં ધરાવતા આ સાપની આંખો સમ્પુર્ણ કાળી છે, ગળા કરતાં માથું થોડુંક જ વધારે પહોળું છે, પુંછડી ટુંકી છે. રંગમાં વીવીધતા હોય છે. ઈંટાડી લાલ રંગ કે ઘટ્ટ બદામી રંગ હોય છે, તેના ઉપર ઘટ્ટ કાળા રંગનાં ઉભા પટ્ટા હોય છે. આવા પટ્ટા 3કે 5 હોય છે. કયારેક શરીર ઉપરનાં આવા પટ્ટા સફેદ ટપકાથી તુટતાં જણાય છે; પરન્તુ પુંછડીના પટ્ટા તો સળંગ જ હોય છે. માથા ઉપરનો ભાગ કાળો હોય છે, જેની ઉપર ઝાંખા બદામી કે સફેદ નીશાન હોય છે. શરીરનાં ઉભા પટ્ટા શરુ થાય છે, ત્યાં ગળા ઉપર પહોળો, આડો પટ્ટો હોય છે, જે ઉભા પટ્ટાનાં જેવા જ રંગનો હોય છે. પેટાળનો રંગ પરવાળા જેવો લાલ, સફેદ કે ગુલાબી હોય છે. પુંછડીના પેટાળનો ભાગ લાલ કે સફેદ હોય છે.

પીઠ ઉપર શરીરની મધ્યમાં ભીંગડાં, 13ની હરોળમાં ગોઠવાયેલા હોય છે. પેટાળનાં ભીંગડાં 234થી 251 છે, જયારે પુંછડીના પેટાળનાં ભીંગડાં નરમાં 35થી 44 અને માદામાં 32થી 36 હોય છે. આ ભીંગડાં બન્નેમાં વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીગડું વીભાજીત હોય છે. છંછેડાય છે ત્યારે, પુંછડી, અધ્ધર કરે છે અને ત્યારે પેટાળનો સુંદર રંગ દેખાય છે. નાના સાપ અળસીયાં વગેરે ખાય છે. ઈંડા મુકતો સાપ છે. આ સાપની મહત્તમ લંબાઈ 45 ઈંચ નોંધાઈ છે. દક્ષીણ ગુજરાતમાં જોવાય છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

1 Comment

 1. શ્રી અજય દેસાઈનુ ઈલાપીડે કુટુંબ ના સર્પો- કાળોતરો, મણીયાર, સાપણ, કોડીયારી સાપણ, સીંધનો કાળોતરો, પાતળો પ્રવાળ સાપ અને પટીત પ્રવાળ સાપની સચીત્ર જાણકારી બદલ ધન્યવાદ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s