મૈથ્યુ એમ્સના ચાર મુખ્ય અંગો (બન્ને હાથ અને પગ) કાપી નાખી તેની જગ્યાએ રોડ્સ ઈન્પ્લાન્ટ કરવામાં આવ્યા. પોતાની જાતને અંકુશમાં રાખવાની સક્ષમતા, આશા, વીશ્વાસ, મનોબળ, તેની પત્ની ડાયને, પરીવાર અને મેડીકલ સ્ટાફની હુંફ, પ્રેમ અને ભરપુર સહકારથી તેણે જીવન જીવી જાણ્યું છે. મૈથ્યુના સાહસ, ધીરજ અને સંકલ્પ શક્તીને સલામ…
મૈથ્યુ એમ્સ–એક બાયોનીક માનવી
–ડૉ. જનક શાહ અને ભારતી શાહ
આજે ઑસ્ટ્રેલીયાની એક એવી વ્યક્તીની વાત કરવી છે જેના હાથ અને પગ ‘ટોક્સીક શોક સીન્ડ્રોમ’ના કારણે કાપી નાખવા પડ્યા છે. તેના બન્ને હાથ અને પગની જગ્યાએ રોડ્સ ઈન્પ્લાન્ટ કરવામાં આવ્યા છે; પણ તેની હીમ્મત જોઈને આપણા હાથ અચુક તેને સેલ્યુટ કરવા ઉંચકાઈ જશે. બ્રીસ્બેનમાં રહેવાવાળો આ મૈથ્યુ એમ્સ ચાર બાળકોનો પીતા છે. ડાયને નામની સુંદર પત્ની છે; પણ કુટંબીજનોની હુંફ, પ્રેમ અને સહકારથી તેણે જીવન જીવી જાણ્યું છે. 2013નો ‘ક્વીન્સલેન્ડ પ્રાઈડ ઑફ ઑસ્ટ્રેલીયા’નો બહાદુરીનો ઈલ્કાબ તેમ જ ‘ફાધર ઑફ ધ યર’નો એવોર્ડ તેને એનાયત કરવામાં આવનાર છે. અત્યારે ટ્રેનીંગ આર્મ્સ અને સ્ટ્બી લેગ્ઝની મદદથી મૈથ્યુ બધા કામ કરે છે. તેની પત્ની ડાયને તેને દરેક પળે મદદરુપ થાય છે. પોતાના અનુભવ પરથી બન્નેએ ‘વીલ ટુ લીવ’ નામનું પુસ્તક લખ્યું છે. બન્ને સાથે ઘરડાં થવાની ખ્વાઈશ ધરાવે છે. પોતાનાં ચાર બાળકો સાથે કુટુંબજીવનનાં બધાં જ પાસાંનો આનંદ લેતો તે સક્રીય રીતે આજે રોકાયેલો છે તેની કલ્પના પણ તમને નહીં આવે.
મૈથ્યુ એમ્સની બહેન કેટે મૈથ્યુના હાથ અને પગ કાપવા પડ્યા તે પહેલાંની પ્રેરણાદાયી જીવનયાત્રાના પન્ના ફેરવતા યાદ કરે છે કે મૈથ્યુ ઉત્તર ક્વીન્સલેન્ડના ફીજી, સીડની અને ઈન્ગહામમાં ઉછર્યો હતો. 13 વર્ષની ઉમ્મરે તેણે બ્રીસ્બેનમાં કુટુંબ સાથે વસવાટ કર્યો હતો. પુર્વ બ્રીસ્બેનની એન્ગ્લીકન ચર્ચની શાળામાં એક તેજસ્વી વીદ્યાર્થી તરીકેની કારકીર્દી શરુ કરીને તેણે યુનીવર્સીટી ઑફ ક્વીન્સલેન્ડમાં એન્વાર્યન્મેન્ટલ એન્જીનીયરીંગના અભ્યાસની શરુઆત કરી હતી. કૉલેજના અભ્યાસ દરમીયાન તેની મુલાકાત ડાયને સાથે થઈ અને બન્ને પરણી ગયા. તેને નવા નવા પ્રદેશોમાં ભમવાનો ખુબ જ શોખ હતો તેથી ઉત્સાહપુર્વક તેણે અનેક પ્રદેશો ખુંદ્યા હતા. એક જગ્યાએ સ્થીર ટકી રહેવું તેના સ્વભાવમાં ન હતું. હૉસ્પીટલમાં દાખલ કર્યા તેના અઠવાડીયા પહેલા મૈથ્યુ ઓરીજીન એર્નજીમાં કામ કરતો હતો. 22 વર્ષની ઉમ્મરે પરણેલા મૈથ્યુ સાથે ડાયનેએ સાહસની શોધમાં દુનીયા ઘુમતાં–ઘુમતાં પ્રથમ 10 વર્ષ સાથે વીતાવ્યાં હતાં. તાન્જાન્યાના માઉન્ટ કીલીમાન્જરો પર બન્નેએે સાથે આરોહણ કર્યું હતું. પેરુમાં મચુ પીચુના ડુંગરાઓ સાથે ખુંદ્યા હતા. ન્યુઝીલેન્ડના વ્હાઈટ વૉટરમાં તરાપામાં સહેલગાહ કરવાની મજા માણી હતી. ત્યારપછી જુના ક્વીન્સલેન્ડના પુર્વ કેમ્પ હીલમાં વસવાટ કર્યો હતો અને ત્યાં લુક, બેન, વીલ અને એમીલી (હાલ 9, 8, 7, 3)નો જન્મ થયો હતો.
મૈથ્યુની માંદગીની શરુઆત એક પ્રકારના ફ્લુથી થઈ. તેના ગળામાં સોજો આવ્યો. સ્નાયુઓમાં પીડા થવા લાગી અને સાંધાઓમાં વેદના શરુ થઈ. આ ચીહ્નોમાં ઘટાડો ન થતાં તેણે કામ પરથી કેટલાક દીવસની રજા લીધી અને વારંવાર ડૉકટરોની મુલાકાત લેવી પડી. એક સમય એવો આવ્યો કે તે ચાલવા માટે અશક્તીમાન બન્યો અને તેને સાઉથ બ્રીસ્બેનના મેટર ઈન્સેન્ટીવ કેર યુનીટમાં 14 જુન, 2012ને બુધવારના રોજ દાખલ કરવામાં આવ્યો. બીજે જ દીવસે તે કોમામાં જતો રહ્યો અને જીંદગીના ધબકારા ચાલુ રાખવા તેને વેન્ટીલેટર પર મુકવો પડ્યો. તેની કીડની કામ કરતી બંધ થઈ ગઈ હતી, લોહીનું દબાણ અનીયમીત બનવા લગ્યું હતું અને તેનું શરીર વીષમય બની ગયું.
બીજે દીવસે સવારે તેના હાથ પરની ઈન્ફેક્શન જગ્યા ખુલ્લી કરીને તેને સાફ કરીને રોગને આગળ વધતો અટકાવવા પ્રયત્ન કરાયો પણ તેની કોઈ જ અસર ન થઈ. શુક્રવારે તેનો ડાબો હાથ કોણી ઉપરથી કાપી નાખવો પડ્યો; છતાં વીષનું પ્રસરવું અટક્યું નહીં. તેના શરીરમાં ધીમે ધીમે ઝેર પ્રસરવા લાગ્યું અને શુક્રવારે સાંજે કુટુંબીજનોને કહી દેવાયું કે મૈથ્યુ કાલે સવાર પહેલાં મૃત્યુ પામશે; પણ જીંદગીની હાલક ડોલક પરીસ્થીતીમાં બીજા દીવસની સવાર તેણે જોઈ. એક મેડીકલ ટુકડી આઈસીયુના મુલાકાતી રુમમાં હાજર થઈ. મૈથ્યુ જે જીંદગી સામે લડી રહ્યો હતો તેનો ચીતાર તેના કુટુંબીજનોને આપ્યો. તેના હાથ–પગના અવયવો કાપી નાખવાની રજા ન અપાય તો તેની બચવાની શક્યતા નહીંવત હતી. કારણ તેના શરીરમાં રોગનું ઝેર ખુબ ઝડપથી પ્રસરવા લાગ્યું હતું. બેભાન મૈથ્યુની કાયમી વીકલાંગતાને નજર સમક્ષ રાખી કુટુંબીજનોએ કોઈ નીર્ણય પર આવવું જ પડે તેમ હતું. મીટીંગના અંતે બધા જ ઈચ્છતા હતા કે મૈથ્યુને બચાવી લેવાના પુરા પ્રયાસ કરવા જોઈએ. મૈથ્યુના ચારેય અવયવો કાપી નાખવા માટે સજ્જ ટુકડીના ચાર ઑર્થોપેડીક સર્જનોની ટીમ માંહેના મેક મેનીમને કહ્યું કે, “તેને બચાવવા માટે અવયવો કાપવા સીવાય બીજો કોઈ ઉપાય ન હતો”. મૈથ્યુના પત્ની ડાયનેના કહેવા પ્રમાણે “તેના સંતાનોને માટે તે તેમના પીતાને મરવા માટેની રજા ન આપી શકે. કુટુંબીજનોનો સહકાર અને ખાતરી તેને તે નીર્ણય કરવામાં ટેકારુપ હતી”.
પણ ડાયને માટે આ નીર્ણયનો ભાર અસીમ હતો. બન્ને પુખ્ત વયના થયા ત્યારથી સાથે જ હતા. તે કહે છે, “અમે 22 વર્ષથી એક બીજાની સંગાથે જીવીએ છીએ અને જીંદગીના દરેક નીર્ણયો સાથે મળીને કર્યા છે. આ એવો એક પ્રથમ નીર્ણય છે જે મારે તેના વગર કરવાનો છે; પણ હું જાણું છું તેની પણ શું ઈચ્છા હોત. તેથી જ મેં આ નીર્ણય કર્યો. બાળકો માટે પીતાનું હોવું અને ખરેખર તેઓ તેમના પીતાને જે પ્રકારે ચાહતા હતા તે વીચારીને ગમે તે થાય મૈથ્યુનું જીવીત રહેવું તે મારો નીર્ણય હતો”.
મૈથ્યુ ને ઑપરેશન થીએટરમાં લઈ જવાયો તે પહેલા તેને ‘ગુડ બાય’ કહેવાની જરુર હતી. સૌની આંખમાં આંસુ હતા અને હૃદયભગ્ન હતા. નર્સોના ચહેરા પરની વેદના છુપી રહી શકતી ન હતી; પણ બે વર્ષની એમીલી ગાતી હતી, ‘બાય બાય, ડેડી’. ચુમીઓથી તેણે મૈથ્યુને નવરાવી દીધો હતો. તે તો જાણે એમ જ સમજતી હતી કે પપ્પાને થોડા સમયમાં મળવાની ન હોય! ઑપરેશન બપોર પછી શરુ થયું અને મધરાતે પુરું થયું. નર્સે સમાચાર આપ્યા કે સર્જરી સફળતાપુર્વક પુરી થઈ છે ત્યારે તેઓએ ‘હાશ’નો અનુભવ કર્યો. મેક મેનીમન યાદ કરતા કહે છે કે, “વારુ! આ પરીણામ છે. મને આશા છે કે અમારે જે કાંઈ કરવું પડ્યું તે માટે મૈથ્યુ સમ્મત હશે. એક ન માની શકાય તેવી પરીસ્થીતી આવી પડી, રાત્રે જાણે નીદ્રામાં ગરકાવ થયા પછી જાગૃત થતા હાથ–પગ વગરની જીંદગી જીવવા માટે ટકી રહેલ મૈથ્યુના એક ભયાનક સપનાનો અંત આવ્યો ન હોય!”
શામક દવાઓનો ઉપચાર કરવામાં ત્રણ અઠવાડીયા વીત્યાં. મેક મેનીમન ધારતા હતા કે પોતાને હાથ–પગ વગરનો જોઈને મૈથ્યુ ગુસ્સે થઈ જશે અને તેના પ્રત્યાઘાતને શમાવવાનું કાર્ય અઘરું થઈ પડશે; પણ તેવું કાંઈ જ ન બન્યું. મેક મેનીમન જણાવે છે કે, “મારી ક્લીનીકલ કારકીર્દીમાં મને મળેલ સૌથી મોટી આ રાહત હતી. મૈથ્યુ જાગ્યો કે તેણે કહ્યું, ‘હું ખુશ છું કે તમે આ અંતીમ ઉપાય અપનાવ્યો.’ મૈથ્યુની બાબતમાં અમે જે કાંઈ કર્યું તે બાબતે તેનો હકારાત્મક પ્રતીભાવ રહ્યો. તેણે પોતાની પાસે શું બચ્યું છે તેનો વીચાર કરી તે જે પરીસ્થીતીમાં પોતે મુકાયો છે તેમાં સુધારો કેવી રીતે થઈ શકે તેનો વીચાર કરવાના અભીગમે સૌને હળવા કરી દીધા.”
ડાયને મૈથ્યુને જે કાંઈ બન્યું હતું તે કહેવા માટે કેટલી નર્વસ હતી તે યાદ કરતા કહે છે, “તે દીવસ આવ્યો તે પહેલાં હું ઉંઘી શકી ન હતી; પણ તે સમય આવ્યો ત્યારે મારી સાથે મારો પરીવાર અને હૉસ્પીટલનો આખો સ્ટાફ હતો. તે બોલી શકતો ન હતો. ફક્ત માથું ધુણાવીને ઉત્તર આપતો હતો. મેં તેને જે કાંઈ પરીસ્થીતી ઉભી થઈ હતી તેનો ખ્યાલ આપ્યો ત્યારે તે ફક્ત મારી સામે જોઈ રહ્યો હતો અને હું જાણતી હતી કે મારો મૈથ્યુ પાછો આવી ગયો હતો. તે હાથ અને પગ વગરનો હતો પણ હું જેને જાણતી હતી તે એ મૈથ્યુ હતો. હું જે કાંઈ બોલતી હતી તેનો તે સ્વીકાર કરતો હતો તેવું મને તેના ચહેરા પરથી ખબર પડતી હતી.”
જે કાંઈ પરીસ્થીતી સર્જાઈ હતી તેના પ્રત્યાઘાતો દર્શાવતાં મૈથ્યુ કહે છે, “દરેક દીવસ મારા માટે નવો દીવસ હતો. હું ઈન્ટેન્સીવ કેરમાં હતો ત્યારનો સમય ઉદાસીનતાભર્યો હતો. તેનો ખ્યાલ મને ત્યારે જ આવી ગયો કે બાળકો મારી પાસે વધારે સમય રહેતા નહીં. તેઓના ચહેરા પરનો ભાવ કાંઈક જુદો જ લાગતો હતો. મને લાગતુ હતું કે તેઓ મારાથી ડરતા હતાં અને હું તેમની સાથે વાત કરી શકતો ન હતો. તેઓ મારાથી કાંઈક અતડાં રહેતા હતાં.” તેના કહેવા પ્રમાણે પરીસ્થીતીને અનુકુળ થવાનો તે હમ્મેશાં પ્રયત્ન કરતો હતો. સૌ પ્રથમ તો તેના મોંમાં રાખવામાં આવેલી વેન્ટીલેટર ટ્યુબ નીકળી જાય અને તે પોતે શ્વાસ લઈ શકે તે જ ધ્યેય હતું. પછીથી વાત કરવા માટે અને ખોરાક લેવા માટે શક્તીમાન બને તે જરુરી હતું. આ માટે ઘણો લાંબો રસ્તો પાર કરવાનો હતો. તેની દીનચર્યામાં તે એટલો બધો વ્યસ્ત હતો કે તે શ્વાસ લેવાનો સમય પણ કાઢી ન શકે.
તેની સારવાર કરી રહેલ એમોન મહેરના કહેવા પ્રમાણે, “ડૉકટરોની મુલાકાતો, કુટુંબીજનોની મુલાકાતો, ફીઝીયોથેરેપીસ્ટની કસરતો વચ્ચે તે ખુબ જ વ્યસ્ત રહેતો. દીવસના અંતે ખુબ જ થાકી જતો. મૈથ્યુની સારવાર કરનારાઓને ઘણીબધી મર્યાદાઓ નડતી. તેણે તેના ચાર મુખ્ય અંગો ગુમાવ્યા હતા. તે સમ્પુર્ણપણે ડાયાલીસીસ પર હતો; કારણ કે તેની કીડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત પણ ઘણી સમસ્યાઓથી તે ઘેરાયેલો હતો. તેની સારવાર કેવી રીતે કરવી તે માટે કોઈ મેડીકલનુ પુસ્તકીયું જ્ઞાન ચાલે તેમ ન હતુ. તેમ છતાં તે હમ્મેશાં વીનમ્ર રહેતો. તેણે કદી કોઈ ફરીયાદ કરી ન હતી. દરેક વ્યક્તી પર જાણે તેણે કોઈ ભુરકી ન નાખી હોય તેવું લાગતું હતું. આ બધા પડકારો હોવા છતાં ડાયને સરસ મજાનો પોષાક પહેરી તેની સાથે મુવી જોતી હોય ત્યારે મૈથ્યુની જીંદગીમાં કેટલાક પ્રકારની સામાન્ય સ્થીતી સ્થપાતી હોય તેવું લાગતું હતું.”
વૈધકીય રીતે સાજા થવું અને દરદીનું પુનરુત્થાન થવું તે એક પડકારજનક બાબત હોય છે. ડાયાલીસીસ પર રહેલ મૈથ્યુને તેના શ્વાસોચ્છવાસને નીયમીત કરવા માટે અર્થપુર્ણ ફીઝીયોથેરેપીની જરુર અને ઘાની સારવાર ચીંતાજનક હતી; કારણ કે પછીના સમયે તેના શરીર સાથે બેસાડવાના કૃત્રીમ અવયવોની શક્યતાને અસર ન પહોંચાડે તે પણ ખાસ જરુરનું હતું. મેટર રીહેબીલીએશન યુનીટ સાથે આઈસીયુની ટીમ ખુબ જ નીકટતાથી કાર્ય કરી રહી હતી. મેટર રીહેબીલીએશન યુનીટના સીનીયર નીષ્ણાત સોલ જેફેનની સંભાળ હેઠળ મૈથ્યુ મુકાયો હતો. મૈથ્યુ સાથેની પહેલી મુલાકાત યાદ કરતા સોલ જેફેન કહે છે, “મારું હૈયું કુદકા મારતું હતું. હું તેના રુમે પહોંચ્યો. હું જાણતો હતો કે મારે કેવી વ્યક્તીને મારી આવડતથી ઉભો કરવાનો હતો. આ અગાઉ પંદર વર્ષ પહેલાં આવી જ રીતે ચાર અવયવો ગુમાવેલ વ્યક્તીની સંભાળ મેં લીધી હતી; પણ તે વખતે હું જુનીયર હતો. હું તેને મળ્યો અને મારે જે કાંઈ કરવાનું હતું તેનો મેં ખ્યાલ આપ્યો. તેનાં કુટુંબીજનો સાથે મેં થોડો સમય વીતાવ્યો અને આશા સાથે હકારાત્મક અભીગમથી કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે તેવા આત્મવીશ્વાસ દર્શાવ્યો.”
મૈથ્યુની સારવારમાં ઘણાબધા લોકોની ટુકડીને એકત્ર કરીને આવેલા પડકારને પાર પાડવાની ડૉક્ટરોની નેમ હતી. તેમાં ફીઝીયોથેરેપીસ્ટની જવાબદારી ઘણી મોટી હતી. આ ફીઝીયોથેરેપીસ્ટમાં મુખ્ય જેક્વી રાઈટ પોતાની જવાબદારી સંભાળી તેને યાદ કરતા કહે છે, “તે બહુ મોટો પડકાર હતો. મેં તેના બાકીના અવયવોમાં રહેલ હાર્દ સમાન શક્તી તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. હું હમ્મેશાં મૈથ્યુને સમજાવતી હતી કે હું શુ કરવાની છું; કારણ કે તે હમ્મેશાં શું થઈ રહ્યું છે તે જાણવા તત્પર રહેતો. હું તેને મળી ત્યારે તેના સ્નાયુઓમાં તીવ્ર નીર્બળતા હતી. તેને તેના કપાયેલ અંગથી ખસવું પડતું હતું, બેસવું પડતું હતું અને ગબડવું પડતું હતું. અમારી પ્રાથમીકતા તે ખસી શકે તેવો તેને સક્ષમ બનાવવાની હતી. અમારા માર્ગમાં ઘણી અડચણ આવી હતી જેનાથી મૈથ્યુની લાગણી ઘવાઈ પણ હતી. જેમ કે તેના નેત્રપટલમાં ખામી ઉભી થઈ ત્યારે તે ફરીથી ન ખસી શકે તેવી સ્થીતીમાં આવી પડ્યો અને અમારે અમારું લક્ષ નેત્રપટલ પર આપવું પડ્યું.”
ખરેખર જેક્વી રાઈટે તેની સારવાર શરુ કરી ત્યારથી તેણે એક પણ દીવસની રજા લીધી ન હતી. તે બતાવે છે કે તેને તે કાર્ય કેટલું પસન્દ હતું. તેઓએ સાથે મળીને હસીને, રડીને અને થાકીને પણ ધ્યેય સીદ્ધી માટે અસીમ પરસેવો પાડ્યો હતો. રાઈટનું ધ્યેય તેને ઉભા કરવાનું હતું. તે ઈચ્છતી હતી કે મૈથ્યુ બેસી શકે, ગબડી શકે, એકાદ ઈંચ જેટલો દાદરા પર પોતાની જાતને ઉંચકી શકે અને છેવટે નવા પગ સાથે ચાલી શકે. અને….. તે શક્ય બન્યું.
મૈથ્યુ, રાઈટના પ્રયત્નને અવર્ણનીય દર્શાવતા પોતાની લાગણી વ્યકત કરતાં કહે છે, “મારાથી અમુક પ્રકારનો ઉંહુકારભર્યો અવાજ નીકળી જાય ત્યારે હું પડી જવાની સ્થીતીમાં છું તેવો ખ્યાલ તેને આવી જતો. આથી તે પ્રકારનો અવાજ તેને સાંભળવા ન મળે ત્યાં સુધી મારી જાતેને કાર્ય કરવા માટે છોડી દેતી. અમારી ટીમ અનેરી હતી. મને રાઈટમાં શ્રદ્ધા હતી. તેણે મને જે પ્રકારે જરુર હતી તે પ્રમાણે કાર્ય કરવા મજબુર કર્યો અને હું ઉભો થઈ શક્યો.”
સોલ ગેફેનના મત મુજબ મૈથ્યુનો હકારાત્મક અભીગમ તેના પુનરુત્થાન માટે ખુબ મોટું પરીબળ હતું. ગેફેન કહે છે, “મૈથ્યુ જેવો દરદી લાખોમાં એક મળે. મૈથ્યુએ સમ્પુર્ણપણે પરવશ બનાવી દે તેવી ઈજાનો અને નુકસાનનો મજબુત મને સામનો કર્યો. મેં આજ દીન સુધી એક પણ વ્યક્તીને આટલી મક્કમતાથી આવી પડેલ આપત્તીને આવી રીતે સહન કરતાં જોઈ નથી. પોતાની જાતને અંકુશમાં રાખવાની તેનામાં સક્ષમતા હતી. ભરપુર આશા, ધીરજ, વીશ્વાસ, મનોબળ, સંકલ્પ અને પ્રયત્નોએ તેના માટે સુખનો અવસર લાવી આપ્યો.”
ઑપરેશનના દસ મહીના પછી છેવટે મૈથ્યુ ઘરે પાછો આવ્યો છે જ્યાં ભોંયતળીયે કુટુંબીજનોએ તેના માટે રહેવાની વ્યવસ્થા ગોઠવી છે. લીફ્ટની ગોઠવણ થાય તેની તેઓ રાહ જુવે છે. મૈથ્યુએ ઉપલા માળે આવેલ પોતાનો બેડરુમ કે બેઠકખંડ માંદગી આવ્યા પછી જોયો નથી. કારને પણ ખાસ ફેરફાર કરી મૈથ્યુ બેસી શકે તેવી બનાવરાવી છે. ઘરના પાછળના ભાગમાં ઢોળાવ વાળો રસ્તો તૈયાર કરાવ્યો છે જેથી મૈથ્યુને ઓછી મુસીબત પડે. તાત્કાલીક ઉભી કરાયેલી વ્યવસ્થા છતાં, રોજીંદા કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. બહારના દરદી તરીકે પુનરુત્થાન કેન્દ્રમાં જવા–આવવાના ક્રમ વચ્ચે મૈથ્યુ તેનાં બાળકોને શાળાએ જવા માટે તૈયાર થવામાં મદદરુપ થાય છે. વોઈસ–એક્ટીવેટેડ સૉફટવેરની મદદથી ઈ–મેલ કરવા લાગ્યો છે. બાળકોને તેમના ગૃહકાર્યમાં મદદ કરે છે અને પાછળના મેદાનમાં રમાતી ક્રીકેટ મેચ પર દેખરેખ રાખે છે. ડાયને કહે છે, “તે અમારી આજુબાજુ છે તે જ વધુ અગત્યનું છે. તેનું અહીં હોવું બાળકો માટે ખાસ અલગ બાબત છે. તે હૉસ્પીટલમાં હતો ત્યારે દરરોજ સાંજે અમે તેની મુલાકાત લેતાં અને અમે નસીબદાર હતાં કે બાળકોને પુનરુત્થાન કેન્દ્રમાં ક્યારેક તેની સાથે રાતવાસો કરવાની તક મળતી. બાળકો દરેક બાબતથી પરીચીત હતાં. તેથી દરેક સંજોગોનો તેઓ સારી રીતે હલ કરતાં શીખી ગયાં હતાં; પણ તે ઘરે આવ્યો પછી બાળકોમાં કોઈ અલગ જ ફેરફાર દેખાતો હતો. ઉદાહરણરુપે કહું તો બેન જે કાંઈક અતડો હતો તે મળતાવડો બનવા લાગ્યો હતો. અમને થોડી ચીંતા થાય છે કે બાળકોનું બાળપણ તો ઝુંટવાય નહીં જાય ને! કારણ કે મૈથ્યુની મદદે રહેવા માટે તેઓએ ઘરમાં જ રહેવું પડે તેવી પરીસ્થીતી ઉભી થઈ હતી. અમારા દીકરાઓની જવાબદારી જે કાંઈ હતી તે કરતા વધી ગઈ હતી; પણ બાળકો તેના માટે ગૌરવ અનુભવતા હતા. તાજેતરમાં પોતાની શાળામાં યોજાયેલા ‘show and tell’ના કાર્યક્રમ અન્વયે વીલ મૈથ્યુને તેની શાળામાં લઈ ગયો. તેણે મૈથ્યુને શાળાના પ્રાંગણમાં ચલાવ્યો. વીલની નજરે મૈથ્યુની વાર્તા સાંભળવી ખુબ રસપ્રદ બાબત હતી. અમારી સામે ઘણાં પ્રશ્નો આવ્યા અને વર્ગના બાળકો પણ અદ્ભુત હતા.
સૌથી નાની દીકરી એમીલીનો પ્રસંગ જાણીશું તો આંખ અચુક ભીની થઈ જશે. તે મૈથ્યુ સાથે રમવા આતુર હતી. એક વખત તેણે મૈથ્યુને કહ્યું, “તમારી આંગળીઓ ઉંચી કરો, ડેડી.”
“પણ એમીલી, મારે આંગળીઓ જ નથી,” મૈથ્યુએ યાદ અપાવ્યું.
હં.. તે થોડી પળ વીચારે છે અને પછી કહે છે, “સારું! તો પછી હાથ ઉંચા કરો.”
“પણ એમીલી, મારા હાથ પણ નથી.”
ફરીથી થોડી વાર શાંતી. અને…. પછી બોલી. “વારુ! પછીથી આપણે બીજું કાંઈ રમીશું.”
ત્રણ વર્ષની એમીલીનું ભોળપણ એટલું હતું કે તેના પીતાના નવા દેહની અને તેમની આ ગંભીર પ્રકારની કમીઓનો સહેજ પણ ખ્યાલ ન હતો. તેનું એ બાબત પર ધ્યાન પણ ખેંચાયું ન હતું કે તે શું નથી કરી શકવાના. પીંછી પક્ડી તે તેના પપ્પાને આલીંગન આપતી ત્યારે તેમના કપાયેલા હાથ તેના ગળા ફરતે વીંટળાઈ જતા અને તેને ગલીગલી થતા તે હસી પડતી. મૈથ્યુના દીકરાઓથી ભીન્ન રીતે તે કદી તેના પીતાને નહીં જાણી શકે.
મૈથ્યુને ખ્યાલ હતો કે તે બીજાને માટે શ્રેષ્ઠતા માટેનો માનદંડ બની ગયો હતો. તેને જોઈને લોકો પોતાની જાતને નસીબદાર સમજતા હતા. તે આ માનદંડનું ઉદાહરણ આપતા જણાવે છે, “પુનરુત્થાન કેન્દ્રમાં એક વ્યક્તીએ પોતાના શરીરના નીચેના અવયવો ગુમાવ્યા હતા. તે સમયે હું મારા કુલાના આધારે ખસી શકતો હતો. તેણે મને કહ્યું કે તેને જીમમાં આવેલો જોઈને તે ખુશ થયો; કારણ કે તે સતત મારી સામે જોઈ રહેતો હતો અને પોતાની જાતને નસીબદાર માનતો હતો. તેની આ માન્યતા હોવી સારી બાબત હતી. હું બીજાથી વીરુદ્ધ કોઈ પ્રકારનો ન્યાય ન આપી શકું. માનવીનો સ્વભાવ જ એવો છે કે લોકો મને તાકીને જુએ કે મારો માનદંડ તરીકે ઉપયોગ કરી પોતાને નસીબદાર સમજે. ભલે તેમ માને.”
મૈથ્યુને મતે જીંદગી જીવવી અઘરી છે પણ તેના માટે તે નવીન પ્રકારની જીંદગી સાધારણ બનતી જાય છે તેથી તેને સંતોષ છે. જીંદગી જેવી છે તેવી છે પણ આપણે તેમાં જે શ્રેષ્ઠતમ છે તેનો વીચાર કરીએ તો કાંઈ ખોટું નથી. તેને તેનાં કુટુંબીજનો તરફથી, મીત્રો તરફથી અને કદી ન મળ્યા હોય તેવા લોકો તરફથી સહકાર મળ્યો તે નાની–સુની વાત નથી. આજના જમાનામાં પોતાના લોકો પણ મદદરુપ થતાં સો વીચાર કરે અને પોતાના પુર્વગ્રહોને નજર સમક્ષ રાખીને જ મદદનો વીચાર કરે છે. ત્યારે ઉદાહરણરુપે કહીએ તો સ્થાનીક કેથોલીક સ્કુલમાં 65 જેટલા કુટુંબીજનોનાં બાળકો જાય છે તેમાં જેઓના વારા હોય તે પ્રમાણે ડીનર યોજાય છે. તમે નહીં માની શકો કે તે કુટુંબીજનો તેમના વ્યસ્ત જીવનમાં મૈથ્યુ અને તેના કુટુંબીજનો કેમ બરાબર ગોઠવાઈ જાય તેની તીવ્ર ઈચ્છા ધરાવતા હતા. તેની અસર તેના પર અને તેના કુટુંબીજનો પર ખુબ પડી હતી. ડાયને કહે છે, “તેને હમ્મેશાં દહેશત રહેતી કે મૈથ્યુની તરફેણમાં કાંઈક વીચીત્ર જ બનશે. ડૉક્ટરો પણ મને કહેતા કે મૈથ્યુના મૃત્યુનું જોખમ 50 ટકા જેટલું છે ત્યારે હું તેમને કહેતી કે 50 ટકા જીવવાની તો આશા છે ને! પછી તેના મૃત્યુનું જોખમ વધવા લાગ્યું ત્યારે પણ તેના સાજા થવાની આશા મેં છોડી ન હતી. જ્યારે ડૉક્ટરોએ તે 99 ટકા મૃત્યુ પામશે તેવું કહ્યું ત્યારે પણ મને તે એક ટકો જીવી જશે તેવો વીશ્વાસ હતો. હું તે પરવશ બની જાય તેવું ઈચ્છતી ન હતી. કોઈ કુટુંબ તેવું ન ઈચ્છે.”
મૈથ્યુ કહે છે, “હું વીકલાંગ છું તે હકીકત છે; પણ હજી હું અરીસામાં જોઉં છું ત્યારે જે વ્યક્તી મારી સામે મને તાકી રહ્યો છે તેને જોઈને મને આશ્ચર્ય સાથે આઘાત લાગે છે. કોઈ મને ખવરાવવાનું ભુલી જાય તે સીવાય મને તે માટે કોઈ લાગણી નથી થતી.” તે હસી પડે છે.
આ મહીને, મૈથ્યુના હાથ–પગનાં હાડકાં સાથે ધાતુના જોડાણ માટેનું ઑપરેશન કરાશે. વીશ્વમાં તે એવી પ્રથમ વ્યક્તી બનશે કે જેના ચારેય કપાયેલાં અવયવો પર Osseo–integration નામની પદ્ધતીથી આ ધાતુ જોડાશે. જો આ પદ્ધતી સફળ થશે તો તે તેના તે અવયવો સાથે મજબુત પક્કડ મેળવી કાર્ય કરી શકશે. તે તેના પગ પર ઉભો થઈ શકશે અને કપાયેલા અંગો સાથેની લંબાઈની કમી દુર થશે.
તેને તો હજી બાઈક ચલાવવાની મહેચ્છા છે. મૈથ્યુ કહે છે કે તેના આ નવા ઑપરેશન પછી તેની કાબેલીયત સુધરશે એવી તેની અપેક્ષા છે. તે તો પરતંત્રતા ત્યજીને વધુ સ્વતંત્રતાથી પોતાના કાર્ય કરી શકે તેવી સુવીધા પ્રાપ્ત થાય તેમ ઈચ્છે છે. જો કે સોલ ગેફેને કહ્યુ કે કૃત્રીમ હાથોથી કામ લેવું તેને માટે ઘણું અઘરું હતું. હાલના કૃત્રીમ હાથો સાથે જોડાયેલા હુકના સન્દર્ભમાં જોઈએ તો હલનચલન કરવા માટે કોઈ મદદનીશની જરુરતો પડે જ. તે કૃત્રીમ હાથ–પગ સાથે સુમેળ સાધી અનુરુપ થવું થકવી નાખે તેવું હતું. તેના બે ધ્યેય હતા – એક તો જાતે ખાતાં આવડે અને બીજું જાતે ટોઈલેટ જઈ શકે. તેણે તે કૃત્રીમ હાથ–પગ અંગે સંશોધન કર્યું તો તેને જાણવા મળ્યું કે શ્રેષ્ઠ ટૅકનોલૉજીનો ઉપયોગ સરળ બને પણ તે મેળવવાની કીમ્મત જાણીશું તો અધધ થઈ જાય તેવી વાત છે. એક પુર્ણ સેટની કીંમત અંદાજે 5,00,000 $ થાય અને તે પણ દર પાંચ વર્ષે બદલવા પડે. તે હજી ચાલીસીએ પહોંચ્યો છે અને વીકલાંગતા કોને કહેવાય તેની પુરી સમજણ તેને પડી ગઈ છે. તેને લોકોનો સહકાર મેળવવા લાંબું યુદ્ધ લડવું પડશે તેનો અહેસાસ છે; કારણ કે તેની વીકલાંગતા કોઈ કાર અકસ્માતે આવી પડી નથી કે વીમો પાકી જાય. તેને આશા છે કે તેની આર્થીક ભીડ કદાચ NDIS (The National Disability Insurance Scheme) ભાંગી શકે. તેના માટે ખરી લડાઈ તો લાંબા સમય સુધી ચાલે તેવા આ કૃત્રીમ અવયવો મેળવવાની છે.
આજે મૈથ્યુની નવી વ્હીલચેર તેને ઘરની બહાર લઈ જઈ શકે છે. બીજા સુધારાઓ કરવા માટે તેને 1,00,000 ડોલરની જરુર પડી છે જે માટે તેને તેના Origin Energyના જુના સાથીદારોએ તેને સાથ આપ્યો છે. તેને માટે કૃત્રીમ અવયવો સુલભ બને તેમ જ મેડીકલ સારવાર મળી રહે તે માટે એક ફાઉન્ડેશન પણ સ્થપાયું છે. તે કહે છે, “હું સહુનો અત્યંત ઋણી છું. હું નસીબદાર છું કે આ માનવજાતમાં રહેલી માનવતાનો અનુભવ કરવાની મને તક મળી છે. કુટુંબીજનોથી મીત્રો સુધી અને અજાણી વ્યક્તી સુધીનો જે સહકાર મળ્યો છે તે ન કલ્પી શકાય તેવી આશ્ચર્યજનક બાબત છે. મારા માટે જ નહીં પણ ડાયને અને બાળકો માટે પણ આશ્ચર્યજનક બીના છે. ખરેખર તો હું ખુબ નસીબદાર છું કે મારા માટે વીચારનારા અનેક છે. મારે કઈ બાબત અગત્યની છે અને શેનાથી હું ખુશી મેળવી શકીશ તે જ વીચારવાનું રહેતું. ડાયને ક્યારેક મને કહે છે કે વધુ વેદના થતી હોય તો તમે પથારીમાં સુઈ રહો ત્યારે હું તેને કહું છું કે હું સુઈ રહીશ તો કદી ઉભો થઈ શકીશ નહીં. આથી ઉઠી જવું જ વધારે હીતાવહ છે. રોજ ગમે તેટલું દર્દ હોય પણ જીવીત રહેવું મારે માટે સૌથી વધારે જરુરી હતું ઉભા થવું. મારી પાસે શ્રેષ્ઠ જીવન હતું અને હું ખુશ હતો અને સૌએ મને પ્રેમ આપ્યો હતો. કદાચ મારા જીવનમાં કોઈ ફેરફાર આવે તો પણ સૌથી અગત્યની વસ્તુ જે હતી તે તો તેવી જ રહેવાની હતી.”
મૈથ્યુના સાહસ, ધીરજ અને સંકલ્પ શક્તીને લાખ લાખ સલામ.
અંતમાં શ્રી મોહમ્મદ માંકડના પ્રેરક વીધાનો યાદ કરી લેખનું સમાપન કરીશું : “હાયરડાલ જેવા લાકડાના તરાપામાં કે પેપીરસની હોડીમાં મહાસાગરની સફર કરે, કોઈ સાઈકલ ઉપર તો કોઈ વળી પગપાળા દુનીયાની સફરે નીકળે. દસ–બાર વર્ષનો છોકરો ઈંગ્લીશ ચૅનલ તરવાનું સાહસ કરે કે હાથ–પગમાં બેડીઓ બાંધીને કોઈ માણસ તરવાની કોશીશ કરે ત્યારે સલામતીના કવચ નીચે જીવતા ડાહ્યા માણસોને તો એમ જ થાય કે દુનીયામાં કેવાં કેવાં ભેજાં વસે છે! પરન્તુ એવા ભેજાંઓને કારણે જ પૃથ્વી ઉપર કદાચ માનવજીવન ધબકતું રહ્યું છે. જેમનામાં જીવન ઉભરાતું હોય છે તેમનામાં કશુંક નવં કરવાની, નવા રસ્તે જવાની તાલાવેલી સ્વાભાવીક જ હોય છે. સાહસ કર્યા વીના જીંદગીના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળી શકતી નથી. માણસની ઈચ્છાને સાહસ જ નક્કર, ભૌતીક, મુર્તસ્વરુપ આપી શકે છે; પરંતુ તેમ કરવા માટે તેણે સક્રીય થવું પડે છે. સાહસ કરવું પડે છે.”
–ડૉ. જનકભાઈ શાહ અને ભારતીબહેન શાહ
‘ડીસેબલ્ડ’ નહીં પણ ‘સ્પેશ્યલી એબલ્ડ – ફીઝીકલી ચેલેન્જ્ડ’ માનવીઓના મનોબળની વીરકથાઓનો સંગ્રહ ‘અડગ મનના ગજબ માનવી’ ‘અભીવ્યક્તી’ બ્લૉગને ભેટ મોકલવા બદલ ડૉ. જનકભાઈ શાહ અને સુશ્રી. ભારતીબહેન શાહનો દીલથી આભાર..
‘અડગ મનના ગજબ માનવી’ પુસ્તકના (પ્રકાશક : માનવવીકાસ અને કલ્યાણ ટ્રસ્ટ, એમ–10, શ્રીનન્દનગર, વીભાગ–4, વેજલપુર, અમદાવાદ – 380 051 પ્રથમ આવૃત્તી : 2016 પૃષ્ઠ : 90 + 4, મુલ્ય : રુપીયા 120/– ઈ.મેલ : madanmohanvaishnav7@gmail.com )માંથી, લેખકદમ્પતીના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : ડૉ. જનક શાહ અને સુશ્રી. ભારતી શાહ, 101, વાસુપુજ્ય–।।, સાધના હાઈ સ્કુલ સામે, પ્રીતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006 ફોન : (079) 2658 1534 સેલફોન : +91 94276 66406 ઈ.મેલ : janakbhai_1949@yahoo.com વેબસાઈટ : http://janakbshah.wordpress.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 18–07–2022
Unique but inspiring article … credit goes to the patient, family members and medical staff … Super Power i.e. God gives the strength to face all challenges and survive!
LikeLiked by 1 person
ડૉ. જનક શાહ અને ભારતી શાહનો મૈથ્યુ એમ્સ–એક બાયોનીક માનવી પ્રેરણાદાયી લેખ
મૈથ્યુ એમ્સના ચાર મુખ્ય અંગો (બન્ને હાથ અને પગ) કાપી નાખી તેની જગ્યાએ રોડ્સ ઈન્પ્લાન્ટ કરવામાં આવ્યા. પોતાની જાતને અંકુશમાં રાખવાની સક્ષમતા, આશા, વીશ્વાસ, મનોબળ, તેની પત્ની ડાયને, પરીવાર અને મેડીકલ સ્ટાફની હુંફ, પ્રેમ અને ભરપુર સહકારથી તેણે જીવન જીવી જાણ્યું છે. મૈથ્યુના સાહસ, ધીરજ અને સંકલ્પ શક્તીને સલામ.
LikeLiked by 1 person
ખુબ જ પ્રેરણાદાયી. સાહસ, હિંમત અને દૃઢ મનોબળ સાથે પરિવાર, મિત્રો અને સંસ્થાઓનો સુમેળ કામયાબી સુધી લઈ જાય છે.
વિકલાંગ માટે એક ખાસ શબ્દ વપરાય છે.. Differently abled.
આનંદ સાથે અભિનંદન.
LikeLiked by 1 person
ડો જનકભાઈ શાહ અને ભારતીબેન શાહ હજારો લોકોને આપે જે પ્રેરણા આપી છે તે અદભુત.. આવી કુશળતા તો હા ભારતી અને જનક જ દેખાડી શકે… મેથ્યુ એપ્પસ માટે પત્નિ ડાયને ઇશ્ર્વર જ બની ગઈ.. અને હજારો દંપતી આજે માનસિહ દૈવી પરિવર્તન તરફ વળશે..
LikeLiked by 1 person
ડો જનકભાઈ શાહ અને ભારતીબેન શાહે હજારો લોકોને આપે જે પ્રેરણા આપી છે તે અદભુત.. આવી કુશળતા પુર્વક લખાણ તો ભારતી અને જનક જ દેખાડી શકે… નામ તેવા જ ગુણ છે. મેથ્યુ એપ્પસ માટે પત્નિ ડાયન તો ઇશ્ર્વર જ બની ગઈ.. અને હજારો દંપતી આજે માનસીક દૈવી પરિવર્તન તરફ વળશે, પિતા બાળકોનો સ્નેહ મજબુત થશે.. લંડનમા મારા જ્ઞાતિ વડીલ મિત્ર અમુભાઈ ખારેચા ગજ્જરના પત્નિ હર્ષાબેનને MS (Multiple sclerosis) રોગ થઈ ગયેલ ત્યારે પાછલી ઉંમરે આ આફત સામે અમુભાઈએ તેમની પત્નિ હર્ષાબેનની બહુજ સરસ સેવા તેવી કરી કે ઈગ્લેડના પ્રધાનમંત્રી ડેવીડ કેમરોઈને તેમને જમવા માટે આમંત્રણ આપેલ તે સમગ્ર માનવ સમાજ અને રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંસ્થાનું ગૌરવ છે. આપના દ્વારા આજની આ સચોટ લેખે સમાજમાં સંસ્કારનું સિંચન કરતો સંદેશ આપ્યો છે. આ પરિવાર ડાયેના-મેથ્યુ અને તેના બાળકો હમેંશા સુખી રહે… તેવી પ્રાર્થના સાથે સાથે ગોવિંદભાઈ મારુને પણ આવી ટપાલ મુકવા બદલ આભાર વ્યક્ત કરુ છુ.
LikeLiked by 1 person