કાળો તેતર – Black francolin

કાળો તેતર ઘાટા રંગનું મધ્યમ આકારનું અને શીકારનો ભોગ બનનારું પક્ષી છે. માદા નર કરતાં નાની હોય છે. એટલે બન્નેને ખુબ સરળતાથી ઓળખી શકાય છે. નર અને માદામાં ખભા ઉપરનાં સફેદ ટપકાં જાતીઓ પ્રમાણે અલગ અલગ દેખાય છે. […………….]

પક્ષી પરીચય : 10

કાળો તેતર

સં. : પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : કાળો તેતર
હીન્દી : काला तीतर
અંગ્રેજી નામ : Black francolin
વૈજ્ઞાનીક નામ : Francolinus

પરીચય :
કાળો તેતર ઘાટા રંગનું મધ્યમ આકારનું અને શીકારનો ભોગ બનનારું પક્ષી છે. તેના શરીરની લંબાઈ 33 સે.મી.થી 35 સે.મી. સુધીની હોય છે. માદા નર કરતાં નાની હોય છે. એટલે બન્નેને ખુબ સરળતાથી ઓળખી શકાય છે. નરનું વજન 482 ગ્રામ જેટલું હોય છે તો માદાના શરીરનું વજન 424 ગ્રામ જેટલું હોય છે. નર અને માદામાં ખભા ઉપરનાં સફેદ ટપકાં જાતીઓ પ્રમાણે અલગ અલગ દેખાય છે.

નર તેતર :
નર કાળા તેતરના શરીરનો મુખ્ય રંગ કાળો અને સફેદ છે. તેના શરીર પર જુદી જુદી જાતનાં ટપકાં અને પટ્ટાઓ હોય છે. તેના ગાલ ઉપર સફેદ રંગનો પેચ (ધબ્બો) તેને ઓળખવા અને સુંદરતા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેની ગરદનનો રંગ મરુન હોય છે; પણ લાલ–ભુરાથી લાલાશ પડતો હોય છે. તેના માથા ઉપરનો રંગ કથ્થાઈ હોય છે અને તેના ઉપર સફેદ પટ્ટાઓ હોય છે. તેની આંખો ભુરી હોય છે. તેની પાંખો હલકા કથ્થઈ રંગની હોય છે અને તેની ઉપર સફેદ ટપકાં હોય છે.

કાળા તેતરની છાતી, પેટ અને શરીરની નીચેનો ભાગ કાળા રંગનો હોય છે અને તેની ઉપર સફેદ ફોલ્લીઓ (ટપકાં) હોય છે. તેની પાંખોનો રંગ કથ્થાઈ – અખરોટના જેવો હોય છે અને તેની ઉપર સફેદ પટ્ટીઓ હોય છે. કાળા તેતરની ચાંચ નાની અને લાલ રંગની હોય છે. તેના પગનો રંગ ભુરો પણ લાલાશ પડતો હોય છે અને બન્ને પગમાં એક એક કાંટો હોય છે. તેના શરીરનો રંગ જ એવો હોય છે કે તેમાં એક પ્રકારનું છલાવરણ જોવા મળે છે. તેથી તે વૃક્ષ ઉપર બેઠું હોય તો તરત જ દેખાઈ આવતું નથી.

માદા તેતર :
માદા કાળા તેતરનો આકાર અને શરીરનો રંગ નર કરતાં જુદો હોય છે. જેમ નર તેતરમાં કાળો રંગ વધારે જોવા મળે છે તે પ્રકારે માદા તેતરમાં કથ્થાઈ રંગ વધારે જોવા મળે છે. માદાના શરીરનો રંગ નરના રંગના પ્રમાણમાં ઓછો ચમકદાર અને હલકો હોય છે. માદા તેતરના ગળાનો પટ્ટો કથ્થઈ રંગનો હોય છે. તેની પીઠ અને શરીરના ઉપરનો ભાગ પર કથ્થઈ રંગની પટ્ટીઓ હોય છે. તેની પુંછડી નીચે કથ્થઈ રંગનો એક ધબ્બો હોય છે. માદાના બન્ને પગોમાં નર તેતરની જેમ કાંટા હોતા નથી. તેના ઉપરથી નર અને માદાને ઝડપથી ઓળખી શકાય છે. માદાને ગાલ ઉપર સફેદ રંગનો પેચ (ધબ્બો) હોતો નથી. માદાને નરની જેમ જ પીંછા, પાંખો અને પુંછડી હોય છે; પરન્તુ તે કાળા રંગના બદલે ભુરા રંગના હોય છે.

આપણે ત્યાં કુક્ક્ટ વર્ગ (Galloformes)માં મુખ્યત્વે વીજન કુળ (Family Phasianidae)નાં પક્ષીઓ આવે છે. જેમને ભક્ષ્યપક્ષીઓ (Game birds) કહેવામાં આવે છે. તેમાં વનમોર (pheasants), જંગલી ફુકડા (Jungle fow’s), બટેર (Quails) અને તેતર (Partridges)નો સમાવેશ થાય છે. તેઓ મુખ્યત્વે કણભક્ષી (બીજભક્ષી) પક્ષીઓ છે. તેમની ચાંચ અને પગ મજબુત હોય છે. ઘણી જાતીનાં પક્ષીઓમાં નરને પગે લડવા માટેનો કાંટો (Spur) પણ હોય છે.

તેતર તેમના અલગ પ્રકારના અવાજથી ખુબ જ દુરથી ઓળખાઈ આવે છે. તે અલગ અલગ હાવભાવ દર્શાવવા માટે જુદા જુદા અવાજ કાઢે છે. સામાન્ય રીતે ‘કતીતર… કતીતર’ અથવા ‘કટીલા ક્ટીલા’ એવો અવાજ કરે છે તેના ઉપરથી તે ‘તેતર’ કે ‘તીતર’ના નામથી ઓળખાય છે.

પ્રાત્તીસ્થાન :
કાળો તેતર ભારત, પાકીસ્તાન, ભુતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈન્ડોનેશીયા, જાવા, અફ્ઘાનીસ્તાન, સુમાત્રા અને માલદીવમાં જોવા મળે છે. ઉત્તરભારતની બ્રહ્મપુત્રાની ઘાટીના ભાગોમાં સુરક્ષીત સ્થાનોમાં તે જોવા મળે છે. ઉત્તરભારત અને પાકીસ્તાનની આસપાસના વીસ્તારોમાં કાળા તેતરને ઘરના પાલતુ પક્ષી તરીકે ઉછેરવાની પરંપરા છે.

કાળો તેતર ભારતમાં ગુજરાત, હરીયાણા, મધ્યપ્રદેશ, કાશ્મીર, ઓરીસ્સાથી આસામ સુધી જોવા મળે છે.

સંવર્ધન :
કાળા તેતરનું પ્રજનન અને સમાગમ ભારે રોચક જોવા મળે છે. પ્રજનનકાળ દરમીયાન આ પક્ષીનું સમુહમાં રહેતું ટોળું અલગ અલગ થઈ જાય છે અને જોડીમાં જોવા મળે છે. દરેક જોડી પ્રજનનકાળ દરમીયાન પોતાનો એક વીસ્તાર નક્કી કરે છે અને પ્રજનનકાળ પુર્ણ થાય ત્યાં સુધી પોતાના નીશ્ચીત કરેલા વીસ્તારમાં જ રહે છે. દરરોજ સવારે નર અને માદા મળીને મોટો અવાજ કરીને પોતાની સીમા(વીસ્તાર)ની ઘોષણા કરે છે.

કાળા તેતરનું પ્રજનન અને સમાગમ કરવાની રીત અન્ય તેતરોના જેવી જ હોય છે. આમ જોવા જઈએ તો તમામ જાતીના તેતરોની સંવર્ધનની ઋતુ માર્ચથી સપ્ટેમ્બર વચ્ચેની હોય છે; પરન્તુ કાળા તેતરનો પ્રજનનનો સમય જુનથી શરુ થાય છે તે જુલાઈના અંત સુધી ચાલે છે. કાળો તેતર અન્ય તેતરની જેમ જે માદા સાથે પહેલી વખત મળીને જોડી બનાવે છે તેમની સાથે જીવનભર રહે છે.

તે પોતાના નક્કી કરેલા વીસ્તારમાં ઝાડીની નીચે અથવા તો ખેડાયેલા ખેતરના ચાસમાં જમીન પર ખાડો કરે છે અને તેમાં ઘાસ–ફુસ, પાંદડાં અને વૃક્ષોની પાતળી ડાળીઓની મદદથી સામાન્ય દેખાય તેવો માળો બનાવે છે. માળાની નીચે ઘાસ પાથરી તેને મુલાયમ બનાવે છે. આ માળામાં માદા 4થી 8 ઈંડાં મુકે છે. જે ક્યારેક 12 ઈંડાં આપ્યા હોય તેવું પણ જાણવા મળેલ છે. આ ઈંડાં ચમકદાર, સફેદ ટપકાંવાળાં ઓલીવ રંગનાં (પીળાશ પડતાં ક્રીમ રંગનાં) હોય છે. માદા તેતર પોતાનાં ઈંડાનું સેવન 18થી 20 દીવસ સુધી કરે છે. માદા પોતાનાં ઈંડાને ઘાસ–ફુસ વગેરેથી સંતાડી દે છે કે જેથી તેના પર બીજા કોઈની દૃષ્ટી ન પડે. ઈંડાંમાંથી બચ્ચાં બહાર નીકળ્યા પછી નર અને માદા બન્ને દ્વારા બચ્ચાંનો ઉછેર કરવામાં આવે છે. બચ્ચાંનો વીકાસ ઝડપથી થાય છે, તેથી તેઓ ઝડપથી માળમાંથી બહાર આવવા–જવાનું શરુ કરી દે છે. બચ્ચાં તેમના પ્રથમ શીયાળા દરમીયાન માતા–પીતા સાથે રહે છે. કાળા તેતરનું સરેરાશ આયુષ્ય 13થી 16 વર્ષની વચ્ચેનું હોય છે. સામાન્ય રીતે તે આછામાં ઓછા 7 વર્ષ જીવે છે. સંવર્ધનની ઋતુ દરમીયાન નર અને માદા બન્ને મોટેથી અવાજ કરે છે અને નર વધારે આક્રમક બની જાય છે.

અવાજ :
કાળો તેતર ‘ક્લીક ગાલ – ચીક ચીરાકિક’ ‘કિક–કિક–કિક અથવા કિવ–કિવઈ–કિવ’ એવો અવાજ કરે છે જે સવારે અને સાંજે અને લગભગ આખો દીવસ સાંભળી શકાય છે. સંવર્ધનની ઋતુ દરમીયાન નર ટેકરા ઉપરથી, બંધ, ખડક કે નીચા ઝાડની ડાળી પર ઉભો રહીને બોલે છે અને ટુંક સમયમાં જ અન્ય પક્ષીઓ ચારે બાજુથી પ્રતીસાદ આપી સાથે જોડાય છે.

તેનો અવાજ ભારે વીવધતાપુર્ણ હોય છે. ક્યારેક તે કર્કશ અવાજથી બોલે છે, તો ક્યારેક ઘંટડી વાગતી હોય તેવો અવાજ કાઢી શકે છે. વર્ષાઋતુમાં તે સૌથી વધારે બોલે છે. તેના અવાજની એક વીશેષતા એ છે કે તે દીશા–ભ્રમ ઉત્પન્ન કરે છે. એટલે કે તે જે જગ્યાએથી બોલતો હોય ત્યારે આપણને બીજી જ કોઈ જગ્યાએથી અવાજ આવતો હોય તેવું લાગે છે. તેના પરીણામે તેનો શીકાર કરવા માગતા શીકારી ભ્રમીત થઈ જાય છે.

આવાસ :
કાળો તેતર ઝાડ – ઝાંખરાવાળા વીસ્તારમાં રહે છે. તેને ખાસ કરીને પુષ્કળ ખેતી પાકો થતા હોય અને પાણીની નજીકવાળા વીસ્તારો હોય તો વધારે પસંદ પડે છે. તેઓ વન પક્ષીઓ નથી પરન્તુ ઉંચા ઘાસના મેદાનોમાં વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે.

આહાર :
કાળો તેતર અન્ય તેતરોની જેમ જોડીમાં અથવા તો 5–6 પક્ષીઓના નાના નાના ટોળામાં ખોરાક મેળવે છે. તે પાણીવાળા વીસ્તારમાં આવેલી ઉંચી ઉંચી જાડીઓની નજીક, પીયત કરેલા ખેતરોમાં અને ખાસ કરીને શેરડીના ખેતરોમાં અને ખુલ્લા ઘાસનાં મેદાનો અને જમીન ઉપર બેસી પોતાનો ખોરાક મેળવે છે. આ પક્ષી પોતાનો મોટાભાગનો સમય વૃક્ષો ઉપર પસાર કરે છે; પરન્તુ તે ભોજન હમ્મેશાં જમીન ઉપર જ કરે છે. તેમના આહારમાં મુખ્યત્વે કીડા – મકોડા, તથા નાના–નાના અરીઢધારી જીવો છે. કીડીઓ, ઉધઈ અને ભમરાની લાર્વા તેનું પ્રીયભોજન છે. ભીની માટીની અંદર રહેવાવાળા કીડા – મકોડાને ખાવા માટે તે પોતાના પંજાથી માટીને ખોદે છે. તે ખોરાકની શોધમાં છાણને ખોદતો જોવા મળે છે. તે કીડા – મકોડાની સાથે સાથે બીજા અનાજના દાણા, નાના નાના છોડના ઉપરના કોમળ ભાગોને પણ ખાય છે. તે અંકુર, પાંદડા, કંદ, બેરી અને અંજીર પણ ખાય છે. તે પ્રસંગોપાત ઉભયજીવી, સરીસૃપ, અળસીયાં અને કરોળીયાને પણ ખાય છે.

કાળો તેતર વહેલી સવારે સુર્યોદયના થોડાક સમય પહેલાં ખોરાક મેળવવાનું શરુ કરી દે છે અને સુર્યોદયના થોડાક સમય સુધી ખોરાક મેળવતો રહે છે. બપોરે તાપ વધતાં તે બાવળ કે તેના જેવાં વૃક્ષો ઉપર પહોંચી જાય છે અને બપોરે આરામ કરે છે. સાંજે તે પુનઃ ભોજન કરવાનું શરુ કરી દે છે અને અંધારું થાય ત્યાં સુધી ખોરાક મેળવે છે. વરસાદની ઋતુમાં તેના ભોજનનો સમય બદલાઈ જાય છે. ચોમાસામાં તે સુર્યાસ્તના થોડાક સમય પહેલાં સુધી ખોરાક મેળવે છે કારણ કે તે સમયે કીડા – મકોડાની સંખ્યા ખુબ વધી જાય છે તેથી તેને જમીન પર ભરપુર માત્રામાં આહાર મળી જાય છે.

તે એક ભારે શરમાળ પક્ષી છે. તેને ખોરાક મેળવતી વખતે માનવની હાજરી ગમતી નથી. ખોરાક મેળવતી વખતે કોઈ માનવ તેની પાસે પહોંચી જાય તો તે ખુબ તેજીથી પોતાની પાંખો ફફડાવીને લાંબી, સીધી અને તેજીથી ઉડીને દુર ચાલ્યો જાય છે. માનવી દ્વારા હેરાન પરેશાન કરવાની સાથો સાથ કોઈ પીછો કરે ત્યારે પણ પાંખો ફફડાવીને તેજીથી ઉડી જાય છે. તેની ઉડાન અન્ય તેતરો કરતાં વધારે ઝડપી અને લાંબી હોય છે.

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું :લોકનિકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com ઓક્ટોબર, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06–03–2023

5 Comments

 1. નાનપણમા અમે ફરવા નીકળતા ત્યારે ખેતર, પાદર ને ઘાસનાં બીડને પોતાના બુલંદ અને રણકતા અવાજથી જીવંત રાખતું તેતર ‘પકડી લીઓ, પકડી લીઓ, પકડી લીઓ’ જેવો મીઠો અવાજ સાંભળતા ! વાડ અને ઝાંખરાંમાં પાંચ-સાતની સંખ્યામાં સહકુટુંબ ફરતાં જોવા મળે તેનો શિકાર થતો હોવાથી માણસથી ડરતું રહે. તેના શરીરના રંગ અને તેના ઉપરની ભાત એવાં છે કે જમીન ઉપર સ્થિર ઊભું હોય તો ઝટ નજરે ન પડે આવા અમારા પ્રિય પક્ષી પરીચય : મા મા.પ્રા. દલપત પરમાર દ્વારા સચિત્ર કાળો તેતર અંગે ખૂબ સ રસ માહિતી બદલ ધન્યવાદ

  Liked by 1 person

 2. તેતર નામે પંખી છે એની જાણ સિવાય એન ક્યારેય નજરે જોયાનું યાદ સુદ્ધાં નથી.

  અહીં આવાં અનેકવિધ પંખીઓ વિશે વાંચીને જાણકારી મળે છે. બાકી અત્યારે તો વર્ષો પહેલાં જોયેલી ફિલ્મનાં ગીતના શબ્દો યાદ આવી ગયા.

  तीतर के दो आगे तीतर, तीतर के दो पीछे तीतर,
  आगे तीतर, पीछे तीतर, बोले कितने तीतर?

  Like

  1. વહાલા રાજુલબહેન,
   ‘લોકનીકેતન’ માસીક (વર્ષ 2022ના 12 અંકો)માંથી 12 પંખીઓની 12 પોસ્ટ ‘અભીવ્યક્તી’ પર મુકાયા બાદ તે બારેય પંખીઓની ઈ.બુક બનાવવાનું હું વીચારતો હતો. તમારા આ પ્રતીભાવથી મને તે પ્રોજેક્ટ કરવાનું બળ મળ્યું.
   ધન્યવાદ.
   –ગો.મારુ

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s