રૅશનાલીઝમ અને લાગણી

જાણીતા શીક્ષણવીદ ડૉ. ગુણવંત શાહેપ્રા. રમણ પાઠક આસ્તીક છે’ એવું અમુક સભામાં બે જ મીનીટમાં સીદ્ધ કરવાનો પડકાર ફેંક્યો હતો? શું તેઓએ એ પડકાર સીદ્ધ કર્યો? શું રૅશનાલીસ્ટો લાગણીહીન હોય છે?

વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :

રૅશનાલીઝમ અને લાગણી

–રમણ પાઠક (વાચસ્પતી)

(‘મધુપર્ક’ પુસ્તકના ગત લેખનો સ્રોત :  https://govindmaru.com/2020/06/19/raman-pathak-47/ )

‘ત્રણ સહજ; છતાં તીવ્રતમ એવી લાગણીઓએ–આવેગોએ મારા જીવનને દોર્યું છે. એ છે : પ્રેમની ઝંખના, જ્ઞાનની ખોજ અને માનવજાત માટેની અસહ્ય દયા. વાવાઝોડા જેવી આ ત્રણ લાગણીઓએ વેદનાના ગહન મહાસાગર ઉપર મારા જીવનને આમતેમ ફંગોળ્યું છે અને અનેક વાર હતાશાની હદ સુધી એને તે ખેંચી ગઈ છે.’

‘મેં પ્રેમ શોધ્યો; કારણ કે એની મસ્તી એટલી તો ઉત્કટ હોય છે કે, તેના થોડી ઘડીના આનન્દ ખાતર સમગ્ર જીવન કુરબાન કરવા હું તત્પર થાઉં. આવી જ બીજી લાગણીને વશ થઈને મેં જ્ઞાનની ખોજ ચલાવી છે. મેં માનવહૈયાનો તાગ લેવાનો પ્રયત્ન કર્યો છે, તારાઓ શા માટે ઝળહળે છે – એ જાણવાની ઈચ્છા કરી છે અને પાયથાગોરસના પ્રમેયોને પામવાનો પ્રયત્ન પણ કર્યો છે. પ્રેમ અને જ્ઞાન જેટલાં શક્ય બન્યાં, તેટલાં મને સ્વર્ગ પ્રતી દોરી ગયાં; જ્યારે દયાએ હમ્મેશાં મને પુન: પૃથ્વીપટે પછાડ્યો છે. નાગાંભુખ્યાં બાળકો, જુલમગારના જુલમનો ભોગ બનતા શોષીતો અને જેઓ પોતાનાં સંતાનોને માથે અણગમતો બોજ બની રહ્યાં છે એવાં અસહાય વૃદ્ધો–વેદના અને આક્રંદની આ આખી દુનીયા માનવજીવન ખરેખર જેવું હોવું જોઈએ, એની કેવળ ઠેકડી ઉડાવે છે.’

–બર્ટાન્ડ રસેલ, ‘આત્મકથા’માંથી

પહેલી માર્ચ, 1994ના ‘નયા માર્ગ’ના અંકમાં, ફકીરભાઈ…. લાગણીશીલ રૅશનાલીસ્ટ શીર્ષક હેઠળ શ્રી. દીલીપ રાણપુરાએ લખ્યું છે કે, ‘રૅશનાલીસ્ટો લાગણીહીન હોવાનો ખ્યાલ છે…… ઈત્યાદી.’ એના જવાબમાં હું તેઓ બન્નેને રસેલના ઉપર્યુક્ત વેદનાઉદગારો અર્પણ કરવા પ્રેરાઉં છું.

થોડાં વર્ષ પુર્વે બરાબર આવો જ એક પ્રસંગ અત્રે સુરતમાં મારા જ સન્દર્ભમાં બનેલો, તેય ટાંકું : આદરણીય મીત્ર ડૉ. ગુણવંત શાહે પડકાર ફેંક્યો કે ‘રમણ પાઠક આસ્તીક છે – એ હકીકત હું અમુક સભામાં બે જ મીનીટમાં સીદ્ધ કરી આપીશ.’

અને પછી તેઓએ શું સીદ્ધ કર્યું ખબર છે?… ‘અમુક મીત્રની વીદાય કે ચીરવીદાય પ્રસંગે ર.પા. રડતા હતા, માટે તેઓ રૅશનાલીસ્ટ નથી, આસ્તીક છે. રૅશનાલીસ્ટ એવું માને છે કે, કોઈ પણ મનુષ્ય, તે કેવળ લોહીમાંસનો લોચો; એ જીવે કે મરે, એનો વળી શોક શો કરવો?’

આવી ગેરસમજ કે ગેરરજુઆત અત્રે પ્રસ્તુત કરતાં, મને એક રમુજી પ્રસંગ યાદ આવે છે : એક શીક્ષીત મીત્રને મેં વાત કરી કે, ‘મારી અમુકતમુક ‘દોસ્ત’ ખુબ જ દેખાવડી હતી. જો હું તને એનો ફોટો બતાવું,’ એમ બોલી, એ દોસ્તની તસવીર મેં મારા પાકીટમાંથી કાઢી બતાવી. એ જોઈ, પેલો મીત્ર બરાડી ઉઠ્યો, ‘સા….. પ્રીયતમાના ફોટા ખીસ્સામાં રાખીને ફરે છે? ધેન યુ આર નોટ એ રૅશનાલીસ્ટ! તું રૅશનાલીસ્ટ શાનો?’

આ ત્રણે અભીપ્રાયો – ભાઈ રાણપુરા, ડૉ. ગુણવંત શાહ તથા મારા પેલા મીત્રના રૅશનાલીઝમ પરત્વેના અભીપ્રાય પાછળનો મનોવ્યવહાર સમજવા જેવો છે.

ડૉ. ગુણવંત શાહને તથા મારા પેલા મીત્રને રૅશનાલીઝમ પ્રત્યે અણગમો છે, જેવો શ્રી. રાણપુરાના લેખમાં ઉલ્લીખીત સ્વામીજીને છે. જો કે સ્વામીજીનો અભીપ્રાય તો સત્ય છે કે, ‘રૅશનાલીસ્ટો શ્રદ્ધા પ્રતી ઘૃણા કરે છે.’ જ્યારે ડૉ. શાહ અને મારા મીત્રે તો એમને મનગમતી રીતે અમુકતમુક ગુણો યા દુર્ગુણોનું આરોપણ રૅશનાલીસ્ટો પર કરીને, પછી મને ઠપકારતાં, જાણે કે પુરવાર કર્યું કે ‘રમણ પાઠક રૅશનાલીસ્ટ નથી.’ આ કહેવાતાં ગુણલક્ષણ તે એ કે, ‘રૅશનાલીસ્ટ રડે નહીં, રૅશનાલીસ્ટ પ્રીયતમાની તસવીર ગજવે રાખીને ફરે નહીં’

હવે હકીકત બીલકુલ એથી ઉલટી છે. ‘આ શરીર લોહીમાંસનો લોચો છે, એ મીથ્યા છે, એના અન્તનો માણસે શોક ન કરવો જોઈએ’ – એવું કયા રૅશનાલીસ્ટ શાસ્ત્રમાં લખ્યું છે? એ તો કોઈ બતાવે! હકીકતે આવું તો ધર્મગ્રંથોમાં જ લખેલું આવે છે, જે ગ્રંથોને રૅશનાલીસ્ટો જરાય આદરણીય યા અનુકરણીય માનતા નથી. સ્મરણ છે ત્યાં સુધી ભર્તૃહરીએ તેઓના ‘વૈરાગ્યશતક’માં એવું લખ્યું છે કે, ‘એક ચામડાના કોથળામાં નવ છીદ્રો પાડ્યાં, એમાં તે હે મુરખ માનવ, તું શેં મોહ્યો?’ ખેર, કદાચ ‘વૈરાગ્યશતક’માં આવું ન લખાયું હોય, તો પણ આવો ખ્યાલ આધ્યાત્મીક જ છે – એ વાતમાં તો કોઈ જ શક નથી. પુરાવો જોવો હોય, તો જુઓ ‘શ્રીમદ્ ભગવદગીતા’ના નીચેના શ્લોકો :

જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ:
ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।

તસ્માદપરીહાર્યેર્થે
ન ત્વં શોચીતુમર્હસી ।।

(227)

અને બીજો,

વાસાંસી જીર્ણાની યથા વીહાય
નવાની ગૃહણાતી નરોપરાણી ।

તથા શરીરાણી વીહાય જીર્ણાન્
અન્યાની સંયાતી નવાની દેહી ।।

(222)

આ ઉપરાંત, ‘અશોચ્યાનન્વ શોચસ્ત્વં’ તથા ‘તત્ર કા પરીદેવના?’ વગેરે પણ છે. મતલબ એટલો જ કે, આ દેહ નાશવન્ત છે; જન્મેલાનું મૃત્યુ નીશ્ચીત છે, તેમ મરેલાનો પુનર્જન્મ પણ નીશ્ચીત જ છે; એ તો કોઈ વ્યક્તી જુનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે, એવી જ આ અમર આત્માની લીલા છે. માટે શાણા માણસોએ એનો શોક કરવો જોઈએ નહીં વગેરે… પત્ની–પુત્રનું મૃત્યુ થતાં ભક્તકવી નરસીંહે ગાયું કે, ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ!’ – આવું રૅશનાલીસ્ટ કદી ન કહે.

રૅશનાલીસ્ટ નથી તો આત્મામાં માનતો કે નથી તો એ પુનર્જન્મમાં માનતો. આ દેહને એ જીર્ણ વસ્ત્ર સમાન નકામો પણ નથી માનતો. એને મન તો મનુષ્ય એટલે મનુષ્ય જ અને સ્વજન એટલે સ્વજન અને તે જે દેહરુપ છે તે જ. સ્વજનનું મૃત્યુ એટલે તે સ્વજનને સદાને માટે ગુમાવી દેવું તે., જે સ્વજન જીવનભર પુન: જોવા સુધ્ધાં નથી મળવાનું વગેરે. આવાં અનુભવ–પ્રતીતીનો શોક પછી કેટલો બધો ઘેરો તથા તીવ્ર–અસહ્ય હોય? એટલે રૅશનાલીસ્ટ તો રડે, બલકે રડે જ.

આમ, ઉપરના મીત્રોના એવા અભીપ્રાય કે રૅશનાલીસ્ટ લાગણીહીન હોય, તે રડે નહીં કે સ્વજન–મીત્રના ફોટા ના રાખે – એ કેવળ વીપરીત, આરોપીત મત છે. કેમ જાણે, રૅશનાલીસ્ટ એટલે કોઈ મહાન યોગી યા તો કોઈ અઘોરી બાવો ના હોય!

સત્ય તો એ છે કે, તીવ્ર લાગણીશીલતા તથા વાસ્તવીકતાનું સાચું જ્ઞાન જ માણસને રૅશનાલીસ્ટ બનાવે છે. એના પુરાવારુપે જ મેં પ્રાંરભે રસેલનું વીધાન ટાંક્યું છે; જેઓ લખે છે કે, ‘ત્રણ સહજ તથા તીવ્રતમ લાગણીઓએ જ એમના જીવનને દોર્યું છે… આમતેમ ફંગોળ્યું છે.’ બર્ટ્રાન્ડ રસેલ વર્તમાન યુગના, વીશ્વના મહાનતમ રૅશનાલીસ્ટ હતા, એનો ઈનકાર કોઈ કરી શકશે ખરું? હકીકત તો એ જ હોઈ શકે કે, આવી ઉમદા લાગણીઓએ જ કદાચ રસેલને રૅશનાલીસ્ટ બનાવી દીધો હોય.

એ માટે નમ્રતાપુર્વક મારો પોતાનો જ દાખલો ટાંકુ તો, બરાબર જે તર્કથી રસેલ રૅશનાલીસ્ટ બન્યા, એ જ તર્કે મને પણ નાસ્તીકરૅશનાલીસ્ટ બનાવ્યો છે; જેની પાછળ છે : દયાની તીવ્ર લાગણી અને તે એ કે, ‘આવી ક્રુર, નીર્દય, નરી વેદના – યાતનામય, અન્યાયી દુનીયા બનાવનાર કોઈ ભગવાન હોઈ શકે જ નહીં અને જો હોય, તો એવો ભગવાન મને માન્ય નથી.’ રસેલે એક સરસ વીધાન કર્યું છે કે, ‘આવી ભયંકર પીડાભરી દુનીયા સેતાને બનાવી છે – એમ જો કોઈ કહે તો તે કદાચ હું માનું; પરન્તુ પરમકૃપાળુ એવો પરમાત્મા, સર્વશક્તીમાન એવો ઈશ્વર આવી દુનીયા બનાવે એ વાત કદાપી માની શકાય એવી નથી.’

એક આડવાત કરું : ‘નયા માર્ગ’ સામયીક હું સાદ્યંત વાંચું છું અને સર્વત્ર કહેતો ફરું છું કે, નયા માર્ગ’ વાંચો! તે એટલા જ માટે કે, એમાં દુ:ખીયારાં, શોષીત, પીડીત, દલીત માણસોની વેદનાને વાચા આપવામાં આવે છે; જે હૃદયને વીંધી જાય છે; તો સાથે સાથે સ્વલ્પ પણ સુધારાની સાચીખોટી આશાય જન્માવે છે. રૅશનાલીસ્ટો એટલે જ માનવતાવાદીઓ. એક પુરાવો ટાંકુ?

લેનીન નાસ્તીક હતો. ચેખોવની વીખ્યાત વાર્તા ‘વોર્ડ નં. 6’ વાંચીને તે એટલો બધો અસ્વસ્થ થઈ ગયો કે, ઘરમાં એકલો રહી શક્યો નહીં. તેણે બહાર ફરવા નીકળી જવું પડ્યું! કારણ એ જ કે ઉક્ત દીર્ઘ વાર્તામાં, માનવજાતની વેદનાઓ, યાતનાઓ, સમાજની લાગણીહીન ક્રુરતાઓ અને માનવીની મજબુરીનું ઘોર, હૃદયવેધક આલેખન કરવામાં આવ્યું છે. રૅશનાલીઝમ એટલે જ માનવતા, એટલે રૅશનાલીસ્ટ બહુધા ઋજુ, સંવેદનશીલ હૃદયનો જ હોય; છતાં માનવવ્યક્તીત્વનું, સ્વભાવનું વૈવીધ્ય અપરમ્પાર છે; એટલે કઠોર હૃદયનો રૅશનાલીસ્ટ પણ સમ્ભવે; જેમ કોમળ, દયાળુ, લાગણીશીલ હૃદયના આસ્તીકો પણ અનેક જોવા મળે જ છે.

બાકી આસ્તીકો, આધ્યાત્મીક પુરુષો, ભક્તો, યોગીઓ તો એવું જ માને કે, ‘આ દુનીયા તો ભગવાનની અકળ લીલા છે, તેની આવી રચના પાછળ પણ સર્જનહારનો કંઈક શુભ હેતુ જ કામ કરતો હશે…’ બ્રહ્મ સત્યમ્ જગન્મીથ્યા!’ અથવા ‘આ તો બધાં પ્રાણીઓનાં કર્મનાં જ ફળ છે.’ એક પુરાવો જાણવા લાયક છે : વીજ્ઞાને એનેસ્થેસીયા શોધ્યો, ત્યારે ખ્રીસ્તી પાદરીઓએ (જેઓ શ્રદ્ધાળુ આસ્તીકો જ હોય) ઉગ્ર વીરોધ કર્યો કે માંદો માનવી યા પ્રસુતા જે પીડા ભોગવે છે એ તો એનાં પાપની ઈશ્વર દ્વારા અપાતી સજા જ છે; માટે એનેસ્થેસીયાથી આ પીડા દુર કરવી, એ ઈશ્વરના ન્યાયમાં દખલગીરી જ કહેવાય. આમ, ભલે વ્યક્તીગત રીતે શ્રદ્ધાળુ જણ કદાચ ક્રુર, લાગણીહીન ના પણ હોય; પરન્તુ ધર્મના સીદ્ધાંતો તો આવા ક્રુર જ હોય છે. દા.ત.; વીજ્ઞાન યા રૅશનાલીઝમે ક્યારેય એવા ફરમાન બહાર નથી પાડ્યાં કે, માણસના કાંડા કાપી નાખો! અને જીવતા સળગાવી દો! એને પથરા મારીને મારી નાખો! જ્યારે ધર્મ આવું સ્પષ્ટ ફરમાવે છે અને ધાર્મીકો એનો ચુસ્ત અમલ કરવાનો આગ્રહ સેવે છે. પછી બોલો, કોને આપણે લાગણીહીન કહીશું?

લાગણી એટલે મુખ્યત્વે મનુષ્યની પ્રાકૃતીક વૃત્તીઓ. જ્યારે રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધી. તદઅનુસાર રૅશનાલીસ્ટ પોતાની સજાગ વીવેકશક્તી વડે સમજી–પ્રમાણી શકે કે, કઈ લાગણી સારી છે કે નરસી? પરીણામે રૅશનાલીઝમ માનવીય લાગણીઓનું શુદ્ધીકરણ કરી શકે.

મતલબ કે, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, વેર જેવી પ્રાકૃતીક લાગણીઓને રૅશનલ અભીગમથી નીયન્ત્રીત યા નાબુદ કરી શકાય; જ્યારે પ્રેમ, દયાકરુણા, વાત્સલ્ય જેવી શુભ લાગણીઓને રૅશનાલીઝમની મદદથી વધુ તીવ્ર તથા વધુ સક્રીય બનાવી શકાય. ફકીરભાઈ વણકર લાગણીશીલ હોવાથી જ રૅશનાલીસ્ટ થયા; એમ કેમ ન કહી શકાય? બલકે એમ જ હોઈ શકે; કારણ કે ધર્મગુરુઓ, સ્વામીઓ, બાબાઓ, કહેવાતા મહર્ષીઓ, ઉપરાંત ભુવા, બડવા અને તાન્ત્રીકો ભોળી, અજ્ઞાન પ્રજાનું જ્યારે શોષણ કરતા હોય અને એને પીડતા હોય, ત્યારે એ જોઈ, લાગણીથી જેનું હૈયું દ્રવી જાય એ પુરુષ જ એની સામે મેદાને પડે ને? અને તો પછી એ રૅશનાલીસ્ટ જ કહેવાય.

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના તૃતીય પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 34થી 38 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક–સમ્પર્ક : 

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન :  95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, .મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

 

8 Comments

 1. લેખ ખુબ ગમ્યો. આજે જ મારાં પત્નીની એક ફ્રેન્ડના અવસાનની વાત નીકળી અને મારી આંખો ભીની થઈ, કેમ કે એ બહેન પણ બહુ માયાળુ હતાં.
  ‘આવી ક્રુર, નીર્દય, નરી વેદના – યાતનામય, અન્યાયી દુનીયા બનાવનાર કોઈ ભગવાન હોઈ શકે જ નહીં અને જો હોય, તો એવો ભગવાન મને માન્ય નથી.’ રસેલે એક સરસ વીધાન કર્યું છે કે, ‘આવી ભયંકર પીડાભરી દુનીયા સેતાને બનાવી છે – એમ જો કોઈ કહે તો તે કદાચ હું માનું; પરન્તુ પરમકૃપાળુ એવો પરમાત્મા, સર્વશક્તીમાન એવો ઈશ્વર આવી દુનીયા બનાવે એ વાત કદાપી માની શકાય એવી નથી.’
  આ વીધાનો કોઈ પણ વ્યક્તી સમજી શકે તેવાં છે.
  હાર્દીક આભાર ગોવીન્દભાઈ.

  Liked by 1 person

 2. ખુબજ ઉમદા દ્રષ્ટાંતો દ્રારા રેશનાલીઝ્મનો સિદ્ધાંત રજૂ કર્યો, તથા રેશનાલીસ્ટ્સની સમજ આપી. સરળ ભાષામાં રસેલનાં વિધાનો ખુબ જ સરસ.
  ધન્યવાદ લેખક શ્રી રમણ પાઠક તથા શ્રી ગોવેન્દભાઈ મારુ

  Liked by 1 person

 3. ‘પ્રેમની ઝંખના, જ્ઞાનની ખોજ અને માનવજાત માટેની અસહ્ય દયા. વાવાઝોડા જેવી આ ત્રણ લાગણીઓએ વેદનાના ગહન મહાસાગર ઉપર મારા જીવનને આમતેમ ફંગોળ્યું છે અને અનેક વાર હતાશાની હદ સુધી એને તે ખેંચી ગઈ છે.’…રપાની આ વાત અવાર નવાર જોઇ છે.કેટલીક વાતોમા સંમ્મત ન થતા તેમા મતભેદ હતા પણ મનભેદ કદી નહી.
  રૅશનાલીઝમ અને લાગણી અંગે મા રમણ પાઠક નો સ રસ લેખ

  Liked by 2 people

 4. Salute to late professor Ramanbhai Pathak Saheb and many thanks to Shri Govindbhai for bringing out this article.
  I think I am a rationalist but at the same time I am a human being with feelings and emotions and likings and disliking. Rationalists are not like a machine but humanitarians with altruism and always ready to help.

  Liked by 1 person

  1. વહાલા ભાઈશ્રી નીતીનકુમાર,
   ‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘રૅશનાલીઝમ અને લાગણી’ને આપના બ્લૉગ પર ‘Pingback:’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગોવીન્દ મારુ

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s